HE TARSHI ATMAO MARA GHARMAATHI CHALI JAAV. books and stories free download online pdf in Gujarati

હે! તરસી આત્માઓ મારા ઘરમાંથી ચાલી જાવ.

આંખ ફાડીને અંધકાર ઊભો હતો, તેના ડરથી અજવાળું હમણાં જ ક્યાંક છપાઈ ગયું હતું, કાળી સાળી ઓઢીને કાતિલ અદાથી નિશા રાણી ધરતીની સેર કરવા નીકળ્યા હતાં, ટાવરના ટકોરા અગિયારના ઇશારા કરતા હતા, તમરાઓનો તિણો અવાજ શરુ થઇ ગયો હતો, તે ગામડાની ગલીઓમાં ભીડ ઓછી અને સન્નાટો ઝાઝો હતો, ઠંડીથી થરથરતા ઘલુડીયા તેની માની સોડમાં લપાઇને શાંતિની નિંદર માણતા હતા, ધીરે ધીરે નિશાની કાળી છાયા ધરતીને માથે કાળૉતરાની માફક આગળ વધી રહી હતી, અને ટાવરે બારનો ટકોરો વગાળ્યો, જોત જોતામાં ઘનઘોર અંધકાર અને નિશાનું સામ્રાજ્ય છવાઇ ગયું.

આવી ઘનઘોર કાળીડીબાંગ રાત્રીમાં કોઈ એક કબ્રસ્તાનમાં, કબરનું ઢાંકણ ખૂલ્યુ અને એક વિકૃત ચહેરો તેમાંથી ધીરે-ધીરે બહાર નીકળ્યો, અને પછી ધીરે-ધીરે આખું શરીર એમ એક ભયાનક દેખાતી લાશ તે કબરમાંથી નીકળી, નીકળતા વેત જ આ શબ ત્યાંથી ચાલવા માડયું, તેનું શરીર જર્જરિત અને ચીંથરેહાલ હતું ,તેના દરેક અંગ માંથી રક્ત ટપકતું હતું,આ શબ લંગડાતું,પડતું ,પછળાતું, આગળ વધતું જતું હતું, રક્તથી લાલ અને ભૂખરા રંગની તેની આંખોની કીકીઓ આમતેમ ફરતી હતી, જાણે કોઇની તલાસ છે આ લાશને. હા આજે નક્કી કોઈના પર કાળો કહેર વરસવનો છે, ચાલતાં-ચાલતાં રસ્તામાં કોઇ લુહાર ના ઘરે તેણે નવો ધારદાર કુહાડો લટકાવેલો જોયો, અને ત્યાંથી તે કુહાડો લઇ પોતાના લક્ષ્ય તરફ આગળ ધપવા લાગ્યું, હવે તો ચોક્કસ ક્યાંક ખૂની ખેલ ખેલાવવાની તૈયારી છે, રસ્તામાં જો કોઇ પ્રાણી કે માણસ મળી જાય તો તેની ખેર જ નથી.

અંધકાર ઘોર નિંદરમાં આળોટતો હતો, આ સબ હવે જંગલનો રસ્તો પાર કરીને એક નાનકળા ગામમાં આવી પહોચ્યુહતુ, અંધારી રાત અને સૂમસામ રસ્તો સ્ટ્રીટ લાઇટના અછા પાતળા અજવાળા અને તેની વચ્ચે કુતરાઓનો ભયંકર અવાજ આશ્વાનની ટોળકી તેના માલીકનુ આવાહન કરી રહી હોય તેમ એક સાથે બિહામણા લયમા ગર્જના કરતી હતી,કોઇ પણ માણસ તેને રસ્તામાં મળ્યુ નહીં તો તેની ખેર જ નહોતી, આજે વર્ષો પછી જો આ સબને પોતાની કબરમાંથી નિકળવાનુ મન થયું છે, તો નક્કી જ તેના મનમાં કોઇ ભયાનક યોજના આકાર લઇ રહી હશે, હવે ગામમાં પ્રવેશ કરીને તે એક ફળીયા સુધી આવી પહોચ્યુ હતુ.

