lalni raninu aadharcard - 8 books and stories free download online pdf in Gujarati

લાલની રાણીનું આધારકાર્ડ - 8

પ્રકરણ-૮/ આઠમું

એક સેકંડ માટે લાલસિંગને એવો આભાસ થયો જાણે કે તેના પગ તળેથી જમીન સરકી ગઈ હોય.
પછી બીજી જ ક્ષણે જાતને સજાગ થઈને સંભાળતા તેને વિચાર સુજ્યો કે, સૌ પહેલાં ભૂપતની પ્રાથમિક સારવાર કરાવ્યા પછી, તેની પાસેથી જ આ ષડ્યંત્રના માસ્ટર માઈન્ડનું પગેરું મળી શકશે.

લાલસિંગએ તેમના માણસોને સૂચના આપી કે સૌ પહેલાં તાત્કાલિક ધોરણે ભૂપતની વ્યવસ્થિત રીતે પ્રાયમરી ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ તેને અનુકુળ આવે ત્યાં રહેવાની આરામદાયક વ્યવસ્થા કરો.

‘ભૂપત, આપણે આવતીકાલે મળીએ છીએ. અને કંઈ કામ હોય તો મને કોલ કરજે.’

એમ કહીને ઉતાવળા પગલાં ભરીને ડ્રોઈંગરૂમમાં આવતાં વેંત જ છટકેલી કમાન અને ગુસ્સામાં લાલચોળ લાલસિંગે રણદીપને કોલ લગાવ્યો. રણદીપે કોલ ઉઠાવતાં જ રીતસર ઊંચા અવાજે ત્રાડુક્યા,

‘એલા, આ શું ચાલી રહ્યું છે ? કંઈ ભાન છે કે બસ પછી ૨૪ કલાક બાયું અને બાટલીમાં જ ઘલોયેલો પડ્યો રહે છે ?’

વીજળીના કરંટ અને પાણાના ઘા જેવા લાલસિંગના બે જ વાક્યના શાબ્દિક પ્રહારથી રણદીપને એવો ઝટકો લાગ્યો જાણે કે કોઈએ ઊંધા હાથનો ફેરવીને ગાલ પર સણસણતો તમાચો ચોડી દીધા પછી નશામાં ધુત બેવડેબાજના નશાનો પારો એક સેકન્ડમાં ઉતરી જાય એવું લાગ્યા પછી, લાલસિંગની ત્રાડ પરથી વાતની ગંભીરતાની નાડ પારખતાં રણદીપે પૂછ્યું,
‘કંઈ થયું લાલ ?’
‘હવે થવામાં એટલું જ બાકી છે કે, આજકાલના છોકરા તારા ને મારા ડોળા કાઢીને લખોટી રમશે અને આપણા બન્નેના પુતળા બાળીને તેના પર મુતરશે બોલ, હવે કંઈ સાંભળવું છે ?’

‘લાલ, આમ ગોળગોળ વાત કરવા કરતાં સાફ સાફ શબ્દોમાં કહે તો કંઈ ખબર પડે.’
એ પછી જે ઘટના ઘટી તે લાલસિંગે ઊંચા અવાજમાં રણદીપને કહી સંભળાવી અને બધા મેસેજીસ સેન્ડ કરીને કહ્યું.
‘તું મને ૧૦ મીનીટમાં આ નડતરનો નીવડો કાઢીને કોલ કર’
લાલસિંગના બરાડાનો અવાજ છેક કુસુમના બેડરૂમ સુધી પહોંચતા તે ઊંઘમાંથી જાગી ગઈ પણ, તે લાલસિંગની સ્વભાવથી સારી રીતે અવગત હતી એટલે પડખું ફરીને આરામથી સુઈ ગઈ.

લાલસિંગની વાત અને મેસેજીસથી થોડીવાર માટે તો રણદીપની ખોપડી પણ ચકરી ખાઈ ગઈ. તેણે કોલ્સ કરીને આઠ થી દસ જગ્યાએ તેના ટપોરીઓ ને ધંધે લગાડ્યા. દસ મિનીટ પહેલાં પૂરી થાય એ પહેલાં જ રણદીપે લાલસિંગને કોલ જોડી ખુબ શાંતિથી સમજાવીને ઠંડા પડ્યા અને ખાતરી આપી કે ૨૪ કલાકમાં આ કારસ્તાનનું પગેરું શોધીને આપીશ. ત્યારે લાલસિંગના માનસિક ઉધામા માંડ શાંત પડ્યા.

