adhuri ichchano khatarnal vadank books and stories free download online pdf in Gujarati

અધૂરી ઈચ્છાનો ખતરનાક વળાંક

•આબુ ખરેખર એક તેવું સ્થળ કે જેને આપણે "હિલ સ્ટેશન" તરીકે ઓળખાવીએ છીએ અને ઊપરથી આ જ સ્થળ રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોડઁર પણ કહેવાય છે.અહીં લાખો પયર્ટકો ફરવા માટે રોજ આવે છે,તેવામાં રાજકોટનું એક ચાર વ્યક્તિનું ગૃપ આબુ ફરવા જવાનો પ્લાન કરે છે,પણ તેમને ખબર નહોતી કે રસ્તામાં જ તેને ભયાનક વળાંક લઈ પાછું ફરવું પડશે.

•ઊનાળાનો સમય પૂરો થવાનો હતો અને ચોમાસાના સિઝનની શરૂઆત થવાની હતી,તેવામાં રાહુલ,મનન,શ્વેતા અને તૃપ્તિ આ ચારેય સાંજના સમયે રાહુલની ગાડી લઈને આબુ જવા માટે નીકળે છે.આ ચારેય રસ્તામાં મોજ-મસ્તી સાથે આગળ વધે છે.મોડી રાત્રે તેમની ગાડી અમદાવાદ બાયપાસ પાસે પહોંચે છે અને તેટલામાં જોરદાર વરસાદ ચાલુ થાય છે અને ગાડી ચલાવવામાં મુશ્કેલી પડે છે.

•એટલે રાહુલ કહે છે,યાર ગાડી નહિ ચલાવી શકું આપણે ક્યાંક રાત રોકાવી જ પડશે,પણ બાયપાસ ક્રોસ કર્યો તો ક્યાંય સારું ગેસ્ટ હાઉસ કે હોટેલ નથી દેખાતું.અટલે તેઓ ગાડી સાઈડમાં પાર્ક કરીને ગાડીમાં જ રોકાવવાનો પ્લાન કરે છે.

•રાતનો સમય વિતતો હતો બાયપાસનો તે રસ્તો રાતના સમયના કારણે સાવ સુનકાર થતો જતો હતો અને બીજી બાજુ વરસાદની ધોધમાર ગતિ રોકાવાનું નામ જ નથી લેતી અને આ ચારેય ગાડીના કાચ ચડાવીને અંદરથી બાયપાસના રસ્તાઓ પર જુએ છે કે કોઈ અમને સારો માણસ મળી જાય જે એક રાત પૂરતો રસ્તો ચીંધે.તેવામાં રાહુલની બારીમાં એક ઊંમરલાયક ડોશી આવીને બારીના કાચમાં પોતાના હાથ જોર જોરથી ગાડીના કાચ ઊપર પછાડવા લાગે છે અને આ ઘટના અચાનક જોઈને ગાડીમાં બેઠેલા ચારેય ડરી જાય છે,પણ ડોશી કંઈક કહેવા માંગે છે તેવું રાહુલને લાગ્યું,એટલે તેણે તેના મિત્રોને કહ્યું કે ડરો નહિ આપણી ગાડી જોઈ હશે એટલે તેમને મદદ જોઈતી હશે,તે કંઈક કહેવા માંગે છે તો હું પૂછી લવ.તેટલામાં શ્વેતા કહે છે,સંભાળીને રાહુલ જોજે કંઈક કરે નહિ તે.

