Fari Malishu. - 6 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશું !! - પ્રકરણ - ૬

ફરી મળીશું !!
પ્રકરણ - 6



બે મહિના જેટલો સમય વીતી ગયો હતો. અમારું પરિણામ પણ આવી ગયું હતું. અમારા ગ્રુપમાં બધાજ પાસ થઈ ગયા હતા. ઈશા આખી કોલેજ માં ફર્સ્ટ આવી હતી. હું પણ 65% થી પાસ થઈ ગયો હતો. 15 દિવસ નું વેકેશન મળ્યું હતું. મેં ઘરે જવાનું વિચાર્યું, ઘરની યાદ પણ ઘણી આવી રહી હતી. મેં કૃણાલ ને જણાવ્યું તો એ પણ તેના ઘરે જવાની તૈયારીમાં હતો. જેથી હું અને કૃણાલ સાથે જ ગામડે જવા માટે નીકળ્યા. અતુલ અમને રેલવે સ્ટેશન પર મુકવા આવ્યો હતો. આણંદ થી જામનગર સુધી અમે ટ્રેનમાં ટીકીટ કરવી હતી.

અમે ટ્રેન ના ડબ્બા માં પ્રવેશ્યો અને અમારી સીટ શોધતો શોધતો ચોથા કમ્પાર્ટમેન્ટમાં પહોંચ્યાં. અપરબર્થ અને મિડલબર્થ મારી અને કૃણાલ ની સીટ હતી. અમે બંને સીટ પર બેઠા સામે,એક બાળક અને એના માતા-પિતાનું એક નાનું સુખી કુટુંબ હતું. હજુ ત્રણ જગ્યા ખાલી હતી તથા મારી સામેની સીટ પણ ખાલી હતી. ત્રણ-ચાર મિનીટ માં મારી સામેની સીટ પર એક ભાઈ આવી ગયા અને એમનો સામાન ગોઠવવા લાગ્યા. ત્યાં એક નવું પરણિત યુગલ આવ્યું અને પોતાનો સમાન ગોઠવી અને જગ્યા લીધી. જ્યારે પણ લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે કમ્પાર્ટમેન્ટ થોડા સમય માટે ઘર જ બની જાય. અત્યારે આ હંગામી ઘરનાં તમામ પાત્રોએ પોતાની જગ્યા લઇ લીધી હતી.

અમારી ટ્રેન આણંદ સ્ટેશનથી ઉપડવા લાગી હતી. હવે બધા પોતપોતાની જગ્યા લઇને બેસી ગયા હતા. ધીરે ધીરે બીજા સ્ટેશન પસાર થવા લાગ્યા હતા. કૃણાલ પોતાના મોબાઈલમાં મૂવી જોતો કાનમાં હન્ડસ્ફ્રી નાખી ઉપરની સીટ પર સૂતો હતો.

સામે પેલું બાળક થોડું તોફાન કરી પોતાનો સમય પસાર કરી રહ્યું હતું. તેના માતા-પિતા પોતાના મોબાઈલ જોવામાં વ્યસ્ત હતા. થોડી-થોડી વારે, નાસ્તા , કોલ્ડ-ડ્રીન્કસ અને ચા-કોફીવાળા ફેરીઓ લગાવી રહ્યા હતા. ટ્રેનમાં બંને તરફ સરસ મજાની લીલોતરી જોવાં મળે, સાથે સાથે વચ્ચે આવતી નાની-મોટી નદીઓમાં બંને કાંઠે પાણી હતા.

મારી બાજુમાં બેઠેલા પેલા ભાઈ એમની બેગમાંથી કોઈ પુસ્તક કાઢી વાંચવા લાગ્યા. મોટું કપાળ અને ચહેરા પર સફેદ દાઢી. આટલી ઉંમરે પણ તેમના ચહેરામાં તેજ દેખાઈ આવતું હતું. મારી સામે બેઠેલા પેલાં નવા પરણિત કપલ એમની વાતોમાં મશગુલ હતા.