આ ફળીયામાં લોકો પાછલી રાતની ગાઢ નિંદર માણી રહ્યા હતા, ન તો કોઇ અવાજ કે ન તો કોઇ આભાસ થાય તે રીતે આ સબ તેના લક્ષ્ય તરફ આગળ ધપવા લાગ્યું, આખરે તે જીવિત પણ ક્યાં છે, હવે તે બરાબર એક ઘરની પાસે આવીને ઉભુ છે, આ ઘર એક નિવ્રુત શિક્ષક જીવણલાલનુ છે, આ ઘરમાં માત્ર બે જ વ્યકિત ઓ રહે છે, જીવણલાલ અને તેમના પત્ની પાર્વતી બહેન, જીવણલાલને જાણે કે કોઇ અણસાર મળી ગયો જીવન આખું વીતી ગયું છતાં, આવો બિહામણો ચહેરો, તેમણે ક્યાંય નથી જોયો, આંખોમાં બદલાની આગ, વિખરાયેલા વાળ, મોટા-મોટા રાક્ષસી દાંત, શરીરના અંગે અંગમાંથી ટપકતું લોહી, અને ચિથરેહાલ પરિવેશ,જીવણલાલ તો ગભરાઈ જ ગયા આવુ વિચિત્ર પ્રાણી વળી કોણ હશે, અને મારા જ ઘરે કેમ? પરસેવાથી રેબ જેબ જીવણલાલ હિંમત કરીને પોતાના પલંગ માંથી ઊભા થઇને બરાબર ખાતરી કરવાની કોશિશ કરે છે,પણ આ શું? તેઓ પોતાની પથારીમાંથી હાલી કે ચાલી પણ શકતા નથી, જાણે કોઇ અદશ્ય શકિત એ તેમણે જક્ળી રાખ્યા હોય? કોઇ બંધનોમાં બાંધી રાખ્યા હોય? હવે તેમના ડરની કોઇ સીમા જ ન રહી, જોત જોતામાં પેલા બિહામણા સબે પેલા કુહાડાની મદદથી તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી નાખ્યું અને એકાએક ઘરમાં પ્રવેશ કર્યો, અને જીવણલાલની બાજુના પલંગમાં સુતેલા તેમના પત્ની પર ઉપરા છાપરી કુહાળાથી ઘા કરવા લાગ્યું, અને જોતજોતામાં તો પર્વતી બહેનના નાંના-નાંના ટુકળા કરી નાંખ્યાં, પોતાના પત્નીને બચાવવાની જીવણલાલે લાખો કોશિશ કરી પણ તમામે તમામ વ્યર્થ,કારણ કે તેઓ પોતાની જગ્યાએથી હલન ચલન પણ નહોતા કરી શક્તા, કોઇ મજબૂત કદાવર માણસના બાહુપાશ માં જકળાઇ ગયા હોઇ તેવી તેમણે અનૂભુતી થતી હતી, બીજી તરફ પેલું ભયાનક સબ પોતાના કામને અંજામ આપીને ચાલ્યુ જાય છે, પર્વતી બહેનનુ કતલ તો તેણે કરી નાખ્યું પણ જીવણલાલને તેણે કેમ છોડી દીધા હશે? પેલા સબના ગયા પછી જીવણલાલના તમામ બંધનો છુટી ગયા, તેમણે પાર્વતી......ઓ....પાર્વતી એમ મોટે -મોટેથી બૂમો પાડી,એટલામાં જ બાજુમાં સુતેલા પર્વતી બહેન ચોકીને જાગી જાય છે, જીવણલાલ આ દ્રશ્ય જોઇને ડઘાઇ જ ગયા, આશ્ચર્ય સાથે પાર્વતી બહેન સામું જોઇ પૂછવા લાગ્યા કે, પર્વતી તુ જીવિત છે? પેલું શબ...................

અરે! ભગવાન મને શું થવાનું છે? હું તો ક્યાંરનીય ગાઢ નિંદરમાં સુતી હતી, આતો તમારી બૂમો સાંભળી એટલે જાગી ગઇ, તમે પણ શું? દિવસે તો દિવસે રાત્રેય નકામી ચિંતાઓ કર્યા કરો છો નથી સુતા કે નથી સુવા દેતાં, તમે નક્કી કોઇ ભયાનક સ્વપ્ન જોયું લાગે છે. હા પાર્વતી તુ સાચું જ કહે છે, મે એક ભયાનક સ્વપ્ન જોયું છે.

પસીનાથી રેબજેબ જીવણલાલ પોતાના સ્વપ્ન વિશે જણાવે છે. પાર્વતી મે સપનામા જોયું કે કોઇ ભયાનક સબ એક ધારદાર કુહળો લઇ આપણા ઘરમાં પ્રવેશ્યુ અને જોત-જોતામાં તારા નાંના-નાંના ટુકડા કરી નાંખ્યાં.

હે! ભગવાન લ્યો વળી પાછું શું થઇ ગયું તમને, “ મરેલા તે કુહાળા લઇ ને ફરતા હશે!” અને એ શું મને મારવાનું જે પહેલાથી જ મરેલું છે? તમે આ બધી નકામી ચિંતાઓ છોડો અને ઊંઘ ના આવતી હોય તો પેલી ઉંઘની દવાઓ લઇ શાંતિથી સૂઈ જાવ.

ના..પાર્વતી...ના મારે દવાની કોઇ જ જરૂર નથી, મને લાગે છે કે પેલી તરસી અત્માઓ એ આપણા ઘરમાં પાછા ધાંમા નાખ્યા છે, તેથી મારે આપણા ઇષ્ટ દેવ અને પુર્વજોનુ આવાહન કરવું જોઇએ, જેનાથી પેલી આત્માઓ આપણા ઘરમાંથી જતી રહે, મને તુ અગરબત્તીઓ આપ......

અરે રામ, પાર્વતી બહેને નિસાસો નાખતા કહ્યું, દિવસ આંખો અડધા-અડધા કલાકે ધૂપ ધૂમાડા કરે જ રાખો છો તોયે તમારા ઘરમાંથી ભૂતડા ભાગતા જ નથી?

અરે પર્વતી તને અક્કલ બક્ક્લ છે કે નહીં, ચૂપ થા... ચૂપ...તુ આમ કહી મારા ઇષ્ટ દેવ અને પેલી આત્માઓનુ અપમાન કરે છે.

તમારી જોડે તો માથાકૂટ કરવી જ બેકાર છે, કેટલાય દિવસથી કહું છુ કે કોઇ ભૂવા તાંત્રીકને બોલાવો....................પાર્વતી બહેન ફરી નિસાસો નાખતા બોલ્યા.

બસ..... બસ ... હવે ચૂપ થા એક દમ ચૂપ. જરા ગુસ્સા ભર્યા અવાજે જીવણલાલ તાડુક્યા.

પાર્વતી બહેન મોં ચઢાવી ને ઘરમાં ગયા અને પાંચ-સાત અગરબત્તેઓ લાવી જીવણલલને આપી, લ્યો આ, તમારો ભૂતડાં ભગાડવાનો સામાન ધ્રૂમાડા કર્યે જ રાખો.

