Prakruti ni Sathe Chaliye books and stories free download online pdf in Gujarati

Prakruti ni Sathe Chaliye

પ્રકૃતિની સાથે ચાલીએ

જાગૃતિ વકીલ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.પ્રસ્તાવના

૨.કેવી અજબ જેવી વાત છે!

૩.કોમ્પ્યુટર : લાભ કે હાનિ?

૪.સૌર ઉર્જા અપનાવીએ અને સુખી થઈએ

૫.સજીવ ખેતી

૬.પ્રકૃતિની સાથે ચાલીએ...

૧. પ્રસ્તાવના

માનવીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી થતી નવી શોધ એ વિજ્ઞાન છે તો એ જ શોધને વધુ ને વધુ લોકભોગ્ય અને વધુ સારી, વધુ સરળ બનાવવાના મનોમંથન અને નવી બાબત આમ આદમીને ઉપલબ્ધ થાય એ ટેકનોલોજી. . . આમ, રોજબરોજના જીવનમાં કોઈ બાબત એવી નહિ હોય કે જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી નહિ હોય. જેના પરિણામે જ આપણે આપણા પૂર્વજો કરતા વધુ સુખ સુવિધાઓ સાથેનું જીવન જીવી શકીએ છીએ. ખરેખર કુદરત પોતે જ એક અદભૂત વિજ્ઞાન છે, એને સમજીએ અને તેના નિયમોને અનુસરીએ તો જરૂર આપણા વર્તમાન સાથે નવી પેઢીનું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શકીશું. . . આવી જ કેટલીક વાતો આપ સહુ સુજ્જ્ઞ વાચકો સાથે ચર્ચવા માટે આ પુસ્તક રૂપે રજુ કરતા આનંદની લાગણી અનુભવું છું. આ પુસ્તક આપ સુધી પહોચાડવા માટે ગુજરાતી પ્રાઈડ બુક્સ અને માતૃભારતી ટ્રસ્ટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યા વગર કેમ રહી શકાય?

આ પુસ્તક માટે નામી અનામી શુભેચ્છક મિત્રો અને આપ સહુ સુજ્ઞ વાચકોનો સાનંદ આભાર. . . સહુનું મંગલ હો. . .

૨. કેવી અજબ જેવી વાત છે!

ખોરાક અને પાણીની શોધમાં ભટકતું જીવન ગાળતો નદી કિનારે થોડા દાણામાંથી ઉગેલા અનેક દાણા જોઈ ખેતીની શોધ કરી,સ્થિર જીવન જીવવાનું શરૂ કર્યું. તો વૃક્ષના થડનું ગોળ લાકડું ઢોળાવ પરથી ગબડતા ચક્ર સ્વરૂપે ગાડીનું પૈડું બનાવી, વાહનોની શોધ, આરામદાયક મુસાફરીના અનેક સાધનો શોધવામાં મદદરૂપ બની... ઘાસના તણખલા પર ચકમક પત્થર અનાયાસે ઘસાઈ જતા થયેલ તણખાએ અગ્નિની ભેટ આપી. તો માત્ર જંગલી જાનવર અને ઠંડીથી રક્ષણ મેળવવા પ્રકાશ તરીકે ઉપયોગી અગ્નિમાં અચાનક પડી ગયેલું માંસ આપો આપ શેકીને આદિમાનવે તે ચાખતા સ્વાદિષ્ટ લાગ્યું. જે રસોઈ પકવવા અગ્નિનો ઉપયોગ કરવાની સમજ પૂરી પાડી. જે આજે ચુલા, સગડી, પ્રાઈમસ, ગેસ-એલ.પિ.જી. કે સી.એન.જી. સ્વરૂપે ઘર ઘરની જરૂરિયાત બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તો વિજ્જ્ઞાને માનવમાત્રને સુખ સુવિધા આપવામાં અને માનવ વિકાસને ઝડપી બનાવવામાં રીતસર હરણફાળ જ ભરી છે.

