Did you get my ram books and stories free download online pdf in Gujarati

તમને મારો રામ મળ્યો?

વર્ષો પહેલાની એક સત્ય ઘટના છે. આ વાત અમેરિકાનાં વિલિયમ ફોર્ડએ કે જેઓ તે સમયનાં આખી દુનિયાના મોટામાં મોટા હાર્ટ સર્જન હતા. તેમણે આ વાત પોતાનાં પુસ્તકમાં કરી છે. તેઓ જ્યારે ભારતમાં એક નાના બાળકનાં ઓપરેશન માટે મુંબઈ આવ્યા હતા ત્યારનો એમનો સ્વઅનુભવ છે. આખી અંગ્રેજીમાં સ્ટોરી છે. વિલિયમ ફોર્ડએ તેની યાદીમાં લખ્યું છે. એ વાત કરવી છે. કે હું ભારતમાં એક દર્દીનાં ઓપરેશનમાં આવ્યો. હિન્દુસ્તાનમાં રામ છે, આવો એમનો પુરાવો છે એવો એમનો દાવો છે. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાનાં પુસ્તકમાં કર્યો છે. જાણીને નવાઈ લાગી હશે કે એક અમેરિકાનો ભણેલો ગણેલો અને દુનિયા ફરેલો માણસ અને વળી પાછો ડોકટર... એ પોતે રામનાં આ દુનિયામાં હોવાનું પ્રમાણ આપે છે.

મુંબઈમાં એક બોવ મોટા શેઠ હતા. તે સમયમાં તેઓની ઘણી ફેકટરીઓ ચાલતી. પૈસાની કોઈ કમી હતી નહિ. નોકર ચાકરોની લાઇન લાગતી. અબજોપતિ માણસો હતા. ઘરમાં શેઠનાં માજી ઉપરાંત પત્ની હતા. શેઠ નાના હતા ત્યારે પિતાજીનું અવસાન થયું હતું. પોતાની મહેનત અને આવડતને લીધે શેઠ આ મુકામ પર પહોંચ્યા હતા.

શેઠના માજી અને પત્ની બન્ને ભક્તિભાવ વાળા હતા. ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મદદ કરતા. શેઠની જિંદગીમાં કોઈ ચીજની કમી નહોતી. બસ, ખોટ હતી તો શેર માટીની. શેઠ અને શેઠાણી આધેડ ઉંમરનાં થઈ ચૂક્યા હતા પણ સંતાન હતું નહીં.

શેઠાણી અડોશ પડોશનાં બાળકોને પોતાના ઘરે રમવા બોલાવતા. બાળકોને નાસ્તો આપતા, રમકડાં આપતા.પણ થોડો ટાઈમ થતાં જ બાળકો પોત-પોતાનાં ઘરે ચાલ્યા જતા. અને શેઠાણીનું મોં પડી જતું. ત્યારે માજી કહેતા "બેટા, શું કામ ઉદાસ થાય છે, ભરોસો રાખ?. ત્યારે શેઠાણી કહેતા "માજી, હવે આ ઉંમરે તો બાળક ક્યાંથી રહેવાનું, મેં તો ઉમ્મીદ પણ છોડી દીધી છે". આટલું બોલી શેઠાણી ઉદાસ થઈ જતાં. કેટલીક વાર તો રડીને પોતાનાં હૃદયનો ભાર ઓછો કરી લેતા. અને માજી તેમને સાંત્વના આપતા કે "દીકરી, રામ ઉપર ભરોસો રાખ. રામ તારા હૃદયમાં બેઠો છે. એક દિવસ એ જરૂર તારી પ્રાર્થના સાંભળશે" અને શેઠાણી મનને મનાવી લેતા.

સમય જતાં આ શેઠનાં કુટુંબની પ્રાથના ફળી. શેઠાણીને સારાં દિવસો જતા હતા. ઘરમાં એકદમ ખુશાલી આવી ગઈ. હવે તો શેઠ પણ ભક્તિભાવમાં લાગી ગયા હતા. દર બીજા-ત્રીજા દિવસે મંદિરે જતા દાન-પુણ્ય કરતા. ત્યાંથી અનાથઆશ્રમ જતા ત્યાં દાન કરતા.

