Darek khetrama safdata - 41 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 41

પ્રકરણ 17
ભાગ 41
સેલ્ફએસ્ટીમ વિકસાવો


એક વિદ્યાર્થી પોતાને ખુબજ ઉંચા સ્થાને જોવા માગતો હતો એટલે તે ખુબજ મહેનત કરતો હતો. તે પોતાના વિકાસ પ્રત્યે એટલો બધો સેન્સીટીવ કે સજાગ હતો કે જો તેને અભ્યાસમા માત્ર ૧ માર્ક્સ ઓછો આવી જાય તો પણ તેને તે મંજુર રહેતુ નહી. જો ભુલેચુકેય એકાદ માર્ક્સ ઓછો આવી જાય તો તે ખુબ દુ:ખી થઈ રડવા લાગતો. આવુ દુ:ખ થવાને કારણે તે ફરી પાછો જોષમા આવીને વધારે મહેનત કરવા લાગી જતો અને ફરી પાછુ જોઇએ તેવુ પરીણામ મેળવી બતાવતો.

હવે બને છે એવુ કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ બુરી સંગતને કરણે તે વિદ્યાર્થીના પોતાના પ્રત્યેના મતમા ફેરફાર થતો જાય છે, તેનામા એક પ્રકારની નાનપ આવી જાય છે અને તે પોતાને અસમર્થ, નિ:સહાય કે અશક્ત માનવા લાગે છે. મારી સાથે આમજ થવુ જોઇએ અને હું નિષ્ફળતા કે ગુલામી કરવાનેજ લાયક છુ તેવી નકારાત્મકતા કે લઘુતાગ્રંથી તેના મનમા ઘર કરી જાય છે. તેની અભ્યાસ પ્રત્યેની જે ગંભીરતા કે સતર્કતા હતી તે પણ ઓછી થઈ જાય છે જેથી ઓછા માર્ક્સ આવે તો પણ હવે તેને એટલુ બધુ દુ:ખ થતુ નથી કે જેટલુ દુ:ખ પહેલા થતુ હતુ. આવુ દુ:ખ ન થવાને કારણે તે હવે વધારે મહેનત કરવાનો જોષ અનુભવી શકતો નથી જેથી તેની મહેનતમા નોંધપાત્ર ઘટાડો થઈ જાય છે અને અંતે તે નિષ્ફળતાનો શીકાર બને છે.

આ વાત કહેવાનુ તાત્પર્ય માત્ર એટલુજ છે કે જયાં સુધી વ્યક્તી પોતાની જાત પ્રત્યે સમ્માન અનુભવતો હોય છે, પોતાના પ્રત્યે સારા વિચારો ધરાવતો હોય છે, પોતાને પ્રેમ કરતો હોય છે, પોતાના પર ગર્વ કે વિશ્વાસ રાખતો હોય છે, પોતાને ઉચ્ચ સ્થાને જોવા માગતો હોય છે ત્યાં સુધીજ તે પોતાને ઉચ્ચ કક્ષા તરફ લઈ જવાનો પ્રયત્ન કરી ફાઇટ બેક આપી શકતો હોય છે. પણ જો એક વખત તેનો પોતાના પ્રત્યેનો મત, સજાગતા કે સતર્કતામા ઘટાડો થઈ જાય કે વ્યક્તી પોતાને નબળો, અશક્ત કે નિ:સહાય માનવા લાગે તો ત્યારે તે સફળતામાથી નિષ્ફળતા તરફ ગતી કરવા લાગતો હોય છે, તેની માનસીક શક્તીઓ ક્ષીણ થવા લાગતી હોય છે જેથી તે પહેલા જેવી મહેનત કરવાનો જુસ્સો કે ફાઇટ બેક કરવાની શક્તી અનુભવી શકતો હોતો નથી જેથી તે નિષ્ફળતા સાથે સમાધાન કરી હાર માનીને બેસી જતો હોય છે.

