hame tumse pyar itna - 6 books and stories free download online pdf in Gujarati

હમેં તુમસે પ્યાર ઇતના - 6

પ્રકરણ- છત્ઠું/૬


થોડીવાર તો લલિતને એમ થયું કે આ મેઘના જ છે કે, તેની કોઈ હમશકલ ?
તેના ગુસ્સાને કંટ્રોલ કરતાં લલિત બોલ્યો
‘મેઘના પ્લીઝ.. ડોન્ટ ક્રિએટ એની સીન, પ્લીઝ સે વોટ્સ ધ મેટર. જે હોય એ સાફ સાફ કહી દે, હવે મારા દિમાગની નસો ફાટે છે,’
થોડીવાર લલિતની આંખોમાં જોયા પછી મેઘના બોલી.

‘ આઈ એમ પ્રેગનેન્ટ.’

‘મેઘના, મને ખબર છે કે, તું કોઈપણ હદની મજાક કરી શકે તેમ છે. કોલેજકાળમાં મને તારા ઘણાં અનુભવ થઇ ચુક્યા છે, પણ ડાર્લિંગ અત્યારે તો હું તને પ્રેગનેન્ટ કરવાના ફુલ મૂડમાં છું, ચલ ફટાફટ આવી જા બેડ પર કે પછી, ફિલ્મી સ્ટાઈલમાં ઊંચકીને લઇ જાઉં બોલ.’ મેઘનાની કમર ફરતે તેના બંને હાથ વીંટાળતા લલિત બોલ્યો.

અંદર જવાળામુખીની માફક ભભૂકતી પ્રેમ અને વાત્સ્યલ્યના બલિદાન માટે આપેલી આહુતિના આગની અગનજ્વાળામાં ભડકે બળતાં રોમે રોમેની જલન મેઘના ચુપચાપ મુંગે મોઢે સહન કરતાં અકળાઈને બોલી,

‘લલિત..લલિત...લલિત....આ મજાક નથી. આ નગ્નસત્ય છે. મારા પેટમાં પંદર દિવસનો ગર્ભ છે.’ આઈ એમ રીયલી પ્રેગનેન્ટ.’

મારા પેટમાં પેટમાં દિવસનો ગર્ભ છે...
આટલા જ શબ્દોથી લલિતના કાનમાં એક એવો જબ્બર ધડકો થયો જાણે કે.. આંજી નાખતી વીજળીના કડાકા સાથે કોઈ આભ આભ ફાટ્યું હોય. તેના દિલ અને દિમાગ પર ધ્રાસકા સાથે જોરદાર ધક્કો લાગ્યો. લલિતને એમ થયું કે, તે માનસિક પહેલાં, શારીરિક સંતુલન ગુમાવી બેસે એ પહેલાં સોફા પર બેસવાં જતાં રીતસર ફસડાઈ પડ્યો.
થોડીવાર તો તેને એમ જ થયું કે, તે કશું બોલવા કે સાંભળવાની શક્તિ ગુમાવી બેઠો છે. માત્ર ચાર જ શબ્દોના શબ્દાર્થની કલ્પના માત્રથી તે પરમાનંદની ટોચેથી સીધો આઘાતની ઊંડી ખાઈમાં ફેંકાઈ ગયો હતો. નિયતિના નિષ્ઠુર નિરાકાર આઘાતનો વ્યાપ એટલો વિશાળ હતો કે તેના આરંભ કે અંતિમ બિંદુનો તાગ મેળવવું મુશ્કિલ હતું.

