Lakshman Rekha books and stories free download online pdf in Gujarati

લક્ષ્મણ રેખા

" વરરાજા રાતના અગિયાર વાગ્યા. ઊભા થાઓ હવે. ભાભી બિચારા ઊંચાનીચા થતાં હશે !! ફાઈવ સ્ટાર હોટલ નો ડીલક્ષ રૂમ બુક કરાવ્યો છે તો 'હનીમૂન' ના પૈસા તો વસૂલ કરો !! " કાર્તિક બોલ્યો અને બાકીના બધા મિત્રો હસી પડ્યા.

સિદ્ધાર્થનાં કિનારી સાથે આજે જ લગ્ન થયાં હતાં. સિદ્ધાર્થ પ્રશાંતભાઈ નો એકનો એક દીકરો હોવાથી પ્રશાંતભાઈ એ સિદ્ધાર્થ નાં લગ્નમાં લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા હતા. કિનારી એમના જુના મિત્ર પ્રકાશભાઈ ની જ દીકરી હતી.

સિદ્ધાર્થ લંડનથી કાયદાનો ઉચ્ચ અભ્યાસ કરીને ઇન્ડિયા આવ્યો એટલે પપ્પાએ સૌથી પહેલું કામ સિદ્ધાર્થ ને પરણાવવાનું કર્યું. 29 વર્ષ થઇ ગયાં હતાં. હવે ક્યાં સુધી કુવારો રાખવો?

સિદ્ધાર્થ ભલે આટલો બધો ભણેલો હતો પણ સ્વભાવે એકદમ સાલસ અને પરિવારનો આજ્ઞાંકિત હતો. એ વિદેશમાં રહ્યો હતો પણ મોડર્ન જમાનાની કોઈ એબ એનામાં નહોતી. લવ રોમાન્સ વગેરેથી એ જોજનો દૂર જ રહ્યો હતો. એ તો લગ્ન કરવા જ નહોતો માગતો પણ પપ્પાના અતિ આગ્રહ પછી એ તૈયાર થયો હતો.

આજે એના લગ્નની પ્રથમ રાત્રી હતી. કિનારી બેહદ ખૂબસૂરત હતી. પણ પુરુષ સહજ રોમાંચ અને ઉત્તેજનાનો સિદ્ધાર્થમાં અભાવ હતો. એના બદલે શરમ સંકોચ વધારે હતાં. આજે મારે કિનારીને બધી સત્ય હકીકત કહેવી જ પડશે. પોતાની શારીરિક નબળાઈ આજે કિનારી આગળ છતી થઈ જશે . એ નવોઢા નું રિએક્શન શું હશે એ વિચારીને એ આજે ખૂબ નર્વસ હતો.

પપ્પા પ્રશાંતભાઈ એની આ નબળાઈ જાણતા હતા. ઉપચારો પણ ઘણા કરાવ્યા હતા પણ કોઈ ખાસ ફરક નહોતો પડ્યો. ડોક્ટર્સ નું એવું કહેવું હતું કે શારીરિક કરતાં એ પ્રોબ્લેમ માનસિક વધારે હતો. લગ્ન પછી વાઇફ નો સાથ મળે તો કદાચ આ પ્રોબ્લેમ એટલો ગંભીર ના પણ રહે.

પોતે ગર્ભશ્રીમંત હતા. કરોડોની મિલકત હતી અને એકનો એક દીકરો હતો. ગમે તે ભોગે એક વાર એનાં લગ્ન તો કરી જ દેવાં. ઘરમાં વહુ વગર તો કેમ ચાલે ?! પણ યોગ્ય પરિવાર નહોતું મળતું. કદાચ લગ્ન પછી મોટો પ્રોબ્લેમ ઉભો થાય તો દીકરાને કોર્ટમાં ઘસડી જાય અને બદનામ કરે એવી કન્યા કે એવું ફેમિલી તો ના જ જોઈએ.

