Railway Platform books and stories free download online pdf in Gujarati

રેલવે પ્લેટફોર્મ

1975 નું એ વર્ષ. ઓખા રેલવે સ્ટેશન ના સ્ટેશન માસ્ટર તરીકે મારી બદલી થયેલી. રેલવેની સેવામાં જોડાયાને 5 વર્ષ થઇ ગયાં હતાં એટલે મને સ્ટેશન ઇન્ચાર્જ તરીકે નો ઓર્ડર મળેલો. મારી ઉંમર ત્યારે 28 વર્ષની.

અત્યારે તો ઓખા ઘણું બદલાઈ ગયું છે પણ મારી ઓખા બદલી થઈ ત્યારે સ્ટેશન બહુ નાનું હતું અને આખા દિવસમાં માત્ર બે ટ્રેનો આવતી. એક સૌરાષ્ટ્ર મેલ અને બીજી એક પેસેન્જર ટ્રેન જે રાત્રે આવતી. મોટાભાગનાં પેસેન્જર્સ તો યાત્રાળુઓ હોવાથી દ્વારકામાં જ ઉતરી જતાં અને ઓખામાં તો દસ-બાર પેસેન્જર ઉતરતા.

દરિયો ખૂબ જ નજીક હોવાથી ઓખાનું વાતાવરણ બહુ જ સુંદર હતું. આખો દિવસ પવનના સૂસવાટા અને રાત્રે દરિયાનાં મોજાં ના ઘુઘવાટા મન ને પ્રસન્ન કરી જતા. કામ પણ ખાસ કંઇ રહેતું નહીં. પુસ્તકો વાંચવાની ટેવ હોવાથી છેક દ્વારકાની લાઇબ્રેરીમાંથી પુસ્તકો હું લઈ આવતો અને નવરાશના ટાઈમ માં વાંચતો.

ઓખામાં મને સ્ટેશનની બાજુમાં જ એક ક્વાર્ટર મળેલું અને એકલો જ હોવાથી હું જાતે જ રસોઈ કરી લેતો. ક્યારેક કંટાળો આવે તો અહીં એક નાનકડી લોજ પણ હતી જેમાં મોટાભાગના નોકરિયાતો જમવા આવતા. ઓખાની સ્થાનિક વસ્તી 30 ટકા હતી જ્યારે 70 ટકા લોકો નોકરિયાતો જ હતા. સ્ટાફમાં પણ હું અને મારો એક ઉંમરલાયક લાઈનમેન હતો જે સિગ્નલ સંભાળતો અને નાનું મોટું કામ કરતો.

ઓખામાં મારી નવી નવી જોબ હતી એટલે અહીં મારી ખાસ ઓળખાણો પણ નહોતી. બસ યંત્રવત દિવસો પસાર થતા હતા ત્યાં એક દિવસ મારી જિંદગીમાં એક અણધાર્યો વળાંક આવ્યો.

શિયાળાના દિવસો હતા સ્ટેશન પણ સુમસામ હતું. વિરમગામ પેસેન્જર ને આવવાનો ટાઈમ થઇ ગયો હતો અને સિગ્નલ પણ અપાઇ ચૂક્યું હતું. દૂરથી ટ્રેનની વ્હિસલ વાગી. વરાળોના સુસવાટા બોલાવતું એન્જિન ધીમે ધીમે ઓખા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પ્રવેશી ગયું. ટ્રેન ઊભી રહી અને વધ્યા ઘટયા તમામ પેસેન્જરો ઓખાના આ છેલ્લા સ્ટેશને ઉતરી ગયા. એ સમયે ઓખામાં મીટર ગેજ રેલવે હતી અને ડીઝલ એન્જિન હજુ ચાલુ થયા ન હતા.

