hame tumse pyar itna - 2 books and stories free download online pdf in Gujarati

હમેં તુમસે પ્યાર ઇતના - 2

પ્રકરણ – બીજું/૨


‘રાજન, ચાલુ રાઈડએ જમ્પ મારતાં તો આવડે છે ને?’ હસતાં હસતાં મેઘનાએ પૂછ્યું.
‘તારી સ્ટાઈલ જોઇને એવું જ લાગે છે કે આજે એ પણ આવડી જશે.’ મેઘનાની ઢંગધડા વગરની બુલેટની રાઈડ જોઈને રાજનએ જવાબ આપતાં આગળ પૂછયુ,
‘તું પહેલાં સર્કસમાં બુલેટ ચલાવાતી હતી કે શું? ‘

‘સર્કસમાં ચલાવવા માટેની જ પ્રેકટીસ કરું છું, બુલેટ તો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જ ચલાવી રહી છું ડીયર.’ બુલેટની સ્પીડ વધારતાં મેઘનાએ જવાબ આપ્યો.

‘ઓ.. ત્તારી! હવે બીજે ક્યાંય તો ખબર નહીં પણ, આવતીકાલનાં ન્યુઝ પેપરનાં ફ્રન્ટ પેઈજ પર તો જરૂર આવી જ જઈશું, એ તો ફાઈનલ છે.’ હસતા હસતા રાજન બોલ્યો.


કોઈપણ બુલેટ શોખીન રાઈડર, તેની લાઈફમાં ફર્સ્ટ બુલેટ બાય કરીને તેનાં પર ફર્સ્ટ રાઈડ કરે, તેની સાથે સાથે તેનું એક સપનું હોય કે.....કાશ કોઈ એવી ગર્લફ્રેન્ડ કે લાઈફ પાર્ટનરને બુલેટની બેક સીટ પર બેસાડીને લોંગ ડ્રાઈવ પર નીકળી પડું. તો થોડા સમય માટે એવું ફીલ થાય જાણે કે જીવતે જીવ જન્નતની સેર કરી રહ્યો છું!
પણ આજે રાજન સાથે તો સાવ ઉલટું જ થયું. તેની મનગમતી બુલેટ પર તેથીયે વધુ મનગમતી ફ્રેન્ડ રાજનને તેની જ બુલેટ પર ડ્રાઈવ નહી કિડનેપ કરીને લઈ જાય, એ વાત તો રાજન માટે ધબકારા ચુકી જવાય, તેવી વાત હતી.


‘રાજન તારા જે કોઈ ઈષ્ટદેવ હોય તેને યાદ કરી લેજે. કેમ કે આજે મેઘનાના સકંજામાંથી હવે તને મેઘના સિવાય કોઈ છોડાવી નહીં શકે યાદ રાખજે.’

‘હા,, હા..હા' હસતાં હસતાં રાજન બોલ્યો,
‘અરે..છૂટવું નથી એ માટે ફક્ત યાદ નહીં પણ જાપ કરું છું ઈશ્ક્દેવના.’

‘તો હવે તું હનુમાન ચાલીસાના જાપ પણ ચાલુ કરી દે ચલ....’ આટલું બોલીને મેઘનાએ બુલેટ રીતસર હવામાં ઉડાડવાની કોશિષ કરી.


જે તોફાની અદાથી મેઘનાએ શહેરના ટ્રાફિકને રીતસર ચીરીને બુલેટ ડ્રાઈવ કરી હતી, તે જોઈને રાજનનું તો શું કોઈ પણ નબળાં હૃદયનાં માણસનું હાર્ટ ફેઈલ થઈ જાય. જે સ્ટાઈલથી બુલેટ હંકારી હતી તે જોતા રાજનને થયું કે બાઈક હવામાં ઉડાડવાની જ બાકી હતી.

શહેરથી આશરે દસેક કિલોમીટર દૂર, વીક એન્ડ પાર્ટી માટે એક ફેમસ ઢાબાની સામેના પાર્કિંગમાં બુલેટ સ્ટોપ કરીને બન્ને ઉતર્યા.

