Adhiknu Adhik Mahatv books and stories free download online pdf in Gujarati

અધિકનું અધિક મહત્વ

માનવ ધર્મ સમજાવતા આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ ધરાવતો પુરુષોતમ માસ :

પુરુષોમાં ઉત્તમ છે એવા’પુરુષોતમ’ તરીકે ઓળખાતા ભગવાનના સ્વરૂપને જીવન સાથે સાંકળી ઉતમ જીવન જીવવાના સંદેશ સાથે કેલેન્ડર પ્રમાણે દર ૩ વર્ષે આવતો એક વધારાનો મહિનો ‘અધિક માસ’તરીકે પ્રચલિત અને ધાર્મિક મહત્વ ધરાવતા આ માસમાં સૂચવવામાં આવતી વિશિષ્ટ બાબતો ઉપવાસ-એકટાણા,વનસ્પતિપૂજા,દાન વગેરે દ્વારા સાચા અર્થમાં મનુષ્ય ધર્મ તથા વૈજ્ઞાનિક રીતે સ્વસ્થ જીવન કેમ જીવવું તે સમજવામાં પણ ખુબ મહત્વની છે.ઉતમ જીવન એટલે ચારિત્ર્યવાન,નીતિવાન,માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ જીવન જીવવાની સમજ આપે છે.

* આ માસમાં ઘડાની સ્થાપના કરવામાં આવે છે અને દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવામાં આવે છે. પુરાણોમાં પ્રખર સંતોએ બનાવેલ આ નિયમ પાછળનું મુખ્ય કારણ એ છે કે જીવનરૂપી ઘડો પણ એક દિવસ ફૂટવાનો જ છે,તો રાગ,દ્વેષ,માયા,કપટ જેવા દુર્ગુણોરુપી મનના બધા જ મેલ ભક્તિરૂપી ગંગામાં સ્નાન કરી દુર કરીએ.આ અર્થમાં મલ માસ તરીકે પણ આ માસ ઓળખાય છે.

દંતકથા અનુસાર, લોકો અધિક માસને મલમાસ કહેવા લાગ્યા. તે મલમાસ કહેવાથી ગુસ્સે થયો અને પોતાની વેદના ભગવાન વિષ્ણુ સમક્ષ મુકી. અધિક માસનો કોઈ સ્વામી નહોતો. કોઈ સ્વામી ન હોવાથી લોકો અધિક માસને મલમાસ કહેવા લાગ્યા. આનાથી તે ખૂબ જ દુ:ખી થઈ ગયો. જ્યારે તેણે તેની વ્યથા વિષ્ણુ ભગવાનને સંભળાવી ત્યારે ભગવાને મલમાસને વરદાન આપ્યું અને કહ્યું કે, હવેથી હું તારો સ્વામી છું. વરદાન આપવાની સાથે ભગવાન વિષ્ણુએ તે મહિનાને પોતાનું નામ આપ્યું. પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ ભગવાનનું નામ છે, તેથી આ મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે, જે કોઈપણ આ મહિનામાં મારી પૂજા કરે છે, ઉપાસના કરે છે, આરાધના કરે છે તેના પર તે પ્રસન્ન થાય છે અને આર્શીવાદ આપે છે કે બધી જ મનોકામના પૂર્ણ થાય.અધિક મહિનામાં ભગવાન વિષ્ણુની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે, પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા, વિધિ અને દાનથી વિશેષ ફળ મળે છે અને તમામ પ્રકારના દુ:ખો દૂર થાય છે.

અધિક મહિનાની શરૂઆત, પંચાંગ મુજબ,અશ્વિન મહિનામાં શ્રાદ્ધ પક્ષ 17 સપ્ટેમ્બર 2020 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને અધિક મહિનો 18 સપ્ટેમ્બર2020થી શરૂ થઈ રહ્યો છે. અધિકાર માસ 16 ઓક્ટોબર2020 ના રોજ સમાપ્ત થશ.

જ્યોતિષ શાસ્ત્રના જાણકાર પ્રમાણે અધિક માસમાં વિવાહ, દેવસ્થાપન, યજ્ઞોપવિત, સકામ યજ્ઞા જેવા શુભ કાર્યો કરવા માટે શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે. આધુનિક સુખ- સુવિધાની ચીજવસ્તુની ખરીદી માટેના નિષેધનો શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી. આ સિવાય અધિક માસમાં લગ્ન નક્કી કરવું, સગાઈ નક્કી કરવી, જમીન,મકાન- મિલકતની ખરીદી પણ નક્કી કરી શકાય છે. અધિક માસમાં જ્વેલરી, વાહન, મિલકત, ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ, કપડાં, સહિત તમામ પ્રકારની ખરીદી માટે કોઈ મનાઈ નથી. જ્યારે મિલકત ખરીદીના સંદર્ભમાં ફક્ત કાગળ-દસ્તાવેજી કાર્યવાહી કરી શકાશે. મિલકતની ખરીદી માટે અધિક માસમાં ૨૫થી વધુ શુભ દિવસ છે.

