we'll meet Again !! - Chapter - 2 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશું !! - પ્રકરણ - ૩

ફરી મળીશું !!
પ્રકરણ - ૩

અમે ચા ની કીટલી એ બેઠા હતા. કૃણાલ રોજની જેમ જ અમને એના બકવાસ જોક્સ સંભળાવી રહ્યો હતો.થોડીવારમાં પૂર્વી અને ઈશા ત્યાંથી જ નીકળ્યા,મારી નજર તેમને નિહાળી રહી હતી અને પેલા બંને નાલાયક મારા દોસ્ત મને જોઇ રહ્યા હતા.
" અતુલ, ધવનલાલ અહીંયા ખોવાયા હોય એવું લાગે છે !! "
મેં કીધું "કૃણાલ બોલ્યો.

"એવું કંઈ નથી જેવું તમે વિચારો છો". આટલું બોલી હું ચૂપ રહ્યો. પણ અતુલ અને કૃણાલે તો ચાલુજ રાખ્યું. આજે સવારે જે બન્યું હતું એ વાત કરી. ઈશા માટે કેટલો પાગલ છું તે જાણી ને બન્ને જોતા જ રહી ગયા. એકજ નજરમાં આવો પ્રેમ થઈ જાય એ વાત તેઓ કબૂલ કરવા તૈયાર નહોતા. પણ કેમનો તેમને સમજાવું કે હા મને એક નજરમાં પ્રેમ થઈ ગયો છે, તે પણ આ ઈશા સાથે.

" મારું શું થશે? આ ધવનલાલ તો શાણી સીતા નીકળ્યો. એકજ ઘામાં મારુ પત્તુ કાપી નાખ્યું. મને તો એમ કે મારી જોડી આ નવી આવેલી છોકરી સાથે જોરદાર સેટ થશે " મજાક કરતા કૃણાલે કહ્યું.

" પૂર્વી મારી ફ્રેન્ડ અમિષા ની ફ્રેન્ડ છે. તેને વાત કરીને હું કઈક જુગાડ ચલાવું છું. તારા માટે આટલું તો કરવું પડે " અતુલ બોલ્યો.

આટલું સાંભળતા ની સાથે જાણે મને તો હકીકત માં ઈશા મળી ગઈ હોય એટલો ખુશ થઈ ગયો. કૃણાલને ઊંચો કરવા કમરેથી પકડ્યો પણ જાડીયો ઊંચો જ ના થયો પછી તેને છોડતા હું બોલ્યો "આજે તો ચા અને સિગારેટ ના રૂપિયા તારો ભાઈ જ આપશે".
આટલું સાંભળીએ બંને પાછો મને હેરાન કરવા લાગ્યા,અમે ત્યાંથી છુટા પડ્યા. કૃણાલ મને રૂમ પર છોડી એના ઘર તરફ વળ્યો.
આજે રાતે ઊંઘ જ ઉડી ગઈ હતી, પથારી માં પડખા ફેરવતો રહ્યો. આજે કઈક એવુંજ બનતું રહ્યુ હતું જે મેં વિચાર્યું નહોતું. બારીમાંથી બહાર જોયું, ચાંદ જાણે મને જોઈ ને સ્માઈલ આપતો હોય એવું લાગ્યું. બધાજ તારા જાણે સ્થિર બનીને મને જ તાકી રહ્યા હોય તેવું લાગ્યું. પાછો હું નો હું વિચારવા લાગ્યો. " આ ચાંદ કેમ મારી સામે સ્માઈલ કરતો હશે? સાચ્ચે મને પ્રેમ થઈ ગયો છે? શું આવી રીતે એકજ મુલાકાતમાં કોઈ સાથે આમ પ્રેમ થઈ શકે? શુ ઈશા પણ અત્યારે આવું વિચારી રહી હશે? મને આ શું થઈ રહ્યું છે?". મારા મનમાં વિચારો નું વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. મને થયું કે જો આમજ રહેશે તો હું પાગલ થઈ જઈશ. મારુ મગજ ધૂંધવાવા લાગ્યું. વિચારો છોડી હું બારી માંથી આવતા શાંત પવન સાથે ગેલેરીમાં ઉભો રહ્યો. આમતેમ આંટા માર્યા પણ મને ચેન નહોતો પડી રહ્યો. રૂમમાં આવી બેડ પર ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ઉંઘી ના શક્યો. ક્યાંય વાર સુધી પથારીમાં પાસા ફેરવતો પડ્યો રહ્યો પછી ક્યારે સૂઈ ગયો એ મને ખબર નથી.
*