લગભગ રાત્રીના બે વાગ્યા હશે, જીવણલાલે અગરબત્તીઓ પ્રગટાવી,અને હનુમાન ચાળીસા બોલતાં બોલતાં આખા ઘરના ખૂણે- ખૂણે ફરી વળ્યા. હનુમાન ચાળીસ પૂરી થઇ ના થઇ કે વચ્ચે- વચ્ચે બોલતા કે “ હૈ તરસી અત્માઓ મારા ઘરમાંથી ચાલી જાવ” આ તો જીવણલાલનો નિત્ય ક્રમ બની ગયો હતો થોડા થોડા કલાકના અંતરાલે તેમના મનમાં કોઇ વિચાર ફૂટે અને અગરબત્તી પટાવી આખા ઘરમાં ફરી વળે, લગભગ આઠેક મહિનાથી જીવણલાલ આ પ્રકારે વર્તન કરતા હતા.

પાર્વતી બહેનને ક્યારેક-ક્યારેક શંકા જતી કે નક્કી તેમના પતિને કોઇક વળગાડ છે. ક્યારેક ક્યારેક પાર્વતી બહેન તેમને આ વિશે પૂછતાં કે ક્યાં છે, આત્માઓ મને તો કહો પણ જીવણલાલ અતિશય ગભરાઈ જતા. અને કહેતા કે મને ક્યાંય કોઇ ભૂત પ્રેત કે આત્મા નથી દેખાતી પણ મને એકના એક વિચારો સતત ઘેરી વળે છે, કે, આપણા ઘરમાં પ્રેતાત્મઓનો વાસ છે. હું અતિશય ચિંતિત થઇ જાવ છું અને આત્માઓ તને કે મને નુકસાન ન પહોચાડે એટલા માટે હું આપણા ઘરના ખુણે ખુણાને અભિમંત્રીત કરું છું, જ્યાં સુધી હું આમ નથી કરતો ત્યાં સુધી મને કાંઇ જ ચેન વળતું નથી. જ્યારે હું આખા ઘરને અગરબત્તીઓ વડે અભિમંત્રીત કરી દઉં એટલે પેલી અત્માઓ થોડા વખત માટે આપણા ઘરમાંથી ચાલી જતી હશે? બસ.... ત્યાર પછી જ મને અઢળક શાંતિ મળે છે. થોડા સમય માટે જાણે કે હું બિલકુલ સ્વસ્થ છું, મને કાંઇ થયું જ નથી તેવી અલૌકિક અનૂભુતી થાય છે, અને પછી જેમ-જેમ દિવસ વિતતો જાય છે, તેમ તેમ મારી બેચેની વધતી જાય છે, માર વિચારો ફરી પાછા ચાલુ થઇ જાય છે, જાણે કે પેલી અત્માઓ ફરીથી આપણા ઘરમાં પાછી આવી ગઇ, મારે આ પ્રેતાત્માઓથી કાયમી છુટકારો મેળવવાનો માર્ગ શોધવો જ પડશે.....

જીવણલાલ રોજની આવી માથાકુટથી અતિશય પરેશાન છે, પોતે નિવ્રુત છે તેથી કામની તો કાઇજ ચિંતા નથી,પહેલાતો તેઓ તેમના મિત્રો પાસે ગામના ચોતરે બેસવા માટે પણ જતા હતા, પણ જ્યારથી આ આત્માઓએ એમના ઘરમાં ધામા નાંખ્યાં છે, ત્યારથી તેમનું જીવવું જ હરામ થઇ ગયું છે, રાત દિવસ એક જ ચિંતા પીછો જ નથી છોડતી,અરે! ચિંતા ન કરવી હોય તોયે થાય જ અને પછી, ભૂતડાઓને ભગાડવા માટેની વીધી શરૂ........

રાતતો વિતી ગઇ અને સોનેરી સવાર પડી ગઇ, જીવણલાલ ચા ની ચુશ્કીઓ ભરતા હતા,

એટલા માં કોઈએ હોકારો કર્યો......... માસ્તર......ઓ....... માસ્તર......... આ જીવણલાલ માસ્તરનું ઘર આ જ ને કે પછી ઘર છોડી ચાલ્યા ગયા....પાર્વતી બહેને બહાર ડોકિયું કર્યું........... અરે! ગોવર્ધન ભાઇ આવો.....ઘણા દિવસે પધાર્યા (પાર્વતી બહેન બોલ્યા)

જયશ્રી કૃષ્ણ ભાભી....ક્યા ગયા જીવણલાલ માસ્તર...........

એ જયશ્રી કૃષ્ણ ગોવર્ધન ભાઇ તમારા ભાઇ તો એ રહ્યા ઘરમાં ચા પીવે છે.

ગોવર્ધન ભાઇ ઘરમાં ગયા........જીવણલાલ પાસે જઇને બોલ્યા અરે! માસ્તર... તબિયત તો ઠીક છે,ને......

અરે હા ભાઇ......... ધીમા સ્વરે જીવણલાલ બોલ્યા.

તમે કેટલાય દિવસથી મળ્યા નથી,કે નથી તમારો ફોન આવતો મને થયું કે લાવ મળી આવુ........

સારું થયું મળવા આવ્યા તે એ બહાને મારું ય મન હળવું થાય.....

ચોક્કસ હો. માસ્તર, પણ મને તમારામાં પહેલા ના જેવી તાજગી અને સ્કુર્તી નથી, દેખાતી મને લાગે છે, કે, તમે વાતો તો મારી જ જોડે કરો છો પણ તમારું મન ક્યાંક બીજે ભટકે છે, (ગોવર્ધનભાઇ જીવણલાલના હાવભાવ પારખી ગયા)

જો દોસ્ત આતો ઉમર થઇ હવે. શરીરમાં નાની મોટી બિમારી તો આવવાની જ મને ય ડાયાબિટીસ અને હાઇપર્ટેસન બન્ને ય એક સાથે છતાંય હું મોજ થી જીવું છું. આવી કોઇ બિમારી અંગે તને ચિંતા હોય તો મને કહે......તારા ચહેરા પર એ સાફ વર્તાય છે, કે તું બિમાર છે......ગોવર્ધનભાઇ બોલ્યા.

