Fari Malishu. - 10 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશું !! - પ્રકરણ - ૧૦

ફરી મળીશું !!
પ્રકરણ - ૧૦


રાત્રે કૃણાલ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે હું અગાસીમાં બેઠો હતો. મમ્મીપપ્પાની ચિંતા થતી હતી. ઈશાની ખૂબ યાદ આવી રહી હતી. હૈયું વલોપાત કરી રહ્યું હતું. હું પોતાની જાતને જવાબદાર ઠેરવી રહ્યો હતો. જિંદગીએ એવી પછડાટ આપી હતી કે પાછું ઉભા થઈને લડવું મુશ્કેલ થઈ ચૂક્યું હતું. કૃણાલ ફ્રેશ થઈને અગાસીમાં આવ્યો તેનો મને ખ્યાલ ન હતો. મારી આંખોમાં આંસુ જોઈને તે સ્તબ્ધ થઈ ગયો.

" જો ધવન તારી સાથે શરૂઆતથી હું છું. છેલ્લા ઘણા વર્ષોથી આપણે મિત્રો છીએ. હું તને સારી રીતે જાણી પબ ગયો છું. માટે મારી સલાહ તને એટલી છે કે તું ઇશાના વિચારોમાંથી બહાર નીકળ. તારી પાસે તારી આખી લાઈફ પડી છે. તારા માંબાપ છે જેમના માટે તું જ એક સારો છે." કૃણાલ મને સમજાવવા લાગ્યો.

" આ બધીજ સમજણ મારામાં પહેલેથી જ છે છતાં પણ હું ઈશાને ભલાવી શકતો નથી" મેં કૃણાલને કહ્યું.

" ચાલ ઉભો થા આજે આપણે ક્યાંક બહાર જમવા જઈને તને પણ સારું લાગશે. હોવી મારી સાથે છું એટલે બધું ભલું જઈશ " કૃણાલે કહ્યું અને ત્યાંથી અમે બંને બહાર ફરવા માટે નીકળ્યા.

ઝળહળતા રસ્તા અને લાઈટોથી ચમકતું વડોદરા અલગ જ લાગી રહ્યું હતું. રાત્રીનો સમય હોવા છતાં અહીંયા દિવસ જેવું વાતાવરણ લાગી રહ્યું હતું. અમારા ગામડામાં રાત્રે 8 વાગે તો સન્નાટો છવાઈ જતો ત્યારે અહીંયા દિવસ ઉગ્યો હોય એમ લોકોના ટોળેટોળાં ઠેકઠેકાણે જોવા મળી રહ્યા હતા.

કૃણાલ એકટીવા ચલાવી રહ્યો હતો જ્યારે હું પાછળ બેઠો આમતેમ બધા રસ્તા જોયા કરતો હતો. કૃણાલ આજે મને રાત્રી બજારમાં લઈ ગયો હતો. રાત્રી બજાર નામ સાંભળીને પહેલા મને લાગ્યું કે કોઈ બજાર ભરાતું હશે પણ ત્યાં જઈને જોયું ત્યારે ખબર પડી કે આતો વિદ્યાનગર ખાઉધરા ગલી જેવું હતું. મોટા ગ્રાઉન્ડમાં બધાએ પોતપોતાની નાની નાની રેસ્ટોરન્ટ ખોલી હતી.જ્યાં અમારા જેવા ઘણા બધા પોતાનું મન હળવું કરવા માટે ફરવા નીકળ્યા હતા. ઘણાબધા અહીંયા પરિવાર સાથે જમવા આવતા. આ એવી જગ્યા હતી જ્યાં બધા પોતપોતાના સાથીદાર સાથે ખુશ હતા.

અમે પણ એક ટેબલ લઈને જમવા બેઠા અમારી બાજુમાં એક કપલ બેઠું હતું. બંને એકબીજાને પોતાની ડિસમાંથી ખવડાવી રહ્યા હતા. જે મને સતત ઈશાની યાદ અપાવી રહ્યું હતું. હું જેનાથી દૂર જવા ઈચ્છતો હતો તેજ ચાલીને મારી સામે આવી રહ્યું હતું.

