we'll meet Again !! - Chapter - 2 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશું !! - પ્રકરણ - ૫

ફરી મળીશું !!
પ્રકરણ - ૫

મારુ માથું હજુ પણ સખ્ખત દુઃખી રહ્યું હતું. અરીસામાં જોયું તો મારી આંખો સોજાઈને બટાકાની જેમ બહાર આવી ગઈ હતી. જાણે આંખો માં લોહી ઉતરી આવ્યું હોય તેમ લાલઘૂમ થઈ ગઈ હતી. જલ્દીથી ફ્રેશ થઈ તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો.

કોલેજમાં જઈને જોયું તો કૃણાલ અને અતુલ હજુ આવ્યા નહોતા. હું કોલેજની બાજુમાં આવેલી ચા ની કીટલી પર બેઠો તેમની રાહ જોવા લાગ્યો.મારી સિગારેટ અને ચા પુરી થઈ પણ હજુ તે દેખાયા નહોતા.

શુ ઈશાને મારી કોઈ વાત નું ખોટું લાગી ગયું હશે? શુ ઈશા મારી સાથે વાત કરવા નહીં માંગતી હોય? શુ તે કોઈ મુશ્કેલીમાં હશે? મારા મનમાં આવા વિચારો ઉદ્દભવી રહ્યા હતા.

કાલરાતના બનાવ પછી મારુ મન વિચલિત થઈ રહ્યું હતું. મારે કોઈપણ કાળે મારી લાગણી ઈશાની સામે પાથરી દેવી હતી. મેં કલાસમાં જઈને જોયું તો પૂર્વી એકલી તેની બેન્ચ પર બેઠી હતી. તેણે મારી સામે જોઇને સ્માઈલ આપી, મેં પણ તેને આપવા પૂરતી ખોટી સ્માઈલ આપી. ઈશાને તેની બાજુમાં ના જોઈને મારુ મન બેસી ગયું. મને ખુબ આઘાત લાગ્યો. મારુ મન વિચારો ના વંટોળમાં પરોવી ગયું.

"શુ થયું હશે? કદાચ તેના પપ્પા ને હું તેની સાથે હતો એ નહીં પસંદ આવ્યું હોય? ઈશા હજુ સુધી આવી કેમ નથી? તે મારાથી નારાજ થઈ હશે? તેવું હશે તો હું એને કંઈપણ રીતે બનાવી લઇશ. આવા અઢડગ વિચારો મારા મનમાં રમી રહ્યા હતા

" ના એવું કંઈ નથી, તે કોઈ કામ માં હશે કદાચ મોડી ઉઠી હશે માટે આવી નહીં હોય, બીમાર થઈ ગઈ હશે." મેં મારા મનને આશ્વાસન આપ્યું.

ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને તેને મેસેજ કર્યો, પણ કોઈ રીપ્લાય મળ્યો નહીં. મને ગુસ્સો આવવા લાગ્યો. મેં ફોન કરવા પ્રયત્ન કર્યો પણ ફોન હજુ પણ સ્વીટચઑફ આવી રહ્યો હતો.

મારુ હૈયું બેસી ગયું હતું.તેણીએ મને કહ્યું હતું કે તે પ્રોગ્રામ પતાવીને મને મળશે અને અત્યાર સુધી મેં તેનો ચહેરો સુધ્ધા જોયો નથી. હું ખૂબ બેચેન થઈ રહ્યો હતો.

વીજળી નો ચમકારો થાય ત્યારે કેવા લોકો તેને ખુશીથી નિહાળે છે, પણ એજ વીજળી ધરતી પર પડે અને કોઈનો જીવ લાઇ લે ત્યારે કેવું લાગે ? એવોજ અનુભવ હું અત્યારે કરી રહ્યો હતો. ઈશા મારી જિંદગીમાં એક ચમકારની જેમ આવી હતી અને મારો જીવ લઈને ચાલી ગઈ હતી.

મારુ ધ્યાન કલાસમાં નહોતું. મારુ મન ઈશાને જોવા માટે અધીરુ થઈ રહ્યું હતું. મેં રૂમ પર જવા મનને વાળી લીધું.

*

રૂમ પર ગયો પછી રાતના ઉજાગરા ને લીધે આંખોમાં બળતરા થઇ રહી હતી. રાતના નાશની અસર જાણે હજુ પણ થઈ રહી હોય એમ માથું ભારેભારે લાગી રહ્યું હતું. કાલે રાતથી મેં કાઈ ખાધું નહોતું. મારા શરીરમાં ઉભા રહેવા જેટલી પણ તાકાત નહોતી રહી.હું જઈને સીધો બેડમાં સુવા પડ્યો.