પછી સોફામાં આડા પડીને કયાંય સુધી લાલસિંગના બેલગામ બની ગયેલા વૈચારિક અશ્વોએ ચારે દિશામાં આંધળી દોટ લગાવવાની શરુ કરી દીધી. તેને વિચાર સુજ્યો કે કોઈપણ ભોગે ભૂપતને ખપ હોય ત્યાં સુધી કબ્જામાં રાખીને વિઠ્ઠલ અને ભાનુપ્રતાપના સંયુક્ત સામ્રાજ્યનો પાયો નખાય એ પહેલાં જ ભૂપતનો ઉધઈની માફક ઉપયોગ કરીને તે બંનેને બધી રીતે ખોખલાં કરી નાખવાના મેલી મુરાદનો મનસુબો મનોમન લાલસિંગએ ઘડી કાઢ્યો.

એ પહેલાં આ તરફ ભાનુપ્રતાપ, તરુણા અને વિઠ્ઠલએ લંચ પૂરું કર્યા બાદ આગાઉથી જ તરુણાએ તેના દિમાગમાં તૈયાર કરી રાખેલી વ્યૂહરચના મુજબની રૂપરેખાની માહિતી, પ્રિન્ટ અને ટેલીવિઝન મીડિયાને કડક સૂચના આપતાં સમજાવી દીધી કે, હું ન કહું ત્યાં સુધી આ વાત જીવતાં બોંબની માફક સાંચવવાની છે, એ સરખી રીતે સમજી લે જો.

પછી તરુણાએ ઈશારો કરતાં વિઠ્ઠલએ ભાનુપ્રતાપને કહ્યું.

‘હવે હું રજા લઈશ. આગળની રણનીતિ માટે ફરી જલ્દી મળીશું.’

‘વિઠ્ઠલભાઈ, તમને તકલીફ ન હોય તો મને જરા રસ્તામાં ઉતારી દેશો ?’

‘આમ જોવા જાઓ તો અત્યારે તમારાં માર્ગદર્શન અને ઈશારા પર તમે કહો એ દિશામાં અમારે ગાડી ચલાવવાની છે એટલે તમે કહેશો ત્યાં લઇ જઈશું બોલો.’
એટલે સૌ હસવાં લાગ્યા.

ભાનુપ્રતાપના બંગલામાંથી વિઠ્ઠલએ તેની મનપસંદ વ્હાઈટ વોલ્વો એસ૯૦ હાઇવે પર લેતા તરુણાએ વિઠ્ઠલ માટે તારવીને અલગ રાખેલા પાસાઓ એવી રીતે નાખવાનું શરુ કર્યું જાણે કે પંખીને જાળમાં ફસાવવા કોઈ શિકારી દાણા નાખતો હોય એમ તરુણા બોલી,

‘તમારો જેટલો આભાર માનું એટલો ઓછો પડે વિઠ્ઠલભાઈ.’
‘અરે. આભાર તમારો, તમને ખબર છે આ વાત જયારે લાલસિંગના કાન સુધી જશે ત્યારે એ તેના ગાલ પર એવો તમાચો પડશે કે, થોડીવાર માટે બહેરો ને આંધળો થઇ જશે તમે જો જો તો ખરા.’ તરુણાના જોરે, જોરમાં આવતાં વિઠ્ઠલ બોલ્યો

તરુણાને થયું કે, હાઇશ, બાબલાને હજુ’યે ટોટી ચૂસવાની ટેવ તો છે જ.

‘પણ વિઠ્ઠલભાઈ, આ વાત લાલસિંગ સુધી પહોંચાડવા માટેનો એક આઈડિયા મને સુજ્યો છે તમે કહો તો કહું ? વિઠ્ઠલને મોટો ભા કરતાં તરુણા દાઢમાંથી બોલી.

‘હા, હા બોલો બોલો.’ તાનમાં આવતાં વિઠ્ઠલ બોલ્યો.
‘તો એક કામ કરો, સામે જે ખુલ્લું મેદાન દેખાય છે ને, કાર એ બાજુ લઇ લ્યો ને, એક બાજુ કાર પાર્ક કરીને પછી વાત કરીએ તો ઠીક રહશે.’

