Hume tumse pyar itna - 1 books and stories free download online pdf in Gujarati

હમેં તુમસે પ્યાર ઇતના - 1

પ્રકરણ- પ્રથમ/૧

‘હેય.. વેઈટ વેઈટ.. પ્લીઝ યાર, મને શર્ટનાં બટન તો ઓપન કરવા દે.’
હજુ રાજન તેનું સેન્ટેન્સ પૂરું કરે ત્યાં તો.. મેઘનાએ રાજનના શર્ટનાં પહેલાં બટન પાસેથી એક હાથ જમણી અને બીજો હાથ ડાબી તરફ આવેગમાં ખેંચતા શર્ટના લીરાં સાથે બટન રૂમમાં ચારેબાજુ વિખરાઈ ગયા.

‘વ્હોટ વેઈટ? યુ નો રાજન, જિંદગી કેટલી ટૂંકી છે?” રાજનના કેશથી છવાયેલી છાતી પર તેનું માથું ઢાળીને આંખો મીંચી દેતા મેઘનાએ પૂછ્યું.

મેઘનાના રેશમી અને ખૂશ્બુદાર કેશથી ઢંકાયેલા તેનાં ચહેરા પર આવેલી લાલીની અનુભૂતિથી મેઘનાનાં કપાળ પર ચુપકીદીથી ચુંબન ચોડીને રાજ પૂછ્યું,

‘કેટલી?’

રાજનની હડપચી પર કીસ કરતાં મેઘના બોલી.
‘બે સેકંડ વચ્ચેના સમય જેટલી. બદમાશ.’

મેઘના વોરા.

શહેરની પ્રતિષ્ઠિત ખાનગી કો-ઓપરેટીવ બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતાં, નિવૃત્તિને આરે આવેલાં મધ્યમવર્ગ પરિવારના એક માત્ર મોભી વિધુર જવાહર વોરાની બે પુત્રીમાંથી ૨૬ વર્ષીય નાની પુત્રી એટલે અનહદ અલ્લડ અને મસ્તીખોર મેઘના વોરા. મેઘનાની મોટી બહેન ઈશિતાએ ગત વર્ષ અરેન્જડ મેરેજ કર્યા બાદ સાઉથ આફ્રિકામાં સેટલ થઈને તેના સુખી સંસારના લગ્નજીવનની શુભ શરૂઆત કરી હતી.

મેઘના, એમ.એ. વિથ ઈંગ્લીશનો અભ્યાસ પૂરો કરીને તેની અંગત સહેલી મંજરીના કોચિંગ ક્લાસમાં જોબ કરતી હતી.

રાજન નાયક.
મૂળે મહારાષ્ટ્રીયન. પણ બચપણથી વિપરીત સમય સંજોગોને આધીન થઈને તેમના પરિવારે વતનથી સ્થળાંતર કર્યું હતું. રાજન તેમના માતા-પિતાનું ચોથું સંતાન. ૨૭ વર્ષીય રાજનને અઢી વર્ષ પહેલાં જ એક રેપ્યુટેડ મલ્ટીનેશનલ કંપનીમાં કોમ્પ્યુટર ઈન્જિનીયર તરીકે જોડાવા માટે પરિવારથી અલગ થવું પડ્યું હતું. તે શહેરમાં તેના એક બેચલર મિત્ર સાથે તેનો ફ્લેટ શેર કરતો હતો. રાજન માત્ર કોમ્પ્યુટર જ નહીં પણ ડીજીટલ ટેકનોલોજીની દુનિયા પાછળ એટલો પાગલ હતો, કે તે જયારે કોઈ કામ હાથમાં લ્યે પછી તેમાં તે એટલો મશગુલ થઈ જતો કે સમય, સ્થળની સાથે લંચ કે ડીનરનો ટાઈમ પણ ભૂલી જતો. તેનું એક જ સપનું છે એક નામાંકિત હેકર બનવાનું.

મેઘના અને રાજન વચ્ચે, પ્રથમ અનાયાસ મુલાકાતથી જ ફૂટેલા પ્રેમાંકુરથી પ્રારંભ થયો. અત્યંત રોમાંચરસથી પ્રચુર અને બેહદ દિલચસ્પ એક અવિસ્મરણીય રોમાન્ટિક પ્રેમ કથાનો.

