Bhjiyawadi - 7 books and stories free download online pdf in Gujarati

ભજિયાવાળી - 7

સાંજના સમયે અગાસી પર સૂર્યાસ્તને માણતો હતો. ગામડાની સાંજ અને ઠંડી હવા મને બહુ જ ગમતી. હું મારા લંડનના મિત્રો સાથે ફોન પર વાત કરતો હતો ત્યારે કાકી અને ભાભી બંધ ઓરડાની સફાઈ કરતા હતા. રાત્રે સૂતા સમયે નોટિફિકેશન જોયું તો ગ્રીષ્માનો હાય... લખેલો મેસેજ આવ્યો હતો. મેસેજ ઓપન કર્યો ત્યાં તો એણે મેસેજ જ ડીલીટ કરી દીધો હતો. મનમાં થયું કે મેસેજ કરું પણ દવાના કારણે ઊંઘ પણ બહુ જ આવતી હતી એટલે હું સૂઈ ગયો.

શાંત અને ગાઢ નિંદ્રામાં હતો અને ત્યારે પ્રેમથી કોઈકે મારા કપાળે હાથ ફેરવ્યો. ત્યારે જ કોઈકના મોબાઈલમાં વાયોલીનની ટન રણકી..હું આંખ ખોલ્યા વગર જ બોલ્યો. ભાભી...! તમે જ છો ને ? આંખ ખોલી અને જોયું તો શરદભાઈ અને કુસુમભાભી લંડનથી આવ્યા હતા. હું બેઠો થયો અને કહ્યું, તમે કેમ અચાનક ? કુસુમ ભાભીએ આંખ મારીને કહ્યું, હવે તમને ઇન્ડિયા આટલું ગમી ગયું છે તો અમને પણ થયું કે હાલો ગામમાં આંટો મારતા આવીએ. મેં કહ્યું, શું ખોટું બોલો છો ભાભી...! તમારી કંપનીમાં તો બોન્ડ છે ને ! ભાભીએ કહ્યું, મેં જોબ છોડી દીધી. મેં કહ્યું, કેમ ? ત્યારે ભાઈ બોલ્યા, યાર એ બધી વાતો પછી કરજો. ગૌરવ તને હાથમાં કેવું છે? હું બોલ્યો, સારું છે. ત્યારે કુસુમભાભી બોલ્યા, અરે હાં....એ તો ભૂલી જ ગઈ. કેવું છે હવે? મેં કહ્યું એકદમ સારું છે પણ તમે રોકાવાના તો છો ને ? ભાભી બોલ્યા, કાશ રોકાઈ શકત.જોને તમારા ભાઈને મુંબઈ મિટિંગ છે પરમ દિવસે એટલે આજે સાંજે અમે રાજકોટ જઈશું અને ત્યાંથી ફ્લાઇટમાં મુંબઈ જઈશું અને મુંબઈથી સીધા જ લંડન ! ત્યારે ભાઈ બોલ્યા, આતો કંપનીએ ફ્લાઇટની ટિકિટ બુક કરી અને ત્યારે મિટિંગની તારીખ પણ બદલાઈ ગઈ. એટલે બે દિવસ અમને મળ્યા એટલે કુસુમને પણ સાથે લઈ આવ્યો. કુસુમભાભી બોલ્યા, બોલો હવે આમાં કેમ રોકાવું અને ક્યાં ક્યાં મળવા જાઉં. આરામથી અમે આવીશું અને મહિનો રોકાઈશું. ભાઈ બોલ્યા, એ હવે ચાલો નાસ્તો કરવા. બહુ ભૂખ લાગી છે.