મહાન વિચારક ટેફલરના મતે આવી રહેલ સમાજમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એક અનિવાર્ય જરૂરિયાત છે. એ તો સાચું જ છે કે પૃથ્વી પરના તમામ પ્રાણીઓમાં કળાકૌશલ્ય વારસાગત છે.. ઉધઈનો વાતાનુકુલિત રાફડો, સુગરીનો અતિ વિશિષ્ટ અને સુંદર માળો, અનેક વર્ષોથી એવાને એવા જ એ જ ડીઝા ઈનમાં તૈયાર થાય છે. જયારે મનુષ્યમાં આ કળા વારસાગત નથી મળતી. પણ અન્ય પ્રાણી કરતા માનવની કુતુહલવૃતિ, વિચાર, ચિંતન, મનન અને સર્જનશક્તિને કારણે જ ઘાસ પાંદડાના બનેલા પરંપરાગત ઘરમાં રહેતા આજનો માનવી અતિ આધુનિક સુખસુવિધા વાળા અને કુદરતી આપતી સમયે આપમેળે ખસી માનવને સલામત રાખે તેવા મકાનોમાં રહે છે. એ આધુનિક વિજ્ઞાનની જ દેન છે.. કહેવાય છે કે જરૂરિયાત સંશોધનની જન્મદાત્રી છે. માનવીની જરૂરિયાત સંતોષવા વિજ્ઞાને કૃષિ, તબીબી, સંદેશાવ્યવહાર સહિત તમામ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવામાં કઈ જ બાકી નથી રાખ્યું...

માનવશક્તિ કે બળદ વડે ખેતી કરતો જગતનો તાત સજ્જ થઈ ગયો છે અને ઘરે બેઠા કે મોબાઈલની સ્વીચ ઓન કરી કેટીના ઘણા કામો કરે છે. સંકર જાતોનું વાવેતર આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા કરી અનેકગણું ઉત્પાદન મેળવવામાં સફળ રહ્યો છે. પશુનો ઉપયોગ કરી એક સ્થળેથી બીજે જતો માનવ મેગ્લેવ ટ્રેન, સ્કાય સ્કુટર જેવા અતિ આધુનિક સાધનોના ઉપયોગથી વિશ્વને નાનું બનાવી અતિ સાંકડું બનાવવામાં સફળ રહ્યો. ખેપિયા કે કબુતર દ્વારા ઘણા લાંબા સમયે સંદેશો પહોચાડતો માનવી ઈ-મેઈલ કે મોબાઈલની વિવિધ એપ દ્વારા સેકન્ડમાં દુર-ુદુર સુધી સંદેશો પહોચાડતો થયો. . જે સમયના બચાવ સાથે ઝડપી કામ ટેકનોલોજીની જ શોધ છે. ૠષિ પરંપરાગત શિક્ષણ મેળવતો વિદ્યાર્થી આંગળીના એક ક્લિક વડે ઘરબેઠા પણ અનેક પ્રકારનું શિક્ષણ મેળવતો થયો છે. જે શિક્ષણ ક્ષેત્રની આમૂલ ક્રાંતિ જ ગણી શકાય. તો તબીબી ક્ષેત્રે સચોટ નિદાનના અભાવે અને યોગ્ય સાધનોની અગવડને કારણે થતા મૃત્યુની સંખ્યા ઘટાડવા શોધાયેલા સાધનો કે પદ્ધતિઓથી અંગ પ્રત્યારોપણ સહિતની સારવારથી અનેક દુખી લોકોને ખુશહાલ ઝીંદગી જીવવાની તક મળી છે. ટેલી અને વિડીઓ કોન્ફરન્સ દ્વારા ઘર બેઠા દર્દના ઉપચાર માટે માર્ગદર્‌શન મેળવી શકાય છે.

હવામાન, કુદરતી આપતિ, પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલ પાણી કે ઉર્જાસ્ત્રોત,ખેતીમાં રોગો થવાની શક્યતા વગેરેની જાણકારી આપતા સેટેલાઈટની શોધ કાર્ય પછી એટલેથી ન અટકતા વિજ્ઞાને નેનો ટેક્નોલોજીની શોધ કરી વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો. તો અન્ય ક્ષેત્રો ઓર્ગેનિક ફૂડ, આરોગ્ય, ઔદ્યોગિક કે બાંધકામ ક્ષેત્રે થયેલી અનેક શોધો ખરેખર તો વિજ્ઞાનની સહુથી અજાયબ અને હેરતભરી, નક્કર શોધ છે.