ટ્રેન આવ્યા ને અડધા કલાક પછી મારું કામ પતાવી ઘરે જવા માટે હું મારી કેબિનમાંથી બહાર આવ્યો તો રેલવેના પ્લેટફોર્મ ઉપર એક છોકરી હજુ પણ બાંકડા પર બેસી રહી હતી. રાતના ટાઈમે કોઈ યુવાન છોકરી સ્ટેશન ઉપર એકલી બેઠી હોય એ મારા માટે પણ થોડો ચિંતાનો વિષય હતો એટલે હું એની નજીક ગયો.

છોકરીની ઉંમર લગભગ વીસેક વર્ષની હશે. દેખાવે એકદમ સુંદર હતી પણ ખુબ જ ગભરાયેલી હતી. સાથે સામાનમાં પણ કંઈ જ નહોતું. એ ઓખામાં રહેતી હતી કે ટ્રેનમાંથી ઉતરી હતી એ જ સમજાતું નહોતું.

" બેન તમારે ક્યાં જવું છે ? આવી સુમસામ રાત્રે તમે એકલા અહીં કેમ બેસી રહ્યા છો ?" મેં વિવેકથી પૂછયું.

થોડીવાર સુધી છોકરીએ કોઈ જવાબ ના આપ્યો. માત્ર નીચું જોઈ રહી. ચહેરા ઉપર ખૂબ જ ગભરાટ હતો.

" તમે ડરો નહીં. જે પણ હોય તે મને જવાબ આપો. સ્ટેશન ઉપર આ રીતે રાત ના સમયે હું તમને એકલા ન છોડી શકું. મારી પણ જવાબદારી હોય છે. તમને કંઈ પણ થઈ જાય તો મારે જવાબ આપવો પડે. "

" સાહેબ આજની રાત મને અહીં રહેવા દો. હું સવારે ગમે ત્યાં ચાલી જઈશ. ઘરેથી ભાગી નીકળી છું. મારો જીવ જોખમમાં છે સાહેબ. રાજકોટ સ્ટેશનથી જે ગાડી મળી એમાં હું બેસી ગઈ છું. ગાડી આગળ જતી નથી એટલે ઉતરવું પડયું. અહીં તકલીફ હોય તો હું ગાડીના ડબ્બામાં બેસી જાઉં." છોકરી મારી સામે બે હાથ જોડીને બોલતી હતી.

" એવું જોખમ હું ના લઈ શકું. તમારે મદદ જોઈતી હોય તો હું પોલીસ સ્ટેશને વાત કરું."

પોલીસ ની વાત સાંભળી છોકરી એકદમ ગભરાઈ ગઈ. "ના ના સાહેબ..હું અત્યારે જ ક્યાંક જતી રહું છું. "

મને છોકરી ની દયા આવી. આટલી ભરયુવાન સુંદર છોકરી રાતના ટાઈમે જો એકલી રસ્તામાં નીકળી પડશે તો વધારે તકલીફમાં મુકાઈ જશે. એક તો આ ગામની એ અજાણી છે. પહેરવાનાં કપડાં પણ એની પાસે નથી. એના કરતાં ભલે સવાર સુધી અહીં રહેતી. અને રાતના સમયે સુમસામ રેલવે પ્લેટફોર્મ ઉપર એકલી બેસી રહે એના કરતાં હું એને મારા ક્વાર્ટરમાં લઈ જાઉં એ વધારે યોગ્ય રહેશે. સવારે એને જ્યાં જવું હશે ત્યાંની ટિકિટ કઢાવી આપીશ. આમ પણ હવે કોઈ ટ્રેન આવવાની નહોતી એટલે મારે પણ ઘરે જ જવાનું જ હતું. હું એને લઈને મારા ક્વાર્ટર માં ગયો.

મેં એને બાથરૂમ બતાવ્યું. હાથ-પગ ધોઈ ફ્રેશ થવાનું કહ્યું. એ ફ્રેશ થઇ ને આવી એટલે એને રાત્રે સૂવા માટેનો અલગ રૂમ પણ બતાવી દીધો. શેતરંજી કામળો અને ઓશીકું પણ આપી દીધાં.