કૃણાલે એક વેજ દમ બિરયાની નો ઓર્ડર આપ્યો. જે તેની મનપસંદ ડીશ હતી. થોડીવારમાં અમારી બિરયાની આવી ગઈ એટલે અમે વાતો કરતા કરતા જમવા લાગ્યા. મેં મારું ગામડું અને વિદ્યાનગર સિવાય ખાસ કંઈ જોયું ન હતું. રેસ્ટોરન્ટમાં જમતા પણ મને અતુલ અને કૃણાલે શીખવ્યું હતું.

" કૃણાલ લાગે છે તું અહીંયા સેટ થઈ ગયો છે " મેં કહ્યું.

" હા, ભાઈ સરત તો થવું જ પડે ને. આમ પણ શરૂઆતમાં હું એકલો હતો એટલે ફ્રી પડું ત્યારે આમ તેમ ફરવા નીકળી જતો. જેથી મેં વડોદરાની દરેક એવી જગ્યા જોઈ લીધું છે જે ફેમસ છે " કૃણાલ જમતા જમતા કહેવા લાગ્યો.

" હા, તો હવે તારે મને પણ એ બધી જગ્યા એ લઈ જવો પડશે " મેં પણ ઉત્સાહથી કૃણાલને કહ્યું.

" હા, જરૂર મને ગમશે. હવેથી દર રવિવારે આપણે ફરવા જઈશું. તને વડોદરા ફેરવવાની જવાબદારી મારી " કૃણાલે કહ્યું.

" ધવન તારા પપ્પાનો મારા પર ફોન આવ્યો હતો. જે તારા માટે થોડા વધારે જ ચિંતિત લાગી રહ્યા હતા. તેમની વાતો પરથી લાગ્યું કે તેઓ તારા માટે વધારે જ ફિકર કરી રહ્યા હતા. તારી અને અંકલ વચ્ચે કઈ અણબનાવ તો નથી બન્યો ને " વાતો કરતા કરતા કૃણાલ પૂછવા લાગ્યો.

આ સાંભળીને મારો ચહેરો ચિંતિત થઈ ગયો. મને ડર લાગવા લાગ્યો કે પપ્પાએ કદાચ કૃણાલને હું ઘરે ગયો પછીની વાત તો નથી કરીને.

" ના....ના.. એવું કંઈ નથી આતો પહેલીવાર હું આવી રીતે કોઈ શહેરમાં રહેવા આવ્યો છું. અને ઈશાની વાત તો તું જાણે જ છે માટે ચિંતા કરતા હશે. " મેં વાતને અહીંયા જ પતાવતા કૃણાલને જવાબ આપ્યો.

" કશું હોય તો મારાથી છુપાવતો નહીં. સાચ્ચે સાચું કહી દેજે. તને કોઈ તકલીફ તો નથી ને? " જમવાનું સાઈડમાં કરીને કૃણાલ મને પૂછવા લાગ્યો.

" મને કોઈ તકલીફ નથી. અને તકલીફ હશે તો પણ તું છેને તેનું નિરાકરણ કરવા માટે " મેં હસતા હસતા જવાબ આપ્યો.

" અતુલના સુ સમાચાર છે? ફોન કરે છે કે નહીં? " મેં પૂછ્યું.

" અરે.. જો અતુલની વાત જ તને કહેવાની ભૂલી ગયો. અતુલ પોલીસમાં પસંદ થઈ ગયો છે. સુરતમાં તેની પોસ્ટિંગ થઈ છે. " કૃણાલે જણાવ્યું. " બીજી એક ખાસ વાત તો બાકી રહી ગઈ કહેવાની " કૃણાલે પાછું ઉમેર્યું. " અતુલ અને પૂર્વીના લગ્ન માટે તેમના ઘરે રાજી થઈ ગયા છે. અને કદાચ આવતા વર્ષે તે બન્ને લગ્ન પણ કરી લેશે."