સવાર આટલી બધી ખુશનુમા હોય છે એનો મને પહેલીવાર એહસાસ થયો. મીઠા અવાજથી પંખીઓ ગાતા હોય, ઠંડો પવન જાણે ડાન્સ કરતો હોય,ગેલેરીમાં પુષ્પો ખીલતાની સાથે તેમાંથી આવતી સુગંધ બધુજ મને કઈક અલગ અહેસાસ કરાવી રહ્યું હતું. પ્રેમમાં પડતાની સાથે જાણે દુનિયા આખી બદલાઈ ગઈ હોય એવું લાગવા લાગ્યું હતું. દરેક ચીજ મને સુંદર લાગી રહી હતી.

રોજની જેમ કોલેજ જવા માટે તૈયાર થવા લાગ્યો. આ પહેલા મેં ક્યારેય મારી જાતને આટલી વાર અરીસામાં નહીં જોય હોય એટલી વાર આજે જોયું. ચહેરો તો બરાબર છેને, વાળ તો સરખા છેને, વારેવારે બધું તપસ્યા કરતો હતો. પછી કોલેજ જવા માટે નીકળ્યો. આજે કોલેજ જવામાં થોડું મોડું થઈ ગયું હતું. ઈશા આવી ગઈ હશે? આજે તે કેવી લાગી રહી હશે? રસ્તામાં જતા જતા વિચારી રહ્યો હતો.

કોલેજ માં પહોંચ્યો તો ઈશા ક્લાસ માં આવી ચૂકી હતી અને પૂર્વી સાથે વાતો કરી રહી હતી. આજે ઈશા પહેલા દિવસ કરતા પણ વધારે સુંદર લાગી રહી હતી. પોપટી અને સફેદ ચુડીદાર માં તે મને મોહી રહી હતી. બારી માંથી આવતા સૂર્ય ના પ્રકાશથી તેના સોનેરી વાળ ચમકી રહ્યા હતા. હિંમત કરી ને હું જઈને એ બંને ની પાછળ બેન્ચ પર બેઠો. મેં પૂર્વી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એને ઈશા ની વાતો માં રસ હતો એટલે મારી વાત પર બહુ ધ્યાન આપ્યું નહીં. આ સમયે ઈશા એ મારી સામે જોઈ ને સ્માઈલ આપી, હું બસ એ સ્માઇલ માંજ ખોવાઈ ગયો.

મારા મન માં બસ એકજ વિચાર ચાલી રહ્યો હતો. કોઈપણ રીતે મારે ઈશા સાથે ફ્રેન્ડશીપ કરવી. જાણે ઈશા જ મારા માટે સર્વસ્વ હોય તેવું અનુભવી રહ્યો હતો. બ્રેક ટાઈમમાં અમે કેન્ટીન માં બેઠા નાસ્તો કરી રહ્યા હતા એજ સમયે પૂર્વી અને ઈશા કેન્ટીન માં આવ્યા. પૂર્વી એ સૌ પ્રથમ ઇશા નો પરિચય કૃણાલ સાથે કરાવ્યો. કૃણાલ એ પોતાનો હાથ ઇશા ની તરફ વધાર્યો. ઇશા પણ સ્મિત અપીને કૃણાલ સાથે હાથ મિલાવ્યો. હુ કૃણાલને તાકી જ રહ્યો અને મારી આંખો ધીરે ધીરે રોષથી ભરાવા લાગી. કૃણાલ એ મને જોઈને એકદમ મોટી સ્માઇલ આપી જાણે મારી ખેંચી રહ્યો ના હોય. મને ખ્યાલ છે કૃણાલ ક્યારેય મારી સાથે ખોટું ના કરે. પણ ઈશાનો હાથ કોઈ બીજાના હાથમાં જોઈ મારા હૃદય મા કઈક લગ જ લાગણીનો ઉદ્ભવ થયો. જે મેં આજ સુધી ક્યારેય અનુભવી નથી. શુ આ ઈર્ષ્યા છે?

