Hume tumse pyar itna - 8 books and stories free download online pdf in Gujarati

હમેં તુમસે પ્યાર ઇતના - 8

પ્રકરણ- આઠમું/૮

‘તમે આવ્યા તે દિવસથી રાજન ગાયબ છે, તેમના પેરેન્ટ્સ પર તે એક ચિઠ્ઠી લખીને જતો રહ્યો છે. તેના પેરેન્ટ્સ પણ તેને શોધે છે. પણ કોઈ જ ભાળ મળતી નથી.’

રાજનના આવાં અકલ્પિત રીએક્શનનો સંદેશો મળવાથી મેઘનાના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેને ચિંતા એ હતી કે જો કદાચને તેના પેરન્ટ્સ પોલીસ કપ્લેઈન કરશે.... તો તો કોલ ડીટેઇલના આધારે આ રમખાણનો રેલો તેના ઘર અને મીડિયા સુધી પહોંચશે. અને તેણે આપેલા બલિદાનની સાથે સાથે આબરૂના પણ લીરે લીરાં ઉડે જશે એ અલગથી.

હવે ? શું કરવું ? કોને કહેવું ? ગભરાતાં ગભરાતાં સુકાતા ગળે બોલી.

‘સરફરાઝ...એ ગયો ત્યારે તમારી જોડે કંઈ વાત થઇ હતી ? કશું બોલ્યો હતો ? આટલું તો મેઘના માંડ બોલી શકી.

‘એ ક્યારે જતો રહ્યો એ જ ખ્યાલ નથી. તમારા ગયા પછી મારી સાથે કંઈ જ વાત નથી થઇ. સરફરાઝે જવાબ આપ્યો.
સ્હેજ સ્વસ્થ થઈને મેઘનાએ ફરી પૂછ્યું.

‘તેમના પેરેન્ટ્સ સાથે તમારે શું વાતચીત થઇ ?’
‘મેં કહ્યું કે આ ચિટ્ઠી મુકીને જતો રહ્યો છે બસ. બીજું કશું હું જાણતો નથી એવું મેં કહ્યુ.’
સરફરાઝે જવાબ આપ્યો.

‘એ પછી તેઓ એ શું કર્યું..? આઈ મીન કે... રાજનને શોધવા માટે ?
મેઘનાના માનસિક મંથનમાંથી એક પછી એક સવાલો નીકળ્યા જ કરતાં હતા.

‘રાજનના ફ્રેન્ડ સર્કલમાં સૌને પૂછ્યું પણ મને લાગે છે કે ક્યાંયથી કોઈ સંતોષકારક રીપ્લાઈ મળ્યો નથી.અને પોલીસ ફરિયાદ કરવાના હતા પણ....’
‘પણ......પણ શું ?’ એક સેકન્ડ માટે

મેઘનાના શ્વાસ સ્થગિત થઇ ગયા.

‘રાજને તેની ચિટ્ઠીમાં સાફ શબ્દોમાં લખ્યું છે કે....

મને શોધવા માટે કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરશો તો...હું જીવ આપી દઈશ. હું મારી જાતે જ સામેથી તમારો કોન્ટેક્ટ કરતો રહીશ.’

અસહ્ય વેદનાની પીડાનો બહાવ મેઘનાની આંખોથી છલકાયેલા આંસુના અશ્વ પર સવાર થઈને તેના ગાલ ભીનાં કરતો રહ્યો.
‘મેં તમને એલર્ટ રહેવા માટે કોલ કર્યો છે.’ સરફરાઝ બોલ્યો.
ગાલ લુંછતા લુંછતા મંદિરના એક્ઝીટ ગેઇટ તરફ જતાં મેઘના બોલી,
‘પણ, હવે મને ક્યારેય કોલ ન કરતાં પ્લીઝ.’
એટલું બોલીને મેઘના ઝડપથી ચાલવા લાગી.
‘જી’ કહીને સરફરાઝે પણ કોલ કટ કર્યો.
સરફરાઝને મેઘનાના મીસ બિહેવિયર પર સ્હેજ ગુસ્સો પણ આવ્યો.

