Bhjiyawadi - 2 books and stories free download online pdf in Gujarati

ભજિયાવાળી - 2

ગ્રીષ્માના મમ્મી મારી પાસે આવીને ઊભા રહ્યાં... બેઘડીક તો મારી આંખોમાં જ જોયું..પછી ધીમા અવાજે બોલ્યાં, "બેટા ગૌરવ...! તું ક્યારે આવ્યો" "બસ આજે સવારે જ આવ્યો" મેં જવાબ આપ્યો. ગ્રીષ્મા મારી સામે ત્રાંસી નજરે જોતી હતી. મેં કહ્યું, "આંટી તમે અને ગ્રીષ્મા કેમ અહીંયાં ભજિયા બનાવો છો? ભગતકાકા ક્યાં છે? ગ્રીષ્માના મમ્મીએ આજુબાજુ જોયું અને બોલ્યા, "બેટા ઘરે આવ...કેટલા વર્ષો બાદ આવ્યો છે અને હુંએ અહીં ઊભા ઊભા વાત કરું છું.!" ગ્રીષ્માના મમ્મીએ વાત બદલી નાખી....એ મને ઘરે બોલાવતાં હતા. દુકાની પાછળ જ એમનું ઘર ને દુકાનમાંથી જ રસ્તો કાઢેલો હતો. મેં મારા પગ એમના ઘર તરફ માંડ્યા. ગ્રીષ્મા મારી સામે જોતી હતી ને જેવી મારી નજર એના તરફ પડી, એને મોઢું ફેરવી નાખ્યું. ગ્રીષ્માના ઘરમાં ગયો ને એના મમ્મી પાણી લેવા ગયા. એના ઘરે ટીવીના ઉપર એક શોકેસ હતું જેમાં ગ્રીષ્માના મેડલ ને બધું. મારી નજર થોડી ઉપર ગઈ ને હું સ્તબ્ધ થઈ ગયો.ભગતકાકાનો ફોટો અને એના પર હાર...! ત્યાં તો ગ્રીષ્મા મમ્મી પાણી લઈને આવ્યાં ને બોલ્યા, "એક વર્ષ થઈ ગયું બેટા...! બોલ ચા લઈશ કે ઠંડુ..?" હું ના પાડવા જતો હતો ને બહારથી ગ્રીષ્માનો અવાજ આવ્યો, "મમ્મી...કાલે ત્રીસ કિલો ભજિયાનો ઓર્ડર છે, લઈ લઉં ને..! ગ્રીષ્મા ઘરમાં આવી ને મારી સામે જોઇને રસોડામાં ચાલી ગઈ. એ રસોડામાંથી કંઈક લઈને પછી દુકાન તરફ ગઈ. હું એની તરફ પાછળ ફરીને જોતો હતો. એના મમ્મીનો અવાજ આવ્યો, "ગ્રીષ્માએ બહુ સહન કર્યું છે બેટા, હજી તો કૉલેજ પુરી થઈને આવું બની ગયું....એનુંય સપનું હતું કે એ વિદેશ જાય, ફરે પણ...!" એ ચૂપ થઈ ગયા. બે મિનિટ તો બધું મૌન જ. હું ઊભો થયો ને કહ્યું, "સારું આંટી હવે હું જાઉં." એમણે થોડું સ્મિત સાથે કહ્યું, "થાકી ગયો હોઈશને...કેટલે દૂરથી આવ્યો છે ને. પણ આવતો રેજે બેટા...!"

હું એમના ઘરેથી બહાર નીકળ્યો અને દુકાનમાં પ્રવેશતો હતો ને ત્યાં ગ્રીષ્મા બોલી, "મમ્મી અંદરથી..." તેણે પાછળ જોયું અને મને જોઈને ચૂપ થઈ ગઈ. મન થયું કે એની સાથે વાત કરું, પણ હિંમત જ ન થઈ. લાગતું હતું કે આ એ ગ્રીષ્મા નથી જેની સાથે હું ભણતો હતો, જે હંમેશા મારી સાથે મજાક કરતી હતી. એક દિવસ પણ ના મળીએ તો ઘરે મળવા આવતી. મનમાં અઢળક સવાલો હતા. જિજ્ઞાસા, ચિંતા, આતુરતા અને લાગણીનું મિક્સ વાવાઝોડામાં પણ કન્ફ્યુઝ થઈ ગયો. કેમ કે જ્યારે હું લંડન ગયો હતો ત્યારે ગ્રીષ્માની આંખોમાં આંસુ હતા. આજે જ્યારે તેને વર્ષો બાદ જોઈ તો કોઈ રિએક્શન નહીં. આથમતો સૂરજ અને હું મારા મિત્રો સાથે તળાવની પાળે બેઠો. ચિરાગે કહ્યું, "ગૌરવ વધારે ના વિચાર ગ્રીષ્માના પપ્પા ગયા ત્યારથી તે શાંત થઈ ગઈ છે. પરિસ્થિતિ બધું ઠીક કરી દેશે. ચાલ હવે તું ઘરે જા...કાકા-કાકી સાથે સમય વિતાવ. અને આરામ કર." રામે કહ્યું, "હા ગૌરવ...તું રેસ્ટ કર."
હું ઘરે આવ્યો. ફ્રેશ થયો. કાકા સાથે બેસીને ઘણી બધી વાતો કરી. મેં મા-બાપને બાળપણમાં જ ગુમાવી દીધા હતા અને પછી તો કાકા-કાકીએ જ અમારો ઉછેર કર્યો. અમને ભણાવ્યા અને આજે હું અને મારો ભાઈ વિદેશમાં સારી રીતે સેટેલ્ડ છીએ. મારા કાકાનો છોકરો નયન અને એની પત્ની એટલે મારા ભાભી સુનિતા બંને અહીં ગામડામાં જ રહેતા અને આધુનિક ટેક્નિક સાથે ખેતી કરે. હું જ્યારે નાનો હતો ત્યારે હંમેશા કહેયો કે મારે નયનભાઈ જેવું બનવું છે કેમ કે નયન ભણવામાં હોશિયાર, અંગ્રેજીથી માંડીને રશિયન અને ફ્રેન્ચ પણ બોલી લે. હાથમાં એપલની વોચ, આઈફોન, મોંઘા કપડાં પણ પહેરે પણ મૂળ ખેતીવાડીમાં જ એને મજા આવતી. સુનિતા ભાભી પણ એટલા જ હોશિયાર અને સમજદાર. રોટલથી માંડીને ઇટાલિયન પિત્ઝા બનાવવામાં માહિર. કાકા તો એમને સાક્ષાત અન્નપૂર્ણા કહીને બોલાવે. ભાભી મને લાડથી નાનકો કહીને બોલાવે.