ઇશા ને હજુ એટલી જાણતો પણ નથી છતાં પોતાની હોય એવું હુ અનુભવા લાગ્યો હતો. મારા ખભા પર એક આંચકો વાગ્યો. મારા મન ને તરત જ બધા વિચારો માંથી બહાર આવવા
માટે કહ્યું. મારી નજર મારા ખભા પર પડી. એ દ્રશ્ય જોતા જ હુ સ્તબ્ધ થઇ ગયો. પૃથ્વી જાણે ગોળ ફરતી બંધ થઇ ગઇ હોય એવુ લાગ્યું. ઈશા મને એકદમ ઊંડી નજરો થી નિહાળી રહી હતી. એના ચેહરા પરના સ્મિતએ હૃદયમાં ઠડક નો અહેસાસ કરાવ્યો.

"પેની ફોર યોર થોટ્સ?" તેણે હાથ ખભાથી ઉપાડીને મારી તરફ વધાર્યો. હુ એના હાથને જોઇ રહ્યો. અંગ્રેજી માજે વાક્ય બોલી એનો શુ જવાબ આપુ એનો ખ્યાલ જ ન આવ્યો. અંગ્રેજી ભાષા અાવડે છે, સમજણ પણ પડે છે પણ વાત કરતા ગભરાઈ જાવ છું. શરમથી મારા ગાલ લાલ થઈ ગયા હોય એવું લાગ્યું. પછી મને એહસાસ થયો કે ઈશા તેનો હાથ ધરીને મારી રાહ જોઈ રહી છે. મે મારો હાથ એના હાથમા મુક્યો. ઇશાએ મજુબતીથી(મક્કમ હેન્ડશેક) મારી સાથે હાથ મિલાવ્યો. કૃણાલ સાથે હાથ મિલાવ્યો એના કરતાં તદ્દન અલગ, અસાધારણ. ઇશા ની સામે હુ બધુજ ભુલી જવ છું. મને નતી ખબર કે ઈશાની મારી ઉપર આટલી ઊંડી અસર છે.

"તારું નામ ધવન છે, હું જાણું છું. પૂર્વી એ તારૂ નામ કહ્યુ તું મને જ્યારે તું તારા વિચારો મા ખોવાઈ ગયો હતો. મારું નામ ઇશા છે. કદાચ તે મારુ નામ ના સાંભળ્યું હોય ” આટલુ કહેતા તે હસવા લાગી. એનું હસ્ક્યુ જાણે કોઈ મીઠી ધૂન વાગી રહી હોય તેવું લાગી રહ્યું હતું.

હે...ભગવાન! ધવન તુ આ શુ કરી રહ્યો છે? જે છોકરી સાથે તું વાત કરવા આટલો ઉતાવળો બની રહ્યો હતો, આજે તે તારી સામે બેઠી છે ને તું મુર્ખ જેવુ વર્તન કરી રહ્યો છે. પોતાના વિચારોને કંટ્રોલમાં રાખ. મેં પોતાની જાતને ઠપકો આપ્યો. હું આગળ કઈ બોલવા જાવ ત્યાં સુધીમાં તો ઈશા તેની બેગ અને પુસ્તકો લઇને ઉભી થવા લાગી. ના..! એ જવાની તૈયારી કરી રહી છે પણ મારે તેને જાવા નથી દેવી. મારે હજુ વધારે સમય તેની સાથે વિતાવવો છે. આ મારી જ ભૂલ છે, થોડી વાત કરવાનો પ્રયત્ન કર્યો હોત તો આવું ના થાત.

“ઓકે ગાઈઝ, તમને બધાને મળીને આનંદ થયો. હવે મારે જવુ પડશે ”ઇશા મારી સામેં જોતા છેલ્લુ વાક્ય બોલી.
જાણે ગુપ્ત રીતે મને સોરી કહેતી હોય. એની આંખોમાં જોઈ રહ્યો અમે તેણીના મગજમાં સુ ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ ઈશા ની આંખો કંઈજ કહેતી નહોતી.

“આટલી ઉતાવળ શુ છે? હવે તો કોઈ લેક્ચર પણ નથી. અમે પહેલીવાર મળયા છીએ કોફી તો પીવી જ પડશે " કૃણાલ બોલ્યો. હુ મનોમન એને આભાર કહી રહ્યો હતો. કૃણાલે મને જોઈને આંખ મચકારી.