ચહેરો અને ચિત્ત બંને સ્વસ્થ કરીને ઘરમાં દાખલ થતાં જ મેઘના એ જોયું તો દિનકર પરસાળમાં તેની એકહત્થું સરકાર જેવી આરામ ખુરશીમાં લંબાવીને કોઈ ધાર્મિક પુસ્તક વાંચી રહ્યા હતા.
મેઘનાને એકલી આવતાં જોઇને નવાઈ સાથે બોલ્યા,

‘કેમ તું એકલી, લલિત ક્યાં છે ?’
દિનકરના પ્રશ્ન પરથી પરિસ્થિતિ સમજીને સાંભળતા મેઘના બોલી,

‘એમને કંઈ કામ યાદ આવ્યું, એટલે મને કહ્યું કે, તું પહોંચ ઘરે હું આવું છું થોડીવાર માં.’
એટલું બોલીને દિનકરને પ્રસાદ આપીને મેઘના કિચનમાં જતી રહી.

‘ઠીક છે.’ દિનકર બોલ્યા.

‘મંદિર ખુબ સરસ અને છે હોં, પપ્પા.’ મેઘના ડીનરની તૈયારી કરતી બોલી.

‘હા, એ અમારા સૌ ટ્રસ્ટીઓની નિસ્વાર્થ ધર્મ પ્રત્યેની લાગણી અને ધગશનું પરિણામ છે. અને ખાસ તો આંખે ઉડીને વળગે એવી બાબત છે ત્યાંની સ્વચ્છતા. પણ દીકરા મારી તો દરેક ધર્મસ્થાન માટે એક જ માન્યતા છે કે...
ધર્મસ્થાન પવિત્ર નથી, પણ જે પવિત્ર છે એ ધર્મસ્થાન છે.’

‘અરે વાહ ! મને આ તમારી આ વાત ગમી.’ મેઘના બોલી.

ત્યાં જ લલિત ઘરમાં દાખલ થતાં બોલ્યો.
‘કેમ છો, પપ્પા ?’

‘હું તો દીકરા પહેલાં થી જ આનંદી કાગડો છું. મને શું તકલીફ હોય ? અને કદાચને તકલીફ પડે તો હવે મારી દીકરી જેવી વહુ આવી ગઈ છે, એટલે હું તો સાવ લહેરી લાલા જેવો થઇ ગયો છું.’ હસતાં હસતાં દિનકરે લલિતને જવાબ આપ્યો.

‘જી ઠીક છે, હું ઉપર મારા બેડરૂમમાં જાઉં છું.’
એમ બોલીને લલિત ઊભો થયો ત્યાં દિનકર બોલ્યા,

‘અલ્યા, અહીં બેસ ને થોડીવાર, કેમ, વહુની શરમ આવે છે તને ? બોલીને દિનકર હસવાં લાગ્યા.

‘પપ્પા, તો પ્રાકૃતિક છે, એ તો જેને આવે એને જ આવે.’

કિચનની બારી તરફ આક્રોશ ભરી નજરે મેઘનાની સામે જોઇ, આટલું બોલીને લલિત ઉપલા માળે તેના બેડરૂમ તરફ જવા દાદરાના પગથિયાં ચડવાં લાગ્યો.

સમય થયો રાત્રીના સાડા અગિયારનો.

લલિત એક કલાકથી આંખો બંધ કરી, બંને પગને બાલ્કનીની રેલીંગ પર ટેકવીને આરામ ખુરશી પર ચુપચાપ પડ્યો હતો.

મેઘના કોઈ પુસ્તક લઈને ફક્ત સમય પસાર કરવા પાના ફેરવતી હતી.
મેઘના રાજને ભરેલા આકરા પગલાને લઈને ચિંતિત હતી. રાજનના બેહદ પ્રેમને ગુમાવી દેવાની લાચારીના આક્રોશમાં બેફામ અને બેરહેમીથી રાજનને તમાચા માર્યા એ દ્રશ્યના સ્મરણની સાથે સાથે મેઘનાને સરવાણી ફૂટી અશ્રુની.

પછી મનોમન હસવાં લાગી. મારી જેમ આ આંસું પણ બેશરમ થઈને ગમે ત્યારે નીકળી પડે છે. શું કરવાનું રોજ રડી ? અને રડવાનું પણ કેટલું ? વોરા અને નાણાવટી બન્ને પરિવારની આબરૂને આંચ ન આવે તેના માટે હવે રોજ ઝેરના ઘૂંટડા પીવાના જ છે. પછી આ રોજના રોદણાવેડાના ખેલ શું નાખવાના ?