યુવાન યુગલમાં એ છોકરીના હાથ અને પગની મહેંદી હજુ ઘટ્ટ હતી. તેમાં તેમના પ્રેમનો રંગ ચડી આવ્યો હતો. તેના સેધા નું સિંદૂર વધારે લાલ લાગી રહ્યું હતું. તેના પગના પાયલનો અને હાથની ચૂડી રણકાર આખા ક્મપાર્ટમેન્ટમાં સંભળાઈ રહ્યો હતો. બીજી તરફ છોકરાના શરીર પર હજુ પીઠીના પીળા કલરની છાપ દેખાતી હતી. આ મહેંદી, સિંધુર, ચૂડી,પાયલ,અને પીઠીનો રંગ તેમના નવા લગ્નની જાહેરાત કરતું હતું.

પોતાના પતિને ખભા પર માથું મૂકીને સૂતી હતી. જાણે દુનિયાનું દરેક સુખ એને આ સફરમાં મળી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. ક્યાંય વાર સુધી હું તેમને આમજ જઈ રહ્યો હતો. મને ઈશા યાદ આવી ગઈ હતી. જીવનના ત્રણ તબક્કા મારી આંખો સામે ફરી રહ્યા હતા. હું તે નવદંપતિમાં પોતાને અને ઈશાને જોઈએ રહ્યો હતો. અમારા લગ્ન પછી આમજ હું ટ્રેનમાં પ્રવાસે જઈશ એમ વિચારતો હતો. આ દ્રશ્ય હૃદયને સાંત્વતા આપી રહ્યું હતું.

જીવનનો બીજો તબક્કો મને પેલા મસ્તી કરતા બાળકને જોઈ ને યાદ આવતો હતો. જ્યારે મારો પરિવાર થશે ત્યારે આમજ હું, ઈશા અને અમારું આવનારું બાળક રજાઓ માણવા માટે જુદી જુદી જગ્યા એ જઈશું એ દરમ્યાન ટ્રેનની સફરનો લ્હાવો લઈશું. તે પતિ પત્ની અને તેમના બાળકને જોઈ મન પ્રફુલ્લિત થતું હતું. ચહેરા પર ખુશી દોડી આવતી હતી.

ત્રીજો અને જીવનનો છેલ્લો તબક્કો મને મારી બાજુમાં પુસ્તક વાંચી રહેલા વડીલને જોઈને યાદ આવી રહ્યો હતો. જ્યારે જીવનમાં બધી રીતે પરવારી જઈશ. જ્યારે ઈશા પણ સાથે ની હોય ત્યારે ઈશાની પસંદની બધી નોવેલ લઈને નીકળી પાડીશ આમ એક અજાણી યાત્રા પર જ્યાં કોઈ ઈચ્છાઓ નહીં હોય. હશે તો બસ વિતાવેલી જિંદગીની રોમાંચક યાદો.

સમયવીતી રહ્યો હતો, ઘર સુધીનું અંતર ઘટી રહ્યું હતું. ઈશાની યાદો વધુ મજબૂત થઈ રહી હતી. બારીમાંથી આવતા પવન સાથે ભવિષ્યના વિચારો પણ લહેરાઈ રહ્યા હતા. સવાર સુધીમાં મારૂ સ્ટેશન આવી ચૂક્યું હતું.

આખી રાતની મુસાફરી કરીને હું ઘરે પહોંચ્યો હતો. દરવાજામાં પગ મુકતાની સાથે જ સામે મમ્મી આવીને ઉભી હતી. તેને વ્હાલથી મને છાતી સમો ચાંપી દીધો. તેની આંખોમાં મને જોઈ ને એટલી ખુશી હતી જાણે હું કોઈ પરદેશથી ઘણા વર્ષો પછી આવ્યો હોય. દરેક માં માટે પોતાનું સંતાન એ દુનિયાથી શ્રેષ્ઠ હોય છે.

ઘરમાં જઈને બેઠો પપ્પા દેખાય નહીં એટલે મમ્મીને પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ વાડીએ ગયા હતા.

" તું આખી રાતની મુસાફરીમાં થકી ગયો હશે. નાહીધોઇ ને ફ્રેશ થઈ જ હું તારા માટે ચા નાસ્તો બનવું છું " મમ્મી એ કહ્યું.

અમે ચા નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા.