•રાહુલ બારીનો કાચ નીચો કરે છે ત્યાં ડોશી બોલે છે કે,અહીં તમારી કોઈ મદદ નહિ કરે તમારે તમારી મદદ જાતે જ કરવી પડશે.જો અહીંથી નહિ જશો તો પછી ક્યારેય નીકળી નહિ શકો.આ સાંભળીને રાહુલને તે ડોશી પાગલ જેવી લાગે છે એટલે તે ફક્ત એટલું પૂછે છે કે,માજી અહીં કોઈ હોટેલ કે ગેસ્ટહાઉસ છે આટલામાં?ડોશી જવાબ આપે છે,હા છે ને આ હાઈવે પૂરો થતાં જમણી બાજુએ કાચો રસ્તો છે ત્યાંથી પાંચ કિલોમીટર અંદર એક ગેસહાઊસ છે.રાહુલ કહે છે,માજી આભાર આપનો!તમારે આવવું છે અમારી સાથે?તમે ક્યાં રહો છો?ડોશી કહે છે હું તો હાઈવેના વિરાટ સન્નાટાની માલિકીની છું મારે ક્યાંય નથી આવવું અને આટલું બોલીને તે ડોશી જોરજોરથી હસવા લાગે છે.રાહુલ તેને પાગલ સમજીને કાચ ચડાવીને ગાડી થોડી આગળ લે છે અને તેના મિત્રોને પૂછે છે કે આગળ એક ગેસ્ટહાઉસ છે ત્યાં જવું છે એક રાત માટે?તો શ્વેતા કહે છે,પેલી ડોશીને તો જો ક્યાં ગઈ તે.રાહુલ કાચ ઊતારીને જુએ છે તો ડોશી ગાડીની વિરુદ્ધ દિશામાં જોરજોરથી હસતી ચાલતી ચાલતી જાય છે.આ જોઈને રાહુલ શ્વેતાને કહે છે કે,તે કોઈ પાગલ લાગે છે અને જોરજોરથી હસતી જાય છે પેલી બાજુની તરફ.

•રાહુલ પૂછે,શું કરવું છે?જવું છે ત્યાં?તેટલામાં તૃપ્તિ અને મનન જવાની હા પાડે છે પણ શ્વેતા ત્યાં જવાની ના પાડે છે.છતાં રાહુલ શ્વેતાને નજરઅંદાજ કરીને ગાડી ડોશીએ બતાવેલા રસ્તા ઊપર આગળ વધારે છે.થોડીવાર પછી તેઓને ડોશીએ જે ગેસ્ટહાઉસ કહ્યું હતું તે દેખાય છે અને શ્વેતાએ તે ગેસ્ટહાઉસ ક્યાંક જોયું હોય તેવું તેને લાગે છે એટલે ફરીથી તે ત્યાં જવાની બધાને ના પાડે છે પણ રાહુલ તેને સાંભળ્યા વગર જ ગાડી ગેસ્ટહાઉસમાં પાર્ક કરી દે છે.

•વરસાદ જોરદાર ચાલું હોવાથી રાહુલ,તૃપ્તિ અને મનન દોડીને ગેસ્ટહાઉસની અંદર જતાં રહે છે,પણ શ્વેતા ગેસ્ટહાઉસ સામે જોયા જ કરે છે અને આ જગ્યાએ તે આવેલી હોય તેવું લાગે છે.રાહુલ શ્વેતાને ગાડીમાં જ બેઠેલી જુએ છે તો દોડીને દરવાજો ખોલીને તેનો હાથ પકડીને તેને ગેસ્ટહાઉસની અંદર લઈ જાય છે.

•ગેસ્ટહાઊસમાં આવતાં જ ગેસ્ટહાઉસ કોઈ ફાઈવ સ્ટાર હોટેલ જેવું હોય તેવું લાગે છે અને ચારેય રીસેપ્શન પાસે જાય છે,પરંતુ કાઉન્ટર ઊપર કોઈ ન દેખાતાં,કોઈ છે?હેલ્લો કોઈ છે?તેમ રાહુલ રાડો પાડે છે.અવાજ સાંભળતા રિસેપ્શનના સામેના ભાગમાંથી અવાજ આવે છે,કોણ છો તમે?શું કામ છે?અવાજ સાંભળીને ચારેય પાછળ ફરે છે તો કાળા રંગની સાડી પહેરેલી,પગ સુધીના લાંબા વાળવાળી,કપાળે કાળો ચાંદલો કરેલી એક ડોશી ખુરશી ઊપર બેઠેલી દેખાય છે અને આ જોતાં ચારેય તેની નજીક જાય છે.