વિઠ્ઠલ એ કાર પાર્ક કરી એટલે, બોટલ સ્ટેન્ડ પરથી બોટલ ઉઠાવીને ચિલ્ડ વોટર ગટગટાતાં તરુણા બોલી,

‘કાર સ્ટોપ કરવાનું એટલા માટે કહ્યું કે વાત થોડી વિચાર માંગી લે એવી અને ગંભીર છે એટલે. અને બીજી એક ખાસ અને અગત્યની વાત પહેલી અને છેલ્લી વાર કહીશ કે, જો તમે ખરેખર સાંસદ બની, લાલસિંગને ખુરશી પરથી ઉથલાવી, આ શહેર પર રાજ કરવાં માંગતા હોય તો આપણા બંનેની વાત આપણા બન્ને પુરતી જ સીમિત રાખજો નહીં તો એક નાનકડી ભૂલના કારણે જો પાસા ઊંધાં પડ્યા તો, લાલસિંગ આપણા ત્રણેયના નામ આગળ સ્વર્ગસ્થ લગાડવા માટે યમરાજનો પણ કાંઠલો પકડતાં નહીં અચકાય એટલું સમજી લે જો.’
તરુણાને લાગ્યું કે વિઠ્ઠલની હવા ટાઈટ કરવા માટે આટલું પ્રેશર ઈનફ છે.
આની વાતમાં દમ તો છે જ. એવું મનોમન વિચાર્યા પછી વિઠ્ઠલ બોલ્યો,
‘જી બોલો.’
‘નિયમિત રૂપે લાલસિંગની દિનચર્યા કે રાજકીય ગતિવિધિની જાણકારી આપણને મળતી રહે એ બાબત વિષે તમે કશું વિચારી શકો ખરા ?’
જવાબ ખબર હોવાં છત્તા વિઠ્ઠલના કળનું તળ માપવા તરુણાએ ગુગલી નાખી.
ઇન્સ્ટન્ટ ઉત્તર આપવા માટે તો, આ સવાલ વિઠ્ઠલની વિચારશક્તિની કવરેજ બહારનો હતો એટલે થોડીવાર પછી ચહેરા પર વિચિત્ર મુદ્રા લાવતા બોલ્યો,
‘આ સાલું અઘરું તો ખરું હો.’
તરુણાની ધારણા મુજબનો જ પ્રત્યુતર આવ્યો.
‘વિઠ્ઠલભાઈ, હું કોઈ ઊપાય આપું તો તમે મદદ કરી શકો ?’
‘હા, બોલો.’
‘તમારી પાસે કોઈ એવી અતિ વિશ્વાસુ વ્યક્તિ ખરી કે. જે તમારાં માટે જીવ આપી શકે અને કોઈનો જીવ લઇ પણ શકે, કોઈપણ પરિસ્થિતિમાં ક્ષણનો પણ વિલંબ યા ખચકાટ કે ડગ્યા વગર ?

થોડી ક્ષણ વિચારીને વિઠ્ઠલ બોલ્યો.
‘હા, છે’
‘હમણાં અહીં આવી શકે ?’ તરુણાએ પુછ્યું
‘હા, જરૂર.’
‘તો બોલાવો.’
ઝડપથી વિઠ્ઠલએ કોલ કરીને તે વ્યક્તિને લોકેશન સમજાવીને તરતજ આવવા કહ્યું.
‘જો વિઠ્ઠલભાઈ, આ વ્યક્તિ પર આપણી આગળની રણનીતિનો ઘણો દારોમદાર છે. રાજકારણમાં તે વ્યક્તિને કેટલી ખબર પડે ? તરુણાએ પૂછ્યું
‘અરે..મારો પડછાયો છે એમ જ સમજી લ્યો તમે. પણ, કરવાનું શું છે એ કહેશો. ?” દાઢી પર હાથ ફેરવતા વિઠ્ઠલએ પૂછ્યું,
‘સૌ થી પહેલાં તો હાથીના કાનમાં મચ્છર ઘુસાડવાનું કામ કરવાનું છે.’
ધીમેકથી હસતાં તરુણા બોલી,
‘એટલે ?’
‘તમારી વ્યક્તિ આવે એટલે કહું.’ તરુણા બોલી

દસ જ મીનીટમાં એક બ્લેક હોન્ડા સીટી કાર નજીક આવીને ઊભી રહી તેમાંથી એક સાડા પાંચ ફૂટ હાઈટની, મધ્યમ શરીરના બાંધો, શ્યામવર્ણી, સાધારણ દેખાવે સાધારણ એવી વ્યક્તિ ઉતરી અને આવતાં વિઠ્ઠલની કારનું બેક ડોર ખોલીને બેક સીટ પર બેસી ગયો.