“આ બેન ને લાઇબ્રેરી મા જવુ છે, જ્યારથી તેને ખબર પડી છે કે વિદ્યાનગરમાં મોટી લાઈબ્રેરી છે ત્યારથી મારુ મગજ ખાઈ ગઈ છે જવા માટે, જાણે એના બધા કાલ્પનિક હીરો ત્યાં એની રાહ જોઇને બેઠા હોય એમ" પૂર્વી બોલી.

ઈશા નો ચહેરો ઘાટો લાલ થવા લાગ્યો. શરમથી લાલ ટામેટા જેવી થઈ ગઈ હતી. મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું. ઇશા એ મારી સામે જોયું અને તરત જ નજર ફેરવી લિધી. અહીંયા મને ખ્યાલ આવ્યો કે ઈશા ને વાંચવાનો ખૂબ શોખ છે. જે મારા બસની વાત નહોતી. મને હકીકત અને વાસ્તવિક વસ્તુમાંજ રસ છે ત્યારે બુકમાં બધી કાલ્પનિક વાતો હોય છે જે વાસ્તવમાં શક્ય જ નથી.

ઈશાએ ગુસ્સાથી પૂર્વી સામે જોયુ અને તેનો હાથ પકડી લાઇબ્રેરી તરફ જવા નીકળી. જતા જતા અમને બધાને બાય કહ્યુ ને તરત જ મને તેની ગેરહજરીનો એહસાસ થયો. મેં વિચારી લિધુ કે હવે ઇશાની સામે આજની જેમ મારી જાતને મુર્ખ નહીં બનવું અને તેની સાથે મિત્રતા કરવાનો પ્રયત્ન કરીશ.

*

બીજા દિવસે જ્યારે હું કલાસમાં ગયો ત્યારે સૌથી પહેલા મારી નજર ઈશાની બેન્ચ પર ગઈ, ઈશા ત્યાં નહોતી અને બાજુમાં પૂર્વી પણ નહોતી. આજે મોડું થયું હશે એમ વિચારીને હું મારી જગ્યા એ બેઠો. લેક્ચર ચાલુ થઈ ગયો હતો પણ એ બંનેનો કોઈ અતોપતો હતો નહીં. મને અજીબ લાગ્યું. એ પછી મારુ ધ્યાન કલાસમાં બિલકુલ હતું નહીં. ઈશા ક્યાં હશે? બસ ઇશાના વિચારો આવવા લાગ્યા. હજુ એક લેક્ચર બાકી હતો બ્રેક પડવામાં, મેં બીજો લેક્ચર છોડવાનું વિચાર્યું. પણ જેવો લેક્ચર પટવા આવ્યો કે પૂર્વી અને ઈશા કલાસની બહાર ઉભા હતા. માર હૈયાને શાંતિ વળી અને હું પાગલ ની જેમ હસવા લાગ્યો. સર કલાસની બહાર ગયા એટલે ઈશા અને પૂર્વી મારી આગળની બેન્ચ પર આવી ને બેસી ગયા. ઈશાએ મારી સામે જોઇને ફક્ત એક મીઠી સ્માઈલ આપી, કોઈ વાત કરી નહીં. મેં વિચાર્યું કે આજે કાળની જેમ કાઈ મુર્ખામી કરવી નથી. મન મક્કમ કરી ને મેં સામેથી વાત શરૂ કરી.

" આજે કેમ બહુ મોડું થયું? " મેં બંનેને પૂછ્યું.

" ઈશાને લાઇબ્રેરીમાં મેમ્બરશીપ લેવાની હતી એટલે ત્યાંજ ટાઈમ ગયો. પહેલો લેક્ચર પણ છૂટી ગયો " પૂર્વીએ આંખો ગોળ ફેરવતા કહ્યું.

ઓહ... બૂકનો શોખ તો મને પણ છે પણ એટલો નથી કે મેમ્બરશીપ લેવી પડે. ઇશાએ મેમ્બરશીપ લીધી છે તો એનો મહત્તમ સમય ત્યાં વિતાવશે. હું મનમાં વિચારવા લાગ્યો.

" તને કેવી બુક વાંચવાની ગમે ,ઈશા? " મેં ઈશા સામે સ્માઈલ આપતા પૂછ્યું.

" મને અંગ્રેજી નોવેલ વાંચવાનું ખૂબ પસંદ છે."

