Madhurajni - 2 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 2

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૨

સુમંતભાઈએ આંચકો અનુભવ્યો હતો. આ પળે જીવતાં હતાં અને છ માસ પછી આ ખેલ સંકેલાઈ જવાનો હતો. ‘પ્રોફેસર....હું ઈચ્છું કે તમે લાંબી આવરદા ભોગવો. મારું આ નિદાન ખોટું પડે. પણ મને જે દેખાય છે એ સત્ય આ જ છે. છતાં તમે ડોક્ટર નાણાવટીને પણ મળી જુઓ. મારો જ તમને આગ્રહ છે. કહો તો હું સાથે આવું.’

રંજ હતો ડોક્ટરના નરમ સ્વરમાં.

સુમંતભાઈએ હસવા કોશિશ કરી, જરા હસી પણ શક્યાં. હાથ મિલાવ્યા ડોક્ટર સાથે.

‘પ્રફેસર.....ટ્રીટમેન્ટ તો કરો જ. કશું આખરી નથી. પેલી કહેવત છે ને કે અણીનો ચૂક્યો, સો વરસ....જીવે !’

ડોક્ટર સાથે આત્મીયતાથી હાથ મિલાવીને સુમંતભાઈ બહાર, ખુલ્લી હવામાં આવ્યા હતા.

કેટલાક નિર્ણયો ત્યારે જ લઈ લીધા હતા. આ વાત માનસીને ન જણાવવી, કોઈ પણ ભોગે. અને કોઈને પણ શા માટે જણાવવી ? મારી પીડા....મારી જ...તે બબડ્યાં પણ ખરાં.

પગ ચાલતાં હતાં, હાથોનું હલનચલન થતું હતું. શ્વાસો લેવાતાં હતાં પણ આખરે એ કશાનો અર્થ હતો ખરો ? તેમની આંખો સમક્ષ મૃત્યુ જડબું ખોલીને બેઠું હતું.

વસમો આઘાત લાગ્યો સુમંતભાઈને.

અન્યમનસ્ક ભાવે, રિક્ષામાં બેઠા. પરિચિત રિક્ષાવાળો તેમને ઘર તરફ દોરી જતો હતો.

‘કેમ સાહેબ....સબિયત તો.....’ તેણે પૃચ્છાય કરી હતી.

ઉદાસી તો પરખાઈ જ જવાની. માનસી તો પારખી જ લેને / તેમણે હસવા પ્રયત્ન કર્યો, દિલ દઈને કર્યો.

‘આ વૈશાખનો તાપ કેવો છે, અકબર ?’ તે બોલ્યા હતા.

‘હા....સાહેબ....લગનગાળો ને તાપ, બેય સાથે’ તેણે પણ એ વાત સ્વીકારી હતી.

‘ચહેરા પર બીજો ચહેરો પહેરવો જ પડશે.’ તે વિચારતા હતા. અરે, આ વાત જાણે તો માનસી......ભાંગી જ પડે. એક તો નાની વયે સુમન.....

વળી ફરી લાગણીવશ બની ગયા સુમંતભાઈ. શું અનાથ થઈ જશે, મારી લાડલી ? હજી તો વીસ ચોમાસાં માંડ જોયા છે. શો અનુભવ આ યાતનાઓ ભરેલી જિંદગીનો ? આ વાત જાણે તો....તે મારી પહેલા જ.....

રિક્ષા લગભગ ઘર નજીક પહોંચી ગઈ હતી. સુમંતભાઈનું મન ત્વરાથી દોડતું હતું. કોને સોંપવી મારી લાડલીને ? મારી....અનાથ.....દીકરીને.....?

મૃત્યુ તો લગભગ નિશ્ચિત હતું. શરીરમાં ખરાબી હોવાની જાણ હજી હમણાં જ થઈ હતી. આખું તંત્ર હાલકડોલક થતું હતું. જે ક્રિયાઓ સરળ રીતે થતી હતી- એ હવે વિચિત્ર બનતી જતી હતી.

જાણે શરીરનું યંત્ર બગડતું જતું હતું. કશો પ્રચંડ અવરોધ પેદા થતો હતો. ઉદાસી....બેચેની અને શારીરિક.....ચેષ્ટાઓ....! તેમના નિયંત્રણમાંથી બધુંજ છટકતું જતું હતું.

છેલ્લાં કેટલાંક દિવસોથી આ પીડા વળગી હતી. સુમન ખૂબ ખૂબ યાદ આવી હતી. એ હોત તો ? તો આટલી પીડા જ ના હોત. આ જીવન તો માનસી માટે જીવતું હતું જાણે. !

માનસી અમાનત હતી એ પત્નીની ?