આમ, વિજ્ઞાને માનવીને સુખ, સુવિધા, સગવડ આપવામાં કઈ જ બાકી નથી રાખ્યું એ સુખદ વાત સાથે આધુનિકતા તરફની દોટે પ્રકૃતિને નુકસાન પહોચાડવામાં કઈ જ બાકી નથી રાખ્યું એ એટલી જ દુખદ વાત છે. વર્તમાન અને ભાવિ પેઢી માટે સમજણ પૂર્વક પ્રકૃતિનો ઉપયોગ કરીએ તો સાચા અર્થમાં વિજ્ઞાન માટે સલામ સાથે દરરોજના અનુભવમાં કહી શકાય કે “આ તે કેવી અજબ જેવી વાત છે!!!”

૩. કોમ્પ્યુટર : લાભ કે હાનિ?

કોઈ પણ ક્ષેત્ર તેના ક્રમિક વિકાસની પરાકાષ્ઠાએ હોય ત્યારે હમેશા તેનો મુખ્ય આધાર વિજ્ઞાન અને ટેકનોલોજી બની રહે છે. વીસમી સદીના છેલ્લા દસકામાં વિજાણું યંત્રમાં થયેલ આધુનિક શોધને કારણે સમગ્ર વિશ્વ એક નાનકડા ટેબલમાં કે આપણી હથેળીમાં સમાઈ ગયું. પરિણામે વિશ્વગ્રામની સંકલ્પના સાકાર થઈ રહી છે. દુર્સંચારના માધ્યમો જેવા કે કોમ્પ્યુટર, માઈક્રોવેવ, સેતેલીતના ઉપયોગથી ઈન્ટરનેટ, વેબકેમેરાથી દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા માનવીઓની સન્મુખ વાતચીત અને ઈ મેઈલ જેવી આધુનિક પ્રૌદ્યોગિકીએ માનવજાતને માહિતીના યુગમાં પ્રવેશ કરાવ્યો છે.

પ્રાચીન જગતમાં આપની શૈક્ષણિક યાત્રા ઝાડ નીચે થી શરૂ થઈ, હવે કોમ્પ્યુટરની પ્રયોગશાળામાં પ્રવેશી ચુકી છે. કદાચ આદિમાનવની અગ્નિની શોધ પછી સમાજમાં જબરદસ્ત પરિવર્તન લાવનારૂ પરિબળ કોમ્પુટરની શોધ છે.

સામાજિક, રાજનૈતિક અને આર્થ્િાક જીવનમાં આમૂલ પરિવર્તન લાવનારૂં કોમ્પ્યુટર છે શું? એવો પ્રશ્ન જરૂર થાય. એ વિશાળ ક્ષમતાવાળું, એક આધુનિક યંત્ર છે. ખરેખર તો તેને એવું યાંત્રિક મગજ કહી શકાય કે જે દરેક સમસ્યાઓનો ઉકેલ આપે છે. ગણતરી કરવાના અનેક ગણનયંત્રો કરતા કોમ્પ્યુટર સૌથી ઝડપી અને શુદ્ધ ગણતરી કરનારૂં છે. ૧૯મી સદીમાં ચાર્લ્સ બેબેજએ પ્રથમ કોમ્પ્યુટર બનાવ્યું હતું. જે લાંબી ગણતરીઓ સરળતાથી કરી આપતું હતું. પણ આધુનિક સમયમાં નવી નવી તરકીબોથી કોમ્પ્યુટર માનવજીવનના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી બની ગયું છે.

કોમ્પ્યુટરમાં કરવાની ગણતરી માટે એક વિશિષ્ટ ભાષા તૈયાર કરવાની હોય છે. આ નિર્દેશ સૂચનાઓને કોમ્પ્યુટરનો ‘પ્રોગ્રામ’ કહે છે. કોમ્પ્યુટરનું કેન્દ્રીય મગજ પોતાનું બધું કામ સંકેતોની ગાણિતિક ભાષામાં કરે છે. તેને આપેલી માહિતી તે પોતાની મેમરીમાં સુરક્ષિત રાખે છે અને જરૂર પડયે પછી મેળવી શકાય છે.

