Rajkaran ni Rani - 16 in Gujarati Social Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૧૬

રાજકારણની રાણી - ૧૬

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૬

સુજાતા પતિની કરતૂતોથી વાકેફ હતી. બીજા કોઇ સંજોગો હોત તો એને ટીના સાથે રંગેહાથ ઝડપી પાડયાની જાહેરાત કરી હોત. ટીનાને પોતે જ જતિન પાસે મોકલી હતી. અને તેની સાથેના આપત્તિજનક વિડીયોનું પોતે જ શુટિંગ કરવાનું હતું. આ શુટિંગ જ એવો ધડાકો કરે એવું હતું કે જતિનની કારકિર્દી ધૂળધાણી થઇ જાય એમ હતી. લાંબા ગાળાના આયોજનનો આ એક ભાગ હતો. સુજાતાએ જતિનના ટીના સાથેના જબરદસ્તીના દ્રશ્યોને પોતાના મોબાઇલમાં કંડારી લેવા માટે સેલ્ફી સ્ટીકનો ઉપયોગ કર્યો. સુજાતા બેડરૂમના દરવાજા બહાર ઊભી રહી અને સહેજ ખુલ્લા રહેલા બારણામાંથી સેલ્ફીસ્ટીક સાથે કેમેરો અંદર કર્યો અને રેકોર્ડિંગ કરી લીધું. જતિન ટીનાને તેની બાંહોમાં ભરીને કપડાં ઉતારવા જતો હતો ત્યારે ટીના તેને તરસાવતી હતી. જતિનની ભૂખી નજર ટીનાના મચલતા બદન પર જ કેન્દ્રિત થયેલી હતી. જતિનને આસપાસમાં જોવાની જરૂર ન હતી. તે ટીનાને પોતાના બાહુપાશમાં જકડીને પોતાની પ્યાસ બુઝાવવા ઉતાવળો બન્યો હતો. ટીના તેને આમતેમ ફેરવી સતાવતી હતી. અને એ રીતે બચવાનું નાટક કરતી હતી. સુજાતાએ બે મિનિટનું શુટિંગ ઉતારી લીધું અને ત્યાંથી નીકળીને બંગલાનો મુખ્ય દરવાજો બંધ કરી બહાર ઊભી રહી. સુજાતાએ બહાર નીકળતી વખતે જ જતિનના મોબાઇલ પર ફોન ડાયલ કરી દીધો હતો. તે ટીનાને વધુ સમય જતિન પાસે રાખી શકે એમ ન હતી. તેને મુક્ત કરવા પોતાનો પ્રવેશ જલદી થવો જરૂરી હતો. થોડી રીંગ વાગ્યા પછી જતિને ફોન ઉપાડ્યો. તે સુજાતાને ઘરે આવેલી જાણી ચમકી ગયો હતો. આ તરફ સોમેશને બહાર કારમાં જ બેસી રહેવાની સૂચના આપી હતી. એટલે તે કારમાં બેઠો હતો. સુજાતા કાર પાસે ગઇ અને તેને બેગ લઇને સાથે આવવા કહ્યું એટલે તેની પાછળ સોમેશ આવીને ઊભો રહ્યો હતો. બધું આયોજન પ્રમાણે જ થયું હતું. જતિન ઘરને સામાન્ય કરે એટલી વારમાં સુજાતા સામાન્ય થઇને ઊભી હતી.

