Thank you jimi books and stories free download online pdf in Gujarati

થેન્ક યુ જીમી

થેન્ક યુ જીમી

જય મહેતા... ભારતીય મુળનો એક અમેરિકન બીઝનેસમેન . વર્ષોથી અમેરિકામાં રહે . જયના જીવનની એકજ ફિલોસોફી ખૂબ પૈસા કમાવાના અને ખૂબ પૈસા વાપરવાના એના નામ અને અટક સિવાય તેનામાં વધુ કંઈ ભારતીય બચ્યું ન્હોતું . ભગવાન પર શ્રદ્ધા નહીં મોંઘા રેસ્ટોરન્ટમાં જવું , મોંઘી શરાબ પીવી , કસીનો જઈ પોકર રમવું આજ એની લાઈફ . અમેરિકામાં આ જીવનશૈલીની કંઈ ખાસ નવાઈ પણ નહીં . આ જીવનનું એકમાત્ર ઉજળું પાસું કહી શકાય તો એ એની પત્ની માર્થા . માર્થા ગુજરાતી મુળની ક્રિશ્ચિયન છોકરી . એકદમ શાંત , સરળ અને ઈશ્વર પર અપાર શ્રદ્ધા ધરાવતી દિકરી . માર્થા એટલે જયના જીવનનું સંતુલન .માર્થા ખૂબ પ્રયત્ન કરતી કે ઈશ્વર ઉપર જયને વિશ્વાસ બેસે પણ જય ક્યારેય માનતો નહીં એના સિવાય માર્થાની જય પાસે એકજ અપેક્ષા કે જય તેને સાંજે ચર્ચ પર લઈ જાય અને જય તે અપેક્ષા પૂરી કરતો .

રોજ સાંજે લગભગ પાંચ વાગ્યે જય માર્થાને ચર્ચ મુકવા આવે અને પોતે કદી અંદર ન જાય . એ છેલ્લે ક્યારે મંદિરમાં ગયો એ પણ એને યાદ નહીં હોય . ચર્ચમાં જતાં પહેલાં માર્થા ને જય ચર્ચની સામે રહેલી એક જનરલ સ્ટોરમાં જાય . માર્થા ત્યાંથી રોજ એક કેન્ડલ ખરીદે અને કોઈ કારણ વગર એક રોઝ પણ ખરીદે . આમ કરવા પાછળનું કારણ હતો જીમી , જે સાંજે આ સ્ટોર પર બેસતો . આમ ભારતીય પણ અમેરિકા જન્મેલો બાર-તેર વર્ષનો સફેદ દૂધ જેવો છોકરો , બોલવામાં અત્યંત મીઠડો , ઈશ્વરના કોઈ ફરીસ્તા જેવો ને પરાણે વ્હાલો લાગે એવો છોકરો . એટલેજ માર્થા રોજ તેની સ્ટોર પરથી કેન્ડલ અને ગુલાબ ખરીદે . આમતો જીમી ના મમ્મી સ્ટોર ચલાવતા હતા . પણ સાંજે જીમી સ્ટોર પર હોય .

જીમી બહુ બોલકો છોકરો એટલે એ જયને પુછે કે "તમે કેમ ચર્ચ નથી જતાં ?" જય પણ તેની સાથે થોડી વાતો કરે અને કહે " હું તો આ બધામાં નથી માનતો , તું માને છે ? " અને જય વિશ્વાસથી હા પાડે .


બધું બરાબર ચાલતું હતું પણ એક દિવસ એક મોટું તોફાન આવ્યું ને જય અને માર્થા નું જીવન બદલી ગયું . માર્થાને કેન્સર ડીટેક્ટ થયું . છતાં થોડા સમય સુધી ચર્ચે જવાનો ક્રમ ચાલુ રહ્યો પણ એકાદ મહિના પછી અને કીમોથેરાપી ના અમુક સેશન્સ પછી માર્થાની સ્થિતિ ગંભીર થઈ અને તે હોસ્પિટલાઈઝ્ડ થઈ . થોડા દિવસો હોસ્પિટલમાં નીકળ્યા . હવે મનોમન માર્થા અને જય જાણી ગયા હતા કે જાજો સમય નથી . માર્થાને એના નાના દોસ્ત જીમીને મળવાની ઈચ્છા થતી . એક દિવસ જય જીમીના મમ્મીને પુછી જીમીને હોસ્પિટલ લઈ આવ્યો . જીમીએ ત્યાં જઈ અશક્ત અસહાય લાગતી અને નબળી થઈ ગયેલી માર્થાના હાથમાં એક રોઝ મુક્યું . આ ગુલાબની સુગંધ છેક માર્થાના હ્રદય સુધી ગઈ . જીમી અને માર્થા બન્નેની આંખોમાં આંસુ હતા . માર્થાએ જીમી તરફ થોડા ઈસારા કર્યા જીમી સમજી ગયો કે માર્થા એને એના વતી ચર્ચમાં કેન્ડલ મુકવા જવાનું કહે છે . જીમીએ હકારમાં માથું હલાવ્યું . જય આ બધું જોઈને મનોમન અકળાતો હતો કે આટલું બધું થવા છતાં આ લોકો ભગવાન પર વિશ્વાસ કરે છે .

