Sky Has No Limit - 50 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-50

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-50
મોહીત અને એની મોમ વાત કરી રહેલાં કે મલ્લિકાનાં મા-બાપ જાણે મલ્લિકાનાં એબોર્સન અંગે વાત કરવા આવ્યા હોય એવુંજ લાગ્યું. તારાં પાપા સાંભળીને ખૂબજ ડીસ્ટર્બ થયાં હતાં એમનો ગુસ્સા સાતમાં આસમાને પહોંચેલો એમને જાણ થઇ ગઇ હતી કે વેવાણ સમજીનેજ આમ મોટેથી બોલી રહ્યાં છે.
તારાં પાપાથી ના રહેવાયું જેવો વેવાણે ફોન મૂક્યો તારાં પાપાએ તારાં સસરાને કહ્યું.. તારાં પાપાએ ડ્રીંક લીધેલુંજ ઉપરથી આવી વાતચીત એમણે મલ્લિકાનાં પાપાને કહ્યું “ વેવાઇ શું છે આ બધું ? આપણે ઘરે મુદ્દલનું વ્યાજ આવી રહ્યું છે ઇશ્વરની કૃપાથી સારાં દિવસ દેખાઇ રહ્યાં છે આ વેવાણ શું બોલી રહ્યાં છે ? એમને ખબર પડે છે કાંઇ ?
મલ્લિકા તો હજી નાદાન છે પણ આ પરિપક્વ બાઇ શું બોલી રહી છે ભાન છે ? મારાં દિકરાનાં ઘરે દીકરો આવે એવી વધાઇ આપવાનાં બદલે નાદાન વહુને ચઢાવે છે ? આ નહીં ચાલે... તમે સમજાવો છો કે હું....
તારાં પાપા આગળ બોલે પહેલાં જ કાલીનદી બહેન બોલ્યાં... “સુભાષભાઇ એ શું બોલતાં હતાં ? એમને કંઇ ખબર પડે છે ? એમને કેટલા વીસુ સો થાય એ નથી ખબર અને હું શું ખોટું કહુ છું ? છોકરાં તો પછીયે થાય જ છે ને.. પણ અત્યારે નાની છે થોડું હરવા ફરવા દો જીવવા દો પછી જીંદગીભર ઢસરડાજ છે બધાં... માંડ હમણાં સેટ થયાં છે ત્યાં વળી છોકરાની ઉપાધીઓ કરવાની ?
મોહીત તારાં પાપા આ સાંભળી ખૂબ જ ભડક્યા... એમણે કીધુ છોકરાને ત્યાં છોકરો આવે એને ઉપાધી કહો છો ? કેવી માં છો તમે ? એવું કોઇ નિર્ણય નહીં લઇ શકો. મોહીત પણ તૈયાર જ નહીં જ થાય. હું મારાં દીકરાને સારી રીતે ઓળખું છું એમ તમારાં સાથ આપે એબોર્શન નહીં કરાવી લેવાય. ખબરદાર જો ફરીથી આવું બોલ્યા છો તો સારા વાના નહીં થાય સમજી લેજો.
તારાં પાપાએ મોહીત એમને રીતસર જ ચેતવણી આપી પણ એ કાલીન્દીબેન સાવ કાળી જ છે જે પોતાનાં ધણીનું નાં સાંભળે એ બીજાને શું સાંભળે ?
મોહીતની ધીરજ ના રહી એણે મોમને પૂછ્યું “આટલું બધું આન્ટી બોલ્યાં તો તું કે વિજય અંકલ કઇ ના બોલ્યા ? બધાં સાંભળી રહ્યાં.
મોનીકાબેને કહ્યું “મોહીત બેટાં વાતાવરણ એટલું ગરમ અને ઉગ્ર થઇ ગયુ હતું કે શું બોલું ? છતાં મેં કાલીન્દી બહેનને વાળવા ક્હયું તમે કેમ આટલી જીદથી વાત કરો છો આ બધો નિર્ણય આપણે નહીં એ છોકરાઓ લેશે. આમ એક પક્ષે નિર્ણય તમે ના લઇ શકો જરાં માન સન્માન રાખીને વાત કરવાની આવી રીતે તમે બોલી ના શકો. તમે મલ્લિકા સાથે વાત કરી છે એમ અમે મોહીત સાથે પણ વાત કરીશું પછી નિર્ણયની વાત. હું આટલું સ્પષ્ટ તો બોલીજ મારાંથી ના જ રહેવાયું.