" સોરી પણ મોટા ભાગની નોવેલમાં બધી કાલ્પનિક વાતો હોય છે. તેમાની ઘણી બધી વાતો હકીકતમાં શક્ય જ નથી હોતી. બુક એવી વાંચવી જોઈએ જે તમારું નોલેજ વધારી શકે, તમને હકીકત સમજાવી શકે. કાલ્પનિક બુક એવી આશા આપે છે જે હકીકતમાં થવાનું જ નથી " મેં મારો અભિપ્રાય આપતા કહ્યું.

" જેવી જેની પસંદ, કોઈ વ્યક્તિને બીજા લોકોની પસંદને જજમેન્ટ કરવાનો કોઈ હક નથી. તું આટલો બધો જજમેન્ટલ કેમનો કોઈ શકે છે ?" ઈશા ગુસ્સાથી બોલી. પણ તેનો અવાજ બિલકુલ ઊંચો નહોતો તે શાંતિથી જ વાત કરી રહી હતી. પછી મને ખ્યાલ આવ્યો કે મેં ખરેખર એને ખોટું લગે એવી વાત કરી હતી. જેથી તેને ખોટું લાગી ગયું હતું.

હું માફી માંગુ એટલામાં તો સર આવી ગયા. કલાસ શરૂ થઈ ગયો હતો. આ પરિસ્થિતિમાંથી કેમનો બહાર નીકળું તે વિચારી રહ્યો હતો. આખો લેક્ચર એમજ નીકળી ગયો. બ્રેકમાં ઈશાની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ ઈશા મારી સામે જોયા વગર જ નીકળી ગઈ. પૂર્વી પણ જતા જતા મારી સામે ગુસ્સાથી જોઈ રહી હતી.

હું કલાસની બહાર ઉભો હતો. મારુ દિલ એટલી જોરથી ધબકી રહ્યું હતું જાણે હમણાં બહાર આવી જશે. બ્રેક પુરી થઈ પણ મને કલાસમાં જવાનું મન નહોતું. મારુ મન ઇશાના વિચારોમાં હતું. ઈશાની માફી માંગી ને કેમનો મનાવી લઉ એ વિચારી રહ્યો હતો. ત્યાંથી હું શાસ્ત્રી મેદાનમાં ગયો ત્યાં આંટા મારતા મારતા લેક્ચર પતવાની રાહ જોતો રહ્યો. મને ખબર હતી કે ઈશા કોલેજ પતાવીને લાયબ્રેરીમાં જશે. તેથી મેં લાયબ્રેરીમાં જઈને તેની સાથે વાત કરવાનું વિચાર્યું. અત્યારે મારી આંખો ઈશાને શોધી રહી હતી. આખો હોલ શોધી વળ્યાં પછી મને ઈશા દેખાઈ. તે બારી પાસે ખૂણામાં બેઠી હતી. તેના હાથમાં કોઈ બુક હતી પણ તેનું ધ્યાન બુકમાં નહોતું તે બીજે ક્યાંય ખોવાયેલી હોય તેવુ લાગ્યું. શુ તે મારા વિશે વિચારતી હશે? આજે જે બન્યું એના વિશે વિચારી રહી હશે? મેં વધારે સમય લીધા વગર સીધો એની નજીક ગયો. હજુ મારી હાજરીનો એહસાસ તેનો થયો નહોતો.

" પેની ફોર યોર થોટ્સ?" હું જાણી જોઈને તેનો ડાઈલોગ બોલ્યો. ઇશાએ મારી તરફ ઉંચ્યું જોયું પણ કંઈ બોલી નહીં.

" તું અહીંયા શુ કરે છે? મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તને બૂકનો એટલો શોખ હશે કે તું લાઇબ્રેરીમાં આવતો હોઈશ " થોડા સમય પછી ઈશા બોલી.

મને સાંભળીને ખુશી થઈ કે ઈશા મારાથી નારાજ નથી. તે મને ટોન્ટ મારી રહી હતી એટલો તો ખ્યાલ આવી ગયો હતો.

" હવે કોણ જજમેન્ટલ બની રહ્યું છે, ઈશા? " મેં કહ્યું. ઇશાએ નજર ફેરવી લીધી.