રાજનનો ચહેરો જોઈને મેઘનાને એટલુ જોરથી હસવું આવ્યું, કે તે ઊભી નહતી રહી શકતી. બે મિનીટ તો બુલેટ નજીકના સિમેન્ટના બાંકડા પર પેટ પકડીને હસતી જ રહી. ફરી રાજનની સામે જોયું અને ફરી એ જ હાલત.
‘તું... તું .. તારો ફેઈસ બિલકુલ.... હનુમાન.....’ આટલું તો મેઘના માંડ બોલી શકી.

રાજનનો ચહેરો જોઈને એવું લાગતું હતું, કે રાજન નક્કી નહતો કરી શકતો કે હસવું કે રડવું! સ્પીડનાં કારણે તેના શાહુડીના પીંછા જેવા ઊભા થઈ ગયેલા અસ્તવ્યસ્ત વાળ. અને મેઘનાને વધારે હસવું તો એ વાતને લઈને આવતું હતું કે..
કહીં રાજનને ગિલા ન કર શકને કી વજહ ગીલા તો નહીં કર દિયા....
મેઘનાએ માંડ માંડ તેનું હસવું રોકતા પૂછ્યું,
‘ક્યા રાજન બાબુ, હો ગયા યા.. હોને વાલા હૈ....?’
આટલું બોલીને ફરી ખડખડાટ હસવા લાગી. અને પછી બંને રેસ્ટોરન્ટમાં જઈને એક કોર્નરનાં ટેબલ પર ગોઠવાયા.
‘અરે યાર ટાઈમ તો જો રાતના આઠ વાગ્યા અને તું અત્યારે મને અહીં આ રીતે..
મીનરલ વોટરની બોટલ ઉઠાવતા રાજન બોલ્યો.
આ સાભળીને ફરી હસતાં હસતાં મેઘના બોલી,
‘હા.. હા..હા..અરે આ ડાયલોગ તો છોકરીનો હોવો જોઈએ યાર. અને તું મર્દ થઈને સાવ આવી ગામડા ગામની બાયું જેવી નમાલી વાત કરે છે. હટ.. મને તો શરમ આવે છે તને દોસ્ત કહેતા પણ. હમણાં થોડીવાર પહેલાં તારી શકલ જોઇને તો એમ જ લાગતું હતું કે.. લીટરલી.. બંદે કી ફટી પડી હૈ...’

‘અરે મેઘના, પણ તેં બુલેટ રાઈડ કરી કે ફ્લાય એ જ ખબર ન પડી યાર.’
વાળ સરખા કરતાં રાજન બોલ્યો.
‘એક મિનીટ.’ મેઘના બોલી.
પપ્પાને કોલ લગાવતા બોલી.
‘હેલ્લો પપ્પા, ક્યાં છો? ઘરે આવી ગયા?'
‘ના દીકરા. હું તને જ કોલ કરવાનો હતો. હું એમ કહેતો હતો કે મારા મિત્ર અને અમારા સ્ટાફ મેમ્બર જોશી સાહેબની આજે ત્રીસમી મેરેજ એનીવર્સરીનાં સેલિબ્રેશન અવસર માટે સૌ સ્ટાફ મેમ્બર સાથે હોટેલમાં ડીનર માટે જવાનું છે તો મને ઘરે આવતાં મોડું થઈ જશે. તું જમી લેજે. ઠીક છે?’
‘ જી. પપ્પા. ઠીક છે.’ મેઘનાએ કોલ કટ કર્યો .
‘હા, બોલ હવે શું કહેતો હતો તું?’ મેઘનાએ પૂછ્યું
‘અરે તે બુલેટ..’ રાજનને અટકાવતાં મેઘના બોલી.
ગળા પર હથેળી ફેરવતા બોલી..
‘બુલેટ.. યે બચ્ચો કે ખેલેને કી ચીજ નહીં હૈ જાની.. ઔર અગર ગલતીસે મેરે જૈસી કિસી સરફીરી કે પીછે બૈઠ ગયે તો.. ગીલા તો ક્યા પીલા ભી હો શકતા હૈ.’
એ પછી મેઘના જે ખડખડાટ હસી છે તે જોઈને ત્યાં આજુબાજુ બેઠેલાં સૌને એમ થયું કે નવજોત સિદ્ધુની બેન લાગે છે.
‘હું કોફી ઓર્ડર કરું છું.. તને શું ફાવશે બોર્નવીટા કે પછી દુધૂ?’ હસતાં હસતાં મેઘનાએ પૂછ્યું.
‘ઓહ માય ગોડ! યાર, મારી લાઈફમાં આટલી ફની છોકરી મેં ક્યારેય નથી જોઈ’
રાજન મેઘનાની સામે જોઈને બોલ્યો.
‘ફની મીન્સ. જોકર? હું તને જોકર લાગુ છું લ્યા? તને છોકરી જોતા આવડે છે?’
ફરી એકવાર મેઘનાએ રાજનની ખીંચાઈ કરતાં પૂછ્યું.
‘અરે યાર આઈ મીન્સ કે તું આટલી હદે મસ્તીખોર, અલ્લડ અને બિન્દાસ છે, એ પહેલી જ વાર મેં જોયું.’
‘હાય .. હાય.. મને તો હવે શરમ આવે છે યાર. મારી જાણ બહાર તે મારું આટલું બધું ખુલ્લેઆમ કયારે જોઈ લીધું? હાળા બેશર! પહેલી જ મુલાકાતમાં તું તો શક્તિ કપૂર કરતાયે નપાવટ નીકળ્યો.’
હસતાં હસતાં રાજન બોલ્યો. ‘અરે! યાર, તું ખરેખર હદ છે, હોં.’
‘હદમાં બેહદ છું. મેઘના વોરા. નામ તો સુના હોગા.’ એમ બોલીને મૂછે તાવ દેતી હોય એવી એક્ટિંગ કરવા લાગી.
પછી બે કોફીનો ઓર્ડર આપતાં બોલી.
‘મને ખ્યાલ હોત કે તું બુલેટ માટે આટલી મેડલી ક્રેઝી છો, તો તો હું તને પહેલેથી જ કિડનેપ કરી જાત.’ રાજન બોલ્યો.