" રાજકોટ થી તમે ભાગીને આવો છો તો તમારે જમવાનું પણ બાકી જ હશે ને ? મારા જેટલું તો સવારનું પડ્યું છે. તમે કહેતા હો તો તમારા માટે ભાખરી શાક બનાવી દઉં."

" સાહેબ તમે મને તમે તમે ના કહો ! મારું નામ નેહા ચોકસી છે. તમે મને તું કહીને બોલાવો. હું તમારાથી નાની છું."

" હું રાજકોટ થી ખાલી હાથે નીકળી છું. પાસે એક પણ પૈસો નથી એટલે ચા પણ પીધી નથી. પહેલા તો હું ટ્રેન નીચે આપઘાત કરવા જ નીકળી હતી પણ હિંમત ન ચાલી અને ટ્રેનમાં બેસી ગઈ. મને તમે રસોડામાં બધુ બતાવી દો. ભાખરી શાક બનાવી દઉં છું. તમે પણ ગરમ ગરમ જ ખાઈ લો."

હું કંઈ બોલ્યો નહીં. એણે ખુબ જ સરસ રસોઈ બનાવી હતી. ઘણા સમય પછી આવી ઘરની રસોઈ મેં ચાખી હતી.

" નેહા, ખરેખર રસોઈ ખૂબ જ સરસ બની છે. હવે તને વાંધો ના હોય તો તારા દુઃખની વાત મને કહી શકે ? હું તને કેટલી મદદ કરી શકીશ એ તો મને ખબર નથી. પણ કમ સે કમ તારા મન નો ભાર હળવો થશે. હા જો તારી ઈચ્છા હોય તો જ. શા માટે તારે પહેરેલા કપડે ઘરેથી ભાગી જવું પડયું ? "

નેહા મૂંગે મોઢે જમતી રહી. સવારની બિચારી ભૂખી હતી. મેં એને જમવા દીધી. મારે જવાબ જાણવાની એવી કોઈ ઉતાવળ પણ નહોતી.

જમ્યા પછી એણે વાસણ ધોઈ નાખ્યા. આખું રસોડું એકદમ સાફ કરી દીધું. અસ્તવ્યસ્ત સામાન બધે વ્યવસ્થિત ગોઠવી દીધો. સ્ત્રી જાતિની આજ તો એક કુદરતી કમાલ છે. એક આગવી કોઠાસૂઝ હોય છે.

રસોડાની બહાર આવીને એ મારી સામે ની ખુરશી ઉપર બેઠી.

" સાહેબ હું 12 સાયન્સ પાસ છું. અમે લોકો સોની છીએ. ભણવામાં પણ હોંશિયાર હતી. 12મા માં હતી ત્યારે મારા પિતાનું કેન્સરમાં અવસાન થયું. પૈસે ટકે અમે લોકો ખલાસ થઈ ગયા. મારા પિતા બીમાર હતા ત્યારથી જ મારી માના કોઈની સાથે આડા સંબંધો ચાલુ થયા હતા. મારા પિતાનું અવસાન થતાં મારી મા એ 2 વર્ષ પહેલાં એ માણસ સાથે લગ્ન કર્યા. અમારું ઘર વેચાવી નાખી તમામ પૈસા એ માણસે લઈ લીધા. ઘર વેચાઇ જતાં અમે બધા એના એક ચાલીના ઘરમાં રહેવા આવ્યા.

"સાહેબ એની ખરાબ નજર મારા ઉપર પણ હતી પણ મેં એને દાદ ના આપી. એ હવે મને એક બુટલેગર સાથે પરણાવી દેવાની પેરવીમાં છે. દારૂનો ધંધો કરતા એ બુટલેગરે પાંચ લાખમાં મારો સોદો કર્યો છે એવી ગઈકાલે રાત્રે મને ખબર પડી. એની અને મારી મા વચ્ચેની વાતચીત મેં સાંભળી લીધી. એ બુટલેગર અમારા એરિયાનો જ એક ગુંડો છે અને મારા કરતા 20 વર્ષ મોટો છે."