એક ભીખારી ત્યાં સુધીજ ભીખ માગતો હોય છે કે જયાં સુધી તે એમ માનતો હોય છે કે મારેતો ભીખજ માગવાની છે, આના સીવાય હું બીજુ કશુજ કરી શકુ તેમ નથી. પણ જ્યારે તેજ ભીખારી એમ માનતો થઈ જતો હોય છે કે હુંજ શા માટે ભીખ માગુ, હુંજ શા માટે ગરીબ થઈને પડ્યો રહું ? મને પણ ભગવાને બધાજ સુખ સાહ્યબીઓ ભોગવવાનો હક આપ્યો છે, મને પણ મહેનત કરવાનો હક આપ્યો છે તો પછી શા માટે હું મહેનત ન કરીને મારી જીંદગી બર્બાદ કરતો ફરુ ? હું કંઈ આવી લાચારી ભોગવવા માટે નહી પણ મહાન કાર્યો કરવા કે લોકોનુ દુ:ખ દુર કરવા માટેજ જનમ્યો છુ તો મારે હવે તેજ કામ કરવુ જોઈએ. જો એક વખત વ્યક્તીનુ સેલ્ફ રીસ્પેક્ટ આ રીતે જાગી ઉઠે તો ત્યાર પછી તે ગમે તેમ કરીને દુ:ખ, નિષ્ફળતાઓમાથી બહાર આવી શકતો હોય છે કારણકે તેઓ એવી કોઇ ઘટનાઓ સાથે બાંધછોળ કરી શકાતા હોતા નથી કે જે તેઓના અત્મસમ્માનને ઠેસ પહોચાળી શકે. આત્મસમ્માનના આટલા ઉંચા લેવલનેજ સેલ્ફ એસ્ટીમ કહે છે. તમે તમારા વિશે જે સારા કે ખરાબ વિચારો, માન્યતાઓ, કે મત ધરાવો છો, પોતાના વિશે જે અનુભવ કરો છો અથવાતો તમારી નજરોમા તમારુ જે સ્થાન છે, જેવી છાપ છે અને જેટલુ રીસ્પેક્ટ છે તેને તમારો સેલ્ફએસ્ટીમ કહી શકાય. આમ પોતાના પર ગર્વ કરનાર વ્યક્તી, પોતાના વિશે સારુ વિચારનાર વ્યક્તી તેમજ મારી સાથે આમતો નજ થવુ જોઇએ, ભગવાને મને બે હાથ, પગ, કુશાગ્ર બુદ્ધીશક્તી આપી છે તો પછી શા માટે મારે હાર માનીને બેસી જવુ પડે તેવુ વિચારનાર વ્યક્તીઓ વધારે સફળ થતા હોય છે.

