Rajkaran ni Rani - 19 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૧૯

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૯

જનાર્દનને સુજાતા કરતાં વધુ નવાઇ સાથે ડર લાગી રહ્યો હતો. સુજાતાબેન અમસ્તા મહિલાઓ વચ્ચે થતી 'તારી મારી' વાત કરવા બોલાવે એવા નથી. નક્કી કોઇ ગંભીર બાબત હશે. અને હિમાનીને ખાનગી વાત કરવા બોલાવી છે એટલે જરૂર કોઇ મોટી વાત હશે. મારી રૂબરૂમાં એમણે ખાનગી વાત કરવા બોલાવી છે મતલબ કે એ વાત મારાથી ખાનગી રાખવાના નથી. જનાર્દને વધારે જાણવા હિમાનીને ઉતાવળે પૂછ્યું:"શું ખાનગી વાત કરવા માગે છે? ક્યારે બોલાવી છે?"

"ખાનગી વાત હશે એટલે જ ફોન પર કરી નહીં હોય. અને આવતીકાલે તમારી સાથે જ મને બોલાવી છે. મારે તો સવારે વહેલા ઊઠીને પરવારી જવું પડશે. રસોઇનું શું કરીશું? આવીને જ બનાવું ને?"

"હિમાની, હું શું કહી શકું એમાં ? તારી સાથે એમને કઇ વાત કરવી છે અને શું કામ છે એની ખબર નથી. ત્યાં ગયા પછી જ ખબર પડવાની છે ને? તું તારું ઘરકામનું આયોજન કરી રાખ. પછી જોયું જશે...."

જનાર્દનને ચિંતા એક જ વાતની હતી કે રવિના સાથેની મુલાકાતની ખબર સુજાતાબેન સુધી પહોંચવી ના જોઇએ. જો રવિનાની ઓફર પોતે મંજુર રાખશે તો સુજાતાબેન સાથેનો સંબંધ કપાઇ જવાનો છે. અને મારા વગર એ ચૂંટણી લડી શકે એવી શકયતા નથી. આ બધામાં એ નવા છે. રાજકારણીઓ જાડી ચામડીના હોય છે એની એમને ખબર છે પણ સીધાસાદા લોકોનું આ ક્ષેત્રમાં કામ નથી એવી ખબર નથી. પોતે જતિન જેવાને દગો કરીને સુજાતાબેનને સાથ આપ્યો એનું કારણ પોતાને મોટા લાભની આશા રહી છે. પરંતુ સુજાતાબેનના વિચારો કહી આપે છે કે તેમને રાજકારણનો અનુભવ નથી. અહીં માત્ર સારા દેખાવાનું હોય છે સારા બનવાનું નહીં.

રાત્રે બેડ પર સૂતી હિમાનીની આંખો પણ માત્રબંધ હતી. તેને આજે ઊંઘ આવી રહી ન હતી. તે ટીવીની સિરિયલો જોતી હતી પણ આવતીકાલના એપિસોડના વળાંક વિશે પણ એ વિચારતી ન હતી. દરરોજ તો એ થાકીને બેડ પર પડતાની સાથે જ સૂઇ જતી હતી. આજે મનમાં સુજાતાબેન વિશે જ વિચારી રહી હતી. સુજાતાબેન શા માટે પોતાને બોલાવી રહ્યા છે? શું જનાર્દન વિશે કોઇ વાત કરવાની હશે? તેણે કોઇ ખોટી વાત કરી હશે? તેના વિશેની જ એ ખાનગી વાત હશે? એ મને જનાર્દન માટે કોઇ ઠપકો આપશે કે શું? જનાર્દન કોઇ એવીતેવી વાત કરે એવો નથી. એના પર મને પૂરો ભરોસો છે. પેલી રવિનાએ એમને શરીરની સોંપણી સુધીની ઓફર કરી છતાં ચલિત ના થયો. મને જનાર્દન માટે માન છે. તે ભલે ગંદા રાજકારણમાં કામ કરે છે પણ ચોખ્ખો માણસ છે. જે હશે એ કાલે જોયું જશે એમ વિચારીને હિમાનીએ ભગવાનનું નામ લીધું અને ક્યારે ઊંઘ આવી ગઇ એનો ખ્યાલ જ ના રહ્યો.