ફાટક થી ઊભી થઈને વોશરૂમમાં જઈ ફ્રેશ થઈને લલિત પાસે જઈને ઊભી રહી. લલિત જરૂર કોઈ તીક્ષ્ણ શબ્દબાણથી ઘાયલ કરશે કોઈ એ માનસિક તૈયારી સાથે જ મેઘના તેની પાસે આવી હતી.
બંને એ, રાહ જોઈ રહ્યા કે, કોણ પહેલાં ક્યા ટોપીકથી દલીલબાજીની શરૂઆત કરે ?
અંતે કંટાળીને ઊભા થઈને બેડરૂમમાં આવતાં લલિત બોલ્યો,

‘હું આવતીકાલે બહારગામ જઈ રહ્યો છું.’

હવે મેઘનાએ મનોમન એક કચકચાવીને ગાંઠ મારી લીધી હતી કે, લલિતના કોઈપણ હદના પ્રતિકાર કે રીએક્શનની અસર તેના દિમાગ પર હાવી નહીં થવા દે.
સ્હેજ પણ આશ્ચર્ય વિના મેઘનાએ માત્ર એટલું જ પૂછ્યું,

‘કેટલા દિવસ માટે ?’

‘એ મારે તને જણાવવું જરૂરી નથી.’ બેડ પર આડો પડતાં લલિત બોલ્યો.

‘ઠીક છે.’ લલિતથી દોઢ ફૂટનું અંતર રાખીને મેઘના પણ બેડ પર સૂતા બોલી.
‘હું ગર્ભવતી છું, એ વાત જે તે સમયે સાર્વજનિક કરવાની અનિવાર્ય ઘડી સુધીમાં તો આવી જઈશ ને ?

માર્મિક હાસ્ય સાથે લલિત બોલ્યો,
‘આ વાત કોઈ હરામી સામે નફફટ થઈને ટાંટીયાં પહોળા કરવા સમયે.........’

‘લલિત... શટ યોર માઉથ.. એન્ડ માઈન્ડ યોર લેન્ગવેજ ઓલ્સો, સમજ્યો.'

લલિત હજુ તેની વાત પૂરી કરે એ પહેલાં સ્હેજ ઊંચાં અવાજે ગુસ્સાથી લાલચોળ થયેલી મેઘના હજુ આગળ કશું બોલે એ પહેલાં લલિતે જોરથી મેઘનાના ગાલ પર તેના ભારેખમ ઊંધાં હાથનો એક તમાચો ચોડી દીધો.

તમાચાની તીવ્રતા એટલી હતી કે, લલિતની આંગળીઓમાં પહેરેલી વીંટીઓ છાપ મેઘનાના ગાલ પર ઉપસી આવી. મેઘનાએ તેની લાઈફમાં તમાચો શબ્દ માત્ર સાંભળ્યો જ હતો. લલિતે નિર્દયતાથી કરેલા તમાચાના પ્રહારથી મેઘનાના ઝડબામાં પારાવાર પીડા ઉપડી હતી.

‘આજે ભલે તે તારી ઓવર સ્માર્ટનેસ બતાવવા મારી સામે ઊંચાં અવાજે બોલવાની હિંમત કરી, નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ કરતાં પહેલાં આ તમાચો યાદ કરી લે જે.

લલિતના આ અણધાર્યા અમાનુષી અત્યાચારનો મેઘનાને સ્હેજે અણસાર નહતો. આક્રોશ સાથે મેઘનાને જડેલાં લલિતના એ તમાચાની વેદનામાં, લલિતની અંદર ભડકે બળતાં તેના આત્મસન્માનના જ્વાળાઓના જલનની વાચા હતી.

થોડીવાર સુધી રૂમમાં નિ:શબ્દતા છવાઈ ગઈ. મેઘના હજુ અવાસ્તવિક આઘાતમાંથી બહાર નહતી આવી.
બેડ પરથી ઉઠીને સોફા પર જઈને બેસતાં લલિત બોલ્યો,

‘મેઘના...આટલા વર્ષોના પરિચય પછી પણ તારા માટે લલિત એક નામથી વિશેષ કંઇજ જ નથી એ વાતથી હુ ખુબ સારી રીતે વાકેફ હતો.અને તું મને ઓળખે પણ શા માટે ?