એક ચોમાસાની સાંજે, સાતેક વાગ્યાની આસપાસ મેઘના તેના નજીકમાં આવેલાં કોચિંગ કલાસથી આવીને બસ સ્ટોપ પર ઊભી હતી. ઘર પંદરથી વીસ મિનીટના વોકિંગ ડીસટન્સ પર જ હતું. પણ આજે પુરા દિવસનાં બીઝી શેડ્યુલનાં કારણે તે થાકનો અનુભવી રહી હતી. અને વરસાદી વાતવરણ પણ હતું. એટલે તેણે બસમાં જ જવાનું વિચાર્યું. થોડીવાર પછી ઝરમર ઝરમર વરસાદમાં પલળતો રાજન એ જ બસ સ્ટોપની રૂફ નીચે આવીને માથું ધુણાવ્યા પછી ભીનાં વાળમાં હથેળી ઘસીને શક્ય એટલાં વાળને કોરા કરવાંનો પ્રયત્ન કર્યો. પહેલી નજરમાં કોઈને પણ હિપ્નોટીઝ કરે તેવી આંખોના જાદુ સાથે ફૂલગુલાબી માસુમ ચહેરાની લાલી જોઇને એમ લાગતું કે કોઈ ચૂંટી ખણે તો જાણે કે હમણાં લોહીનો ટસીયો ફૂંટી નીકળશે. ડાર્ક ગ્રીન ટી-શર્ટ અને લાઈટ બ્રાઉન ટ્રાઉઝરમાં ફુલ્લી હેન્ડસમ લાગતો હતો. થોડીવારમાં જ વરસાદી વાછટનું જોર એટલું વધ્યું કે બન્ને લગભગ ભીંજાઈ ચુક્યા હતાં.

પાંચ ફૂટ સાત ઈંચની હાઈટ મુજબના સપ્રમાણ શરીરના બાંધા સાથે ઘૂંટણ સુધીના વ્હાઈટ સ્કીન ટાઈટ ઝીન્સ અને તેની પર ગ્રે કલરનું ટીશર્ટ હવે તેની મખમલી કાયાના વળાંકો સાથે ચોંટી ગયું હતું, મુલાયમ માદક ઘાટીલા ઉભારો, રસીલા ગુલાબી હોંઠોથી ટપકતાં વરસાદી વાછટનાં ઝાકળબિંદુ જેવા ટીપાં, ભીની ઝુલ્ફો, મેઘનાની સાવ કોરીકટ્ટ જાત માટે તો જાણે કે આ આવેગનું ચોમાસું હતું.

હવે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તે જોઈ એવું લાગતું હતું કે નજીકમાં કોઈ બાંધ તુટ્યો હશે. ચારે બાજુ પાણી ભરાવા લાગ્યું.

‘આપ બસની વેઈટ કરો છો? ’ રાજનને મેઘનાને પૂછ્યું
‘જી.’
‘બસ નહીં આવે.’ રાજન બોલ્યો.
‘કેમ?’ એકદમ આશ્ચર્ય સાથે મેઘનાએ પૂછ્યું.

‘હું ત્યાં આગળ જ ઊભો હતો, ત્યાં બોર્ડ મારેલું છે કે આગળના રૂટ પર રસ્તો બ્રેક થયો છે, એટલે બસના રૂટ્સ ડાઈવર્ટ કર્યા છે. ત્યાં મને કોઈ ઓટો કે ટેક્ષી ન મળી તો મને એમ કે થયું કે અહીંથી મળી જશે, એટલે અહીં સુધી ચાલતો ચાલતો આવ્યો તો... વરસાદે રસ્તામાં ઘેરી લીધો.’ રાજને જવાબ આપ્યો.
‘ઓહ..તો તો હવે ઓટો કે ટેક્ષીની જ રાહ જોવાની રહી એમ ને?” મેઘનાએ પૂછ્યું.
‘નો વે.' રાજન બોલ્યો.
બન્નેએ પદરેક મિનીટ્સ વેઈટ કરી. પણ કોઈ વિહિકલ ન મળ્યું. હવે વરસાદની તીવ્રતા સાવ સામાન્ય થઈ ગઈ હતી.



