Na hu jasus nathi books and stories free download online pdf in Gujarati

ના હું જાસૂસ નથી

ના, હું જાસૂસ નથી. જાસૂસી મારુ કામ પણ નથી. હું ભલો અને મારું ઘર ભલુ. મને કોઈ ની પંચાત માં પડવું ગમતું પણ નથી. 60 વર્ષે હવે જીવન માં શાંતિ જોઈએ.

અને તે દિવસે મારા પડોશમાં જો એ ઘટના ના બની હોત તો આજે પણ મારી અંદર રહેલો 'જાસૂસ' જાગ્યો ના હોત.

બન્યું એવું કે મારા જ એપાર્ટમેન્ટમાં ઉપરના માળે રહેતા રમેશભાઈ ની 16 વર્ષની દીકરી મનાલી એ બારમા ધોરણમાં ઓછા ટકા આવતાં પંખે લટકીને આત્મહત્યા કરી. ઘટના સામાન્ય હતી અને આજકાલ ડિપ્રેશનમાં બાળકો આવું પગલું ભરી પણ દેતા હોય છે.

ઘટના બન્યા પછી રાબેતા મુજબ પોલીસ આવેલી અને થોડી પૂછપરછ પણ કરેલી તેમ છતાં ઓછા ટકાનું રીઝલ્ટ સામે હતું અને મનાલીએ કોઇ ચિઠ્ઠી લખી પણ નહોતી એટલે થોડાં સ્ટેટમેન્ટ લઈ સામાન્ય કાગળિયા કરી પોલીસે કેસ બંધ કરી દીધેલો.

રમેશભાઈ નો મારા ઘર સાથે સારો સંબંધ હતો એટલે ઘણીવાર મનાલી મારા ઘરે આવતી અને મારી સાથે ઘણી વાતો પણ કરતી એટલે હું એને ખૂબ સારી રીતે નજીકથી ઓળખતો હતો.

હસમુખો સ્વભાવ અને ભારોભાર આત્મવિશ્વાસથી ભરેલી એની પ્રકૃતિ અને આમ સાવ બારમા ધોરણ ના નબળા પરિણામથી આત્મહત્યા કરી નાખે એ વાત મારા માન્યામાં આવતી ન હતી. આ ઘટનામાં કંઈક ખૂટે છે એવું મને સતત લાગતું હતું. મારે આ દિશામાં થોડીક તપાસ કરવી જોઈએ એવું મારો અંતરાત્મા મને કહેતો હતો.

મનાલીની એક ખાસ બહેનપણી હતી તન્વી જે મનાલી ના ઘરે 1 વર્ષ પહેલાં ટ્યુશન માટે રોજ આવતી અને મનાલી ના ક્લાસમાં જ ભણતી. તન્વી અમારા દૂર ના સગા માં થતી હતી એટલે હું એને સારી રીતે ઓળખું. મને એક વિચાર આવ્યો. તન્વી ને આ બાબત માં મારે પૂછવું જોઈએ.

થોડા દિવસો પછી એક રાત્રે જમી કરી ને હું રમેશભાઈના ઘરે ગયો અને તન્વી નો નંબર લીધો. રમેશભાઈ ને મેં કહ્યું કે આપણે આપણી રીતે થોડી તપાસ કરવી જોઈએ. રમેશભાઈ દીકરી ના આઘાત માં થી બહાર આવ્યા નહોતા એટલે એ કંઈ બોલ્યા નહી.

બીજા દિવસે હું તન્વી ને ફોન કરીને રૂબરૂ મળ્યો અને તેને વિશ્વાસમાં લઈ મનાલી વિશે કેટલીક પૂછપરછ કરી કે મનાલી ના જીવન માં કોઈ છોકરો હતો કે નહીં અથવા તો એ કોઈના ચક્કરમાં હતી કે નહીં. તું જે પણ જાણતી હોય એ તમામ વાતો મને કર, કારણકે મનાલીની તું ખાસ મિત્ર હતી એટલે તારાથી કંઇ પણ છુપુ ના હોય .