" બેટા હવે તો બે મહિનામાં તારી કોલેજ પુરી થઈ જશે. તારી નોકરી વિશે કંઈક વિચાર્યું છે કે નહીં?"

"શુ જવાબ આપું એજ મને નહોતી ખબર છતાં પણ મેં કીધું કે મમ્મી તું નોકરીની ચિંતા ના કરીશ, મળી જશે."

"એકવાર તું નોકરી કરતો થઈ જઈશ તો પછી તારા લગનેય ફટાફટ કરવી દઈએ એટલે અમારે એટલી ચિંતા ઓછી. જીવતા જીવ તારા છોકરા પણ રમાડતી જાવ ને" મમ્મી આટલું બોલી અને મારા દિલમાં ફાળ પડી.

"મમ્મી લગ્નની હમણાં ક્યાં ઉતાવળ છે એતો નિરાંતે થશે એની ચિંતા હમણાં ના કરશો" મેં કહી દીધું.

"બેટા એતો હું અને તારા પપ્પા સમજીએ છીએ. બાકી ગામ આખું તો એવી વાતો કરે કે શહેરમાં ભણવા મોકલ્યો છે તો શહેરમાંથી છોડી લઈને ના આવે."

હું કશું બોલી ના શક્યો. મારા મનમાં ઈશા આવી ગઈ. વિચારી રહ્યો હતો કે મમ્મીને ઈશા વિશે જણાવી દઉં પણ પછી થયું કે ઉતાવળ થઈ જશે હજુ થોડીવાર છે પછી બધુંજ મમ્મી પપ્પાને જણાવી દઈશ.

"મમ્મી તું ગામવાળાનું ટેન્શન ના લઈશ એતો વાતો કરવાના આપણે કોને કોને કેવા જઈશું."

"વાત તો તારીએ હચી સે...બેટા પણ હવે દાડે દાડે તૂયે મોટો થયો છું તો અમારે તો અમારી જવાબદારી નિભાવવી પડે ને "

" જો મમ્મી... પેલા હું નોકરી કરીશ પછી શહેરમાં એક મકાન લઈશ અને પછી આપણે ત્યાં રહેવા જતા રહીએ પછી તમે મારા લગ્નનું વિચારજો " આટલું બોલી હું કૃણાલને ફોન કારવાના બહાર નીકળી ગયો.

રાત્રે ગામમાં પણ આંટો મારવા નીકળતો તો જુના મિત્રો અને ગામના વડીલો પણ હવે નોકરી વિશે પૂછવા લાગ્યા હતા. તેમને હું સમજાવતો કે હજુ મારી કોલેજ ના 2 મહિના બાકી છે પછી નોકરી મળશે. પણ સાચી હકીકત તો મને જ ખબર હતી.

મમ્મી પપ્પા અને ગામના લોકોની આવી અપેક્ષા જોઈએ હું ડરી ગયો હતો. કદાચ હું સરકારી નોકરી ના મેળવી શક્યો તો? ઇશાના પપ્પા ને રાજી ના કરી શક્યો તો? આ તો અત્યારે મારા માથામાં હથોડો લઈને ઘા કરી રહ્યો હતો તેવું લાગી રહ્યું હતું. રાત્રે ઊંઘ પણ નહોતી આવી રહી. અગાશીમાં પડ્યો પડ્યો આકાશમાં તારાઓ ગણવા લાગ્યો.

*

ત્રણ દિવસ થઈ ગયા હતા હજુ સુધી ઈશાને એક ફોન સુધ્ધા કર્યો નહોતો. તે ખૂબ ગુસ્સે થઈ હશે.

બપોરે ઇશાનો સામેથી ફોન આવ્યો તે ખૂબ ગુસ્સામાં હોય એવું લાગ્યું." ઘરે ગયા પછી મને તો ભુલીજ ગયા હોય એવું લાગે છે " ઇશાએ ટોણો માર્યો.