આ સાંભળીને હું ખૂબ ખુશ હતો. વાતોવાતોમાં અમારું જમવાનું પણ પતિ ગયું હતું. અમે ત્યાંથી ઉભા થઈ બહાર આવ્યા. બહાર રોડની સાઈડમાં અમે એક્ટિવા પાર્ક કરીને સિગારેટ સળગાવી.

એ રાત્રે કૃણાલ અને હું બાર વાગે અમારી રમ પર પાછા આવ્યા. કૃણાલ તો આવતાની સાથે તેની પથારી પકડી લીધી. હું એકલો થોડીવાર બાલ્કનીમાં ઉભો રહ્યો. સિગારેટ સળગાવીને આવતી કાળના વિચારોમાં પરોવાયો.શહેરની ચમકમાં હું ઈશાને ભૂલી જવા ઇચ્છતો હતો. મારે મારા દિલો દિમાગમાંથી ઈશાને કાઢી નાખવી હતી કેમકે જ્યાં સુધી તે હશે ત્યાં સુધી હું બીજું કંઈ કરી શકવાનો ન હતો. કાલથી મારે પણ નોકરી ચાલુ કરવાની છે. હવે મારુ નવું મુકામ 'ગુપ્તાજી ટ્રેડર્સ' હશે. નામ સાંભળીને જ મનમાં હસવું આવી જતું. બહુ મોડું થઈ ગયું હતું હોવી મારે પણ સુઈ જવું હતું.

*

સવારે મારુ રેગ્યુલર રૂટિન પતાવીને તૈયાર થઈ ગયો. ઘણા દિવસો પછી આજે હજામત કરી હતી. ચહેરો એકદમ ફિક્કો લાગી રહ્યો હતો. ચહેરા પર બિલકુલ તેજ નહોતું દેખાતું. કોઈ પ્રેમમાં હારી ગયેલા પ્રેમી જેવો લાગી રહ્યો હતો. ચહેરા પર થોડું સ્મિત લાવીને પોતાની જાતને સમજવા લાગ્યો. નવી જિંદગી જીવવા માટે આશ્વાસન આપવા લાગ્યો.

પછી બહાર આવીને મનમાં વિચાર્યું કે કયા કોઈ મોટી કંપની છે એમ વિચારીને સામાન્ય જીન્સ અને ટી-શર્ટ પહેરીને તૈયાર થઈ ગયો. કૃણાલ તેની ઓફીસ જતા પહેલા મને ગુપ્તાજી ટ્રેડર્સનું અડ્રેસ અને કોન્ટેક નંબર આપીને ગયો હતો.

હું રીક્ષા પકડીને મકરપુરા જવા નીકળ્યો જ્યાં ગુપ્તાજી ટ્રેડર્સની ઓફીસ હતી. તેના નામથી મને તેનામાં ખાસ રસ ન હતો. હાલ પૂરતો વડોદરામાં ખર્ચ નીકળે એ હેતુથી મેં આ જોબ જોઈન કરવાનું વિચાર્યું હતું. મેં ખાસ કોઈ તૈયારી પણ નહોતી કરી.

લભભગ 20 મિનિટમાં હું મકરપુરા પહોંચી ગયો. મેં જ્યારે ગુપ્તાજી ટ્રેડર્સની ઓફીસ જોઈ તે જોઈને મારા હોંશ ઉડી ગયા. મેં ધાર્યું હતું તેનાથી બિલકુલ વિપરીત સ્થિતિ હતી. આ કોઈ સામાન્ય પેઢી ન હતી પણ કોપૉરેટ ઓફિસની જેમ આખી બિલ્ડિંગ હતી. જ્યાં મોટાભાગે બધાજ એકદમ સરસ કપડામાં પોતાના આઈકાર્ડ સાથે સજ્જ લાગી રહ્યા હતા. આ જોયા પછી હું મારા ખુદને જોવા લાગ્યો. મારા વિચારો પર ખીજાવા લાગ્યો. ગુપ્તાજી ટ્રેડર્સ કોઈ નાનો ધંધાદારી ન હતો. એક વિશાળ કંપની જ હતી. હવે મને અંદર જતા ખચકાટ અનુભવાઈ રહ્યો હતો છતાં પણ હિંમત કરીને અંદર જવા પ્રયત્ન કર્યો.

