Bhjiyawadi - 4 books and stories free download online pdf in Gujarati

ભજિયાવાળી - 4


પ્રકરણ: 4

હું ગ્રીષ્માની નજીક પહોચું એ પહેલાં એ ત્યાંથી પોતાની સ્કૂટી લઈને નીકળી ગઈ. હું મન માં બોલતો હતો કે હવે ગ્રીષ્માને બોલાવવાનો કંઈ ફાયદો જ નથી. કેમ કે તે હવે ઇગ્નોર કરતી હતી. મેં નક્કી કર્યું કે આજ પછી ગ્રીષ્માને સામેથી બોલાવવાનો પ્રયત્ન નહીં કરું. મેં નાસ્તો પૂરો કર્યો અને ઘરે ગયો. ભાભીએ મને જોયો અને બોલ્યા, "ગૌરવ નાસ્તો કરી લે..." મેં કહ્યું, "ભાભી હું નાસ્તો કરીને આવ્યો છું." ભાભીએ ટૉન્ટ મારતાં કહ્યું, " ઓહ્હ..તો સવાર સવારમાં ભજિયા ખાઈ આવ્યા.!" મેં કહ્યું,"ના ના ભાભી, હું તો મંજીકાકા ને ત્યાં ગાંઠીયા ખાવા ગયો હતો." ભાભી સ્માઈલ કરીને બોલ્યાં, "સારું સારું.." આજે બહુ ગરમી હતી તો થયું કે કોટનના કપડાં પહેરું.. હું કપડાં બદલીને ચિરાગને સ્કૂટર આપવા માટે ઘરેથી નીકળ્યો.

હું બજારમાં જેવો વળ્યો તો ગ્રીષ્માના મમ્મી દુકાનની બહાર ઊભા હતાં. મેં ધ્યાનથી જોયું તો ત્યાં કંઈક ડબ્બા પણ પડ્યા હતા. આજુબાજુ ગ્રીષ્મા પણ નહોતી એટલે હું ત્યાં ઊભો રહ્યો અને ગ્રીષ્માના મમ્મીને જોઈને બોલ્યો, "કેમ છો આંટી..?" એમણે મારી તરફ જોયું અને અચાનક જાણે ખુશ થઈ ગયા હોય એમ બોલ્યા, "ઓહ..ગૌરવ...વાહ આવતાં વેંત નવી સોડાવી લીધી લાગે તો તો રોકાવાનો હોઈશ ને?" હું હસવા લાગ્યો અને હસતાં હસતાં બોલ્યો, "ના ના આંટી, આ તો ચિરાગની છે એટલે એને પાછી આપવા એના ખેતરમાં જાઉં છું." એમણે કહ્યું, "હારુ હારુ.." મેં ડબ્બા તરફ જોયું અને બોલ્યો, "આંટી આ ડબ્બામાં શું છે ?" એ બોલ્યા, "બેટા આજે બાજુના રતનપર ગામમાં ઓર્ડર આપવા જવાનો છે તો ગ્રીષ્માની ગાડી બગડી ગઈ સે તો એ પેલા ગેરેજવાળા સુરેશને ન્યા આપવા ગઈ સે, લે આવી..!" મેં કહ્યું, "હા" એ જોરથી બોલ્યા, "ગ્રીષ્મા આવી જો પાછળ !" હું કંઈ ના બોલ્યો અને ગ્રીષ્મા એના મમ્મીના બાજુમાં આવી અને ત્રાંસી આંખે મને જોયો અને બોલી, "મમ્મી, સુરેશભાઈ કાલે રીપેર કરીને આપશે...તો હું ક્યાંક છકડાવાળા ભાઈને બોલાવી લઉં." મા દીકરીની વાતમાં વચ્ચે બોલતાં મેં કહ્યું, "ક્યાં આપવાનું છે? હું આપતો આઉ ?" ગ્રીષ્માના મમ્મીએ મારી સામે જોયું ત્યારે ગ્રીષ્મા એમને ઇશારામાં ના પાડતી હતી. એના મમ્મીએ કહ્યું, "હા બેટા, જો તારે બીજું કોઈ કામ ના હોય તો..!" મેં સ્માઈલ સાથે કહ્યું, "ના ના હું તો ફ્રી જ છું." ત્યારે ગ્રીષ્માએ કહ્યું, "મમ્મી, તમે આમની સાથે જાઓ હું દુકાને બેસું.." એના મમ્મીએ વળતો જવાબ આપ્યો, "બેટા મને આ સ્કૂટરમાં નો ફાવે, એક કામ કર તું ને ગૌરવ જાતા આવો, હું દુકાને બેસું ને હમણાં પેલા મજું માસી પણ આવે સે તો એમને પણ કાંઈક કામ સે." ગ્રીષ્માના મમ્મી આટલું કહીને દુકાનમાં જતાં રહ્યાં. ગ્રીષ્માએ મારી સામે જોયું અને મોઢું ફેરવીને બોલી, "તમને રસ્તો તો ખબર છે ને?" મનમાં હું મારી જાતને જ સવાલ કરતો હતો કે આ એજ ગ્રીષ્મા છે, જેણે મને ક્યારેય માનથી નથી બોલાવ્યો અને કેટલીકવાર તો મને ગાળો આપતી..! મેં પણ એની ભાષામાં વાત કરવાનું નક્કી કર્યું અને કહ્યું, "ના તમે કહેતાં રહેજો!" એણે કહ્યું, "આ ત્રણ ડબ્બા છે, બે આગળ મૂકી દો અને એક હું પકડી લઉં!" મેં કહ્યું "હા" મેં બે ડબ્બા આગળ મુક્યા અને એક ડબ્બો એણે પકડ્યો અને પાછળ બેસી ગઈ. એણે કહ્યું, "અહીંયાંથી સીધું જવાનું છે દસ કિલોમીટર સુધી" મેં હમ્મ કહીને સ્કૂટર હંકાર્યું.