ટીનાને છોડી દેવા સિવાય જતિનની પાસે કોઇ વિકલ્પ ન હતો. ઇચ્છા અધુરી રહી ગઇ હતી. તેણે ટીનાને આ હરકતની કોઇને જાણ ન કરવા ચેતવણી આપી દીધી. ટીના પાછળના બારણેથી પોતાની રૂમમાં સરકી ગઇ. જતિને ઘરનો દરવાજો ખોલ્યો અને સામે સુજાતા ઊભી હતી. તે મનમાં બચી ગયો હોવાનું અનુભવતો હતો ત્યારે સુજાતા મનમાં બબડી હતી કે હવે બચીને ક્યાં જઇશ? તારી કરતૂત મારા મોબાઇલમાં કેદ થઇ ગઇ છે. સુજાતાએ બીજા દિવસે જનાર્દનને કામે લગાવી દીધો. એક નવો સીમકાર્ડ કોઇ નાનકડી દુકાન પરથી ખોટા ઓળખપત્રથી મેળવી એ નંબર સાથે પક્ષનું સભ્યપદ આપી વોટસએપ ગૃપમાં એડ કરવાનું કામ તેને સોંપી દીધું હતું. મોટા મોટા કામ પતાવતા જનાર્દન માટે આ સામાન્ય કામ હતું. તેણે નવો નંબર ગૃપમાં નખાવી દીધો અને બે-ચાર દિવસ પછી સુજાતાએ આપેલો જતિનનો ટીના સાથેનો જબરદસ્તીનો વિડીયો એડિટ કરી પોસ્ટ કરી દીધો. પછી સીમકાર્ડનો નિકાલ કરી દીધો. જતિનના નામ પર વિડીયો પોસ્ટ કર્યા પછી અપેક્ષા પ્રમાણે જ પક્ષમાં તોફાન મચી ગયું. જતિનની કારકિર્દી એક જ દિવસમાં સમાપ્ત થઇ ગઇ. જનાર્દને સુજાતા સાથે મળીને આ કામ કર્યું છે એની જરા પણ ખબર પડવા ના દીધી. જતિન એમ જ માનતો રહ્યો કે જનાર્દન તેને જ વફાદાર છે. જનાર્દને જતિનને એમ કહ્યું કે તે પાટનગરમાં પક્ષના નેતાઓને સંભાળી રહ્યો છે પણ અસલમાં જતિનની ઘોર ખોદી રહ્યો હતો. જનાર્દનને એમ હતું કે જતિનને શંકા જશે તો તે બાજી સંભાળી લેશે. એના બદલે જતિને તેના પર આંધળો ભરોસો કર્યો હતો. જનાર્દનને કોઇ જવાબ આપવાનો વારો જ ના આવ્યો.

સુજાતા આદમકદ આયના સામે બેસીને છેલ્લા થોડા દિવસોની ઘટનાઓને વાગોળી રહી. જતિનને એવો ઝાટકો આપ્યો હતો કે તેને કળ વળતા દિવસો નીકળી જવાના છે. તેનું સ્થાન જનાર્દનની મદદથી પોતે બહુ જલદી મેળવી લેશે. જનાર્દનની પહોંચને કારણે પક્ષના કાર્યાલયમાં તેને મહત્વનું સ્થાન મળી ગયું હતું. પક્ષના નેતાઓએ રતિલાલની નારાજગીની પરવા કર્યા વગર સુજાતાને આગળ લાવવાનો ઇરાદો જાહેર કરી દીધો હતો. રતિલાલની ટર્મ હવે પૂરી થઇ રહી હોવાથી તેની વાતને નેતાઓ કાને ધરી રહ્યા ન હતા. હવે ધારાસભ્ય પદની બેઠક માટે તેમણે સુજાતાને ઉમેદવાર બનાવવાનું મન બનાવી લીધું હતું. સુજાતાએ પોતાના પતિ વિરુધ્ધ મોરચો ખોલીને સારી લોકપ્રિયતા મેળવી લીધી હતી. હવે પક્ષના કાર્યાલયમાં ઝડપથી પોતાનું પ્રભુત્વ ઊભું કરવાનું હતું. રતિલાલની પુત્રી અંજનાને મોટો ઝાટકો લાગ્યો છે એ સુજાતા સમજી ગઇ હતી. સુજાતાને ખ્યાલ આવી ગયો કે સમય ઓછો છે અને કામ વધારે છે.

સુજાતા અને ટીનાએ જમી લીધું એ પછી જનાર્દન આવ્યો. ટીનાએ એના માટે ચા મૂકી.

"જનાર્દન, તારા સાથ અને સહકારથી આપણે અહીં સુધી તો આવી ગયા છે. હવે આગળની ડગર સરળ નથી." સુજાતા મુદ્દાની વાત પર આવી ગઇ.

