Kudarat kyarey nai chhode books and stories free download online pdf in Gujarati

કુદરત ક્યારેય નઈ છોડે...

તમે ઘણીવાર સાંભળ્યું હશે અહીંયા કરેલા કરમ અહીંયા જ ભોગવવા પડે છે. જેવું કરશો તેવું ભરશો. ઈશ્વરની લાઠી પડે છે ત્યારે અવાજ નથી આવતો... વગેરે વગેરે. આપણે આનું જ એક ઉત્તમ ઉદાહરણ જોવાનું છે. પહેલા તો હું મારો ટૂંકમાં પરિચય આપી દઉં....

મારુ નામ અભિષેક દાફડા છે અને હું સુરતનો રહેવાસી છું. હું ઘણા ટાઈમથી આ મુદ્દા પર લખવા માંગતો હતો પણ આજ પહેલા ક્યારેય કશું લખવામાં હાથ અજમાવ્યો નથી માટે મનમાં ઘણી લઘુતાગ્રંથિ પણ હતી કે મારાં જેવા બિનઅનુભવી અને નવાસવાને કોણ વાંચશે. પણ આ મુદ્દો ફરીફરીને મનમાં ઘૂમ્યા કરતો હતો. તેથી વિચાર્યું કે હવે કોઈ વાંચે કે ના વાંચે પણ હવે આ મુદ્દે લખવું રહ્યું...

આપણે અહીંયા વાત કરવી છે "મહાભારત"ની. મહાભારતનાં ઘણા અગત્યના પાત્ર "ભીષ્મ પિતામહ"ની એટલે કે "દેવવ્રત"ની. તો વાત શુરું કરીએ દેવવ્રતનાં જન્મ પ્રસંગથી. હું જાણું છું કે તમે સૌ આ બધું જાણતા હશો પણ કોઈપણ વાતને અસરકારક બનાવવી હોય તો તેની પૂર્વભૂમિકા બાંધવી પડે. એ રીતનો માહોલ બનાવવો પડે. ત્યારે કોઈપણ વાર્તા અસરકારક બની શકે. તો વાત શરૂ કરીએ ભીષ્મનાં માતા-પિતાની એટલે કે શાંતનુ-ગંગાની...

શાંતનુ એ પૂર્વજન્મમાં ઈશ્વકુ વંશના પ્રતાપી રાજા "મહાભિષેક" હતા. જે પોતાનાં મહાન યજ્ઞો વડે દેવતાઓની સભામાં સ્થાન પામ્યા હતા. જ્યારે ઈન્દ્રની સભામાં ગંગાનું આગમન થાય છે ત્યારે મહાભિષેક (શાંતનુ) ગંગા પર પ્રથમ નજરે મોહિત થઈ જાય છે અને વિકારી નજરે એકીટશે જોયા કરે છે જ્યારે અન્ય દેવતાનો મર્યાદામાં નીચું જોઈ જાય છે. ગંગા પણ મહાભિષેક (શાંતનુ) સામે એકીટશે જોયા કરે છે. ત્યારે મહાભિષેક અને ગંગાને મૃત્યુલોકમાં જન્મ લેવાનો શ્રાપ મળે છે. જેથી શાંતનુ પૂર્વજન્મથી જ ચંચળ મન ધરાવતા હતા એવું કહી શકાય. જે ચંચળ મન ભવિષ્યમાં પણ ઘણીવાર સ્ત્રીમોહમાં વિચલિત થવાનું હતું. જે મહાભારતનાં યુદ્ધ (મહાવિનાશ) નું પ્રમુખ કારણ પણ હતું.

ત્યારબાદ ગંગા નદીના કિનારે એકવાર શાંતનુએ ગંગાને જોયા અને ફરી એકવાર ગંગાના રૂપ પર મોહિત થયા. શાંતનુએ ગંગાને લગ્ન પ્રસ્તાવ મુક્યો, પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વીકાર કરતા પહેલા શરત મૂકી કે શાંતનુએ ક્યારેય ગંગાને કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછવો નહિ અને શાંતનુ જો શરતભંગ કરશે તો ગંગા ફરીથી દેવલોકમાં જતી રહેશે. આમ ગંગા અને શાંતનુનાં લગ્ન થયા અને ગંગાએ તે બાદ એક પછી એક ૭ પુત્રોને જન્મ આપ્યો અને જનમ આપતાની સાથે જે તે બાળકને જળમાં ડુબાડી દેતી. શાંતનુ શરતથી બંધાયેલા હોવાથી કશું બોલી શક્યા નહિ. પરંતુ આઠમાં પુત્રને પણ જ્યારે ગંગા ડૂબાડવા નીકળી ત્યારે શાંતનુની હિમ્મત જવાબ આપી ગઈ અને બાળક ડૂબાડવાનું કારણ પૂછ્યું અને ગંગાને આ જઘન્ય કૃત્ય કરતા અટકાવી. આમ આને શરતભંગ ગણી ગંગા દેવલોક સિધાવી ગયા. આ આઠમું બાળક એ જ પરમ પ્રતાપી પિતૃભક્ત ભીષ્મ. જેની જીવનમાં એકમાત્ર ભૂલ એ જ હતી કે ભીષ્મએ રાજધર્મ કરતા પિતૃધર્મને વધારે મહત્વ આપ્યું અને હસ્તિનાપુરને એક એવા ભાવિ રાજાઓનાં હાથમાં સોંપી દીધું હતું કે જેઓનો હજી જન્મ પણ થયો નહોતો.