થોડીવાર માટે શયનખંડમાં, એકતરફ લલિતના ભડકે બળતાં બેજામાં ફટાફટ ધાણીની માફક ફૂંટતાં એક એક વિચારઅંકુરની સાથે નસે નસમાં બ્લાસ્ટ થતાં વિસ્ફોટક જ્વલનશીલ પ્રેમપ્રદાર્થની પીડાની બળતરા સાથેનો અસહ્ય આક્રોશ. આનંદની ચરમસીમાથી પણ ઉંચે ચડેલો રમનો નશો, ઉછીના ગમથી ઉતરી ગયો. ગજબહારનો ગંજાવર ગુસ્સો અને ભીતરમાં ભોંકાતા ઘા જેવા ઘોંઘાટ સાથે, બેડરૂમમાં ઉછળતા મૌન મહાસાગર મોજાઓ જાણ કે જુગલબંધી કરીને નિર્દોષ લલિતનો નિર્દોષ આનંદ લઇ રહ્યા હોય.



આ પળ અને પીડાની પરિસ્થિતિના પરિણામનું એક એક દ્રશ્ય સાત દિવસ પહેલાંથી જ મેઘનાની મનોસ્થિતિમાં આકાર લઇ ચુક્યું હતું.. જો લલિત તેના સત્યનો સ્વીકાર નહી કરે તો, લલિતના પ્રત્યાઘાત અને પ્રતિકારનો શક્ય હોય ત્યાં સુધી સામનો કર્યા પછી મેઘનાએ અંતિમ નિર્ણય તરીકે મૃત્યુના દ્વારે દસ્તક દેવાની પુરેપુરી માનસિક તૈયારી અગાઉથી જ પરીપૂર્ણ કરી જ લીધી હતી.


થોડીવાર પછી મેઘના બોલી,
‘લલિત...’
લલિત ચુપચાપ છલકાવા જઈ રહી આક્રોશ ભરી આંખો એ મેઘનાને જોઈ રહ્યો.

પ્રેમ, ઈજ્જત, સ્વાભિમાન, લાગણી, સ્વપ્ન અને ભરોસો આ બધાનું એક સામટું એક જ ક્ષણમાં અસ્તિત્વ નષ્ટ થઇ ગયું. તે પોતાની જાતને એક જીવતી લાશથી અધિક વધુ મહેસુસ નહતો કરી શકતો. મેઘનાના છળની કળ નહતી વળતી. છળનો દાવાનળ લલિતની ભીતર એટલા ફોર્સથી દહેકતો હતો કે તેને શાંત કરવાનો કોઈ માર્ગ નહી મળે તો લલિતના શ્વાસ હંમેશ માટે શાંત થઇ જશે એવું લલિત લાગતા અંતે બોલ્યો.

‘મેં મારી જિંદગીમાં નથી જોઈ, નથી સાંભળી કે નથી વિચારી એવી શતરંજની બાજીના ચોકઠાં તે એ રીતે કચકચાવીને નાખ્યા છે કે, હવે ઝેર તો પીવાનું જ છે પણ, મરવાનું નથી એ રીતે. મેઘના તું તો હવે મારી માટે જીવતો બોંબ છે. સરેઆમ જગજાહેર મારી આબરૂના લીરે લીરાં ન ઉડે એટલે હવે મારે ખુદ રોજ મરીને તને જીવાડવાની છે.’

તાલી પડતા પડતા સોફા પરથી ઉભાં થતાં લલિત બોલ્યો.

‘પણ લલિત.. જે સત્ય હતું એ તો મેં તને જણાવી દીધું ને ?’

‘સત્ય.. ? હવે કદાચને ડોક્ટર મેઘના વોરાનું ડેથ સર્ટીફીકેટ આપે ને તો પણ હું વિશ્વાસ ન કરું. દરેક સત્યની પણ એક આવરદા હોય છે મેઘના. હવે તારું આ ઢાલ જેવું સત્ય એક્સ્પાયર ડેટેડ છે. પંદર દિવસ પહેલાં તારા ગર્ભમાં રોપાયેલા બીજના સત્યનો, અર્થ અને મર્મ યોગ્ય સમયે ન કરતાં એ સત્યનું અંકુર આજે અસત્યનું કંટક બનીને તારા કરતાં મને વધુ ખૂંચી રહ્યું છે.’