•રાહુલ પૂછે છે,માજી અમે આબુ જઈ રહ્યા છીએ પણ ધોધમાર વરસાદના કારણે એક રાત રોકાવી છે અમારે તો રૂમ મળશે અમને?ડોશી જવાબ આપે છે,હા જરૂરથી મળશે પણ એક રાતનું ભાડું પંદરસો રૂપિયા થશે.આ ચારેયને એક રાત રોકાણની જરૂર હોવાથી હા પાડે છે અને તે ડોશીનો આભાર માનીને ત્યાંથી ચાલતાં થાય છે.ત્યાં પાછળથી અવાજ આવે છે,રૂમ નંબર-૧૦૧ અને ૧૦૩.ચારેય અવાજ સંભળાતા તે પાછળ ફરીને જુએ છે તો ડોશી બોલે છે રૂમ નંબર-૧૦૧ અને ૧૦૩ની જ ચાવી રિસેપ્શનમાંથી લેજો.રાહુલ સારું માજી એમ કહીને રીસેપ્શનમાંથી બંને રૂમની ચાવી લઈને ચારેય રૂમ તરફ જાય છે,પણ શ્વેતાએ તે જગ્યા જોયેલી હોય તેવું જ લાગે છે તેને પરંતુ તેની વાત કોઈ નથી સાંભળતું.

•રાહુલ અને શ્વેતા રૂમ નંબર-૧૦૧ માં અને તૃપ્તિ અને મનન રૂમ નંબર-૧૦૩ માં જાય છે તેવામાં શ્વેતાની નજર રૂમ નંબર-૧૦૨ પર પડે છે અને તેના પર લાગેલું તાળું પણ તેણે ક્યાંક જોયું હોય તેવું લાગે છે.પણ કોઈ તેની વાત ન માનતું હોવાથી તે તેને નજરઅંદાજ કરી નાખે છે.પછી ચારેય ફ્રેશ થઈને પોતપોતાના રૂમમાંથી બહાર નીકળે છે.ત્યાં ઘડિયાળનો ડંકો જોરથી વાગે છે અને ચારેય ભયાનક રીતે ડરી જાય છે ત્યાં પાછળથી પેલા ડોશીનો અવાજ આવે છે,અગિયાર...અગિયાર વાગી ચૂક્યા છે અને આ ચારેય ડરીને પાછળ જુએ છે તો પેલી ડોશી દેખાય છે.તેટલામાં તે ડોશી બોલે છે અગિયાર વાગી ચૂક્યા છે,માટે કામ પતાવીને બાર વાગ્યા પહેલાં સૂઈ જાવ.આ સાંભળીને રાહુલ પૂછે છે,માજી જમવાનું મળશે?ભૂખ લાગી છે એટલે.ડોશી જવાબ આપે છે,હું રાત્રે આઠ વાગ્યામાં જ જમી લઊ છું તમારે હવે જમવું હોય તો ડાબી બાજુ રસોડું છે ત્યાં હાથે બનાવીને જમી લો,પણ હા બાર વાગ્યા પહેલાં જમીને રૂમમાં ચાલ્યા જજો કેમકે લાઈટ બાર વાગ્યે ચાલી જશે.

•ડોશીના કહેવા પ્રમાણે ચારેય રસોડામાં જાય છે અને જુએ છે તો રસોડું સાવ ખાલી દેખાય છે અને તેઓ જેવું ફ્રીજ ખોલે છે તો તેમાં બે-ચાર,ખોપડી,હાડકા અને માંસના બટકા દેખાય છે આ જોઈને ચારેય ખૂબ જ ડરી જાય છે અને બહારથી શિયાળનો જોર જોરથી રડવાનો અવાજ આવવા લાગે છે અને આ ચારેય નો ડર વધતો જ જાય છે.

•શ્વેતા કહે છે,હું ના પાડતી હતી કે આ જગ્યાએ આવવું નથી પણ મારી વાત કોઈએ સાંભળી જ નહિ. ત્યાં મનન કહે છે,ચાલો આપણે રૂમમાં જતાં રહી અને આપણે બધા સવારે જ બહાર નીકળીશું.પણ તૃપ્તિ કહે છે કે,આપણે સાથે મળીને પહેલાં પેલી ડોશીને શોધીએ તો જ કંઈક ઊપાય નીકળશે.

•આમ,તૃપ્તિના કહેવાથી તે ચારેય પેલી ડોશીને આખા ગેસ્ટહાઉસમાં શોધે છે પણ તે ક્યાંય નથી દેખાતી અને ચારેય અવાજના કારણે ખૂબ જ ડરેલા હોવાથી તે ચારેય પેલી ડોશી ન મળતાં રૂમ નંબર-૧૦૧માં સાથે જ રહેવાનું નક્કી કરીને રૂમમાં ચાલ્યા જાય છે.ડરના કારણે કોઈને નિંદર ન આવતી હોવાથી બધા રૂમમાં બેઠા હોય છે.