વિઠ્ઠલએ ટૂંકમાં બધી વાતથી વાકેફ કરીને તરુણાનો પરિચય આપ્યો.
થોડીવાર તરુણાએ વ્યક્તિ અને પછી વિઠ્ઠલ તરફ જોઈને કહ્યું ,

‘આ વ્યક્તિને મારવો પડશે.’

આ વાક્ય સાંભળીને બન્ને ચોંકી ગયા. વિઠ્ઠલ મનોમન બોલ્યો કે, આ છોકરી શું બોલે છે તેનું તેને કંઈ ભાન છે છે કે નહીં ? એ પછી બોલ્યો,

‘આને મારવાનો ? પણ શા માટે ? તમારી વાત કરવાની ઢબ એવી છે કે પહેલી વારમાં કંઈ સમજણ જ નથી પડતી મને તો.’

એટલે તો કહું છું કે તમે આટલા વર્ષ રીતસર જખ જ મારી રાજકારણના નામે. એવું તરુણા મનોમન બોલી,

‘હવે સાંભળો આપ બંને, અને તમે ખાસ સાંભળજો ભાઈ. મારો પહેલો પ્રશ્ન એ હતો કે..નિયમિત રૂપે લાલસિંગની દિનચર્યા કે રાજકીય ગતિવિધિની જાણકારી આપણને મળતી રહે ખરી ? તો હવે હું કહીશ કે..
હા.... કેમ કે એ કામ હવે આ તમારી વ્યક્તિ કરશે.’

‘હવે આપણે એવો સીન ઊભો કરવાનો છે કે તમારે આ તમારાં વફાદાર સાથે ઝગડો અને વેરઝેર ઊભા થઇ ગયા છે એવું તરકટ કરવાનું છે. તમે એને ધોલધપાટ કરીને કાઢી મુક્યો. તમારી કોઈ એવી સિક્રેટ વાત, જે લાલસિંગના કાન સુધી આ વ્યક્તિ પહોંચાડે જેથી કરીને લાલસિંગને આ વ્યક્તિ પર ટ્રસ્ટ આવે, અને પોતાની સાથે સામેલ કરી લે. અને.. પછી... હવે મને લાગે છે કે મારી આગળની વાત આપ બંને ખુબ સારી રીતે સમજી ગયા હશો...’

‘પણ આ, એવી કઈ વાત ..ત્યાં જઈને કરે કે લાલસિંગ આના પર વિશ્વાસ કરી લે.. ?

તરુણાને હતું જ કે પાડો હમણાં જ પોદળો મુકશે જ.

‘એ વાત... જે હમણાં પેલા મીડિયા વાળા તમારી અને ભાનુપ્રતાપની ફિલ્મ ઉતારી ગયા એ.’

થોડીવાર તો વિઠ્ઠલને એમ થયું કે આ છોકરીને હવે છોડાઈ નહી. ભાનુપ્રતાપનું તો જે થવાનું હોય એ થાય પેલા હું મારો બેડો પર કરી લઉં. વિઠ્ઠલએ પૂછ્યું.

‘તમે મારા માટે કામ કરશો ? ભાનુપ્રતાપ કરતાં બે ગણા રૂપિયા હું તમને આપીશ, બોલો.?’

તરુણાના મનમાં હતું કે આ ગાંડા હાથીને પાંજરે પૂરતા સમય લાગશે પણ આ તો ૧૨ કલાકમાં જ ઢળી પડ્યો એટલે વિઠ્ઠલની જ ભાષામાં જવાબ આપતાં તરુણા બોલી,

‘અરે.. વિઠ્ઠલભાઈ તમને મારી કોઈ વાત પરથી લાગ્યું કે હું આ કામ તમારા માટે રૂપિયાના કારણે કરું છું ? તમે મારા પર ટ્રસ્ટ મુક્યો એ રૂપિયાથી પણ વિશેષ છે. પહેલાં તમારું મકસદ પૂરું કરવું એ મહત્વનું છે સમજ્યા.’

વિઠ્ઠલ મનોમન વિચાર કરે છે કે લાઈફમાં પહેલી એવી વ્યક્તિ જોઈ કે, જે રૂપિયા લેવાની ના પાડે છે, અને એ પણ સામાન્ય ઘરની છોકરી.

