Bhjiyawadi - 3 books and stories free download online pdf in Gujarati

ભજિયાવાળી - 3

પ્રકરણ: 3



હું ડેરીએ બેઠો બેઠો ગ્રીષ્માને જોતો હતો ત્યારે ચિરાગ આવ્યો અને બોલ્યો, "અરે ગૌરવ તું અહીંયાં છે. ચાલ મારી વાડીએ જઈએ." હું અને ચિરાગ એના વાડીએ ગયા. માટીથી બનેલા રોડ અને એમાં બાઇક હોળીની માફક ડોલતું હોય એવો આભાસ થાય. હું બાળપણમાં બળદગાડામાં વાડીએ એટલે કે ખેતરે આવતો. મેં કહ્યું, "ચિરાગ કેટલા વર્ષ થઈ ગયા પણ બધું એનું એજ છે, આ રોડ, બધાના ખેતર ને આ માટીની સુગંધ પણ.." ચિરાગે પણ હસીને કહ્યું, "તમારે લંડનમાં બધું બદલાય અહીંયાં તો એનું એજ રે, આપણે તો માયાળુ માનવી..એ થોડી બદલાય.." આમ ચિરાગનું ખેતર પણ મજાનું. અમારા ખેતરની બાજુમાં જ. શાંત વાતાવરણમાં તમરાનો અવાજ સંભળાય અને મન શાંતિ તરફ જતું લાગે. અમે બંને બેઠાં હતાં ત્યારે મેં સામેના ખેતરમાં જોયું અને ચિરાગને કહ્યું, "ચિરાગ, પેલા ગ્રીષ્માના મમ્મી છે ને...?" ચિરાગ બોલ્યો, "વાહ, કહેવું પડે હો..બાજુમાં તારા ભાઈ-ભાભી નથી દેખાતાં અને દૂરના ખેતરમાં તને ગ્રીષ્માના મમ્મી દેખાઈ ગયા !" મેં સ્માઈલ કરી અને ચિરાગ બોલ્યો, "હવે જોઈ જ લીધા છે તો જા..મળી લે !"

હું કેડીએ ચાલતો ચાલતો તેમની પાસે પહોંચ્યો. મેં કહ્યું, "કેમ છો આંટી?" ગ્રીષ્માના મમ્મીએ મારી તરફ જોયું અને કહ્યું, "અરે ગૌરવ તું...વાડીએ આવ્યો સે ! બહુ સારું. થોડી ખેતરની હવા લે તો બધું તને યાદ આવે કે રવિવારે તમે બધાં આખો દી અહીંયાં જ પડ્યા રેતા...!" મેં સ્માઈલ સાથે કહ્યું, "હા આંટી એ બધી જ વાતો યાદ તો આવે જ છે." એમણે કહ્યું,"હા" એ કોથળામાં કંઈક ભરી રહ્યાં હતાં. મેં પૂછ્યું,"આ પોટકામાં શું છે?" એમણે કહ્યું,"બેટા, ખેતરમાં આ વર્ષે મગ થયા હતા, તોબધા તો ઘરે લઈ ગઈ પણ થોડાક વધ્યા હતા તો એને ઘરે લઈ જાવા સે." કોઈ લેવા આવવાનું છે?" મેં પૂછ્યું. એમણે પાલવથી પરસેવો લૂછતાં કહ્યું, "હા, આ મૂળજી ગાડું લઈને ગામમાં તો જવાનો છે. ઇ આવે તો એના ભેગી જ વઇ જાઉં...!" મેં કહ્યું, "અરે આંટી એ તો ક્યારેય આવે, એક કામ કરો હું ગામમાં જ જાઉં છું તો તમે મારી સાથે જ ચાલો." એમણે આજુબાજુ જોયું અને બોલ્યા, "પણ બેટા આમ ચાલીને જાશું તો તું થાકી જઈશ અને તડકો પણ બઉ સે.." મેં કહ્યું, "આંટી ચિરાગ પાસે સ્કૂટર છે. હું એ લઈ આવું તમે આ પોટકું બરાબર બાંધી લો." ગ્રીષ્માના મમ્મી કાંઈ જ ન બોલ્યા, બસ સ્મિત કર્યું. હું ચિરાગ પાસેથી સ્કૂટર લઈ આવ્યો અને પોટકું આગળ રાખ્યું, ને ગ્રીષ્માના મમ્મી પાછળ બેઠાં. હું ધીમે ધીમે સ્કૂટર જવા દેતો હતો અને ગ્રીષ્માના મમ્મીએ કહ્યું, "બેટા માટીમાં હંભાળ જે.." જેવું ગામ નજીક આવ્યું અને ત્યાં તો એ બોલ્યા, "બેટા પેલી શાકભાજીવાળી પાહે ઊભું રાખજે." મેં શાકભાજીવાળી પાસે ઊભું રાખ્યું તો એમણે શાકભાજીવાળા બહેનને કહ્યું, "એ રમી..હવારે વે'લા દસ કિલો પાલક રાખજે, ઓર્ડર સે એટલે..." એ શાકભાજીવાળીએ કહ્યું, "એ ભલે કાકી..!"
ત્યારબાદ અમે એમની દુકાને પહોંચ્યા અને દુકાનમાં ગ્રીષ્મા ઊભી હતી અને એના મમ્મીને કંઈક કહેવા જતી હતી ને મને અચાનક જોઈને ચૂપ થઈ ગઈ. એના મમ્મી બોલ્યા, "આવ બેટા... હું અંદર ગયો. અને થોડીવાર પછી ગ્રીષ્મા આવી અને મારા સામે જોયું, અને રસોડામાં ગઈ. એ મારા માટે પાણી લઈ આવી. મેં કહ્યું, "થેન્ક્સ.." એણે મારી આંખોમાં જોયું અને બોલી, "મમ્મીને લઈ આવવા માટે થેન્ક્સ.." એ આટલું બોલીને રસોડામાં જતી રહી. આજે વર્ષો બાદ ગ્રીષ્માને આટલી નજીકથી જોઈ. એજ ગોળમટોળ ચહેરો, પાતળો આઈબ્રો, નમણી આંખો અને બિંદી...બસ એક ચીજ આજે એના ચહેરા પર જવાબદારી અને સમજનો ભાર દેખાયો. હું મનમાં જ હરખાતો હતો અને એટલામાં ગ્રીષ્મા ચા લઈને આવી. મેં ચાનો કપ ઉઠાવ્યો અને બોલવા જાઉં એ પહેલાં દુકાનમાંથી અવાજ આવ્યો. "એ ભજિયા આપજો..."ને ગ્રીષ્મા ચાની ટ્રે મારી બાજુમાં જ મૂકીને જતી રહી. ગ્રીષ્માના મમ્મી ટ્રે લેવા આવ્યા અને હું ઉભો થયો. એમણે કહ્યું, "આજે બહુ ટાઈમ પસી ગ્રીષ્માને આટલી ખુશ જોઈ" હું દુકાન તરફ જોવા લાગ્યો ત્યારે એના મમ્મી બોલ્યા,"પણ બેટા આમ આવતો રે'જે" મેં કહ્યું, "હા..આંટી" હું દુકાનમાં થઈને બહાર નીકળતો હતો અને ત્યારે દુકાનમાં ગ્રીષ્મા હિસાબ કરતી હતી. એની પીઠ મારી તરફ હતી.હું એને ધ્યાનથી જોતો હતો. પાંચ મિનિટ સુધી હું આમ જ એને જોતો રહ્યો, પછી તે અચાનક ફરી ગઈ અને મને જોઈને ચોંકી ગઈ. મને લાગતું હતું કે એ ગુસ્સાથી હમણાં જ કંઈક બોલશે,પણ એણે કંઈ જ ના કહ્યું. હું સ્થિતિને જોઈને બોલ્યો,"મારિક કિલો ભજિયા જોઈએ છે." એ કંઈ ઓન બોલી નહીં અને ચુપચાપ ભજિયા પેક કર્યા અને મેં પૈસા આપ્યા...એણે મારી સામે જોયું, પછી પૈસા સામે જોઇને બોલી, "ચાલશે..!" મેં કહ્યું, "ના ચાલે...લે" ગ્રીષ્માએ પૈસા લીધા અને હું એની સાથે આગળ વાત કરવા માંગતો અને કદાચ એ પણ વાત કરવા માંગતી હતી એવું મને લાગ્યું, પણ એ મને ઇગ્નોર કરીને પોતાનો હિસાબ કરવા લાગી. હું ભજીયા લઈને ઘરે ગયો.