•ઘડિયાળનો બાર વાગ્યાનો ડંકો જોરથી વાગતાંની સાથે આ ચારેય ડરના ખોફમાં ફફડી ઊઠે છે અને અચાનક તેઓને કોઈ સ્ત્રીના રડવાનો અવાજ આવે છે અને અવાજ સાંભળતાની સાથે જ ચારેય ડરતાં ડરતાં રૂમની બહાર નીકળે છે અને અવાજ ધીમે-ધીમે બચાવો અને એક ભયાનક ચીસોમાં ફેરવાતો જાય છે અને આ અવાજથી ચારેય ખૂબ ડરેલા હોય છે.તેવામાં શ્વેતા અને તૃપ્તિ રડવા લાગે છે અને તે રાહુલ અને મનનને ત્યાંથી ભાગવાનું કહે છે.

•શ્વેતા અને તૃપ્તિ ના કહેવા પ્રમાણે તે ચારેય ગેસ્ટહાઉસના દરવાજા પાસે જાય છે અને અચાનક ગેસ્ટહાઊસની લાઈટો ચાલુ-બંધ થવા લાગે છે અને શ્વેતા ડરથી બેહાલ દોડીને પાછી પોતાના રૂમમાં ચાલી જાય છે,તેની પાછળ રાહુલ,તૃપ્તિ અને મનન પણ રૂમમાં આવીને દરવાજો બંધ કરી દે છે.ત્યાં જોર જોરથી દરવાજો ખખડવાનો અવાજ આવે છે રૂમની અંદર રહેલા ચારેય વ્યક્તિઓ ખૂબ જ ડરે છે અને ડરના કારણે શ્વેતા અમે તૃપ્તિ રડવા લાગે છે તો મનન અને રાહુલના ડરના કારણે પસીના છૂટતા જ જાય છે,છતાં રાહુલ હિંમત કરીને રૂમની અંદરથી બૂમ પાડે છે,કોણ છે?પેલા માજી છો તમે?કોણ છો તમે?આટલું પૂછતાં દરવાજો ખખડવાનો અવાજ શાંત થાય છે, લાઈટ પણ સ્થિર થઈ જાય છે,શિયાળનો રોવાનો અવાજ પણ બંધ થઈ જાય છે અને વાતાવરણમાં એક શાંત સન્નાટો છવાઈ જાય છે.

•આમ,વાતાવરણ શાંત થતાં ચારેય મિત્રો એક હાશકારો અનુભવે છે અને શ્વેતા કોઈને પણ સવાર સુધી રૂમની બહાર નીકળવાની ના પાડે છે.તેથી બધા સવાર સુધી તે રૂમમાં જ રહેવાનું નક્કી કરે છે.

•શ્વેતાની નજર ઘડિયાળ ઊપર પડે છે અને ઘડિયાળમાં ૧૨:૩૦નો સમય જુએ છે અને તે તેના મિત્રોને કહે છે,પચીસ વર્ષ પહેલાંનો ખૂની સમય આજે ફરીવાર રીપીટ થશે.આ સાંભળીને મનન,રાહુલ અને તૃપ્તિ આશ્ચર્યચકિત થાય છે અને ત્રણેય વારંવાર શ્વેતાને પૂછે છે હવે શું થશે?જો તને ખબર હોય તો બોલ અમને બહુ જ ડર લાગે છે.પણ શ્વેતા રોતા રોતા કહે છે,હું ના પાડતી હતી અહીં રાત રોકાવાની અને કહેતી હતી કે મે આ જગ્યા પહેલાં જોયેલી છે પણ મારો કોઈએ વિશ્વાસ જ ન કર્યો.હવે કંઈ જ નહિ થાય બસ ભયાનક રાતના ડરનો અનુભવ જ થશે.

•તેટલામાં ફરીથી કોઈ સ્ત્રીનો જોરજોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો,લાઈટો ફરીથી ચાલુ-બંધ થવા લાગી અને કોઈ કૂતરાનો રડવાનો અવાજ આવવા લાગ્યો.આ બધું જોઈને ચારેય ફરીથી ડરવા લાગ્યા પણ આ વખતે તે સ્ત્રીનો રડવાનો અવાજ બહુ જ ભયાનક હતો છતાં રાહુલ હિંમત કરીને બૂમ પાડે છે,કોણ છો તમે?કેમ રડો છો?રાહુલના અવાજથી તે સ્ત્રીનો રડવાનો અવાજ બંધ થઈને બચાવો....મને બચાવો......નો અવાજ આવવા લાગ્યો.