આંખ ખુલી તો છ વાગી રહ્યા હતા. હું સતત પાંચ કલાક એકધારી ઊંઘ લઇ ચુક્યો હતો. આજ સુધી ક્યારેય મેં આટલી ગાઢ ઊંઘ લીધી નહોતી. ઉઠીને હાથ મોં ધોયા, અરીસામાં જોયું તો મારા ગાલ સોજાઈ ગયા હોય તેમ ફૂલી ગયા હતા. ચહેરો બિલકુલ નિસ્તેજ લાગી રહ્યો હતો.

બસ એકાંતમાં વિચાર વિના બેસી રહેવાનું મન થયું, અગાસીમાં ગયો. સુરજ ડૂબવા લાગ્યો હતો. એક બાજુનું આકાશ લાલ થઈ ગયું હતું. વાતાવરણ એકદમ શાંત લાગી રહ્યું હતું. દૂરથી પક્ષીઓના ઝુંડ ઉડી રહ્યા હતા. વારેવારે તેમના આકારો બદલાઈ રહ્યા હતા, તે આકારમાં મને ઈશાનો ચહેરો દેખાઈ રહ્યો હતો. જોતજોતામાં વાતાવરણને સંધ્યાએ પોતાની મધુરતામાં લપેટી લીધું હતું. અંધારું છવાઈ રહ્યું હતું. તારાઓ વાદળમાંથી બહાર નીકળી રહ્યા હતા.

મારા દિલનો દરેક ધબકારો ઇશાના નામની બુમો પાડતો હતો. આવી મુજવનારી બેચેની મેં ક્યારેય અનુભવી નહોતી. ઈશાને પામવા માટે ગમેતેવી મુશ્કેલી વેઠવી પડે તો પણ અચકાઈશ નહીં. એવો વિચાર કરી રહ્યો હતો.

મારા ફોનમાં એક મેસેજ પડ્યો, મેં ઇગ્નોર કર્યું. થોડીવાર પછી મારી નજર ફોને પર પડી, સ્ક્રીન પર ઇશાનું નામ જોઈ ને ખુશ થઈ ગયો. મારુ બધું દુઃખ મારી ઊંઘ બધું એક ઝાટકે ગાયબ થઈ ગયું. તે ઇશાનો મેસેજ હતો. "સોરી, તે દિવસે પપ્પા આવી ગયા અને મળવાનું રહી ગયું. પછી એના બીજા દિવસે હું થોડી બીમાર થઈ હતી જેથી મમ્મીએ મને કોલેજ પણ ના આવવા દીધી અને મારો મોબાઈલ પણ તેમણે રાખી લીધો. કીધું તું આરામ કર મોબાઈલ હશે તો તું શાંતિથી સુઈ પણ નહીં શકે."

આ મેસેજ પૂરો કરું એટલમાજ બીજો મેસેજ આવ્યો " મને ખબર છે તું મને કંઈક ખાસ અગત્યની વાત કરવા માંગતો હતો. મારે પણ તને મળવું છે. તું જેવો વિચારોમાં હેરાન થઈ રહ્યો છે તેવીજ રીતે હું પણ તારા ખ્યાલોમાં હેરાન થઈ રહી છું. હું કાલે સવારે 9 વાગે શાસ્ત્રી મેદાનમાં તારી રાહ જોઇશ....બાય..."

*
મેસેજ વાંચ્યા પછી હું અગાસીમાંથી નીચે મારી રૂમ માં આવ્યો. મારામાં એક આનંદની લહેર ઉડી રહી હતી. મને નહોતી ખબર કે આવું થવા પાછળનું કારણ શુ હશે. મને તો એ પણ નથી ખબર કે ઈશા મારા માટે શુ વિચારે છે? છતાંપણ બે દિવસમાં હું વ્યાકુળ થઈ ગયો હતો. હજુ તો તેને મારા પ્રેમનો સ્વીકાર પણ નહોતો કર્યો. જ્યારે હું મારું પોતાનું કોઈ છોડીને જતું રહ્યું હોય તેવી લાગણી અનુભવી રહ્યો હતો. શા માટે મને આવું થતું હશે. હું વિચારોમાં ગૂંચવાઈ ગયો.

