Bhjiyawadi - 8 in Gujarati Love Stories by Pradip Prajapati books and stories PDF | ભજિયાવાળી - 8

ભજિયાવાળી - 8

ઘૂઘરાસવારના સાત વાગ્યા અને મારી આંખ ખૂલી. ચાર-પાંચ દિવસ ઘરમાં રહ્યા બાદ આજે ડૉક્ટરને મળવા જવાનું હતું. હવે હાથમાં બળતરા ઓછી થતી. આ દિવસોમાં મેં ઘણી બધી ફિલ્મો જોઈ અને મારી ફ્યુચર જોબનું પ્લાનિંગ પણ કર્યું. દરવાજો નોક કરીને ભાભી રૂમમાં આવ્યા. કહ્યું, આ તારો બોર્નવીટા. મારો હાથ પકડીને બોલ્યા, હજી ફરક એટલો નથી પડ્યો જેટલું ડૉક્ટરે કહ્યું હતું. મેં કહ્યું, ભાભી...મને હવે બળતરા નથી થતી તો તમે શા માટે બળતરા કરીને લોહી બાળો છો ! ભાભીએ કહ્યું. એ બધું છોડ આજે આપણે ડૉક્ટરને બતાવવા જવાનું છે તને ખબર છે ને ? મેં કહ્યું, હા... તારા ભાઈ તો કામમાં બીઝી છે તો તું તારા ફ્રેન્ડને કે તો આપણે બતાવતા આવીએ. અને આપણે એક સંબંધીના ઘરે પણ જવાનું છે. મેં કહ્યું, કોના ઘરે ? ભાભી ઉભા થયા અને બોલ્યા, જામનગરમાં જ છે. ચાર તું તારા પેલા દોસ્તાર ચિરાગને ફોન કર, એ એમ પણ આખો દિવસ નવરો જ હોય છે. પણ ભાભી..આજે જવું જરૂરી છે. ભાભીએ બોલ્યા, ડૉક્ટરે આજનો જ સમય આપ્યો છે...ખબર છે ને ? મેં કહ્યું...હા મા...મારા મોઢા માંથી અચાનક મા શબ્દ નીકળી ગયું અને ભાભીએ મારી સામે પ્રેમથી જોયું અને એમની આંખો ભીની થઇ ગઈ હતી. ભાભીને કોઈ સંતાન નહોતું એટલે મને એવી રીતે દીકરાની જેમ જ રાખે કે કોઈ ત્રીજું બેઠું હોય તો એને ખબર જ ના પડે કે આ મારા ભાભી છે કે મમ્મી ! મેં ચિરાગને ફોન કર્યો. એ કલાકમાં આવવાનો હતો. હું ફટાફટ તૈયાર થઈને નાસ્તો કરવા હોલમાં ગયો અને ભાભીએ કહ્યું, અરે દેવરજી...વિદેશથી નવા કપડાં નથી લાવ્યા કે શું ! હે... ભાભી બોલ્યા, આજે નવા કપડાં પહેરો થોડું સારું લાગશે. મેં કહ્યું, ભાભી આ બરાબર જ છે. ભાભી બોલ્યા, કંઈ બરાબર નથી. કીધું ને નવા કપડાં પહેરો. મેં રૂમમાં જઈને કપડાં ચેન્જ કર્યા. બહાર આવ્યો તો ડેલામાં ચિરાગ બેઠો હતો. ચિરાગ મને જોઈને બોલ્યો, અરે ગૌરવ...વાહ..આજે તો એકદમ ફૂલ જેવો લાગે છે...શું પ્લાન છે. ભાભી રસોડામાંથી બોલ્યા, દવાખાને જવાનો પ્લાન છે. બધાં હસવા લાગ્યા. ચિરાગ બોલ્યો, ચાલો હવે જલ્દી નીકળીએ...મારે જામનગરના ધુધરા પણ ખાવા છે. ભાઈ ખેતરે જવા નીકળતા હતા ત્યારે એ પણ બોલ્યા, એ ચિરાગ મારી માટે પણ બે ડીશ લઈ આવજે અને લીલી ચટણી ના ભૂલજે. ભાભી તૈયાર થઈને આવ્યા અને બોલ્યા, તમારી ઘૂઘરાની વાતો પતી હોય તો આપણે નીકળીએ !


