Dostar books and stories free download online pdf in Gujarati

દોસ્તાર

દોસ્તાર

"આજે રવિવાર છે. ચાલોને કોઈ જગ્યાએ ફરવા જઇએ." સરિતાએ તેના પતિ અમરને કહ્યું.

"તારે જવું હોય તો જા એકલી, મારે કામ છે."

"શું કામ છે?"

"બ્રિજેશ આવે છે. એની જોડે કામ છે."

"પણ એવું તો શું કામ છે?"

"તમને બૈરાઓને ખોટી ટેવ છે. આમ જરાક બહાર નથી જતાં કે આખી જાસૂસી કરી નાખે."

"અરે યાર, એક તો માંડ રવિવાર મળે આપણને, તેમાંયે તમે દોસ્તારને લઈને બેસી જાવ. ગયા અઠવાડિયે તેના બાપા બીમાર હતા. એના આગલા અઠવાડિયે તેની ગાડી બગડી ગયેલી, પરિવાર જેવું કંઈ હોય કે નહિ, ખાલી દોસ્તાર જ સાચવ્યા કરવાના."

"જો સરિતા આ સવાર સવારમાં હું તારી સાથે લડવાના મૂડમાં નથી. તારે જવું હોય તો તું તારી સહેલીઓને બોલાવી લે."

"એ બધીના વર એમને દર રવિવારે આમ મૂકીને નથી જતાં રહેતા કે, મારી સાથે ફરવા આવે."

"એ બધી મને ન ખબર પડે, તને ખબર છે જ્યારે હું પૈસાની મુસીબતમાં હોઉં છું ત્યારે તે મને વગર વિચાર્યે પૈસા આપી દે છે."

"મફત તો નથી આપતો ને, તમારે પાછા પણ તો ચૂકવવા પડે છે ને! મારી સાથે શું કામ લગ્ન કર્યા. દોસ્તાર જોડે જ રહેવું તું ને."

અમર ઘરનો દરવાજો ગુસ્સામાં જોરથી બંધ કરીને જતો રહ્યો, સરિતા માથું પકડીને બેસી ગઈ, રવિવાર હોય એટલે તે મિત્રો જોડે રખડવા જતો રહેતો. રાતે આવીને એક સોરી બોલીદો એટલે સરિતા માની જશે એમ તેને ખબર હતી. પણ આ રવિવારે તે પાછો ન આવ્યો. બ્રિજેશનો નંબર પણ ન હતો કે, પૂછી શકાય. તે બાલ્કનીમાં ઉભી ઉભી રાહ જોઈ રહી હતી. રાતે બાર વાગ્યા, એટલામાં એમ્બ્યુલન્સ આવી. તે ડરી ગઈ, ભગવાનને પ્રાથના કરવા લાગી કે આમા અમર ન હોય. ડ્રાઈવરે નીચે ઉતરીને સરિતા તરફ જોઈને બોલ્યો,
"અમરનું ઘર?"
"આ..આ .આ.આ. આજ છે."
"તમે નીચે આવો."

સરિતાના પગ ભારે થઈ ગયા, પરસેવે રેબઝેબ થઈ ગઈ, વગર ચંપલે નીચે દોડી, દાદર પર પગ લપસ્યો, એ પણ લપસી, વાંસામાં ખૂબ વાગ્યું, પાછી ઊઠીને ભાગી. એમ્બ્યુલન્સનો દરવાજો ખૂલ્યો, સામે બે પગે પાટા વાળી સૂતેલો અમર.

"શું થયું તમને?"

"અકસ્માત."

ડ્રાઈવર અને સરિતા સ્ટ્રેચર ખેંચીને ઉપર લઈ ગયા. લિફ્ટમાં આવે તમે ન હોવાથી ઉપર એમજ લઈ ગયા, વ્હીલચેર પણ ગાડીમાં ન હતી. ઘરમાં આવતા તે હાંફવા માંડી. ડ્રાઈવર જતો રહ્યો.

અમર નો હાથ પોતાના હાથમાં લીધો, તે દુખાવાથી કણસતો હતો.
"આ બધું કઈ રીતે થયું?" સરિતા રડમસ સ્વરે બોલી.

"અમે જતાં હતા, ત્યાં ગાય વચ્ચે આવી ગઈ. ખાલી મને એકલાને જ વાગ્યું છે. તેને કશું જ થયું નથી."

"તો તે મૂકવા કેમ ન આવ્યો?"

"ઘણું મોડું થઈ ગયેલું, એના ઘરના ચિંતા કરે એમ કરી મોકલી આપ્યો."

બે મહિના સંપૂર્ણ આરામ કરવાનો હતો, સરિતાએ ખડેપગે રહીને સેવા કરી, તેને ખાવાનું, નાહવાનું,બાથરૂમ બધું જેમતેમ કરતી. એકતો અમરનુ ભારી શરીર. તેણે ખૂબ સેવા કરી. આ બાજુ દોઢ મહિનો થવા છતાં પણ બ્રિજેશ દેખાયો નહીં, ખાલી ફોન કરી હાલચાલ પૂછી લેતો.

બે મહિના થયા, અમર ઘરમાં રહીરહીને કંટાળ્યો, તેણે બ્રીજેશને ફોન કર્યો,

"હલ્લો, યાર ક્યાં છે? આ પલંગમાં સૂઈ સૂઈને ત્રાસી ગયો છું. મને ક્યાંક બહાર ફરવા લઈ જા."

"સોરી યાર, આજે તારી ભાભીની બર્થડે છે. એને બહાર ફરવા લઈ જાવ છું. એનું પણ તો મારે ધ્યાન રાખવું પડેને, એ કેટલું કરે છે મારા માટે." એમ કહી બ્રિજેશ છૂટવાનો પ્રયત્ન કરતો હોય તેમ લાગ્યું. થોડી આછીપાતળી વાતો કરી ફોન પૂરો થયો.

અમર વિચારમાં પડ્યો. જે દોસ્ત માટે પોતે ઘરબાર કશું જ જોતો ન હતો. તેણે આજે એના પરિવાર માટે ના પાડી દીધી. એટલામાં તેની પત્નીને કામ કરતી જોઈ, સરિતાને જોઈ તેના આંખમાં આંસુ આવી ગયા. તેણે સરિતા સાથે જે દુર્વ્યવહાર કર્યા હતા, તે આંખ સામે તરી આવ્યા. તેણે બે મહિનાથી તેની પાછળ કરેલી મહેનત વિચારી આંખો વધારે ભીની થઇ. .

એટલામાં સરિતા આવી.
"શું થયું? કેમ રડો છો?"
"બસ તું મારા માટે કેટલું કરે છે. આ બે મહિના પથારીમાં રહ્યો ત્યારે ખબર પડી કે, આખું અઠવાડિયું તને કેવું લાગતું હશે. મને માફ કરજે, હવે દર રવિવારે આપણે આટો મારવા જઈશું. મારો પાટો છૂટે એટલે દસ દિવસ આપણે ફરવા જઈશું."

"પણ તમારો દોસ્તાર?"

"તેને હવે મારી જરૂર નથી."

પત્ની ભીની આંખે ભેટી રહી.