પથારીમાં પડ્યો પડ્યો હું આવતીકાલની રાહ જોઈ રહ્યો હતો. બાલ્કની ની બહાર એક રાતરાણી નો છોડ હતો. તેની સુગંધ મારા આખા રૂમમાં પ્રસરી રહી હતી. બારીમાંથી આવતી હવા જાણે મને ગલીપચી કરી મારી સાથે રમી રહી હોય તેવું લાગી રહ્યું હતું. બારીની બહાર તારાઓ મારી ખુશીમાં ડાન્સ કરી રહ્યા હતા. મારી આંખોમાંથી ઊંઘ હોવી ઉડી ગઈ હતી છતાં પણ હું સુવા માટે કોશિશ કરી રહ્યો હતો કેમકે સપનામાં ઈશા આવશે તેની મને ઉતાવળ હતી.
*

આજે સવારે 6 વાગે એલાર્મ વાગે એ પહેલાં હું ઉઠી ગયો હતો. આજની સવાર રોજના કરતા અલગ લાગી રહી હતી. આજે જાણે મારા જીવન ની પરીક્ષા થવાની હોય તેમ હું સવારથી પ્રફુલ્લિત હતો.

બેગમાં મૂકી રાખેલું એ કોઈ સ્પેશિયલ ફંકશનમાં પહેરવા માટેનું એક જીન્સ અને શર્ટ આજે કાઢ્યું હતું. નવા કહી શકાય તેવી આ એકજ જોડ કપડાં મારી પાસે હતા. રોજના રૂટિન પ્રમાણે તૈયાર થઈ ગયો હતો. બાજુની રૂમમાંથી બોડીસ્પ્રે લાવીને આખા શરીર પર છાંટયું હતું. રોજ પહેરવાના શૂઝ ભીના કપડાથી સાફ કરીને નવા જેવા કરી દીધા હતા તે પહેરી ને હું નીકળ્યો ઈશાને મળવા.

મને ખબર હતી ઇશાએ 9 વાગે મળવાનું કહ્યું હતું છતાં હું 8 વાગ્યાનો શાસ્ત્રી મેદાને આવી પહોંચ્યો હતો. તેની રાહમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા. હવે તે મારા પ્રેમને સ્વીકારશે કે નહીં તે પ્રશ્ન મનમાં ઉદ્દભવી રહ્યો હતો.

એટલામાં ઈશા ત્યાં આવી પહોંચી. તેને મારી સામે મધુર સ્મિતથી જોયું. આજે તેને જીણાં ફૂલોની પ્રિન્ટવાળુ ફ્રોક પહેર્યું હતું. વાળ ખુલ્લા રાખ્યા હતા. તેમાં તે અતિ મનમોહક લાગી રહી હતી. પગમાં ઊંચી એડીવાળા સેન્ડલ પહેર્યા હતા, જેમાં તેની ઉંચાઈ રોજ કરતા વધારે લાગી રહી હતી. હોઠ ઉપર હંમેશ ની જેમ ફક્ત ગુલાબી લિપસ્ટિક હતી કોઈ વધારાનો મેકઅપ નહીં. તેના શરીરમાંથી આવતી પરફ્યુમની સુગંધ મને પાગલ કરી રહી હતી. તે રોજ કરતા આજે વધારે જ સુંદર લાગી રહી હતી.

" સોરી, મેં તને પ્રોગ્રામ પતાવીને મળવાની પ્રોમિસ આપી હતી પણ પપ્પા આવી ગયા અને બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ " તે મારી સામે મધુર સ્મિત આપતા બોલી.

" બોલ, શુ કહેવું હતું ? " તેણીએ મને પૂછ્યું.

મેં કીધું ચાલ ત્યાં બાસ્કેટબોલ ના કોટ ની બાજુમાં બેસીને નિરાંત થી વાત કરીએ.

" ઈશા હું બે દિવસથી બેચેન ફરું છું. મને જ નથી ખબર હું શુ વિચારો માં ફરું છું." આટલું કહીને હું અટક્યો.

" ઈશા હું તને પસંદ કરવા લાગ્યો છું. તારા સિવાય કઇ સૂઝતું જ નથી, કઈ સમજાતું નથી. આંખોમાં બસ તારીજ તસ્વીર ફર્યા કરે છે અને તારાજ સપના તરે છે. રાતોમાં, બસ તારીજ ધૂન રહે છે. જે કઈ જોવ છું ચારે તરફ બસ તુજ દેખાય છે. ફૂલને ખીલતું જોવ તો તુજ ખીલતી દેખાય છે. સૂરજને ઉગતો જોવ તો બસ તુજ ઉગતી દેખાય છે. તારી સુંદરતા અને તારીજ શોભા આંખોમાં ફર્યા કરે છે. બસ તુજ મારા દિલ દિમાગમાં ઝરણાંની માફક વહી રહી છું. ઈશા, આઈ લવ યુ " આટલું કહીને હું થોભ્યો.

