CHECK MATE. - 4 books and stories free download online pdf in Gujarati

ચેકમેટ - 4


Checkmate 4

વાચકમિત્રો, ચેકમેટ પાર્ટ 3 માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર રેસ્ટોરન્ટમાં જમતી વખતે અચાનક જ કારના રંગ વિશે ઉલ્લેખ કરે છે.એ વાતથી મોક્ષા અને મનોજભાઈ ચમકી જાય છે પ્રશ્નો જાગે છે મોક્ષાના મનમાં.શું બ્લેક કાર અને ઇન્સ્પેક્ટર તથા આલયને કોઈ સંબંધ હશે??.હવે આગળ...

ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને ચમકી ગયેલા મનોજભાઈ હવે થોડા સ્વસ્થ થયા... કોળિયો ગળે ઉતરે એમ નહોતો છતાં પણ મોક્ષાએ અને મનોજભાઈએ જમવાની ફોર્મલિટી પુરી કરી.

મનોજભાઈએ બિલ ચૂકતે કર્યું અને ત્રણેય જણ બહાર આવ્યા.અને કારમાં ગોઠવાયા.. મનોજભાઈ એ આગળના ફ્રન્ટગ્લાસમાંથી પાછળની સીટમાં બેઠેલી મોક્ષા સામું જોયું અને એને હમણાં સિમલા સુધી શાંતી રાખવા ઈશારો કર્યો અને "ચાલો સાહેબ" કહીને ઇન્સ્પેક્ટર મહેન્દ્રને ગાડી ચાલુ કરવાનું કીધું.

બરોડા શહેરના રસ્તા પર કાર સડસડાટ દોડે છે..અમીતનગર સર્કલ પૂરું કર્યા બાદ કાર સીધે સીધી આગળ જાય છે અને પછી ડાબી બાજુ ટર્ન લઇને એરપોર્ટ રોડ ઉપર સડસડાટ દોડે છે....થોડી મિનિટો પછી એક વિશાળ મંદિર આગળ જઈને મિ. રાજપૂત કાર ઉભી રાખે છે...
મિ. રાજપૂત : બાય ધ વે, અહીંની બાધા ફળે છે એવું અહીંના લોકોનું કહેવું છે..તો જેને આવવું હોય દર્શન કરવા તો આવી શકે છે.કદાચ એકાદ જણની બાધા ફળી જાય અને આલય કદાચ આપણને રસ્તામાં જ મળી જાય.

એકદમ હળવા અંદાઝમાં ગોગલ્સ ઉતારીને ડેશબોર્ડ પર મૂકતા ઇન્સ્પેક્ટર સામે મોક્ષા ધારી ધારીને જોતી હતી.

મોક્ષા : સર પ્લીઝ, હી ઇસ માય બ્રધર..તમને કદાચ ખબર નહીં હોય કે અમારા પર શું વીતે છે..આલય અમારી દુઃખતી નસ છે.માટે હવે એ વિશે કોઈ મજાક ના કરતા.
મિ. રાજપૂત : અરે બાપરે અંકલ આ તમારી દીકરી સિમલા સુધીમાં તો મને મારી જ નાખશે...સોરી ભૂલ થઈ ગઈ બસ હવે નહીં બોલું કશું જ.

મનોજભાઈ વાતને વાળી લેતા બોલે છે મોક્ષા ચાલ બેટા દર્શન કરી લે..મને વિશ્વાસ છે કે બાધા ફળશે બેટા... આલયનું પગેરું જલ્દી મળી જશે.પપ્પાની વાત સાંભળીને મોક્ષા ગાડીમાંથી બહાર નીકળી અને મંદિરના મુખ્ય દરવાજા તરફ ચાલી..

મિત્રો,બરોડાના એરપોર્ટ રોડ ઉપર આવેલ હનુમાનજીના મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા સાથે ભક્તો આવે છે.એવું સાંભળવામાં આવેલ છે.
રૂબરૂ દર્શન પણ કરેલ છે.

મનોજભાઈ મંદિરમાં પગે લાગી પ્રસાદ લઈને ભીની આંખે બહાર નીકળે છે.મોક્ષા થોડીવાર મંદિરમાં જ બેસે છે.જાણે કોઈ ફરિયાદ છે ઈશ્વર સામે કે "તું જાણે છે આલય ક્યાં છે ઈશ્વર છતાં અમને કહેતો કેમ નથી? મારો ભાઈ ક્યાં છે પ્રભુ? એ જીવતો તો છે ને??" એવું મનમાં બોલી પ્રસાદ લઈને બહાર આવે છે અને જુવે છે તો મંદિરની બહાર કારની બાજુમાં મનોજભાઈ ધ્રુસકેને ધ્રુસકે રડતા હોય છે..અને ઇન્સ્પેક્ટર એમને શાંત રાખવા માટે પાણીની બોટલમાંથી પાણી આપતા હોય છે.

મોક્ષા સ્વતઃ બોલે છે કે આ માણસનું કયું મોહરુ સાચું.અત્યારે પપ્પાને સધિયારો આપતું કે જમતી વખતે બ્લેક કારનું જાણતો હોય એવો ઢોંગ કરનારનું??

""પપ્પા, બસ હજુ તો શરૂઆત છે..હજી સફર લાંબી છે..બંધ થઈ જાવ અને લો આ મોબાઈલ મમ્મીને મંદિરનો આ ફોટો સેન્ડ કરી દો.અને મિ. રાજપૂત હવે બીજું કામ ના હોય તો સ્ટેશન તરફ જઈશું.સાંજે ટ્રેન છે.તો ત્યાં થોડા વહેલા જઈને રિલેક્સ થઈએ?કહીને મોક્ષાએ થોડી ઉતાવળ કરાવી.
ઇન્સ્પેક્ટર રાજપૂત આંખોથી સંમતિ આપે છે.બધા ફરીથી કારમાં ગોઠવાય છે. ત્યાં મિ. રાજપૂતના ફોનની રિંગ વાગે છે.
"યસ પ્લીઝ."