"ના અંકલ, એવું કંઈ નથી. મનાલી બાબતે હું ખરેખર કંઈ પણ જાણતી નથી"

તન્વી નો આ જવાબ હતો પણ મને સ્પષ્ટ લાગ્યું કે એ કંઈક છુપાવતી હતી અને અંદર થી ડરતી પણ હતી. મેં એને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હું કંઈપણ કરવાનો નથી અને તારું નામ પણ ક્યાંય નહીં આવે. મારે માત્ર મારા સંતોષ ખાતર જાણવું છે.

તન્વી ને સમજાવતા મારે નાકે દમ આવી ગયો પણ છેવટે તે સંમત થઈ અને એણે જે વાત કરી તે ખરેખર ખુબ જ આઘાતજનક હતી. કોઈની કલ્પનામાં પણ ન આવે એવું બની ગયું હતું.
................................................
મનાલી ખૂબ જ રૂપાળી હતી અને ફેશનેબલ પણ એટલી જ હતી. ઉંમરના પ્રમાણમાં એના શરીરનો વિકાસ પણ ઘણો થયો હતો. સોળ વર્ષની ઉંમરે પણ એ ૧૮ ની લાગતી હતી.

મનાલીના ફ્લેટની બરાબર સામેના ફલેટમાં જ બે વર્ષથી એક કુટુંબ ભાડે રહેવા આવ્યું હતું. નિકુંજ અને એની મમ્મી સ્નેહલતાબેન. નિકુંજ ૨૮ વર્ષનો હતો અને હજુ કુંવારો હતો.

હવે યોગાનુયોગ એવો બનેલો કે નિકુંજ અમારા નાનકડા શહેરમાં જે સ્કૂલમાં મનાલી અને તન્વી અભ્યાસ કરતાં હતાં એ જ સ્કૂલમાં 11મા અને 12મા ધોરણના ગણિત શિક્ષક તરીકે જોડાયો હતો.

નિકુંજ એકદમ દેખાવડો હતો અને બોલવામાં પણ સ્માર્ટ હતો. મનાલી નું ગણિત આમ પણ થોડું કાચું હતું અને ઘરની બરાબર સામે જ ગણિતના નવા ટીચર રહેવા આવ્યા એટલે મનાલી એ એના પપ્પા રમેશભાઈને નિકુંજ સર ના ટ્યુશન માટે વાત કરી. મનાલી ત્યારે 11 મા ધોરણમાં હતી.

નિકુંજ ને ટ્યુશન માટે ના પાડવાનું કોઈ કારણ નહોતું અને મનાલી પોતે પણ ખૂબ આકર્ષક હતી એટલે નિકુંજ નું ટ્યુશન મનાલીના ઘરે ચાલુ થયું. 6 મહિના પછી તન્વી પણ મનાલી ના ઘરે ટ્યુશન આવવા લાગી. બંને એક ક્લાસ માં ભણતી.

એક વર્ષ સુધી તો બધું બરાબર ચાલ્યું પણ ત્યાં સુધી માં તો નિકુંજ મનાલી પાછળ પાગલ થઈ ચૂક્યો હતો. મનાલી ને કઈ રીતે મનાવી લેવી એના જ વિચારો એ કર્યા કરતો. મનાલી એક સંસ્કારી અને મક્કમ મનની છોકરી હતી એટલે આ કામ એટલું સહેલું પણ નહોતું. તન્વી ની હાજરીમાં બીજી કોઈ આડી અવળી વાત પણ થઈ શકે તેમ નહોતી. જોકે તન્વીને નિકુંજસર ના આ આકર્ષણની ગંધ આવી ગયેલી.

સ્કુલ માં વેકેશન પડ્યું એટલે નિકુંજે એક શયતાની પ્લાન બનાવ્યો. નિકુંજે એની મમ્મી દ્વારા મનાલી ના મમ્મી પપ્પા ને આગ્રહ કરી કહેવડાવ્યું કે મનાલીને બે દિવસ માટે અમારી સાથે નડિયાદ ફરવા મોકલો. તન્વી પણ આવશે એટલે એને કંપની રહેશે. મનાલી નિર્દોષ હતી અને એને નિકુંજના ઈરાદા નો અણસાર પણ નહોતો એટલે એ તૈયાર થઈ.

