rudra nandini - 3 books and stories free download online pdf in Gujarati

રુદ્ર નંદિની - 3


પ્રકરણ-૩
સુભદ્રા બહેન અને ધનંજય નંદિનીના જવાબની રાહ જોતા ઉભા રહ્યા ....એમને લાગ્યું કે નંદિની હવે શું જવાબ આપશે .....તેમના દિલની ધડકનો તેજ થઈ ગઈ....


નંદિની પણ અચાનક સુભદ્રાબેન ના આમ પૂછવા પર એકદમ ગભરાઈ અને મૂંઝાઈ ગઈ. તેને શું જવાબ આપવો તે સુજ્યુ નહીં , પરંતુ બાળકોમાં ભગવાને એક વિશિષ્ટ શક્તિ મૂકેલી હોય છે . અને એ શક્તિ છે માણસોને ઓળખવાની અને તેમને જજ કરવાની....

નંદિની સામે તેના મમ્મી-પપ્પાના મૃત્યુથી લઈને આજના દિવસ સુધીના બધા જ દ્રશ્યો જીવંત થવા લાગ્યા..... કેવી રીતે તેની માસીએ તેને સંભાળી..... તેને પ્રેમ અને હુંફ આપી.....તેની દરેક નાની-મોટી વાતનું ધ્યાન રાખ્યું..... વગેરે ...

અને ખાસ તો માસા એ બધા લોકો સામે કહેલી વાત યાદ આવી...." ભગવાને કદાચ અમને એટલે જ સંતાન સુખ નથી આપ્યું કે જેથી અમે નંદિનીના માતા-પિતા બની શકીએ....."

ત્યારે તો આઘાતમાં સરી પડેલી નંદિનીના મનમાં આ બધી વાતોને સમજવાની સમજણ અને શક્તિ નહોતી . પરંતુ આટલા દિવસોના માસા - માસીના સહવાસમાં નંદિની નું મન તેના માસા - માસી ને જજ કરવા માટે સક્ષમ બની ગયું હતું....

તેનું હૃદય માસીની વાત સાંભળીને અત્યંત વ્યાકુળ બની ગયું..... કારણકે નાનકડી નંદિની માની મમતા , અને પિતાનું વાત્સલ્ય પામવા માટે ઝૂરતી હતી .....તેની આંખમાં આંસુ આવી ગયા અને સુભદ્રાબેન નો હાથ છોડાવી દીધો.....

સુભદ્રાને લાગ્યું ...કે...કદાચ નંદિની હજી આ માટે તૈયાર નથી . અને લાગે છે કે ક્યારેય તૈયાર પણ નહીં થાય !!! ધનંજય પણ દુઃખી થયા તેમની આંખમાંથી એક આંસુ આવી ને તેમનાં ગાલ પર થીજી ગયું પરંતુ......

બીજી જ પળે સુભદ્રાના ગળા ફરતા નંદિનીના બંને હાથ વીંટળાઇ ગયા......

સુભદ્રા હજુ તો કાંઈ સમજે એ પહેલા તો નંદિની એને "મમ્મી...... મમ્મી..... "કહીને વળગી પડી હતી , અને રડવા લાગી હતી....

સુભદ્રાની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો વહેવા લાગ્યા .વર્ષોથી સંતાન માટે ઝૂરતા માતૃ હૃદય ને આજે જાણે નંદિનીને પોતાની કૂખેથી જ જન્મ આપ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી...... ધનંજય પણ બંને પગે ઘૂંટણિયે પડીને નંદિની સામે બેસી ગયા.... અને નંદિનીની સુભદ્રાના ગળેથી છૂટવાની રાહ જોવા લાગ્યા કે ક્યારે નંદિની મને પણ પપ્પા કહીને બોલાવે......

નંદિની સુભદ્રાની છાતીએથી અળગી થઈ તો એની નજર ધનંજય પર પડી .નાનકડી નંદિની પણ માસાની આંખમાંથી ઉભરાતો, હિલોળા લેતો વહાલનો દરિયો પામી ગઈ ...અને તે ધનંજય ને પણ "પપ્પા..... પપ્પા... "કહેતી ગળે વળગી પડી...