તાળી પાડતાં મેઘના બોલી,
‘ક્યા બાત.. તારી વાત પર તો તારી હિંમતને કચકચાવીને લાત ઠોકી દેવાની ઈચ્છા થાય છે. તારા છોકરી જેવા પછવાડામાં બચુડા. આજ સુધી કોઈ છોકરી કે છોકરીની માને આંખ મારી છે? જગજાહેર કોઈને કીસ કરી છે? આઈ લવ યુ કીધું છે? વેલેન્ટાઈન વીકમાં ગર્લ ફ્રેન્ડને તેની પરફેક્ટ સાઈઝના અન્ડર ગારમેન્ટ ગીફ્ટ આપ્યા છે? કોન્ડમના કેટલા ફ્લેવર આવે એ ખબર છે? સ્વર અને વ્યંજનના તફાવત અને તકલીફની ખબર છે?
મારા રાજપાલ યાદવ! તારી ઉંમર કિડનેપ થવાની છે કિડનેપ કરવાની નહીં, સમજ્યો? ચલ હવે, આમ ડોળા ફાડને કા નઈ ચુપચાપ ડાયા ડીકરા બન કે કોફી કા સબડકા તાણને કા. ક્યા?

થોડીવાર તો રાજનને થયું કે આગળનો પ્રાયોજિત પ્રોગ્રામ કીડનેપીંગ સુધીનો જ હોય તો સારું નહીં તો મને લાગે છે આ મર્દાની (૩) મને અહીં સ્ટેજ પર ચડાવી
બસંતીનો ઘાઘરો પહેરાવીને ઠુમકા ન મરાવે તો સારું.

‘આ છેલ્લું સ્વર વ્યંજન વાળું મને કંઈ ન સમજાણું..' ધીમેકથી રાજને પૂછ્યું.
એટલે મેઘના તેની સામે ઘુરકીને જોયા પછી પૂછ્યું,
‘છેલ્લાંની પહેલાનું બધું સમજાય તો જ એ સમજાય સમજ્યો?’
‘એટલે?’ બીતા બીતા રાજને પૂછ્યું.
‘અલ્યા તારી તો.. જેને સ્વરની માત્રા, મતલબ કેપીસીટી. અને ઉચ્ચ્ચારની તીવ્રતાનો અનુવાદના તફાવતમાં ટપો ન પડે તો, તો બહુ મોટી તકલીફ બકા.’
‘ અને સ્વર એટલે...’ રાજનને થયું કે ક્યાંક છુટ્ટું સેન્ડલ મારે, એટલે ઊભા થતાં પૂછ્યું.