જે લોકો આવુ સેલ્ફ એસ્ટીમ નથી ધરાવતા હોતા તેઓ સહાનૂભુતી પ્રીય બની જતા હોય છે એટલેકે તેઓ એવી રાહ જોઇને બેસી જતા હોય છે કે ક્યારે મારા પર દુ:ખ આવે અને ક્યારે હું લોકોને એવુ દર્શાવવા લાગુ કે જુઓ મારા પર કેટલુ બધુ દુ:ખ આવી પડ્યુ છે ! હું કેટલો બધો લાચાર છુ ! ભગવાને મારી સાથે કેવો અન્યાય કર્યો છે વગેરે વગેરે. આવી લાચારીઓ દર્શાવવામા તેઓને એવો છુપો આનંદ આવતો હોય છે કે પછી તો તેઓ આત્મસમ્માન શું છે તેજ ભુલી જતા હોય છે અને હું તો દુ:ખ, ગરીબી અને લાચારીનેજ લાયક છુ તેવુ માનીને આખી જીંદગી પસાર કરી નાખતા હોય છે. આવા લોકો ક્યારેય જીવનમા ઉંચો મુકામ પ્રાપ્ત કરી શકતા હોતા નથી અને ગરીબી, બેકારી, નિરાશા, નકારાત્મકતા, નિષ્ફળતાઓ અને અપમાનજનક પરિસ્થિતિઓના શીકાર બનીને રહી જતા હોય છે. હવે તમે એક વખત વિચારી જુઓ જોઇએ કે જે વ્યક્તીને બેકાર બેસી રહેવામા, નિષ્ફળતા સાથે સમાધાન કરી લેવામા, પોતે કશા કામના નથી તેમજ મારી સાથેતો આવુ બધુ થયાજ કરવાનુ છે તેવો સ્વીકાર કરી લેવામા જરા પણ સંકોચ થતો ન હોય, જરા સરખુ પણ દુ:ખ ન થતુ હોય તો તેવા વ્યક્તીઓ જુસ્સાથી ભરપુર એવા પ્રયત્નો કેવી રીતે કરી શકે ? શું આવી વ્યક્તીઓ મહેનત કરીને પોતાના આત્મસમ્માનમા વધારો કરી શકે ? શું આવી વ્યક્તીઓ સમાજને નવો રાહ ચીંધી શકશે ? નહી ચીંધી શકે કારણકે જે વ્યક્તી પોતાની જીંદગીનેજ સાચી દિશા નથી આપી શકતા તેઓ દુનિયાનેતો શું રાહ ચીંધી શકવાના હતા ? જે વ્યક્તીને પોતાનીજ પરીસ્થિતિઓ સુધારવામા રસ નથી અને જેઓ પોતે નિરાશ અને બીચારા બાપડા છે તેવુ દર્શાવવામાજ છુપો આનંદ અનુભવી રહ્યા છે તેઓ દુનિયાના દુખોતો ક્યાથી દુર કરી શકે ? આમ જો તમે દુનિયાને નવી રાહ ચીંધવા માગતા હોવ, સમાજના દુખ, દર્દ દુર કરવા માગતા હોવ કે વિશ્વના કેન્દ્રમા રહેવા માગતા હોવ તો સૌ પ્રથમતો તમારે જાત પર વિશ્વાસ રાખતા શીખવુ જોઈએ, પોતાના પર ગર્વ અનુભવવો જોઈએ. જ્યાં સુધી તમે પોતાના પર ગર્વ નહી અનુભવો, પોતાના પ્રત્યે હકારાતમક અભીપ્રાયો નહી બાંધો ત્યાં સુધીતો તમે કશુજ મેળવી નહી શકો. આમ પોતાની જાત પ્રત્યે ઉંચુ વિચારનાર વ્યક્તી કે પોતાને માટે નબળી પરીસ્થિતિઓનો અસ્વીકાર કરનાર વ્યક્તીજ ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે.

ફાયદાઓ

- સેલ્ફએસ્ટીમનો સૌથી મોટો ફાયદો જો કોઇ હોય તો તે એજ છે કે વ્યક્તી સમસ્યાઓનો નિખાલસતાથી સ્વીકાર કરી શકે છે, સમસ્યાઓનુ સમાધાન લાવવા માટેનુ પેશન અનુભવી શકે છે, તેના પ્રત્યેના તમામ ડર દુર કરી શકે છે, તેના આધારે પોતાનુ વર્તન સુધારી શકે છે અને તમામ પ્રકારની આવળતોનો વિકાસ કરી જોઇએ તેવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ રીતે વ્યક્તી પોતાના પ્રત્યેના ખ્યાલોમા સુધારાઓ કરીને ઉચ્ચ કક્ષાનો ટકાઉ આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકતો હોય છે.

- સેલ્ફએસ્ટીમ ધરાવતા વ્યક્તી પોતાના પ્રત્યે, પોતાના પરીવાર, કાર્ય, સમાજ અને પર્યાવરણ પ્રત્યે સભાન હોય છે તેમજ તમામ પ્રકારની જવાબદારીઓ સ્વીકારવા માટે પણ તેઓ તૈયાર રહેતા હોય છે. આવી વ્યક્તીઓને સુખી થવા માટે વ્યસન, ડ્રગ્સ કે વિકૃતીઓનો સહારો લેવો પડતો હોતો નથી કારણકે તેઓ પોતાના પ્રત્યે ગર્વ અનુભવી ચોવીસે કલાક સુખી રહી શકતા હોય છે અને તમામ પ્રકારની અસુરક્ષાને જાકારો આપી શકતા હોય છે. આવી વ્યક્તીઓ હાથ ફેલાવાને બદલે કે અન્યો પર આશા રાખીને બેસી રહેવાને બદલે જાતે પ્રયત્ન કરીને મેળવી લેવામા વધારે માનતા હોય છે. આવુ તેઓ અભીમાન કે શરમ સંકોચને કારણે નહી પરંતુ પોતાની શક્તીઓ પર પર વિશ્વાસ હોવાને કારણે જાતે પ્રયત્ન કરીને મેળવી લેવાને પહેલી પ્રાથમિકતા આપતા હોય છે.

