The colour of my love - 16 books and stories free download online pdf in Gujarati

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 16

પ્રકરણ 16

રિધિમાં નીતિનની નજીક આવી અને સ્માઈલ કરી, પણ નીતિનનો કોઈ પ્રતિઉત્તર નહિ, એ તો સ્થિતપ્રજ્ઞની જેમ બેઠો રહ્યો.

"સર બેસવાની રજા છે?" નીતિનનો પ્રતિભાવ ન મળતા રિધિમાંએ પૂછ્યું.

"રિધિમાં આ ઓફિસ નથી, કે તમે મારી મંજૂરી માંગો છો. તમે એ ઓફિસમાં પણ ક્યાં માંગો છો?" નીતિન આજે બધું પૂરું કરવાના મૂડમાં હતો. તેમ છતાં રિધિમાંના હાથના પાટા સામે જોઈ કીધું, "કઈ નહિ, જવા દો. બેસો."

"સર તમે મને અહીં બોલાવી, કઈ ખાસ કારણ?" રિધિમાંએ બેસી પાણીનો ઘૂંટ ભરતા કહ્યું.

નીતિન થોડીવાર વિચાર કર્યા બાદ, "શુ ખાશો તમે?"

"સર મને ભૂખ નથી. તમારી વાત કહેશો તો જ સારું"

"રિધિમાં આ રેસ્ટોરન્ટ છે એમ અહીં ન બેસાય. છોડો બાકી બધી વસ્તુઓની જેમ આ પણ નહીં સમજો તમે!" એક વેઈટરને બોલાવતા, "200 ફાફડા અને 100 જલેબી."

રિધિમાં જાણે આગળ થનારી બધી જ બાબતો સમજી ગઈ હોય એમ, "તો સર તમે મને અહીં કેટલી બાબતો સમજાવવા બોલાવી છે?"

"હું ઇચ્છા રાખું છું કે તમે આ બધું ભૂલી એક નવી શરૂઆત કરો. આ હાથ એક ઉદાહરણ માત્ર છે, મારી સાથે તમારી જાતને વિચારશો તો કદાચ આથી પણ વધુ ઇજાઓ મેળવશો"

"સર હાથે જેટલું નથી દુખ્યું કદાચ એના કરતાં વધુ તકલીફ તમારા વર્તનને લીધે થઈ છે. હું હમેશા સમજવા ઈચ્છું છું કે જ્યારે તમને મારી સાથે આટલો લગાવ છે તો તમે મને કેમ દૂર કરો છો?"

બેફિકરાઈથી "મને કોઈ લગાવ નથી"

"લગાવ ન હોય તો કાલે મારો પાટો જોયો અને આજે મળવા બોલાવી દીધી, આ બહુ નાની વાત કહેશો તમે. ખબર છે તમારો જવાબ. બસ ભૂલી જાઓ બધી જ જૂની વાતો આદિત્યવાળી, વરસાદવાળી, ઓફિસની બધી જ..... એક વાત કહો, આ ઓફિસમાં હું બીજા ઇન્ટરવ્યૂમાં આવી તમે મને ઓળખતા પણ નહતા, તેમ છતાં તમે મારી તરફ આકર્ષિત થયા હતા! આજે પણ એટલા જ આકર્ષિત થાઓ છો. તેમ છતાં મને દૂર કરવાનું આટલું જુનુન કેમ?"

નીતિન કઈક બોલવા જતો હતો પણ વેઈટર નાસ્તાની ડિશ મુકવા આવ્યો એટલે ચૂપ રહ્યો. એના ગયા પછી, "એ ફક્ત આકર્ષણ હતું જે સમય સાથે જતું રહ્યું. હવે કઈ જ નથી."

"સર હું તમારા ઘરે જઈને આવી અને તમારા પપ્પાને પણ મળી છું. તમારા પાસ્ટ વિશે ઘણું-બધું કીધું એમણે, પણ એક વસ્તુનો જવાબ ન મળ્યો બસ એ મેળવવો હતો આજે તમે મને એ આપી દીધો. થેન્ક યુ. તમે તમારો નાસ્તો એન્જોય કરો, હું નીકળું." બેગ હાથમાં લઈ રિધિમાં નીકળવા જતી હતી, પણ નીતિને એને રોકી, "તમારે જે કહેવું હોય સ્પષ્ટ કહો, મને સમજાતું નથી."