‘પણ લલિત.. કદાચને જો હું તને એ સમયે...’
લલિતને શાંત પડવાની કોશિષ કરતાં મેઘના બોલી,
ટેબલ પરનો કાચનો ગ્લાસ ઉઠાવીને ડ્રેસિંગ ટેબલના ૬ ફૂટ લાંબા અરીસા પર દાંત ભીંસીને ફેંકતા બરાડ્યો..
‘ચુપપપપપપપપપપપ............ચુપ.. ચુપ સાવ ચુપ.’
આટલું બોલીને લલિત બાલ્કનીમાં જતો રહ્યો.
મેઘનાને ખ્યાલ આવી ગયો કે, હવે ચુપ રહેવું જ બહેતર છે.
દસ મિનીટ પછી મેઘના બાલ્કનીમાં જઈને લલિતના પગે પડીને રડવા લાગી.

એટલે તરત જ લલિત ત્યાંથી આવીને ફરી ચેર પર બેસી ગયો. મેઘનાને હતું કે
આ વ્યથાકથાનો કોઈ જલ્દી ઉપાય કે અંત નહી જ આવે. બન્ને છેડે લાગેલો આ દંગલનો દવ દિવસો કે વર્ષો સુધી બન્નેને દઝાડતો રહેશે.
મેઘના બાલ્કનીમાંથી આવીને ચુપચાપ લલિતના પગ પાસે બેસી ગઈ.

દસ મિનીટ પછી સ્હેજ શાંત પડતાં લલિતએ પૂછ્યું.
‘પપ્પાની જિંદગી અને પેટનું પાપ છુપાવવા તે કેટલાની જિંદગી છિન્નભિન્ન કરી નાખી ? અને હું પૂછું તેટલી જ વાતનો મને જવાબ જોઈએ. અને વચ્ચે તારા સુપર આઈ.કયુ.ની ટાંગ ન અડાવીશ. નહીં તો હું કેટલાંને ઝેર પીવડાવીશ તેનું અનુમાન તું નહીં લગાવી શકે, સમજી. ડોન્ટ ટ્રાય ટુ બી ઓવર સ્માર્ટ.’

હવે મેઘનાએ તલવારની ધાર પર ચાલવાનું હતું.
‘આ પાપલીલાનો પાર્ટનર કોણ છે ?’
‘લલિત.. તેનું નામ નથી આપવું એટલે જ હું આ ઝેરની શીશી લાવી છું. એ સિવાય તું કંઈપણ પૂછી શકે છે.’

એક સેકન્ડ માટે તો લલિતને એમ થયું કે એક જ ઘૂંટડે સામે પડેલી પોઈઝનની શીશી ગટગટાવીને આ અજગર જેવા ભરડાની ગુંગણાણમાંથી છુટકારો મેળવી લઉં.

‘તે એક કાંકરે કેટલા પક્ષી માર્યા એ તો તું જાણે ને તારો ઈશ્વર જાણે, પણ મેં તારું શું બગાડ્યું હતું એ કહીશ ?’
‘પણ, લલિત...’ મેઘનાને થયું કે એકપણ શબ્દ આડો અવળો બોલાઈ જશે તો.. આ સિચ્યુએશનમાં આ લલિતની કમાન બમણી સ્પીડમાં છટકશે.

‘બસ લલિત, મારા પ્રેમ સંબંધની વાત તારાથી છુપાવી એ મારો મોટો અપરાધ. અને શાયદ એ પણ ખ્યાલ છે કે તેના માટે મને ઈશ્વર પણ માફ નહી કરે. પણ હું તને વચન આપુ છું કે મારા અંતિમ શ્વાસ સુધી એ વ્યક્તિનું નામ તો શું પણ તેનો ખ્યાલ સુદ્ધાં પણ મારા ચિતમાં નહીં આવે.’
બે હાથ જોડી રડતાં રડતાં મેઘના બોલી.

