sundari chapter 26 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૨૬

છવીસ

“કેમ કૃણાલભાઈ ક્યાં ગયા?” ગાંધીનગર જવાના બસ સ્ટેન્ડ પર પોતાને મુકવા આવી રહેલા વરુણને સોનલબાએ પૂછ્યું.

“એ બળતરાને મેં ઘરે મોકલી દીધો.” વરુણ હસતાં હસતાં બોલ્યો.

“એય! એમ ના કે’ હોં મારા ભાઈને!” સોનલબાના ચહેરા પર પણ સ્મિત હતું.

“મારે તમને જે વાત કરવી છે એ એવી છે કે જેમાં કૃણાલીયાનું કોઈજ કામ નથી.” વરુણે સ્પષ્ટતા કરી.

“અચ્છા... મતલબ કે સુંદરી મેડમને લગતી જ કોઈ વાત લાગે છે.” સોનલબાએ તાળો મેળવી લીધો.

સોનલબાના બોલવાની સાથેજ વરુણ ચાલતાં ચાલતાં રોકાઈ ગયો અને આસપાસ તેમજ આગળ પાછળ જોવા લાગ્યો.

“કેમ રોકાઈ ગયો ભઈલા? અને આમ કેમ કરે છે?” સોનલબા પણ રોકાયા અને વરુણની ક્રિયા જોઇને એમણે પૂછ્યું.

“તમે યાર બેનબા, આમ એમનું નામ લ્યો અને કોઈ આપણો કોલેજવાળો કે વાળી સાંભળી જાય તો?” વરુણ ફરીથી સોનલબા સાથે ચાલવામાં જોડાઈ ગયો.

“અરે! એમ કોઈ થોડું હોય? અત્યારે તો આપણે રસ્તા પર ચાલી રહ્યા છીએ કોલેજમાં નથી. તને ખબર તો છે કે આપણે જ્યારે કોલેજમાં એમના વિષે વાત કરીએ છીએ ત્યારે હું એમનું નામ ભૂલથી પણ નથી લેતી.” સોનલબાએ કહ્યું.

“હા... એની તો મને ખબર જ છે, પણ આપણી કોલેજમાંથી ઢગલો સ્ટુડન્ટ્સ ગાંધીનગર આવે છે એ પણ ક્યાંક આપણી આસપાસ ચાલતા હોય તો? એટલે...” વરુણે પોતાની ચિતાનું કારણ બતાવ્યું.

“એ તો કોલેજ પતે પછી ને? આપણે તો ચોથા જ લેક્ચરમાં નીકળી આવ્યા છીએ. તારે ચોથું લેક્ચર અને મારે ચોથું અને પાંચમું બેય લેક્ચર્સ ફ્રી હતાં એટલેજ તો મેં તને મારી સાથે આવવા દીધો કે તારે કશું કહેવું હોય તો આપણા બંનેનો સમય ન બગડે.” સોનલબાએ તેમનું ખાસ સ્મિત આપતાં વરુણને કહ્યું.

“એ તો હું સાવ ભૂલી જ ગયો કે અત્યારે ચોથું લેક્ચર ચાલે છે. ચાલો હવે હું મુદ્દા પર આવું? ક્યાંક આપણે બસ સ્ટોપ પહોંચીએને તમારી બસ આવી જાય તો? વળી આ વાત કરવા મારે કાલ સુધી રાહ જોવી પડશે.” વરુણ હસીને બોલ્યો.

“હા તો બોલને, મેં ક્યાં ના પાડી? કોલેજથી અત્યાર સુધી ફક્ત પૂર્વભૂમિકા જ બાંધી રહ્યો છે.” સોનલબાએ હસતાં હસતાં વરુણને માથે ટપલી અમારી.

“તો વાત એવી છે કે હવે મારે એમને દરરોજ મળવાનું થશે અને એ પણ વહેલી સવારે. ટીમ પ્રેક્ટીસમાં આગલે દિવસે શું થયું એનો રિપોર્ટ મારે એમને બીજા દિવસે સવારે આપવાનો.” સોનલબા સમક્ષ આટલું બોલતાં તો વરુણના ચહેરા પર શરમના શેરડા ઉતરી આવ્યા.