•આ અવાજ સાંભળીને ચારેય તે સ્ત્રીને મદદની જરૂર છે તેમ માનીને તે અવાજ ક્યાંથી આવે છે તે જોવા જાય છે પણ ચારેયના મનનો ડર તેના મોઢા પરનો પડતો પસીનો ચોખ્ખો બતાવતો હતો.બધા હિંમત કરીને રૂમની બહાર નીકળે છે અને અવાજ સાંભળે છે તો તે અવાજ રૂમ નંબર-૧૦૨માંથી આવતો જણાય છે.

•ચારેય અવાજ પાછળ રૂમ નંબર-૧૦૨ની ચાવી કાઊન્ટર ઊપરથી લઈને રૂમ ખોલે છે તો તે રૂમમાં એક રસ્તો દેખાય છે.તે રસ્તો જાણે કોઈ બાયપાસનો હોય તેવું લાગતું હતું અને રસ્તા પર ઘણું બધું લોહી વેરાયેલું હોય છે.આ જોઈને ચારેય રૂમમાંથી બહાર નીકળવા જાય છે,ત્યાં એક અવાજ આવે છે,ડરશો નહિ મારી મદદ કરો મને મદદની જરૂર છે.આ અવાજની સાથે એક સફેદ પ્રકાશ થાય છે અને તે પ્રકાશમાં એક સ્ત્રીની આકૃતિ દેખાય છે.

•મદદનું સાંભળીને ચારેય ઊભા રહે છે અને પાછળ ફરીને તે સ્ત્રીને પૂછે છે,તમારે શું મદદ જોઈએ છે અમારી?અમે તમારી શું મદદ કરી શકીએ?આમ ચારેયને તે આત્મા મોક્ષના અભાવે ભટકતી હશે તેમ માનીને તેની મદદ કરવા તૈયાર થાય છે.હવે તેમનો ડર પણ થોડો ઓછો થાય છે.

•પણ બધા કરતાં શ્વેતા વધારે ડરેલી હોવાથી તે રાહુલની પાછળ સંતાઈને ઊભી હતી.તેને જોઈને આત્મા બોલે છે,આવી મારી શેતુ મારી અધૂરી ઈચ્છાનો અંત!આ સાંભળીને શ્વેતાના મિત્રો આશ્ચયૅથી તે આત્માને પૂછે છે,અમને કંઈ સમજાયું નહિ તમે શું કહો છો તે અને આ શેતુ કોણ?એવું તો કોઈ અમારી સાથે નથી.

•આત્માએ ખુલાસો કર્યો,પેલી સંતાઈને ઊભેલી છોકરી.રાહુલે પૂછ્યું,આ શ્વેતા જ શેતુ છે?આત્માએ કહ્યું,હા તે જ શેતુ છે.મનનએ પૂછ્યું,તમે શ્વેતાને કઈ રીતે ઓળખો?અને શ્વેતા તમને કઈ રીતે મોક્ષ અપાવી શકે?ત્યારે આત્માએ જવાબ આપ્યો કે,આજથી પચીસ વર્ષ પહેલાં હું અને શ્વેતાના પપ્પાએ આ જ ગેસ્ટહાઉસમાં આ જ રૂમમાં શ્વેતાને જન્મ આપ્યો હતો.પણ મે અને શ્વેતાના પપ્પાએ લવ મેરેજ કર્યા હતા એટલે મારે મારા પરિવાર સાથેના બધા સંબંધો તોડવા પડ્યા હતાં.

•હું શ્વેતાના પપ્પા સાથે બહુ જ ખુશ હતી એટલે મે મારા ભાઈઓ અને મમ્મી-પપ્પાને પણ છોડી દીધા અને આ ગેસ્ટહાઉસ શ્વેતાના પપ્પાનું જ છે.એટલે અમે અવારનવાર આવીને આ જ રૂમમાં ખુશીની પળો માણતા હતા.

•પણ આ ગેસ્ટહાઉસ હોવાથી અહી ઘણા પ્રવાસીઓ આવતા હતા.તેમાં શ્વેતાના પપ્પાને એક છોકરી પસંદ આવી ગઈ અને તે બંને પણ આ જ રૂમમાં મળતા અને અમુક સુખની પળો સાથે માણતા હતા.આવુ બંને વચ્ચે ઘણો સમય ચાલ્યો.