પછી મેં ઈશાને બધી વાત સમજાવી અહીંયા શુ ચાલી રહ્યું છે અને મારા મનમાં શુ વિચારો ચાલી રહ્યા છે. એ બધું વિસ્તારથી સમજાવ્યું પછી તે ઠંડી પડી અને મને કહેવા લાગી કે તું કોઈપણ જાતનું ટેન્શન ના લઈશ. એકવાર એકસામ આપ સારું રિઝલ્ટ આવશે એટલે તને નોકરી પણ મળી જશે. તારે કોઈ ખોટા વિચારોમાં પરોવાની જરૂર નથી. પછી હસતા હસતા કહેવા લાગી કે તેમની થનારી વહુ વિશે મમ્મી પપ્પા ને જણાવ્યું કે નહીં.

થોડીવાર અટકીને બાદમાં હું બોલ્યો કે મમ્મી પપ્પાને હજુ આપણા વિશે કશુ ખબર નથી. એકવાર કોલેજ પુરી થાય પછી હું બધી વાત માંડીને જણાવીશ.

ઈશા કહેવા લાગી કે દરેક માં બાપને પોતાના દીકરા કે દીકરી પોતાના કેરિયરમાં આગળ વધે એવીજ અપેક્ષા હોય છે. તેમના હયાત હોવા સુધીમાં તેમને દાદા-દાદી બનવાની તેમની ઈચ્છાઓ હોય છે માટે તારા મમ્મી પપ્પા આવું વિચારે છે એમા કાઈ ખોટું નથી.

આશ્વાસનથી મારુ મન હળવું થયું હતું. હું ઘરે ગયો તો પપ્પા વાડીએથી ઘરે આવીને ખુરશીમાં બેસી પેપર વાંચી રહ્યા હતા. તેમને પેપરમાથી આંખ ઊંચી કરીને મારી સામે જોયું.

શુ વિચાર્યું છે હવે આગળ? તારી છેલ્લી એકસામ ક્યારે છે? નોકરી માટેની કોઈ તૈયારી કરી છે કે નહીં? ભવિષ્ય માટેના સપના જોયા છે કે નહીં? ફટાફટ તેમના સવારો મારા પણ જાણે બંદૂકની ગોળીઓ છૂટતી હોય તેમ છૂટ્યા.

શુ જવાબ આપું પપ્પાને ... ઈશા વિશે જણાવી દઉં.. કદાચ એમને એમતો નહીં થાય ને કે છોકરો શહેરમાં જઈને બગડી ગયો છે. એ મને નોકરી વિશે પૂછે છે તો એમને કેમનો સમજાવું કે અત્યારના સમયમાં સરકારી નોકરી મેળવવી કેટલી અઘરી છે અને મારામાં એટલી ક્ષમતા નથી કે હું સરકારી નોકરી મેળવી શકું. મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો.

ધવન ક્યાં ખોવાઈ ગયો મેં તને કાંઈક પૂછ્યું છે બેટા એના જવાબ તો આપ પછી પપ્પા કેહવા લાગ્યા. જો બેટા આજ ઉમર છે સપના જોવાની અને મહેનત કરી એને પૂરા કરવાની. તને જેમાં રસ હોય જે કરવું હોય એ કરજે. અમારી ચિંતા કરતો નહીં. લોકોનું વિચારવામાં તારા જિંદગીના ખોટા નિર્ણય ના કરી બેસતો.

મારી પણ ભણવાની ઈચ્છા હતી.મારા પણ સપના હતા કે હું ભણી ગણીને સરકારી નોકરી મેળવું. સમય સંજોગ અને આપણા પરિવારની પરિસ્થિતિ પ્રમાણે તે શક્ય ન થઈ શક્યું. માટે હું તને છૂટ આપું છું કે તને જે કરવું હોય એ કરજે મારા તરફથી તને ક્યારેય કોઈ મુશ્કેલી નહીં પડે.

પપ્પાની આ વાતો સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મમ્મી પણ રસોડામાં અમારી વાતો સાંભળી રહ્યા હતા. હું દોડીને પપ્પાના પગોમાં બેસી ગયો. મેં તેમને જણાવ્યું કે હું જીવનમાં એવું કંઈક કરીશ કે જેનાથી તમને હમેશા ગર્વ થશે. હું ક્યારેય તમારું દિલ દુભાય એવું કામ નહીં કરું. આખો માહોલ ગમગીન બની ગયો હતો.

