Pagrav - 25 books and stories free download online pdf in Gujarati

પગરવ - 25

પગરવ

પ્રકરણ – ૨૫

સુહાની અને ધારા બેય ધારાનાં ઘરે પહોંચ્યાં. બહું મોટો આલીશાન બંગલો જોઈને સુહાની બોલી, " ધારા તારે તો જોબ કરવાની ક્યાં જરુર છે ?? તારી સિમ્પલ રહેવાની સ્ટાઈલ પરથી કદાચ તો હું તો શું કોઈ પણ વિચારી ન શકે તું આટલાં સુખી પરિવારમાંથી આવે છે. "

ધારા : " આપણાં ભણતર માટે આપણી રિસપેક્ટ માટે તો કરવી પડે ને જોબ ?? ભલે એમને આપણાં પૈસાની જરુર ન હોય... આપણું પણ એક સ્થાન તો બનાવવું પડે ને જીવનમાં.. સાચું કહું મારાં પપ્પાને લોકો મિડલક્લાસ જ છે . મને હંમેશા શીખવ્યું છે કે ભલે ગમે તેટલાં રૂપિયા વધે કે ઘટે આપણી મનોસ્થિતિ હંમેશા સમાન રહેલી જોઈએ. આ બધું મારાં સાસુ સસરાની મિલ્કત છે. અમારી સ્વતંત્ર પણ કમાણી જોઈએ ને...કોઈની પર આશા છોડી રખાય.."

સુહાની : " હમમમ...એ વાત સાચી છે..." બે ય જણાં વાતો કરતાં કરતાં ઘરમાં પ્રવેશ્યાં.

ધારા : " આવ સુહાની...આજે ઘરમાં કોઈ નથી તો જાણે આટલો મોટો બંગલો ખાવાં આવે જાણે એવું લાગે...પણ તારી કંપની મળી જશે આજે તો વાંધો નહીં આવે..."

સુહાની : " હમમમ...તને સ્વતંત્ર રીતે રહેવાનું ગમે કે જોઈન્ટમાં ?? "

ધારા : " જો દરેક વસ્તુનાં બે પાસાં હોય ક્યારેક એમ થાય કે એકલાં સારાં બધાંની ચિંતા કે માથાકૂટ નહીં...ગમે તો હોય ચાલી જાય...પણ હવે બધાં સાથે રહેવાની આદત પડી ગઈ છે વાંધો નથી આવતો. બધું સચવાઈ જાય. પણ અમે બે દેરાણી જેઠાણી જોબ કરીએ છીએ એટલે વાંધો નથી આવતો. કોઈ મતભેદ ન થાય એટલે પહેલેથી જ બધું કામ બંધાવેલું છે... રસોઈમાં પણ મહારાજ આવે બપોરે ફક્ત સાંજની રસોઈ કરવાની હોય...એટલે હજું સુધી લગ્ન પછી બે વર્ષ થયાં પણ ઘરમાં કોઈ એવી કોઈની સાથે માથાકૂટ નથી થઈ... બધાં શાંતિથી રહીએ છીએ."

સુહાની : " તો તો બસ સારું કહેવાય. ચાલ રસોઈ કરવાની હોય તો સાથે મળીને કરીએ..."

ધારા : " આપણે શાંતિથી અમારાં રૂમમાં બેસીએ... અહીં નજીકમાં એક હોટેલ છે ત્યાંનું ફૂડ બહું સારું હોય છે અમે ત્યાં અવારનવાર જઈએ છીએ... અર્પિત આવે ઓફિસથી એટલે આપણે ત્યાં જ જમવા જઈશું મારી એની સાથે વાત થઈ ગઈ છે..."

પછી ધારા સુહાનીને પોતાનાં રૂમમાં લઈ ગઈ. બહું મોટો વિશાળ ઈન્ટિયર કરેલો સરસ બેડરૂમ છે... રૂમમાં પ્રવેશ કરતાં જ સામે ધારા અને અર્પિતનો મેરેજનો મોટો ફોટો લગાવેલો દેખાયો. બે મિનિટ માટે સુહાની ત્યાં જ ઉભી ઉભી જોવાં લાગી.

ધારા : " શું થયું ?? ક્યાં ખોવાઈ ગઈ ?? "

સુહાનીને સમર્થની યાદ આવી ગઈ કે કાશ સમર્થ આજે એની સાથે તો એ બંને પણ આવી જ રીતે એક સુંદર લગ્નનાં બંધનમાં જીવનભર માટે બંધાઈ ગયાં હોત !!

સુહાની પોતાની ભરાઈ આવેલી આંખોમાંથી આંસુને બહાર આવતાં રોકીને બોલી, " કંઈ નહીં બસ એમ જ..."

ધારા : " ચાલ...હવે બહું વિચાર નહીં હું બધું સમજું છું...બેસ અહીં..."