એમ કરતાં કરતાં નવ મહિને દીકરાનો જન્મ થયો. ઘરમાં નાનકડાં ભૂલકાંનો મીઠો રડવાનો અવાજ ગુંજવા માંડ્યો. કીકીયારીઓ સાંભળવા માંડી. શેઠ જેવા ફેકટરીથી આવતાને પોતાના બાળક સાથે રમવા બેસી જતા. જાણે શેઠ પોતે બાળક બની જતા. દીકરો એક વરસનો થયો ત્યારે આંગળી પકડીને ચલાવતા. ત્યારબાદ બે વરસનો થયો ત્યારે શેઠ ઘોડો બની જતા અને પોતાના બાળકને પીઠ પર બેસાડતા. માજી બાળકને રોજ રાત્રે અવનવી વાર્તાઓ કરતા. ક્યારેક રામાયણનાં શ્રીરામની તો ક્યારેક મહાભારતનાં શ્રીકૃષ્ણની. બાળકમાં આ રીતે સંસ્કારનું સિંચન કરતા. બાળક પણ વાર્તા સાંભળતો સાંભળતો સુઈ જતો.

સમય જતાં જતાં એ છોકરો પાંચ-છ વર્ષનો થયો. આખા ઘરમાં આમ તેમ દોડ્યા કરતો પણ હમણાંથી તે ખૂબ જલ્દી થાકી જતો. શ્વાસ લેવામાં તકલીફ પડતી. અને એક દિવસ તો રમતા-રમતા બેહોશ થઈ ગયો. મુંબઈનાં મોટા મોટા ડોકટરોને બોલાવવામાં આવ્યા. અને હૃદયમાં કઈક ખામી હોવાનું નિદાન થયું. એ સમયે આપણા દેશમાં પૂરતા MBBS નહોતા તો હાર્ટ સર્જન ક્યાંથી હોય. અહીંયાંથી જ ડોક્ટર વિલીયમ ફોર્ડની પુસ્તકનું કથન શુુરૂ થાય છે. જેને હું મારા શબ્દોમાં કહું છું.

અમેરિકાથી દુનિયાના નંબર વન ડોકટર વિલિયમ ફોર્ડને બોલાવવામાં આવે છે. ડોકટર વિલિયમે છોકરાની તપાસ કરી અને કીધું "કાલે, આ છોકરાનું ઓપરેશન કરવાનું છે".

ડોકટર ફોર્ડ ઘણા વિવેકી હતા એટલે બીજે દિવસે છોકરાને માનસિક રીતે તૈયાર કરવા માટે કહે છે "બેટા, ચિંતા ના કરીશ. હું થોડીવાર પછી તને બેહોશ કરીશ. બેહોશ કરીને હું તારૂ હૃદય ચીરીશ. અને એમાં જે તકલીફ હોય એને દૂર કરીશ. તું ચિંતા નો કરીશ, બેટા".

આટલું સાંભળીને છોકરાની આંખમાંથી દડ-દડ આંસુ વહેવા માંડ્યા. બાળક રડે છે.

ડોકટર ફોર્ડ કહે છે "બેટા, રડ નહિ, ચિંતા ના કર. તને સાજો કરવાની મારી જવાબદારી. ડરવાનું નઈ".

છોકરો બોલ્યો "હું ડરતો નથી. મને બિલકુલ ડર નથી". બાળક વાત આગળ વધારતા બોલ્યો "ડોકટર સાહેબ, તમે મારૂં ઓપરેશન કરો, મારૂં હૃદય ચીરો... એનાં આંસુડાં નથી આ".

ડોકટર ફોર્ડ બોલ્યા "તો શું કામ રડે છે, બેટા?"

ત્યારે છોકરાએ કહ્યું "મારે તમને એક વિનંતી કરવી છે. તમે જ્યારે મારૂ હૃદય ચીરો ત્યારે જોઈ-જોઈને ચીરજો"

ડોકટર બોલ્યા "કેમ બેટા, તને ભરોસો નથી મારા ઉપર?"

છોકરાએ જવાબ આપ્યો "એવું નથી. તમારા પર વિશ્વાસ તો છે અને એથીય વધારે વિશ્વાસ ભગવાન પર છે. પણ મારા હૃદયમાં મારો રામ બેઠો છે, એને તમારી બ્લેડ ન અડી જાય".

એક નિર્દોષ બાળક આવો જવાબ આપે છે. ક્યાં અમેરિકાનો ડોકટર વિલિયમ ફોર્ડ. એને હૃદયની અને રામની શું ખબર હોય?.