‘મેઘના....

લલિત નાણાવટી કોઈ પર હાથ ઉપાડે એ સ્વપ્નમાં પણ શક્ય નથી. અને એ પણ એ મેઘના પર ? મેઘના.....ગમે ત્યારે હું અડધી રાત્રે કયારેક સફાળો ઝબકીને જાગી જતો’તો મારા મોઢામાંથી પહેલો શબ્દ નીકળતો...

‘મેઘના.’

ઊભો થઈને તેના ટેબલના ડ્રોઅરમાંથી એક ડાયરી કાઢીને મેઘના તરફ બેડ પર ઘા કરતાં બોલ્યો,

‘આ ડાયરીનો એક એક શબ્દ મને કંઠસ્થ છે.’
નીચી નજર ઢાળીને ચુપચાપ આંસુ સારતી મેઘના એ ડાયરી ઉઘાડીને જોયું.

‘ત્રણ વર્ષ પહેલાં પ્રથમ વાર તને જોઈ.. ૧૫ ડીસેમ્બર, તું ક્યા ડ્રેસમાં હતી, ક્યાં દિવસે આપણે વચ્ચે પહેલી વાર વાતાલાપ થયો. તે મને કયારે તારો મોબાઈલ નંબર આપ્યો. ક્યા દિવસે પહેલી વાર ફોન પર કઈ જગ્યાએ થી, કેટલા વાગ્યે, કેટલી મિનીટ વાત થઇ. તારો પહેલો શબ્દ શું હતો, તારા ત્રણ વર્ષના બર્થડે ના દિવસની એક એક યાદગીરી, ત્રણ વર્ષમાં કેટલીવાર ક્યાં ક્યાં રૂબરૂ મળ્યા, તારો ફેવરીટ કલર, ફૂડ,હોબી, ફેવરીટ સ્ટાર, ફેવરીટ ડેસ્ટીનેશન,તારો મૂડ, કેટલી વાર તું મારી સાથે જુત્ઠું બોલી, કેટલીએ વાર તે લલિતને તારી કોઈ ઈમરજન્સી માટે કેશ અને ડેબીટ કાર્ડ તરીકે સ્વાઈપ કર્યો. સાવ હલકી ભાષામાં કહું તો વાપરી લીધો. મિત્રો વચ્ચે તારી સ્માર્ટનેશને તાળીઓ થી વધાવવા મારો એક વિદુષકની માફક ઉપયોગ કરતી રહી. કેમ કે, હું તારા જેટલો હોંશિયાર તો નહતો જ, પણ તને ખડખડાટ હસતાં જોવા મને તારા ઈશારા પર જોકર બનીને નાચવું મને ગમતું હતું. ફેસબુક, જીમેઈલના આઈ.ડી. પાસવર્ડ, એટીએમ કાર્ડ, ઇવન લલિતના હાસ્ય અને રુદનનો પાસવર્ડ પણ મેઘના જ છે. બસ, આ તમાચો ક્યારના મારી આત્મામાં પર પડતાં પડઘાનો એ અનુવાદ છે કે...કેમ....મને તારા પર કોઇપણ સંજોગોમાં ફક્ત પ્રેમ જ થયો,

અને તને ન જ થયો કોઈપણ હાલતમાં ?’

અસ્ખલિત વાણીમાં લલિત તેના ફક્ત અને ફક્ત એકતરફી નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમની પીડનના પરીતાપને પારાવાર પછતાવા સાથેના વર્ણનના અંતે તેના હાથને સોફાના હાથા પર પછાડીને નાના બાળકની માફક અફાટ રુદન કરવાં લાગ્યો.
મેઘના નિરુત્તર જ રહી. લલિતના અસ્મ્ભ્વિત પ્રેમના પરાકષ્ઠાની વૃતાંતકથા સાંભળીને મેઘના એવાં અસાધારણ અસમંજસમાં અટવાઈ ગઈ કે.. એક અનોખી અસાહજીક પ્રકૃતિને તે કઈ રીતે સ્વીકારી શકે ?