ચાલો હવે... બાપ-બેટા ભાવુક થયા વગર જમી લો. અને ધવન તું પણ જમીને તારો સામાન પેક કરવા માંડ કાલે તારે પાછું જવાનું છે યાદ છેને.

બસ..... બીજા દિવસે હું વિદ્યાનગર જવા માટે નીકળી ગયો.

*

હું જ્યારે પહેલીવાર બેગ લઈને આવ્યો ત્યારે પણ આ બેગ આટલી ભારે નહોતી લાગી જ્યારે અત્યારે અપેક્ષાઓ અને સપનાઓના ભારથી મારા ખભા ઝૂકી ગયા હતા.

આણંદ રેલવે સ્ટેશનથી રીક્ષા કરીને હું મારી રૂમ પર પહોંચ્યો. તરત જ ઇશાને સમાચાર આપી દીધા કે હું અહીંયા પાછો પહોંચી ગયો છું. તેના જવાબમાં મને ખુશી વર્તાતી સંભળાઈ રહી હતી.

સવારે શાસ્ત્રી મેદાનમાં રોજની જગ્યા એ પહોંચી ગયો હતો. આજે ઈશા મારા કરતાં પહેલાં આવી ગઈ હતી. તે બ્લેક T-શર્ટ માં અત્યંત ખુબસુરત લાગી રહી હતી. તેને લગાવેલ બોડી લોસનની મહેક મારા દિલ દિમાગ ઉપર છવાઈ રહી હતી. તેની નજીક જઈને બેઠો કે તરત જ તેણે મારો હાથ તેના હાથમાં લઈ લીધો. મારા શરીરમાં ઝણઝણાટી થઈ રહી હતી. તેની આંખોમાં ક્યાંય સુધી ખુદને નિહાળી રહ્યો હતો. ધીરેથી તેની નજીક ગયો તેના શરીરમાંથી આવતી ખુશ્બુ મને મોહિત કરી રહી હતી. તેનો ચહેરો મેં મારી હથેળી વચ્ચે લીધો અને તેના કપાળ પર ચુંબન કર્યું.

" ધવન ગામડે ગયો પછી તો મને તો ભુલીજ ગયો હતો. મને લાગ્યું કે ક્યાંક મમ્મી પપ્પા તારું લગન કરાવીને જ ના મોકલે" આટલું કહીને ઈશા હસવા લાગી.

" ઈશા જીંદગી તો મેં તારી સાથે જ શરૂ કરી છે અને જીવીશ ત્યાં સુધી તારી સાથે જ રહીશ" મેં કહ્યું. ઈશા મારી સામે આંખ માંડી ને જોઈ રહી હતી.

શબ્દ અને વિચાર અંતર વધારી દે છે ત્યારે ક્યારેક આપણે સમજી નથી શકતા તો ક્યારેક સામેવાળાને સમજાવી નથી શકતા. ઈશા મારા દિલમાં તારા માટે શું લાગણી છે તે હું શબ્દોમાં ક્યારેય જાહેર નહીં કરી શકતો.પછી મેં ઇશાના હોઠ પર કિસ કરી.નિર્દોષ હૈયાએ પ્રેમની લેતીદેતી કરી લીધી છે તેનું બંનેમાંથી કોઈને ભાન પણ ન રહ્યું.

ઈશા મારો હાથ પકડીને મારા ખભા પર નમી પડી તેની આંખોના ખૂંણામાં આંસુ હતા. એ આંસુ નું કારણ આજે પણ મને ખબર નથી. અમે ક્યાંય વાર સુધી ત્યાં બેસી રહ્યા પછી કોલેજ જવા નીકળ્યા.

*

કોલેજ પુરી થવામાં હવે ફક્ત મહીનો બાકી રહ્યો હતો. મહિના પછી તો બધા પોતપોતાની જિંદગીમાં પરોવાઈ જવાન હતા. અમારા ગ્રૂપમાં પણ ઘણા બધા અત્યારથી તૈયારી માં લાગી ગયા હતા. કોઈ MBA માટે તૈયારી કરી રહ્યું હતું તો કોઈ CA માટે, ઘણા મિત્રો વિદેશ પણ જવાની તૈયારીમાં હતા. કૃણાલ બેન્કિંગ જોબની તૈયારી માં હતો. અતુલને પહેલેથીજ પોલીસમાં જવું હતું.જેથી એ તેની તૈયારી કરતો હતો.ઈશાએ પણ વિચારી રાખ્યું હતું કે તે બેન્કિંગ સેક્ટર માં જોબ કરશે. ખાલી હું એકલો એવો હતો જેને કંઈજ ખબર નહોતી કે આગળ શુ કરશે.