મનાલી તૈયાર થઈ એટલે નિકુંજે તન્વી ના મોબાઈલ માં ફોન કર્યો અને એને વિનંતી કરી કે હું મનાલી ને પ્રેમ કરું છું અને મારા દિલ ની વાત કરવા માગું છું એટલે કાલે સવારે 2 દિવસ મારા ઘરે નડિયાદ લઈ જાઉં છું. મારી મમ્મી પણ સાથે છે. જો કે તારું નામ લેવાથી મનાલી નડિયાદ આવવા તૈયાર થઈ ગઈ છે પણ તારે ખરેખર આવવાનુ નથી. તું પ્લીઝ મને થોડો સપોર્ટ આપ અને બદલામાં 12મા ધોરણ માં હું તારું ધ્યાન પણ રાખીશ. સવારે તારો મોબાઈલ બંધ રાખજે.

બીજા દિવસે મનાલી એ લોકો સાથે રીક્ષા માં બસ સ્ટેન્ડ ગઈ અને ત્યાં બસ ઉપડી ત્યાં સુધી તન્વી ની રાહ જોઈ પણ એ ના આવી. મોબાઈલ પણ બંધ હતો. સ્નેહલતા બહેને એને સમજાવી કે તું ચિંતા ના કર. હું છું ને ?

નિકુંજ નું વર્તન નડિયાદમાં એટલું બધું સારું હતું કે નિકુંજ સર તરફ થી મનાલી ને હવે જરા પણ ભય રહ્યો નહોતો અને એને માન ની નજરે જોતી હતી.

પાપ કર્મો કદી એકલા હાથે થતાં નથી અને શયતાની પ્લાનને અમલમાં મૂકવા હંમેશા કોઈને કોઈ ની મદદ લેવી પડતી હોય છે. નિકુંજ ને ખબર હતી કે નડિયાદમાં પોતાના મિત્ર અવિનાશે એક સુંદર હોટેલ ખરીદી લીધી છે. નડિયાદ આવતાં પહેલાં જ નિકુંજે અવિનાશ સાથે બધી વાત કરી લીધી હતી અને એ પછી જ એણે અહીં આવવાનો પ્લાન બનાવ્યો હતો.

બીજા દિવસે સવારે એણે મમ્મી સ્નેહલતાબેન ને વાત કરી કે આજે હું મનાલી ને ફરવા લઈ જાઉં છું અને વચ્ચે અવિનાશ ની હોટેલ પણ જોતા આવીશું. જમી કરી ને નિકુંજ મનાલી ને લઈને બાઈક ઉપર ફરવા નીકળ્યો. એણે 2 દિવસ માટે અવિનાશ ની એક બાઈક પણ લઈ લીધી હતી.

2 કલાક આડા અવળા ચક્કર મારી ને કૉલેજ કેમ્પસ બતાવ્યું અને એજ રોડ ઉપર એક આલીશાન હોટેલ ના કમ્પાઉન્ડ માં બાઈક લીધી.

"મનાલી મારો આ મિત્ર અવિનાશ એક મળવા જેવો માણસ છે અને અહીં આપણો સારો એવો ટાઈમ પાસ થઈ જશે "

અવિનાશ મનાલી ને જોઈ ને પાગલ થઈ ગયો. બંને મિત્રો એ એક બીજા તરફ ઈશારા કર્યા અને અવિનાશે નાસ્તો મગાવ્યો. નાસ્તા પછી 3 જણ માટે ઠંડુ પીણું લેવા અવિનાશ ખુદ ગયો અને મનાલી ના ગ્લાસ માં ઊંઘ ની 3 ગોળી ઓગાળી દીધી.

તે દિવસે મનાલી સાથે બંને મિત્રો એ રૂમ માં લઇ જઇ બળાત્કાર કર્યો અને તેના ફોટા પાડી વિડિયો ક્લિપ પણ ઉતારી.

3 કલાક પછી મનાલી ને ભાન આવ્યું ત્યારે એના શરીર ની વેદના એ એને બધું સમજાવી દીધું. કંઈ બોલવા જેવું નહોતું. ઘરે જઈને પોલીસ ફરિયાદ કરીશ એમ મન મનાવે ત્યાં જ નિકુંજે મનાલી ના મોબાઈલ માં એના વસ્ત્ર વિહોણા ફોટા અને વીડિયો ક્લિપ ટ્રાન્સફર કરી દીધી.