‘તમારે કઈ બાજુ જવાનું છે?’ મેઘનાએ પૂછ્યું.
‘એપલ વુડ ટાઉનશીપ.’ રાજને જવાબ આપ્યો.
‘ઓહ.. મારે પણ ત્યાં જ જવાનું છે.’ રાજનની સામે જોઈને મેઘના બોલી.
‘તમને એક વાત કહું ’ રાજને મેઘનાની સામે જોતાં પૂછ્યું.
‘જી, કહો.’ મેઘના બોલી.

‘મૌસમનો પહેલો વરસાદ પણ આજે જ પડ્યો. છેલ્લી પિસ્તાળીસ મિનિટથી ફક્ત આપણે બંને જ અહીં એકલા ઉભાં છીએ. બસના રૂટ પણ આજે જ બંધ છે. કોઈ ટેક્ષી કે ઓટોવાળો ખબર નહીં, કયાં કારણે પીક-અપ નથી કરતો. અને બંનેને એક જ દિશામાં જવાનું છે. આટલાં બધા કો- ઈન્સીડેન્સ એક સાથે હોય, તેનો શું મતલબ?’

થોડી ક્ષણો સુધી મેઘના રાજનની સામે જોઈને વિચાર્યા પછી બોલી,
‘આઈ થીંક કે હું જે વિચારી રહી છું, એ જ તમે વિચારી રહ્યા છો?”
ચહેરા પરના પ્રશ્નાર્થભાવ સાથે મેઘનાએ પૂછ્યું.
‘અને બે અજનબીને એક જ સમયે, એક જ સરખા થોટ્સ આવવાં એ પણ સૌથી મોટો મિરેકલ જેવો કો- ઈન્સીડેન્સ નથી લાગતો?’
ઉત્સાહમાં આવીને રાજને પૂછ્યું,
‘મેઘના.’ શેકહેન્ડ માટે રાજન તરફ હાથ લંબાવતા મેઘના બોલી.
‘રાજન.’ હાથ મીલાવતાં રાજન બોલ્યો.

એ પછી બન્નેએ ધીમી ધારે વરસતા વરસાદમાં પલળતાં, ધીમે ધીમે ઘર તરફ ચાલવાના પ્રયાણની શરૂઆત કરી.
એ પછી વાતચીતના દોરનો પ્રારંભ કરતાં રાજન બોલ્યો,
‘તમને એવું નથી લાગતું છે કે કયારની આપણા બન્ને વચ્ચે મનોમન ચાલી રહેલી, પેલી લખનૌની રવાયતની માફકની મનોમંથન ... ‘પહેલે આપ.. પહેલે આપ’ નાં કારણે, આપણી આ પિસ્તાળીસ મિનીટ નાહકની વરસાદમાં ધોવાઈ ગઈ હોય? ’

મેઘના એક હળવા હાસ્ય સાથે બોલી,
‘હમમમમ હા, પણ એ રવાયતનાં અનુસંધાનને અનુસરતાં, તેને હું એ નજરે જોઈ રહી છું, કે શાયદ આવનારા સમયને ધ્યાનમાં રાખીને લખાવા જઈ રહેલા કોઈ મહાગ્રંથની કોઈ સુંદર પ્રસ્તાવના પણ હોઈ શકે.’

વીજળીના ચમકારા જેટલી ક્ષણમાં મેઘનાની આંખોમાં રાજનની આંખો પડી. તે ક્ષણ પછી મેઘના જે હદે વિચલિત થઈ હતી, તેની મેઘનાની કારણ વગરની બોડી મુવમેન્ટ પરથી રાજનને ખ્યાલ આવી ગયો. તે ઉપરાંત, મેઘનાના આવા પ્રત્યુતર બાદ, રાજનના આંશિક અનુમાનને સમર્થનની મૂક સંમતિ મળી ગઈ હતી.