“ઓહો?? શું વાત છે? મારા ભઈલાની પ્રેમની ગાડીએ તો સ્પિડ પકડીને કાઈ?” સોનલબાએ વરુણની મશ્કરી કરી.

“હા... બસ તમને મારે જલ્દીથી આ વાત કરવી હતી. તમારા સિવાય બીજું કોઈજ નથી જેને હું આ વાત કરી શકું. કૃણાલીયો છે પણ નહીં બરોબર. અડધો કલાક લેક્ચર આપે જો આ વાત એને કરું તો.” વરુણ આ વખતે સોનલબાની મશ્કરીથી ખોટો ગુસ્સે પણ ન થયો.

“કેમ? હું એકલી કેમ? મારા પપ્પા નથી? જો જે એમની સામે આવું ન કહેતો નહીં તો હવે તો તને સીધો જેલમાં પૂરી દેશે.” સોનલબા ખડખડાટ હસતાં બોલ્યા.

“અરે! હા કાન પકડ્યા. હવેથી આવી ભૂલ નહીં થાય.” વરુણ પોતાનો ડાબો કાન પકડતા બોલ્યો.

“ચલ! જો મારી બસ આવે છે. ઓલ ધ બેસ્ટ! જે થાય એ મને તો જણાવજે જ પણ પપ્પાને પણ દર બે-ત્રણ દિવસે વોટ્સએપ પર જણાવી દેજે, એમને સારું તો લાગશે જ પણ તને સારી રીતે ગાઈડ પણ કરી શકશે.” સોનલબાએ દૂરથી આવતી ગુજરાત એસટીની બસ સામે પોતાનો હાથ લાંબો કરતા કહ્યું.

“ચોક્કસ બેનબા! તમે શાંતિથી ઘરે પહોંચી જાવ એટલે મને મેસેજ કરી દેજો. અંકલને હું આજનું ડેવલોપમેન્ટ અત્યારે જ વોટ્સએપ કરી દઉં છું.” વરુણે સોનલબાને આવજો કરતાં કહ્યું.

==::==

કોલેજના તમામ લેક્ચર્સ પતી ગયા હતા અને સવારે નક્કી થયા મુજબ કોલેજના ગ્રાઉન્ડ પર કોલેજની ટીમમાં સિલેક્ટ થયેલા તમામ ખેલાડીઓ આવી ગયા હતા. ટીમનો કેપ્ટન વરુણ અને કોચ એટલેકે કોલેજના જ સ્પોર્ટ્સ ટીચર પ્રોફેસર શિંગાળા પણ હાજર હતા. હવે ટીમના તમામ ચૌદ ખેલાડીઓ પોતાનો પરિચય અને પોતે ક્રિકેટની કઈ સ્કીલમાં હોંશિયાર છે તેની માહિતી અન્ય સભ્યોને તેમજ કેપ્ટન અને કોચને આપવાના હતા.

“તો શરુ કરીએ? બધા જ લાઈનસર ઉભા રહી જાવ અને એક પછી એક પોતાનું નામ અને સ્કિલ જણાવો.” પ્રોફેસર શિંગાળાએ તમામ ખેલાડીઓને કહ્યું.

“મનન ત્રિવેદી – ફાસ્ટ બોલર.”

“અમર કાગદીવાલા – ઓપનિંગ બેટ્સમેન.”

“ભાવેશ પ્રજાપતિ – બેટ્સમેન, મિડલ ઓર્ડર.”

“ચિરાગ રાયઠઠ્ઠા – ઓલ રાઉન્ડર.”

“કુમાર અવસ્થી – બેટ્સમેન, મિડલ ઓર્ડર.”

“નિહાલ સિંગ બાજવા – ઓફ સ્પિનર.”

“રાજકુમાર તોડી – બેટ્સમેન, લોઅર મિડલ ઓર્ડર.”