અને પ્રશાંત ભાઈ ને પોતાના જૂના મિત્ર પ્રકાશભાઈ ની યાદ આવી. એમની દીકરી કિનારી ખૂબસૂરત હતી. કિનારી વિશે એમણે ઊડતી વાતો પણ સાંભળી હતી પણ એ તો બધું લગ્ન પછી સરખું થઈ જશે. કુવારી છોકરી વિશે ઘણીવાર લોકો આવી ચર્ચાઓ કરતા જ હોય છે.

પ્રકાશભાઈ લાખોના દેવામાં હતા. તમામ દેવું દૂર કરીને ઉપરથી થોડી આર્થિક મદદ કરવામાં આવે તો પ્રકાશભાઈને મનાવી શકાય. અને એક દિવસ તેમણે પ્રકાશભાઈને પોતાની ઓફિસમાં બોલાવ્યા.

" જુઓ પ્રકાશભાઈ મૂળ વાત ઉપર જ આવું છું. મારા દીકરાને તો તમે ઓળખો છો. હવે એના લગ્ન માટે હું ખૂબ ચિંતિત છું. તમારી દીકરી કિનારી મને ગમે છે અને મારી ઈચ્છા મારા દીકરાના લગ્ન એની સાથે કરાવવાની છે. એ પણ 27 ની થઈ ગઈ છે. તમે પણ ચિંતા માં હશો જ કારણ કે આજકાલ બહાર એની વાતો પણ બહુ થાય છે."

પહેલાં તો પ્રકાશભાઈ એકદમ આનંદમાં આવી ગયા. આટલા મોટા શ્રીમંત ઘરનુ માગુ મારી દીકરી માટે આવ્યું પણ એ આનંદ બહુ લાંબો ટક્યો નહીં.

" પ્રકાશભાઈ, મારા દીકરામાં થોડીક શારીરિક ખામી છે અને એટલે જ મેં તમને બોલાવ્યા છે. કોઈ જબરજસ્તી નથી. મારી વાત ધ્યાનથી સાંભળો. મેં તમારા વિશે તપાસ કરી છે. તમારા માથે 10 15 લાખનું દેવું છે. તમે જો હા પાડો તો તમારું તમામ દેવું હું ચૂકવી દઉં. અને તમારે કિનારીને પણ આ બધું કહેવાની કોઈ જરૂર નથી. "

" તમે વિચારીને જવાબ આપો. લગ્ન કર્યા પછી બંને વચ્ચે કદાચ કોઈ પ્રોબ્લેમ થાય તો તમારે કિનારીને સમજાવી દેવી પડે. માત્ર આ વાતને બાદ કરતા તમારી દીકરી મારા ઘરમાં ખૂબ જ સુખી રહેશે. મારા દીકરાની કોઈ બદનામી ના થાય એ જવાબદારી તમારે લેવી પડે. "

" આપણી વચ્ચે એક એગ્રીમેન્ટ થશે કે તમે અને કિનારી લગ્ન પહેલા સિદ્ધાર્થ ની શારીરિક નબળાઇ વિશે જાણો છો અને એ જાણ્યા પછી પણ તમે લગ્ન માટે તૈયાર થયા છો. તમને કોઈને પણ અંધારામાં રાખવામાં આવેલ નથી. એટલે આ બાબતે કોઈપણ જાતની ફરિયાદ પાછળથી ના થવી જોઈએ. "

અને પ્રકાશભાઈ બધી રીતે સંમત થતા સિદ્ધાર્થના લગ્ન કિનારી સાથે થઈ ગયાં. જો કે બંને વેવાઈઓ વચ્ચે ની વાત સિદ્ધાર્થને કે કિનારીને કંઈ જ ખબર નહોતી.

ગાડીનો ડ્રાઈવર બંનેને લઈને હોટલ પહોંચી ગયો. હોટેલના સ્ટાફે પણ આ નવ વિવાહિત દંપતિ નું બુકે થી ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ડીલક્સ રૂમ ની ચાવી આપી.