ધનંજય પણ જાણે કે ઈશ્વરે આજે પોતાને પિતૃત્વ આપી દીધું હોય ,એવી પરમસુખની અનુભૂતિ કરી રહ્યા હતા....

આઇપીએસ ઓફિસર હોવા છતાં ધનંજય આજે લાગણીના પૂરમાં , પ્રેમના આવેશ માં અને દીકરીના વહાલમાં જાણે કે તણાઈ ગયા !!! આઇપીએસ ઓફિસરની રુક્ષતા અને કરડાકી તો એમના સ્વભાવમાં થી જાણે કે ગાયબ જ થઈ ગઈ.....!!!

આજે સુભદ્રા અને ધનંજય ને લાગ્યું કે હવે તેમનો પરિવાર પૂર્ણ થયો ...ઈશ્વરે નંદિનીના સ્વરૂપમાં સાક્ષાત પોતાનો અંશ જ અમારા ઘેર મોકલ્યો છે ..


અને ઈશ્વર ના અંશનુ, ઈશ્વરીય શક્તિ નું... ઈશ્વર નો પ્રસાદ સમજી આખી જિંદગી પ્રેમથી પાલન પોષણ કરી ,ખૂબ જ ભણાવી વિદ્યાનું અને સંસ્કારનું સિંચન કરવાનું પણ બંને પતિ-પત્નીએ મનોમન નક્કી કર્યું.....

આજે રાત્રે નંદિનીને ખુબજ શાંતિની ઊંઘ આવી .સુભદ્રાની સોડમાં મમતાભર્યા સ્પર્શનો અહેસાસ કરતી નંદિની ગાઢ નિંદ્રામાં સુઈ ગઈ . એને સુવડાવી સુભદ્રા બહાર ધનંજય પાસે હોલમાં આવી જ્યાં ધનંજય પોતાનું કામ કરી રહ્યા હતા .

ધનંજયે સુભદ્રાને જોઈ ફાઇલ બંધ કરી... અને સુભદ્રાનો હાથ પકડી પોતાની પાસે બેસાડી...

સુભદ્રા તો " થેન્ક્સ ધનંજય...." એટલું બોલીને ધનંજય ને ભેટી પડી....

ધનંજય પણ સુભદ્રાને વળગી રહ્યો .થોડીવાર પછી સુભદ્રા છૂટી પડી .ધનંજયે આંગળીથી સુભદ્રાની ચિબુક પકડીને તેનું મુખ ઊંચું કર્યું અને બોલ્યો.....


" સુભદ્રા .....ઈશ્વરે આપણને લગ્નના આટલા વર્ષો સુધી સંતાનનું સુખ ના આપ્યું તેમાં ઈશ્વરનો કોઈ ગૂઢ સંકેત જ સમજવો રહ્યો.... તારી જેમ મારું હૃદય પણ પિતૃત્વ પામવા માટે ઝંખતું હતું .…. હું પણ કોઈ અનાથ આશ્રમમાંથી બાળકને adopt કરવાની વાત તને કહેવાનું વિચારી જ રહ્યો હતો... ત્યાં જ દીદી અને જીજાજી નું આમ અચાનક અકાળે મૃત્યુ થયું..... તો તું જ કહે મારુ પિતૃત્વ ઝંખતું હ્રદય નંદિનીને કેમ એકલી છોડી દે ? અને નંદિની સાથે તો આપણી લોહીની સગાઈ છે .મને ખબર છે કે તું પણ આવું જ ઈચ્છતી હતી ...પણ તારા મનની વાત મેં કરી બસ એમાં થેન્ક્સ કહેવાની જરૂર નથી.....

શા માટે નહીં....? મારા કહ્યા વગર મારા મનની વાત સમજવા માટે થેન્ક્સ.....!!!! મારા તરસતા હૃદય ને માતૃત્વનું ઝરણું આપવા બદલ થેન્ક્સ .....!!! મારા દીદી અને જીજાજી ની આખરી નિશાની સમી નંદિનીને પ્રેમથી અપનાવવા માટે થેન્ક્સ ધનંજય.....!!!.. અને સુભદ્રાએ ફરીથી ધનંજય ને એક tight hug કર્યું.....