“વિશ્વાસ નાઈક – ફાસ્ટ બોલર.”

“યજ્ઞેશ પંડ્યા – બેટ્સમેન.”

“નેલ્સન મકવાણા – ફાસ્ટ બોલર.”

“અજય સિંહ જાડેજા – ઓલરાઉન્ડર.”

“રૂપેશ ગાંધી – બેટ્સમેન.”

“નિર્મલ પાંડે – લેગ સ્પિનર.”

“અને હું વરુણ ભટ્ટ – ઓલરાઉન્ડર.” પસંદ થયેલા તમામ ખેલાડીઓ બાદ વરુણે છેલ્લે પોતાની ઓળખાણ આપી.

વરુણે તેની ટીમના દરેક સાથીદારોના નામ સાથે તેમની સ્કિલ પણ એક ફૂલસ્કેપ નોટમાં નોંધી લીધી હતી.

“તો આપણે બધા આવતીકાલે આ જ ટાઈમે મળીશું અને પ્રેક્ટીસ કરીશું. અત્યારે તમે બધા જઈ શકો છો.” પ્રોફેસર શિંગાળાએ તમામ ખેલાડીઓને ઘરે જવાની રજા આપતા કહ્યું.

“સર, મને લાગે છે કે આપણે ચૌદની બદલે પંદર ખેલાડી રાખીએ તો? કદાચ કોઈ છેલ્લી ઘડીએ ઇન્જર્ડ થઇ જાય તો?” બધા ખેલાડીઓના જતા રહ્યા બાદ વરુને પ્રોફેસર શિંગાળાને કહ્યું.

“પણ યુનિવર્સીટીના નિયમ પ્રમાણે એક ટીમમાં એક કોચ અને ચૌદથી વધુ ખેલાડીઓ ન હોવા જોઈએ.” પોફેસર શિંગાળાએ વરુણની ઈચ્છા સામે નડી રહેલી ટેક્નિકલ સમસ્યા જણાવી.

“હમમ... પણ આપણે એક ખેલાડીને સ્ટેન્ડ બાય તો રાખી શકીએને? જે રોજ પ્રેક્ટીસ તો કરે જ અને ઈમરજન્સીમાં આપણને મદદરૂપ થાય. અને રોજ આપણી સાથે પ્રેક્ટીસ કરતો હોય એટલે એને કદાચ છેલ્લી ઘડીએ મેચ રમવાની પણ આવે તો પણ કોઈ તકલીફ ન પડે.” વરુણે પોતાની વાત છોડી નહીં.

“હા આ આઈડિયા સારો છે. તો પછી આપણે સન્ડે જ્યારે શેલત મેડમ હાજર હશે ત્યારે જ આપણા લીસ્ટમાંથી બાકી રહેલા ખેલાડીઓમાંથી કોઈને સ્ટેન્ડ બાય તરીકે પસંદ કરી લઈશું, ઓકે?” પ્રોફેસર શિંગાળાએ વરુણનો આઈડિયા વધાવી લીધો.

“ડન! સર.” વરુણે પોતાનો અંગુઠો પ્રોફેસર શિંગાળા સામે ધરીને એમની સલાહને સહર્ષ સ્વીકારી લીધી.

==::==

“સુંદરી મૈડમ નહીં આયી કયા?” કોલેજના પ્રોફેસર્સ રૂમમાં આવેલા ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબીનમાં ઘૂસતાંની સાથે જ નિર્મલ પાંડે બોલ્યો.

“વ્હુ આર યુ? એન્ડ વ્હાય યુ એન્ટર્ડ ઇન ધ કેબીન સડનલી?” પોતાના કબાટમાં પુસ્તકો ગોઠવી રહેલા જયરાજે પાછળ વળીને નિર્મલ સામે જોઇને ગુસ્સામાં પૂછ્યું.

“હમે મૈડમ સે કામ થા ઇસ લીયે...” જયરાજના ગુસ્સાને જોઇને પાંડે થોડો પાછો પડ્યો.