બંને એ ત્રીજા માળે જઈને પોતાના રૂમમાં પ્રવેશ કર્યો. 'વાઇલ્ડ સ્ટોન' પર્ફ્યુમ ની માદક સુગંધ થી આખો રૂમ મઘમઘતો હતો અને એમાં તાજા ગુલાબના ફૂલોની સુગંધ એક અલગ જ અહેસાસ કરાવતી હતી. સિદ્ધાર્થને પોતાના મિત્રોની આટલી કાળજીથી ખૂબ આનંદ થયો.

પહેલાં તો બંને એ સોફામાં બેઠક લીધી. શું બોલવું, કઈ રીતે શરૂઆત કરવી એ સિદ્ધાર્થને સમજાતું નહોતું .

" આજે તો આખો દિવસ ધમાલ રહી. સવારનો ચાર વાગ્યાનો ઉઠી ગયો છું. " એણે કિનારીની સામે જોઇને વાતની શરૂઆત કરી.

" હા, મારું પણ એવું જ છે. હમણાં તો રોજના ઉજાગરા ચાલે છે " કિનારીએ જવાબ આપ્યો અને બાજુમાં રાખેલી બિસલેરી બોટલ માંથી પાણીના બે ઘૂંટડા ભર્યા.

" આજે આપણા લગ્નની પહેલી રાત છે. દરેક યુવક યુવતી યુવાન થતાં જ આ રાત્રિની પ્રતીક્ષા કરતા હોય છે. તને પણ આવી ઉત્સુકતા તો હશે જ ને ? "

" ના રે ના... આખી રાત આપણી છે જનાબ. કેમ તમને ઉતાવળ છે કે શું ? " કિનારીએ હસીને કહ્યું.

" ના.. ના.. જરા પણ નહીં ! આ તો રાતના બાર વાગી ગયા છે એટલે મને એમ કે....."

" મને ઉતાવળ હશે એમને ? " કિનારીએ હસીને સિદ્ધાર્થ ની વાત કાપી નાખી.

સિદ્ધાર્થ કંઈ બોલ્યો નહીં. એ ખરેખર મુંઝાયો હતો. મારે કઈ રીતે વાતની શરૂઆત કરવી ? કિનારીને ખબર પડશે તો શું રીએક્શન આવશે ? બિચારી કેટલા અરમાનોથી મારી સામે બેઠી છે.

" તું ડ્રિંકસ લે છે ? વિદેશમાં રહીને આવ્યો છે તો કમ સે કમ ડ્રિંક્સ તો પસંદ હશે જ. અહીં ફાઈવ સ્ટાર હોટલમાં બધી સગવડ છે " કિનારીએ પૂછ્યું.

સિદ્ધાર્થ ને લાગ્યું કે કિનારી બિચારી એ જાણવા માગે છે કે મને વિદેશમાં રહેવાથી શરાબ ની આદત તો નથી પડી ને ?

" ના રે ના મને બિલકુલ આદત નથી. હા ક્યારેક કંપની ખાતર ટેસ્ટ કરેલો છે પણ મને પસંદ નથી"

" ઓકે ફરગેટ ..... લગ્ન પહેલા તારી લાઇફમાં કોઈ હતું ? આઈ મીન ઇન્ડિયામાં કે અમેરિકામાં ? તું યુવાન છે, દેખાવડો છે, અનુભવ તો કર્યો જ હશે ને ? બી ફ્રેન્ક ! મને કંઈ જ વાંધો નથી. આપણે મોડર્ન યુગમાં જીવી રહ્યા છીએ સિદ્ધાર્થ. પાસ્ટ માં તારી લાઇફમાં કોઈ હોય તો પણ ઈટ્સ ઓકે !! રિલેક્સ "