"આટલા દિવસથી તમારી આગળ-પાછળ ફેરવતા રહ્યા તમે, કોઈ જવાબ ન આપી શક્યા મારા સવાલોનો અને આજે તમને સ્પષ્ટતા જોઈએ છે. વાહ" રિધિમાં પણ હવે ગુસ્સે થઈ રહી હતી.

"રિધિમાં તમે રેસ્ટોરન્ટમાં છો ધીમે બોલો"

"હા અને તમે મારા જીવનમાં છો. મરજી થઈ અને આવી ગયા, મૂડ બદલાયો અને નીકળી ગયા. વાહ. એવું જ હતું તો આ 3 મહિના 'નોકરી કરો' એ જંજટ કરવાની જરૂર શુ હતી? હું તો સીધી રીતે મારા રસ્તા પર જઈ રહી હતી, રોકી કેમ? એ બધું જવા દઈએ તો પણ આખા વર્ષથી હું તમને સમજવા ઇચ્છું છું, જાણવા ઇચ્છું છું અને તમને પરવાહ નથી."

"રિધિમાં શાંત થાઓ, આમ બાળકની જેમ....."

"બસ... બહુ થયું, જ્યારે-ત્યારે શું બાળકની જેમ? હું એક પરિપક્વ માણસની જેમ તમારી સાથે વાત કરવા માંગુ છું, અને તમે એ પણ નથી કરી શકતા?" રિધિમાંનો અવાજ ઊંચો થઈ રહ્યો હતો. સારા-સારા ઋષિમુનિઓ પણ સ્ત્રીહઠ આગળ ટકી ન શક્યા અને આ તો રિધિમાંને પ્રેમ કરનાર એક સામાન્ય માનવી. એ કઈ રીતે ટકી શકવાનો? બસ એ રિધિમાંને શાંત પાડવાના કામમાં લાગી ગયો.

પાણીનો ગ્લાસ ઓફર કરતા, "રિધિમાં પ્લીઝ શાંત થાઓ, લો આ પાણી પીઓ"

"નથી પીવું પાણી મારે, બસ મજાક સમજીને રાખી છે મને, પાછી શાંત રહેવા કહો છો. તમે એક કામ કરો સર, મને ને ઓફિસમાંથી કાઢી મુકો. શાંતિ મળશે તમને." પાણીનો ગ્લાસ ટેબલ પર પછાડીને એણે પોતાનો ગુસ્સો બતાવ્યો.

"રિધિમાં પ્લીઝ સમજો તમે, તમારા અને મારા વચ્ચેનું અંતર" નીતિન હવે ખૂબ શાંતિથી સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હતો.

"હા કયું અંતર? જ્યારે મને બધા લોકો અને બધી વસ્તુઓથી બચાવી મારા મનમાં તમારા માટે જગ્યા બનાવી રહ્યા હતા ત્યારે તમને એ અંતર દેખાતું નહતું?"

"હું મેરિડ છું." એણે હવે રિધિમાં સામે નજરો મેળવવાની ટાળી.

"છો નહિ હતાં..." પોતાના હાથને અદબ વાળી રિધિમાં હજુ ગુસ્સો બતાવયે જતી હતી.

"હા હતો, પણ મારા જીવનમાં ક્યારેય કોઈ સ્ત્રી ટકી શકી નથી. એ હમેશા મારાથી દુર થઇ જાય છે. હું ખૂબ અભાગો છું. તમારી સાથે પણ જો એવું થયું તો....." નીતિન ચહેરો નીચે રાખીને બોલ્યે જતો હતો.

"હા અને એ બધું તમે જાતે નક્કી કરી લીધું નહિ?"

"ના એવું નથી. પણ બસ હું તમારી સાથે એવું કંઈ જ નથી કરવા ઈચ્છતો. સહન નહિ કરી શકો તમે! મારી બદનસીબી જીવવા નહિ દે તમને. બહુ જ કોમળ છો તમે. તમારી શક્તિ નથી મારી સાથે આ બધું જ સહન કરવાની..."