જ્યારે ભીષ્મ મોટા થયા ત્યારે તેઓને હસ્તિનાપુરનાં યુવરાજ બનાવવામાં આવ્યા. આ સમય દરમ્યાન ફરીથી સ્ત્રીમોહ હાવી થતા શાંતનુ નાવિક નિષાદની પુત્રી મત્સ્યગંધા (સત્યવતી)નાં પ્રેમમાં પડ્યા. પરંતુ સત્યવતીના પિતાએ વિવાહ માટે શરત મૂકી કે જો સત્યવતીના સંતાનો રાજા બને તો જ સત્યવતીને શાંતનુ સાથે પરણાવશે....

પોતાનાં પુત્ર દેવવ્રત (ભીષ્મ)ને યુવરાજ બનાવી ચુક્યા હોવાથી શાંતનુ આ શરતનો સ્વીકાર કરી શક્યા નહી પરંતુ તે દિવસ-રાત ઉદાસ રહેવા લાગ્યા. એક રીતે જોવા જઈએ તો આને ઇમોશનલ બ્લેકમેઇલીંગ કહી શકાય. ભીષ્મને આ વાતની ખબર પડતા તેમણે સત્યવતીના પિતાને વચન આપ્યું કે તેઓ રાજપદ જતું કરવા તૈયાર છે પણ સત્યવતીનાં પિતાને આટલેથી પણ શાંતિ ન થતા તેણે ભીષ્મની ભવિષ્યની પેઢી અંગે શંકા દર્શાવતા કહ્યું કે "ભીષ્મ તમે તમારી પોતાની જવાબદારી લઈ શકો પણ તમે તમારી ભાવિ પેઢીની જવાબદારી ના લઈ શકો કે તેઓ ભવિષ્યમાં સત્યવતીના પુત્રો પાસે રાજપાટમાં પોતાનો ભાગ ન માંગે.

ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ તેમ ભીષ્મએ આજીવન વંશહીન જ જીવશે અને વંશહીન જ મરશે એવી ભીષણ પ્રતિજ્ઞા લીધી અને આજીવન બ્રહ્મચારી રહેવાની કઠોર પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ શાંતનુ-ગંગા પુત્ર દેવવ્રત ભીષણ પ્રતિજ્ઞા લેવાને કારણે આજીવન ભીષ્મ તરીકે ઓળખાયા.

લગ્ન બાદ શાંતનુ અને સત્યવતીને બે પુત્રો થયા. જેમનું નામ ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય રાખવામાં આવ્યું.

હવે આપણી સ્ટોરી શરૂ થાય છે. ભીષ્મએ ભલે પોતાની મરજીથી ખુશી ખુશી આ પ્રતિજ્ઞા લીધી હતી પણ અન્યાય તો અન્યાય જ હોય છે અને જાણે અજાણ્યે આ જે ભીષ્મ સાથે અન્યાય કર્યો હતો તેની કેટલી મોટી કિંમત સત્યવતી અને તેના ભાવિ પુત્રોને પેઢીની પેઢી સુધી ચૂકવવી પડી. તેની ઉપર જ આપણી આ વાર્તાનો આખો પ્લોટ છે.