હવે તો ધનંજયે પણ સુભદ્રાને પોતાનાથી દૂર ન કરી પણ બંને હાથમાં ઉચકીને બેડરૂમમાં લઈ ગયો

*. *. *.

બીજા દિવસે નંદિની ગાઢ નિંદ્રામાંથી ઊઠીને પોતાના રૂમની બહાર આવી. સુભદ્રા આજે વહેલી જાગી ગઈ હતી .નંદિનીને જોઈને સુભદ્રાએ કહ્યું.....

" અરે.... મારી નંદિની ઉઠી ગઈ સરસ ચલ ફટા ફટ બ્રશ કરીને આવ. હું તને બોર્નવિટા વાળું દૂધ આપી દઉં તને બહુ ભાવે છે ને....?"


"હા મમ્મી...." નંદિનીએ યાદ રાખીને હવે સુભદ્રાને મમ્મી કહેવાનું શરૂ કર્યું , એ જોઈને ધનંજય ને ખૂબ જ આનંદ થયો .

નંદિની બ્રશ કરીને ડાઇનિંગ ટેબલ પાસે આવી .સુભદ્રાએ દૂધ નો મગ આપ્યો નંદિનીએ ફટાફટ દૂધ પી લીધું...

"અરે ......ધીમે ધીમે બેટા નાસ્તો નથી કરવો? "
" ના મમ્મી હું ફટાફટ નાહીને ફ્રેશ થઈ જાઉં પછી નાસ્તો કરીશ..."

"Ok... હું તારા માટે ફટાફટ ગરમ નાસ્તો બનાવું છું .એટલામાં તું નાહી ને તૈયાર થઈ જા.."

નંદિની નાહીને તૈયાર થઈ નીચે આવી ,સુભદ્રાએ ધનંજય ને આંખથી ઈશારો કર્યો....

સોફા પર બેસી ન્યૂઝ પેપર વાંચતા ધનંજયે નંદિનીને પોતાની પાસે બોલાવી અને ખોળામાં બેસાડી દીધી.....

નંદિની વહાલથી બોલી " શું વાત છે પપ્પા.....? "

ધનંજય શાંતિથી બોલ્યા... "બેટા નંદિની પ્રતાપગઢના લોકો તો કહેતા હતા... કે ....'નંદિની તો ભણવામાં ખૂબ જ હોશિયાર છે . એને તો મંદિરમાં થતી ભગવાન નીલકંઠની સ્તુતિઓ અને સ્રોતો બધું જ સંસ્કૃતમાં બોલતા આવડે છે...... અને ફટાફટ યાદ કરીને મહાદેવજી સામે બોલતી પણ હોય છે ....' સાચું ને....? "

"હા પપ્પા મને તો બધું જ યાદ છે. તમને સંભળાવું.....? "

એમ બોલીને નંદિનીએ....".ઓમ ......ત્રંબકમ યજામહે ......

નો મહામૃત્યુંજય શ્લોક સરસ મજાના આરોહ અવરોહ સાથે બોલી ગઈ..... નંદિનીએ એક પછી એક ઘણા બધા શ્લોકોની ધારા અવિરતપણે વહેવડાવવાની શરૂ કરી દીધી....
ધનંજય અને સુભદ્રા તો જોતા જ રહ્યા .ઘડીભર તો ધનંજય ની આંખ સામે જાણે કે જટાશંકર આવીને ઊભા રહ્યા.
જટાશંકર જીજાજી પણ સંસ્કૃતના અને વેદ ઉપનિષદ ના પ્રખર જ્ઞાતા અને વિદ્વાન હતા .સંસ્કૃત ઉપર તેમની પકડ ખરેખર ગજબની હતી. એમણે ધાર્યું હોત તો પોતાના શિક્ષણ અને પોતાની વિદ્વતા થકી આજે કોલેજમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતનું શિક્ષણ આપતા હોત .....અને રઘુવંશમ્ અને અભિજ્ઞાનશાકુંતલમ જેવા મહાન ગ્રંથો ભણાવતા હોત.....