‘બચ્ચા, સ્વર એટલે જેના તીવ્ર અને મધ્યમ આરોહ અવરોહનાં પઠનની પાશ્ચત્ય ભૂમિમાં દંગલ સાથે તારા અવતરણની મંગલ ઘડીના બીજ રોપાયા એ..
‘આઆઆઆ...ઉઉઉઉઉઉઉઉ... ઓઓઓઓઓ. અઅઅઅ.... ઈઈઈઈઈઈઈ....’

બોલ્યા પછી રાજનને શરમનો માર્યો લાલ થતાં જોઈને હસતાં હસતાં મેઘના બોલી.

‘એલી ચંપા, તું તો એવી રીતે શરમાય છે, જાણે કે કોઈ ગામડા ગામની બાઈ પહેલીવાર ઓફિશ્યલી સુવાવડી બનીને શરમાતી હોય એમ. ચલ હવે આપણે નીકળીશું તારે ઘરબાર નથી મારે છે. હોં.’
બહાર ઢાબાના ગાર્ડનમાં આવીને બેન્ચ પર બેસતાં મેઘના બોલી.

‘સોરી રાજન પણ હું આવી જ છું. તું બીલીવ નહી કરે, મોમના ડેથ પછી કદાચને આજે પહેલીવાર હું આટલી હસી હોઈશ. સાચું કહું. હજારો વખત લવ એટ ફર્સ્ટ સાઈટ વિશે વાંચીને હસવું આવતું હતું. પણ ખબર નહીં ગઈકાલે મારી આંખમાં પડેલી તારી બે આંખ, મને આખી રાત ખટકતી રહી. તારા એ 'ફર્સ્ટ સાઈટ'એ મારી બેન્ડ બજાવી દીધી રાજ. તું સાલા એટલો ચીકનો છે કે મને લાગે છે કે, 'ચાટવાની ચટપટી’ કોને કહેવાય! તેનું તું એક માત્ર દિમાગમાં ચોંટી જાય એવું ચીંકણું એકઝામ્પલ છો'.

‘ગઈકાલે તું બાય કહીને જતી રહી, પછી મેં ક્યાંય સુધી તને જોયા કરી. ત્યારે મને થયું કે તું એકવાર તો પાછુ વળીને જરૂર જોઈશ જ. પણ પછી લગ્યું કે તું તો સાવ પત્થરદિલ છો એવું લાગ્યું.’


‘અરે હટ, અને તને તો બધી ગોરી ચીટ્ટીમાં સીમરન જ દેખાતી હશે કેમ? અને મારાં પપ્પાને તેં જોયા છે? તને ખબર છે? બધાં અમરીશપુરીને કહેતાં, કે તમે અસ્સલ મેઘના વોરાના પપ્પા જેવા જ દેખાઓ છો!' બોલીને મેઘના હસવા લાગી.

‘પણ તારામાં તો સ્હેજે સીમરન જેવા કોઈ લક્ષણ નથી દેખાતા!' રાજને કહ્યું.

‘એ..હાઈલા..!! તને કેમ ખબર પડી..? એટલે તો જયારે જયારે પપ્પાને એમ લાગે કે આ કંઈ ઉટપટાંગ હરકત કરવાની પેરવીમાં છે, એ પહેલાં જ પપ્પા બોલી ઉઠતાં..,
‘જા મેઘના જા. જી લે અપની જિંદગી જા.’ પપ્પા આવું બે ત્રણ વાર બોલતાં. પછી હું કહેતી," પપ્પા, રાજ અને રાજધાની બન્ને હજુ પ્લેટફોર્મ પર નથી આવ્યા.’

એટલે રાજન બોલ્યો.

‘હે ભગવાન ખરેખર લાઈફમાં પહેલી વાર એક એવી અને કદાચને એકમાત્ર હસ્તીને મળી રહ્યો છું, કે જેને ઘડીને એકવાર તો ઈશ્વર પણ બોલ્યા હશે...
‘હાઈશ! માંડ બલા ટળી. સાચુંને?'