‘હવે મારી વાત તમને સમજાઈ ગઈ કે હજુ કોઈ ગડમથલ છે ? અરે.. તમારું નામ પૂછવાનું તો ભૂલી જ ગઈ.. સોરી ? તરુણાએ પૂછ્યું

‘ભૂપત, ભૂપત ભરવાડ.’ પેલી વ્યક્તિ બોલી.
ઠીક છે ભૂપત ભાઈ તમારો નંબર મારા મોબાઈલમાં નાખી દયો અને કેટલાં વાગ્યે, કેમ, કઈ હાલતમાં, તમારે લાલસિંગને કેવી રીતે ખબર આપવાના છે, એ હું તમને સમજાવી દઉં હમણાં. તમારે માર ખાવાનો નથી, માર ખાધાંનો મેકઅપ કરવાનો છે અને એક્સરેમાં ન દેખાય એવા દુખાવાની એક્ટિંગ કરવાની છે સમજ્યા.,અને
વિઠ્ઠલભાઈ આ ભૂપત ભાઈ જે રીતે મચ્છર બનીને લાલસિંગના કાનમાં ઘૂસશે પછી એ હાથી કેવોક’ બ્રેકડાન્સ કરે છે એ પછી મને કહેજો.’

‘હવે એક બીજું કામ તમારે કરવાનું છે વિઠ્ઠલભાઈ.’ વિઠ્ઠલ સામે જોઇને તરુણા બોલી.

‘મને આવતાં ૨૪ કલાકમાં રણદીપના હરેક માઈનસ પોઈન્ટ, તેની દિનચર્યા, મિત્ર અને શત્રુઓ ની યાદી, તેની બેઠક, ક્યાં ક્યાં અધિકારીઓની સાથે તેની સાંઠ ગાંઠ છે એ બધી જ વિગતો જોઈશે છે, અને એ પણ રૂબરૂ, ફોન પર નહીં’

‘જી મળી જશે, પણ એક વાત પૂછું ? વિઠ્ઠલએ પૂછ્યું
‘તમને મોતનો ડર નથી લાગતો ?”
એક ક્ષણના પણ વિલંબ વિના તરુણા સ્માઈલ સાથે બોલી,
‘ના, કારણ હું રોજ થોડી થોડી મરીને જ મોટી થઇ છું. અને મારી પાસે ગુમાવવા માટે કશું જ નથી અને હવે તો તમારા જેવા બાહુબલીની છત્રછાયા હોય પછી મોતથી શું ડરવાનું ? બોલીને તરુણા હસતાં પછી આગળ બોલી,

‘અને એક વાત કહું વિઠ્ઠલભાઈ તમે કોઈ વ્યક્તિને મારી શકો, તેના વિચારોને નહીં,’ હવે આપણે છુટ્ટા પડીશું ?’ મને આગળ કહું ત્યાં ઉતારી આપો.’

ભૂપતને કહ્યું કે, ‘તું ઓફિસે આવ.’

ભૂપત તેની કાર લઈને નીકળી ગયો અને તરુણાએ સુચવેલી દિશા તરફ વિઠ્ઠલએ કાર હંકારતા તરુણાને થયું કે વિઠ્ઠલને એક એવો શાબ્દિક તમાચો મારી દઉં કે જેના વિચારોના તરંગોમાં ઘૂમરી ખાયને વિઠ્ઠલ કોઈ દિવસ તરુણા સામે આંખ ઉંચી કરવાની કોશિષ ન કરે. એટલે અચનાક તરુણા હસવાં લાગી.
એટલે વિઠ્ઠલએ પુછ્યું, ‘ એમ હસ્યાં ?’

‘વિઠ્ઠલભાઈ રાજકારણમાં લાંબી રેસનો ઘોડો બનવું હોયને તો સ્વભાવ બરફના ગુણધર્મ જેવો રાખવો, ઠંડો અને ગરમ પરિસ્થિતિ પ્રમાણે. મને હસવું તમારી સવારની વાત પરથી આવ્યું.’
‘કઈ વાત ?’
‘સવારે જયારે તમે મને પૂછ્યું ને કે, તમારી વેલ્યુ શું ? એ વાત પર.