ડોકટરે જવાબ આપ્યો "કે બેટા, એવું ન હોય"

છોકરો બોલ્યો "નાં, એવું હોય... "

ડોકટર બોલ્યા "તને આવું કોણે કીધું?"

છોકરાએ જવાબ આપ્યો "મારા દાદીમાં વાર્તા કહેતા કે... બેટા, આપણા હૃદયમાં રામ બેઠો હોય. એને કોઈ દિવસ છેતરવા નહિ. કોઈની આગળ ખોટું ન બોલવું. આપણા હૃદયમાં બેઠેલો રામ નારાજ થાય બેટા".

છોકરો ફરી બોલ્યો "આવું મારી દાદીમાંએ કીધું. મારી દાદીમાં ક્યારેય ખોટું નો બોલે કે મારા હૃદયમાં રામ છે".

ડોક્ટરને થયું કઈ વાંધો નઈ બાળક છે એની વાત રાખવા બોલ્યા "વાંધો નઈ બેટા, હું ધ્યાન રાખીશ".

થોડીકવાર થઈ બીજા બે ડોકટર આવે છે. બાળકને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા. તેને બેહોશ કર્યો. હવે જે વિલિયમ ફોર્ડ હતા એ ઓપરેશનનો યુનિફોર્મ પહેરવા બાજુનાં રૂમમાં જાય છે. ઓપરેશન થિયેટરમાં આ છોકરો એકલો છે. અને થોડીવાર પછી ડોકટર ફોર્ડ રૂમમાં જ્યાં આવે છે ત્યારે તે બાળક પાસે એક વ્યક્તિ ઉભી છે. પછી એને ભાસ કહો તોય ભલે.. પડછાયો કહો તોય ભલે.. અને રામ કહો તોય ભલે.

એ બાળક પાસે એક વ્યક્તિ ઉભી છે. ડોકટર ચોંકી ગયો. વિલિયમ ફોર્ડ.. અમેરિકાનો ડોકટર લખે છે એની ડાયરીમાં "કે મેં એક વ્યક્તિને જોયો. મેં એને પૂછ્યું કે તું કોણ છો ભાઈ?"

અને તે વ્યક્તિએ જવાબ આપ્યો "ડોકટર ડરીશ નહિ, હું આ બાળકનાં વિશ્વાસનો રામ છું. ક્યારનો તને રડતો-રડતો કહેતો હતો ને... કે મારાં હૃદયમાં રામ છે. તો હું થોડી વાર માટે બહાર આવ્યો છું. અને તને કહેવા આવ્યો છું કે... આ ફળ પાકી ગયું છે. ઉંમર નાની છે પણ એનો આત્મા મોટો છે. તારી તેવડ નથી તું એને બચાવી શકે".

આગળ ડોકટર લખે છે "ફડક દઈને જે વાતાવરણ હતું એ જતું રહ્યું. હું આખો ચોળતો રહી ગયો કે ક્યાંક સપનું તો નથી આવી ગયુંને મને. છોકરાની વાતમાં ભરમાઈ તો નથી ગયોને હું?."

ડોકટર આગળ લખે છે "મેં બોવ તાકાતથી ઓપરેશન કર્યું. ત્યારે મને અભિમાન હતું કે હું વર્લ્ડનો ફર્સ્ટ ડોકટર છું. આને હું બચાવી લઈશ. મેં બોવ દિલથી ઓપરેશન કર્યું હતું. ઓપરેશન પૂરું થયું. આ પહેલું એવું ઓપરેશન હતું કે જ્યાં સુધી દર્દી ભાનમાં ન આવે ત્યાં સુધી હું ઓપરેશન થિયેટરમાં રોકાયો હોવ. બાકી તો હું ઓપરેશન કરીને નીકળી જતો હોવ છું".

ડોકટર આગળ લખે છે "હું સતત ત્યાં ઉભો રહ્યો. હજી તેનું હૃદય ધડકે છે. ત્રણ કલાક પછી બાળકે ધીરે ધીરે આંખ ખોલી. ખોલતા વેંત મારી સામે જોયું અને તેનો પહેલો પ્રશ્ન હતો.... ડોકટર મારો રામ મળ્યો, તમેં મારા હૃદયમાં જોયું?".

ડોકટર છેલ્લે લખે છે "મેં હાં પાડી અને એની એ ઘડીએ છોકરાની આંખ સદાયને માટે મીંચાઈ ગઈ......."