પણ એમણે એમની વિદ્વતા અને એમનું જ્ઞાન નર્મદેશ્વર મહાદેવ ને સમર્પિત કર્યું . તેમના પિતાજી ના અવસાન બાદ પ્રતાપ ગઢ માં જ રહીને નર્મદેશ્વર મહાદેવ નું મહંત પદ સ્વીકાર્યું , અને જીવનના અંત સુધી પોતાની વિદ્વતા મહાદેવની ભક્તિમાં અને ચરણોમાં અર્પણ કરી.....

" શું થયું પપ્પા ....? કેમ કાંઈ બોલતા નથી ? કેવા લાગ્યા મારા શ્લોક....? "

નંદિનીએ ધનંજય ને ખભાથી હલાવ્યા...... ઝબકીને ધનંજય વર્તમાનમાં આવ્યા ....એક ક્ષણ માટે તો એમને એવું જ લાગ્યું કે જાણે તેઓ જટાશંકર જીજાજીની વિદ્વતાનું પાન કરી રહ્યા છે.....!!!

"બહુ જ સરસ બેટા ....તું તો સરસ મજાનું ગાય છે ....અને તને તો કેટલા બધા શ્લોકો પણ આવડે છે ....આટલા બધા જ શ્લોકો તો મને પણ નથી આવડતા....."


નંદિની પોતાની પ્રશંસાથી રાજી રાજી થઈ ગઈ અને " થેન્ક્યુ પપ્પા...... " કહીને ધનંજય ને વળગી પડી....

થોડીવાર બીજી બધી વાતો કર્યા પછી ધનંજયે નંદિનીને એ વાત સમજાવવાનું શરૂ કર્યું કે , જે વાત સમજાવવાનું કામ સુભદ્રાએ પોતાને સોંપ્યું હતું .અને થોડી આડીઅવળી વાતો કર્યા પછી ધનંજય એ વાત ઉપર ધીરે ધીરે આવવા લાગ્યા...


"નંદિની બેટા ...હું તો હમણાં ઓફિસ ચાલ્યો જઈશ.... પછી આખો દિવસ તું એકલી તારી મમ્મી સાથે બોર નથી થઈ જતી... ?તું જોતી નથી કે સુભદ્રા કેટલી બધી બોરિંગ વાતો કરે છે.....!!!"

"ના હો પપ્પા ....મારી મમ્મી ને એવું નહીં કહેવાનું એ તો કેવી સ્વીટ .....સ્વીટ ....વાતો કરે છે...!!!"

"અચ્છા.... તો મમ્મી ની વાતો સ્વીટ.... સ્વીટ ...તો પછી મારી વાતો કેવી....?

"તમારી વાતો તો ....એકદમ ગુલાબજાંબુ જેવી ....બહુ ...બહુ ...જ સ્વીટ ...સ્વીટ ..."
એમ કહીને નંદિનીએ પોતાના નાનકડા બંને હાથથી પપ્પાના ગાલ ખેંચ્યા.!!

ધનંજય હસવા લાગ્યા..." અચ્છા તો મારી દીકરીને ગુલાબ જાંબુ બહુ ભાવે છે એટલે...?"

"પણ બેટા તને નથી લાગતું કે તારે તારે friends બનાવવા જોઈએ ? એમની સાથે રમવું જોઈએ ?મસ્તી કરવી જોઈએ?

" પણ પપ્પા અહીં તો આજુબાજુમાં મારા જેવડા કોઈ છે જ નહીં તો હું કોને friends બનાવું?"

નંદિની વાત પણ એકદમ સાચી હતી .આજુબાજુમાં જે છોકરાઓ હતા એ કાં નંદિની થી મોટા હતા ,અથવા તો સાવ નાના... એની ઉંમરના કોઈ નહોતા જેને એ friends બનાવી શકે!!!

"તો હું તને એક idea આપું ?"
"હા પપ્પા બોલોને... કેવો idea છે ?મારે પણ ઘણા બધા friends બનાવવા છે...."

"એ માટે છે ને.... આપણે તારું સ્કૂલમાં એડમિશન કરાવી લઈએ તો ? તને ઘણા બધા ફ્રેન્ડ્સ મળશે.....!!"

ધનંજયે ધીમે ...ધીમે ...નંદિની ની પ્રતિક્રિયા જોતા ...જોતા... પોતાનું વાક્ય પૂરું કર્યું...