‘મેં તારા માટે અશક્યને, શક્ય કરી બતાવ્યું અને તે મારી જ પીઠ પાછળ સિફતથી ખંજર ભોંકીને મારું જ કલ્યાણ કરી નાખ્યું ?’
ઉભાં થતાં લલિત બોલ્યો.

‘પીઠ પાછળ ખંજર ? અને એ પણ મેઘના વોરા ? તારી આ વાત મને ગમી. લલિત, મારી એક વાત શાંત દિમાગથી વિચાર, હું પ્રેમસંબંધ જોડાયેલી હતી. આપણે તો કયારેય કોઈ અંગત સંબંધમાં જોડાયેલા હતા જ નહી. અને તને એવું લાગે છે કે, મેઘના વોરા ટાઈમ પાસ માટે કોઈની જોડે શારીરિક સંબંધ સુધી જોડાઈ શકે ? અને તેના બાળકની મા બનવા સુધીની તૈયારી હોય ત્યાં સુધી ? મને તારા પ્રત્યે કયારેય તલ ભાર જેટલી એવી કોઈ ફીલીગ્સ આવી જ નથી તો, તને ફસાવી અને મેરેજ કરવાની વાતનો તો છેદ જ ઉડી જાય છે. તારી પાસે હાથ જોડી ભિખારીની જેમ માંગેલા પચ્ચીસ લાખથી મને શું મળ્યું ? તે લગ્ન કર્યા પચ્ચીસ લાખની અવેજીમાં જ ને ? તે એમ કહ્યું કે, મેઘના હું મદદ કરીશ પણ મેરેજ તો તું તારી મરજીથી ખુશ હોય તો જ કરજે ? અને છેલ્લાં એક વીકમાં તે કયારે મારા ચહેરા પર કયારે સ્માઈલ જોઈ ? તું મને ઓળખવાનો દાવો કરે છે ? મને પ્રેમ કરે છે ? તો આપ જવાબ ? જસ્ટ એટલો વિચાર કર લલિત કે, જવાહરલાલ વોરાની આબરૂ, મેઘના વોરા, લગ્ન પહેલાં કોઈના બાળકની મા બનવાની હદ સુધી જઈ શકે તો તે તેને કેટલો પ્રેમ કરતી હશે ? અને આ બધું મારું કાવતરું છે ? કે વિધિનીની ક્રૂર વક્રતા ? બસ આ ઘટનાચક્રમાં હું પ્રેગનેન્ટ થઇ અને... પરમેશ્વરે તેના પાસાં ફેંક્યા. અને સાતમાં દિવસે પપ્પાની ઘટના બની’

લલિતએ પચ્ચીસ લાખ ચૂકવીને પ્રેમ સાબિત કરવાની કોશિષ કરી હતી તેની સામે આ દીવા જેવી વાત કરીને તેનો પક્ષ મજબુત કરવો જોઈએ એવું મેઘનાને લાગ્યું લાગ્યું.

‘જો મેઘના કોઈનો જીવ લઇ લે એટલી મોટી વાત છુપાવીને તું એવું સાબિત કરવા માંગે છે કે તું નિર્દોષ છે ? તે મારી સાથે કોઈ ચાલ નથી ચાલી ?”
લલિત ગુસ્સામાં બોલ્યો.

‘લલિત, એક વાત મને કહે કે, સૌથી પહેલાં તો હું પ્રેગનેન્ટ છું, એ વાતનો ઘટસ્ફોટ મારે તારી સામે કરવાની શું જરૂર હતી ? અને એક વીક પછી હું જ તને કહેત કે હું તારા બાળકની મા બનવાની છું તો ? હું લગ્ન પહેલાં ગર્ભવતી થઇ, પછી એજ અવસ્થામાં તારી જોડે લગ્ન કર્યા, અને એ વાતનું શું પરિણામ આવશે તેની સભાનતા હોવાં છતાં મેં તને સત્ય કહી સંભળાવ્યું. અને તું એક ઈશારો કરે એટલી જ વાર, આ ઝેરની શીશી એક જ સેકન્ડમાં જ ગટગટાવી જાઉં. અને લલિત, આ ફક્ત મેઘના વોરા જ કરી શકે. અને એ મેઘના વોરાને સમજવા લલિતએ પ્રેમ કરવો પડે યા તો બીજો જન્મ લેવો પડે.’