હું ફ્રેશ થઈને ઓસરીમાં આવ્યો અને ત્યાં બધા જ બેઠા હતા. અમે બધાં સાથે નાસ્તો કરવા બેઠાં. મેં જોયું કે નાસ્તામાં ભજિયા પણ છે. અને એની સુગંધ ગ્રીષ્માના હાથના ભજિયા જેવી જ આવતી હતી. મારા ભાઈએ ભજિયું મોંમાં મૂક્યું અને બોલ્યો, અરે વાહ...આ ભગતકાકાના ભજિયાનો સ્વાદ તો એવો જ છે! કુસુમભાભીએ કહ્યું, હા..પણ એ તો નથી તો ભજિયા કોણ બનાવે છે ? કાકીએ જવાબ આપતા કહ્યું, એમની વહુ ને દીકરી. કુસુમભાભી બોલ્યા, સાચે..! ગૌરવ એમની દીકરી ગ્રીષ્મા જ ને, જે તારી સાથે ભણતી હતી. બીજા ભાભી બોલ્યા, એના કારણે જ તો થયું છે આ. કુસુમભાભી મારા સામે જોઈને ઈશારા કરતા હતા. મેં એમને ઇગ્નોર કર્યા અને નાસ્તો કરવા લાગ્યો. અમે બધાં નાસ્તો કરતા હતા ત્યારે ચિરાગ અને જીજ્ઞેશ આવ્યા. મોટા ભાઈ એમને જોઈને ખુશ થઈ ગયા અને બોલ્યા, ચિરાગ, જીજ્ઞેશ...આવો આવો કેમ છો. ભાઈ દોસ્તી તો આમની હો. મારા મિત્રો તો હવે મળતા પણ નથી. કાકાએ કહ્યું, ચિરાગ, જીજ્ઞેશ આવો નાસ્તો કરવા બેસી જાઓ. ચિરાગ બોલ્યો, કાકા નાસ્તો કરીને જ આવ્યા છીએ ! કાકાએ કહ્યું, બીજી વાર કરી લો. ચિરાગ અને જીજ્ઞેશ પણ નાસ્તો કરવા બેઠા. અમે બધાં વાતો કરતા હતા ત્યારે કુસુમભાભીએ કહ્યું, અમે જરાં ગામમાં એક-બે માણસોના ઘરે જતા આવીએ. કાકાએ કહ્યું, હા જતાં આવો અને હા ગાડી લેતા જજો. ત્યારે ચિરાગ દોઢ ડાહ્યો થઈને વચ્ચે બોલ્યો, એક કામ કરો મારી સાથે ચાલો, તમને ગામમાં ગાડી ચાલવાનો એક્સપિરિયન્સ પણ નહીં હોય અને મેં બધાંના ઘર જોયા છે. હું વચ્ચે બોલવા જાઉં ત્યાં તો કુસુમભાભીએ હા પાડી દીધી અને ચિરાગ બન્નેને લઈ ગામમાં ગયો. જીજ્ઞેશ બોલ્યો, ગૌરવ ચિરાગ આવે ત્યાં સુધી આપણે ચાલ એક ગેઇમ રમીએ ! મેં કહ્યું, મસ્ત આઈડિયા છે.