નંદિની થોડીવાર વિચારમાં પડી ગઈ પછી બોલી ...."પણ હું તો નવી સ્કૂલ માં કોઈને ઓળખતી પણ નથી તો મારા friends કેવી રીતે બનશે...?"

સુભદ્રા હવે ગાડી ને પાટા પર ચડેલી જોઈને નજીક આવી અને વાતનો દોર પોતાના હાથમાં લઈ લીધો.

" એ તો છે ને બેટા... નવી જગ્યાએ બે-ત્રણ દિવસ એવું લાગે ....પછી બધા જાણીતા થઇ જાય... friends પણ બની જાય.... અને મારી દીકરી છે પણ કેટલી ક્યુટ !!! એને જોઈને તો બધા એની સાથે friendship કરવા પડાપડી કરવાના....!!!!"

"ખરેખર મમ્મી ? તો તો હું સ્કૂલે જઈશ .... અને બધાની સાથે ફ્રેન્ડશીપ કરીશ ..."પપ્પા... તમે મારુ એડમિશન જલ્દી કરાવી લો હું જલ્દી જલ્દી સ્કૂલે જઈશ..."


"અરે ..! આજે જ જઈએ આપણે ત્રણેય તારી સ્કૂલમાં એડમિશન લેવા . બોલ જવું છે ને....?"

ધનંજયે નંદિની ની સામે એક હાથ હાઈ - ફાઈ કરવા ઊંચો કર્યો. નંદિનીએ પણ ખુશ થઈને સામે હાઈ - ફાઈ કર્યું. અને આમ મિશન એડમિશન પૂરું થયું...!!!

સુરતની સારામાં સારી સ્કૂલમાં એડમિશન લીધા પછી, આજે નંદીનીનો સ્કૂલમાં પહેલો દિવસ હતો. એના મમ્મી પપ્પા બંને એની સ્કૂલ માં મુકવા આવ્યા હતા ,જેથી નંદિની ગભરાય નહીં.....

ધનંજય નંદિનીને લઈને પહેલા તો પ્રિન્સીપાલ સાહેબ શ્રી અવિનાશ પાટીલ સાહેબની ઓફિસમાં ગયા. ત્યાં પાટીલ સાહેબે નંદિનીને પ્રેમથી પોતાની પાસે બોલાવી, અને વાતો કરાવવા લાગ્યા. હવે નંદિની પણ થોડી હળવી થઇ હોવાથી પાટિલસર સાથે વાતો કરવા લાગી....

થોડી આડીઅવળી વાતો કરીને પાટીલસરે કહ્યું ;....." don't worry sir... હવેથી તમારે નંદિની ની ચિંતા કરવાની કાંઈ જ જરૂર નથી ...એ ચિંતા હવે અમારી ઉપર છોડી દેવાની... થોડા જ દિવસોમાં એ અહીંયા બધાની સાથે હળી મળી જશે...."

સુભદ્રાએ નંદિનીને કહ્યું ..."બેટા.. તું હવે તારા ક્લાસરૂમમાં જા અમે તને લેવા આવીશું..... Ok....."


Pune નંદિનીને એના ક્લાસરૂમમાં મુકવા ગયો. ક્લાસ શરૂ થવાને હજી થોડી વાર હતી ....બધા સ્ટુડન્ટ્સ ધીરે- ધીરે આવીને ,પોતપોતાની જગ્યા ઉપર બેસવા લાગ્યા હતા. નંદિની પણ " હું ક્યાં બેસું ....."એવો વિચાર કરતી કરતી આગળથી બીજી બેન્ચ ઉપર બેસી ગઈ......

ક્લાસમાં હવે સ્ટુડન્ટ્સ આવતા બંધ થયા ,આખો ક્લાસ ભરાઈ ગયો હતો. નંદિનીએ જોયું કે એની બાજુમાં એક સરસ મજાનો ગોરો ચિટ્ટો ચહેરો ધરાવતો , લાંબા અને સિલ્કી વાળ વાળો અને ખુબ જ ક્યુટ... કહી શકાય એવો છોકરો આવીને બેસી ગયો હતો.....

અત્યારે બધા આંખો બંધ કરી હાથ જોડીને " તેરી પનાહ મે હમે રખના....." પ્રાર્થના કરી રહ્યા હતા ...પ્રાર્થના પૂરી થઈ ગઈ....અને બધાંએ આંખો ખોલી......