આરોગ્યની દ્રષ્ટિએ ઉતમ એવી વનસ્પતિઓ-પીપળો અને તુલસીના પૂજન દ્વારા સ્વાસ્થ્યની દરકાર સાથે પરોપકારી સંત જેવાવૃક્ષોનું જતન કરી,પર્યાવરણ સંતુલનમાં ફાળો આપવા સમજાવવામાં આવે છે. કુદરતના પાંચ તત્વો કે જેનાથી આપણું શરીર બન્યું છે તે હવા,જળ,ભૂમિ,પ્રકાશ અને અગ્નિ એ ૫ તત્વોની કુદરતે છુટ્ટે હાથે લહાણી કરી છે અનો વધુમાં વધુ ઉપયોગ કરી,સ્વયમ સ્વસ્થ રહેવા સાથે પર્યાવરણને સ્વસ્થ રાખવામાં પણ ફાળો આપીએ. સમગ્ર સૃષ્ટિમાં આવેલા વનસ્પતિ,વૃક્ષો,માનવી,પશુ,પંખીઓ એકબીજાના અવિભાજ્ય અંગ છે. જેનું મહત્વ સમજાવતો આ માસ છે.

આખો માસ ઉપવાસ કે એક્ટાણા કરવા પાછળ ધાર્મિક કરતા વૈજ્ઞાનિક મહત્વ વધુ છે. શરીરની પાચનશક્તિને મજબુત બનાવવા અને તે દ્વારા તંદુરસ્તી માટે અમુક સમયાંતરે એકટાણા-ઉપવાસ જરૂરી છે. શરીર શુદ્ધિ સાથે મનશુદ્ધિ થવાથી આત્મ શુદ્ધિ પણ થાય છે. શ્રી કાકાસાહેબ કાલેલકર કહે છે :”ધાર્યું કામ પર પાડવા છતાં શરીરનું કોઈ અંગ ફરિયાદ ન કરે તે તંદુરસ્તીની નિશાની.”આયુર્વેદ શાસ્ત્રમાં લખ્યું છે: “ઈશ્વર પ્રાપ્તિ માટે બુદ્ધિ નિર્મળ હોવી જોઈએ,બુદ્ધિ નિર્મળ હોવા માટે શરીર નિર્મળ હોવું જોઈએ.”

વખતે અધિક મહિનામાં એક ખાસ સંયોગ પણ બની રહ્યો છે. આ વિશેષ સંયોગ 160 વર્ષ પછી બની રહ્યો છે. આ પછી, આવો સંયોગ વર્ષ 2039માં થશે. આ વર્ષે સંયોગને લીધે લીપ યર અને અશ્વિન અધિક માસ બંને એક સાથે આવી રહ્યાં છે. સૌર વર્ષ સૂર્યની ગતિ પર આધારીત છે. ચંદ્ર વર્ષની ગણના ચંદ્રની હિલચાલ તરીકે ગણવામાં આવે છે. સૌર વર્ષ 365 દિવસ 6 કલાક છે. જ્યારે એક ચંદ્ર વર્ષમાં 354.36 દિવસ હોય છે. દર ત્રણ વર્ષે, ચંદ્રના આ દિવસો એક મહિનાની બરાબર થાય છે. જ્યોતિષની ગણતરીઓને સાચી પાડવા માટે ત્રણ વર્ષ પછી ચંદ્ર મહિનામાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. આને અધિક મહિનો અથવા પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે.

*આ માસમાં દાનનું ખુબ મહત્વ આકવામાં આવે છે.જે પાછળ સાચો મનુષ્યધર્મ રહેલો છે.કુદરતે આપેલા બે હાથનો ઉપયોગ માત્ર લેવામાં જ ન કરતા એક હાથે કમાઈ,બીજા હાથે મદદ કરીએઅને જરૂરિયાતમંદ પ્રત્યે લંબાવેલો મદદનો હાથ કુદરતને પણ ગમે છે તે યાદ રાખી પ્રેમ,કરુણા,સહાનુભુતિ જેવા સદગુણોના વિકાસ દ્વારા ખરા અર્થમાં માનવધર્મ યાદ રાખીએ.

આમ આ માસ દરમ્યાન અને હમેશના જીવનમાં સારા કર્યો અપનાવી, સાચા અર્થમાં ધર્મની વ્યાખ્યા -’ધારણ કરે તે ધર્મ’ સમજી,અમુલ્ય કુદરતને ઓળખી તેના નિયમોનું પાલન કરી,માનવજીવન સાર્થક કરવાનો અધિક માસનો સંદેશ ઝીલીએ....