‘તો આ વાત તે મને પહેલાં કેમ ન કહી ? કારણ કે તારા તન અને મન બન્નેમાં પાપ હતું. તને ખબર હતી કે તું આ વાતનો ઉલ્લેખ કહીશ તો, હું તને પચ્ચીસ લાખ નહીં આપું ? એમ જ ને ? લલિત એ જુસ્સાથી પૂછ્યું

‘હા, કબુલ કે મેં એ વાત તારાથી છુપાવી ? તો હવે મને એ કહે કે એ પચ્ચીસ લાખથી બન્નેને શું મળ્યું અને શું ગુમાવ્યું ?’
લલિત વિચારતો રહ્યો... એટલે મેઘના બોલી.
‘લલિત તું જે મેઘનાને ઓળખતો હતો, પાગલ હતો, એ અલ્લડ, મસ્તીખોર, બિન્દાસ અને બોલ્ડ મેઘનાએ જયારે તને મિસિસ નાણાવટી બનવાનું વચન આપ્યું ને, એ ઘડી જ મરી ગઈ હતી. આજે તારી સામે ઊભી છે એ નાણાવટી ખાનદાનની પુત્રવધુ છે, બસ. આજીવન મેઘના નાણાવટીની આ એક જ ભૂમિકા રહશે. મેં શું ગુમાવ્યું છે, એ જો જીવતી રહીશ તો તને સમજાય જશે.’

‘પૈસો તારા માટે કેટલો ગૌણ છે એ મારાથી વધુ કોણ સારી રીતે સમજી શકે ? જે વ્યક્તિ તેના પ્રેમને પામવા બાર કલાકમાં રૂપિયા પચ્ચીસ લાખ, સોરી વ્હાઈટના પચ્ચીસ લાખ જેવી રકમ ભેગી કરી શકે તો, તેને એ રકમનો અફસોસ ન જ હોવો જોઈએ એ, બીકોઝ કે પ્રેમ તો અનમોલ હોય. અને આજીવન પ્રમાણિકતાથી તારી પત્ની બનીને રહેવાનું પ્રણ એ, મેઘના વોરા એ લીધું છે જેને તું તારી જાતથી વધુ ઓળખવાનો દમ ભરે છે. આ મેઘના મન, વચન અને કર્મથી અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સંકલ્પ સાથે ફેરા ફરી, તારા નામનું મંગળસૂત્ર ધારણ કરીને તારી સાથે જોડાઈ છે, તો એ ફરજ નિભાવી જાણશે, એટલો વિશ્વાસ રાખજે લલિત. અને..એટલે જ અવિશ્વાસના પ્રત્યુતરના પર્યાયમાં પોઈઝનની વ્યવસ્થા મેં પહેલ થી જ કરી રાખી હતી. બોલ.’


આટલું બોલીને મેઘના બેડ પર જઈને અશ્રુ નીતરતી આંખે આડી પડી.