" આજે જ એ મને જબરદસ્તી ઉઠાવી જવાનો હતો એવી વાત મેં કાલે રાત્રે સાંભળી એટલે મેં નક્કી કરી લીધું કે સવારે જ મારે ઘર છોડી દેવું. આવા હરામી દારૂડિયા ગુંડા સાથે જીંદગી બરબાદ કરવી એના કરતા તો મૃત્યુ સારુ એવો મેં નિર્ણય લીધો પણ હિંમત ના ચાલી. હું શાક લેવાના બહાને સવારે ઘરેથી નીકળી ગઈ અને રેલ્વે સ્ટેશન પહોંચી ગઈ. ઓખા ની ટ્રેન ઉપડતી હતી એમાં વગર ટિકેટે બેસી ગઈ. કંઈ પણ વિચાર્યું નહીં. બસ એકવાર ભાગી જવું હતું દૂર દૂર. "

" રાજકોટ સિવાય કંઈ પણ જોયું નથી. હવે ક્યાં જવું એ પણ મને ખબર નથી. પેલો બુટલેગર બહુ જ પહોંચેલો છે. એ મને શોધવા આકાશ પાતાળ એક કરશે એટલે હું રાજકોટ તો પાછી જઈ શકું એમ નથી. હું શું કરું સાહેબ તમે મને સલાહ આપો. "

મેં નિર્ણય લઈ લીધો. માનવતાને ખાતર પણ આ છોકરી ને હવે એકલી છોડાય નહીં. થોડા દિવસ તો એને સંભાળી લેવી પડશે. મને અહીં કોઈ પૂછનાર નથી. અને હું અહીં 2 મહિના પહેલા જ આવ્યો છું એટલે મારા ફેમિલી વિશે પણ કોઈ કંઈ જાણતું નથી. પડશે એવા દેવાશે.

" ઠીક છે. તું સુઈ જા અત્યારે. રૂમ અંદરથી બંધ કરી દેજે. સવારે અહીં બજારમાં જઈ તારી સાઈઝ ના થોડા ડ્રેસ વગેરે જરૂરી કપડાં લઈ આવજે કારણકે આ બાબતમાં મને કંઈ ગતાગમ પડતી નથી."

પહેલીવાર નેહા ના ચહેરા ઉપર થોડો આનંદ છલકાયો. એણે હસીને કહ્યું "ભલે સાહેબ" .

બીજા દિવસે સવારે 10 વાગે નેહાને મેં 2500 રૂપિયા આપ્યા અને બજારની માહિતી પણ આપી દીધી. સ્ટેશનથી બજાર બહુ દૂર નહોતું. નેહાને બજાર મોકલી હું સ્ટેશન ઉપર આવ્યો.

બપોરે હું રસોઈ ની વ્યવસ્થા કરવા માટે ક્વાર્ટર પહોંચ્યો ત્યારે નેહા રસોડામાં રસોઈ કરતી હતી. દાળ ભાત શાક થઈ ગયાં હતાં અને રોટલી નો લોટ બંધાતો હતો.

" અચ્છા ... તો દાળના વઘારની સુગંધ અહીંથી આવે છે એમ ને !! છેક સ્ટેશન સુધી સુગંધ પહોંચી ગઈ "

" હવે વધારે વખાણ કર્યા વગર હાથ ધોઈને જમવા બેસી જાઓ સાહેબ. જેટલા દિવસ અહીં છું તેટલા દિવસ તો કમ સે કમ ગરમા ગરમ જમો. "

નેહા નો હાથ ખરેખર અદ્ભુત હતો. ખૂબ જ પ્રેમથી એ મને જમાડતી હતી. મારા જીવનમાં આ શું થઈ રહ્યું છે એ મને સમજાતું નહોતું.