પણ એ કાલીન્દીબહેનની જીભ તો કાતરની જેમ જ ચાલુને ચાલુ જ હતી એ પાછાં મને કહે છે તમેય શું મોનીકાબેન સમજ્યા વિના વિવાદ કરો છો. છોકરાઓની અત્યારે હજી ઊંમર છે ? આપણે તો જ્યાં ત્યાં વૈતરાં અને છોકરાઓમાં યુવાની વેડફી નાંખી એ લોકોને તો મજા કરવા દો પછી છોકરાનું પ્લાનીંગ ક્યાં નથી થતું ?
તારાં પાપા પછી બોલ્યા કે શું યુવાની યુવાની કરો છો છોકરું થશે પછી યુવાની નથી રહેવાની ? તમે છોકરી પરણાવી છે કે મશ્કરી કરી છે ? તમારાં કુટુંબમાં હશે એવી વિચારધારા અમે જુદા છીએ ખબરદાર ફરી એબોર્શનની વાત કરી તો...
અને પછી વેવાણ જે રીતે આંખો ચઢાવી ભુફુરી ચઢાવીને બોલ્યાં છે કે વેવાઇ તમે આમ મને દાબમાં રાખવાની વાત ના કરો હજી વિજય બેઠાં છે મને કહેવા વાળા....
તારાં પાપા પછી બોલ્યાં.. એ બેઠાં છે એ બેઠાં જ છે કંઇ બોલતાં નથી એટલે જ મારે બોલવું પડે છે કારણ કે એમ તમારી છોકરીનું તમે વિચારો છો એમ હું મારાં છોકરાનું વિચારુ છું અને એજ અમારાં કુંટુબનાં સંસ્કાર છે. સમજ્યા ?
કાલીન્દીબહેને પછી જાણે ઘટસ્ફોટ કર્યો વેવાઇ તમે અહી બેસીને બોલ્યા કરો કે હું બોલું.... મારી દીકરી પોતે જ નિર્ણય લઇ લેશે.. કે લઇ લીધો હશે શું કરશો ?
પછી તારાં પાપા ચૂપ થઇ ગયાં... એમણે મોટી બોટલને ઉચકી એમાંથી સીધુ મોઢે માંડીને ખબર નહીં કેટલું પીધુ અને બોટલને જોરથી ફેકી દિવાલ પર અને ગુસ્સામાં ઉઠીને સીધાં એમનાં રૂમમાં જતાં રહ્યાં. હું તો મોં વિકાસીને બધુ જોઇ જ રહી હતી મને તો ખબર જ નહોતી પડતી કે હું શુ કરુ ? વિજયભાઇ ઉભા થઇને એમની પાછળ ગયા કે હું મનાવી લાવુ છું અને પછી કાલીન્દી બહેનને બોલ્યાં છેવટે "તું તારું મોં બંધ રાખને કેટલું બોલીશ ? આ તારાં બાપનું ઘર છે કે જેમ ફાવે એમ બોલે રાખે છે ? હું કીચનમાં પાણી લેવા દોડી ત્યાં કાલીન્દીબહેન એમની પાછળ પાછળ ગયાં બોલતાં બોલતાં કે તમે શેનાં વચમાં પડો છો મને શેનાં લઢો છો ? મારાં બાપ સુધી નહીં જવાનું તમારો તમારી છોકરીનું તો વિચારો કંઇ ? એણે તો કરાવી પણ લીધું હશે તો શું કરશો ?
બસ આ તારાં પાપએ સાંભળ્યું અને પછી મોહીત એમની તબીયત લથડી... એ જાણે બધુ જ ખોઇ બેઠાં હોય એવી એમની સ્થિતિ થઇ ગઇ એમણે વેવાઇ અને વેવાણ બંન્ને એમનાં રૂમમાંથી બહાર જવા કહી દીધુ રીતસર જ અપમાન કરેલું કે ગેટઆઉટ ફ્રોમ માય હાઉસ ગેટલોસ્ટ એન્ડ યોર રીસ્પેક્ટ માય ફુટ.. ગેટ આઉટ.