આધુનિક વિજ્ઞાન અને ઈજનેરી શાખામાં ગણતરી અને પરિણામો ખુબ સરળતાથી અને ઝડપથી કોમ્પ્યુટર દ્વારા કરી સમયની મહાબચત થાય છે. યુદ્ધ અને સરક્ષણ ક્ષેત્રે દુશ્મનોની હિલચાલ પર નજર રાખવા, કોમ્પ્યુટરના રીઅલ ટાઈમ કંટ્રોલ સીસ્ટમ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા આદેશ આપી શકાય છે. હવાઈ વ્યવહાર ક્ષેત્રે વિમાનોની અવરજવર, રીઝર્વેશન, હવામાનની જાણકારી, વિમાનમાં બળતણ કે મશીનરીની ચકાસણી પણ કોમ્પ્યુટર દ્વારા થઈ શકે છે. તો ફેકટરીઓમાં મશીનનું સંચાલન કરવા પણ કોમ્પ્યુટરની મદદ લેવામાં આવે છે. યંત્રમાનવ રોબોટને પ્રોગ્રામિંગ કરી ગમે તે ૠતુમાં ગમે તેટલા કલાક કામ કરાવી શકાય છે. તબીબી ક્ષેત્રે અનેક નિદાનમાં અને સુખ્સ્મ ઓપરેશનોમાં પણ કોમ્પ્યુટરની મદદ લેવાય છે. અવકાશ ક્ષેત્રે પ્રયોગશાળામાં બેસી સેટેલાઈટમાં સંચાલન કરી અન્ય ગ્રહો અંગે અનેક માહિતી મેળવી શકાય છે. હવે તો કોમ્પ્યુટર જુદા જુદા વિષયોના અભ્યાસક્રમ તૈયાર કરી શિક્ષકોની મદદ વગર જાતે અભ્યાસ કરવાની સુવિધા પણ પૂરી પડે છે, એટલેથી ન અટકતા વ્યક્તિ પરીક્ષા પણ જાતે આપી, ભૂલ પણ જાતે સુધારી શકે છે. વિડીઓ કોન્ફરન્સની મદદથી માઈલો દુર બેઠેલા વિદ્યાર્થી શિક્ષકો વાતચીત કરી મુંઝવતા પ્રશ્નોનો ઉકેલ લાવે છે. નેટ બેન્કિંગ દ્વારા તો વિશ્વભરમાં નાણાની લેવડદેવડ એક ક્લિક માત્રથી થાય છે.

આમ,વિજ્જ્ઞાનના ફાળામાં બે સાધનોનો ફાળો અગત્યનો છે. એક માઈક્રોસ્કોપ કે જેના દ્વારા દુનિયાની સૂક્ષ્મતા જોઈ શકાય છે અને બીજું ટેલીસ્કોપ જેના દ્વારા દુનિયાની વ્યાપકતા જોઈ શકાય છે. પણ કોમ્પ્યુટરમાં દુનિયાભરની સૂક્ષ્મતા અને વ્યાપકતા બંને જોઈ શકાય છે. આ રીતે જોઈએ તો કોમ્પ્યુટર ઉપયોગી સાધન બની રહ્યું છે

પણ સિક્કાની બીજી બાજુ જોઈએ તો તેનાથી થનારા નુકસાનની અવગણના પણ કરી શકાય એમ નથી. ઘણી વ્યક્તિઓનું કામ એક જ કોમ્પ્યુટર કરી નાખતું હોવાથી બેરોજગારીની સમસ્યા ઉદભવી છે. તીવ્ર સ્પર્ધાના યુગમાં બાળકોને નાનપણથી કોમ્પ્યુટર શીખવવામાં આવે છે તે સારૂં જ છે પણ એ બાળક કોમ્પ્યુટરમાં અભ્યાસ ઉપયોગી પ્રવૃતિને બદલે રમત કે અન્ય પ્રકારની વેબસાઈટ ખોલી સમય વેડફવાની સાથે માનસિક રીતે વિકૃતિ તરફ પણ વળે છે. જે શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની રહ્યું છે.