નેહાની ડ્રેસ સેન્સ બહુ જ સરસ હતી. જે બે ડ્રેસ એ લઈ આવી હતી એમાં નેહા ખૂબ જ સુંદર લાગતી હતી. એ ખુબ જ ગોરી હતી એટલે ડાર્ક શેડ એણે પસંદ કર્યા હતા.

ચાર દિવસ પછીના રવિવારે હું અને નેહા રાત્રે વાતો કરતા હતા ત્યાં નેહાએ મારા પરિવાર વિશે પૂછ્યું.

" સાહેબ તમારા પરિવારમાં કોણ કોણ છે ? તમે અહીં એકલા કેમ રહો છો ? હું જાણી શકું ? "

" હા હા કેમ નહીં ? એમાં ખાનગી જેવું કંઈ છે જ નહીં. હું અને મારાં મધર. અમે બે જ જણાં બસ. મોટી બહેન સાસરે છે. બાને અહીં જ બોલાવવાનો હતો પણ અત્યારે બહેન ડિલિવરી ઉપર છે એટલે બા ત્રણ મહિનાથી બહેનના ઘરે ગયાં છે. "

" મારા લગ્નની વાત હજુ જામતી નથી. કોલેજમાં એક છોકરી સાથે પ્રેમ થયેલો પણ મારી શીડ્યુલ કાસ્ટ એટલે મેળ ના પડ્યો. અમારી જ્ઞાતિમાં ત્રણ ચાર છોકરીઓ જોઈ પણ મારી ચોઇસ થોડી ઉંચી છે.મને પહેલેથી રૂપાળી છોકરી નું આકર્ષણ વધારે છે એટલે મેળ પડતો નથી. " કહેતાં તો કહેવાઈ ગયું પણ નેહાને જોઇને થોડી શરમ આવી ગઈ.

આમને આમ થોડા દિવસો વીતી ગયા. નેહા તરફ હું હવે થોડો ખેંચાતો જતો હતો. નેહા જેટલી દેખાવમાં હિરોઇન જેવી હતી તેટલી જ સ્વભાવ માં પણ ખુબ જ સાલસ હતી. મારી નાની નાની બાબતોની એ કાળજી લેતી. કપડાં ધોવા, કપડાં ને ઇસ્ત્રી કરવી, સમયસર જમવાનું બનાવી દેવું. મને જાણે કે નેહાની આદત પડતી ગઈ.

ઘણીવાર મને નેહા સાથે આ બાબતમાં ખુલ્લી ચર્ચા કરવાનું મન થતું પણ નેહા મારા માટે શું વિચારતી હશે એ વિચારે હું પાછો પડતો. આજ સુધી મેં નેહાની જ્ઞાતિ પૂછી નહોતી. અને એટલે એ મારી સાથે તૈયાર થાય કે નહી એ પણ એક પ્રશ્ન હતો.

અને એક દિવસ મારા પ્રશ્નનો જવાબ પણ મને અચાનક મળી ગયો. મારો લાઈનમેન નેહા વિષે કંઈ જાણતો નહોતો એટલે છેલ્લા પંદરેક દિવસથી મારા ઘરમાં યુવાન નેહા ને જોઈને એના મનમાં પણ ઘણા પ્રશ્નો થતા હતા. એને પણ એ પૂછી શકતો નહોતો. મારા જ કોઈ સંબંધી હશે એમ માનીને મન મનાવી લેતો હતો.

પણ એ લાંબો સમય મન મનાવી શક્યો નહીં. એક દિવસ કોઈ કામસર એ મારા ક્વાર્ટર માં ગયો ત્યારે મોકો જોઇને એણે નેહાને પૂછી જ લીધું.

" બેન તમે તો આ ઘરમાં આવીને ઘરની રોનક જ બદલી નાખી. તમે આટલા દિવસથી ચૌહાણ સાહેબ ના મહેમાન છો પણ આજ સુધી સાહેબે મને તમારો પરિચય જ નથી કરાવ્યો, બોલો. મને ઘણીવાર થાય કે સાહેબને પૂછું પણ સાહેબ નવા છે એટલે જીભ ઉપડી નહીં."