"જો મનાલી તું મને ગમે છે. જે થયું તે ભૂલી જા. આપણે હવે તો મળતા જ રહેવાનું છે. મારી મમ્મી ને કોઈ ગંધ ના આવવી જોઈએ અને તારા ઘરે પણ કોઈને કહેવાનું નથી. તારી જિંદગી નો હવે હું માલિક છું ડારલિંગ. કોઈને પણ વાત કરીશ તો શું થઈ શકે એ તું જાણે છે "

એજ સાંજે નિકુંજ એને એના ઘરે મૂકી ગયો પણ મનાલી નું જીવન નરક જેવું બનતું ગયું. સ્કૂલો ચાલુ થયા પછી તન્વી ને પૈસા આપીને નિકુંજે એનું ટ્યુશન બંધ કરાવી દીધું અને મનાલી ના બેડરૂમ માં એકલી મનાલી ને ટ્યુશન ના બહાને હેરાન કરતો રહ્યો

મનાલી હતાશ હતી. ભણવા માં એનું મન લાગતું નહોતું. પરિણામ ખૂબ નબળું આવ્યું. જો ચિઠ્ઠી લખી ને જાય તો આબરૂ પણ જાય એના કરતાં આપ મૂઆ ફિર ડૂબ ગઇ દુનિયા એમ વિચારી એણે ચૂપચાપ દુનિયાને અલવિદા કરી દીધી. હા. મરતા પહેલાં એણે તમામ ફોટા અને વીડિયો તન્વી ને ફોરવર્ડ કરી દીધા અને પોતાના મોબાઈલ માંથી બધું ડિલીટ કરી દીધું.
...............................................

મેં તન્વી ને ખૂબ સમજાવી કે "જો તારી ખાસ બહેનપણી ને વગર વાંકે આ દુનિયા છોડવી પડી અને જો ગુનેગારને સજા નહીં થાય તો એના આત્માને શાંતિ નહિ મળે અને એનો આત્મા ભટકતો રહેશે. તું જો થોડી હિંમત કરે તો આપણે નિકુંજ ને ખુલ્લો પાડીએ. તને કંઈ નહીં થાય એ જવાબદારી મારી."

"અંકલ મને બહુ ડર લાગે છે. મારી પાસે એ ફોટા અને વીડીયો ક્લીપ છે જે મનાલી એ મારા મોબાઈલમાં આત્મહત્યા ના આગલા દિવસે ટ્રાન્સફર કરેલા અને એક મેસેજ પણ કરેલો કે નિકુંજ જેવા શયતાન ને સજા થશે તો મારા આત્મા ને શાંતિ મળશે . પણ હું પોલીસના કોઈ ચક્કરમાં પડવા નથી માગતી અને મારા મમ્મી પપ્પા ક્યારે પણ આ બાબતમાં તૈયાર નહીં થાય."

મેં એ ફોટા અને વીડિયો ક્લિપ મારા મોબાઈલ માં લઈ લીધાં. જો કે એ બધું જોવાની બેશર્મી મારા માં નહોતી. બીજા દિવસે હું પોલીસ ઇન્સ્પેક્ટર ને મળ્યો અને બધી વાત સમજાવી કે તન્વી નું નામ ક્યાંય નાં આવે એ રીતે આપ આગળ વધો. તમામ પ્રમાણ અને એની પાપલીલા મારા મોબાઈલ માંથી તમારા મોબાઈલ માં લઇ લો.

પોલીસ ઓફિસર બહુ સમજદાર હતા. એમના ઉપર કોઈનો નનામો ફોન આવેલો એમ રિપોર્ટ લખી બંધ પડેલી ફાઈલ ઓપન કરી નિકુંજ ને દબોચી લીધો. એકદમ સજ્જડ પુરાવા હોવાથી નિકુંજ અને અવિનાશ ને છેવટે જેલ ની સજા થઈ....

મારા ફ્લેટ ની ખુલ્લી ગેલેરી માં ઝૂલતા હીંચકા ઉપર બેસી મોડી રાત્રે આકાશ તરફ જોઉં છું ત્યારે એ શાંત પળોમાં ક્યારેક ક્યારેક મનાલીનો મીઠો ટહુકો સંભળાય છે....

" નમસ્તે જાસૂસ અંકલ .. કેમ છો ?"
..............................................

અશ્વિન રાવલ ગુરુ પૂર્ણિમા