અને વિઠ્ઠલનું મોઢું તો એવું થઈ ગયું જાણે કે..મનગમતાં પકવાન ખાતાં ખાતાં અચનાક મોઢામાં કારેલાનું કડવું બી આવી ગયું હોય. તરુણાની વાતનો જવાબ આપવાના ફાંફા પડી ગયા એ તરુણાને ખ્યાલ આવતાં વાતને વાળી લેતાં પોતે જ બોલી,

‘એટલે ટૂંકમાં મારા કહેવાનો મતલબ એ છે કે ક્યાં ચુપ રહેવું અને ક્યાં બોલવું એ સફળ રાજકારણી બનવવાની પહેલી શરત છે.’
તરુણાએ સારી ભાષામાં વિઠ્ઠલની લાલ કરી નાખી.

‘વિઠ્ઠલભાઈ, ભૂપત પર તમને કેટલો ભરોસો છે ?’ તરુણાએ પૂછ્યું
‘તમે ભૂપતની એક વાત માર્ક કરી ?’ સામે વિઠ્ઠલએ પૂછ્યું
‘કઈ વાત ?’ નવાઈ સાથે તરુણાએ પૂછ્યું,
‘આપણે આટલો સમય સાથે બેઠાં, ત્યાં સુધીમાં તે એક પણ શબ્દ બોલ્યો ? તેની ચાર આંખ છે. એટલે એ બોલીને નહીં કરીને બતાવશે, તમારી અપેક્ષા કરતાં વધુ એ યાદ રાખજો.’
‘હા, તેની એ વાત મને બહુ ગમી.’ તરુણા બોલી.
‘બસ.. બસ.. બસ.. મને અહીં સર્કલ પાસે ઉતારી દો.’ તરુણા બોલી.
સર્કલની લેફ્ટ સાઈડના કોર્નર પર વિઠ્ઠલએ પાર્ક કરતાં
કારમાંથી ઉતરતાં તરુણા બોલી.
‘અને સમય મળે એટલે પેલા સંજય ગુપ્તાની કુંડલી પણ મોકલો.’
‘જી’ એમ કહીને વિઠ્ઠલએ કાર તેની ઓફીસ તરફ દોડાવી.
વિઠ્ઠલ એટલો તાનમાં હતો કે તેને હવે સંસદપદના સપના સિવાય કશું સુજતુ જ નહતું. હવે તેને ખુદની જાત કરતાં તરુણાના કોન્ફિડન્સ પર બેવડો ભરોસો હતો.

ઘરે આવીને ઓસરીમાં દીવડા માટે દિવેટ બનવાતી દેવિકાના ખોળામાં માથું નાખીને તરુણા થોડીવાર સુધી આંખો મીંચીને ચુપચાપ પડી રહી એટલે તરુણાના માથાંમાં હાથ પસરાવતાં દેવિકાએ પૂછ્યું,

‘શું થ્યુ છોડી ?

બંધ આંખોએ જ તરુણાએ જવાબ આપ્યો,
‘કંઇ નહીં, આમ જ પડ્યા રહેવું છે થોડીવાર.’
‘બસ, તારા ખોળામાં માથું મુકું છું એટલે દુનિયાભરનો થાક ઘડીકમાં ઓગળી જાય છે.
‘સારું.’ બોલીને દેવિકા હળવે હળવે તરુણામાં વાળમાં આંગળીઓ ફેરવતી રહી.... અને તરુણા પણ સવારની રઝળપાટથી થાકીને ધીમે ધીમે નિંદ્રામાં સરતી રહી.. તેના શારીરિક કરતાં માનસિક થાકને આરામની વધુ જરૂર હતી.

દેવિકા મનોમન વિચારતી રહી આવડી નાની ઉંમરમાં આ છોડી કેટલી સમજુ થઇ ગઈ છે. કદાચને..

આગળના વિચારોને એ એટલા માટે ગળી ગઈ..
કેમ કે.. તેને ડર હતો કે ભુલે ચુકે
તેના ભૂતકાળના કોઈ અંશનો તરુણાને સ્હેજ માત્ર પણ અણસાર આવે.. અને ફરી જૂની અદાવતનો જવાળામુખી ફાટે તો..? માંડ માંડ વર્ષો પછી મહા મુસીબતે સ્થિર થવા જઈ રહેલી જિંદગી છિન્ન ભિન્ન થઇ જાય.