" કિનારી મને લાગે છે કે હું વિદેશ રહીને આવ્યો છું એટલે તું મને બહુ મોડર્ન માની બેઠી છે પણ મારા વિચારો અલગ જ છે. મને આજ સુધી કોઈ છોકરીનું આકર્ષણ થયું નથી. મારી લાઇફમાં આવનાર તું જ પહેલી સ્ત્રી છો કિનારી. !! "

" અને કિનારી આજે આપણા લગ્ન થયા છે. આજથી આપણો સંસાર શરૂ થાય છે. એકબીજાના વિશ્વાસ ઉપર જ લગ્ન જીવનની સફળતા છે. એટલે આવી ચર્ચા આપણે ના કરીએ તો સારું. "

" તને મારા વિશે જાણવામાં કોઈ રસ નથી ? વિશ્વાસ ઉપર જ સંસારનો રથ ચાલતો હોય તો મારી જિંદગીનું જે સત્ય છે તે મારે તને આજે જ કહેવું જોઈએ ને ? હું તારાથી કંઈપણ છુપાવી તો ના જ શકું ને ?"

છેલ્લા વાક્યથી સિદ્ધાર્થ ચમકી ગયો. શું કિનારીને ખબર પડી ગઈ ? ના ના એ શક્ય નથી. કિનારી કદાચ પોતાના વિશે જ કહી રહી છે. શું એના પાસ્ટ માં કોઈ હશે ? અને કદાચ ભૂતકાળમાં કોઈ હોય તોપણ અત્યારે આ બધી ચર્ચા ની ક્યાં જરૂર છે ?

" સિદ્ધાર્થ હું વર્જિન નથી. અને આજના મોડર્ન જમાનામાં સતી સાવિત્રીની અપેક્ષા રાખવી પણ બરાબર નથી. હું તારાથી કંઈ પણ છુપાવવા માગતી નથી. મારો પાસ્ટ તારે જાણવો જ જોઇએ. " કિનારી બોલી.

" મને ડ્રિંકસ જોઈશે સિદ્ધાર્થ. હું ઓર્ડર કરું છું. આઈ થિંક યુ વોન્ટ માઈન્ડ ! " અને કિનારી એ ઇન્ટરકોલ ઉપર એની પસંદગીનું ડ્રિંકસ મંગાવી લીધું.

સિદ્ધાર્થ માટે આ બધી બાબતો ખુબ જ આઘાત જનક હતી. તેની સાથે આ બધું શું બની રહ્યું હતું એ એને સમજાતું નહોતું.

વેઇટર આવીને બંનેને ડ્રિંકસ સર્વ કરી ગયો. સિદ્ધાર્થને પીવામાં કોઇ જ રસ નહોતો. એ વોશરૂમમાં ગયો અને ફ્રેશ થઈને પાછો આવ્યો.

કિનારી ને તો જાણે આદત હોય એમ એણે બે પેગ આરામથી પી લીધા. અને સિદ્ધાર્થ ની સામે જોઈને એણે પોતાના પાસ્ટ ની વાતો ચાલુ કરી.

" નાનપણથી આકાશમાં ઉડવાનાં મારાં સપનાં હતાં. કોલેજમાં દાખલ થઈ અને મારા સપનાંને પાંખો ફૂટી. મારી પાસે દઝાડી દે તેવું રૂપ હતું. શ્રીમંત પરિવારના નબીરાઓ પણ કોલેજમાં ભણતા. એ બધા મારી પાછળ લાઈન મારતા. મેં બધાને નચાવવાનું ચાલુ કર્યું. થોડી ઘણી છૂટછાટ લેવા દેવી એવી મારી સમજ હતી. ધીમે ધીમે મિત્રોની કંપનીમાં મારી આદતો પણ બદલાતી ગઈ. ડ્રિંકસ લેતી અને સિગરેટ પણ પીતી."