થોડી વાર બાદ ખુબ મુશ્કિલથી પોતાની જાતને સંભાળ્યા પછી લલિત બોલ્યો,

‘શું બોલી તું, શટ યોર માઉથ ? મેઘના, મારી માણસાઈ મરી નથી ગઈ, એટલે જ ચુપ છું અને તેથી જ તારા પપ્પા કાન સુધી આ સુનામીના સમાચાર નથી પહોંચ્યા સમજી. મને એમ થાય કે તારા કુકર્મો ની સજાના એ શા માટે ભાગીદાર બને. હું તો એમ સમજીને મારી જાત પર ફિટકાર વરસાવું છું કે, ધરાર જાત છેતરીને તને પ્રેમ કરવાની મને સજા મળી છે. આટલું દુઃખ તો તે મને સરાજાહેર ભારોભાર નરફતથી તિરસ્કાર કરીને મારો ધિક્કાર કર્યો હોત તો પણ ન થાત. તે કોઈની જોડે બિસ્તર ગરમ કર્યું છે, એ માનસપ્રપંચની પરિકલ્પના માત્રથી હું થથરી ઉઠું છું. તને જોઉં છું તો મને એ અજાત શત્રુ પ્રત્યેની મારી ધૃણા બેકાબુ થઈને ધણધણી ઉઠ છે. ક્યાં, કયારે, કેવી રીતે, કેટલી વાર, ક્યાં સુધી તમે બંને એ એકબીજાના શરીરને પ્રેમનું નામ આપીને ચૂંથ્યા હશે ?’
ઓહ... માય ગોડ.’

એક ઝીણી ચીસ સાથે તેના બંને લમણા પર બન્ને હાથની હથેળીઓ દાબીને લલિત સોફા પર આડો પડી ગયો.

મેઘના મનોમન ઈશ્વેરને કરગરી રહી હતી કે હવે તો શ્વાસ થંભી જાય તો સારું. વિધાતા એ બંધ બારણે વિનોદવૃત્તિની આડમાં ઠેકડી ઉડાડીને કરેલી ઠઠામશ્કરીની ચરમસીમા હવે કોઈ માનસિક બળાત્કારથી કમ નહતી. મહદ્દઅંશે લલિત તેના પક્ષે નિર્દોષ જ હતો પણ, લાલટે લાચારી લખાવીને આવેલી મેઘનાએ હવે ચારે તરફથી ફૂટબોલના બોલની માફક લાતો જ ખાવાની હતી.

સમયચક્રની સાથે સાથે બન્ને રોજ નિત નવા વિષચક્રમાં પીસાઈને જીવનની કડવાસને હસતાં મોઢે આત્મસાત કરીને ગળતા રહ્યા. મેઘનાનું અસ્તિત્વ ધીમે ધીમે
એક જીવતી લાશના કિરદારના વાઘા પહેરવા લાગ્યું. જાણ કે અનયાસે બોલતો કોઈ પત્થર હોય. અને લલિતે તેના ઘવાયેલા સ્વાભિમાનના ગુમડાને ખંજવાળતા ખંજવાળતા કેન્સરનું રૂપ આપી દીધું. સતત નફરતની અગન જવાળાઓમાં હાથે કરીને હૈયાં હોળી કરી, ધૃણા, તિરસ્કાર અને અપમાનની ભાષા બોલતો થઈ ગયો. મેઘનાના ભૂતકાળની ભૂલભૂલૈંયા માંથી તે બહાર જ ન નીકળી શક્યો.

થોડા દિવસો બાદ લલિતે એક એવો વ્યવસાય પસંદ કર્યો કે, તેના માટે તેને મહિનામાં માંડ પાંચ થી સાત દિવસ જ ઘરે રહેવાનું થાય.

અંતે મેઘનાના અંધકાર ભરી જિંદગીમાં એક દિવસ સુવર્ણ નો સૂર્યોદય થયો.

અતીતના અમીના અંતિમ અંશ સ્વરૂપે પુત્રી અવતરણની ખુશહાલીથી મેઘનાની અવિરત અનંત અંધકારમય સફરમાં એક આશાનું કિરણ ફૂટ્યું.

રૂ ના પૂમડા જેવી દીકરીને બન્ને હથેળીઓમાં લઈ, આનંદવિભોર થઈને તેની છાતીએ લગાડતા મેઘના આનંદાવેશમાં પરમ સંસારસુખની અંત: પ્રસન્ત્તાથી હરખાઈને બસ આંખોથી વરસતી આનંદ વર્ષમાં નહાતી રહી. મનગમતી મનોવેદનાથી આંખો બંધ કરીને ભીતરમાં મીઠી દર્દની એક ચીસ નીકળી ગઈ...