હવે તરુણાનું ચિત સાવ શાંત થઇ ગયું હતું. ગાઢ ઊંઘમાં સરી જવાની સપાટી પર જ હતી ત્યાં જ તેના મોબાઈલની રીંગ વાગી. એકદમ ઝબકીને જાગીને જોયું તો..
રાઘવનો કોલ હતો.
‘હેલ્લો, ભાઈ.’
‘ક્યાં છો, બેન ?”
‘બસ, અડધો કલાક પહેલાં ઘરે આવી.’
‘હા, તો એક કામ કરો તમે ઘરે જ રહો. ધારાને મળવું છે તો. એ બહાને તમને પણ મળતો જાઉં.’
‘જી, ઠીક છે આવો હું ઘરે જ છું. ધારાને કહેજો એ ઘર બતાવશે .’
‘અરે.. અવંતિકા આંટીનું ઘર મેં જોયું છે.. એ તમે ચિંતા ન કરો.’
‘જી, ઠીક છે.’
ફોન મુકતા દેવિકાએ પૂછ્યું.
‘કોઈ આવે છે ?’
‘હા, ધારાના ભાઈ આવે છે.
‘તું, બેસ ચા બનાવું.’ દેવિકા બોલ્યા
‘ના, તું બેસ આજે મને મૂડ આવ્યો છે, ચા બનાવવાનો.’
એમ બોલીને તરુણા ફ્રેશ થઈને રસોડામાં ગઈ
થોડીવાર બાદ જેવી ચા લઈને બહાર આવી ત્યાં જ મેઈન ડોર તરફથી રાઘવનો આવાજ આવ્યો,
‘અંદર આવી શકું ?’
‘ઓહ્હ.. ધન્યઘડીને ધન્યભાગ અમારા, સુદામાને ઘેર કૃષ્ણ પધાર્યા. આવો આવો વેલ કમ.’
રાઘવ ખુરશીમાં બેસતાં દેવિકા સાથે ઓળખાણ કરાવતાં તરુણા બોલી,
‘આ છે મારી મા, દેવિકા.’
રાઘવ, દેવિકા સામે હાથ જોડતાં બોલ્યો. ‘માડી, જય માતાજી’
‘જય માતાજી, બેટા. એ સાયેબ આ મારી છોડીનું જરા ધ્યાન રાખજો. આવડા મોટા અજાણ્યા સેરમાં એ એકલી, ક્યા ક્યા ધોળે છે. એટલે મારો જીવ ઉંચો જ રે.’
‘એ માડી તમે ઈ કંઈ ચિંતા કરો માં, રામાપીર બધું હારવાના કરી દેશે. તમારી છોડી બવ ડાઈ ને હોશિયાર છે.’ રાઘવએ દેવિકાને હૈયાધારણ આપતાં કહ્યું.
‘તો તો હારું લ્યો, તમ તમારે વાતું કરો, ત્યાં લગીમાં હું રામાપીરના દરસન કરીને આવું છું.’
એમ બોલીને દેવિકા મંદિરે જવા નીકળી.
ચાનો કપ રાઘવને ધરતાં તરુણા બોલી,
‘તમને પૂછ્યા વગર આજે એક ધડાકો કર્યો છે.’
‘ધડાકો ? શું ?’ ચા પીતા રાઘવએ પૂછ્યું.
પછી સવારના રણજીતની કારમાંથી શરુ થયેલી વાત છેક વિઠ્ઠલએ તરુણાને ઉતારી ગયા સુધીની બધી જ વાત વિસ્તારથી રાઘવને કહી સંભળાવી.
થોડીવાર તો રાઘવ બુત બનીને જોતા રહ્યા પછી બોલ્યો,
‘મને લાગે છે તમે લાલસિંગને ઘરબાર વગરનો કરી નાખશો એ તો પાક્કું જ છે.’

‘રાઘવ ભાઈ, હવે સાંભળો, તમને મળવાનું ખાસ કારણ કે આ શહેરમાં તમે જ એક એવા વ્યક્તિ છો, જેના પર હું આંખ મીંચીને વિશ્વાસ કરી શકું. હવે મને કોઈ જાણકારી માટે વારંવાર તમને હેરાન કરવું એ અયોગ્ય લાગે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ચૂંટણીના માહોલમાં એક પોલીસ અધિકારી તરીકે ટેલીફોન પર અથવા રૂબરૂ મળવું એ ડીપાર્ટમેન્ટ યા વિરોધીઓ તરફથી તમારી, અમારા તરફની કુણી લાગણી રાખવાની શંકાને આસાનીથી પ્રોત્સાહન આપી શકે છે. એટલે હું એમ કહું છું કે..તમારા પાસે ડીપાર્ટમેન્ટને લગતી, બે-નંબરની અથવા કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓની તમામ માહિતીનો પ્રોફેશનલ ખબરી હોય એવી કોઈ વ્યક્તિનો મને ભેટો કરાવી આપો ને. ટૂંકમાં રૂપિયા માટે કોઈપણ કામ કરી શકે પણ, ઈમાનદારીથી.’