એકીટશે તે મારી સામે જોઈ રહી હતી. મારા હોઠમાંથી નીકળતા આ શબ્દો સાંભળીને તે સ્તબ્ધ થઈ ગઈ હતી. જાણે મારી આંખોમાં કઈક શોધતી હોય તેમ મારી આંખોમાં જોઈ રહી હતી.

મેં ધીમેથી તેના હાથ પર મારો હાથ મુક્યો. તેણે શરમાઇ ને તેની નજર ઝુકાવી દીધી. પણ તેણે મારો હાથ હજુ પણ એમજ એના હાથ ઉપર રહેવા દીધો હતો. તેના આ વર્તનથી હું ચોક્કસ થઈ ગયો કે ઇશામાં દિલમાં પણ મારા માટે કંઈક છે. તેના સ્પર્શથી મને ખ્યાલ આવ્યો કે તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું.

" ધવન, મને નહોતી ખબર કે તું મારામાં આટલો લીન થઈ ગયો છે. હું તને શું જવાબ આપું એ મને નથી ખબર "
તેણે મારી નજરમાં નજર નાખીને કીધું.

હજુ પણ મારો હાથ તેના હાથમાં હતો. તેની પકડ વધુ મજબૂત થતી હોય તેવો મને અહેસાસ થયો.

" ધવન, હું તારા પ્રેમનો સ્વીકાર કરું છું. જીવનની છેલ્લી ક્ષણ સુધી તું મારી સાથે રહીશ તેવા પ્રોમિસ હું તારી પાસેથી લેવા માંગુ છું. " તે શરમાઈ ને બોલી.

" ઈશા, હું તને ક્યારેય નહીં છોડું. હું તારા પ્રેમમાં ખરો ઉતરીશ. તેનો હું તને વિશ્વાસ આપું છું." મેં જવાબ આપ્યો.

" ઈશા, આઈ લવ યુ " મેં તેની આંખમાં જોઈને કહ્યું.

" આઈ લવ યુ ટુ , ધવન " બોલીને તેણે મને બાહોમાં ભરી દીધો. એક ક્ષણ માટે જાણે હું આ દુનિયા છોડીને સ્વર્ગમાં લટાર મારી આવ્યો હોય તેવું લાગ્યું.

થોડીવાર અમે ત્યાંજ બેસી રહ્યા.ઘણીબધી વાતો એકબીજા સાથે કરી. મેં પણ તેને જણાવ્યું જે છેલ્લા બે દિવસથી મારી સાથે થયું હતું.

તેના વગર હું કેટલો ચિંતિત હતો એ જાણી ને એને પણ પારાવાર દુઃખ થવા લાગ્યું. ઈશા તેના માટે દિલગીર થવા લાગી અને મને સોરી કહેવા લાગી. મેં કીધું સોરીની કોઈ જરૂર નથી. બસ તારો જવાબ જ આજે મારા માટે બધુજ છે. પછી ત્યાંથી એકબીજાને ભેટીને અમે જુદા પડ્યા.

*

મારો મહત્તમ સમય ઈશાની સાથે વિતાવવા લાગ્યો. અને તે સાથે ના હોય ત્યારે તેની યાદોમાં સમય જતો હતો. અમે કલાકોના કલાકો સાથે વિતાવવા લાગ્યા હતા. અમારો મોટા ભાગનો સમય લાયબ્રેરી માં જતો હતો.

એકવાર તેણે મને કહ્યું કે તેને મારી રૂમ જોવી છે, જ્યાં હું રહેતો હતો. હું તેને મારી રૂમ પર લઈ આવ્યો. તે મારી પાછળ ઉભી હતી. હું પણ ચુપચાપ ઉભો રહ્યો. થોડીવાર તે મારી રૂમમાં દરેક ચીજ નિહાળી રહી હતી. પછી તેણે મને કહ્યું" ધવન, તારી રૂમ તો તું ખૂબ સ્વચ્છ અને વ્યવશીત રાખે છે. મને આ ખૂબ ગમ્યું. " આટલું બોલી તે અટકી.