રાતના 11 વાગ્યા હતા. મને હજુ ઊંઘ નહોતી આવી રહી. મેં બુક ખોલીને વાંચવાનો પ્રયત્ન કર્યો. પણ જેવી બુક ખોલી કે મને ઇશાના વિચારો આવવા લાગ્યા પછી તો વાંચવામાં મન લાગ્યું જ નહીં. ઇશાએ મારા દિલ દિમાગ પર કબજો કરી લીધો હતો. મેં ગેલેરીમાં બેસવાનું વિચાર્યું. આજે તો ચાંદ પણ વાદળોની પાછળ છુપાઈને બેઠો હતો. મને અજીબ બેચેની થઈ રહી હતી. હકીકત મન સાથે અથડાઈ મારા દિમાગમાં એક પછી એક સવાલો ફૂટવા લાગ્યા મારી બેચેની વધી રહી હતી. મારી નોકરી, ઈશા અને મારું ભવિષ્ય, કિસુનું ભવિષ્ય, મમ્મીપપ્પાના સપના હું આ બધા વિચારો કરતો ગેલેરીમાં ભગવાન જાણે કેટલા સમયથી ઉભો હતો. મારા રૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો. આટલી રાત્રે કોણ હશે? હું વિચારી રહ્યો હતો એટલામાં ફરી કોઈએ બરાબર દરવાજો ખખડાવવા માંડ્યો. હું ગેલેરીમાંથી રૂમમાં આવ્યો અને દરવાજો ખોલ્યો.

" હેપી બર્થડે ટૂ યુ....હેપી બર્થડે ટૂ યુ.....હેપી બર્થડે...હેપી બર્થડે....હેપી બર્થડે ટૂ યુ...." દરવાજો ખોલતાની સાથે જ ઇશાના મધુર અવાજે મારા કાન ભરી દીધા. આ ક્ષણે ખરેખર મને એહસાસ થઈ ગયો કે મારો પ્રેમ તદ્દન સાચો છે. મનને જેની પાસે જવાની ઈચ્છા હતી તે સામેથી મારી પાસે આવી ને ઉભી હતી. ઈશા ખૂબ ખુશ અને ઉત્સાહમાં લાગી રહી હતી. તેના હાથમાં કેક હતી જેની ઉપર મીણબત્તી સળગી રહી હતી. મીણબત્તીની બાજુમાં "હેપી બર્થડે ધવન" લખ્યું હતું. ઇશાનું સ્મિત એ મીણબત્તીના પ્રકાશમાં જોઈ રહ્યો હતો. મારી આંખો તેના ચહેરા પર અટકી રહી હતી. ઇશાએ કહ્યું કે ધવન મને આમ બહાર જ રાખીશ કે અંદર પણ બોલાવીશ આ સાંભળી મારુ ધ્યાન તેના ચહેરા પરથી હટયું અને મેં રૂમની લાઈટ ચાલુ કરી ને તએને અંદર આવવા કહ્યું. પછી ખ્યાલ આવ્યો કે ઈશા એકલી નહતી, તેની પાછળ પૂર્વી, કૃણાલ અને અતુલ પણ હતો. મારા મિત્રોની હાજરીથી મારો રૂમ જે મને થોડીવાર પહેલા એકલવાયો લાગતો હતો તે હવે ખુશનુમા વાતાવરણથી ભરાઈ ગયો હતો.

હું મારા બર્થડે માટે એટલો ઉત્સાહી નહતો. મેં ક્યારેય મારો બર્થડે ઉજવ્યો પણ ન હતો. આ દુનિયામાં મારુ જે દિવસે આગમન થયું હતું તે દિવસને હું ઉજવવા જેટલો ખાસ નથી સમજતો. છતાં પણ ઈશા અને બીજા મિત્રોને મેં ખુશીથી આવકાર્યા.