પગમાં બે ડબ્બા પડ્યા હતાં અને એક ડબ્બો ગ્રીષ્માના ખોળામાં પડ્યો હતો. ગરમાગરમ ભજિયાથી ભરેલા ડબ્બા કમરને અને પગને ગરમી આપી રહ્યાં હતાં. સાઈડ ગ્લાસમાંથી ગ્રીષ્માના ઉડતાં વાળ એની આંખોને ઢાંકી રહ્યાં હતાં. એ બોલી, "આગળથી ડાબી બાજુ અને પછી દસ કિલોમીટર સીધો રસ્તો." એ આટલું જ બોલતી અને હું પણ હમ્મ કહીને જવાબ આપતો. બહુ હિંમત કરીને પૂછ્યું, "તે કેમ ભણવાનું મૂકી દીધું, તારે તો મારી જેમ વિદેશ જાઉં હતું ને?" એણે કંઈ જ જવાબ ના આપ્યો. મને લાગ્યું કે એનું વાત કેવાનું મન નથી, નારાઝ હોય તો જવાબ તો આપે જ ને. થોડીવાર પછી એણે ધીમા અવાજે કહ્યું, "શું કરવું, પરિસ્થિતિ જ એટલી ખરાબ થઈ ગઈ હતી, ને કોઈએ સપોર્ટ ના કર્યો!" મેં કહ્યું, "હજુ મોડું નથી થયું.." એ બોલી, "આગળથી ડાબી બાજુ ગામ છે!" મેં આગળ કંઈ જ ન પૂછ્યું. અમે ગામમાં ગયા અને ત્યાં એક ઘરે નાનકડો જમણવાર હતો. મેં અને ગ્રીષ્માએ ડબ્બા મુક્યા. એમના ઘરના વડીલે કહ્યું, "તમે આ હીંચકા પર બેસો હું જરાં પૈસા લઈને આવું !" આ હીંચકા શબ્દએ અમને બન્નેને બાળપણની અમૂલ્ય યાદોમાં ધકેલી દીધા. સ્કૂલમાં હીંચકા માટે તો કેટકેલાય ઝઘડા થતાં. મેં કહ્યું, "તમે બેસી જાઓ" એ કંઈ જવાબ આપ્યા વગર હિંચકે જઈને બેસી ગઈ. થોડીવાર બાદ એ ભાઈ આવ્યા અને ગ્રીષ્માને પૈસા આપ્યા અને કહ્યું, "અત્યારે ડબ્બા અહીંયાં જ રાખો કાલે અમારી ગાડી તમારા ગામમાં આવશે એટલે દુકાને જ આપી જશે." ગ્રીષ્માએ કહ્યું, "સારું કાકા" એ ભાઈ અંદર જતાં રહ્યાં અને ગ્રીષ્માએ 100 રૂપિયાની નોટ સામે રાખી અને બોલી, "લો આ તમારા પેટ્રોલના..!" હું હસવા લાગ્યો અને કહ્યું, "પેટ્રોલના રૂપિયાની તો ચા પીવડાવી દેજો..!" એ મોઢું ચડાવીને ઊભી હતી.