" અરે એમાં શું ? પૂછી લેવાય ને? હું તો આ ઘરમાં આવી કે તરત તમારું નામ જાણી લીધેલું. તમે વશરામકાકા ને ? "

" હા બેન એકદમ સાચું. હું તો આ સ્ટેશન ઉપર છેલ્લા ૨૦ વર્ષથી છું "

" મને એમણે તમારી બધી વાત કરેલી. પણ એ થોડા શરમાળ છે. અમારી સગાઈ થઈ ગઈ છે. લગન લેવાના બાકી છે. આ તો બા મારાં નણંદ ની ડિલિવરી ઉપર ગયાં છે એટલે મારે લગ્ન પહેલા જ અહીં આવવું પડ્યું. મારા વગર એમનું ધ્યાન કોણ રાખે કાકા ? "

" સો ટકાની વાત કરી તમે બેન. આપણા માણસનું આપણે ધ્યાન ના રાખીએ તો બીજું કોણ રાખે ? ચાલો, મને તો બહુ આનંદ થયો."

અને વશરામ કાકાએ તરત મારી કેબિનમાં આવીને મારો ક્લાસ લીધો.

" તમે ખરેખર છૂપા રુસ્તમ છો સાહેબ !! આટલી મોટી વાત તમે મારાથી છાની રાખી ? તમારી નેહાબેન સાથે સગાઇ થઇ ગઇ છે અને તમે મને ઓળખાણ પણ ના કરાવી ? આ તો નેહાબેને બધી વાત કરી ત્યારે ખબર પડી. તમે ખૂબ નસીબદાર છો સાહેબ કે આવી કન્યા મળી છે. હવે જલ્દી લગન કરી લો. આવી રીતે લગન કર્યા વગર ઝાઝા દિવસ એકલા ભેગા ના રહેવાય."

નેહાએ આવી વાત વશરામભાઈ ને કરી ? જે વાત નેહાને કરવા માટે અઠવાડિયાથી હું મૂંઝાતો હતો એ જ વાત નેહાએ આટલી બિન્દાસ્ત થઈને જાહેર પણ કરી દીધી ? નેહાએ મને બહુ મોટું સરપ્રાઇઝ આપી દીધું હતું.

બપોરે જમવા માટે ક્વાર્ટર માં જવા માટે આજે મારા પગ ભારે થઈ ગયા હતા. નેહા મને પોતાનો પતિ માની ચૂકી હતી એ હકીકત થી મારું મન ખુબજ રોમાંચિત થઈ ગાયું.

મેં ક્વાર્ટરમાં જઈને જોયું તો દાળ ભાત શાક થઈ ગયા હતા અને નેહા ગેસ ઉપર કંસાર હલાવી રહી હતી. મેં દબાતા પગલે રસોડામાં પ્રવેશ કર્યો અને ઓચિંતી નેહાને બાથમાં ભીડી લીધી.

" બદમાશ !! પ્રેમનો એકરાર કરવાની આ નવી રીત ક્યાંથી શીખી ? "

" રહેવા દો ... એકરાર તો તમારી આંખોમાં ક્યારનો ય મેં વાંચી લીધેલો જનાબ. પણ તમે છોકરીની જેમ શરમાતા જ રહ્યા એટલે નાછૂટકે મારે હિંમત કરવી પડી. હું તમને પસંદ તો છું ને ? "

" નેહા તને શું કહું ? મારું વર્ષો જુનું સપનું આજે સાકાર થયું. તને પામીને હું આજે આસમાન માં ઉડી રહ્યો છું. ઈશ્વરે મારા માટે જ તને અહીં મોકલી આપી છે . ના, હું તને હવે ક્યાંય નહીં જવા દઉં. "

અને ત્યારે નેહા ની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. એ મને જબરદસ્ત આવેગથી વળગી પડી.

અશ્વિન રાવલ