અમે ત્રણેય જામનગર જવા નીકળ્યા. ચિરાગ બોલ્યો, ભાભી હું તો કહું છું તમે બધાં પણ ગૌરવ સાથે વિદેશ જતા રહો. ભાભી બોલ્યા, અમને એટલો વિદેશનો શોખ નથી તો..અમને તો અમારું ગામડું જ ગમે હો. વિદેશમાં ક્યાં આવી મજા. ચિરાગ બોલ્યો, તમે જાઓ કે ના જાઓ હું તો આ વખતે ગૌરવ ભેગો જવાનો જ છું. હા તો ત્યાં જઈને લગન પણ કરતો જ આવજે..એમ પણ અહીંયાં તને કોઈ મળશે નહીં. ચિરાગે કહ્યું, તો ભાભી હું એના માટે જ તો જાઉં છું. હું જોરજોરથી હસતો હતો ને ત્યારે ફરી ચિરાગ બોલ્યો, એટલે ભાભી હું તો ગૌરવની વાત જોઈને બેઠો હતો, મને એમ કે એ લગન કરશે પછી હું પણ કરી જ લઈશ. પણ મને શું ખબર કે ગૌરવ અહીંયાં ખાલી ભજિયા જ ખાવા આવ્યો હશે. ભાભી અચાનક ગુસ્સામાં બોલ્યા, નામ ના લો એ ભજિયાવાળીનું... હા તો હાથ ઉપર તેલ પડ્યું અને શર્ટ પેરેલો હતો એટલે ઓછું બળ્યું. નહીં તો... ત્યારે ચિરાગ બોલ્યો, ભાભી કંઈ નહીં થાય તમારા ગૌરવને...મને ખબર છે કે તમારો લાડકવાયો દીકરો એટલે દીયર છે. ભાભીને શાંત કરવા માટે હું પણ બોલ્યો, ના ચિરાગ દીકરો બરાબર છે. ભાભીએ મને ક્યારેય માની કમી નથી મહેસુસ કરાવી...આટલું કહેતા જ ભાભી શાંત પડ્યા અને કાંઈ જ બોલ્યા વગર આંખના ખૂણેથી કાજળ કાઢી મારા કપાળે લગાવ્યું. ચિરાગ હવે કેટલું દૂર છે ? મેં ચિરાગને પૂછ્યું. ચિરાગે જવાબ આપ્યો, બસ અડધો કલાક...અને ઉમેર્યું ભાભી એક વાત પૂછું. હા બોલ પણ સારી વાત જ પૂછજે! ભાભી બોલ્યા. ચિરાગે ધીમા અવાજથી કહ્યું, ભાભી ખોટું ના લગાડતા, પણ આજે કેમ આટલા તૈયાર થઈને આવ્યા છો ? એટલે આપણે તો હોસ્પિટલે જ જઈએ છીએ ને ! ભાભી કંઈ બોલવા જાય એ પહેલાં એમનો મોબાઈલ રણક્યો. ભાભીએ ફોન ઉપાડીને કહ્યું, હેલો...હા...બસ એકાદ કલાક લાગશે, હા અમે રસ્તો જોયેલો જ છે. ભાભીએ ફોન મુક્યો.


અડધા કલાક પછી અમે હોસ્પિટલ પહોંચી ગયા. થોડીવાર ઓપીડીના બહાર બેઠા અને ડૉક્ટર આવ્યા. ડૉક્ટરે હાથનો ચેકઅપ કર્યો અને આશ્વસ્ત થઈને બોલ્યા, ગૌરવ રિકવરી સારી એવી થઈ ગઈ છે. બસ હવે થોડું ધ્યાન રાખજે જેથી ઇન્ફેકશન ના થાય...આપણે અત્યારે ડ્રેસિંગ તો કરી જ દઈએ છીએ. હું બેડ પર સૂતો અને સિસ્ટરે ડ્રેસિંગ કરવાનું ચાલુ કર્યું. અસહ્ય દુખાવો થતો હતો. મારી આંખમાંથી આંસુ આવી ગયા. ઓ મમ્મી...મારા મોઢામાંથી નીકળી ગયું. ભાભી સાઈડમાં જઈને આંસુ લૂછતાં હતા. ડ્રેસિંગ થઈ ગયા બાદ અમે બહાર નીકળ્યા. ચાલો..તો હવે આપણે નાસ્તો કરવા જઈએ ? ચિરાગે કહ્યું. ભાભીએ કહ્યું, હા...પણ આપણે પહેલા મારા મામાના ઘરે જવાનું છે. ત્યાં જ નાસ્તો કરીશું. મેં કહ્યું, પણ કેમ ભાભી ત્યાં ? ભાભીએ સ્માઈલ કરી અને ધીમેથી બોલ્યા, તમે બસ ચાલો. ચિરાગે પાર્કિંગમાંથી કાર કાઢી.