હવે રિધિમાં થોડી શાંત થઈ, નીતિનનો હાથ ટેબલ પર હતી

એ રિધિમાંએ પકડ્યો. ગુસ્સામાં નીતિને જ્યારે રસ્તા પર પ્રથમવાર એનો હાથ પકડ્યો હતો ત્યારે એને કઈ જ દેખાઈ રહ્યું નહતું, પણ આજે જ્યારે રિધિમાંએ એનો હાથ પકડ્યો તો એના હૃદયમાં લાગણીઓનો ઉભરો આવવા લાગ્યો. સ્પંદનનું સ્વરૂપ લીધું એ લાગણીઓએ, અને એના રૂંવાટા ઉભા થઇ ગયા. એણે એનું નમાવેલું માથું ઊંચું કર્યું, પહેલા રિધિમાંનો પ્લાસ્ટરવાળો હાથ જોયો અને પછી એની આંખોમાં જોયું.

"હું છું ને" રિધિમાંના આ વાક્યોએ એને એની અને રિધિમાંની પહેલી જ મુલાકાતમાં ધકેલી દીધો. જ્યાં એ દરવાજા પર ઉભી રહેલી અને રજા માંગતી છોકરી પ્રત્યે આકર્ષાયો હતો. અને એનું નામ સાંભળતા તો એક સ્પંદન ઉભું થયું હતું. એક ન અનુભવેલું આકર્ષણ થયું હતું. એની આંખો આજે પણ એવી હતી, એ જ આંખો જે પળે-પળે નીતિનને એક સહારો પૂરો પાડી રહી હતી. બસ એની એ આંખો...

તારું એ અલગારી બનવું,

તારું એ વિચારોમાં ખોવાવું,

 

તારૂ એ બધાનો વિરોધ કરવું

અને એ વિરોધ સહેવું,

 

તારી એ દેખાડાની હસી

હસી પાછળની તારી તકલીફ,

 

 

તારું એ કોઈનું સન્માન સાચવવું

અને પોતાનું સ્વમાન ગિરવી મૂકવું,

 

તું કઈ કહી શકતી નથી મને

પણ કઈક એવું છે તારું,

 

જે બધું જ જણાવી દે છે મને

તારી એ જ "આંખો",

 

જેમાં ડૂબી જઉં છું હું

જેમાં ખોવાઈ જાય છે મારુ અસ્તિત્વ.....

આ પળ અહીં ખોવાઇ જવું છે બસ... થોડીવાર રહીને નીતિન ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછો આવ્યો. રિધિમાંએ હજુ એનો હાથ પકડી રાખ્યો હતો. એ એણે છોડાવ્યો. હાથ છૂટતા રિધિમાંએ નીતિનને સમજાવવા હજુ એક પ્રયાસ કર્યો.

"સર આગળ શું થશે એ નથી ખબર? હું તમારા જીવનમાં હોઈશ કે નહીં હોઉં એ પણ ખબર નહિ? પણ એક વસ્તુ જાણું છું, હું તમારા અને તમે મારા હૃદયમાં વસેલા છીએ. તમે મને તમારાથી દૂર કરશો પણ તમારા હૃદયમાંથી મને નહિ નીકાળી શકો. મને તમારા જીવનમાંથી નીકાળ્યા પછી આખું જીવન અફસોસ કરશો, તો પણ કદાચ ઓછું પડશે. મન જે કહી રહ્યું છે એનાથી વિરુદ્ધ કરવું આસાન નથી હોતું. મને તમારા જીવનમાંથી નીકાળી જો તમે મને સાવ ભૂલી જશો તો હું જવા તૈયાર છું." વેઈટરને એની પાસે બોલાવી એણે નાસ્તો પેક કરવા સૂચન કર્યું. અને ત્યાંથી ઉભી થઇ એ બહાર નીકળવા જઈ રહી હતી અને નીતિન હજુ વિચારોમા ખોવાયેલો હતો.

એ જેવી ઉભી થઈને નીકળવા ગઈ કે નીતિને એની તરફ જોઈ, "રિધિમાં, શુ તમે મને ભૂલી શકશો?"