બધાનું ધ્યાન આજે આવેલ..... ન્યુ એડમિશન.... ઉપર જ હતું .અને કેમ ન હોય .....? નંદિની હતી જ એવી કે બધાનું ધ્યાન એની તરફ તરત જ આકર્ષિત થાય.....


હરણી જેવી મોટી મોટી અણીયારી અને નિર્દોષ આંખો.....લાંબુ અને તીખું નાક .....ગુલાબની પાંખડી ઓ જેવા કોમલ ,સ્નિગ્ધ અને ગુલાબી -ગુલાબી હોઠ.... સહેજ લંબગોળ કહી શકાય તેવો ખુબ જ નમણો ચહેરો ....લાંબા અને કાળા ભમ્મર જેવા રેશમી વાળ .......જેને અત્યારે નંદિની એ એની કમર સુધી ખુલ્લા મુક્યા હતા અને પવન આવવાથી લહેરાઈ રહ્યા હતા..... સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય..... તો એનો માખણના પિંડા જેવો ગોરો ગોરો વાન.....અને જાણે હાથ મુકો અને હમણાં પીગળી જશે એવી એની મુલાયમ ત્વચા .....બિલકુલ નાનકડી પરી જેવી લાગતી હતી નંદિની.....


અને ...એટલે જ તો આદિત્ય જાણીજોઈને એની પાસે આવીને બેસી ગયો....

જાણીજોઈને..? હા ,જાણીજોઈને.....

કારણકે આદિત્ય..... આદિત્ય મહેતા હંમેશા સ્કુલે આવે ત્યારે ક્લાસમાં એન્ટર થતા પહેલા , ક્લાસરૂમ ના દરવાજા પાસે ઉભો રહી આખા ક્લાસ રૂમમાં એક નજર નાખતો , અને એને જે ક્લાસમેટ પાસે બેસવાનું મન થાય, એની પાસે જઈને બેસી જતો.... એને એવી જ ક્લાસમેટ પાસે બેસવાનું મન થતું જે બ્યુટીફૂલ.... ક્યુટ ....અને innocent.... લાગતી હોય....!!!!

રોજેરોજ એના બેસવાની જગ્યા ચેન્જ થતી રહેતી, અને કોઈને એ બાબતનો વિરોધ પણ નહોતો. કારણ કે..... બધા અંદરથી તો એવું જ ઇચ્છતા કે આદિ આજે એની બાજુમાં આવીને બેસે પછી ભલે તે boys હોય કે girls .આદિ હતો જ એવો ....!! એકદમ અલગ અને બધાનું મન મોહી લે એવું મન મોહક વ્યક્તિત્વ હતું એનું......


"Hi ...I am Aditya ....Aditya Ravi Raj Maheta ....... but ....call me just Aadi ....ok ....? and ..... you.....? "


નંદિની થોડીવાર વિચારમાં પડી ગઈ , કે હું મારો ઇન્ટ્રો કેવી રીતે આપુ .....,"નંદિની જટાશંકર ત્રિવેદી...." કે પછી "નંદિની ધનંજયપ્રસાદ શાસ્ત્રી ...."થોડીવાર વિચાર્યા પછી એને પોતાના એડોપ્શન વાળી અને માસા - માસી ને મમ્મી -પપ્પા કહેવા વાળી વાત યાદ આવતા બોલી....

" Hi .....I am Nandini Dhananjay Prasad Shastri ....new admission....."

એમ કહીને નંદિનીએ શેકહેન્ડ કર્યા .

I know કે ન્યુ એડમિશન છે કારણકે હું તો આખા ક્લાસ ની ઇન ફૅક્ટ આખી સ્કૂલની girls ને ઓળખું છું...!!!

નંદિનીને આદિત્ય થોડો ઓવર સ્માર્ટ લાગ્યો .પણ તે ફક્ત એક જ વાર ની વાતચીત પરથી કોઈના પ્રત્યે પોતાનું મંતવ્ય બાંધી લે એવી નહોતી .....એટલે એણે પણ હસીને જ સામે રિસ્પોન્સ આપ્યો....