ક્યારેક અછડતી વાત નીકળતી. તેમની અને માનસી વચ્ચે. તે અસ્ખલિત....કશું ભાવમય બોલ્યા કરતા અને માનસી સાંભળ્યા કરતી. કશો પ્રત્યુત્તર પણ ના વાળતી.

જાણે તેને એ વિષયમાં કશું કહેવાનું જ નહોતું! જ્યારે એ વાતોમાં ડૂસકાં અનુભવાતા ત્યારે તે શાંતિથી – પટાવતી હોય એ રીતે પિતાને કહેતી- ‘પપ્પા... આટલાં ઢીલા ? ચાલો... આપણે એક બાજી ચેસની કરી નાખીએ. જુઓ... સફેદ કૂકરાં મારાં – એ વાત પહેલેથી જ કહીં દઉં. ભલે તમે કાળા કૂકરાંથી જીતી જાવ....’ અને માનસી ખરેખર, હારી જતી. તે સુમન વિશે ખાસ કંઈ કહેતી નહીં. સુમંતભાઈને આડી વાતે ચડાવી દેતી.

‘પછી પપ્પા... કોલેજ ડે પર શું કરવા વિચાર્યું છે? ભરતનાટ્યમ કરતાં રાસ-ગરબા જામે.’

અથવા એમ પણ કહે, ‘પપ્પા... તમારો પરમ શિષ્ય આજ કેમ ડોકાયો પણ નહીં?’

‘ઓહ! મેધને...? અરે, અદ્દભુત છોકરો છે... જોજે... કદાચ ફર્સ્ટ ક્લાસ પણ લઈ આવશે.’

બસ, વાતની દિશા બદલાઈ જતી. એ જ ઈચ્છતી હોય માનસી. સુમંતભાઈ સમજતાં હતા, પુત્રીની ઠાવકાઈને.

પણ અચાનક આખું ચિત્ર વીંખાઈ ગયું. તેમની દૃષ્ટિ સામે... છ માસનો અંતરાલ ઝોલાં ખાતો હતો. દરેક પળે મૃત્યુ અનુભવાતું હતું. તેમની દરેક ક્રિયામાં મૃત્યુનો વિચાર ભળી જતો હતો.

તે રિક્ષામાં ઘરમાં આવ્યા. મન મક્કમ થઈ ગયું. માનસીને આ વાતની જાણ ના જ...

દ્વાર ખોલ્યું સોનલદેએ, માનસીની સખીએ. ‘અંકલ.... કેમ છો તમે? તમારી રાજકુંવરી તો સ્નાન કરે છે. રજાઓ બરાબર માણે છે.’ સોનલદે એ હળવી વાટ કરી. હસી પડ્યા સુમંતભાઈ. પેલા ખ્યાલો અળગા થઈ ગયા.

‘ગમે તેમ તોય તારી સખીને?’ તે બોલ્યા હતા.

ત્યાં તરત જ બાથરૂમમાંથી બહાર નીકળી હતી.

‘પપ્પા.... તમારો પરમ શિષ્ય તો વિદાય લેવા આવ્યો હતો.’ માનસી કાંઈક વ્યંગમાં બોલી હતી.

‘કોણ... મેધ?’

‘હા...પપ્પા, તમારા માટે એક પત્ર પણ... લખ્યો છે.’ તે વાળ સંકોરતા બોલી.

તેની કેશલત્તા કાળી ભમ્મર અને ગાઢ હતી.

‘ભલે...ભલે, તમે બંને વાતો કરો. હું મારા ખંડમાં છું.’ તે બોલ્યા હતા.

ખરેખર તો તેમને એક એકાંત સ્થાનની જરૂર હતી. પુત્રીની સામે રહેવાનું વધુ સમય માટે અનુકુળ નહોતું.

તેમને તેમનો પોતાનો ખંડ પણ પોતાનો ન લાગ્યો. બસ, છ માસનો અસ્થાયી મુકામ છે આ ! તે વિચારતા હતા. વસ્ત્રો બદલ્યા. પાણી પીધું, ભોજનમાં રુચિ ન જણાઈ. આવી લાગણી આજે જ અનુભવાઈ.

તેમણે પથારીમાં લંબાવ્યું. આંખો મીંચી અને ઉઘાડી પરંતુ એક પણ સ્થિતિ અનુકુળ ન હતી.

‘અરે, આ રીતે તો છ માસ પણ નહીં જીવી શકું!’ તે વિચારતા હતા.

‘મૃત્યુ સુધી તો મારે જીવવું જ જોઈએ.’ એક અવાજ ઊઠ્યો. ત્યાં જ બારણું ખુલ્યું. માનસી આવી. તેના હાથમાં મેધનો પત્ર હતો. તે બરાબર તૈયાર થઈને આવી હતી. છૂટા વાળ હવે સરસ રીતે ગૂંથાઈ ગયા હતા.

