Angat Diary - Jivannaiya in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - જીવનનૈયા

અંગત ડાયરી - જીવનનૈયા

અંગત ડાયરી
============
શીર્ષક : જીવનનૈયા
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ :૦૨, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર

બાળપણ અને વૃદ્ધાવસ્થા એ બંને જીવન સાગરમાં કિનારાઓની નજીક હોય છે. બાળપણ હજુ કિનારો છોડી રહ્યું હોય છે અને વૃદ્ધાવસ્થાની ગતિ કિનારા તરફની હોય છે. બંને અવસ્થામાં જીવનનૈયા ધીમી ચાલતી હોય છે, બાળપણને જ્ઞાન અને સમજનો અભાવ નડે છે અને બુઢાપાને અશક્તિ નડે છે. ભરપૂર તેલ કે ધી પૂરેલા કોડિયાની વાટને પ્રગટાવો એ પછીની શરૂઆતની ક્ષણો એટલે બાળપણ, એમાં વાટ પણ હજુ પૂરેપૂરી સળગી ન હોય, તેલ પણ છલોછલ હોય. બીજી તરફ દીવો ઓલવાઈ જવાની અંતિમ ક્ષણો નજીક હોય એ સમય એટલે બુઢાપો, એમાં વાટ પૂરેપૂરી સળગી ચૂકી હોય, ઘી-તેલ પણ વપરાઈ ચૂક્યા હોય. દાદા-દાદી કે નાના-નાનીના ખોળામાં રમતા પૌત્ર-પૌત્રીઓ એટલે બંને કિનારાઓનું અદ્ભૂત મિલન. સંયુક્ત કુટુંબોમાં આવા બે કિનારાઓના મિલનના આનંદદાયક દૃશ્યોના દર્શન કોઈ તીર્થસ્થાનના દર્શન જેટલી જ પ્રસન્નતા આપતા હોય છે.

યુવાની એટલે મજધાર, મધદરિયો. પૂર્ણ રીતે ઝળહળતો દીવો. વાટનો મોટોભાગ સળગતો હોય અને કોડિયું હજુ ભરેલું હોય. નસેનસમાં શક્તિ સંચાર થયો હોય અને દિલો-દિમાગ જ્ઞાન-સમજથી ઉભરાવા લાગ્યા હોય. બીક-ભયના અંધારા એની નજીક ફરકવાની હિમ્મત ન કરતા હોય. એની હાજરીને નજરઅંદાજ કરવાની ઝુરુરત કોઈ કરે તો એના ધૂમ બાઈકનું લીવર ટોપ પર પહોંચે. જીવને દાવ પર લગાડવાની એને પળે પળે ઝંખના જાગતી હોય. એક રાજકીય ડિબેટમાં કોઈ પ્રવક્તાએ મસ્ત વાક્ય કહ્યું હતું: ગાડીનો ડ્રાઈવર વૃદ્ધ (એટલે કે અનુભવી) હોવો જોઈએ પરંતુ એના પૈડાં તો યુવાન (એટલે કે નવા નક્કોર) જ હોવા જોઈએ.

ટીવી પરના બેક દૃશ્યો કે સમાચારો જોઈને ‘યુવા પેઢી બગડી છે’ એવું મંતવ્ય બાંધી લેતા પહેલા ઘરની બહાર નીકળી જરા ઓબ્ઝર્વ કરજો. હાઈવે પર ચાલતા રોડ-રસ્તા-પુલોના બાંધકામમાં એ જ યુવાની પોતાનો પરસેવો અને સરહદની રક્ષા કાજે એ જ યુવાની પોતાનો પ્રાણ રેડી રહી છે. હોટેલ્સ - મોલ્સ - હોસ્પિટલ્સના કાઉન્ટરથી શરુ કરી કારખાનાઓની ભઠ્ઠીના તાપ સામે એ જ યુવાની અડીખમ ઊભી છે. યુવાની એટલે હાઈલી ઇન્ફ્લેમેબલ મટીરીયલ સહેજ અમથી ચિનગારી-તણખો-પ્રોત્સાહન કે પ્રેરણા એને મળે એટલે પ્રલય કે નિર્માણ એ ચપટી વગાડતા કરી નાંખે. એ ચિનગારી કે પ્રોત્સાહન આપનાર શિક્ષકને ચાણક્ય જેવા મહાન વિચારકે અમથા ‘અસાધારણ’ કહ્યા છે!