" વિશ યુ આ વેરી હેપી બર્થડે, ધવન. તારા જન્મદિવસ પર મારી એજ ઈચ્છા છે કે તું તારા જીવનમાં ખૂબ ખુશ રહે અને તારી દરેક ઈચ્છાઓ પૂરી થાય" ઇશાએ આટલું કહીને મારા ગાલ પર કિસ કરી. કૃણાલ, અતુલ અને પૂર્વીએ પણ વારાફરતી મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને કેક કાપવા કહ્યું.
હું કેન્ડલ પર ફૂંક મારવા જ જતો હતો ત્યાં ઇશાએ મને અટકાવ્યો. " આ શું કરે છે? આ કેન્ડલને ફૂંક મારવા માટે નથી સળગાવી. તારું જીવન આ કેન્ડલની જેમ હંમેશા જગમગતું રહે, આ કેન્ડલનો પ્રકાશ તારા જીવનની સમૃદ્ધિ પ્રસ્તુત કરે છે માટે આ કેન્ડલને બુઝાવી રોશની થી અંધકાર તરફ ના જઈશ"

હું એકવાર ફરી આજે ઇશાના પ્રેમમાં પડી ગયો હતો. ઇશાના વિચારો કેટલા અલગ છે તદ્દન વિભિન્ન.

" મને તો લોકોની માનસિકતા જ ખબર નથી પડતી, આ કેન્ડલને બુઝાવી ને જન્મદિવસ ઉજવવાનો કોન્સેપટ જ ખોટો છે " ઇશાએ ગણગણતા અવાજે ઉમેર્યું.

વાત તો ઈશાની સાચી છે, મેં કેન્ડલ એમજ રાખીને કેક કાપ્યો અને વારાફરતી બધાને ખવડાવ્યો.

કૃણાલ, અતુલ અને પૂર્વી બાલ્કનીમાં વાતો કરતા હતા. ઇશા અને હું બધા માટે કોલ્ડડ્રિન્ક તૈયાર કરી રહ્યા હતા. "તું ઘરેથી કેમની નીકળી આટલી રાત્રે " મેં ઈશાને પૂછ્યું.

ઇશા ગ્લાસ ભરતા મારી સામે જોયું અને સ્માઈલ આપી.
" પૂર્વી આ ઘરે વાંચવા જાવ છું તેમ કહીને આવી ગઈ. અને પૂર્વી એ પણ એના ઘરે એમજ કહ્યું કે તે મારા ઘરે વાંચવા આવી રહી છે. મારા મમ્મીપપ્પાને તો તું ઓળખે છે તે કેટલા ફ્રી માઈન્ડ છે તે બહુ પ્રશ્નો નથી કરતા અને આમ પણ તારી બર્થડે હતી હું કેમની ભૂલી શકું " ઈશા હસતા હસતા કહેવા લાગી.

ઈશા મારા માટે આટલી હિંમત કરીને મને બર્થડે વિશ કરવા આવશે મેં વિચાર્યું પણ ન હતું. તે પણ તેના મમ્મીપપ્પા સાથે જૂઠું બોલી ને, હું ઇશાના આવા વર્તન માટે પોતાને દોષી ગણી રહ્યો હતો.

" બર્થડે તો કાલે સવારે પણ મનાવી શક્યા હોત, તારે આટલી રાત્રે તારા મમ્મીપપ્પા સાથે ખોટું બોલીને આવવાની ક્યાં જરૂર હતી " મેં ઈશાને કહ્યું. મારા આવા શબ્દો સાંભળીને ઇશાનો ચહેરો પડી ગયો.

" જો ઈશા, હું ખૂબ જ ખુશ થયો એ જાણીને કે તમે લોકો મારા જન્મદિવસને લઈને આટલા ઉત્સાહી હતા. સાચું કહું તો મને અહે તમારા બધાની ખૂબજ યાદ આવી રહી હતી અને અત્યારે તમે બધા મારી સાથે છો એ મારા માટે ખુશીની વાત છે. પ. મારા માટે તારે તારા મમ્મીપપ્પા સાથે ખોટું બોલવું પડ્યું એ વાતનું મને દુઃખ છે " મેં ઈશાને સમજાવતા કહ્યું.