‘પપ્પા... થાકી ગયા? રજામાં તમારે આરામ કરવો જોઈએ.’ તે પલંગ પર બેસી ગઈ હતી.

‘કોને, મારે આરામ કરવો જોઈએ? અરે, બેટા.... મારે તો કેટલા બધાં કામ ઓરોપવાના છે, આ છ માસમાં?’

તે બોલી તો ગયા. સત્યને ઢાંકવા મથો તો પણ કોઈને કોઈ સ્વરૂપે ખુલ્લું થઈ જ જવાનું. હસી પડાયું એમનાથી.

અલબત એ હાસ્યે બાકીનું સત્ય ઢાંકી રાખ્યું હતું.

‘પપ્પા, હવે તો તમે ક્યાં એકલાં છો?’ તમારો શિષ્ય પણ તમને સહાય કરશેને.’

તે બોલી અને હસી પડી નાનાં શિશુ જેવું.

‘જુઓ પપ્પા... હું થાળી પીરસીને તમને બોલાવું છું. ત્યાં સુધી પત્ર વાંચી લો.’

સુમંતભાઈને લાગ્યું કે પુત્રી આજે ખુશમિજાજમાં હતી. વાતેવાતે મેધને લાવતી હતી. અંતર્મુખી પુત્રી આટલી વાચાળ ક્યારેય નહોતી જોઈ તેમણે.

સુમનનું મૃત્યુ થયું ત્યારે તેર વર્ષની માનસી મૂઢ બનીને ભીંતને વળગીને ઊભી હતી.

તે આવ્યા ત્યારે દોડીને તેમને વળગી ગઈ હતી. તેની રડવું હતું પણ રડી શકતી નહોતી. કંઠમાં ડૂમો હતો. આંખોમાં ભય હતો. હરણી જેવી લપાઈને પડી હતી પિતાની ગોદમાં. અને સામે લોહીથી ખરડાયેલી સુમન. સુમન ગોરી અને નમણી હતી. પણ તેના નામ સામે- હતી શબ્દ ઉમેરવો પડતો હતો એ મોટી કમનશીબી હતી.

સુમંતભાઈ સવારે શાળાએ ગયા ત્યારે તે બારણા સુધી આવી હતી- વળાવવા. તેમને ક્યાં ખબર હતી કે આ આખરી મોમેળો હતો.

લોકો કહેતા કે સુમન તો અંધારામાં ચાલે તોય તેના રૂપની ઝાંયા અનુભવાય. માનસી સુમન પર ગઈ હતી. રૂપમાં, અસલ બીજી સુમન જ જોઈ લો.

હેબતાઈ ગયા હતા સુમંતભાઈ. આમ બને જ કેમ? ભલા, તેમને કોઈ સાથે ખરાબ સંબંધ હતા જ નહીં. સ્વપ્નમાં પણ કોઈનું અમંગળ ના ઈચ્છે એવાં નખશીખ સજ્જન માણસ. આવું કોણ કરે? સુમન સાથે?

ખાખી વર્દીવાળા સાહેબને પણ વિસ્મય થયું હતું કે આ ભલા માણસને ત્યાં જ...

કોણ હશે એ? કોઈ હશે તો ખરુંને? કોઈ હાથ- કોઈ અધમ હાથ- આ નારી પર તીક્ષ્ણ હથિયારથી પ્રહાર કરનારા? અને એનું કારણ...? શો અપરાધ આ રૂપાળી સ્ત્રીનો? શું તેનું રૂપ, શરીર....કે...? પ્રશ્નોના પડછાયા લંબાતા જતા હતા.

ઘર પાસે લોકોની ભીડ હતી. જેટલાં મોઢાંઓ એટલી વાત હતી. સુમંતભાઈ થીજી ગયા હતા અને તેમને વળગીને હતી માનસી. સગાં, સંબંધી, શાળાના સમકર્મીઓ, પાડોશીઓ પાસે હતા.

અચાનક શાળાના મંત્રી મનસુખભાઈએ તેમના ખભા પર હાથ મૂક્યો હતો.

‘માસ્તર સાહેબ...’ તેમણે હળવેથી જગાડ્યા હતા સુમંતભાઈને. સુમંતભાઈની આંખો ભીની થઈ હતી.

‘મારી સહાનુભુતિ છે. હમણાં જ પ્રવાસથી આવ્યો. ખબર મળી ને...’ મનસુખભાઈ વાક્ય પૂરું કરી ના શક્યા.

એક પરિચિત સ્ત્રી... લગભગ બેભાન જેવી માનસીને ડોક્ટર પાસે લઈ ગઈ હતી.

‘લૂંટ... ચોરીનો જ બનાવ. આ ભલા માણસને વળી કોની સાથે વેર હોય...’ મનસુખભાઈએ તપાસ કરતાં અમલદાર સાથે પણ વાત કરી હતી.