પ્રવેશ કરતાની સાથે જ સિક્યુરિટીગાર્ડે મને રોક્યો. મેં તેમને મારા વિશે જણાવ્યું છતાં પણ તેઓએ મને અંદર ન જવા દીધો. થોડીવાર ત્યાં રોકીને ફોનથી અંદરની ઓફિસમાં કનફોર્મ કર્યા બાદ મને અંદર જવા કહ્યું.

રિસેપ્સન ટેબલ પર એક લેડી બેઠી હતી. તેણીએ સિમ્પલ કુર્તિ પહેરી હતી. મને જોઈને તરત જ આવકાર સાથે આવવાનું કારણ પૂછ્યું. મેં તરત તેમને મારા વિશે અને કૃણાલે આપેલા લેટર વિશે જણાવ્યું. તેણીએ તરત જ ફોનથી બોસને મારા વિશે માહિતી આપી.

" સર, મી.ધવન આવ્યા છે અને કૃણાલભાઈએ તેમને રેફરન્સ સાથે આપને મળવા માટે મોકલ્યા છે " આટલું કહી ફોન કટ કર્યો. મને અંદરના કેબિનમાં જવા કહ્યું.

આટલું બધું પ્રોફેશનલ અને કોર્પોરેટ સ્ટાઇલ જોઈને હું વિચારમજ્ઞ થઈ ગયો હતો. આમજ લઘરવઘર કપડામાં આવી ગયો હતો. ના ફોર્મલ શર્ટ કે ના કોઈ રિઝૂમ એમજ ચાલી નીકળ્યો હતો.

ઓફિસમાં પ્રવેશ્યો તો મારી નજર બસ બધી વસ્તુ પર ફરી રહી હતી. કાચની કેબિનમાં એ.સી ફુલ હોવાથી મને એકદમ ઠંડો અહેસાસ થયો. આતો કોઈ મોટા બિઝનેસમેન જેવી ઓફીસ હતી. મોટા ટેબલની બાજુમાં એક મોટી ખુરશી હતી અને તેની સામેની બાજુ બીજી બે ખુરશી હતી. બાજુની દીવાલ ઉપર ભગવાન બુદ્ધનું ચિત્ર દોરાવેલું હતું. હું આ દ્રસ્ય જોઈને અવાક થઈ ગયો હતો. " હું અંદર આવી શકું? " મેં પૂછ્યું.

પોતાના લેપટોપમાં વ્યસ્તએ જુવાને ઊંચી નજર કરીને મારી સામે જોયું. મને તો એમ હતું કે કોઈ સફારી કે ધોતીમાં ઉમરવાળો કોઈ કાકો મસાલો ખાતો બેઠો હશે. પણ આતો એકદમ જવાન કદાચ મારી જ ઉંમરનો છોકરો હતો.


" હા, આવ. તારું નામ ધવન છે ને? મને તારા વિશે કૃણાલે બધી વાત કરી છે." એ જુવાન પોતાનું લેપટોપ સાઈડમાં કરીને આટલું બોલી અટક્યો. હજુ હું ત્યાંજ ઉભો હતો.

" આવ અંદર, ખુરશીમાં બેસ, મારુ નામ પ્રણવ ગુપ્તા છે. કદાચ તે વિચાર્યું નહીં હોય કે ગુપ્તા ટ્રેડર્સ આવું હશે માટે તું અસ્વસ્થ લાગી રહ્યો છે." હું આ સાંભળીને ખુરશીમાં બેઠો.