ના......ના...... હું તો એકદમ ફીટ છું........... મને આવી કોઇ બિમારી નથી.

તો પછી એ હસતો રમતો મજાકીયો જીવણ ક્યાં ખોવાઈ ગયો.

કાંઇ નહીં યાર શાંતિથી બેસને.........

ના.......ના...... હું અહીં શાંતિથી બેસવા માટે નથી આવ્યો હું તો મારા નાણપણના મિત્ર જીવણીયા હારે મજાક-મસ્તી કરવા આવ્યો છું. હવે આ જ તો સમય છે, ફરીથી બાળપણમાં સરી પડવાનો આપણે ૬૫ તો વટાવી ચૂક્યા. કોણ જાણે હવે ક્યારે ભગવાનના ત્યાંથી સંદેશો આવી જાય અને ઉપરની ટિકિટ ફાટી જાય. આ નિવ્રુતીનો સમય જ એવો છે, કે, જેમાં આપણે હરી-ફરી શકીએ, એકબીજા સાથે મળીને મનની વાત કરી શકીએ, અરે! હુ ક્યાં તને આ બધુ કહેવા બેસી ગયો. તુ તો અમારા બધાય કરતાં હોશિયાર છે, પણ ચાચુ કહું દોસ્ત રાત્રે અમે બધાય જ્યારે. ચોતરે બેસવા જઇએ છીએ ત્યારે તારા વગર આખી મહેફિલ ફીક્કી લાગે છે, અરે પેલા પ્રકુલભાઇ, રમેશ ભાઇ અને પ્રવિણ ભાઇ તને ખુબ જ યાદ કરે છે.... હું જ ક્યારનોય બોલે જાઉં છું. તું તો કાંઇ બોલતો જ નથી જીવણ.

શું કહું યાર જીવનમાં પહેલી વખત એવો સમય આવ્યો છે, કે જ્યાં મને કાંઇ સમજતું નથી. શું થવા બેઠું છે, શું થશે,અને આ જીંદગી મને ક્યાં લઇ જશે. આ બધુ જ મારી સમજથી પર છે, જીવણલાલ પોતાના મનનો ભાર ઠાલવતાં બોલ્યા.

તું શું કહેવા માગે છે, કાંઇ સમજાય એવું બોલ જીવણ.

હં........મને એમ લાગે છે કે, આ ઘર ઘર મટીને ભુતમહેલ બની ગયું છે. મને દિવસ આખોય એકના એક વિચારો આવ્યા કરે છે, મને જાણે આ ઘરમાં પ્રેત રહેતા હોય એવા વિચારો આવ્યા જ કરે છે, અને પછી હું એ વિચારોને શાંત કરવા, માટે મારા પૂર્વજોનું અવાહન કરું છું, દેવી દેવતાઓ નું આવાહન કરું છું, પછી જ મારા વિચારો શાંત થાય છે,પણ બસ એકાદ કલાક માટે જ પછી તો એની એજ સ્તિથિ મારી આ પરિસ્થિતી નુ મને કોઇ કારણ જડતુ નથી અને હું આખો દિવસ એની એ જ ચિંતાથી ઘેરાયેલો રહુ છું..........

જીવણ લાલે આખરે પોતાના મિત્ર સામે પોતાના મનનો ડૂમો ઠાલવી દીધો.

આ તો ભારે અચરજ ભરી વાત છે, જીવણ....સ્વાભાવિક છે, આવુ થાય તો કોઇ પણ વ્યક્તિ હેતબાઇ જ જાય....પણ તે

મને આટલું બધુ થઇ જવા છતાં, કાંઇ જણાવવાની તસ્દી સુધ્ધાં ન લીધી, અરે! મને એક ફોન કર્યો હોત તો હું અડધી રાત્રે ચાલ્યો આવત.

કોણે કહું હું આ બધુ આજે મારો દીકરો જો હયાત હોત તો........( જીવણલાલનો અવાજ ગળામાં જ રૂધાઇ ગયો) અને તે ચોધાર આંસુએ રડી પડ્યા..................

જીવણલાલનો એક એક દીકરો તેની પત્ની અને ચાર વર્ષના પુત્ર સાથે એક અકસ્માતમાં મ્રૃત્યુ પામ્યો હતો.

જીવણલાલને નિવ્રુત થયે હજુ વર્ષ પણ નહોતું થયું, અને તે પોતાના દીકરાના મ્રૃત્યુના સમાચાર સાંભળી અંદરથી ભાગી પડ્યા હતા.

અરે! રડવાનુ બંધ કર, જીવણ....... સૌ સારાવાના થશે, આપણે બન્ને મળીને તારા ઘરમાંથી બધાય ભૂતડાઓને હાંકી કાઠીશુ. જ્યા સુધી તારી આ સમસ્યાનુ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હું તારી પાસેથી ખસવાનો નથી. ગોવર્ધનભાઇએ આશ્વાસન આપતા કહ્યું.

પણ આનું તે વળી શું નિરાકરણ હોય? આપણે એ અગોચર શક્તિનો સામનો કઇ રીતે કરી શકીશું? અરે! હું તો હમણાં જ આ ઘર છોડીને ચાલ્યો જાઉં પણ આ ઘર સાથે મારા દીકરાની યાદો જોડાયેલી છે, જીવણલાલે રડમસ અવાજે કહ્યું.