લલિત ફરી બાલ્કનીમાં જતો રહ્યો.
આકાશ સામું જોઇને કયાંય સુધી વિચારતો રહ્યો આ તે કુદરતની લેવી અકળ લીલા ? આવી રમત રમીને તો ઈશ્વરને પણ શું મળ્યું હશે ? મેં મેઘનાને પ્રેમ કર્યો, મેઘનાએ ત્રીજી વ્યક્તિને પ્રેમ કર્યો પણ, આ ચોથો જીવ જે પળે પળે પાંગરી રહ્યો છે તેનો શું વાંક ? એક સાવ સદંતર ખોટા નિર્ણયને સાચો કરવાની જીદ અને મથામણમાં કેટલાંની જિંદગી દાવ પર લાગી ગઈ ? મેઘનાએ આંખો મીંચીને અતિની ગતિમાં લીધેલા એક રોંગ ટર્નથી સૌ ક્યાં ના ક્યાંય ફેંકાઈ ગયા. ગઈકાલ સુધી જ્યાં સ્નેહનું સામ્રાજ્ય હતું ત્યાં આજે ફક્ત નફરત અને ધૃણાનું શાસન છે. અને હું એટલો પ્રેમાંધ બની ગયો કે, જે વ્યક્તિને મારા પ્રત્યે રતિભાર પણ પ્રેમ નથી એ મારી સાથે આટલા જલ્દી લગ્ન કરવાં કેમ ઉત્સુક છે ? અને એ પણ મેઘના જેવી શાતિર દિમાગની છોકરી ? આટલી મહા મુર્ખામી ? મેઘનાના પ્રેમ સામે ૨૫ લાખની કોઈ જ કિંમત નહતી, પણ મેઘના મારી સાથે ખુશ રહી શકશે ? એ વાતનો મને એક પળ માટે પણ વિચાર કેમ ન આવ્યો ? મારી સાથે લગ્ન કરવાનું કારણ માત્ર પૈસા જ હતા એ મને કેમ ખ્યાલ ન આવ્યો ?

પંદરેક મિનીટ પછી મેઘના લલિતની બાજુમાં આવી તેનો હાથ ઝાલીને બોલી,

‘લલિત, આપણી જિંદગીનો સૂર્યોદય થશે ?’

‘ એ વાત છોડ, મેઘના, તે રકમની અવેજીમાં લગ્નનો પ્રસ્તાવ કેમ મુક્યો ?

‘જો લલિત એ સમયે મને મારા પપ્પાની ઈજ્જત અને પ્રતિષ્ઠા સિવાય કઈ જ મહત્વનું નહતું અને એ સમયે મને જે યોગ્ય લાગ્યું તે કર્યું, કાળચક્ર ફરી ગયું હવે એ વિચાર વલોણાં ફેરવવાથી દુઃખ સિવાય કહી જ નહીં મળે. ભવ્ય ભવિષ્ય માટે નાહકના ભૂતકાળના ભારેખમ પોટલા શું કામ ઊંચકીને ફરે છે ? મેઘના, લલિત નાણાવટીની ધર્મપત્ની છે ધેટ્સ ઈટ.’

‘કેટલી આસનીથી તું આટલી મોટી આફતને ફૂંક મારીને ઉડાડી દે છે. મેઘના તે ગર્ભપાત નથી કરાવ્યો તેનો મતલબ...? તું આ બાળકને .. અને...’

ઝડપથી ચાલતાં રૂમમાં આવી બન્ને હથેળીથી તેના લમણાં દબાવીને સોફા પર ફસડાઈ પડતાં લલિત બોલ્યો.. ઓહ માય ગોડ.’
‘લલિત... લલિત પ્લીઝ લલિત.’
સોફામાં તેની બાજુમાં બેસતાં મેઘના બોલી.
‘જીવશું તો સાથે અને મરશું તો પણ સાથે જ. મેઘના વોરાની તમામ અતીતનો આ એક માત્ર અંતિમ અંશ છે. અમારા બન્નેનો જીવ એક જ છે લલિત. એટલે જ કહ્યું કે તને મંજુર ન હોય તો હું ઝેર પી ને બધી જ સમસ્યાઓને ક્ષણમાં મારી જોડે શાંત કરીને સુવડાવી દઉં. અને આ પગલું હું સભાનપણે મારી જવાબદારીથી ભરી રહી છું એવું લેખિતમાં પણ આપી દઉં બોલ.’


‘મેઘના આ તું મને ક્યા ગુનાહની સજા આપી રહી છે ? મેં તને પ્રેમ કર્યો એ ?
કે હું તારા પ્રેમ વિચ્છેદનું નિમિત બન્યો એ ?’ ઝેર પીવું તો આસાન છે, જિંદગીમાં રોજ જયારે આઇનામાં જીવથી વ્હાલાં નજરે પડતાં એ, નંદવાયેલા અને નીચોવાયેલા સ્વના સ્વાભિમાનના ઝેરના ઘુંટડા હસતાં મોઢે ઉતારવા પડે એ ઝેર પીવા કરતાં અતિ અઘરું છે.’