‘અરે.. હા એ દ્રષ્ટિકોણ તરફ તો મારું ધ્યાન ગયું જ નહીં. યુ આર અબ્સોલ્યુટલી રાઈટ. પણ એમાં વાંક મારો છે. બીકોઝ કે મારામાં સ્હેજ પણ પેશન નથી.’
હથેળી લંબાવીને ખોબામાં ઝીલેલાં વરસાદનાં પાણીને ઉડાડતાં રાજન બોલ્યો.

‘સોરી, પણ હું તમારી આ વાત સાથે એગ્રી નથી.’ રોડ પર ભરાયેલા પાણીને પગેથી કિક મારીને ઉછાળતાં મેઘનાએ કહ્યું.

‘કેમ?’ એ તમે કઈ રીતે માર્ક કર્યું?’ મેઘનાની વાતથી રાજને આશ્ચર્ય સાથે પૂછ્યું.

રાજનની સામે જોઈને મેઘના બોલી,
‘ મિ.રાજન, જો તમારામાં પેશન ન હોત તો....' હજુ મેઘના તેનું વાક્ય પૂરું કરવાં જાય, ત્યાં જ તેમની નજીકથી પસાર થયેલી કારની તેજ ગતિથી જે પાણીનો ધોધ વછુટ્યો, તેનાથી બન્નેએ જાણે કે ફરી એકવાર ધોધમાર ઝાપટાંનો અનુભવ કર્યો હોય એવું લાગ્યું. એટલે બન્ને એક બીજાની સામે જોઈને ખડખડાટ હસવાં લાગ્યા. એ પછી મેઘના બોલી,
‘આ ગયો એ, તમારો કોઈ ભાઈ જ લાગે છે.’
ફરી રાજનએ પૂછ્યું. ‘કેમ?’
‘પેશનનો છાંટો પણ નથી. છતાં આટલી ઉતાવળે સરખાઈથી એક જ સેકન્ડમાં બન્નેની હાલત મરઘા જેવી કરીને જતો રહ્યો એટલે.' આટલું બોલીને મેઘના ફરી હસતાં હસતાં આગળ બોલી,

‘તમારામાં પેશન ન હોત તો.. તમે ત્યાં પિસ્તાળીસ મિનીટ વેસ્ટ ન કરી હોત. સમજ્યા?' રાજનની સામે જોઈને મેઘના બોલી.

‘પણ સાચું કહું? ઘડિયાળનાં કાંટે ચાલતી અને લખપતિ બનવાનાં લક્ષ્ય પાછળ, મેરેથોન રેસમાં દોડતાં આ મહાનગરની ભીડમાં, ટાઈમ મશીન જેવી જિંદગી સાથે જોતરાઈને કયારેક ઘાંચીના બળદ જેવી ફીલિંગ્સ આવે છે. આજે પહેલીવાર ભાગતાં મન અને ભીંજાતા તનને બ્રેક મારીને થોડીવાર એમ થયું કે જાતને મળીને જોઈ લઉં કે જીવંત છું કે જડ?’

‘તમે જીવંત જ છો પણ..અંત આવી ગયો હવે આપણી મંજીલનો. પરિચય પૂરો થાય એ પહેલાં પંથ પૂરો થઇ ગયો. સો નાઈસ ટુ એન્જોયિંગ ફર્સ્ટ રેઇન વિથ યુ અને મૌસમના પહેલાં વરસાદમાં અહીં સુધી સાથ આપવા માટે થેન્ક્સ.’
હાથ લંબાવતા રાજનની સામું જોતાં મેઘના બોલી.
હાથ મિલાવતા રાજન બોલ્યો,
‘ખુબસુરત સાથ સાથે ખુબસુરત માહોલ વચ્ચે ખુબસુરતીથી પ્રતીક્ષાની પરિભાષાનો પરિચય કરાવવા માટે હું આપનો આભારી છું.’