ધારા " બે મિનિટ બેસ હું આવી "કહીને કિચનમાંથી પાણીનો જગ અને થોડો નાસ્તો લઈ આવી.

બંને જણાં વાતો કરતાં કરતાં નાસ્તો કરવા લાગ્યાં...એટલે ધારાએ વાતનો દોર સાંધતા કહ્યું, " સુહાની તું મને હવે જણાવીશ કે ખરેખર તું શેનાં માટે આવી છે કંપનીમાં ?? મતલબ તારું મિશન શું છે ?? તારી અધકચરી વાત મને હેરાન કરી મૂકે છે...એક તો પહેલાં કે સમર્થ જીવે છે એવું તને કેવી રીતે લાગે છે ?? "

સુહાની : " હું તને બધું જણાવું પણ પહેલા પ્રોમિસ કે તું મારો વિશ્વાસ ક્યારેય નહીં તોડે ને... અત્યારે સાચું કહું તો સાવ એકલી પડી ગઈ છું પણ પરિસ્થિતિ એવી બની છે કે હું કોઈને વિશ્વાસથી કહી શકતી નથી કે પછી એને હું મુશ્કેલીમાં મુકવા નથી ઈચ્છતી એ મને સમજાતું નથી..."

ધારા : " તને મારામાં એવું લાગ્યું કંઈ પણ હોય મને કહે. હું તને મારાથી થતી બધી જ હેલ્પ કરીશ. સાચું કહું તો અર્પિત પણ બહું જ વ્યવસ્થિત છે જે રીતે સમર્થની તું વાત કરે છે‌ એ રીતે પહેલેથી અમીરીમાં ઉછરેલા હોવાં છતાં એ બહું સમજું ને વ્યવસ્થિત છે... તું જે પણ હોય મને કહે..."

સુહાની : " હું ઘરે હતી એ દરમિયાન તને ખબર છે કે જે પ્રમાણે ન્યુઝ હતાં બધાંએ સ્વીકારી લીધું કે સમર્થ હવે આ દુનિયામાં નથી.."

પછી એણે સમર્થનાં મમ્મી પપ્પા સાથે બનેલી બધી જ ઘટનાની વાત કરી...

ધારા : " શું ?? આટલું બધું બની ગયું કે એનાં મમ્મી પાગલ જેવાં થઈ ગયાં છે ?? "

સુહાની : " હા.. હું પોતે પણ બહું ભાંગી પડી હતી. પણ મનમાં ઊંડે ઊંડે એક થયાં કરતું કે સમર્થને કંઈ નથી થયું એ આ દુનિયામાં જ છે...ને એક દિવસ એક બહારનાં દેશનાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો‌. મેં થોડી અસમંજસ સાથે ફોન ઉપાડ્યો...તો સામે સમર્થ હતો...એણે કહ્યું કે, " સુહાની હું કાલે ઈન્ડિયા આવવાં નીકળીશ..." ને તરત જ ફોન કપાઈ ગયો..પછી મેં એ નંબર લગાડવા બહું પ્રયત્નો કર્યાં પણ નંબર બંધ આવવાં લાગ્યો.

મેં આ વાત કોઈને નહોતી કરી. હું શું કરું એની મને કંઈ ખબર ના પડી. પણ એક શાંતિ થઈ કે એ આવશે તો ખરાં...એ વખતે ફક્ત અમૂક ઈમરજન્સી ફ્લાઈટ જ શરું થઈ હતી. મેં કંપનીમાં ફોન કરીને ઈન્કવાઈરી કરવાની કોશિષ કરી પરંતુ એમણે પૂછીને કહે કહીને કંઈ સરખો જવાબ ન આપ્યો‌. પછી ફરીથી પણ બહું ટ્રાય કર્યાં. એ લોકોની જવાબદારી હોય એને પાછાં લાવવાની તો. એમને મેં કહ્યું તો કહે એમને ખબર નથી. કોઈને પાછાં લાવવાં શક્ય જ નથી હવે‌...!!

ફરીથી લગભગ ત્રણ દિવસ પછી ફરીથી આ જ રીતે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે , " હું ઈન્ડિયા પહોંચી ગયો છું..." બસ ફોન કપાઈ ગયો...ને ફોન પહેલાંની જેમ જ બંધ...ને પછી મેં બહું પ્રયત્નો કર્યાં પણ કંઈ ન થયું... મેં વિચાર્યું કંઈની ઈન્ડિયા આવ્યો હશે તો ગમે તે રીતે ઘરે તો પહોંચશે જ ને... ત્યારે વ્હીકલની હજું જવાની પરમિશન નહોતી ગવર્નમેન્ટ તરફથી‌... મેં ફોન કરીને ફરી કંપનીમાં વાત કરી..પણ ના કોઈ સરખો જવાબ મળે...ન કોઈ મેનેજમેન્ટનો નંબર આપે કે વાત કરાવે , ફક્ત એમ જ કહી દે કે સાહેબ નથી આવ્યાં કે મીટીંગમાં છે...ગમે તેમ બહાનાં બનાવીને ફોન મૂકાઈ જાય.