" ઈશા સોરી, મારો ઈરાદો તને ખોટું લગાડવાનો નહતો. એવું બોલી ગયા પછી હું ખુદ પછતાઈ રહ્યો છું. હું તને જજ નહોતો કરી રહ્યો. મારા મોમાંથી એમજ એ શબ્દો નીકળી ગયા હતા. હું અત્યારે અહીં તારી માફી માંગવા આવ્યો છું. નહીતો મને જે પસંદ છે તે બુક તો અહીંયા છે પણ નહીં " તેની સામે ની ખુરશી પર બેઠો અને હસતા હસતાબોલ્યો. કદાચ મારા મજાક્યા વર્તનથી મને માફ કરી દે એવું વિચાર્યું.

ઈશા મારી સામે જોઈ રહી હતી પછી મેં કહ્યું " ઈશા મને માફ કરી દે, મારો ઈરાદો તને નારાજ કરવાનો નહતો.હવે પછી આવી ભૂલ નહીં થાય "

" ઓકે..ઓકે..ધવન તારે માફી માંગવાની કોઈ જરૂર નથી " ઈશા બોલી.

" શુ હવે આપણે એકબીજાના ફ્રેન્ડ બની શકીએ?" મેં હિંમત કરીને ઈશાને પૂછી લીધું. મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. આજ સુધી ક્યારેય મેં કોઈ છોકરીને મિત્રતા માટે પૂછ્યું નહોતું. ઈશાએ તરત જવાબ ન આપ્યો તો મારું મન વિચલિત થઈ રહ્યું હતું.

" હા, જરૂર... ફ્રેન્ડ બનવા માટે પૂછવાનું ના હોય. ફ્રેન્ડશીપ તો આપોઆપ થતી હોય છે " ઈશા બોલી. ઇશાના મુખમાંથી નીકળી રહેલ દરેક શબ્દ મારા મનને શાંતિ આપી રહ્યા હતા. અત્યારે હું મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યો હતો કે ઈશા આમજ મારા પ્રેમને પણ સ્વીકારી લેશે.
*
હવે હું અને ઈશા ફ્રેન્ડ બની ગયા હતા. ક્લાસ માં એકબીજા ના નોટ્સ પણ કોપી કરતા હતા. શરૂઆતમાં અમે સ્ટડી રિલેટેડ ઘણી બધી વાતો કરતા, એકબીજાના ડાઉટ પણ ક્લિયર કરતા હતા. ત્યારે મને ખબર પડી કે ઈશા જેટલી સુંદર દેખાય છે તેટલી જ ભણવામાં પણ નિપુણ હતી. આ રોજનું થઈ ચૂક્યું હતું, બીજા છ મહિના જેટલો સમય પસાર થઈ ચૂક્યો હતો. હું અને ઈશા એકબીજા ની નજીક થી ઓળખવા લાગ્યા હતા. અમારી વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ચુકી હતી. હવે ઈશા સામેથી મારી સાથે આવતી વાતો કરતી. કદાચ હું ના હોવ તો ગમે ત્યાંથી મને શોધી કાઢતી. વધારેમાં વધારે ટાઈમ અમે એકબીજા સાથે વિતાવતા જે અમને બંનેને ખૂબ પસંદ હતું. ધીરે ધીરે અમારા ગ્રુપ માં બધાને ખબર પડી ગઈ હતી કે હું ઈશા ને પસંદ કરું છું. કદાચ ઈશા પણ એ જાણી ચુકી હતી કે હું તેને પસંદ કરું છું.