વશિષ્ઠ-વિશ્વામિત્ર જેવા શિક્ષકે રામ જેવા યુવાનને એવી ચિનગારી-પ્રેરણા-શિક્ષણ આપ્યું કે ભારતને ‘રામ રાજ્ય’ની વ્યવસ્થા મળી. જીવન સાગર પાર કરવા માટેના અનેક માર્ગ છે જેમ કે રામમાર્ગ, કૃષ્ણમાર્ગ, ગાંધીમાર્ગ. આજે કોઈ યુવાન છાતી ઠોકીને કહી શકે એમ છે કે એ ક્યા માર્ગ પર ચાલે છે? રામનો માર્ગ મર્યાદાનો હાઈવે છે, કૃષ્ણનો કર્મનો હાઈ વે, ગાંધીજી સત્ય અને અહિંસાના માર્ગે કિનારે પહોંચવાની દિશા ચીંધે છે. સાંઠ-સીતેર વર્ષનો વૃદ્ધ શેરબજારમાં ફાંફાં મારતો હોય કે પાંત્રીસ વર્ષનો યુવાન આપઘાતના વિચાર કરતો હોય તો એ બંને ગેરમાર્ગે છે. તમે ક્યાં માર્ગ પર છો?

જિંદગીનો અસલી હિસાબ ગાડી-બંગલા કે બેંક બેલેન્સનો સરવાળો નહિ, સમજ, શક્તિ અને શ્વાસના સરવાળા બાદબાકીથી થાય છે. તમે આખી જિંદગી દરમિયાન તમારા શ્વાસ ક્યાં ઇન્વેસ્ટ કર્યા? સંતો ધ્યાન, સેવા અને સત્સંગમાં શ્વાસ ઇન્વેસ્ટ કરે છે અને રાક્ષસો ભ્રષ્ટાચાર, કૌભાંડ અને વ્યસનમાં. બાળકનો ગંભીર ચહેરો અને વૃદ્ધની લાલચ ભરી આંખ એ સમાજ-વ્યવસ્થા પર બહુ મોટો તમાચો છે. તમારી ભીતરે જે સાત્વિકતા છે, સંતત્વ છે, સાધુતા છે એને સમાજમાં ચાલતી અવ્યવસ્થા કે દુષ્કૃત્યો પ્રત્યે સૂગ, નફરત કે ગ્લાનિ થતી હોય તો વિશ્વાસ રાખજો તમારી ભીતરે રહેલા ઈશ્વરત્વના-કૃષ્ણત્વના બીજ અંકુરિત થઈ રહ્યા છે. કૃષ્ણ જ કહી ગયા છે: સંભવામિ યુગે યુગે.

મઝધારે ઉછળતાં મોજાં જોઈ ગભરાઈને કિનારા પકડી બેઠેલાં અંગતોને એટલું જ કહેવું છે:
"કિનારે નાગરેલા જહાજો
વધુ સલામત હોય છે
પરંતુ જહાજો
એ માટે નથી હોતા."
બાકી તમે ખુદ સમજદાર છો..

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)

Rate & Review

Hetal Togadiya

Hetal Togadiya 1 year ago

Kamlesh K Joshi

Kamlesh K Joshi Matrubharti Verified 2 years ago

Parul

Parul Matrubharti Verified 2 years ago

Dr. Ranjan Joshi

Dr. Ranjan Joshi Matrubharti Verified 2 years ago