બસ, એ દિવસથી માનસી માવિહોણી બની ગઈ, અંતર્મુખી બની ગઈ. લોકોએ કહ્યું કેવી ઠાવકી બની ગઈ! આનું નામ સમજદારી.

એ પછી તો સુમંતભાઈએ એ સ્થળ જ છોડી દીધું હતું. વતન, વતનનું ગામ, બાપીકું ઘર, બે સર્વોદય વિદ્યાલયની નોકરી... બધું જ ઝપાટાબંધ છોડી દીધું.

એ વાતાવરણમાં રહી શકાય ખરું? તે પોતે જ ના રહી શકે અને માનસીની તો વાત જ ક્યાં કરવી?

તરત જ આ શહેરમાં આવી ગયા. સૂર્ય, હવા... બધાં જ એક હતાં, એ જ હતાં છતાં વાતાવરણમાં બદલાવ હતો, નાવીન્ય હતું.

એક કોલેજમાં અધ્યાપકનું સ્થાન મળી ગયું. ધીરે ધીરે નામ પણ થયું.

‘સર નો પીરિયડ છોડાય જ નહિ. કેટલા જ્ઞાની છે! વિષય કેટલો રસમય બનાવે છે?’

ચાહના વિસ્તરતી ગઈ. એક શોધ નિબંધ લખાયો અને સ્વીકારાયો. સુમંતભાઈના નામ આગળ ડોક્ટરનું છોગું ઉમેરાયું.

ભાડાના ઘરમાંથી એક સુંદર ઘર પણ બન્યું, પોતાનું ઘર. નામ રખાયું સુમન-સ્મૃતિ.

આંખો ભીની થઈ હતી- જ્યારે નામનો પથ્થર ઝાંપા પાસે મૂકાયો.

પુનઃલગ્ન! હા, વખતોવખત પ્રસ્તાવો આવ્યા હતા. માનસીનો ઉછેર તમે નહીં કરી શકો, પ્રોફેસર. એ માટે સ્ત્રી જોઈએ. સ્ત્રી જ સ્ત્રીને સમજી શકે.

માનસી તો મોટી થઈને સાસરે જશે. પછી તમે તો સાવ એકલાં પડી જશો, સુમંતભાઈ. વિચારી જુઓ- ગંભીરતાથી. અમારી વાતમાં તથ્ય છે.

પણ સુમંતભાઈના મનમાં એ વાત ના ઊતરી.

આટલા વર્ષે... સુમંતભાઈએ તેમની લાડલી પુત્રીને હળવાશ અનુભવતી જોઈ, હસતી-કુદતી જોઈ, મેધ વિશે વાતો કરતી સાંભળી, મન ખુશ થયું. આટલા વર્ષનો ડૂમો જાણે ઓગળ્યો!

આ સમય પણ કેવો હતો?

સુમંતભાઈ ભયંકર સ્થિતિમાં ફસાયા હતા અને તેમની આયુષ્યરેખા પર એક આંક લખાઈ ગયો હતો- છ માસ!

સુમંતભાઈને લાગ્યું કે તેમણે એ સત્ય સ્વીકારીને જ જીવવાનું હતું, વિચારવાનું હતું.

શારીરિક પીડા કરતાં મનની પીડા બોલકી બની ગઈ હતી. મહાપ્રશ્ન હતો- માનસીનો. તે તો તેને અનાથ મૂકીને ચાલ્યા જવાના હતા. પણ એ પહેલાં, તેને કોઈના હાથમાં સોંપી દે તો? વિચાર ઝબકયો, વીજ ચમકે એ રીતે જ.

કોને સોંપે?

એક નામ ઉપસ્યું- મનસુખલાલ! વતનની શાળાના મંત્રી મનસુખલાલ ખૂબ જ સહૃદયતા દર્શાવી હતી- સુમનના મૃત્યુ સમયે. પોલીસ-અમલદારને પણ માર્ગદર્શન કર્યું હતું- આ હત્યા સંબંધી.

એ શહેરમાં તેમનું નામ આદરથી લેવાતું હતું. વતન છોડવાની વાત પણ તેમને ક્યાં પસંદ હતી?

‘બની ગયું બનવાકાળે. ત્યાં તમને આવું વાતાવરણ નહીં જ મળે. આ સંસ્થા પાછળ મેં લોહી રેડ્યું છે. તમે ઈચ્છો ત્યારે આવી શકો છો. માનસી શું કરે છે? તેને સંભાળજો, હજી કોમળ ફૂલ જેવી છે. હા... તેને કહેજો કે હું તેને યાદ કરું છું...!

કેટલો માયાળુ માણસ! પણ તરત જ એક બાજુ નામ ઉપસ્યું- સ્મરણ પટ પર.