" કૃણાલ ઓફિસના કામથી ઘણીવાર મને મળતો હોય છે, તેને મને તારા વિશે દરેક વાત જણાવી છે. જો આ બિઝનેસ મારા પિતાજીનો છે. છેલ્લા 10 વર્ષથી મેં તેને મારી રીતે આગળ ધપાવ્યો છે. મેં મારી સાથે બધા મારી ઉમર ના માણસો રાખ્યા છે. જેથી કામ કરવામાં અનુકૂળતા રહે. મને મારા કામમાં કમ્ફર્ટ જોઈએ " પ્રણવસર બધું બોલી રહ્યા હતા. મને તેમને સલાહ આપવી કે વચ્ચે ટોકવું યોગ્ય ના લાગ્યું માટે ચૂપ રહ્યો. તેમને મને નોકરી પર રાખી લીધો હતો એટલે મેં પણ તેમને મનથી બોસ માની લીધા હતા.

" તું બહાર જઈને લોપા ને મળી લે એટલે એ તને તારું કામ શીખવી દેશે. અને હા હવેથી તું ગુપ્તા ટ્રેડર્સનો એમ્પ્લોય છે " આ સાંભળીને હું રૂમની બહાર નીકળ્યો.

બહાર આવીને મેં રિસેપ્સનિસ્ટને પૂછ્યું કે લોપા મેડમ કોણ છે. તો તે હસવા લાગી.

" મારુ જ નામ લોપા છે. આવો મિસ્ટર ધવન હું તમને તમારી જગ્યા અને કામ બતાવું " તેના મુખમાંથી નીકળતા આ શબ્દો અતિપ્રિય લાગી રહ્યા હતા. લોપા દેખાવે એકદમ ઊંચી,પાતળી અને સામાન્ય હતી. રંગ બહુ ગોરો ન હતો છતાં પણ આકર્ષક લાગી રહી હતી. તેના ખુલ્લા વાળ તેના ચહેરાને વધારે શોભાવી રહ્યા હતા. સિમ્પલ કુર્તિમાં તેની શોભા વધારી રહી હતી. પહેલી વાતો પરથી હસમુખ સ્વભાવ લાગી રહ્યો હતો. તેણે મને મારી જગ્યા એ બેસાડીને મને મારુ રોજે રોજનું કામ સમજાવી દીધું.

હું મારી જગ્યાએ ગોઠવાઈ ગયો. ભગવાનને પ્રાર્થના કરીકે હવે મને જીવનમાં સફળતા મેળવવા માટે હંમેશા આગળ રહે. મહેનત કરવાથી મને કોઈ તકલીફ ન હતી. હવે બસ મારે જીવનમાં સફળ થવું હતું. મારા પરિવારને મદદરૂપ થવું હતું. મારા જીવનનો આજ લક્ષ હતો.

હવે મારા જીવનમાં ધીરે ધીરે નવા લોકો અને નવા ચહેરા પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ હતી. હું ખુશ લાગી રહ્યો હતો. આજે ઓફિસનો પહેલો દિવસ પતાવીને હું ઘરે જવા નીકળ્યો. રિક્ષામાં બેસીને મેં ઘરે મમ્મીને ફોન કર્યો.

" હેલ્લો.. મમ્મી કેમ છો? તમારી તબિયત કેવી છે ?" મમ્મીએ મારો ફોન આવશે તેવું વિચાર્યું પણ નહીં હોય. વડોદરા આવ્યા પછી આ મારો પહેલો ફોન હતો.

" મજામાં બેટા, તું ઠીક છેને?"

" હા, મેં તમને ખુશ ખબર જણાવા માટે ફોન કર્યો છે. મને સારી કંપનીમાં નોકરી મળી ગઈ છે. હવે તમારા સપના પુરા કરતા મને વાર નહીં લાગે." મમ્મીને કહી રહ્યો હતો ત્યારે મારામાં ખુશીનો પાર નહતો. કદાચ ત્યાં સામે મમ્મી પણ એટલા ખુશ થયા હશે.