થોડા સમય પછી માર્થાની તકલીફોનો અંત આવ્યો અને તેનું મૃત્યુ થયું . જય અંદરથી તુટી ગયો હતો . એને કાયમ થતું કે પોતાના મોજ-શોખ પાછળ માર્થાને એટલી ખુશી ન આપી શક્યો જેટલાની એ હકદાર હતી .


જયને કાયમ વિચાર આવતો કે માર્થાને ગમે તેવું શું કરી શકાય ? અને તેને અચાનક યાદ આવ્યો "જીમી" એને થયું જો જીમી માર્થાની કબર પર ફુલ ચડાવશે તો એને જરૂર ગમશે . પણ ઈશ્વર પર ગુસ્સે ભરાયેલા જય માટે ચર્ચ તરફ જવું કપરું હતું . મહા મહેનતે હિંમત ભેગી કરી એ જીમીની સ્ટોર પર ગયો .

જય જીમીને કબ્રસ્તાન લઈ ગયો અને માર્થાની કબર પાસે એક ફુલોનો ગુલદસ્તો મુકાવ્યો . જાણે કોઈ દિકરો એની વ્હાલસોયી માં નું તર્પણ કરી રહ્યો હોય એવું એ દ્રશ્ય હતું બસ ખાલી દેશ અને રિવાજ જુદા હતા .

જય અને જીમી એક બાંકડા પર બેઠા . જય પોતાની ભળાશ કાઢતો હોય તેમ ડુમો ખંખેરી બોલ્યો "હું તારા ભગવાન સાથે ક્યારેય નહીં બોલું " . જય ધીમેથી બોલ્યો "તો તે માર્થા આન્ટીને નહીં ગમે " જય એ પુછ્યું " તને કેમ ખબર ? " જીમી બોલ્યો "ભગવાન પાસે જતાં પહેલાં મને મારા પપ્પાએ કહ્યું હતું " જયની આંખ પહોળી થઈ ગઈ "ભગવાન પાસે..??" જીમીએ કહ્યું "હા એમને પણ કેન્સર હતું"
જય બોલ્યો "તારા પપ્પાએ તને શું કહ્યું હતું ? " જીમીએ પોતાની બાળસહજ ભાષામાં વર્ણન કર્યું "મેં પણ પપ્પાને કહ્યું હતું કે હું ભગવાન સાથે નહીં બોલું , તો એમને કીધું બેટા જ્યારે આપણે કોઈ સારું કામ કરીએ છીએ ત્યારે આપણને ગિફ્ટ્સ અને ચોકલેટ મળે છે ને એમ જ આપણાથી કોઈ ભુલ થઈ હોય તો આપણને પનીશમેન્ટમાં થોડું દુઃખ મળે છે એમાં ઈશ્વરનો કોઈ વાંક નથી એ હંમેશા આપણને પ્રેમ કરે છે " જય આ બાળકના મોઢે નીકળેલી આવડી મોટી વાત સાંભળી અવાક રહી ગયો એને યાદ આવ્યું પીડામાં સળવળતી માર્થા પણ આવું જ કહેતી હતી જાણે માર્થા જ જયને સમજાવવા પ્રયત્ન કરતી હોય . જય એ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો કે બાર-તેર વર્ષના આ છોકરાને પોતાના પપ્પા ગુમાવ્યા બાદ અને માર્થાને આટલી પીડા ભોગવ્યા છતાં ઈશ્વર પર એટલીજ શ્રદ્ધા અને પ્રેમ છે . જય જીમીને તેની સ્ટોર પર લઈ ગયો .


હજુ જય રોજ એ સ્ટોર પર જાય છે અને કેન્ડલ તથા રોઝ ખરીદે છે ફરક એટલો છે કે એ હવે રોજ ચર્ચની અંદર જાય છે . માર્થાને દિલથી યાદ કરે છે અને ઈશ્વરની હાજરીને એના પ્રેમને દિલથી અનુભવે છે . માર્થા જય માં જે બદલાવ લાવવાના પ્રયત્નો કરતી રહી એ કામ ઈશ્વરના આ ફરીસ્તા જીમી એ કરી દીધું . ચર્ચમાં જાણે માર્થા ની બુમો સંભળાય છે "થેન્ક યુ જીમી..."

##################################