" કોલેજ પત્યા પછી પણ બોયફ્રેન્ડ ચાલુ જ રહ્યા. મારા શોખ ઘણા હતા. હું લેવીશ લાઈફ જીવવા માગતી હતી. નવા નવા શ્રીમંત નબીરા સાથે રિલેશનશિપ બનતી અને એકાદ વર્ષમાં બ્રેકઅપ થઈ જતો. ફિઝિકલ રિલેશન મારા માટે એક સામાન્ય બાબત બની ગઈ. એકવાર એબોર્શન પણ કરાવવું પડ્યું. છેલ્લું બ્રેકઅપ છ મહિના પહેલા થઈ ગયું. ચાર વાર રિલેશનશિપમાં બંધાઈ અને ચાર વાર બ્રેકઅપ થયું. "

" હું થાકી ગઈ હતી. જિંદગીમાં ઠરીઠામ થઈ જવું જોઈએ એવા વિચારો આવવા લાગ્યા. મારા પપ્પાએ તારી સાથે ના સંબંધની વાત કરી. કરોડપતિ ઘર હતું અને તને પણ મેં જોયેલો. વળી તું વિદેશ સ્ટડી કરીને આવ્યો એટલે એકદમ મોડર્ન વિચારોનો હશે એમ મેં માની લીધું અને પપ્પાને હા પાડી."

" પણ આ બધો મારો ભૂતકાળ છે અને હું એને ભૂલી જવા માંગુ છું. હું હવે માત્ર તારી બનીને રહીશ. આજે આ બધી વાતો કહીને રિલેક્સ થઈ ગઈ છું. હું આજે પણ બજારમાં ઘણી વાર શોર્ટસ અને ટીશર્ટ પહેરીને ફરું છું. મારી લાઈફ સ્ટાઈલ આખી અલગ છે અને આશા રાખું છું તું મને સમજી શકીશ "

સિદ્ધાર્થ દિગ્મૂઢ થઈને કિનારી ને જોતો રહ્યો. સાંભળતો રહ્યો. કેટલી સહજતાથી આ છોકરી પોતાના ભૂતકાળની વાતો કહી રહી હતી. સિદ્ધાર્થના માથે તો વીજળી પડી હતી.
કિનારી અનેક બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધી હતી ચૂકી હતી. ગર્ભપાત પણ કરાવ્યો હતો. અને આજે આ કિનારી મારી પત્ની બનીને લગ્નની પહેલી રાતે મારી સામે જ બેસીને શરાબ પી રહી હતી.

થોડીવાર ખામોશી છવાઈ ગઈ. કિનારીએ પોતાનો પેગ પૂરો કર્યો. થોડી મિનિટો પછી એ ઉભી થઈ, વોશ રૂમ માં ગઈ અને દસેક મિનિટમાં ફ્રેશ થઈ ને બહાર આવી. એક વાગવામાં પાંચ મિનિટ બાકી હતી.

"ચાલ સિદ્ધાર્થ આજથી હું માત્ર તારી છું. કમ ઓન ડાર્લિંગ !! ફરગેટ એવરીથીંગ. તું પણ યાદ કરીશ કે કિનારી શું ચીજ છે !! સ્વર્ગને પણ ભૂલી જઈશ " કહીને કિનારી સીધી બેડ ઉપર ચડી ગઈ અને તકિયાનો ટેકો લઈને શરીર પર નાં ઘરેણા ઉતારવા લાગી.

સિદ્ધાર્થ નું મગજ ફાટ ફાટ થતું હતું. પોતાની સાથે જબરદસ્ત દગો થયો હતો અને પપ્પા પણ છેતરાઈ ગયા હતા. આવી ચારિત્ર્યહીન છોકરી સાથે આખી જિંદગી કેમ જીવાય ?