ઈશા ની આગળ પાછળ જ ફર્યા કરતો હતો. ક્લાસ, કેન્ટીન, લાયબ્રેરી,ગ્રાઉન્ડ બધેજ એની આગળ પાછળ ફર્યા કરતો એને જોયા કરતો. તેની સાથે વાતો કરવાના બહાના શોધ્યા કરતો. મને ઘણા સમય થી લાગી રહ્યું હતું કે ઈશા પણ મને આમ કરતા નોટિસ કરે છે પણ કઇ કહેતી નથી, અથવા અજાણ હોવાનો ઢોંગ કરે છે.
એક દિવસ હું અને ઈશા લાયબ્રેરી માં બેઠા વાતો કરતા હતા. તેણે મને જણાવ્યું હતું કે તેના પિતા કોઈ મોટા સરકારી અધિકારી છે. તેમની આણંદમાં બદલી થઇ. જેથી કરીને તેને સીધા જ અહીંયા બીજી કોલેજ માંથી અહીંયા ટ્રાન્સફર થવા માં તકલીફ નહોતી પડી અને સીધાંજ બીજા સેમેસ્ટર માં એડમિશન મળી ગયું. તેના મમ્મી હાઇકોર્ટમાં વકીલાત કરતા હતા. તેનો એક મોટો ભાઈ પણ હતો જે છેલ્લા ચાર વર્ષથી કેનેડા માં સ્થાઈ થયો છે.અહીંયાથી પહેલા તેઓ ગાંધીનગરમાં રહેતા હતા. ઇશાએ પણ તેનો સ્કૂલ સુધી નો અભ્યાસ ત્યાંજ કર્યો હતો. તેના પરિવાર વિશે જાણ્યા પછી ખબર પડી કે ઈશા એ સુખી સમૃધ્ધ પરિવારની લાડલી દીકરી હતી.

તેણે પણ મને મારા પરિવાર વિશે પૂછ્યું હતું. મારા વિશે જણાવવામાં થોડો ખચકાટ અનુભવી રહ્યો હતો કેમકે ગરીબી અને ગરીબમાં ખાસ લોકો ને રસ નથી હોતો. પણ તેની જીદ સામે હું ના ટકી શક્યો.

જામનગર અને દ્વારકા ની વચ્ચે મેવાસા કરી ને એક નાનકડું ગામડું ત્યાં છે મારું ઘર. મારા પરિવાર માં મારા પપ્પા છે જે ખેતીકામ કરે છે. અમારા ઘરની મુખ્ય આવક ખેતીમાંથી આવે છે. મારા મમ્મી ઘરકામ કરે છે. મારી મમ્મીને હું ખૂબ વહાલો છું. તેઓ બંને વધારે ભણેલા નથી પણ દુનિયા અનુભવે જોઈ છે. એ સિવાય મારી એક લાડકી બેન છે. તેનું નામ છે "કિસુ". હજુએ ગામની પ્રાથમિક શાળા માં ભણે છે. બસ આ છે મારો પરિવાર. અમારી પાસે વધારે રૂપિયા નથી પણ અમે એકબીજાના પ્રેમથી જીવીએ છીએ. એકબીજાની હુંફ સૌથી મોટો સંતોષ આપે છે.

અહીંયા આવ્યો ત્યારે મારા પરિવાર ની અપેક્ષાઓ મારી સાથે હતી. તેમને એમ છે કે હું ભણી ને કંઈક સારી જોબ કરીશ અને તેમને આ આર્થિક ગરીબીમાંથી ઉગારીશ. પણ ઈશા એક વાત કહું મને હવે ડર લાગે છે. કદાચ હું તેમની અપેક્ષાઓ પુરી નહીં કરી શકું તો, એમનો વિશ્વાસ મારા પ્રત્યે એટલો છે કે હું તેમને ક્યારેય મારા મનની વાત નથી કહી શકતો કે હું તેમના સપના પુરા નહીં કરી શકું. વાત કરતા કરતા મારી આંખો ના ખૂણા ભીના થઈ ગયા. મેં ધીરેથી આંસુને પાછા આંખોમાં રોકવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો.

"તું ચિંતા ના કર. તું વિચારે છે એવું કંઈ નથી થવાનું. તુતો ખૂબ હોશિયાર છે. તારા મમ્મી પપ્પા પણ તારા પર વિશ્વાસ કરે છે એતો ખૂબ મોટી વાત કહેવાય. અને મને ખાતરી છે તું જરૂર એમના સપના પુરા કરીશ." ઈશા એ મારી આંખો લૂછતાં કહ્યું.

ધવન તને તક મળી છે તો એનો ઉપયોગ કર, તારા માટે નહીં તારા ઘર પરિવાર માટે કંઈક કરીને બતાય. જો તારે તારા પરિવારને આવી પરિસ્થિતિમાં બહાર કાઢવો હોય તો તારે મહેનત કરવી જ પડશે.

એટલામાં ત્યાં કૃણાલ અને અતુલ આવ્યા એટલે આ ટોપિક પર વાત બંધ કરી પછી કલાસમાં જવા નીકળ્યા.

*






..................................( ક્રમશઃ )...............................

- રોહિત ભાવેશ