" બેટા, મારા માટે આજે ખુશીનો દિવસ છે. તારા પપ્પા આવે એટલે શીરો કરીને જમાડીશ. મને જાણી ને ખૂબ આનંદ થયો. મારા આશીર્વાદ છે તું તારા દરેક કામમાં સફળ થઈશ."

" મમ્મી પપ્પા ક્યાં છે? તેમને પણ હું આ સમાચાર આપવા માંગુ છું."

" તારા પપ્પા તો હજુ વાડીએ થી ઘરે જ નથી આવ્યા. એ આવે એટલે ફોન કરાવીશ. તેઓ જાણીને ખૂબ ખુશ થશે. આખા ગામમાં છાતી ફુલાવીને ફરશે "

" હા, મમ્મી... તમે મારી બિલકુલ ચિંતા હવે ના કરશો. થોડા સમયમાં તમને પણ મારી સાથે જ બોલાવી લઈશ. "

" જો બેટા, માબાપને ચિંતા તો થાય. અને રહી વાત અમારી તો અમે અહીંયા ખુશ છીએ. તું ખુશીથી જીવ એમાજ અમારી ખુશી છે " મમ્મીએ કહ્યું.

મમ્મીના આ શબ્દો મનને એક અજીબ શાંતિ આપી રહ્યા હતા. જાણે મન પરથી કોઈ ભાર ઉતરી ગયો હોય એવો અનુભવ થઈ રહ્યો હતો. મેં એમને જે દુઃખ આપ્યું હતું તેની સામે આ કંઈજ ન હતું. મમ્મી સાથે આમ વાતો કરતા કરતા હું પાછો ઘરે પહોંચ્યો.

કૃણાલ હજુ ઘરે આવ્યો ન હતો. હું બાથરૂમમાં જઈને ફ્રેશ થયો. સિગારેટ અને મોબાઈલ લઈને બાલ્કનીમાં ઉભો હતો. મને ફરી કોઈના ગણગણાટ કરવાનો આવાજ આવ્યો. આ અવાજ ઓળખીતો હોય તેવું લાગ્યું. હું અહીંયા આવ્યો એ દિવસે પણ મેં આજ અવાજ સાંભળ્યો હતો પણ સપનું સમજીને મેં એ વાત ત્યાંજ અટકાવી દીધી હતી પણ આતો હકીકતમાં કોઈનો અવાજ હતો. મેં બાલ્કનીમાં આમતેમ જોયું પણ કોઈ દેખાયું નહીં. ફક્ત મધુર અવાજ આવી રહ્યો હતો. હું એ અવાજ સાંભળવામાં તંલિંગ થઈ ગયો હતો. કોઈ દરવાજો ખોલીને અંદર આવ્યું પણ મને ખ્યાલ ન રહ્યો.

" પાછો કોના વિચારોમાં ખોવાયો છે?" કૃણાલે મારી એકદમ નજીક આવીને કહ્યું. હું એકદમ ચમકી ગયો. તે અવાજ પણ સંભળાતો બંદ થઇ ગયો.

" કોઈના વિચારોમાં નહીં ભાઈ. આજે નોકરીનો ફરલો દિવસ હતો. ઘરે જણાવ્યું તો મમ્મી ખૂબ ખુશ હતા. તેઓના વિચારોમાં અહીંયા ઉભો હતો. " મેં કહ્યું.

" ઠીક છે, ચાલ આજે તારી નોકરી મળવાની ખુશીમાં પાર્ટી કરીએ હું ફ્રેશ થઈને આવું એટલે આપણે બહાર જઈએ." આટલું કહી કૃણાલ બાથરૂમમાં ગયો.






............................. ( ક્રમશઃ )...................................


- રોહિત ભાવેશ