" ઓકે, ધવન. આપણે કાંઈ ખોટું નથી કરી રહ્યા. આપણે બંને એકબીજાના પ્રેમમાં છીએ અને આ વાતની ખબર મારા મમ્મીપપ્પાને આજે નહીં તો કાલે થવાની છે તો તારે એ વાતથઈ દુખી થવાની જરૂર નથી" ઇશાએ મને કહ્યું.

" ચાલ હવે બહુ સિરિયસ ના થઈશ. આજે તારો દિવસ છે, તો બધા ટેન્શન બાજુ પર બુક અને એન્જોય કર, આજે તને મરાઠી એટલો વહેલો છુટકારો મળવાનો નથી " છેલ્લું વાક્ય તે લાલચાવનારા અવાજમાં બોલી હતી. આટલું કહી તે બંને હાથમાં કોલ્ડડ્રિન્ક ના ગ્લાસ લઈ ગેલેરી તરફ ગઈ. હજુ હું ત્યાંજ ઉભો હતો. પછી તેની પાછળ પાછળ હું પણ ગેલેરીમાં ગયો. ઇશાએ પૂર્વી અને અતુલને ગ્લાસ આપ્યા. અમે ત્યાંજ નીચે બેઠા હતા. ઈશા મારી બાજુમાં આવીને બેઠી, હું તેની સામે જોઈ રહ્યો હતો. હું તેને મારી બાહોમાં લઈ લવ અને ક્યારેય દૂર ના જવા દઉ તેવી ઈચ્છા તેને જોઈને થઈ ગઈ હતી. પણ બધાની હાજરીને લીધે મેં મારી જાતને રોકી રાખી હતી. ઘણીવાર સુધી અમે આમજ બાલ્કનીમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા.

ખૂબ સમય વીતી ગયો હતો. ઘડિયાળમાં જોયું તો 2 વાગી ગયા હતા. ઈશા અને પૂર્વીએ ઘરે જવાની વાત કરી એટલે હું થોડો ઉદાસ થઈ ગયો. મને આજે પણ એ ઉદાસીનું કારણ યાદ નથી. મેં કોઈ પણ અનૈતિક વિચાર કર્યા વગર ઈશાને તેના ઘરે મુકવા જવાનો વિચાર કર્યો.

અતુલ અને કૃણાલ પુરવીને તેના ઘર સુધી મૂકી આવવા તૈયાર થયા. હું અને ઈશા બાઇક પર તેના ઘર તરફ જઈ રહ્યા હતા. આખા રસ્તે અમે કોઈ જ વાત કરી ન હતી. તે મને પીઠ પાછળથી ટાઈટ પકડીને બેઠી હતી. અંતર ઘટી રહ્યું હતું અને મારા ધબકારા વધી રહ્યા હતા. તેનું ઘર પણ નજીક આવી રહ્યું હતું. ઈશાએ મને તેની સોસાયટીથી થોડે દુર જ અટકાવી દીધો. પણ આટલી રાત્રે હું તેને આટલું ટૂંકું અંતર પણ એકલા મોકલવા ઇચ્છતો ન હતો. મેં ત્યાં ઉભા રહીને તે ઘરે પહોંચે ત્યાં સુધી રાહ જોવાનું વિચાર્યું. ઈશાને કહ્યું કે ઘરે પહોંચીને તે મેસેજ કરશે પછીજ હું અહિયાથી જઈશ. ઈશા તેના પગના પંજા પર ઊંચી થઈને મારા ગાલ પર કિસ કરવા લાગી. તેના હોઠ ગુલાબની પાંખડીની જેમ મુલાયમ લાગી રહ્યા હતા. થોડી ક્ષણો પછી તે મારાથી દૂર તેના ઘર તરફ ચાલવા લાગી. હું તેને જોઈ રહ્યો હતો. તેણે ઘરે પહોંચીને મને મેસેજ કર્યો પછી હું ત્યાંથી નીકળ્યો.



.............................( ક્રમશઃ )....................................

- રોહિત ભાવેશ