જીવણ મને એનુ નિરાકરણ જડી ગયું છે, હું એક તાત્રીકને ઓળખું છું જે ગમે તેવા ભયાનક ભૂતડાઓને પણ પોતાના વશમાં કરી લે છે, આજે રાત્રે જ હું તેણે તારા ઘરે લઇ આવવાની વ્યવસ્થા કરી આવુ છું........... હું હવે રજા લઉ.

ભલે............ જીવણભાઇએ ધીમા સ્વરે પ્રતિભાવ આપ્યો.

દિવસ આખો આમ,જ ચિંતાઓમાં પસાર થઇ ગયો. આજે પણ બે વખત જીવણ લાલે ભૂતડાઓને આહુતિ આપી હતી,રાત્રીના દશ વાગ્યા છે, જીવણલાલ તેમના મિત્રની રાહ જોતા બેઠા છે, છાતીના ધબકારા હેંઠા બેસતા નથી, આજનીયરાત કાલની જેમ જ જશે કે, શું એવા વિચારોમાં જીવણલાલ ગુચવાયેલા છે, ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા,તેઓ પોતાના સોફા ઉપરથી સફાળા ઊભા થયા, અને દરવાજો ખોલ્યો, ગોવર્ધનભાઇ તેમની સાથે પેલા તાત્રીકને લઇને આવ્યા હતા.

જીવણલાલે બન્નેને પ્રેમથી આવકાર્યા.

તાત્રીકે ઘરમાં આવતાની સાથે જ પોતાની મોટી-મોટી આંખોથી ચારેયકોર દ્રષ્ટી ફેરવી અને આખા ઘરનું નિરીક્ષણ કર્યું,અને ખોંખારો ખાઈને બોલ્યો કે,ઘરમાં માથે ભારે શંકટના એંધાણ વર્તાય છે, કોઇ ભયાનક અગોચર શક્તિએ આ ઘરમાં ધામા નાંખ્યાં છે, ઘરમાં ફેલાયેલા કાળા વાદળોયુક્ત આ અંધકારના સામ્રાજ્ય ને હું સ્પષ્ટપણે જોઇ શકું છું, ભાઇ તમારી જરૂર જ કોઇ મોટી ભૂલ થઇ છે,કે જેથી આ અંધકારનો સ્વામી તમારી ઉપર કોપાયમાન થયો છે, અને તમને દેખા દીધા છે.

કાંઇ સમજાય એવું સ્પષ્ટ કહો બાપુ, અમારી તે એવી કઇ ભૂલ થઇ છે. જીવણલાલે બે હાથ જોડી ગભરાયેલા સ્વરે પેલા તાત્રીકને કહ્યું.

તમારી ભૂલોને શોધવાનુ અને આ પ્રેતાત્માઓની માગણીઓને સમજવાનું કામ ઘણું જ અઘરું છે, હું તમને એમ કાંઇ ના કહી શકું, આ બધી સ્પષ્ટતા કારવા સારુ મારે પાટે બેસવું પડશે.......... ( કાળી શકિતીઓના માલિક એવા પેલા તાત્રીકે અભિમાનથી કહ્યું).

બાપુ તમને યોગ્ય લાગે તે કરો પણ આ ઘરમાં મને શાંતિની સ્થાપના કરી આપો (જીવણલાલે જવાબ વાળ્યો)

તાત્રીકે ચાર આસનિયા મંગાવ્યા, અને એક બાજુ જીવણલાલ, બીજીબાજુ તેમના પત્ની અને ત્રીજી બાજુ ગોવર્ધનભાઇતથા એ ત્રણેય ની સામે પેલો તાંત્રિક બેઠો, હવે તાત્રીકે કાળી શક્તિઓનુ આવાહન શરૂ કર્યું, વાતાવરણ અતિશય શાંત હતું, પેલા ત્રણેય વિસ્મય ભરી નજરે તાત્રીકને તાકી રહ્યા છે, તાંત્રિક પોતાના કાર્યમાં મશગૂલ મનોમન મંત્રોચ્ચાર કરીને સફેદ કાપડ ઉપર દાણા નાખીને કાંઇક સંશોધન કરી રહ્યો છે, થોડી મિનિટો પછી, શાંત વાતાવરણમાં થોડો અવાજ આવ્યો, અને ત્રણેય જણની આતુરતાનો અંત આવ્યો.

જીવણભાઇ વીધી કરાવી પડશે. આ જગ્યા ભયાનક છે, આ જગ્યા ઉપર પહેલાના સમયમાં કોઇની કબર હતી, એ વ્યકિતને કોઈએ ખૂન કરીને અહીં દાટી દીધો હતો, તેનો અતૃપ્ત આત્મા વર્ષોથી આ ઘરમાં ભટક્યા કરે છે, અને વારેવારે તમને હેરાન કરવાની કોશિશ કર્યા કરે છે. (વીસેક મિનિટના સંશોધન પછી પેલો તાત્રીક બોલ્યો)

હા, બાપુ તમે કહો એમ ઠીક પણ મને તો એક જ વાતની પરેશાની છે, મને લગભગ ત્રણેક મહિનાથી એક જ પ્રકારના વિચારો આવે છે, અને એ વિચારોને શાંત કરવા માટે હું અગરબત્તીઓ લઇને આખા ઘરમાં ફરી વળું છું, અને દેવી-દેવતાઓનુ અને મારા પૂર્વજોનું અવાહન કરવા લાગુ છું. પણ યક્ષપ્રશ્ન એ છે કે, આવા વિચારો મારા મગજમાં દાખલ કોણ કરતું હશે? અને વળી, ઘર આખામાં અગરબત્તીઓ લઇને ફરી વળવાની યુક્તિ કોણ સુજાડતુ હશે? જીવણલાલે કહ્યું.