- આત્મસમ્માન એ અર્લી વોર્નીંગ સીસ્ટમ જેવુ છે જે આપણને નુક્શાન પ્રત્યે સતર્ક બનાવી તેમ થતા અટકાવવા સતર્ક બનાવે છે. જેમકે આપણને દુ:ખ ન થતુ હોત તો આપણે આગમાથી પગ બહાર કાઢવાની કે તેનાથી દુર રહેવાની સતર્કતા દાખવી શકીએ નહી, પણ આપનને દુ:ખ થાય છે એટલા માટેજ આપણે સતર્ક બની સંભવીત નુક્શાનીઓને થતા અટકાવી શકતા હોઈએ છીએ. આમ આપણુ આત્મસમ્માન જેઠલુ પ્રબળ હોય તેટલીજ પ્રબળતાથી આપણે નકારાત્મક બાબતોથી પોતાનો બચાવ કરી શકતા હઈએ છીએ.

- સેલ્ફ એસ્ટીમ દ્વારા વ્યક્તી પોતાની સાથે શું થવુ જોઇએ અને શું ન થવુ જોઇએ તે નક્કી કરી શકતા હોય છે અને તેના પ્રત્યે સાવધાન પણ રહી શકતા હોય છે. દા.ત. આફ્રીકામા જ્યારે ગાંધીજીને અંગ્રેજોએ ટ્રેનમાથી બહાર ઉતારી મુક્યા હતા ત્યારેજ તેમણે અંગ્રેજોને ભારતમાથી બહાર કાઢવાનુ નક્કી કરી લીધુ હતુ કારણકે ગાંધીજીનો સેલ્ફ એસ્ટીમ તે સમયે જાગૃત થઈ જવાને કારણે તેઓ નક્કી કરી શક્યા હતા કે મારી સાથે આવા પ્રકારનુ વર્તનતો નજ થવુ જોઇએ. જો તે સમયે તેમનુ સેલ્ફ એસ્ટીમ ડાઉન હોત કે તેઓ અપમાનની લાગણી અનુભવી શક્યા ન હોત અને એમ સ્વીકારી લીધુ હોત કે હા હું બ્લેક ઇન્ડીયન છુ, હું ગોરાઓનો ગુલામ છુ જેથી મારે તેઓ સાથે બરાબરી કરવાને બદલે ચુપચાપ બધુજ સહન કર્યે જવુ જોઇએ તો આજે તેઓ ક્યારેય ભારતને અહીંસાના મહાન માર્ગેથી આઝાદી અપાવી શક્યા ન હોત. આમ માત્ર એક આત્મ ગૌરવ કે પોતાના પ્રત્યે સમ્માનની ભાવના હોવાને કારણેજ ગાંધીજી પોતાની સાથે થતા અન્યાયનો વિરોધ કરી શક્યા હતા અને પોતેતો સમજીજ ગયા હતા કે મારે કઈ દિશામા ચાલવુ જોઇએ પરંતુ સાથે સાથે સમગ્ર વિશ્વને પણ જીવન કેવી રીતે જીવવુ તેની રાહ ચીંધતા ગયા. આમ જે વ્યક્તી પોતાના વિશે કંઈક સારુ વિચારી શકે છે, સારા અભીપ્રાયો બાંધી શકે કે પોતાને ઉચ્ચ સ્થાને જોઇ શકે છે તેવા વ્યક્તીઓજ વિશ્વને રાહ ચીંધનારી મહાન સફળતાઓ પ્રાપ્ત કરી શકતા હોય છે.
ક્રમશઃ