Ek Umeed - 14 books and stories free download online pdf in Gujarati

એક ઉમ્મીદ - 14

" કાકી....." મનસ્વીની આવી હાલત જોઈ હિંમત હારેલા આકાશે કાકી સામે જોઈ વિનંતી કરી. કાકા અને કાકી બંનેએ મનસ્વીને સાચવવાના એને હલાવી મનસ્વી રડે તો એનું દુઃખ ઓછું થાય એવા અથાગ પ્રયત્નો કર્યા પણ બધું જ વ્યર્થ. મનસ્વીની આંખો ભીની સુધ્ધા ન થઈ. મનસ્વી એક ઊંડી તંદ્રામાં જતી રહી......

આખો દિવસ કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રેહતી મનસ્વી હવે માત્ર કામ પૂરતું જ ચાલતી ફરતી. કામ થઈ જાય એટલે સીધું જ એકાદ ખૂણામાં જઈને બેસી જતી. ક્યારેક અગાશીએ, ક્યારેક અટારીએ, ક્યારેક બારીએ તો ક્યારેક હીંચકે બેસીને બસ એકધારું તાકતી રેહતી. મનસ્વીના મૌન ને આજે 10 દિવસ થયા હતા. કાકા પાસેથી મનસ્વીની કરુણ કહાની જાણીને હવે કાકી પણ નરમ થયા હતા. રસોઈ વગેરેનો શોખ તો એમને પહેલેથી જ હતો એટલે હવે નવી નવી વાનગીઓ બનાવી મનસ્વી ને ખવડાવતા એને ચખાડવાના બહાને વાત થાય ને મનસ્વી કઈક બોલે એના માટે દરેક કઈક ને કઈક પ્રયત્ન કરતા રહેતા. ઘણી વાર આકાશ ઓફિસે જવા નીચે ઉતરતો તો કાકા મનસ્વી વિશે પૂછતાં ત્યારે આકાશ બસ નકારમાં માથું હલાવી સીડીએ જ બેસી જતો. સામેબેઠેલા કાકા એને આશ્વાસન આપતા કે મનસ્વી લડે છે પોતાની જાત સાથે એટલે એને થોડો સમય આપ. બધું ઠીક થશે.

બે માળ નું મકાન હવે ઘર બન્યું હતું. ધીમે ધીમે આકાશ પણ પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયો હતો. રોજ ઉઠીને ઓફિસે જવું ને સાંજે આવીને મનસ્વીને જમાડવું એ એનો નિત્યક્રમ બન્યો હતો. બપોરે મનસ્વીને જમાડવાની જવાબદારી કાકીએ લીધેલ હતી....હા મનસ્વીને કોઈ યાદ કરીને ખવડાવે તો એ જમતી બાકી ભૂલી જતી. પોતાનું ધ્યાન રાખવાની સુધબુદ્ધ એને નહતી રહી......

દરેક જણ હ્ર્દયમાં એક ખૂણે રહેલી ઉદાસીનતા સાથે મનસ્વી સામે ખુશ રહેવાના તેમજ એને ખુશ રાખવાના ઘણા પ્રયત્નો કરતા પણ મનસ્વીને કઈ જ ફેર પડતો નહતો. ' લીલાકાકી તને યાદ કરતા હતા માનું. હું એમને પણ લાવવાનો હતો પણ એ ન આવ્યા, તારે આઈસ્ક્રીમ ખાવો છે ? ઠંડી માં બહુ મજા આવે હો આઈસ્ક્રીમ ખાવાની, જો હું તારી માટે નવા કપડાં લાવ્યો.... પેહલા કરતા સારા છે ને ? , ચા નહીં આજે આપણે કૉફી પીએ, ચલ ક્યાંક ફરવા જવું છે ? ' એવા જુદા જુદા પ્રયત્નો કરી આકાશ મનસ્વીને બોલાવાના પ્રયત્નો કરતો પણ માનું માત્ર એને સાંભળતી ને ક્યારેક ક્યારેક એની સામે જોઈ લેતી બસ.

ડૉક્ટર એ મનસ્વીને તપાસ્યા પછી માત્ર એને સમય આપવાનું કહ્યું હતું પણ હવે લગભગ 30 એક દિવસ વીતી ચુક્યા હતા. મનસ્વીનું ધ્યાન રાખવામાં આકાશની લાગણીઓ એના વધુ માટે તીવ્ર બની ગઈ હતી. હવે આકાશને મન પાકું થયું હતું કે એ ખરેખર મનસ્વીને ચાહવા લાગ્યો છે કદાચ એકમેકના થયાની ખુશી મનસ્વીને સાજું કરી શકે એ ઉમ્મીદ સાથે આકાશે એના મમ્મીને મુંબઇ આવવા કહ્યું હતું. આકાશે મા ને ત્યાંની પરિસ્થિતિનો આછો આછો ચિત્તાર તો આપ્યો જ હતો ને કાકી પણ ખબરી તરીકે એમને બધું જણાવતા રહેતા પણ આકાશની મા ના વિચારો આ બાબતે શું છે એ અંગે બધા જ અજાણ હતા.

એકવાર ગેસ્ટરૂમમાં આકાશ અને એના મમ્મી વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો ત્યાં કાકી પણ હતા.....

" ના ના ના........ના આકાશ તારી આ જીદની સામે હું નહીં જ જુકું.... અરે એક તો અજાણી છોકરીને ઘરે લાવ્યો..... માનવતાના કારણે એની મદદ કરી ઠીક છે સમજાય છે, પણ એના વિશે બધું જ જાણ્યા પછી પણ તને એના માટે આટલી લાગણીઓ શેની થઈ આવી..... આ તે કેવી વાત.... એ તારા લાયક નથી. તારા શુ એ છોકરી કોઈની પત્ની બનવાના લાયક નથી....." આકાશના મમ્મી એ આકાશને કહ્યું.