ગામમાં પહેલાં બાળકો શેરીઓમાં રમતા રમતાં અને હવે અહીંયાં પણ મોબાઈલે બધું કાલ્પનિક કરી દીધું છે. હું મારા લેપટોપમાં ગેઇમ ઓન કરું એ પહેલાં વિચાર આવ્યો કે રિયલ ગેઇમ રમીએ. મેં જીજ્ઞેશને કહ્યું, જીજ્ઞેશ, તારી પાસે લખોટી છે ? એ બોલ્યો, હા માળીયામાં પડી છે. આખો કોથળો છે, પણ તું કેમ પૂછે છે? મેં કહ્યું, જા લઈ આવ આપણે રમીએ ! એ બોલ્યો, યાર તું ગાંડો થઈ ગયો છે! લખોટી તો આજના છોકરા પણ નથી રમતાં અને તું રમીશ ! મેં કહ્યું, હું નહીં આપણે બન્ને. જા લઈ આવને. જીજ્ઞેશે કહ્યું, એક મિનિટ... મેં કહ્યું, શું કરે છે ? એ બોલ્યો, હવે બધું આધુનિક થઈ ગયું છે ને, ઘરે કોણ લેવા જાય. મારા ભાઈને ફોન કરીને કહી દઉં છું, એ આપી જશે. ચાલ ત્યાં સુધી તો આ ગેઇમ રમીએ. થોડીવાર થઈને જીગ્નેશનો ભાઈ લખોટી આપી ગયો. હું અને જીજ્ઞેશ ફળિયામાં લખોટી રમવા લાગ્યા. લખોટીના એક એક દાવથી જાણે મારું બાળપણ તાજું થતું હતું. લખોટીનો રણકાર મારા સમૃદ્ધ બાળપણને પોકારી રહ્યો હતો. ત્યાં તો ભાઈ-ભાભી આવ્યા. ભાઈ પણ લખોટી જોઈને પોતાના બાળપણમાં જતાં રહ્યાં, અને એ પણ અમારી સાથે રમવા લાગ્યા. ચિરાગ, જીજ્ઞેશ અને ભાઈ લખોટી રમતા હતા ત્યારે હું સાઈડમાં ઊભો હતો અને કુસુમભાભી મારા નજીક આવીને બોલ્યા, તો ગૌરવ ક્યારે લંડન આવે છે. તને ખબર છે ને કે તારે યુ.એસ.માં જોબ જોઈન કરવાની છે. મેં કહ્યું, હા બસ એ મહીનાના એન્ડમાં હું આવી જઈશ. કુસુમભાભી બોલ્યા, મેં અને તારા ભાઈએ પણ યુ.એસ. શિફ્ટ થવાનું વિચારીએ છીએ. મેં કહ્યું, વાહ...તો તો મારી સાથે જ આવી જજો ને કુસુમભાભીએ કહ્યું, એ તો એમની જોબ જ્યારે શિફ્ટ થાય ત્યારે શિફ્ટ થઈ જઈશું. પણ તું અહીંયાં એન્જોય કર..અને એવું હોય હવે ફાઇનલ કરી લે. મેં કહ્યું, શું ? કુસુમભાભી આટલું કહીને સ્માઈલ કરીને જતાં રહ્યાં.

હું, ચિરાગ અને જીજ્ઞેશ રૂમમાં બેસીને મૂવી જોતાં હતા ત્યારે ચિરાગ બોલ્યો, અરે ગૌરવ તને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. મેં કહ્યું, શું ? એ બોલ્યો, તારા ભાઈ-ભાઈ ગ્રીષ્માની દુકાન પર રોકાયા અને ગ્રીષ્માના ઘરે પણ ચા-પાણી કરવા ગયા હતા. મેં એક્સાઇટ થઈને કહ્યું, પછી ? એમના ઘરે શું વાત થઈ એ તો બોલ. ચિરાગ બોલ્યો, હવે તારા ભાઈ-ભાઈ અને ગ્રીષ્મા અને એની મમ્મી એમના ઘરે બેઠા હતા અને હું દુકાન સંભાળતો હતો. મેં કહ્યું, દુકાન ? ચિરાગ બોલ્યો, હા તો એ બધા અંદર ગયા હોય અને દુકાનની જવાબદારી મારા માથે મૂકી હોય તો બેસવું પડે ને ! એક કામ કર તું તારા ભાભીને જ પૂછી લે ને. હું વિચારવા લાગ્યો કે પૂછું કે નહીં...! મેં કંઈ જ ન પૂછ્યું. થોડીવાર પછી જીજ્ઞેશ અને ચિરાગ જતા રહ્યાં અને ભાઈ-ભાભી પણ નીકળવાની તૈયારી કરતાં હતા. ભાભીએ નીકળતા પહેલાં કહ્યું, ગૌરવ બધું ઠીક થઇ જશે! તું ધ્યાન રાખજે.