Pari - 17 books and stories free download online pdf in Gujarati

પરી - ભાગ-17

" પરી " ભાગ-17

ગયા ભાગમાં આપણે જોયું કે આરતી અને રોહન પણ માધુરીના સમાચાર સાંભળી ખૂબ દુઃખી થાય છે અને વિચારે છે કે, માધુરીના લગ્ન શિવાંગ સાથે થયા હોત તો માધુરીની અત્યારે આ પરિસ્થિતિ થઇ ન હોત પણ હવે તો ઇશ્વરને ગમ્યું તે ખરું....!! અને બંને જણા એક ઉંડો નિ:સાસો નાંખે છે.

શિવાંગ, રોહનને લઇને માધુરીના ઘરે જાય છે. તે ડોરબેલ વગાડે છે એટલે માધુરીના મમ્મી ડોર ખોલે છે.
માધુરીના મમ્મી કંઇ બોલે તેની રાહ જોયા વગર શિવાંગ માધુરીના ઘરમાં ઘૂસી જાય છે. માધુરીના પપ્પા સોફા ઉપર બેઠા હતા તેમની સામેની ચેરમાં શિવાંગ બેસે છે અને હિંમત કરીને બોલે છે, " અંકલ, માધુરીના સમાચાર મને ગઇકાલે રાત્રે જ મળ્યા એટલે હું માધુરીને મળવા માટે આવ્યો છું. "

માધુરીના મમ્મી અને પપ્પા બન્ને ખૂબ જ ઢીલા પડી ગયા હતા, હવે જાણે તેમનામાંથી પણ જીવ ચાલ્યો ગયો હતો તેઓ શિવાંગને જોઇને ખૂબ રડી પડે છે અને માધુરીની પરિસ્થિતિની જાણ કરતાં તેના પપ્પા શિવાંગને વાત કરતાં કહે છે કે, " ન ધારેલું બધું જ બની ગયું છે બેટા, માધુરીને સારા દિવસો જાય છે ઘરમાં બધા ખૂબ ખુશ હતા અને અચાનક કાળ જાણે ઋત્વિક કુમારને ભરખી ગયો, કાર એક્સીડન્ટમાં તેમનું ત્યાં ને ત્યાં જ ડેથ થઇ ગયું માધુરીના મન ઉપર આની ખૂબ ઘહેરી અસર થઇ ગઇ છે, તે આ પરિસ્થિતિનો સ્વિકાર કરવા જાણે તૈયાર જ નથી અને કોઈ અલગ પોતાની દુનિયામાં ચાલી ગઈ છે. દુન્યવી ભાન ભૂલી ગઇ છે. તે જાણે પાગલ થઇ ગઇ છે. તે કોઇને ઓળખતી પણ નથી. મને કે તેની મમ્મીને પણ ઓળખતી નથી. કોઇની સાથે કંઇ બોલતી નથી કે વાત પણ કરતી નથી. તેણે આંખમાંથી એક આંસુ પણ સાર્યું નથી તે શૂન્યમનસ્ક થઇ ગઇ છે. ડૉક્ટરને પણ બતાવ્યું પણ કોઈ દવા તેની ઉપર અસર કરી રહી નથી. તમે આવ્યા તો તમારો ખૂબ આભાર કદાચ તમને જોઇને તે કંઇ બોલે કે રડી પડે તો તેના નોર્મલ થવાના ચાન્સ વધુ બને. તેવું ડૉક્ટર સાહેબે જણાવ્યું છે પણ તેની પાસે જવામાં એક ખતરો છે તેને જો વધારે પડતી બોલાવવામાં આવે કે તેને વારંવાર કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તે ગુસ્સે થઇ જાય છે અને પોતાના હાથમાં જે કંઈ પણ વસ્તુ આવે તે છુટ્ટુ ફેંકી સામેની વ્યક્તિને મારે છે. તેથી તેની નજીક જવાની કોઈ હિંમત કરતું નથી. જમવાનું પણ તેની મમ્મી તેને પરાણે સમજાવીને જમાડે છે. તેને જમવું હોય તો જમે નહિ તો ન પણ જમે, તેને કોઈ ફોર્સ કરી શકાતો નથી. પણ તેની પ્રેગનન્સીને હિસાબે તેને થોડું પણ જમાડવું આવશ્યક બની જાય છે એટલે તેની મમ્મી તેને પ્રેમથી થોડું જમાડી દે છે.

માધુરીની મમ્મી શિવાંગને માધુરીના રૂમની બહાર છોડી આવે છે અને શિવાંગને એકલા જ અંદર રૂમમાં જવા જણાવે છે.

શિવાંગ માધુરીના રૂમમાં પ્રવેશ કરે છે, માધુરી રીવોલ્વીંગ ચેરમાં બારી પાસે બેસી રહી હતી, બારીમાંથી બહાર નાના બાળકો રમતાં હતાં તે જોઇ રહી હતી.

શિવાંગ ચેરની સામેના બેડ ઉપર બેસે છે અને માધુરીની ચેર પોતાની તરફ ફેરવે છે અને માધુરીના હાથ પોતાના હાથમાં લઇ બંને હાથ ઉપર પ્રેમથી કિસ કરે છે. માધુરી જાણે કોઈ અજાણ્યું તેની સામે આવી ગયું હોય તેમ પોતાના હાથ શિવાંગ પાસેથી છીનવી લે છે અને કંઇક વિચિત્ર નજરથી શિવાંગની સામે જોયા કરે છે. શિવાંગ દર્દભર્યા અવાજે પ્રેમથી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને બોલે છે, " આઇ લવ યુ માધુરી..." પણ માધુરીના વર્તનમાં કોઈ ફેર પડતો નથી.

શિવાંગ તેની સાથે વધુ વાત કરવાનો પ્રયત્ન કરે છે તો માધુરી ચીસો પાડવા લાગે છે....
માધુરીની આ કન્ડીશન જોયા પછી શિવાંગ શું નિર્ણય લે છે વાંચો આગળના પ્રકરણમાં.....