રિધિમાં એની જોડે ઉભી રહી અને ખુરશી પર બેઠેલા એક માસૂમ બાળકની જેમ સવાલ પૂછતાં નીતિનની સામે જોઈ એક સ્માઈલ આપતા, "સર આમાં હું ક્યાં છું જ, તમે જે કરવા ધારો છો એ જ કરો છો. મારી પસંદગી જાણવાની આજ સુધી કોશિશ નથી કરી, આજે કરી છે તો ખોટું કઈ રીતે બોલું?" એક નિસાસો નાખતા, "ના, નહિ ભૂલી શકું. તમારી સાથે જે લાગણી જોડાઈ છે એને હું ભૂલવા નથી ઇચ્છતી. સોરી, પણ હું એમાં કઈ નહિ કરી શકું." એ બહાર કાઉન્ટર પર ગઈ અને બિલ ચૂકવી દીધુ. વેઇટરે પેક કરેલ નાસ્તો લઈ એ બહાર આવી.

નીતિન પાછળ આવતો હતો અને બિલ માંગ્યું તો જાણવા મળ્યું કે એ રિધિમાંએ આપી દીધુ છે. એણે રિધિમાંને બહાર ઉભી જોઈ એને પૈસા આપવા ગયો, તો ખબર પડી કે બિલ રિધિમાંએ ચૂકવી દીધું હતું. એ બહાર નીકળ્યો તો ત્યાં રિધિમાંએ નાસ્તાની થેલી ત્યાં બેઠેલ એક નાનું બાળક જે આવતા-જતા લોકો પાસે ભીખ માંગી રહ્યું હતું એને આપી દીધી. નીતિન રિધિમાં પાસે આવે એ પહેલાં જ એનું આ વર્તન જોઈ એને ગમ્યું. એમ કહી શકાય કે બહુ ગમ્યું. રિધિમાં ત્યાંથી એક રિક્ષામાં બેસી લાલ દરવાજા માટે નીકળી ગઈ. નીતિન ત્યાં જ ઉભો રહી ગયો. એક જગ્યાએ જવાનું હોવા છતાં બંને અલગ-અલગ જઈ રહ્યા હતા. નીતિન ઓફિસ આવી ગયો, પણ રિધિમાં હજુ આવી નહતી, એ છેક 1 વાગ્યે આવી. અને સીધી કામ પર પોતાના. બસ આ બધું પૂરું થયું કે એ ઘરે. નીતિનની સામે જોવાની ન તો એણે તસ્દી લીધી. ન તો ફિકર કરી. જેટલા ડગલાં રિધિમાં આગળ વધી હતી, હવે નીતિનને વધવાના હતા. નીતિન હવે સામેથી કોઈ નિર્ણય લેવાની પરિસ્થિતિમાં ન આવે ત્યાં સુધી એની સામે જઇ કે એને વારેવારે હેરાન કરી એને કોઈ અણધારી પરિસ્થિતિમાં મુકવાની ઈચ્છા ન રાખતી રિધિમાં કઈ જ ન બોલી. એણે સમય પર બધું છોડ્યું. રિધિમાંએ બધું સમય પર છોડ્યું પણ નીતિનને ખબર હતી કે એ બંને વચ્ચેનો કોઈપણ સબંધ માત્ર એની ના કે હા પર આધાર રાખે છે. એણે આ વિશે વિચાર પણ કર્યો, પણ મનને એ તરફથી વાળ્યું. ઉંમરનો તફાવત, જ્ઞાતિનો તફાવત એ બધો ગૌણ બની ગયો જ્યારે માનસિક તફાવતની વાત આવી અને એને પણ બધું સમય પર છોડ્યું.

નવરાત્રીને ગણ્યા-ગાંઠ્યા દિવસ બાકી રહ્યા અને મિ. મજુમદારે બધા એમ્પ્લોઈને નવરાત્રી માટે એક સરપ્રાઈઝ આપી. બધાને એક પાર્ટી-પ્લોટના પાસ આપ્યા અને ગાડીઓની વ્યવસ્થા પણ કરી આપી. બધા આ સરપ્રાઇઝથી બહુ ખુશ હતા, પણ રિધિમાંએ જવાની ના કહી દીધી.

સપના એની જોડે આવી, "રિધું શુ તકલીફ છે? ચલને જોડે. મજા આવશે. બહુ ગરબા ગાઈશું અને વધારે મોડું પણ નહીં થાય. બધા પાર્ટીપ્લોટ 12 વાગ્યે બંધ થઈ જાય છે."