જનાર્દને સવારથી પાટનગરમાં ધારાસભ્ય પદ માટેની ટિકિટની જાણકારી મેળવવાના ચક્રો ગતિમાન કરી દીધા હતા. તેણે સાવચેતીથી વાત ચાલુ કરી હતી. પહેલાં તે એવું જાણવા માગતો હતો કે ટિકિટ માટે કોના કોના નામ ચાલી રહ્યા છે. તેને એક અગ્રણી હોદ્દેદારે અંજનાનું નામ આપ્યું ત્યારે તે ચોંકી ગયો. તેને થયું કે અહીં તે સુજાતાબેન અને રવિનામાંથી કોને ટિકિટ અપાવું તો વધારે ફાયદો થશે એની ગણતરી કરી રહ્યો છે ત્યારે એ બંનેની તો ટિકિટ માટે કોઇ ગણતરી થઇ રહી નથી. એક વ્યક્તિ પાસેથી તેને એમ જાણવા મળ્યું કે રતિલાલે સાંસદની ટિકિટ માટે પોતાનું અને ધારાસભ્યની ટિકિટ માટે અંજનાના નામને ચલાવ્યું છે. જતિનનું નામ નીકળી ગયા પછી તેમના માટે કામ સરળ બની જાય એમ છે. આ વિસ્તારમાં જતિનભાઇ પછી બીજી કોઇ એવી વ્યક્તિ નથી જેનું નામ વિકલ્પ તરીકે પક્ષ વિચારી શકે. બીજા લોકોની દાવેદારી આવશે ત્યારે ચકાસણી કરવામાં આવશે પણ અત્યારે તો રતિલાલ સામે સ્પર્ધામાં કોઇ નથી. એ પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે તેમની પહોંચ હશે પણ આટલી બધી હશે એની કલ્પના ન હતી. નક્કી એમણે કોઇ મોટી ઓફર કરી છે. સંગઠનના અમુક નેતાઓ સ્વાર્થી છે. એ માણસને બદલે રૂપિયા જોતા હોય છે. જનાર્દનને થયું કે તેનું કામ કઠિન બની રહ્યું છે. પોતે બાજી ગોઠવી રહ્યો હતો એ ખોરવાઇ રહી છે. પોતે જે નેતાને ભરોસે હતો એ અત્યારે ફોન જ ઉપાડતો નથી. રૂબરૂ મળવા જઉં ત્યારે મળશે કે કેમ એ પ્રશ્ન છે.

જનાર્દને રાજકારણમાં આગળ પડતો ભાગ લેતા પાટનગરના પોતાના એક ખાસ ઓળખીતાને ફોન લગાવ્યો:"જયેશભાઇ, કેમ છો? કેવું ચાલે છે?"

જયેશભાઇએ ઠંડકથી જવાબ આપ્યો:"ભાઇ, શાંતિ છે. તમે કહો તમારે ત્યાં કેવું ચાલે છે?"

"બસ, હાલચાલ પૂછવા ફોન કર્યો હતો. ટિકિટ વહેંચણીની પ્રક્રિયા આગળ વધી રહી હશે નહિ?"

"હા, મીટીંગો થવા લાગી છે. આખા રાજ્યમાંથી સેંકડો નામ આવી રહ્યા છે. આ વખતે પસંદગીનું કામ મુશ્કેલ બનવાનું છે. તમારા જતિનભાઇ તો સ્પર્ધામાંથી જ બહાર નીકળી ગયા. તમે એવા તે કેવા ઘોડા પર દાવ રમતા હતા જે સ્પર્ધા શરૂ થાય એ પહેલાં જ બેસી પડ્યો!"

"જયેશભાઇ, સમય સમયની વાત છે. મેં જ તમને જતિનભાઇની ટિકિટ માટે વાત કરી હતી, પણ એમનું પત્તુ આપોઆપ કપાઇ ગયું છે. અત્યારે બે-ચાર મહિલાઓના નામ સાંભળવા મળી રહ્યા છે...."

"હા ભાઇ, આ વખતે કોઇ મહિલાને જ ટિકિટ મળશે એમ લાગે છે....તમારે કોઇ મહિલાની ભલામણ કરવી નથી?!"

જયેશભાઇ હસીને બોલ્યા એ જનાર્દનને ગમ્યું નહીં. તે બોલ્યો:"એક વખત દાવેદારોના નામ પાટનગરમાં આવે પછી મને ખબર પડે કે કોની ભલામણ કરવા જેવી છે. ત્યાં સુધી રાહ જોવી પડશે..."

"ચાલો ત્યારે જણાવજો. અને હા, આવો ત્યારે મળજો..."

"જરૂર જરૂર જયેશભાઇ....."

જનાર્દને ફોન મૂકી દીધો અને હિમાનીને કહ્યું કે સુજાતાબેનને ત્યાં જવાની તૈયારી કરે.

જનાર્દન અને હિમાની પહોંચ્યા એટલે સુજાતાબેને બંનેને પ્રેમથી આવકાર આપ્યો.

ટીના પાણી લઇને આવી. પાણી પીને હિમાનીએ કહ્યું:સુજાતાબેન, મારી સાથે કોઇ બાબતે વાત કરવી હતી?"

"હા, ચાલ આપણે અંદરના રૂમમાં જઇએ. જનાર્દનને અહીં ટીવી જોવા દે..." કહી સુજાતાબેન હિમાનીને અંદરના રૂમમાં દોરી ગયા. જનાર્દને ટીવીના સમાચારમાં મન પરોવવાનો પ્રયત્ન કર્યો પણ તેનું મન ઉડીને હિમાની પાસે જવા માગતું હતું. સુજાતાબેન શું ખાનગી વાત કરશે એ જાણવા તેનું દિલ ધડકી રહ્યું હતું.

"આવ બહેન, બેસ..." કહી સુજાતાએ રૂમનો દરવાજો બંધ કર્યો.

હિમાની ઉત્સુક્તાથી સુજાતાબેન સામે બેઠી.

સુજાતા બોલી:"હિમાની, મારે તને એક વાત કહેવી છે..."

વધુ વીસમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં. અને હોરરના શોખીનોને 'આત્માની અંતિમ ઇચ્છા' જરૂર પસંદ આવશે.