પણ બીજી જ ક્ષણે એને પોતાની નબળાઈ યાદ આવી ગઈ. પોતે પણ શું કર્યું હતું ? લગ્ન પહેલાં પોતાની શારીરિક નબળાઈ છુપાવી જ હતી ને ? અને અચાનક સિદ્ધાર્થના મગજમાં બત્તી થઈ !! આ જ સરસ મોકો છે. ઈશ્વરે મને બચાવી લીધો છે. બધું રહસ્ય અકબંધ રહેશે. હવે મારો વારો.

સિદ્ધાર્થ ઉભો થયો. સાથે લાવેલી બ્રીફકેસમાંથી નાઈટ ડ્રેસ કાઢી વોશરૂમમાં ગયો. ફ્રેશ થઈને નાઈટ ડ્રેસ પહેર્યો અને બહાર આવીને સોફા ઉપર બેઠો.

" તું આરામથી સુઈ જા. મને હવે કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. સ્વર્ગ અને નર્ક નો અનુભવ બે દિવસમાં કરી લીધો છે. કાલે જ આપણા ડાઇવોર્સ પેપર તૈયાર કરી દઉં છું. કાલે ને કાલે તું તારા પપ્પા ના ઘરે ચાલી જજે."

" તું આવું કઈ રીતે કહી શકે ? તને પોતાનો માની ને મેં મારા ભૂતકાળની દરેક વાત તને કરી. દરેક નો એક પાસ્ટ હોય છે. અને તું કયા જમાના માં જીવે છે સિદ્ધાર્થ ? રિલેશનશિપ આજકાલ કોમન છે. "

"હા રિલેશનશિપ કોમન હોય પણ એ કોઈ એકની સાથે. ચાર ચાર સાથે ના હોય અને ગર્ભપાત નું શું ? ચુંથાયેલા શરીરને સ્પર્શ કરવામાં પણ મને હવે રસ નથી "

" આ તું શું બોલી રહ્યો છે સિદ્ધાર્થ ? કયા જમાનામાં જીવે છે તું ? અને આ ડિવોર્સ ની વાત અચાનક ક્યાંથી આવી ? " અને કિનારી બેડ ઉપરથી ઉતરીને સિદ્ધાર્થ ની બાજુમાં સોફા ઉપર બેસી ગઈ.

" ડાર્લિંગ એ મારો પાસ્ટ હતો. આજે મારા જીવનમાં કોઈ જ નથી. માત્ર તું અને તું. તને હું દિલથી પ્રેમ કરીશ. લગ્નનું મહત્વ હું સમજી છું. મારા તરફથી તને ક્યારે કોઈ ફરિયાદ નહિ મળે. તું કહેતો હોય તો ડ્રિંક્સ પણ છોડી દેવા તૈયાર છું. તું જેમ ચાહે એમ હું જીવન જીવીશ. મને તારી જરૂર છે સિદ્ધાર્થ" કિનારી સિદ્ધાર્થ નો હાથ હાથમાં લઈ ને એની આંખોમાં આંખો પરોવીને બોલી.

" કિનારી તારો તમામ એકરાર મારા મોબાઈલમાં રેકોર્ડ કરી દીધો છે. હું એડવોકેટ છું. હું આરામથી ડિવોર્સ લઈ શકું છું. ના કિનારી આપણા રિલેશન હવે આગળ નહીં વધી શકે "

કિનારીને હવે રડવું આવી ગયું. એને પોતાની આજે કરેલી વાતો ઉપર ખૂબ પસ્તાવો થયો. સિદ્ધાર્થ નો વાંક નહોતો. આ બધી વાતો લગ્ન પહેલા એક મિટિંગ કરીને કરવા જેવી હતી. લગ્ન પછી નહીં.. કોઈપણ પતિ આ સહન ના કરી શકે.

" સિદ્ધાર્થ મને માફ કરી દે ડાર્લિંગ. એ મારી નાદાન ઉંમરની નાદાની હતી. હું બેફામ જીવન જીવી. નાનપણથી પિતાનો સંઘર્ષ જોતી આવી છું એટલે પૈસો જ સર્વસ્વ છે એ માન્યતા મારી દ્રઢ થતી ગઈ. મારા તમામ શારીરિક સંબંધો પાછળ માત્ર પૈસાની ભૂખ હતી વાસના નહીં. મને આ બધું ગમતું નહોતું. હું મજબુર હતી. મારે આ બધું કરવું પડતું."