મારા આ વિચારોની તકલીફ વિશે મને તમારા મિત્રએ રસ્તામાં બધી જ વાત કરી છે, જેનો ઉકેલ હું તમને વિગતે જણાવું છું, પણ એ સિવાય જો તમારી અન્ય કોઇ તકલીફ હોય તો મને જણાવો,........... તાત્રીકે કહ્યું.

ના બાપુ આ સિવાય તો ઘરમાં બધીય વાતની શાંતિ છે. જીવણલાલે જવાબ વાળ્યો.

તો પછી ધ્યાનથી સાંભળો, તમારા ઘરમાં કોઇ યુવાનનુ મૃત્યુ થયું છે, કે તાત્રીકે ભુતકાળને ફંફોસતા પૂછ્યું.

હા બાપુ મારા જુવાન દીકરા વહુ અને પૌત્રનુ............

બસ, આ લોકો જ આજ સુધી તમારી રક્ષા પેલા દુષ્ટાત્માથી કરી રહ્યા છે, તમારો જ પુત્ર તમારા મનમાં આ વિચારો લાવે છે, તમને એ વાતનો અણસાર આપી જાય છે, કે, આ ઘરમાં પ્રેતાત્મઓનો વાસ છે, આ પ્રેતાત્માઓની શક્તિઓને કમજોર કરવા માટે અગરબત્તીઓ વડે તમે તમારા ઇષ્ટદેવનુ આવાહન કરો છો એ પણ તમારો દીકરો જ તમારી પાસે કરાવે છે, પણ આ પ્રેતાત્મા ઘણો જ શક્તિશાળી છે, જે થોડી-થોડી વારે પાછો તમને હેરાન કરવા માટે આવી જાય છે,પણ તમે જે કરો છો તે કોઇ કાયમી ઇલાજ નથી, તમારે એ અતૃપ્ત આત્માની શાંતિ માટે તાત્રીકવિધી કરાવી જ પડશે. તાત્રીકે ભારે આત્મવિશ્વાસથી પોતાની વાત ત્રણેય વ્યક્તિઓ સમક્ષ મુકી.

શું વાત કરો છો બાપુ, મને તમારી વાત યથા યોગ્ય લાગી, જીવણ લાલ પોતાના આસનિયા પર સહેજ ઠેક્ળો મારીને હરખ સાથે બોલ્યા.............

જીવણલાલને ખરે-ખર હવે તાત્રીક ઉપર વિશ્વાસ બેઠો, મહિનાઓથી કાળા વાદળોના અંધકાર હેઠળ ઘેરાયેલા તેમને આજે પ્રકાશનુ એક કિરણ દેખાયું, અને હવે પોતે તાંત્રીકના કહ્યા પ્રમાણે જ ચાલશે એવો મનોમન નિશ્ચય કરી લીધો. અને હરખ સાથે બોલી ઉઠ્યા કે, બાપુ આ પ્રેતાત્મથી છુટકારો મેળવવાના કાયમી ઉપાય રૂપે અમારે શું કરવું પડશે?

બસ માત્ર એક નાનકડી વીધી, અને એ પણ આત્યારે જ કરવી પડશે કારણ કે સવારની ટ્રેનમાં મારે મધ્યપ્રદેશ જવાનું છે, અને પછી હું ગુજરાતમાં ક્યારે પાછો આવુ તેનુ કાંઇ જ નક્કી નથી.

ભલે બાપુ, તમે અત્યારે જ જે કાંઇ કરવાનું છે, તે કરો અને માર ઘરમાં શાંતિની સ્થાપના કરી દો. જીવણલાલે તત્પરતા દાખવતાં કહ્યું.

તાત્રીકે, તેના થેલામાંથી તાત્રીક વિધિની સામાન્ય માણસે ક્યારેય ન જોઇ હોય તેવી, અનેક વસ્તુ કાઢી, અને એક ઘડો મંગાવી આ બધી વસ્તુઓ તેમાં ભરી દીધી. અને ઘટા ઉપર કાળુ કપડું બાંધી બરોબર ઘરની મધ્યમાં ખાળો કરાવીને તેમાં પેલો ઘડો દફનાવી દીધો...............

લ્યો........તમારી વીધી આખરે પૂર્ણ થઇ. હવે તમે આ ઘરમાં શાંતિથી રહી શકો છો. કોઇ પણ પ્રેતાત્મા તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. તાત્રીકે કહ્યું.

જીવણલાલે હવે સંપૂર્ણ વિશ્વાસ સાથે હાશકારો અનુભવ્યો. અને ઊંડો શ્વાસ લઇ.............હવે પછીનું નવું જીવન કેવું શાંતીપૂર્ણ હશે તેવી અલૌકિક કલ્પનામાં સરી પડ્યા..........

ગોવર્ધનભાઇએ તેમને ઢંઢોળતા કહ્યું, અરે! પાછો ક્યાં ખોવાઈ ગયો જીવણ બાપુને તેમની દક્ષિણા આપીને વિદાય કરવાની વેળા આવી ઘડિયાળ સામું તો જો ચાર વાગવા આવ્યા.............

લગભગ આઠેક હજાર રૂપિયા વસૂલ કરીને પેલો તાંત્રિક પોતાના રસ્તે ચાલતો થયો............... હવે સવાર પડ્યું અને ગોવર્ધનભાઇએ પણ વિદાય લીધી.........