" ધવન, આ તારો પરિવાર છે? " ઈશા ટેબલ પર મૂકેલી ફોટોફ્રેમ હાથમાં લેતા બોલી.

" હા, તેમાં જે છે એ મારા મમ્મીપપ્પા છે અને વચ્ચે હું અને કિસુ છીએ. આ ફોટો મારી કાકાની દીકરીના મેરેજ માં પડાવ્યો હતો. જોને ઈશા આ ફોટોમાં મારા મમ્મીપપ્પા એકબીજા સાથે કેટલા ખુશ લાગે છે નઈ ? " મેં ઈશા સામે જોતા કહ્યું.

મેં તેનો હાથ પકડ્યો અને થોડી વાર તેની આંખોમાં જોઈ રહ્યો. તેની અંધારામાં ચમકતા તારા જેવી આંખો મને દેખાતી હતી. મને જાણે કોઈ પરાણે તેની તરફ ખેંચી રહેતું હોય તેવું લાગ્યુ. હું એકદમ તેની લગોલગ પહોંચી ગયો. તે મારાથી ઊંચાઈમાં થોડી નીચી હતી. તેણે માથું ઉંચુ કર્યું અને હું તેના તરફ નીચે ઝુક્યો. તેના હોઠ મારા હોઠમાં પરોવાઈ ગયા. આ પળોને હું ક્યારેય ભૂલી નહીં શકું તેમ કહીને મેં તેને ચુંબન કર્યું.

કોઈ અપ્સરાની જેમ તેણે મારા ખભા પર માથું ઢાળ્યું. તેના કાનની બુટ મારા હોઠને સ્પર્શી રહી હતી. તેને ધીરેથી આંખો ખોલી, તેના હૃદય ના ધબકારા હું મહેસુસ કરી રહ્યો હતો. અમારા બંનેના શરીરમાં કંઇક ધ્રુજારી ઉત્પન્ન થતી હોય તેવું મને લાગ્યું. આ મારા જીવનની સૌથી સુંદર પળ હતી. તેના હોઠનો સ્વાદ આજે પણ મને યાદ છે.

તે ધીરેથી મારા કાન માં બોલી " ધવન, મારે ઘરે જવું છે. જો હું તારી સાથે આમજ રહી તો હું મારી જાતને તારામાં સમાતા રોકી નહીં શકું." અને તે ત્યાંથી ચાલી નીકળી.

*

ઈશા જતી રહી હતી, પણ તેના હોવાનો અહેસાસ હજુ પણ મને થઈ રહ્યો હતો. તેના એ દરેક સ્પર્શ ને હું મહેસુસ કરી રહ્યો હતો. તેના શરીરની એ ખુશ્બુ હજુ પણ મારામાંથી આવી રહી હતી. તેના અવાજના પડઘા હજુ પણ મારી રૂમમાં ગુંજી રહ્યા હતા. આ યાદોને હંમેશના માટે મારામાં કેદ કરી લેવા માંગતો હતો.

પ્રેમમાં તો આગળ વધી ચુક્યો હતો. જીવનમાં ક્યારે આગળ નિકળીશ એ પ્રશ્ન હંમેશા મને હેરાન કરી જતો. ક્યારેક ક્યારેક ઘરે ફોન કરતો મમ્મી સાથે વાત કરતો ત્યારે ઘરની જવાબદારીથી પણ સભાન થતો.

મારી લાઇફનો કોઈ નિર્ણય હજુ સુધી મેં કર્યો જ નથી. શું કરીશ, મારો રસ કઈ પ્રવૃત્તિમાં છે તેનો મને બિલકુલ ખ્યાલ જ નથી. કઈ દિશામાં જઇ રહ્યો હતો તેની પણ મને કોઈ જાણકારી નથી. બસ, જિંદગી ચાલી રહી હતી, હું પણ તેના વેગમાં ચાલી રહ્યો હતો. મને નથી ખબર ક્યાં જઈને અટકશે.

દરેક માબાપ ના તેમના પુત્ર કે પુત્રી માટે સપના હોય છે. મારા માટે પણ એમજ હતું. હું હવે ડરી રહ્યો હતો કદાચ હું તે સપના પુરા કરવામાં નિષ્ફળ રહ્યો તો? મારા પોતાના માટે આ પ્રશ્ન ખૂબ જટિલ હતો. મારા મનમાં આવા વિચારો ભમી રહ્યા હતા. હું હતાશ થઈ રહ્યો હતો. આ વિચારોમાંજ મને ઊંઘ નહોતી આવી રહી. હું વિચારોના વંટોડમાં ગૂંચવાઈ ગયો હતો. મને પણ નથી ખબર કે ક્યારે મારી આંખ બંદ થઈ અને આજની રાત નીકળી ગઈ હતી.