આમ, માનવજાતિ માટે આશીર્વાદરૂપ શોધ કોમ્પ્યુટરનો ઉપયોગ સમજી વિચારીને કવામાં નહિ આવે તો તે શ્રાપરૂપ બની પતન અને વિનાશનું કારણ બની જશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.

૪. સૌર ઉર્જા અપનાવીએ અને સુખી થઈએ.

નાનપણમાં જોડકણું ગાતાઃ

“સુરજદાદા સોના વર્ણા,પડું છું હું બૂમ,

દિવસ આખો દેખા દઈને થાઓ છો ક્યાં ગૂમ?!!”

એ વખતે જરૂર બાળ સહજ કુતુહલ હતું કે સુરજને દાદા કમ કહેવાતું હશે? મોટા થયા પછી જવાબ મળ્યો કે જેમ ઘરના મોભીદાદા હોય અને ઘરમાં સહુને હૂફ પૂરી પડતા હોય, જીવન જીવવાનું બળ આપતા હોય, તેમ અખૂટ શક્તિનો ભંડાર એવા સુરજદાદા પૃથ્વી પર રહેલ સમગ્ર માનવ કુટુંબને ઉર્જા પૂરી પડી ચેતનાનો સંચાર કરે છે. એટલે જ તો પ્રશ્ન ઉપનીષદમાં લખાયું છે : ”સૂર્યનો ઉદય થતા આખી શ્રૂષ્ટિમાં ઉર્જાનો સંચાર થાય છે.”

સંસ્કૃતમાં સૂર્ય માટે કહેવાયું છે કે“નિત્યઃસર્વગતઃસૂર્યઃ” સદાકાળ તપતો રહે છે અને રહેશે. તો આવા ઉર્જાના પરંપરાગત સ્ત્રોત, મફત અને કાયમી કદી ન ખૂટનારા ઉર્જાના અઢળક ભંડાર નો ઉપયોગ કરી, આજે ઉત્પન્ન થયેલી ઉર્જાની કટોકટીને જરૂર ઘટાડી શકાય ને? પૃથ્વીના પેટાળમાં લાકો, કરોડો વર્ષો પછી બનેલ ઊંર્જાસ્ત્રોતો માનવીના આડેધડ વપરાશને કારણે જે ઝડપે ખાલી થાય છે તે જોતા લાગે છે કે આવતા ૧૦૦ વર્ષોમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ખાલી થઈ જવાને આરે આવતા તેની કટોકટી ઉભી થશે. જે નિવારવા આવા અખૂટ, નિરંતર મળતા, પ્રદુષણ રહિત, વિપુલ અને સહજ પ્રાપ્ય સૌર ઊંર્જાનો ઉપયોગ કરીએ અને રોજીંદા જીવનમાં અપનાવીએ.

હાલમાં તો આવા અનેક સાધનો ઉપલબ્ધ છે. સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું અને ઘરો-ઘર વપરાતું સાધન સોલાર હીટર પાણી ગરમ કરવા માટે તો રસોઈની પૌષ્ટિકતા જાળવી ને ઈંધણ બચાવતું રસોડાનું સોલાર કુકર સહુથી વધુ વાપરતા સાધનોમાં છે. તો ફળ, શાકભાજી, માછલી, તમાકુ, અનાજ, કઠોળ વગેરેની સુકવણી માટે સોલર ડ્રાયર, સૌર ઉર્જા દ્વારા પાણીનું બાષ્પીભવન કર્યા બાદ આસવન કરી શુદ્ધ પાણી મેળવવું આધુનિક વિજ્ઞાનની શોધ છે. શાળાજીવનમાં બિલોરી કાચ હાથ પર રાખી દાઝવાનો કે કાગળ પર રાખી તેને બળવાનો પ્રયોગ નાના પાયે કરતા.. મોટા પાયે એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી સૌર ભટ્ટીની શોધથી ઉદ્યોગોમાં જરૂરી ધાતુઓનું શુદ્વિકરણ વગેરે પ્રયોગોમાં અત્યંત ઉપકારક થઈ. સૌર કોષ કે સોલર પ્લેટની શોધ થતા તો, ઘરોમાં, જાહેર માર્ગો પર લાઈટમાં, પંખા, કેલ્કયુલેટર ચલાવી પરંપરાગત ઉર્જાનો બહુ જ સારો બચાવ થઈ શકે છે. વિષુવવૃત પ્રદેશોમાં અતિશય ઠંડી અને ગરમીથી બચવા સોલાર સ્પેસ હિટીંગની વ્યવસ્થા કરી ઘરો બનાવાયા છે. ખેતીમાં સોલાર વોટર પંપ અને સોલર ડરાયરમાં મહતમ સોલર ઉર્જાનો ઉપયોગ કરી અશ્મીગત ઈંધણ બચાવી શકાય છે. તો સૌર ઉર્જાનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરી સૌર એન્જીન પણ શોધાયા છે. હાલમાં જ સોલાર પ્લેન પણ આપને સહુએ નિહાળ્યું છે.