" મમ્મી....પ્લીઝ એના માટે સારું ન કહી શકો તો કઈ નહીં કમ સે કમ આવું તો ન બોલો..." આકાશે કહ્યું. ત્યાં જ આકાશ નું ધ્યાન દરવાજે ટ્રે માં ચા લઈને આવેલી મનસ્વી પર પડ્યું. દરવાજે ઉભા ઉભા એને બધુજ સાંભળી લીધેલ હતું છતાં કઈ જ કહ્યા વગર ચા મૂકીને એ ત્યાંથી જતી રહી.....

" જો મમ્મી....એની સાથે જે થયું એમાં એનો શુ વાંક હતો ? જો પોતાની મરજીથી કઈ કર્યું હોયને તો પણ એને એક મોકો તો મળવો જ જોઈએ પોતાનું જીવન સરળ અને સુંદર બનાવા ને આ તો બિચારી.......યુ નો વોટ આપણા સમાજનો આ જ પ્રશ્ન છે કોઈ કાદવમાંથી નીકળવાનો પ્રયત્ન કરશે ને તો બીજા દસ લોકો એના પગ ખેંચશે ને એ ઓછું ત્યાં આખું કહેવાતું સન્માનિત સમાજ એને એ જ દલદલ માં ધક્કો મારશે......ત્યાં કોઈ કઈ રીતે જીવે....." આકાશે પોતાની વાત રજૂ કરી.

" સવિતા, તું તારા દીકરાની મા થઈને નહિ પણ એક સ્ત્રી તરીકે મનસ્વી વિશે વિચારીશને તો નિર્ણય લેવામાં સરળતા થશે....તું એને સમજી શકીશ બાકી હું તને વધુ તો કઈ ન કહી શકું...." કાકીએ વધુમાં ઉમેર્યું.

કોઈ ના સમજાવાથી કશો ફેર ન પડ્યો પણ ચાર - પાંચ દિવસ મનસ્વીની સાથે રહીને, એને કામ કરતા જોઈ, એના હાથનું ભોજન ચાખ્યું તેમજ કાકા - કાકી અને આકાશના મનસ્વીને ઠીક કરવા માટેના પ્રયત્નો જોઈને આકાશના મમ્મીનું હ્ર્દય પીગળવા લાગ્યું. એમને પણ મનસ્વી માટે લાગણીઓ થઈ આવી. આકાશ પાસેથી દરેક વાતની નોંધ લીધા પછી સવિતાબેનને હિંમતવાન મનસ્વીનો પણ પરિચય થયો......હવે મનસ્વી ને આ હાલત માં જોઈ એમને પણ દુઃખ થવા લાગ્યું હતું. આખરે મા ની સામે એક સ્ત્રીનો વિજય થયો.....

એકવાર મનસ્વી હીંચકે બેસીને વાડામાં ઉગેલા છોડવા તેમજ ખીલેલા ફૂલોને તાકી રહી હતી ત્યાં પાછળથી કોઈએ એના માથા પર હાથ મુક્યો.....

" બેટા....જીવનમાં જે થવાનું હોય એ થઈને જ રહે છે. એમાં આટલું દુઃખ ન કરાય " સવિતાબેનની આ સુંવાળી હરકતથી, એમને માથા પર રાખેલા હાથ થી મનસ્વીને જાણે અનોખી શાંતિ મળી હોય એમ એ એમની સામે જોઇને આછું હસી અને કેટલાય સમયથી આંખોના સુકાય ગયેલા પટને ખૂણે એક બુંદ ચમકી. મનસ્વીને થોડી ઠીક થતા જોઈ સવિતાબેન ત્યાં જ એની પાસે બેસી ગયા....

" તને મા ની યાદ આવે છે ને દીકરા. હું સમજુ છું. હું તારી મા તો ન જ બની શકું પણ એના જેવી તો થઈ જ શકું ને.....તું મને કહેજે એ કેવા હતા ? તારે માટે શું બનાવતા ? હું તને બનાવીને ખવડાવીશ. કહીશ ને ? આમ પણ મારે કોઈ દીકરી નથી એટલે બંનેના જીવનની કમી એકસાથે પુરી થઈ રહેશે હેને....." સવિતાબેન મનસ્વીની બાજુમાં બેસીને એની સાથે વાતો કરતા હતા....ધીમે ધીમે મનસ્વીનો ભાવવિહિન ચેહરો ખીલતો જતો હતો સવિતાબેન પાસેથી મળતી હૂંફને કારણે મનસ્વી એમના ખોળામાં ઢળી પડી હતી. મા દીકરીને પંપાળતી હોય એમ એ મનસ્વીને સાચવતા હતા.....સવિતાબેનનો ખોળો મનસ્વીના ચોધાર આંસુએ ભરાય ગયો હતો.....સામે ઓફિસે જવા માટે નીકળેલો આકાશ પગથિયે ઉભા રહી આ અદ્ભૂત દ્રશ્ય નો સાક્ષી બની રહ્યો.......

મનસ્વીને જીવવાની ઉમ્મીદ મળી અને આકાશને મનસ્વીના રૂપમાં પોતાની યંત્રવત જિંદગીથી હટીને જીવવાનું એક સુંદર કારણ મળ્યું.......

સમાપ્ત.

- Kamya Goplani

( અહીં સુધી સાથ આપવા બદલ આપ સૌ વાંચકોનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે આપ સૌ ' એક ઉમ્મીદ ' ને સંપૂર્ણપણે જીવ્યા હશો. આપનો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં. આભાર. )

Share

NEW REALESED