સૌપ્રથમ તો ભીષ્મ પર થયેલા આ અન્યાયનાં પારાવાર અફસોસમાં શાંતનુનું મોત થયું. હસ્તિનાપુરની ગાદી પર બેસવાવાળું કોઈ રહ્યું નહિ. ભીષ્મ પોતાનાં વચનથી બંધાયેલા હતા અને શાંતનુનાં બન્ને પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય હજી નાના હતા. થોડા મોટા થયા બાદ ચિત્રાંગદને હસ્તિનાપુરનાં મહારાજ બનાવતા જ તેનું ચિત્રાંગદ નામનાં જ ગંધર્વ સાથે યુદ્ધ થતાં મૃત્યુ પામ્યો. ફરીથી હસ્તિનાપુરની ગાદી ખાલી થતાં વિચિત્રવીર્યને રાજા બનાવવામાં આવ્યો અને અંબિકા અને અંબાલિકા નામની કાશી રાજકુમારીઓ સાથે તેના વિવાહ કરાવવામાં આવ્યા પણ ભીષ્મ સાથે થયેલા અન્યાયનાં ફળ સ્વરૂપ વિચિત્રવીર્ય પણ સંતાન વગર કાળની ભેંટ ચડી ગયા.

જોયું મિત્રો, જે સત્યવતીનાં સંતાનો હસ્તિનાપુર પર રાજ કરી શકે તે માટે ભીષ્મ સાથે અન્યાય કરવામાં આવ્યો હતો તે સત્યવતીનાં બન્ને પુત્રો હસ્તિનાપુરનાં રાજા બનતા જ મૃત્યુ પામ્યા. કુદરતની લાઠી આવી રીતે જ પડે છે.

ત્યારબાદ વિચિત્રવીર્યની વિધવા થયેલી બન્ને પત્નીઓ અંબિકા અને અંબાલિકાને સત્યવતીનાં અન્ય પુત્ર (સત્યવતીનો અને ઋષિ પરાશર દ્વારા થયેલો પુત્ર) વેદવ્યાસનાં આશીર્વાદથી ધૃતરાષ્ટ્ર અને પાંડુનો જન્મ થયો અને એક દાસી થકી મહાત્મા વિદુરનો જન્મ થયો. જેમાં ધૃતરાષ્ટ્ર અંધ હતા અને પાંડુ જન્મથી કમજોર અને બીમાર હતા.

જે સત્યવતીની ભાવિ પેઢી માટે ભીષ્મને અન્યાય કરવામાં આવ્યો હતો. તે પેઢી પણ અન્ય કોઈની સહાયતા લઈને આગળ વધારવાની નોબત આવી ગઈ અને તે પૌત્રો પણ ખોડખાંપણ અને કમજોરી વાળા થયા. કુદરતનો હિસાબ આવો હોય છે.

ત્યારબાદ પાંડુને હસ્તિનાપુર મહારાજ બનાવવામાં આવ્યો. પાંડુ કોઈ અજ્ઞાત રોગથી પીડિત હતા, સંભવતઃ પાંડુરોગથી. એટલે કે શરીર ફિક્કું હોવું જેને અંગ્રેજીમાં એનિમિયા કહે છે જેમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી. પાંડુનાં લગ્ન કુંતીભોજની દીકરી કુંતી સાથે થયા અને ત્યારબાદ પાંડુના લગ્ન મદ્ર દેશની રાજકુમારી માદ્રી સાથે થયા. જંગલમાં એકવખત શિકાર ખેલતી વેળા અજાણતા જ કિંદમ ઋષિ પર બાણ ચલાવ્યું (જેઓ તે સમયે હરણ વેશમાં પોતાની પત્ની સાથે સંભોગ કરી રહ્યા હતા). આથી કિંદમ ઋષિએ પાંડુને શ્રાપ આપ્યો કે જ્યારે તે પોતે પણ પોતાની પત્ની પાસે સંભોગ માટે જશે ત્યારે તેનું પણ મૃત્યુ થશે.

જોયું, ફરીથી સત્યવતીનાં ભાવિ પૌત્રો પર સંકટ આવ્યું જેના માટે ભીષ્મ પર અન્યાય થયો હતો. રાજપાટ તો હતું પણ સત્યવતીનાં પુત્ર તેમજ પૌત્રો પર કુદરત પોતાનો કેર વરસાવી રહ્યો હતો.

ત્યારબાદ કુંતીએ ઋષિ દુર્વાસા દ્વારા મેળવેલા વરદાનનો ઉપયોગ કરી ત્રણ પુત્રો મેળવ્યા જેમાં સૌથી મોટો પુત્ર યુધિષ્ઠિર (યમ દ્વારા) એ પછી ભીમ (વાયુદેવ દ્વારા) અને અર્જુન (ઇન્દ્રદેવ દ્વારા)ને જન્મ આપ્યો. કુંતીએ પોતાના વરદાનનો મંત્ર માદ્રીને પણ પ્રયોગ કરવા માટે આપ્યો. જેનાં દ્વારા માદ્રીએ અશ્વિનીકુમારોની સહાયતાથી નકુલ અને સહદેવને જન્મ આપ્યો.