તાત્રીક વીધી કરાવ્યા પછી, જીવણલાલ ખુબ જ ખુશ હતા, તેઓ રોમાંચિત થઇ ઉઠ્યા પણ આ ખુશી વધારે સમય ટકી શકી નહીં.............. વળી પછી અણધારી રાત આવી અને તેમના જીવનમાં પાછા કાળા વાદળો છવાઇ ગયા...... એટલે કે તેઓ પહેલાની જેમ જ અગરબત્તીઓ લઇને પૂર્વજો અને દૈવી શકિતીઓનું આવાહન કરવા લાગ્યા.............

પાર્વતીબહેન પતિનું આવુ વર્તન જોઇને ભારે ચિંતામાં ડૂબી ગયા.....અને ગોવર્ધનભાઇને ફોન કરી ઘરે બોલાવી લીધા.

સફાળા ગોવર્ધનભાઇ તેમના ઘરે આવ્યા. અને પોતાના મિત્રનુ પાછું એ જ પ્રકારનુ વર્તન જોઇને પોતે તાંત્રિક વીધી કરાવડાવી ખોટે રસ્તે પૈસો વેડફાવ્યાનો તેમણે વસવસો થવા લાગ્યો............

પાર્વતીબહેન અને ગોવર્ધનભાઇ જીવણલાલને એકી નજરે બસ જોઇ જ રહ્યા............. જોઇ જ રહ્યા..................

ફ્લૅશબેક એન્ડ પર્દાફાશ

જન સામાન્યની દ્રષ્ટીમાં તો આ ઘટના ભૂત-પ્રેત અને અલૌકિક શકિતઓના કિસ્સાઓથી ભરપુર અને અગોચર ઘટના લાગે એ સ્વાભાવિક છે. આ કથાનકમાં એક વુધ્ધની વ્યથા પ્રગટ થાય છે. જે ખરેખર આશ્ચર્યમાં ડૂબેલા છે, કે અચાનક જ આ ઘરને કોની નજર લાગી ગઇ, પોતાનું વર્તન અચાનક જ કેમ બદલાઈ ગયું, સમયાંતરે આવતા ભયાનક સ્વપ્નો અને તે હકીકતમાં બદલાઈ જવાની ચિંતા, પોતાને જ્યારે સ્વપ્ન આવ્યું ત્યારે કોઈના બાહુપાશમાં બંધાઈ ગયા હોય તેવી અનુભૂતિ, આ ઘરની જમીન નીચે કોઇ લાશ દફન હતી તે હકીકત તાત્રીકે પોતાની શક્તિઓ દ્વારા જાણી તેથી તેનામાં દૃઢ વિશ્વાસ, વીધી પછી પણ ફરીથી તે જ વર્તનનું પુનરાવર્તન, શું ખરેખર કોઇ અગોચર શક્તિના માલીકની દેન છે? જેવા અનેક પ્રશ્નો વાચકના મનમાં ઉદભવે તે સામાન્ય છે, હવે તેના વિશે આપણે એક પછી એક વૈજ્ઞાનિક જવાબ મેળવીશું.

સૌ પ્રથમ તો આ એક અતિશય સામાન્ય ઘટના છે, નહિ કે, કોઇ અલૌકિક, જીવણભાઇને વારંવાર જે વિચારો આવેછે, અને તેના લીધે તેઓ અગરબત્તીઓ વડે પોતાના ઘરને અભિમંત્રીત કરે છે, તે કોઇ ભૂત પ્રેત ની શકિતીના કારણ એ નહીં, પણ તેમના મનમાં ઉત્પન્ન થતા આવેશ યુક્ત વિચારોના દબાણ ના વશ થઇ ને તેઓ આ પ્રકારનું વર્તન કરે છે,ખરેખર તો તેઓ એક માનસિક બિમારીથી પિડાય છે જેને મનોચિકિત્સામાં ઓબ્સેસીવ ક્મ્પઝીવ ડીસઓર્ડર (ઓ.સી.ડી.)એટલે કે આવેશ યુક્તાગ્રહ વળગણ તરીકે ઓળખવામાં આવે છે, આ એક ચિંતાના રોગ હેઠળ જ વર્ગીકૃત થયેલી બિમારી છે, જેમાં દર્દી ને એક જ પ્રકારનો કોઇ ચોક્કસ વિચાર વારંવાર આવ્યા કરે છે, અને તે વિચારનો અમલ કરવાનું મન થાય છે, આવા નિરંતર આવતા વિચારો નકામા જ હોય છે. જો તમે એકની એક વસ્તુને વારંવાર અડકો છો, ગનોછો,કે એક જ પ્રકારનુ કાર્ય વારંવાર કરો છો દા.ત. ઘરના મુખ્ય દરવાજે તાળું માર્યું હોવા છતાં વારંવાર તપાસ કરવી. વારંવાર હાથ ધોવા વગેરે. તો તેને આવેશયુક્તાગ્રહ વળગણ એટલેકે ઓબ્સેસીવ કમ્પલસીવ ડીસઓર્ડર કહે છે,