એ બંન્ને જણાં ડઘાઇ જ ગયાં તરતજ બોલ્યાં ચાલ્યાં વિના બહાર નીકળી ગયાં ક્યારે મુંબઇ જવા નીકળી ગયાં એ મને નથી ખબર પણ પછી હું એમની સાથેને સાથે જ રહી એમને શાંત કરવા ખૂબ પ્રયત્ન કર્યાં એમને જાણે ચક્કર આવી રહેલાં અને આખાં શરીરમાં ધુજારી આવતી હતી એ થોડીવાર પછી શાંત થઇને સૂઇ ગયાં.
મેં ત્યાં સુધી તને અને ડોક્ટર કાકાને ફોન કરેલો એ પણ બોલ્યાં કે બે દીવસથી સુભાષ ઢીલો હતો પણ ભાભી ચિંતા ના કરો હું ઘરે પહોંચુ છું. અને એમનાં આવ્યાં પછી એમણે દવાઓ આપી અને કોઇ વિચારો કર્યા વિના શાંતિથી સૂવા ક્યું અને બે દિવસ તારાં પાપાને સારું લાગ્યું અને ત્રીજે દિવસે ડોક્ટર કાકા સાથે ગાર્ડનમાં પણ ગયાં.
પરંતુ ગાર્ડનમાંથી આવ્યાં પછી મને કહે મોનીકા મને કઈ મજા નથી આવી રહી. મને શરીરમાં અસુખ લાગે છે મને અપશુક્ન થયા કરે છે છાતીમાં કંઇક બળ્યા જ કરે છે મને તારી વહુ પર વિશ્વાસ નથી એ દગો દેશે એ કરમચંડાળ આપણાં છોકરાને બરબાદ કરશે કેવા ઘરમાં આપણાં દીકરાને સંબંધ થઇ ગયો ? એનાં પગલાં આ ઘરમાં હવે ના પાડીશ નહીંતર બધુજ બરબાદ થઇ જશે.
મેં એમને કહ્યું "તમે હજી કેમ એવાં વિચાર કર્યા કરો છો જીવ શાંત કરો. મન શાંત કરો. તમને કંઇ થઇ જશે તો મારું કોણ ? મને મારી સામે જોઇને કહે "કેમ તારો છોકરો નથી ? તારું મારાં કરતાં વધારે ધ્યાન રાખશે મને એટલો વિશ્વાસ છે આપણાં સંસ્કાર જુદાજ છે એ દુનિયામાં ગમે તે દેશમાં રહે પણ આપણી સંસ્કૃતિ અને આપણાં સંસ્કાર કદી નહીં ભૂલે એવો આપણો દીકરો છે ઇશ્વરે દીધેલો છે ખૂબ કેળવાયેલો છે.
મેં કીધુ આપણો દિકરો તો છે જ પણ આપણે બધાએ શાંતિથી સરસ સાથે જીવવાનું છે એ અહીં આવશે અથવા આપણે ત્યાં જઇશુ...
થોડીવાર શાંત રહ્યાં કંઇ ના બોલ્યાં મને કહે મોનીકા મને શરબત બનાવી આપને મને હાથપગમાં જાણે પાણી છૂટે છે હું ગભરાઇને તરતજ શરબત બનાવા ગઇ અને પાછી આવીને જોઊં તો પથારીમાં ચત્તાપાટ પડ્યાં છે એમનો શ્વાસ ઊંચા ચઢેલાં હતાં.
મેં ડોક્ટરકાકાને ફોન કર્યો એમણે જુનીયર ડોક્ટરને એમ્યુલન્સમાં મોકલીને એમને દવાખાને લઇ ગયાં હું એમની સાથે ને સાથે જ હતી ઘર બંધ કરવા કે મહારાજને સુચના આપવા નથી રોકાઇ. બસ દાખલ કર્યા ઇમરજન્સીમાં અને ડોક્ટરકાકાએ આઇ.સી.યુ.માં લીધાં સારવાર ચાલુ કરી તને ફોન કર્યો તાત્કાલીક આવવા... પછી તને બધી ખબર જ છે અને બોલતાં બોલતાં ધ્રુસકુ નાંખી દીધુ. મોહીત સાંભળી રહ્યો...
***********
મલ્લિકા નશામાં ચૂર છે અને એણે જેને ફોન કરેલો એનો ફોન આવ્યો.
વધુ આવતા અંકે - પ્રકરણ -51