"ના યાર, પપ્પા નહિ માને. અને મારી પાસે ચણિયાચોળી પણ નથી."

"અરે યાર ચણિયાચોળી તો આપણે લઈ આવશું. તું ફક્ત તારા પપ્પાને મનાવવાની કોશિશ કર" એણે જે રીતે રિધિમાં સાથે વાત કરી કે તે માની ગઈ.

જે દિવસે જવાનું હતું બધા ઓફિસ પર ભેગા થયા, અને પ્લોટ માટે નીકળ્યા. નીતિન સીધો જ પ્લોટ પર પહોંચ્યો. સાંજના 8નો સમય થયો હતો અને હજુ 3જુ નોરતું જ હતું એટલે ઓછા લોકો પ્લોટમાં હાજર હતા. અને એમાં પણ મોટાભાગના ગરબા કલાસીસમાં જનાર ગ્રુપ હાજર હતા. નીતિન બધાને રિસીવ કરવા ગેટ પર આવી ઉભો રહ્યો અને એક પછી એક બધા એમ્પ્લોઈ આવતા ગયા અને એ બધાને અંદર જવા કહેતો ગયો. સૌથી છેલ્લે રિધિમાં અને સપના આવ્યા. જેવી રિધિમાં નીતિનની સામે આવી કે નીતિન એને જોતો જ રહી ગયો.

સફેદ ચણિયાચોળી ઉપર પર્પલ, ગોલ્ડન કલરનું ભરતકામ, એની પર આભલા અને કાચ, સાદો પર્પલ દુપટ્ટા. ઓકસોડાઈઝનો સેટ, લાંબી કાને લબડતી બુટ્ટીઓ, ઓકસોડાઈઝની જ બંગડીઓ. ચહેરા પર હલકી લિપસ્ટિક અને હલકી આઈ-લાઈનર, ખુલ્લા અને એક નાનું બકકલ લગાવેલા વાળ, રજવાડી મોજડી. અને છેલ્લે હાથમાં દાંડિયાની જોડ. નીતિનને મનમાં થયું કે "કાશ હું આ દાંડિયા હોત તો, એના હાથમાં શોભતો હોત" એ રિધિમાંને એટલા ધ્યાનથી જોઈ રહ્યો હતો કે એ ક્યારે એકદમ નજીક આવી ગઈ એ ખ્યાલ જ ન રહ્યો. સપના નીતિન જોડે આવીને પૂછવા લાગી, "સર તમેં અહીં?"

નીતિન થોડા રઘવાટ સાથે, "હમ્મ હા, બસ બધાને રિસીવ કરવા..."

સપના હવે વ્યંગ કરવા લાગી, "હા સર તો ચાલો અંદર, કેમકે સૌથી છેલ્લે અમે જ છીએ. આ મહારાણીના પ્રતાપે.."