‘પણ હું કોઈના અનઓફીસ્ય્લી રમતના ભાગનો, ઓફીસ્યલી ભોગ શા માટે બનું ? આ તો સરાસર અન્યાય અને અત્યાચાર ન કહેવાય ? મને પણ પ્રેમ કરવા માટે આખી દુનિયામાં તું એક જ મળી ?” ભીતરથી રીતસર સળગતાં લલિત બોલ્યો

‘આખી દુનિયામાં તને હું એક જ મળી ?’ મેઘનાએ રાજનને કહેલા શબ્દો મેઘનાના કાને પડઘાયા.

એક ક્ષણ માટે મેઘના કપકપી ઉઠી. આ માત્ર લલિતના શબ્દો નહતા કડકડતી આંતરડીની પીડાનો અનુવાદ હતો.

હવે સમય થયો મધ્ય રાત્રીના ૨:૩૦.

થોડીવાર પછી લલિત બોલ્યો,

મેઘના પ્લીઝ મને થોડો સમય એકલો રહેવા દે પ્લીઝ.

વર્ષોથી મનોમન મનમંદિરમાં મનોવાંછિત જે પ્રેમમૂર્તિની લલિત પૂજા કરતો, હવે જયારે આજે ખબર પડી કે એ મૂર્તિ તો ખંડિત છે મલીન છે. આંધળી આસ્થાના અસ્તિત્વનું પળમાં બાષ્પીભવન થઈ ગયું. પ્રેમ શબ્દથી ભારોભાર નફરત થઇ ગઈ.
થોડા સમય પહેલાં મધુર સ્વપ્ન અને અરમાનોના શણગારથી ઝગમગતો શયનખંડ,
કાનના પડદા ચીરી નાખતી સ્મશાનવત નીરવ શાંતિથી ભેંકાર લાગવા લાગ્યો.
સુહાગરાત, અગનરાત બની ગઈ.


મેઘના રડતાં રડતાં તેની કિસ્મતને કોસતી રહી ? શા માટે મળ્યો રાજન મને ?
ત્રણ મહિનામાં તો ત્રણ ભવના પ્રેમનું ભાથું બાંધી આપ્યુંએ ચિકનાએ .
આટલું વિચારતાં તો બન્ને હથેળીથી મોં દાબી ધીધુ. પ્રથમવાર એકબીજાની નજરો એકબીજામાં પડી ત્યારેથી લઈને સાત દિવસ પહેલાં તૂટલાં પ્રેમ અને મનોબળથી તૂટી ગયેલી મેઘનાએ રાજનને ચોંટાડેલા તસમસતા તમાચાથી લાલચોળ થઇ ગયેલાં રાજનના ગાલને યાદ કરતાં સુધીમાં તો રીતસર મેઘનાના અશ્રુનો બાંધ તૂટી પડ્યો.



ક્યાંય સુધી એક જીવતી લાશની જેમ પડી રહી. આંખો રડીને લાલઘુમ થઈને સુજી ગઈ હતી.


હવે સમય થયો વહેલી સવારના ૪:૨૫.

પાણીની બોટલ લઈને લલિત મેઘના પાસે આવ્યો, મેઘનાને બોટલ આપી, મેઘનાએ પાણી પીધું. પછી બેડપર મેઘનાની બાજુમાં બેસીને મેઘના સામે જોઈને બોલ્યો,


‘મેઘના હવે આપણે રોજ ઝેર પીશું, તું, હું અને તારું આવનારું બાળક.’

આટલું બોલીને સોફા પર જઈને સુઈ ગયો.


વધુ આવતાં અંકે.



© વિજય રાવલ

'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484