ઓબ્સેસીવ કમ્પલસીવ ડીસઓર્ડરમા બે પાસાઓ મુખ્ય છે, એક તો ઓબ્સેસન એટલે કે “ મનમાં વારંવાર ઉત્પન્ન થતા એકના એક વિચારો” આવા વિચારો વ્યકિતને ચિંતિત કરી મૂકે છે, વ્યક્તિ પોતે જાણે છે, કે આવા વિચારો નકામા જ છે, છતાંય તે પોતે આવા વિચારોને આવતા રોકી શકતો નથી. અને બીજું પાસું છે, કમ્પલ્ઝન એટલે કે, “ મનમાં પેદા થતા વિચારોના આંતરિક દબાણથી પ્રેરાઈને તે વિચારોનો ક્રિયા સ્વરૂપે અમલ કરવો” આ રોગમાં દર્દી ને કાંઇક આવા વિચારો આવે છે, જેમકે, સાફ-સફાઈના વિચારો જેના પગલે વારંવાર નાહવું, વારંવાર હાથ ધોવા, વારંવાર ભગવાનના દર્શન કરવા, વારંવાર લાઇટ,ગેસ,તાળું વગેરે બંધ કર્યા છે, કે કેમ તે તપાસવું, કોઈકને સેક્સ ના વિચારો આવ્યા કરે છે, કોઈકને તે પોતે બીજાને નુકસાન તો નહીં પહોંચાડી દે ને તેવા વિચારો વારંવાર આવ્યા કરે છે, અને તે જ પ્રકારનું ચોક્કસ વર્તન વારંવાર કરવાનું દબાણ મનમાં રહ્યા કરે છે, પણ આ બધા જ વિચારોમાંથી દર્દીને કોઇ એક જ ચોક્કસ વિચાર આવે છે, આ બધા જ વિચારો એક સાથે આવતા નથી, આવા દર્દીઓ ને આવતા વિચારોનું લિસ્ટ ઘણું લાંબુ બની શકે છે, અને ઘણાં જ વિચિત્ર પ્રકારના આ વિચારો હોય છે. સામાન્ય રીતે આ વિકારથી પીડાતી વ્યકિતને ચિંતાતુર કરી મૂકે તેવા વિચારો આવ્યા કરે છે, ગભરામણની અનૂભુતી થાય છે, અને તે પોતાની ચિંતા ઓછી કરવા માટે અમુક ચોક્કસ પ્રકારનુ કાર્ય સતત કર્યા કરે છે, આ વિકારથી પિડીત વ્યક્તિના મનમાં ક્યારેક ક્યારેક કોઇ તસવીર ફર્યાં કરે છે, જેમકે કોઇ નજીકની વ્યકિતનુ મૃત્યુ થઇ ગયું છે તેમ, અથવા પોતે કોઇની સાથે મારા મારી કરી રહ્યા છે, આ પ્રરકારના માત્ર વિચારો જ આવે છે, આ લોકો ઉગ્ર બનતા નથી, પરંતુ તે વિચારોને દબાવવાના હેતુથી ચોક્કસ ક્રિયા કે વર્તન કર્યા કરે છે. આ વાર્તા માં પ્રસ્તુત જીવણલાલ એ ઓ.સી.ડી. થી પિડાય છે, તેમના એકના એક દીકરાના મ્રૃત્યુન પછી તેઓ અતિશય ચિંતિત થઇ જાય છે, લોકો પાસેથી સાંભળેલી વાતોથી આ ઘર કોઇ ગોજારી ઘટનાનુ સાક્ષી છે, અને તેઓ પોતે આઘરમાં રહીને બરબાદ થઇ જશે તેમની પત્નીનું પણ મ્રુત્યુ થઇ જશે અને તેઓ સાવ એકલા પડી જશે, એવા વિચારો તેમના અંતર મનમાં ઘર કરી ગયા છે, તેથી તેમને એકના એક વિચારો વારંવાર આવ્યા કરે છે, અને આ રીતે તેઓ આ બિમારીના શિકાર બની જાય છે, તેમના મનમાં ઉત્પન્ન થતા વિચારો કોઇ ભૂત પ્રેત ના કારણે નહિ, પણ તેમની આ બિમારીના કારણે છે, જેનો મનોચિકિત્સામાં ચોક્કસ ઇલાજ શક્ય છે, રહી વાત તેમને કોઈએ બાહુપાશમાં જક્ળી લીધા હોય, તેવી અનુભુતીની તો નિદ્રાની સ્થિતિમાં કોઇ પણ સામાન્ય વ્યકિતને આ પ્રકારની અનૂભુતી થઇ શકે છે,જેને સ્લીપ પેરાલીસીસ તરીકે ઓળખવામા આવે છે, (આ બિમારી નથી પણ નિદરની અવસ્થામા થતી એક અનૂભુતી છે.) તાત્રીકે આ ઘરમાં કોઇની કબર હતી તે વાત અચુકપણે કોઇ પાસેથી જાણી હશે કારણ કે એ તેનો વિષય છે, અને આવી અલૌકિક વાતોને ફેલાતા વાર લાગતી નથી, જો તાંત્રીકની વાત સાચી હોય તો તેની વિધિથી જીવણલાલને ફેર પડી જવો જોઇતો હતો, પણ આમ ન થયું, પણ જો તેમનો ઇલાજ એક મનોચિકીત્સક પાસે કરાવવામાં આવે તો અચુકપણે તેઓ આ સમસ્યા માંથી બહાર આવી શકે છે. અહીં પ્રસ્તુત વાર્તા કાલ્પનિક છે, જેથી અગરબત્તી વાળુ વર્તન પણ કાલ્પનિક છે, પણ આ બિમારીથી પિડીત વ્યક્તિ તેની પોતાની માન્યતાઓ પ્રમાણે અને ઉપર જણાવ્યા પ્રમાણે વર્તન કરી શકે છે.

આમ, સમાજમાં જોવા મળતી આવી માનસિક બિમારીઓ ને ભૂત બધાનું નામ આપીને લોકો તાત્રીક વિધીઓ કરાવીને હજારો રૂપિયા ખંખેરી લે છે, અને તેમની સમસ્યા ઘટવાને બદલે વધે છે, આમ માનવી જાણકારીના અભાવે અંધશ્રધ્ધાના ચકવ્યુહમાં ફસાતો જાયછે.