‘હા, સાચું. ઈશ્વર હાઈશ બોલ્યા પછી મેં પૂછ્યું, કે પ્રભુ તમે મારાથી કંટાળીને હાઈશ બોલીને છૂટી ગયા, પણ ત્યાં પૃથ્વીલોકમાં મને કોણ સાચવશે? અને મને સહન કરે એવી સહનશક્તિની અપેક્ષા હું કોની પાસે રાખું?”

‘તો શું કહ્યું ઈશ્વરે?’ ધડાકાની અપેક્ષા સાથે રાજને પૂછ્યું.

‘એટલે પ્રભુ એવું બોલ્યા કે, વત્સ! એક બુલેટધારી રાજન નામક ચીકણાવાનનાં પ્રાણીની, તેની કલ્પના રૂપી ભટકતી સિમરનની શોધ જે ઘડીએ તારા સ્વરૂપમાં સમાપ્ત થશે, ત્યારે એ બાલક દ્વારા તમારા બંનેના હાર્ટ એક્ષચેન્જ ઓફરના અંતે જ બંનેની હાઈશ થશે. તથાસ્તુ. ’

એ પછી મેઘના એટલું હસી કે તેની આંખમાંથી ખુશીના આંસું સરી પડ્યા.


‘સાચું કહેજે રાજન, આજ સુધી કેટલી બ્યુટી ક્વીનને બુલેટની રાઈડ કરાવી છે?' રાજન સામે જોતા મેઘનાએ પૂછ્યું.

‘ઓન્લી રાઈડ માટે બ્યુટી ક્વીન હોય એ જરૂરી છે?' હસતાં હસતાં રાજન બોલ્યો.

‘ના.. ના.. આમ પણ તને કમર કે કમરામાં ક્યાં કઈ ખબર પડે છે? આઉટ ઓફ બેલેન્સ જેવી ત્રણ દીકરાની મા હોય તો પણ તું તો હરખપદુડીનો થઈને લીફ્ટ આપવાનો જ છે. અને તારે ક્યાં ખોળામાં બેસાડવાની છે. ઢસરડવાની તો બુલેટે છે ને.. બરાબર ને? હવે સીધે સીધો ચંપા બન્યા વગર જવાબ આપ તો.’
મીઠા ગુસ્સાથી રાજન સામે જોઈને મેઘના બોલી.


‘સાચું કહું.. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ હું કોઈનાથી આટલો ઈમ્પ્રેસ થઈને ગઈકાલથી મેન્ટલી અને ઈમોશનલી અનબેલેન્સ્ડ થઇ ગયો છું.
શરમાતા શરમાતા રાજન આટલું બોલ્યો..

‘એ તો હમણાં કોફી પીતા પીતા મેં તારા પર જે હળવો શાબ્દિક બળાત્કાર કર્યો ત્યાં જ ખબર પડી ગઈ કે, આ માલ તો પેટીપેક જ છે.’ હસતાં હસતાં મેઘના બોલી.

‘અને તને ઈમ્પ્રેસ કરવા ફ્રેન્ડ પાસેથી હાથ જોડી રીક્વેસ્ટ કરીને આ બુલેટ લઈને આવ્યો છું.’ ધીમેકથી રાજન બોલ્યો

‘ઓ ત્તારીની...!!’ આટલું બોલીને મેઘના હળવેકથી રાજનની ગળચી દબાવતા બોલી,
'અરે હું તો તારી બુલેટ જોઈને તારા પ્રેમમાં પડી ગઈ. સાલા!! કંઈ નહીં, ચલ હવે તારા ફ્રેન્ડનો નંબર આપ.’