•અને એક દિવસ મારી શ્વેતા ત્રણ વર્ષની થઈ અને હું શ્વેતાના પપ્પાને જાણ કર્યા વગર જ અહીં ગેસ્ટહાઉસે આવી પહોંચી અને આ રૂમમાં આવીને જોયું તો બંનેને આ રૂમમાં મે સાથે જોયા અટલે હું ગુસ્સામાં શ્વેતાને લઈને નીચે હોલમાં આવી ગઈ.

•થોડીવાર પછી શ્વેતાના પપ્પા પણ નીચે હોલમાં આવ્યા અને મને સમજાવવા લાગ્યા.મે તેમના માટે મારો પરિવાર છોડ્યો અને તેમણે મને દગ્ગો આપ્યો હતો.તેથી મારે તેના પર કાનૂની કાર્યવાહી કરવાનું તેને કહ્યું પણ શ્વેતાના પપ્પાને તે મંજૂર ન હતું.તેથી તે મને અને શ્વેતાને લઈને આ રૂમમાં આવ્યા.

•અમે રૂમમાં આવ્યા અને જોયું કે પેલી છોકરી અહીં કંઈક તાંત્રિક વિધિ કરતી હતી.શ્વેતાના પપ્પાએ રૂમનો દરવાજો બંધ કરી નાખ્યો.મે તેને પૂછ્યું કે આ શું છે?તેટલીવારમાં શ્વેતાના પપ્પાએ મને મોઢે હાથ દઈને ચાકુના ઘા મારીને મારી નાખી.

•આટલું બોલતાં તે આત્મા રડી પડી અને આ સાંભળતાની સાથે જ શ્વેતા તથા તેના મિત્રોની આંખ પણ આંસુથી ભરાય આવી.શ્વેતાએ તેની મમ્મીને રડતા રડતા પૂછયું,માઁ તમને મોક્ષ અપાવવા શું કરવું પડશે?કેમકે હું તમારા મોક્ષ માટે ગમે તે કરવા તૈયાર છું અને મમ્મી,પપ્પા ક્યાં છે અત્યારે?

•ત્યારે આત્માએ આગળ જણાવ્યું,બેટા તારા પપ્પા તો પાંચ વર્ષ પહેલાં ગુજરી ચૂક્યા છે પણ મારી હત્યા પછી હું અહીં આત્મા બનીને ભટકતી હતી અને અહીં આવતા તમામ પ્રવાસીઓને આ ગેસ્ટહાઉસમાં ટકવા નહોતી દેતી.પછી તારા પપ્પાએ અને પેલી તાંત્રિક છોકરી સાથે મળીને મને એક દોરામાં એવી રીતે કેદ કરી કે તે દોરો તૂડે તો જ હું મુક્ત થાવ અને તને તારા પપ્પાએ મારી મુક્તિનો દોરો તારા હાથમાં બાંધીને એક અનાથ આશ્રમમાં મૂકી દીધી.

•શ્વેતા રડતા રડતા પૂછે છે,મમ્મી દોરો તોડી નાખું બાંધેલો?આત્માએ કહ્યું,ના બેટા હમણાં નહિ મારી એક ઈચ્છા છે છેલ્લી.રાહુલએ કહ્યું,બોલો જે હોય તે અમે પૂરી કરીશું.આત્માએ કહ્યું,પેલી ગેસ્ટહાઉસમાં જે ડોશી છે તેને મારે મારવી છે કેમકે તેણે જ મારી અને મારા પતિની વચ્ચે આવીને મારી આ હાલત કરી છે.

•શ્વેતાએ કહ્યું,તો અહીં જે ડોશી છે તે તમારી સૌતન છે?આત્માએ કહ્યું હા,પણ હું તેને ગેસ્ટહાઉસમાં નહિ મારી શકુ માટે તેને બહારના હાઈવે ઊપર તમારે લાવવી પડશે,કારણ કે તેણે આ સમગ્ર ગેસ્ટહાઉસમાં પોતાના કાળા જાદુથી મારી શક્તિઓ બાંધેલી છે.તેટલામાં ઘડિયાળમો બે વાગ્યામો ડંકો જોરથી વાગે છે.