"હા, બેન...ધારાસભ્યની ટિકિટ મેળવવાનું સરળ નથી. તમે ચિંતા ના કરશો. સમીક્ષકો ઉમેદવારોના સેન્સ લેવા આવશે ત્યાં સુધીમાં તમે એક સારા કાર્યકર તરીકે નામના મેળવી ચૂક્યા હશો. પાટનગરમાં મેં અત્યારથી જ તમારું નામ ચલાવી દીધું છે. તેમને મનમાં ઠસાવી દીધું છે કે જતિનથી પક્ષની આબરૂ બગડી હતી પણ તેની પત્નીએ સારા કામો અને તેજસ્વી વિચારોથી તેના પર પડદો પાડી દીધો છે. આપણે પક્ષના કાર્યાલયમાં સ્થાન મેળવી લીધું છે એટલે પ્રચારનો દોર આપણા હાથમાં રહેશે. આ વખતે બીજા ઉમેદવારો પણ પક્ષની ટિકિટ માટે લાઇન લગાવશે. એમાં મહિલાઓ વધારે હશે. અંજના માટે રતિલાલ ટિકિટ માગવાના જ છે. પેલી રવિનાને હવે પ્રમુખપદ નાનું લાગે છે. એ તો પાટનગરમાં ગમે તે ભોગે પોતાનો સિક્કો ચલાવે એવી છે. એ સુંદરી જતિનને પાણી પાણી કરીને આ જગ્યા પર પહોંચી છે એના તમે અને હું મૂક સાક્ષી છીએ..." જનાર્દને પોતાના વિચારો મૂક્યા.

"જનાર્દન, તું જાણે છે કે હું રવિના કે બીજી સ્ત્રીઓ જેવી નથી. હું મારું સર્વસ્વ દાવ પર મૂકીને આગળ વધનારી સ્ત્રીઓમાંની નથી. મને મારી ઇજ્જત વહાલી છે. આપણે જતિનને બેનકાબ કર્યો છે એમ બીજાના ખોટા કામોને ઉઘાડા પાડીને લોક કલ્યાણના કામોથી એક અલગ સ્થાન બનાવવાનું છે. આપણે હવે સાચા રસ્તે જવાનું છે. પાટનગરમાં હું કોઇની પેલી 'સેવા' કરવા જવાની નથી એ આપણે પહેલાં જ નક્કી કરી લીધું છે. મારે રાજકારણને થોડું ચોખ્ખું કરવું છે. કેટલાક તત્વો તેને ખરાબ બનાવી રહ્યા છે. આપણે લોકોનો વિશ્વાસ જીતવાનો છે. આપણા પક્ષનો સારો ઇતિહાસ રહ્યો છે. આપણા આદરણીય પૂર્વ પ્રધાનમંત્રી શાંતારામજીની સાદગી અને પ્રામાણિક્તા આજે પણ ઉદાહરણરૂપ ગણાય છે. તેમના આદર્શોને ભૂલવાના નથી. શાંતારામે જે સપનું જોયું હતું એને આપણે પૂરું કરવાનું છે..."

જનાર્દનને લાગ્યું કે સુજાતા કોઇ રાજકીય નેતાની જેમ ભાષણ કરી રહી છે કે ખરેખર એવા વિચારો ધરાવે છે. જો તે આવા વિચારો ધરાવતી હોય તો પોતાની મહેચ્છા પૂરી થવાની શકયતા ઓછી છે. પોતે સુજાતાને સાથ આપીને કોઇ ભૂલ તો કરી નથી ને? રાજકારણમાં આવ્યા પછી સત્તા અને પૈસો ના મળે તો એ શું કામનું? પોતે સુજાતાને પોતાના સ્વાર્થ માટે સાથ આપી રહ્યો છે. પણ ક્યાંક એવું તો નહીં બને ને કે પોતાને કોઇ ફાયદો જ ના થાય? સુજાતાના વિચારો પરથી લાગે છે કે તે કંઇ ખોટું કરવા દે એવી નથી.

વધુ સત્તરમા પ્રકરણમાં...

****

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.

Rate & Review

Usha Patel

Usha Patel 1 month ago

Raval

Raval 6 months ago

Dilip Thakker

Dilip Thakker 10 months ago

Pannaben Shah

Pannaben Shah 11 months ago

Ila Patel

Ila Patel 12 months ago