આદિ જ્યારે નંદિની હસી તો એને જોતો જ રહી ગયો એની સ્માઈલ આકર્ષક અને મનમોહક હતી....
first પિરિયડ શરૂ થતા બધા શાંત થઈ ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. મિસ મેઘના સાયન્સ ચલાવી રહ્યા હતા...

બપોરે લંચ ટાઈમ થયો ,સ્કૂલમાં કેન્ટીન ના બદલે બધાએ કમ્પલસરી ઘરેથી જ ટિફિન લઈને આવવાનું અને ટિફિનનુ જ જમવાનું એવો rules હતો. તેથી બધા પોતાનું ટીફીન ખોલીને લંચ કરવા લાગ્યા...

નંદિની ને પણ તેની મમ્મીએ ,લંચમાં થેપલા અને બટાટાની સૂકી ભાજી ભરી આપી હતી. સાથે એર ટાઇટ બોટલમાં મસાલાવાળી છાશ અને પાણીની બોટલ આપતા કહ્યું કે.... "બેટા ....ધરાઈને શાંતિથી બધું જ જમી લેજે..."

નંદિની પોતાનું લંચ બોક્સ ખોલીને બેઠી .આદિએ પણ પોતાનું લંચ બોક્સ ખોલ્યું .આદિના બધા ફ્રેન્ડસ પણ તેમની પાસે આવીને ગ્રુપમાં લંચ કરવા લાગ્યા. બધાએ સાથે લંચ લીધું....
નંદિની જમતા જમતા બધાની વાતો સાંભળતી અને ખુશ થતી થતી હસતી હતી. આદિ તો એને જોવામાં વધારે અને જમવામાં ઓછું ધ્યાન આપી રહ્યો હતો....
બધાનું લંચ પતી ગયું પણ હજી રિશેષ પૂરી થવાની થોડી વાર હતી .આદિ એ બધાની સાથે નંદીનીનો intro કરાવ્યો... અને પોતાના ગ્રુપના જીયા , લિના , અવિનાશ અને પ્રતિક નો intro પણ નંદિનીને કરાવ્યો....

આજે પહેલા જ દિવસે નંદિનીના સ્કૂલમાં ફ્રેન્ડ પણ બની ગયા, અને એનો બેસ્ટ ફ્રેન્ડ જે બનવાનો હતો.... એ આદિત્ય રવિરાજ મહેતા પણ મળી ગયો હતો..... નંદિની આજે ખૂબ ખુશ હતી.....


અને એની આ ખુશી એને લેવા આવેલા એના મમ્મી પપ્પા એ તરત જ મહેસૂસ કરી લીધી હતી....!!!

ક્રમશઃ.........


*. *. *.

Hello friends

અત્યાર સુધીનો વાંચનનો તો ખૂબ જ બહોળો અભ્યાસ રહ્યો છે. પણ સ્વતંત્ર નવલકથાના લેખનનો આ મારો પ્રથમ પ્રયાસ છે .જ્યારે માતૃભારતી બધા લેખકોને પોતાની કૃતિ પ્રકાશિત કરવા માટે આટલું સરસ પ્લેટફોર્મ પૂરું પાડતું હોય ,ત્યારે હું પણ મારી જાતની લેખન કાર્ય કરવા માટે ન રોકી શકી .મને આશા છે કે તમને આ પ્રકરણ ખુબજ ગમ્યું હશે .વાચક મિત્રો મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર હોવાથી મને વધારે માં વધારે રેટિંગ આપી મારા ઉત્સાહમાં વધારો કરો જેથી હજુ પણ વધુ સારું લખવાનો પ્રયાસ કરુ.....

આ નવલકથામાં આવતા બધા જ પાત્રો ના નામ , સ્થળ ,સૂચિ ,જાતિ ,ધર્મ ,સ્વભાવ , હોદ્દો બધું જ કાલ્પનિક છે .તેમને કોઈ પણ ધર્મ ,જાતિ ,વ્યક્તિ ,સબંધ કે સ્થળ સાથે કોઈ જ સંબંધ નથી અને જો કોઈ સામ્યતા લાગે તો તે એકમાત્ર સંજોગ છે .

-------- BHAVNA MAHETA