સામે છેડેથી થોડી વાતચીત થાય છે અને "ઓકે" કહીને રાજપૂત ફોન પૂરો કરે છે.
'"અંકલ એક પ્રોબ્લેમ થયો છે'".રાજપૂત થોડા ગંભીર અવાજમાં બોલે છે.

શું? મનોજભાઈ અને મોક્ષા એકસાથે પૂછે છે.
""અંકલ આપણે કદાચ કાર લઈને જ સિમલા જવું પડશે?'"
વ્હોટ? કેમ શુ થયું.. અરે મારા સાહેબ ટિકીટ છે ટ્રેનની..જુવો તો ખરા..કહીને મોક્ષાએ રાજપૂત ઉપર રાડ પાડી.
મનોજભાઈએ ગુસ્સામાં મોક્ષાને ચૂપ કરાવી...
""સાહેબ કોઈ પ્રોબ્લેમ થયો"" મનોજભાઈએ કાંઈક હળવેથી પૂછ્યું.

"હા અંકલ, દિલ્હીથી એક બીજા માણસને લેવાનો છે મારે.
પણ હા અહીંથી સિમલા 1272 કિલોમીટર છે .ટ્રેન 27 કલાક લે છે.એ પણ અંબાલા સુધી જ પછી તો બસ કરવી પડે એના કરતાં આપણું વાહન સારું.આપણે કદાચ વધારે ટાઈમ થશે.પણ જરૂરી છે તો સોરી..પણ હા તમને કોઈ પ્રકારની તકલીફ નહીં પડવા દઉં..તમામ સુવિધાથી સજ્જ છે મારી કાર...તમે પાછળની સીટમાં સુઈ જાવ.સવારે વહેલા ઉઠ્યા હશો.'"એકીશ્વાસે બોલી ગયા ઇન્સ્પેક્ટર રાજપૂત.
મનોજભાઈ : સાહેબ હવે સિમલા પહોંચાડી દો. આ પાર કાંતો પેલે પાર.હવે મારો જીવ આલય પાસે પહોંચી ગયો છે...સર પ્લીઝ થોડી ઉતાવળ રાખીએ..સફર ખૂબ જ લાંબી છે..

મોક્ષાએ ખૂબ જ ક્રોધિત અને આંસુથી ચમકતી આંખો વડે સાઈડ ગ્લાસમાંથી મિ. રાજપૂત સામું જોયું અને મનોમન આ માણસનો અસલી રંગ બતાવવા ભગવાનને વિનંતી કરી..અને આલયનો ફોટો મોબાઈલમાં જોતી જોતી આંખો બંધ કરીને બેસી ગઈ.

અચાનક બદલાયેલા શિડયુલથી એનો ગુસ્સો સમાતો નહોતો પણ આંખો બંધ કરતા જ આલયનો ચેહરો સામે આવતો હતો.જાણે આલય કહેતો હતો "દીદી, મારે ઘરે આવવું છે..મને લઈ જાવ"
મોક્ષા બોલી ઉઠી "આવું છું ભાઈ રાહ જોજે મારી"
મિ. રાજપૂતની કાર સડસડાટ ચાલી રહી છે.... સાંજ પડી ગઈ ગુજરાત રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરી કાર એક નાના એવા ધાબા પર ઉભી રહે છે.મનોજભાઈ ફ્રેશ થવા વોશરૂમ તરફ જાય છે..મોક્ષા કારમાંથી બહાર આવે છે.
મિ. રાજપૂત : ઓ હીરો, તીન ચાય લેકે આ જલ્દી...
મોક્ષા આ અનપ્રીડીકટેબલ માણસ સામે જોઈ રહે છે. એનો દેખાવ અને એનો રુવાબ રાજપુતાની હતો.અવાજમાં એક લહેકો હતો.ઠસ્સો તો ઠાંસી ઠાંસી ને ભર્યો હતો.

મોક્ષા: સર, એક વાત પૂછું.
"યસ પ્લીઝ '" ખૂબ જ વિનય પૂર્વક જવાબ આપ્યો.

મોક્ષા : સર, આલય સાથે શુ થયું હશે? જીવતો તો હશે ને? પ્રિન્સીપલ સાહેબે માનવ સાથે વાત ના કરવા દીધી.એ આઘાતમાં છે એમ કીધું...શેનો આઘાત હશે સર??

મિ. રાજપૂત : મોક્ષા , ચિંતા ના કરો...એક વાર ત્યાં પહોંચી જવા દો. મારા પર વિશ્વાસ હોય તો એક વાત યાદ રાખો.આ છેલ્લા ચોવીસ કલાક છે ચિંતાના..પછી નહીં.મારુ વચન છે આપને..આલયનું પગેરું હું માત્ર 72 કલાકમાં શોધી કાઢીશ..
પહેલી વાર મોક્ષાને એમની આંખોમાં એક ચમકારો દેખાયો એ સવાર વાળી વાત ભૂલી ગઈ અને એકદમ જ હસી પડી .
"હસતા રહો મોક્ષા સારા લાગો છો" કહીને ચા નો કપ લઇને ચા પીતા પીતા ગલ્લા પર જઈને સ્મોક કરવા લાગ્યા રાજપૂત.

મોક્ષા અનિમેષ નજરે આ વ્યક્તિનું વ્યક્તિત્વ જોઈ રહી....

વધુ આવતા અંકે...