" પ્લીઝ ડિવોર્સ ની વાત ના કર. મારા પપ્પાને આઘાત લાગશે અને હું પણ આ આઘાત પચાવી નહી શકું. મને માફ કરી દે સિદ્ધાર્થ." અને કિનારી સિદ્ધાર્થ ના ખોળામાં માથું નાખીને રડી પડી.

થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. સિદ્ધાર્થ ને પણ કિનારીની લાગણી અને સચ્ચાઈ સ્પર્શી ગયાં. એ એને દુઃખી કરવા તો માંગતો જ નહોતો. અને મનથી તો કિનારી સાથે છૂટાછેડા પણ નહોતો ઈચ્છતો . બસ ગમે તે રીતે એની શારીરિક નબળાઈ કિનારી થી છાની રહે તોય બસ !!

એણે વહાલથી કિનારીના માથા પર હાથ ફેરવ્યો. એને પ્રેમથી બેઠી કરી.

" જો કિનારી... હું તને દુઃખી કરવા માગતો નથી અને તને રડતી જોઈ પણ શકતો નથી. હું તને ડિવોર્સ નહી આપું પણ મારી એક શરત છે. અને એ શરત તારે પાળવી જ પડશે. તને જો મંજુર હોય તો જ આપણું લગ્નજીવન ટકી જશે "

કિનારી માટે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. એણે તરત જ સિદ્ધાર્થનો હાથ હાથમાં લઇ વચન આપ્યું.

" આઈ પ્રોમિસ સિદ્ધાર્થ. તારી કોઈ પણ શરત મને મંજુર છે. મારે મારું લગ્નજીવન તૂટવા દેવું નથી. મેં પૈસાની પાછળ બહુ જ રખડપટ્ટી કરી છે અને હવે હું તારી સાથે, તારા ઘરે ઠરીઠામ થવા માગું છું. પ્લીઝ મને સંભાળી લે " અને ફરી કિનારીની આંખોમાં આંસુ આવી ગયા.

" રિલેક્સ. હું તને દુઃખી કરવા નથી માગતો. મારી માત્ર એક જ શરત છે કે આપણા વચ્ચે શારીરિક સંબંધ ક્યારે પણ નહી થાય. તું આ બાબતે ક્યારે પણ મને ફોર્સ નહીં કરે. આપણે પતિ-પત્નીની જેમ જ જીવીશું. ઘરમાં પણ કોઈને ખબર નહિ પડે પણ આ મર્યાદા આપણે સાચવવી જ પડશે. "

કિનારી માટે આ વાત ખૂબ જ આઘાતજનક હતી પણ એણે વચન આપ્યું હતું. એણે સિદ્ધાર્થ ની સામે જોયું.

" હા કિનારી... આ લક્ષ્મણરેખા તારે સ્વીકારવી જ પડશે. તેં તારી રીતે આટલા વર્ષોમાં ઘણું શારીરિક સુખ ભોગવી જ લીધુ છે. બસ હવે આજથી પૂર્ણવિરામ !!"

કિનારી કંઈ પણ બોલી નહીં. બસ સાંભળતી જ રહી.