"અરે મુકને, સરને ઉભા રહેવું હોય તો રહેવા દે. ચલ આપણે અંદર જઈએ." રિધિમાં જે રીતે બોલી નીતિનને ન ગમ્યું. પણ કઈ બોલી ન શક્યો અને એ ત્રણે અંદર ગયા. નીતિન તો એકબાજુ ઉભો રહી ગયો પણ રિધિમાં અને સપના તો દૂરથી જ ગરબા સંભળાતા એની ધુનમાં જાણે નાચવા લાગ્યા હતા. અને એમાં ગીત વાગ્યું, 'તારા વિના શ્યામ..'  અને રિધિમાં થનગનવા લાગી. નીતિન તો ત્યાં ઉભો-ઉભો ફક્ત રિધિમાંને જ જોઈ રહ્યો હતો. વચ્ચે એ બંને આવીને પાણી પીતા અને પાછા જતા રહેતા ગરબા રમવા. છેવટે 12 વાગ્યે ગરબા પુરા થતા એ બંને બહાર આવ્યા. બંને થાકી ગયા હતા અને પરસેવે રેબઝેબ હતા. નીતિનને આજે ખબર પડી કે રિધિમાંને ગરબા આટલા પસંદ છે. છેલ્લે બધા જ એમ્પ્લોઈ નીતિનની જોડે ટોળું વળીને ઉભા હતા અને એણે ત્યારબાદ બધાને ગાડીમાં જવા કહી દીધું. ગાડી એમને ઓફિસ લઈ જવાની હતી અને  જેમને બાઈક કે અન્ય સાધન હોય એ લોકો ત્યાંથી નીકળી જશે અને બાકીના ને ગાડી મૂકી જશે. એ વાત કહી એણે બધાને જવા કહી દીધું. સપના અને રિધિમાં પણ ગાડી પાસે પહોંચ્યા અને રિધિમાંને એનું પર્સ યાદ આવ્યું અને એણે સપનાને કીધું, "એક કામ કર તું ગાડીવાળાને કહે કે એ 5 મિનિટ ઉભો રહે હું પર્સ લઈને આવું." અને એ પાછી પાર્ટી-લોટમાં જતી રહી એનું પર્સ શોધવા. નીતિન બાઈક લઈને ગાડીની નજીક આવ્યો, શું થયું છે એ જાણવાની કોશિશ કરી. આખી વાત એને જાણવા મળી. છેવટે 5 મિનિટ રાહ જોતા પણ રિધિમાંના ન આવતા એણે બધાને જવા કહી દીધું. સાથે એ પણ કે રિધિમાંને એ લેતો આવશે. બધાના ગયા પછી એ અંદર ગયો અને રિધિમાંને શોધવા લાગ્યો. રિધિમાં એને ફૂડસ્ટોલ પાસે દેખાઈ. એ એની નજીક ગયો.

"શુ થયું રિધિમાં? પર્સ મળ્યું?"

"હા સર અહીં જ ભૂલી ગઈ હતી. પાણી પીવા આવી ત્યારે. સ્ટોલવાળા ભાઈએ સંભાળી રાખ્યું હતું. ચલો હવે બહાર જઈએ" એ બહારના રસ્તા તરફ જવા લાગી અને નીતિન પણ પાછળ-પાછળ.

બહાર આવીને જ્યાં ગાડી ઉભી રાખીને એ ગઈ હતી તો ત્યાં ગાડી નહતી. નીતિન પાછળ આવી ઉભો રહ્યો, "એક્ચ્યુલી હું એ જ કહેતો હતો, ગાડી લઈને મેં બધાને જવા કહી દીધું. તમારે મોડું થાય તો એ બધાને પણ જવામાં મોડું થાય"

એની સામે ફરતા, "પણ સર હું શેમાં જઈશ હવે? અહીંથી તો રીક્ષા પણ નહીં મળે!'

નીતિન એની બાઈક તરફ ગયો, "તમે ભૂલો છો કે હું છું હજુ અહીં. તમે મારી સાથે ચલો." નીતિન એની બાઈક પર બેસી ગયો.

"તમારી સાથે????" રિધિમાં અવાચક થઈ ગઈ.

"હા મજબૂરી છે તો, તમારે મારી સાથે બેસવું જ પડશે. હું તમને મૂકી જઈશ. ચિંતા ન કરો કઈ પણ પ્રોબ્લેમ નહિ થાય આ વખતે!"

રિધિમાં કચવાટ સાથે બાઈક પર બેસી અને એણે બાઈક ચાલુ કરી રોડ પર લીધી. જ્યારે-જ્યારે રિધિમાં નીતિનની બાઈક પર બેસતી ત્યારે કોઈ સમસ્યા ઉભી થતી જ. પહેલી વખત એના લગ્નની વાત, બીજી વખત એનો તીવ્ર ગુસ્સો. ખબર નહિ આજે શુ સમસ્યા રાહ જોઈ રહી છે? એ રિધિમાં વિચારવા લાગી.

એના આ વિચાર વચ્ચે નીતિને એને રોકી. "રિધિમા, ખોટું ન લગાડો તો એક વાત કહું."

"હમ્મ"

"મને ભૂખ લાગી છે. આપણે થોડો નાસ્તો કરી શકીએ?"

"હા ચોક્કસ સર, ભૂખ તો મને પણ લાગી છે."