‘એ.. એ.. તો મુસલમાન છે.’ રાજન બોલ્યો
‘તો હું તેના માટે મેઘનામાંથી મુમતાઝ બની જઈશ.’
‘પણ એ બાંગ્લાદેશી છે યાર.’
‘તો હું શેખ હસીના બની જઈશ.’
‘અરે યાર એ દાઉદનો ભત્રીજો છે'.
‘અરે તો તો હું મંદાકિની જ બની જઈશ.’
‘મેઘના.., અને રાજન માટે તું શું બનીશ?’
એક ધારું મેઘનાની આંખમાં જોયા કરીને રાજને પૂછ્યું.
‘પાગલ...તારા માટે તો હું ઓલરેડ્ડી બની જ ગઈ છું સિમરન. બીકોઝ કે ગઈકાલે આપણે છુટ્ટા પડ્યા પછી હું છુપાઈને તારા ચહેરા પર, મારાં પાછાં ફરીને જોવાની તાલાવેલી જોતી જ હતી. એ ઘડી એ જ પપ્પાના પેલા શબ્દો મારે કાને અથડાયા
‘ જા મેઘના જા. જી લે અપની જિંદગી.’ અંતે સિમરનની આત્માને મેઘનામાં પરકાયા પ્રવેશ કરાવ્યા પછી જ તને હાઈશ થઈ. એમ ને?'
‘મેઘના, સાચું કહું. મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ તારા જેવી કોઈ જિંદાદિલ, જીવંત અને ફાયર બ્રાન્ડ છોકરી જોઈ છે.’
‘રાજન... આ જે તું ફાયર બ્રાન્ડ શબ્દ બોલ્યોને, મારી મર્યાદા, એ શબ્દો બોલવા સુધીની જ છે. આજે હું જે કંઈ પણ છું, તેના માટે મને મારા પપ્પા પર ખુબ જ પ્રાઉડ છે. ટુ મચ. કદાચ ઈશ્વર પર નહીં હોય એટલો ભરોસો, અમને બન્નેને એકબીજા પર છે. મારો વિશ્વાસ એ પપ્પાનો શ્વાસ છે. હું ઈશ્વર પહેલાં પપ્પાને પૂજું છું. હું પપ્પા માટે દુનિયા છોડી શકું પપ્પાને નહી. તેં હમણાં કહ્યું ને, કે હું જીવંત અને જિંદાદિલ છું, આ એક યુનિક આઇડેન્ટિટીના ખરા હકદાર મારાં પપ્પા છે.’ આટલું બોલતા મેઘના થોડી ઈમોશનલ થઈ ગઈ.’

‘મને તારા પપ્પા પ્રત્યેના વિશ્વાસનો ભાગીદાર ક્યારે બનાવીશ? મેઘના.’ મેઘનાનો હાથ પકડીને તેની આંખમાં આંખ નાખતા રાજન બોલ્યો.

‘હમ્મ્મ્મ..એ તો પહેલાં તને ચાખી લઉં પછી જ.’
‘એ એલી.. ભાગીદાર બનાવવાનો છે.. બલીનો બકરો નહીં કે ચાખવો પડે. ગઝબ છો.’ બુલેટ પર બેસતાં રાજન બોલ્યો.
‘લાઈફ પાર્ટનર યાર.. પહેલે ઈસ્તમાલ કરે ફિર વિશ્વાસ કરે.’
હસતાં હસતાં બેક સીટ પર બેસતાં મેઘના બોલી.

‘એટલે..?’ રાજને પૂછ્યું.
‘ આ તારા ‘એટલે’ એ તો પત્તર આણી યાર. એ એટલા માટે મારા જેઠાલાલ! કે તારા આ નબળા દિમાગની સાઈડ ઈફેક્ટ તારા પ્રોડક્શન યુનિટ પર તો નથી પડી ને? એમ. બસ એ જ. હવે બોલ તો ફરી ‘એટલે’ તો આપું એક કાન પટ્ટીની નીચે મસ્ત કચકચાવીને.’
ખડખડાટ હસતાં હસતાં મેઘના બોલી.

‘તને ખબર જ છે, તો હવે પૂછ્યા વગર આપી જ દે ને બદમાશ.’
સ્પીડ સાથે હાઈ-વે પરથી સીટી તરફ બુલેટ હંકારતા રાજન બોલ્યો.

‘રાજન, હવે સાંભળ એક વાત કહું છું, એકદમ જ સિક્રેટ છે. તારા પેલા ફ્રેન્ડ મુસલમાન દાઉદના ભત્રીજાને પણ નહીં કહેતો હો.'

એટલું બોલીને રાજનના માખણ જેવા ગોરાચટ્ટા ગાલ પર એક તસતસતું દીર્ધ ચુંબન ચોડીને તેના કાનમાં સાવ હળવેકથી બોલી..

‘ આઈ લવ યુ.’

-વધુ આવતાં અંકમાં


© વિજય રાવલ

'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.