•આ સાંભળીને આત્મા બોલે છે,તમે તમારા રૂમમાં જતા રહો તે ડોશી કાળા જાદુ માટે અહીં આવતી જ હશે.આમ,ચારેય પાછા રૂમમાં ચાલ્યા જાય છે અને વિચારે છે કે,ડોશીને હાઈવે પર પહોંચાડવી કેમ.

•શ્વેતા કહે છે,મારા પાસે નિંદરની દવા છે.પણ તે ડોશીને આપવી કેમ?તૃપ્તિ કહે છે,ફ્રીજમાં થોડું માંસ છે તેની સાથે નાખીને તે ડોશીને ખવડાવી તો કામ થઈ જશે.રાહુલ કહે છે,બરાબર ગુડ આઈડિયા.

•થોડીવાર પછી ફરી પાછો ઘડિયાળનો ડંકો જોરથી વાગે છે અને ત્રણ વાગ્યા તો ચારેય પોતાના રૂમમાંથી બહાર નીકળે છે તો અચાનક દરવાજો ખોલતાં પેલી ડોશીને દરવાજા પાસે ઊભેલા જોઈને આ ચારેય ડરી જાય છે.ડોશી બોલે છે,ડરો નહિ હું તમને જગાડવા જ આવતી હતી હું મારા માટે જમવાનું બનાવવા જતી હતી તો પૂછવા આવી છું તમારે ચા પીવાની છે કે નહિ?તૃપ્તિ કહે છે,માજી હું ચા બનાવીને તમને જમવાનું બનાવી આપું તો ચાલશે?ડોશી હસવા લાગી અને બોલી,બેટા હું સવારે ફક્ત કાચું માંસ મીઠામાં પકાવીને ખાવ છું.સામે તૃપ્તિએ જવાબ આપ્યો,માજી હું પકાવી આપીશ.આ સાંભળીને ડોશીએ કહ્યું,ઠીક છે પકાવીને નીચે હોલમાં લઈને આવજે ત્યાં બઠી છું હું.

•આટલું બોલીને તે ડોશી નીચે હોલમાં જાય છે અને શ્વેતા રૂમ નંબર-૧૦૨ માં બધી વાત તેની મમ્મીને જણાવવા જાય છે તો બીજી બાજુ તૃપ્તિ રસોડામાં માંસ પકાવવા જાય છે.

•થોડીવાર પછી શ્વેતા માંસ લઈને નીચે હોલમાં ડોશી પાસે જાય છે અને તેને માંસની પ્લેટ આપે છે.ડોશી માંસ ખાતા જ બેહોશ થઈ જાય છે.કેમકે તે માંસમાં પ્લાનિંગ પ્રમાણે નિંદરની દવા બહું પ્રમાણમાં નાખેલી હતી.જેવી ડોશી બેહોશ થાય છે કે તરત જ ચારેય તેને ઉપાડીને ગાડીમાં નાખીને હાઈવે ઊપર જ્યાં શ્વેતાના મમ્મીની લાશ દાટેલી હતી ત્યાં પહોંચે છે.

•ત્યાં પહોંચતા જ એક દિવ્ય પ્રકાશમાં ફરીથી એક સ્ત્રીની આકૃતિ દેખાય છે અને તે આકૃતિ જોતા શ્વેતા અને તેના મિત્રો ડોશીને ગાડીમાંથી ઊતારીને રસ્તા ઊપર મૂકે છે અને પેલી આત્મા પોતાની દિવ્ય શક્તિઓથી તે ડોશીને મારીને પોતાની ઈચ્છા પૂરી કરે છે અને શ્વેતાને કહે છે,બેટા તારા હાથમાં બાંધેલો દોરો તોડી નાખ હવે અને શ્વેતા રોતા રોતા પોતાના હાથ પર બાંધેલો દોરો તોડે છે અને બોલે છે,મમ્મી બાય આઈ લવ યુ.દોરો તોડતાની સાથે જ તે આત્મા એક તારામાં પરિવર્તિત થઈને આકાશ તરફ જાય છે અને તે તારામાંથી અવાજ આવે છે,ખુશ રહો બધા.

•આમ,શ્વેતાના મમ્મીની અધૂરી ઈચ્છા પૂરી થઈને એક મોક્ષમાં તેની આત્મા પહોંચે છે અને શ્વેતા,રાહુલ,મનન અને તૃપ્તિ આબુ જવાના બદલે પાછા ઘર તરફ વળે છે.

-જયરાજસિંહ ચાવડા