મેં સ્કૂટર ચાલુ કર્યું અને અમે ઘર તરફ જવા નીકળ્યા. હું જાણીજોઈને ધીમે ધીમે ચલાવતો હતો. મેં ગ્રીષ્માને પૂછ્યું, "પપ્પાને શું થયું હતું?" એણે કહ્યું, "હાર્ટ એટેક આવ્યો હતો અને ડાયાબિટીસ તો હતી!" મેં હમ્મ કહીને જવાબ આપ્યો. થોડા આગળ ગયા અને મનમાંથી નીકળી ગયું, "તમને તો ભજિયાથી નફરત હતી ને, તોય કેમ !" હું સાઈડ ગ્લાસમાંથી જોતો હતો, એણે આંસુ લૂછયાં અને કહ્યું, "જવાબદારી ના ગમતી વસ્તુ પણ ગમતી કરાવી છે. મેં કહ્યું, "હમ્મ..બધું જ ઠીક થઈ જશે..!" અમે ગામના પાદરે પહોંચ્યા ને ત્યાં એક ભાઈનો અવાજ આવ્યો, "એ ગ્રીષ્મા...એ ગ્રીષ્મા..!" મેં સ્કૂટર રોક્યું અને પાછળ જોયું તો એક ભાઈ આવતાં હતા. એ નજીક આવ્યા અને ગ્રીષ્માની સામે જોઇને કહ્યું, "બેટા તને યાદ છે બે વરસ પહેલાં તારા પપ્પાએ અમારા ઘરે સાત દિવસ રસોડું કર્યું હતું..?" ગ્રીષ્મા બોલી, "હા..પણ કેમ ?" એ ભાઈએ ખિસ્સામાંથી પાંચસો રૂપિયાની નોટોની થપ્પી કાઢી અને ગ્રીષ્માને આપતાં કહ્યું, "લે આ એક લાખ રૂપિયા ત્યારના તારા પપ્પાને આપવાના બાકી હતા..બેટા ઘરે આપીને કહેજે કે ભવાનભાઈએ આપ્યા છે." એ ભાઈ ગ્રીષ્માને પૈસા આપીને જતાં રહ્યાં. ગ્રીષ્માએ પૈસા સામે જોયું અને એના ચહેરા પર રાહત મળ્યાંની ખુશી હતી. મેં સ્કૂટર ઘર તરફ જવા દીધું અને કહ્યું, "કહેતો'તો ને કે બધું જ ઠીક થઈ જશે!" એ હમ્મ બોલી અને એને એક હાથ મારા ખભે રાખ્યો. હું પણ મનોમન હરખાતો હતો. ગ્રીષ્માનું ઘર આવ્યું. એણે નીચે ઉતરી, એના મમ્મી દુકાનમાંથી બહાર આવ્યા. એ કઈ બોલે એ પહેલાં જ ગ્રીષ્મા બોલી, "મમ્મી ગૌરવ માટે ચા બનાવજે...અને એણે મારી તરફ જોયું બોલી, ચા પીને જજે!" મેં પણ રાહતનો શ્વાસ લીધો મેં ગ્રીષ્માને કહ્યું, "હું દુકાને બેસું છું.." એ બન્ને અંદર ગયા અને હું દુકાનમાં બેઠો અને થોડીવાર પછી મારા ભાભી આવ્યા અને બોલ્યા, "ઓ ભજિયાવાળા...!" ભાભી મારી તરફ જોઈને હસવા લાગ્યા, હું શરમાતો હતો અને એમણે કહ્યું, "બપોરે ઘરે આવો તો ભજિયા લેતા આવજો!" મેં કહ્યું, "હા ભાભી.." ત્યારે ગ્રીષ્મા અને એના મમ્મી ચા લઈને આવ્યા."ગ્રીષ્મા ચા આપીને ઘરમાં ગઈ અને એના મમ્મી બોલ્યા, "બેટા આજનો દિવસ ખૂબ સારો છે..!" મેં એમને પણ એજ કહ્યું, "આંટી, બધું જ ઠીક થઈ જશે.." એ ખુશ થઈ ગયા અને બોલ્યા, "ગૌરવ, હવે જમીને જજે!" મેં કહ્યું, ના..ના મારા ઘરે જમવાનું તૈયાર છે...સો ગ્રામ ભજિયા પેક કરી આપજો, ઘર માટે." હું ભજિયા પેક કરાવીને દુકાનના પગથિયાં ઉતરતો હતો ત્યારે ગ્રીષ્માનો અવાજ આવ્યો,"ગૌરવ...!" મેં પાછળ જોયું અને એ બોલી,"સ્કૂટરની ચાવી અહીંયાં પડી છે!" એણે મને ચાવી આપી અને હું ઘરે જવા નીકળ્યો. ભાભી કરિયાણાની દુકાને ઊભા હતાં તો એમની પાસે ગયો અને કહ્યું, "ભાભી ઘરે જવું છું, આવું છે?" એ ફરીથી ટૉન્ટ મારતાં બોલ્યાં,"આવવાનું જ હોય ને, તમારા જેમ અમારે કોઈ દુકાન નથી ને!" મેં કહ્યું, "ભાભી..હું ખાલી બેઠો હતો." એ બોલ્યા, "હા મને ખબર છે તમે ખાલી બેઠાં હતા, હવે ચાલો જટ.." હું અને ભાભી ઘરે ગયા.

(ક્રમશઃ)

લેખક : પ્રદિપ પ્રજાપતિ