અમે ત્રણેય ભાભીના મામાના ઘરે પહોંચ્યા. ત્યાં કંઈ ગાંડા ના કાઢતા. ભાભીએ ચિરાગને કહ્યું. ઘરની અંદર પહોંચતા જ ભાભીના મામાએ અમારું સ્વાગત કર્યું. હું અને ચિરાગ સોફા પર બેઠા અને ભાભી અંદર કોઈક રૂમમાં ગયા. ભાભીના મામા મારી સામે ધ્યાનથી જોતા હતા. હું થોડું ઓકવર્ડ ફીલ કરતો હતો. એમણે કહ્યું, બેટા ભણવાનું ચાલુ છે કે નોકરી... હમણાં જ ભણવાનું પૂરું થયું અને હવે નોકરી લાગશે. મેં જવાબ આપ્યા. ભાભીના મામાની બાજુમાં જ એક બહેન બેઠા હતા એ ઉત્સાહથી બોલ્યા, તો તો બેટા પગાર તો સારો જ હશે ને. ત્યારે ભાભીના મામાએ કોણી મારતા કંઈક ધીમા અવાજે કહ્યું. હું કંઈ બોલું એ પહેલા ભાભી અંદરથી આવ્યા અને એમની સાથે એક છોકરી પણ આવી. ભાભી મારી બાજુમાં બેઠા અને એ છોકરીની સામે જોઈને બોલ્યા, બેસ રશ્મિ ! મનમાં ઘણા બધા સવાલો ચાલતા હતા કે ભાભી મને શા માટે અહીંયાં લાવ્યા હશે ? જીન્સ અને ટી-શર્ટ પહેરેલી એ છોકરીએ ચહેરા પર ઘણો બધો મેકઅપ લગાવ્યો હતો. ભાભી મારા ખભા પર હાથ રાખીને બોલ્યા, આ ગૌરવ છે મારો નાનો દિયર. લંડનમાં ભણ્યો છે અને હવે અમેરિકામાં નોકરી કરવાનો છે. હું કંઈક બોલું એ પહેલા ભાભી મારી સામે જોઈને બોલ્યા, ગૌરવ આ રશ્મિ છે. એણે આ વર્ષે બીટેક પૂરું કર્યું છે. હું ધીમા અવાજે બોલ્યો, ભાભી આ બધું શું છે ? ગૌરવ અત્યારે કંઈક જ ના વિચાર બસ વાત કર. આપણે બીજી વાત ઘરે જઈને કરીશું. ભાભીએ ધીમા અવાજે અને સ્માઈલ સાથે કહ્યું દેવરજી ખાલી વાત કરવામાં શું જાય છે. મેં ભાભીની વાત માનીને રશ્મિની સામે જોયું અને કહ્યું હાય..! ત્યારે એક બીજી છોકરી ચા-નાસ્તાની ડીશ લઈને આવી અને ચિરાગે પૂછ્યા વગર ખાવાનું ચાલુ કર્યું. ભાભીના મામા બોલ્યા ગૌરવ તમારે રશ્મિ સાથે એકલામાં કાંઈ વાત કરવી હોય તો કરી શકો છો. હું ના બોલવા જાઉં એ પહેલા ભાભીએ કહ્યું, હા કેમ નહીં. ચાલો ગૌરવ અંદરના રૂમમાં જઈએ. ભાભી મને પરાણે લઈ ગયા અને એક રૂમમાં હું અને રશ્મિ બેઠા અને ભાભી બહાર જતા રહ્યા. રશ્મિ બોલી, બેસો ને... હું ખુરશી પર બેઠો, એણે પાણી આપ્યું. રશ્મિ બોલી, તમે અમેરિકા જ રહેવાના છો ને...! મીન્સ તમારું ફ્યુચર પ્લાનિંગ અમેરિકા જ છે ને ? હા અત્યારે તો એ જ પ્લાનિંગ છે. મને મનમાં થયું કે વાત જ કરવાની છે તો ખુલીને જ વાત કરવી જોઈએ. મેં કહ્યું , કોઈ સવાલ છે...? ના...તમને ? એણે કહ્યું. હું શાંતિથી વિચારતો હતો અને રશ્મિ મારી બાજુમાં બેઠી અને બોલી, જે હોય એ ખચકાટ વગર બોલી દો. મેં કહ્યું, હું સ્મોકિંગ કરું છું અને ઘણીવાર વીડ અને લિકર પણ. એ બોલી, નો પ્રોબ્લેમ, હું પણ કરું છું. એક્ચ્યુલી હું મુંબઈમાં ભણી છું ને તો યુ નો પાર્ટી એન્ડ ઓલ. મેં કહ્યું...હા...તો હવે જઈએ અને હું થોડા દિવસ પછી જવાબ આપીશ. એણે હકારમાં માથું ધુણાવ્યું. થોડીવાર હું એમની ફેમિલી સાથે બેઠો અને પછી, હું ભાભી અને ચિરાગ અને એમના ઘરમાંથી નીકળ્યા. મેં ભાભીને કહ્યું માંડ પીછો છૂટ્યો.. ચિરાગ જોરજોરથી હસતો હતો અને હસતા હસ્તા બોલ્યો, ગૌરવ તને કહેતો હતો કે કંઈક દાળમાં કાળું છે. પણ ઘૂઘરા મસ્ત હતા હો..! કેમ ગૌરવ...રશ્મિ ના ગમી ? ગમી...એને ખાલી અમેરિકા જાઉં છે બસ.. મેં ઉગ્રતાપૂર્વક કહ્યું. ભાભીને કેમ સમજાઉં કે મને આ જીન્સ, ટી- શર્ટવાળી નહીં પણ બેસનના લોટ સાથે રમતી ગ્રીષ્મા ગમે છે.


(ક્રમશઃ)