‘પ્રતીક્ષાને આત્મસાત કરવા માટે કયારેક કોઈ કૂંપળની પૂર્ણતઃ પુષ્પમાં તબદીલ થવા સુધીની સંપૂર્ણ પ્રકિયાને નિહાળ્યા પછી, મને કે તમને સમજાશે, પરફેક્ટ પ્રતીક્ષાની ડેફીનેશન. બાય’

એટલું બોલીને મેઘના સોસાયટીના ગેઈટમાં એન્ટર થઈને ગાયબ થઈ ગઈ. અને રાજન, એ ભ્રમમાં થાંભલાની જેમ ત્યાં જ ખોડાઈ રહ્યો, કે હમણાં મેઘના પાછું વળીને એક નજર કરશે જ. પછી મનોમન બબડતો ફ્લેટ તરફ ચાલવાં લાગ્યો કે આજથી હિન્દી ફિલ્મો જોવાનું બંધ.

રાત્રે મોડે સુધી બેડમાં પડ્યાં પડ્યાં, એક એક દ્રશ્યને સ્લો મોશન મોડ પર મુકીને
મેઘના અને રાજન ભીંજાતા રહ્યા. બન્નેને એવું લાગ્યું હતું કે.. આજના જોગાનુજોગનું સર્કલ સંપૂર્ણ થવામાં કોઈ એક કડી હજુ ખૂટી રહી છે. ખુબ મોડે સુધી એ ખૂટતી કડીનું ઈમેજીન કરતાં કરતાં બન્ને છેવટે ઊંઘી ગયા.


નેક્સ્ટ ડે.
એ જ ગઈકાલનો સમય. અને એ જ સ્થળ. ડાર્ક બ્લ્યુ કલરના સ્કીન ટાઈટ જીન્સ ઉપર લાઈટ પિંક કલરના ઓફ સોલ્ડર ટોપમાં, આજે રોજ કરતાં મેઘનાનો નિખાર કંઈક વધારે જ આંખે ઉડીને વળગે તેવો હતો. મેઘના, તેનાં ડેઈલી રુટીન ટાઈમ ટેબલ મુજબ, બસ સ્ટોપ પર ચારથી પાંચ પેસેન્જર્સની હરોળમાં, બસની રાહ જોતી ઊભી હતી. ડિસ્પ્લે પર જોતાં બસને આવવાની હજુ દસેક મિનીટની વાર હતી. પણ તે બેધ્યાન હતી. થોડી થોડી વારે આજુબાજુ, આગળ પાછળ જોયા કરતાં, તેની હરકત પરથી એવું લાગતું હતી કે તેની નજર કોઈની પ્રતીક્ષામાં હતી.

‘હાહાહાહાઈઈઈઈઈ... ગૂડ ઈવનિંગ.’ અચનાક મેઘનાની બેક સાઈડથી સાવ નજીક આવીને કોઈએ મીઠાં સુરીલા સ્વરમાં બોલતા ફરીને જોયું. મેઘનાની આંખો અને ચહેરા પર જાણે કે પૂનમનાં ચાંદ જેવી ચમક અને રોશની ફેલાઈ ગઈ.
રાજન તરફ હાથ લંબાવતા બોલી.
‘ઓહ.. ગૂડ ઇવનિંગ. વ્હોટ એ પ્લેઝર સરપ્રાઈઝ.’
‘મને એમ થયું કે ગઈકાલનો એ જ સમય અને એ જ સ્થળ છે તો કદાચ બની શકે કે વ્યક્તિ પણ એ જ હોય શકે ?’ રાજન બોલ્યો.
સ્કાય બ્લ્યુ કલરના જીન્સ પર પર્પલ કલરનના ફૂલ સ્લીવ ટી-શર્ટમાં સ્હેજ અસ્ત વ્યસ્ત હેર સ્ટાઈલમાં બન્ને હાથની હથેળીઓને જીન્સના ફ્રન્ટ પોકેટમાં ભરાવીને ટટ્ટાર ઉભેલો ચોકલેટી રાજન, મેઘનાને તેની ઈમેજીની હદથી વધારે હેન્ડસમ લાગતો હતો.
‘હમ્મ્મ્મ.. પણ આવો વિચાર તમને આવ્યો કેમ?’
રાજનની સામે જોઈને મેઘના બોલી.
‘ લાસ્ટ નાઈટ તમારી પ્રતીક્ષાના ડેફીનેશનને રટી રટીને ઘુંટતો રહ્યો એટલે.’
ચહેરા પર તેની હથેળી ફેરવતા રાજન બોલ્યો.