સૌર ઉર્જાના નિષ્ણાત વિલિયમ દેરોવીસે સાચું જ કહ્યું છે કે અન્ય સાધનો કરતા સૌર ઉર્જાના સાધનો માનવજાતિની આબાદી માટે ઘણું કરી શકશે અને તે પણ નજીવા ખર્ચે!! તો ચાલો આવી સરળ, સુલભ સૌર ઉર્જાનો વધુ ને વધુ ઉપયોગ કરીએ, અન્યને કરવા સમજાવીએ અને ઉર્જાની દેશવ્યાપી સમસ્યાને હળવી કરવા સહભાગી થઈએ....

૫. સજીવ ખેતી

ઈ.સ.૧૯૬૦-૭૦ના દાયકામાં ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિએ ખેતીને નવી દિશા આપી.વધતી જતી વસ્તીની જરૂરીયાતને પહોચી વળવા માટે ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા નવા હાઈબ્રીડ બીયરણો, રાસાયણિક ખતરો, જંતુનાશકો,યંત્રો, સીચીની નવી નવી યોજનાઓ મળી. પણ આ બધાની ઉપયોગી બાબત કરતા નુકસાનકારક આડઅસરો અને દુષ્પરિણામો ઈ.સ.૧૯૮૦ પછી દેખાવા લાગ્ય. ખેતી માટે અનિવાર્ય એવા મહત્વના પ્રાકૃતિક સ્ત્રોતો જમીન,પાણી,જીવ વિવિધતા,વાતાવરણ વગેરેનું ભારે હનન થયું. તે જોતા પર્યાવરણપ્રેમીઓ ખેતીને બચાવવા જમીન,હવા,પાણીનું પ્રદુષણને અટકાવવા કૈક નવું વિચારવા લાગ્યા.

ઈ.સ.૧૯૮૪માં ‘ફોરમ’સંસ્થાના મહેન્દ્ર ભટ્ટે નવો વિચાર ‘સજીવ ખેતી’શબ્દ દ્વારા આપ્યો. કૃષિ રસાયણોનો ઉપયોગ બંધ કરી કે ઓછો કરી ઉપરોક્ત ૩ પ્રાકૃતિક સ્ત્રોતોને બચાવી ખેતી વિકાસને ચિરંજીવ બનાવવાનો નવો પ્રયોગ એટલે સજીવ ખેતી.વનસ્પતિરોગશાસ્ત્રી તરીકે કાર્ય કરતા કુકુઓકા કૃષિ વિજ્ઞાનના નિષ્ણાત છે અને તેમને વિકસાવેલી નવી ખેતી પદ્ધતિ જે ‘કુદરતી ખેતી’, નેચરલ ફાર્મિંગ તરીકે ઓળખાય છે તેને માટે “મેગ્સેસે”અવોર્ડ મેળવ્યો. યુરોપમાં ૧૯૩૦-૧૯૫૦ના અરસામાં માનવ આરોગ્ય જાળવવા સાથે જમીનની ફળદ્રુપતા સાચવતી સંકલ્પના રજુ કરવામાં આવી. પરિણામે ઈંગ્લેન્ડ વગેરેમાં ડાયનેમિક ખેતી વિકસી. જે “ઓર્ગેનિક ફાર્મિંગ”તરીકે ઓળખાઈ. ઈંગ્લેન્ડમાં ‘પરમાકલ્ચર-‘ચિરંજીવ ખેતી’તરીકે પ્રખ્યાત થયેલી આ પદ્ધતિ વિવિધ નામે જાણીતી થઈ પણ એનો મૂળભૂત સિદ્ધાંત એ જ રહ્યો કે કુદરતી વસ્તુઓ દ્વારા કુદરતના નિયમોને અનુસરીને, માનવ આરોગ્ય જાળવે તેવા પાક તૈયાર કરવા.