ને પછી બે જ દિવસમાં બધું જ ગવર્નમેન્ટ દ્વારા છૂટ આપવામાં આવી એ પછી પણ મેં સમર્થનાં આવવાની રાહ જોઈ ...પણ સમર્થ ન આવ્યો. લગભગ એક અઠવાડિયા પછી એક ફોન આવ્યો ને મને કહ્યું, " સમર્થને મળવું હોય તો ફરીથી કંપની શરું થઈ ગઈ છે જોઈન કરી લો..." કોણ હતું મને ખબર ન પડી..."

હવે કંપની રાબેતા મુજબ શરૂં થઈ ગઈ હોવાથી મને એમ કે સમર્થ મળશે એવી આશામાં હું ફરીથી જોબ જોઈને કરવાં ફરીથી પુણે આવી ગઈ.

ધારા : " તો આવ્યાં પછી તે કંપનીમાં તપાસ કરી ?? કોઈને પૂછ્યું કે કોને ફોન કર્યો હતો ?? "

સુહાની : " પણ હું આવી એ રાત્રે જ ફરી ફોન આવ્યો એ પણ કંપનીનો જ એક નંબર હતો કે સમર્થ પંડ્યા સાથે કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી હજું સુધી આ બધું બન્યાં પછી. સોરી અમે હવે કંઈ નહીં કરી શકીએ... તમારાં બહું ફોન આવતાં હતાં ઈન્કવાઈરી માટે એટલે તમને સામેથી ફોન કરીને અમે જણાવ્યું..."

ધારા : " શું ?? પણ આવું કહેનાર કોણ હશે ?? અને તને પહેલાં ફોન કરનાર સમર્થ જ હતો ?? તું એનાં માટે ચોક્કસ છે ?? "

સુહાની : " હા, હું સમર્થનો અવાજ ઓળખવામાં ક્યારેય થાપ ન ખાઉં..."

ધારા : " તો પછી એણે બીજી કંઈ વાત કેમ ન કરી?? "

સુહાની : " એ તો નથી ખબર પણ... કદાચ એ કોઈ દ્વારા પ્રોબ્લેમમાં મૂકાઈ ગયો હોય..."

ધારા : " કંપનીમાંથી આ રીતે બે વાર અલગ અલગ ફોન એ પણ કંપનીનાં જ નંબર પરથી એવું કોણ કરી શકે ?? કોઈ મજાક તો નહીં કરતું હોય ને ?? "

સુહાની : " તને ખબર છે કંપનીની પોલીસી કરતાં પણ વધારે રૂપિયા એટલે કે ત્રીસ લાખ સમર્થ ન આવવાનાં કારણે મારાં સાસુ સસરાએ ના કહેવા છતાં સમર્થનાં એકાઉન્ટમાં નાંખ્યા...અને બીજો ઝાટકો કે સમર્થની સાથે જ અમેરિકામાં રહેનાર મંથન પાંચ દિવસ પહેલાં જ આટલું બધું થયાં છતાં ઈન્ડિયા પાછો આવ્યો. એ બધો જ રેકોર્ડ છે પણ સમર્થનાં જવાનો પણ કોઈ જ રેકોર્ડ નથી..." કહીને સુહાની અહીં આવ્યાં પછીની બધી જ વાત કરી.

ધારા : " એક વાત કહું સુહાની મને લાગે છે સમર્થ માટે બહું મોટી ગેમ રમાઈ છે કોઈ બહુ સમજી વિચારીને કરાયેલું ષડયંત્ર છે...એ પણ કોઈ મોટી વ્યક્તિ દ્વારા..."

સુહાની : " કોણ હોઈ શકે આવું કરનાર ?? કંઈ આઈડિયા આવે છે તને ?? "

ધારા : "મને લાગે છે કે કદાચ..." ત્યાં જ એનાં બેડરૂમની પાછળ એક માનવીય આકૃતિ ઝડપથી પસાર થઈ હોય એવું લાગતાં સુહાની અને ધારા બેય ગભરાઈને બેડ પરથી ઉભાં થઈ ગયાં....!!

સાચે ધારાનાં બેડરૂમની પાછળથી કોઈ પસાર થયું હશે કે એમને કોઈ ભ્રમ થયો હશે ?? કે કોઈ સુહાનીનો પીછો કરતો અહીં પણ આવી પહોંચ્યું હશે ?? શું કરશે હવે સુહાની ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૨૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....