ઘરે આરામ કરતો હતો ત્યારે ચિરાગનો ફોન આવ્યો.એણે કહ્યું, ગૌરવ, સ્કૂટર તારી પાસે રાખજે અને સવારે વાડીએ લઈને આવજે.." મેં કહ્યું, "સારું" ગામડામાં રાત્રે આકાશ જોઈને સૂવામાં જે મજા અને શાંતિ ક્યાંય ન મળે. ઘણીવાર તો આકાશની માફક મન પણ શૂન્ય થઈ જતું અને ઘણીવાર કોઈકના વિચારોમાં ખોવાઈને મન પણ શહેરની લાઈફની જેમ વ્યસ્ત થઈ જતું. આ બંને વચ્ચેની પરિસ્થિતિમાં હું રહેતો અને વિચારતા વિચારતા આંખો બંધ થઈ જતી. સવારે પાંચ વાગ્યો ઉઠ્યો, નાહીને તૈયાર થયો અને છ વાગ્યે તાજી હવા લેવા માટે હું ચિરાગનું સ્કૂટર લઈને ખેતર તરફ ગયો. ગામના પાદરે મંજીકાકાને ત્યાં ઊભો રહ્યો. ગરમાગરમ ગાંઠિયા ઉતરતા હતા તો ચાય અને ગાંઠિયાની લિજ્જત માણવા રોકાયો. હું નાસ્તો કરી રહ્યો હતો ત્યારે સામે શાકભાજીની દુકાને મેં ગ્રીષ્માને જોઈ. એ પાલક વીણી રહી હતી. ત્યારે મને યાદ આવ્યું કે ગઈકાલે એના મમ્મી ભજિયાના ઓર્ડરની વાત કરતાં હતાં કદાચ એના માટે જ ગ્રીષ્મા પાલક લેવા આવી હશે. હું ફટાફટ ઉભો થયો અને મારા ડગલાં એની તરફ વધવા લાગ્યા. હું એની પાછળ ઉભો રહ્યો.

(ક્રમશઃ)


લેખક : પ્રદિપ પ્રજાપતિ