નીતિન રિધિમાંને સારી રીતે સમજી ચુક્યો હતો, 3-4 કલાક ગરબા રમે તો કોઈપણને ભૂખ લાગે. પણ રિધિમાં આ વસ્તુ કેમની જણાવે? એટલે નીતિને સામેથી જ પૂછી લીધું. રિધિમાં પણ બાઈક પર એકબાજુ બેઠી હતી, એણે નીતિનનો ખભો ન પકડતા બાઇકની પાછળની એન્ગલ પકડી હતી. એ પણ નીતિનને મન એક મૂંઝારો તો હતું જ. એની પાછળ પડી રહેતી અને એની માટે બધી મુશ્કેલીઓ પાર કરનાર આજે અલગ કેમ?

માણેકચોક પહોંચી ગાંધીપુલવાળી ગલીમાં બાઈક મૂકી નીતિન અને રિધિમાં આગળ નાસ્તો કરવા ગયા. પાઉ-ભાજી અને આઈસ્ક્રીમનો લુત્ફ માણી એ બંને બાઈક તરફ આવ્યા.

રસ્તામાં ચાલતા રિધિમાં અને નીતિન બાઈક પાસે પહોંચી જ રહ્યા હતા કે નીતિને આગળથી 2 બાઇકો આવતી જોઈ. આમ તો લફંગા જેવા નહિ પણ આ બાઈક પરના ચાર મસ્તાનાઓ રિધિમાંને જોઈ રહ્યા અને મસ્તી કરવા એની તરફ બાઈક લાવ્યા. આ જોઈ નીતિને રિધિમાંને પોતાની તરફ ખેંચી લીધી અને એના કમર પર હાથ મૂકી દીધો.

"હેય, બાઈક ચલાવતા નથી આવડતું તો પહેલા શીખી લો" નીતિન એમની તરફ જોઈ અપશબ્દો પણ બોલ્યો પણ એ લોકો ત્યાંથી નીકળી ગયા. અહીં રિધિમાં નીતિનને ચોંટીને ઉભી રહી હતી. અને એની તરફ જ જોઈ રહી હતી.

એની તરફ જોઈને, "રિધિમાં તમે ઠીક છો? રિધિમાં....."

નીતિન હજુ એની એકદમ નજીક જ હતો, એના વધેલા ધબકારા એને સાફ સંભળાઈ રહ્યા હતા. ગુસ્સામાંથી બહાર આવતા એણે અનુભવ્યું કે રિધિમાં એક મીણના પૂતળાની જેમ એની બાહુપાશમાં સમાયેલી હતી. અને નીતિનની આંખોમાં જ જોઈ રહી હતી.

શરમાતા "સોરી, મારુ ધ્યાન ન રહ્યું." એ એના હાથ રિધિમાંની કમર પરથી લઈ લેવા ઈચ્છતો હતો, પણ એનું મન એમ કરવાની ના પાડી રહ્યું હતું. રિધિમાંએ પહેલી જ વખત આ રીતે કોઈ પુરુષના શરીરનો સ્પર્શ કર્યો હતો. અને એ આ પળમાં ખોવાવા તૈયાર હતી. બસ એણે પણ દૂર થવાની દરકાર ન કરી. અને નીતિન પોતાને સાંભળી ન શક્યો, અને રિધિમાંના ચહેરા અને પોતાના ચહેરાને એકદમ નજીક લાવી, એક જ પળમાં રિધિમાંના કોમળ હોઠ પર એણે પોતાના હોઠ મૂકી દીધા. એમના આ મિલનનું સાક્ષી ત્રીજનો એ આછું અજવાળું ધરાવતો ચાંદ બન્યો. જે દરેક પ્રેમગીતોનો સાક્ષી બને છે. અને આ પળમાં બંને જણા ખોવાઈ ગયા.

(નીતિનના ઇનકાર છતાં એ રિધિમાંને પોતાનાથી દુર ન કરી શક્યો અને આ કાચી ક્ષણે એમા વધારો કર્યો. એ બંને એક થઈ ગયા, અને આ કથા પુરી એવું તમે વિચારી રહ્યા હોવ તો આ કથાના હજુ બે રસપ્રદ ભાગ તમારી રાહ જોઇને બેઠા છે. બસ એની માટે તૈયાર થઈ જાઓ અને જો ન સમજાય તો પ્રથમ પ્રકરણની શરૂઆત તમને એ સમજણ પુરી પાડશે. વધુ નહિ બસ થોડોક ઇંતેજાર......)