" હું તને ભરપૂર પ્રેમ કરીશ કિનારી. મારા ઘરમાં પણ તને ખૂબ જ લાડ-પ્યાર મળશે. પૈસાની કોઈ તકલીફ નથી. તું લાઈફને ભરપૂર એન્જોય કર. બસ બેડરૂમમાં આપણી વચ્ચે આ લક્ષ્મણરેખા કાયમ રહેશે "

" સિદ્ધાર્થ તું મને આવી સજા કેમ આપે છે ? હું હજી 27 વર્ષની છું. તું 29 વર્ષનો છે. આપણી સામે આખી જિંદગી પડી છે. જિંદગીનો સર્વશ્રેષ્ઠ આનંદ હું તને આપવા માંગું છું તો શા માટે આવી શરત રાખે છે ? મને માફ કરી દે અને મને એક તક આપ. હું સંપૂર્ણપણે તને સમર્પિત છું. પ્લીઝ ફરી એકવાર વિચાર કરી જો. "

" નહીં કિનારી મારો આ નિર્ણય અફર છે. શારીરિક સુખની કોઈ અપેક્ષા તું મારી પાસેથી રાખતી નહીં. આ લક્ષ્મણરેખા મારી મુખ્ય શરત છે "

" પણ શા માટે સિદ્ધાર્થ આવો નિર્ણય ? તું તારી જાતને પણ આવી સજા શા માટે આપે છે ? આપણે બંને યુવાન છીએ. અને મારામાં શું ખામી છે ? "

" ખામી તારામાં નથી કિનારી. ખામી મારામાં છે. હું તને શારીરિક સુખ આપી શકું એમ જ નથી. આ મારો પ્રોબ્લેમ છે. તેં તારો ભૂતકાળ લગ્નની પહેલી જ રાતે મારી આગળ આટલો નિખાલસ રીતે ખુલ્લો કરી દીધો તો હું પણ તારાથી હવે કંઈ પણ છુપાવવા માગતો નથી. હા કિનારી. મેં એટલે જ આ શરત મૂકી હતી. હું શારીરિક રીતે લાચાર છું "

"હવે નિર્ણય તારે લેવાનો છે કિનારી. તું જો ડિવોર્સ ઇચ્છતી હોય તો હું કાલે ને કાલે આપવા તૈયાર છું . તારી જિંદગી હું દુઃખી નહીં થવા દઉં. મારી તો લગ્ન કરવાની જરા પણ ઈચ્છા નહોતી પણ પપ્પા એ જબરજસ્તી મારા લગ્ન ગોઠવ્યાં. પણ હું તને આ બંધનમાંથી મુક્ત કરવા તૈયાર છું કિનારી. નાઉ આઇ રીયલી લવ યુ !! "

" સિદ્ધાર્થ શારીરિક સુખ જ સર્વસ્વ નથી અને અમે સ્ત્રીઓ તો દરેક પરિસ્થિતિને પહોંચી વળવા હંમેશા તૈયાર જ રહીએ છીએ. દીકરી પિતાનું ઘર છોડે પછી સાસરુ ગમે તેવું હોય એ એડજેસ્ટ થઈ જ જતી હોય છે."

કિનારી ઊભી થઈ અને સોફા માં બેઠેલા સિદ્ધાર્થના ખોળામાં બેસી ગઈ અને એનો ચહેરો બે હાથ માં પકડી પોતાની છાતી સાથે ભીંસી દીધો.

" સિદ્ધાર્થ તું મનમાં ઓછું ના લાવ. હું માત્ર તારી જ છું . મારા પ્રેમમાં કોઈ ફરક નહીં પડે. મને હવે તારો પ્રેમ જોઈએ છે. આઇ લવ યુ સિદ્ધાર્થ ! હું તારા વગર જીવી નહીં શકુ "

અને લાગણીઓના આવેશમાં આવીને સિદ્ધાર્થ પણ કિનારીને વળગી પડ્યો. એને પોતાના બાહુપાશમાં જકડી લીધી.

પ્રેમ નો આ ઉન્માદ એટલો બધો તીવ્ર હતો કે એ બંને ક્યારે બેડ ઉપર ખેંચાઈ ગયા અને ક્યારે એકબીજામાં સમાઈ ગયા એ એમને જ ભાન નહોતું. બંનેએ લક્ષ્મણ રેખા ઓળંગી દીધી હતી !!!

અશ્વિન રાવલ