‘મને એક દિવસનો ટાઈમ આપો. એક વ્યક્તિ છે, જે પરફેક્ટ તમારી વ્યાખ્યામાં ફીટ બેસે એવો, પણ..’ આગળ બોલતા અટકી જતા તરુણાએ પૂછ્યું,
‘શું પણ ?

‘એ તમારાં જેવો છે.પૈસો તેના માટે ગૌણ છે, ધૂની છે, તેના દિમાગની સર્કિટ જેની સાથે મેચ થાય તેની સાથે જ એ કામ કરે છે. પણ કરે તેની સાથે પૂરી ઈમાનદારી થી કરે. વચનનો પાક્કો. મારે સૌથી પહેલાં તેની પ્રોપર લીંક શોધવી પડશે. ખુબ પેચીદા ક્રિમીનલ કેસીસ માટે પોલીસ ડીપાર્ટમેન્ટ પણ તેની હેલ્પ લે છે, એટલો માસ્ટર માઈન્ડ છે તે.’
‘શું નામ છે તેનું ?” તરુણાએ પૂછ્યું.
‘વનરાજસિંગ.’
અને બીજી એક વાત રાઘવભાઈ ચુંટણીમાં આ કોપ્યુટર અને મોબાઈલનો આપણે કંઈ રીતે ઉપયોગ કરી શકીએ ? અને પેલું શું કહે છે.. હેકાર.. કે હોકાર.. કે શું કહેવાય એને..હું આ કમ્પ્યુટરની બાબતમાં સાવ અભણ છું,’ તરુણા બોલી.
હસતાં હસતાં રાઘવ બોલ્યો,
‘મને લાગે છે કે કમ્પ્યુટર તમારા સાથે લીંક કરશું તો આખી સીસ્ટમ હેંગ થઇ જશે.
તેને હેકર કહેવાય.’
‘એ આપણને કંઈ આ ચુંટણીમાં કામ લાગે ?’
‘અરે.. હેકર તો અહીં બેઠાં બેઠાં આખી દુનિયા ઉંધી ચતી કરી નાખે એવી આત્મા છે.’
‘એ ક્યાં મળે ? મને એકાદ ગોતી આપોને.’ આશ્ચર્ય સાથે તરુણાએ પૂછ્યું
એટલે રાઘવ હસતાં હસતાં બોલ્યો.
‘અરે, એ તો થોડું અઘરું છે, પણ હું ટ્રાય કરીશ,’
‘અઘરું ચાલશે, અશક્ય નહીં,’ તરુણા બોલી.
‘રાઘવભાઈ, હવે જે માંગું તેમાં ના ન પડતાં.’
‘ શું ?’
‘આવતીકાલે રક્ષા બંધન છે, જેનો અર્થ મારા માટે એક શબ્દથી વિશેષ કંઈ નથી મને રાખડી બાંધવાનો અધિકાર આપીને એ પવિત્ર સંબંધની ભાગીદાર બનાવશો ?
વહેતી અશ્રુધારા સાથે રાઘવ સામે બે હાથ જોડીને તરુણા ગળગળા અવાજે બોલી.

આ જોઈ સાંભળીને રાઘવ પણ ભાવુક થઇને બોલ્યો,

‘અરે.. આપણી વચ્ચે ગયા જન્મનું કોઈ ઋણાનુબંધ અકબંધ હશે.. ત્યારે આ ભવમાં તમારાં જેવી બહેનની રક્ષાના બંધનમાં બંધાવાનું મને સૌભાગ્ય મળે છે. હું આવતી કાલે સવારે ૮ વાગ્યે આવીશ, રાખડી સાથે તમારા જેવી મીઠી મીઠાઈ પણ જોઈશે.’

એ પછી બન્ને ખડખડાટ હસવાં લાગ્યા.

-વધુ આવતાં અંકમાં.


© વિજય રાવલ

'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.