‘થેન્ક યુ રાજન.’

સામે ઉભાં દિનકર અને જવાહરલાલને પણ આ અત્યાનંદ ક્ષણના સાક્ષી બનીને ભાવોલ્લાસ થી એકબીજાને ભેટીને અભિનંદન પાઠવતા જોઇને થયેલી ચિત્તપ્રસન્ત્તાની સાથે સાથે લલિતની ગેરહાજરીથી મેઘના ને ગમના ગ્લાનીની અનુભૂતિ પણ થઇ.

લલિત છેલ્લાં ચાર દિવસથી કોઈ અગત્યના કામનું બહાનું આગળ ધરીને શહેરની બહાર જતો રહ્યો હતો.

દિનકરે આ ખર્વોની ખુશી જેવા ખુશખબર આપવાં લલિતને કોલ જોડ્યો.
ઉમંગ અને આનંદાતીરેક થી અડધા અડધા થઇને દિનકર બોલ્યા,
‘દીકરા... તારી દીકરીનો દાદો બોલે છે. લક્ષ્મીજી પાવન પગલાંથી પધરામણી થી મારાં અપારઆનંદનું કોઈ અંતિમ નથી. લલિત મારા દીકરા તને લાખ લાખ અભિનંદન. હાલ હવે ઝટ ઘરે આવ. મારી વહુ તને જોવા તરસે છે. લે જવાહરલાલને કોલ આપું છું. વાત કે તેમની જોડે’

આટલું બોલતાં તો દિનકર અત્યાનંદના અશ્રુ સાથે ભાવુક થઈ ગયા.
ફોન હાથમાં લેતાં ગળગળા અવાજે જવાહર માત્ર એટલું જ બોલી શક્યા,

‘દીકરા, તારી અને મારી દીકરી બન્ને સ્વસ્થ અને સલામત છે.’ લે મેઘનાને કોલ આપું વાત કર.
ડૂમો ભરાયેલા ગળામાંથી શબ્દો નીકળી એ પહેલાં અશ્રુઓ નીકળ્યાં. ધ્રુજતા હાથે અને સ્વરમાં મેઘના બોલી,

‘હેલ્લો... ‘ બોલતાં તો મેઘનાની અશ્રુધારા નિરંકુશ થઈ ગઈ.

‘હા... સારું છે,
હાં, એને પણ સારું છે,
હા, હમણાં પીક મોકલું છું,
તને કેમ છે..?
તું કાલે આવે છે ?
જી ઠીક છે.
તારું ધ્યાન રાખજે.
હા .. હા.. અરે હા..’

મેઘના એકલી એકલી જ વાત કરતી હતી. લલીતે તો મેઘના બોલે એ પહેલાં જ કોલ કટ કરી નાખ્યો હતો.
બે દિવસ પછી લલિત આવ્યો. મેઘના સામે તો ઠીક પણ માસૂમ નવજાત બાળકી સામે એક નજર સુદ્ધાં નાખવાની પણ લલિતે દરકાર ન લીધી.

લલિતને તેની આંધળી અતાકીર્કતાની નફરત એ હદ સુધી ઢસડી ગઈ હતી કે હવે તેના તરફથી માનવતાના એક બુંદ માત્રના અંશનો અવકાશ પણ નહતો.

મેઘનાએ હવે મનમરજીના મહાસાગરના કિનારે બેસીને, ભગવાન ભરોસે ભરાતી ભરતી ઓટના આશરે હાથમાં આવે તેટલાં હેતની રેતથી જાતે જ મનગમતી મઢુલીઓ બનાવવાની અને તોડવાની હતી.

એક સાંજે મેઘના એ જવાહરલાલને કોલ કર્યો.

‘પપ્પા, આજે મેં મારી દીકરીનું નામ પાડ્યું. અને સૌ પહેલાં તમને જ કહું છું.’

અત્યાનંદની અધીરાઈ થી જવાહરલાલ બોલ્યા...

‘બોલ બોલ દીકરા જલ્દી બોલ શું નામ રાખ્યું મારી ચિકૂડી નું ?’

‘અંતરા’

છલકાતા પરમાનંદ અને આસું સાથે મેઘના બોલી .

-વધુ આવતાં અંકે..

© વિજય રાવલ

'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484