‘એટલે .. હું કંઈ સમજી નહી?'
વારંવાર પવનની લહેરખીથી તેના ચહેરા પર આવતી લટોને સરખી કરતાં મેઘનાએ પૂછ્યું.

‘એમ કે આખી રાત પોપટની જેમ પઢીને કંઠસ્થ કરેલી તમારી પ્રતીક્ષાની પરિભાષાની પરીક્ષામાં હું પાસ થઈશ કે નહી, તેની ઈન્તેઝારીમાં છેલ્લાં બે કલાકથી તમારી રાહ જોઈ જોઈને હવે હું પોપટ જેવો થઇ ગયો છું.’

‘ઓહહ.. માય ગોડ.’ ખડખડાટ હસતાં મેઘના બોલી..
‘આર યુ ક્રેઝી? આઈ કાન્ટ બીલીવ ધીઝ. તમે તો માત્ર કલાકોમાં જ મારી જસ્ટ મજાકમાં કરેલી વાતને આટલી સીરીયસલી લઈને પ્રુવ કરી બતાવ્યું કે..’
હજુ મેઘના તેનું સેન્ટેન્સ પૂરું કરે ત્યાં વચ્ચે જ રાજન બોલ્યો.


‘અને તમે પણ એ જાણવા આતુર છો કે.. મજાકની આડમાં કરેલી વાતને હું કેટલી સીરીયસલી લઉં છું એમ?”
‘રાજનની આંખમાં જોઈને મેઘના બોલી..
‘ હેય.. પણ એ તમે કઈ રીતે નોટ કર્યું?’ આર યુ મેજીશિયન? નાઉ આઈ થીંક કે તમારું થીંકીંગ મારી સોચની મર્યાદા બહારનું છે.’

‘ હું ત્યાં મારી બુલેટ પર બેઠો બેઠો છેલ્લી દસ મિનીટથી તમારી બોડી લેન્ગવેજ પરથી એ ઈમેજીન કરી રહ્યો છું કે, તમે પ્રતીક્ષા કરી રહ્યા છો કે, પ્રતીક્ષાની પરીક્ષા લઈ રહ્યા છો કે આપી રહ્યા છો?'

થોડી દુર પડેલી રાજનની બુલેટ જોઈને હસ્યાં પછી મેઘના બોલી.
‘જો હવે તમે આ આતુરતાનો અંત લાવીને મને તમારી બુલેટ પર લીફ્ટ આપો તો હું તમારા સવાલનો જવાબ આપું.’

‘વેલકમ.’ બુલેટ તરફ હાથ લંબાવીને ઈશારો કરતાં રાજન બોલ્યો.
‘જેવા બુલેટ પર બેસવા જાય છે ત્યાં મેઘનાએ કહ્યું.
‘હું સામેના સ્ટોલ પરથી વોટર બોટલ લઇને આવું.’
‘પ્લીઝ, વેઈટ હું લઇ આવું છું .જસ્ટ એ મિનીટ.’ એમ બોલીને રાજન પાણીની બોટલ લેવા ગયો. ત્યાં મેઘનાએ બુમ પડતાં કહ્યું. ‘રાજન... ચિલ્ડ લેજો.’
રાજનએ થમ્સઅપનો ઈશારો કર્યો.


રાજન બોટલ લઈને આવ્યો ત્યાં મેઘના ફ્રન્ટસીટ પર બેસીને રાજનને તેની પાછળ બેસી જવાનો ઈશારો કર્યા પછી બોલી.
‘ બે કલાક નહી, છેલ્લાં પંદર કલાકની પ્રતીક્ષા કોને કહેવાય એ હવે તને મેઘના સમજાવશે રાજન. નાઉ આઈ કિડનેપીંગ યુ.’

આટલું બોલીને મેઘનાએ તેનાં બાંધેલા વાળને છુટ્ટા મુકીને તેની અલ્લડ અદામાં આવીને જે સ્પીડથી બુલેટ દોડાવી તે જોઈ ને રાજન મનોમન ગણગણવા લાગ્યો..

‘રોજ શામ આતી થી.... મગર ઐસી ન થી....’


આગળ... આવતાં અંકમાં.


© વિજય રાવલ


'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.