ભારતમાં સહુ પ્રથમ વલસાડ જીલ્લાના દહેરી ગામમાં ઈ.સ.૧૯૭૦ની આસપાસ ભાસ્કરરાવ સાવેએ સજીવ ખેતીની શરૂઆત કરી. કુકુઓકા પ્રેરિત નેચરલ ફાર્મિંગના સફળ પ્રયોગો મધ્યપ્રદેશના હૈશંગબાદ પાસે રસાલિયા ગમે ફ્રેન્ડસ રૂરલ સેન્ટરએ કાર્ય. દક્ષિણ ભારતમાં એગ્રીકલ્ચરલ મેઈન ઈકોલોજીએ આ અંગે તાલીમ કાર્યક્રમો શરૂ કાર્ય. સંવર્ધન સંસ્થાએ આના લેખાજોખા તો આંધ્રમાં ડેક્કન ડેવલેાપમેન્ટ સોસાઈટીએ ‘પરમા કલ્ચર’ની કાર્યશાળાઓ અને નિદર્શન કેન્દ્રો શરૂ કર્યા.પછી તો રાજસ્થાન, કર્નાટક, તમિલનાડુ વગેરે રાજ્યોમાં ખેડૂતો જાગૃત થતા ગયા અને એક સમયે સામાન્ય કરતા મોંઘી લાગતી સજીવ ખેતી લાંબા ગાળે ખુબ ફાયદાકારક છે તે જાની, સમજી સરકારે પણ તેને મહત્વ આપવા માંડયું. વિશ્વ-વિધ્યાલયો, વૈજ્ઞાનિકો, ખેડૂત મંડળોને આ માટે ઉતેજન મળતા સજીવખેતીને વેગ મળ્યો. રસાયણમુક્ત ખેતી કરવા દેશી બિયારણોની જાળવણી અને વિતરણ વ્યવસ્થા માટે વિજ્બેંકો ચલાવવામાં આવી. વિવિધ સેન્દ્રીય ખતરો, છાણીયું, કમ્પોઝ, વર્ગીકાલ્ચાર, પંચગવ્ય વગેરે અમૃતજળ, ગોબરગેસ પ્લાન્ટની રબડી, વગેરે કે જે પોષક તત્વો પુરા પડી, જમીનનું બંધારણ સાચવી રાખે છે, તેના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તો પાક સરંક્ષણ માટે પણ લીમડો, સીતાફળ, ધતુરો, આકડો, લસણ જેવા જંતુનાશકોમાંથી જંતુનાશક અર્ક બનાવી વાપરવા લાગ્યા.

એકવીસમી સદીમાં પણ હજુ સજીવ ખેતી વિષે કેટલીક ભમ્રાત્મક માન્યતાઓ પ્રવર્તે છે જેવી કે આ પદ્ધતિ મોનગી છે, જૂની છે, પણ હકીકતમાં કૃત્રિમ રસાયણો, જંતુનાશકો, હાઈબ્રીડથી ભરપુર પાક ખાવાથી લાંબા ગાળે શરીરમાં નેક ભયંકર રોગોને આમંત્રણ આપવાને બદલે કુદરતી તત્વોનો ઉપયોગ કરી, કુદરતી રીતે જ થયેલી ખેતી દ્વારા તૈયાર થયેલા શુદ્ધ પાકને અપનાવી, જીવન તંદુરસ્ત અને સ્વસ્થ બનાવીએ.

૬. પ્રકૃતિની સાથે ચાલીએ...