“આર યુ હર સ્ટુડન્ટ?” જયરાજે વળતો સવાલ કર્યો એના હાથમાં એક મોટું પુસ્તક હતું.

“નહીં, હમ તો ઇક્નોમીક્સ કે સ્ટુડેંટ હૈ, ક્રિકેટ ટીમ મેં હૈ મૈડમ કો ઓર્ડીનેટર હૈ તો થોડા કામ થા.” પાંડે બોલ્યો.

“તો વો બહાર જા કર કરો, નોટ હિયર, ધીસ ઇસ કેબીન ઈઝ ફોર ધ પ્રોફેસર્સ ઓન્લી.” જયરાજે વધુ ગુસ્સામાં કહ્યું.

“કયા હુઆ? તુમ ઇધર ક્યું આયે હો?” અચાનક જ સુંદરીની એન્ટ્રી થઇ અને નિર્મલ પાંડેને કેબીનમાં જોઇને બોલી પડી.

“વો મૈડમ ક્રિકેટ ટીમ કે બારે મેં...” પાંડે હજી બોલી જ રહ્યો હતો.

“કલ સન્ડે હૈ ના? કલ મૈ આઉંગી તબ બાત કરેંગે... અભી જાઓ!” સુંદરીએ કડક સૂરમાં પાંડેને જવાબ આપ્યો.

“આપ હમ કો કૈપ્ટન નહીં બનાયે?” પાંડે જવાનું નામ નહોતો લઇ રહ્યો.

“અભી જાઓ... મૈને કયા કહા?” સુંદરીએ પોતાની આંખો મોટી કરીને કહ્યું.

નિર્મલ પાંડે પાસે હવે બહાર જવા સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો એટલે એણે ચાલતી પડકી. નિર્મલ પાંડે પ્રોફેસર્સ રૂમમાંથી બહાર નીકળી જ રહ્યો હતો કે વરુણ અંદર આવ્યો. નિર્મલ પાંડેએ વરુણ સામે એક તીખી નજર નાખી, પોતાના દાંત ભીંસ્યા અને પછી રૂમની બહાર નીકળી ગયો.

વરુણે આ જોયું પરંતુ એને ખબર ન પડી કે નિર્મલ કેમ તેના પર ગુસ્સે છે.

“મેડમ...” વરુણ ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબીનની બહાર ઉભો રહીને બોલ્યો. સુંદરીની પીઠ તેની સામે હતી અને તે ખુરશી પર બેસીને પહેલા લેક્ચરની તૈયારી કરી રહી હતી.

“નાઉ વ્હોટ? વ્હોટ ઈઝ ધીસ? ઇઝ ધીસ એ પ્રોફેસર્સ રૂમ ઓર રિફ્રેશમેન્ટ રૂમ?” જયરાજ ગુસ્સે થયો.

સુંદરીએ તરતજ પાછળની તરફ જોયું.

“તમે અહીંયા?” સુંદરીએ વરુણને જોયું અને આશ્ચર્ય પામતી પોતાની સીટ પરથી ઉભી થઇ ગઈ.

“મેડમ તમને મળવાનું હતુંને?” વરુણ જયરાજનો ગુસ્સો જોઇને થોડો ઓસંખાઈને બોલ્યો.

“સો યુ કોલ્ડ હિમ હિયર? ધીસ ઈઝ રિડીક્યુલસ.” જયરાજે હવે સુંદરી પર ગુસ્સો કર્યો,

“ના, ના સર. સુંદરી મેડમને હું ગઈકાલનો રિપોર્ટ આપવા આવ્યો છું.” જયરાજ સુંદરી પર ખોટેખોટો ગુસ્સે થયો એ વરુણને ન ગમ્યું પરંતુ અચાનક જ તે સુંદરીના બચાવમાં આગળ આવી ગયો.

“વ્હોટ રિપોર્ટ?” જયરાજની ભ્રમરો તણાઈ.

વરુણ અને સુંદરી એકબીજા સામે જોવા લાગ્યા.

==:: પ્રકરણ ૨૬ સમાપ્ત ::==