અમે સૌ જમવા બેઠાં અને ગામડાનું સાદું જમવાનું આજે વર્ષો બાદ મળ્યું. નયનભાઈએ કહ્યું, "ગૌરવ ત્યાં અમેરિકામાં પણ આપણે એક્સપોર્ટ ચાલુ કરવાના છીએ!" મેં કહ્યું, "વાહ...આ તો બહુ મસ્ત સમાચાર છે તો હું આમેર જઈને પહેલા શાકભાજીની જ દુકાન ખોલીશ!" બધાં હસવા લાગ્યા. મેં કાકીને પૂછ્યું, "કાકી, ભગતકાકાને શું થયું હતું?" કાકીએ કહ્યું, "એ તો ખબર નથી પણ લોકો કે સે ક હૃદયનો હુમલો આવ્યો હતો" સુનિતા ભાભીએ કહ્યું, "નાનકા તું ગ્રીષ્માને મળ્યો કે નહીં?" "હા, એની દુકાને ગયો'તો પણ એને જોઈને લાગ્યું કે વાત કરવાનો મૂડ નહોતો!" મેં કહ્યું. ભાભીએ કહ્યું,"છેલ્લા એક વર્ષથી આમ જ છે બિચારી." કાકાએ કહ્યું, "આખા જિલ્લામાંથી માણહ ભગતના ભજિયા ખાવા આવતાં, ને એ ગયો પછી તો આખું ગામ હિબકે ચડ્યું'તું." કાકીએ ઉમેરતાં કહ્યું, "પણ, ભજિયાનો સ્વાદ ઇનો ઇજ હો!" હું જમીને અગાસીએ સુવા માટે ગયો. કાકીએ ઓઢવા માટે બે ચાદર આપી પણ અહીંયાંની ઠંડી હવે અસર નહોતી થતી. તારલાથી ભરેલા આકાશને જોતાં જોતાં મનમાં બસ એજ કોલેજના સમયની જ ગ્રીષ્મા દેખાતી હતી.
વહેલી સવારે મારી આંખ ખૂલી, ગાય ભેંસનો અવાજ. સવાર સવારની ચહલપહલ. તાજગી ભરેલી સવાર સાથે ગામડામાં મારો બીજો દિવસ શરૂ થયો. સવારનો નાસ્તો કરીને, ઘરના ઉંબરે બેસીને હું ન્યૂઝપેપર વાંચતો હતો. ગામમાં બધાં મને હાથ કરતાં જતાં. હું જ્યારે ભણતો ત્યારે ગામડામાં એક જ ટાવર હતો અને આજે સાત સાત ટાવર સાથે હાઇસ્પીડ ઈન્ટરનેટ અને બાળકોને પણ મોબાઈલ વિશે બધી ખબર હોય છે. મેં ચપ્પલ પહેર્યાં અને કાકીને કહ્યું, "કાકી હું ગામમાં આંટો મારવા જાઉં છું." કાકીએ વળતો જવાબ આપ્યો, "બેટા ભૂલો પડે તો નયને ફોન કરજે." મેં કહ્યું, "હા..કાકી.." હું ગામની મોટી બજારમાં ગયો. ગામની ગલીઓમાં મને મારું બાળપણ યાદ આવતું હતું. કેટલાય ચહેરાઓને આજે વર્ષો બાદ મેં જોયા હતા અને કેટલાકને જોવા માટે હું પડ્યો હતો. મોટી બજારની વચ્ચોવચ ભગતકાકાની દુકાન અને એની સામે માળીની ડેરી. હું માળીની ડેરીએ ગયો ને ત્યાંનો અંજીરશેક મને બહુ જ ભાવે. મેં અંજીરશેક ઓર્ડર કર્યો ને ત્યાંથી સામે મને ગ્રીષ્મા દેખાતી હતી.સ્કૂલમાં કહેતી કે મને તો ભજિયા ગમતાં જ નથી. અને આજે એ પોતે જ ભજિયા બનાવતી હતી. હું એકીટશે એની સામે જોતો હતો અને એની નજર મારી પર પડી...! હું આમ તેમ જોવા લાગ્યો પણ એ મારી તરફ જ જોતી હતી. એની સામે મેં હાથ કર્યો અને....

(ક્રમશઃ)


લેખક: પ્રદિપ પ્રજાપતિ