પ્રકૃતિ શબ્દ આવતા ઘણું બધું યાદ આવી જાય... પર્વતો, નદીઓ, સરોવરો, ઝરણાં, ધોધ, ખીણો, જંગલો, એટલે કે જમીન, પાણી, જંગલો જેવી કુદરતી સંપતિ... ઉચા પર્વતો પરથી જોતા આસપાસના દ્રશ્યો સ્વર્ગ અહી જ છે નો અહેસાસ કરાવે છે.તો નદી. ઝરણાં, દરિયાની તો મજા જ કૈક ઓર છે. જંગલો ખુન્દવાનો આનંદ અનેરો હોય જ. લીલા વૃક્ષો, ફળ-ફૂલથી લચી પડતા ઝાડપાન, તે પર બેઠેલા પશુપંખીઓનો મધુર કલરવ, ખુશ્બુદાર ફૂલો પર હસતા રમતા ભમરા અને રંગબેરંગી પતંગીયાઓનું સંગીત મનને આનંદિત કરી દે છે. વસુધૈવ કુટુમ્બકમ અર્થાત આખી પૃથ્વી એક કુટુંબ છે અને આ કુટુંબની ઘરની છત મસ મોટું આકાશ છે...અનેક રંગોનો નજરો લઈ, રોજ સવારે સાવ મફતમાં અઢળક પ્રકાશ અને ઉષ્મા આપતા સુરજદાદા અને રાતે શીતલ ચાંદની આપતા ચાંદામામા... આંખ મીચોલી રમતા ટમટમતા તારાઓ મનને અનોખો આનંદ આપે છે. પ્રકૃતિના ખોળે જીને આપણે જિંદગીની દોડધામ અને સ્ટ્રેસમાંથી મુક્ત થઈ, રીચાર્જ થઈ જીએ છીએ.

આપણે ભાતભાતના રંગોના સંયોજન વડે, વિવિધ ડીઝાઈનો, અથાક મહેનતથી સુંદર રીતે તૈયાર કરેલી રંગોળી કોઈ અવળચંડા મિત્ર, ભાઈ કે બહેન પળવારમાં બગાડી નાખે, ત્યારે આપણને કેટલું દુઃખ થાય? કેટલો ગુસ્સો આવે? આપને પણ કુદરત સાથે આવું જ કર્યું છે ને? કુદરતે જીવ, પરની, વન્ય સૃષ્ટિના સંયોજન વડે સુંદર મજાની રંગોળી બનાવી છે!! પણ... માનવીએ પોતાની બુદ્ઘિ કામે લગાડી, વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા અનેક સુખાકારીના સાધનો શોધી, કુદરતના ચક્રમાં ખલેલ પહોચાડી છે. સુંદર સંયોજન વાળી પર્યાવરરૂપી રંગોળીને વેર વિખેર કરી દીધી છે....

અનેક આધુનિક ઉપકરણોની શોધ અને અતિ વપરાશથી તથા વૃક્ષો વાવી ઉછેરવા પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાને પરિણામે વાતાવરણમાં વધતા કાર્બન ડાયોકસાઈડે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી કરી છે. આ સમસ્યાનો એક માત્ર ઉપાય અનેકાનેક ઔષધિઓ સહીત છાયો, ફળફૂલ, લાકડું વગેરે અનેક વસ્તુઓ સાથે મુખ્ય ઓક્સિજન આપી કાર્બન ડાયોક્સાઈડ આપતા વૃક્ષો જ છે. ઉપરાંત બિનપરંપરાગત અને પ્રદુષણ વધારતા ઉર્જા સ્ત્રોતોનો બિનજરૂરી વપરાશ ઘટાડી, પરંપરાગત ઉર્જા સ્ત્રોતો વાપરી, પર્યાવરણ બચાવીએ. એ આજના જમાનાની તાતી જરૂરિયાત છે.

કુદરતને સાચવવાની આપણી નૈતિક ફરજ બની જાય છે. કારણકે પ્રકૃતિ તો હમેશા એક કદમ આગળ જ ચાલે છે પણ માનવીની વિચારધારા, આકાશને આંબવાની ઘેલછા અને સ્વાર્થ વૃતીએ કુદરતના નિયમોને ભૂલી જતા, પ્રકૃતિનેય એકાદ કદમ પાછળ મૂકી દીધી છે. ભાવી પેઢીને સ્વસ્થ, સુરક્ષિત, આનંદિત જીવન જીવવા દેવા માટે કુદરતના અમુલ્ય વારસાનું જતન અને જાળવણી કરવા કુદરત સાથે જ ચાલવું પડશે.