*

સવારે કૃણાલને હું કોલેજ જઇ રહ્યા હતા ત્યારે મેં તેને મારી પરિસ્થિતિ સમજાવી. ગામડામાં હું ભણવામાં હોશિયાર હતો પણ ત્યાં મારી સામે આટલી મોટી હરીફાઈ નહતી. હવે અત્યારે મારા ઉપર જાણે જવાબદારીનું પોટલી આવી ગયું હોય તેમ લાગવા લાગ્યું. હું નિરશ થઈ રહ્યો હતો. આ પ્રેશર મરાઠી સહન નહોતું થઈ રહ્યું.

" અરે ભાઈ હજુ તો આપણું બીજું વર્ષ પૂરું થવા આવ્યું છે તું ખોટી આવી ચિંતા ના કર. કોલેજ પુરી થયા પછી બધું સારું થઈ જશે. તુ ભણવામાં પણ હોશિયાર છું એટલે તને તો સારી જોબ પણ મળી જશે." કૃણાલ સ્કૂટી ચલાવતા બોલ્યો.

કોલેજ માં ગયા તો ઈશા,અતુલ,પૂર્વી વાતો કરી રહ્યા હતા.
અમે પણ તેમની સાથે જોડાયા. ઈશા આવતા મહિને આવી રહેલી અમારી પરીક્ષા વિશે જણાવી રહી હતી. બધાએ પોતપોતાની રીતે તૈયારી શરૂ કરી લીધી હતી.જ્યારે હું હજુ ઈશા ના સપનામાં ખોવાયેલો હતો.

*
ઇશા અને હું રોજ સવારે મળતા હતા. તે મને શાસ્ત્રી મેદાનમાં મળતી, ત્યાં બાસ્કેટ બોલના કોટ આગળ અમારી રોજની બેઠક બની ગઈ હતી. અમે એકબીજાના મનની વાતો શેર કરતા.
ઈશાને મેં દૂરથી આવતી જોઈ તેણે જીન્સ અને જાંબલી કલરનું ટોપ પહેર્યું હતું. ઊંચી હિલ્સવાળા સેન્ડલના કારણે તે વધારે ઊંચી લાગી રહી હતી. તેના સોનેરી વાળને તેણે પોનિટેલ માં બાંધ્યા હતા. તે અતિ મનમોહક લાગી રહી હતી.

અમે બેઠા હતા અને ઈશા એ મને પૂછ્યું " ધવન તારી જિંદગીમાં મારી અહેમિયત કેટલી છે ? ભવિષ્યમાં કદાચ હું તારી જિંદગીમાં તારી સાથે ના હોવ તો એથી તારા જીવન માં સો ફેર પડે ? " આટલું બોલી ને તે અટકી.

" ઈશા મારી જિંદગીમાં તારી કેટલી એહમિયત છે, મને એ નથી ખબર પણ હા મને એટલું ખબર છે કે મારી જિંદગી જ તું છે. હું તને એટલો પ્રેમ કરું છું જેટલો આ સૃષ્ટિમાં કોઈ એ નઈ કર્યો હોય. મારા માટે તુજ સર્વસ્વ છે. તારાથી જ હોવી મારુ જીવન સારું થાય છે અને તારા ના હોવાથી એનો અંત "
આટલો જ જવાબ હું એને આપી શક્યો.

મને સાંભળીને તેની આંખોમાં અમૃત સમાન આંસુ વહેવા લાગ્યા. મેં તેના આંસુ લૂછતાં તેની મારા આલિંગનમાં લાઇ લીધી. તે મારા ખભા પર માથું ટેકવીને ક્યાંય સુધી એમજ બેસી રહી. ખબર નહીં પણ તેના ગાલ વધારે લાલ થઈ ગયા હતા. તે કોઈ ઊંડા વિચારોમાં હોય એવું મને લાગ્યું પણ મેં તેને એમજ રહેવા દીધી ક્યાંય વાર સુધી તે મારા ખભા પર માથું મૂકીને બેસી રહી. તેના વાળની લટ ઉડીને મારા ચહેરા પર રમી રહી હતી.






..................................( ક્રમશઃ )...................................

- રોહિત ભાવેશ