ત્યારબાદ ગાંધારીની પતિ ભક્તિ જોઈને વેદ વ્યાસ પ્રભાવિત થાય છે અને તેને ૧૦૦ પુત્રોની માતા બનવાનો આશીર્વાદ આપે છે. ગાંધારી ગર્ભવતી થાય છે અને અસામાન્ય રીતે લાંબા સમય સુધી એટલે કે બે વર્ષ સુધી ગર્ભમાં રાખે છે અને જ્યારે ગંધારીને ખબર પડે છે કે કુંતીએ પાંડુનાં પ્રથમ પુત્ર યુધિષ્ઠિરને જન્મ આપ્યો છે ત્યારે તે હતાશા અને લાચારીથી પોતાનાં પેટ પર હાથથી પ્રહાર કરે છે ત્યારે માત્ર એક ભૂખરો પદાર્થ જ જન્મ્યો હતો. મહાભારત અનુસાર વેદવ્યાસે તેને ૧૦૧ ભાગમાં વહેંચી માટીનાં વાસણોમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. આમાં પ્રથમ જન્મ દુર્યોધન અને ત્યારબાદ બીજા ૯૯ ભાઈઓ અને એક બહેન દુઃશલા જન્મી.

ભીષ્મ સાથે થયેલા અન્યાયનાં ફળ સ્વરૂપ સત્યવતીની બીજી એક આખી પેઢી અન્ય કોઈની સહાયતાથી આ દુનિયામાં લાવવાની નોબત આવી હતી. ક્યાં આવ્યા આમાં સત્યવતીનાં સીધા વારસદારો. જેનાં માટે આટલો મોટો કરશો રચવામાં આવ્યો હતો.

ત્યારબાદ તો સૌ જાણે છે કે સત્યવતીનાં આ જ વારસદારો આ જ રાજપાટ માટે કેવા અંદરો-અંદર લડી મર્યા. ધૃતરાષ્ટ્ર પુત્રોનો તો સમૂળો નાશ થયો અને પાંડવોમાં પાંચ પાંડવોને બાદ કરતા અર્જૂનપુત્ર અભિમન્યુ તેમજ ભીમપુત્ર ઘટોત્કચ અને દ્રૌપદી થકી જન્મેલા પાંડવોના પાંચ પુત્રોના મૃત્યુ થયા. તેમજ બર્બરિક જેવો પૌત્ર પણ આ યુદ્ધની ભેંટ ચડી ગયો.

મહાભારત યુદ્ધ પછી પણ મહારાજ યુધિષ્ઠિર પણ કુળહત્યાનાં પશ્ચતાપમાં સદાય વ્યાકુળ રહ્યા અને શાંતિથી રાજ ન કરી શક્યા અને રાજા પરિક્ષિતને રાજપાટ સોંપી હિમાલય પોતાનાં અનુજ અને દ્રૌપદી સહિત ચાલ્યા ગયા. થોડા સમય બાદ અભિમન્યુ પુત્ર પરીક્ષિત પણ શ્રીંગી ઋષિનાં શ્રાપના કારણે તક્ષક સાપનાં કરડવાથી મૃત્યુ પામે છે.

એટલે કે સત્યવતીની અને પાંડવો-કૌરવોની પણ આખીની આખી પેઢી ભીષ્મ સાથે અન્યાયનાં ફળ સ્વરૂપ કાળની ભેંટ ચડી ગઈ. જે સત્યવતીની ભાવિ પેઢી માટે આ ભીષણ અન્યાય થયો હતો તેમાં મોટા ભાગના અકાળે મૃત્યુ પામ્યા અને ખરેખર રાજ કરવા પામ્યા જ નહીં અને જેનાં ભાગમાં રાજ કરવાનું આવ્યું તેઓ કદી શાંતિથી રાજ ન કરી શક્યા...

મિત્રો, આ જ છે કુદરત. કોઈનું ખોટું કરતા પહેલા સો વાર વિચારજો, કોઈની સાથે અન્યાય કરતા પહેલા હજાર વાર વિચારજો. તમે કોઈની સાથે કરેલા અન્યાય દ્વારા મળેલા પાપનું ફળ ના જાણે તમારી કેટલીય પેઢી સુધી તમારો પીછો કરતું રહેશે. તમારી ના જાણે કેટલીય પેઢીઓએ આ પાપનું ફળ ભોગવવું પડશે. કારણ કે જેની સાથે તમે અન્યાય કર્યો તે કદાચ તમને માફ કરી દેશે, તમને છોડી દેશે. એકવાર ભગવાન તમને છોડી દેશે પણ કુદરત... કુદરત ક્યારેય નઈ છોડે