Madhurajni - 4 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 4

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૪

ટ્રેનની ઉપરની બેર્થ પર મેધ છે. આછા પ્રકાશમાં માનસી કેટલી સુંદર દેખાતી હતી એ તો મેધની નજરે જુએ તો જ ખબર પડે. બહાર...વરસાદ જામ્યો હતો. માનસી વધુ સંકોચાઈને પડી હતી. મેધને થતું હતું કે કંપાર્ટમેન્ટમાં અન્ય કોઈની હાજરી ના હોત તો તે અવશ્ય માનસીને વળગીને સૂઈ જાત.

પણ અહીં તો બીજા પ્રોઢ દંપતીની હાજરી હતી. એ સ્ત્રીએ માનસીને પૂછ્યું પણ હતું- ‘હનીમુન પર જા રહે હો? અચ્છી જોડી હૈ તુમ દોનોં કી.’

પછી તેનો અતીત જોતી હોય તેમ મૌન બની ગઈ હતી. વર્માજી પણ આછું હસ્યા હતા.

એમ નહોતું કે માનસી ભરઊંઘમાં હતી. તે પણ વચ્ચે વચ્ચે મેધ પર વરસી જતી હતી. ભીનાં દૃષ્ટિપાતથી, આંગિક સંકેતોથી, લજ્જાના અભિનયથી.

આ બધું કાંઈ સોનલદેએ શીખવ્યું નહોતું. આ તો આપોઆપ સહજ રીતે આવી ગયું હતું.

હા... સોનલદેએ તેને એક દિશાનું ભાન કરાવ્યું હતું. અસલ એમ જ થયું હતું- સોનલદેએ કહ્યું હતું તેમ જ, પપ્પાએ એક સાંજની નિરાંતમાં પૂછ્યું હતું- ‘બેટા માનસી, તને મેધ ગમે?’

તે થોડી વિચલિત, વિસ્મિત જરૂર થઈ હતી પરંતુ આંચકો કે આઘાત તો અનુભવાયા નહોતા. એ સોનલદેને પ્રતાપે. તેને તેની જડતામાંથી બહાર આણી હતી.

તે પુરુષોની ઘૃણા કરતી હતી, મનમાં અનેક પૂર્વગ્રહો બાંધીને બેઠી હતી. અને હવે એક પુરુષને ગમાડવાની વાત હતી. પ્રશ્નનો સંદર્ભ તે બરાબર સમજી હતી.

‘પપ્પા, હું ના પરણું તો? મારે તો તમારી સાથે જ...’ તેણે દલીલ કરી હતી.

સુમંતભાઈ ભાવવશ થઈ ગયા હતા. ભીતરથી હચમચ્યા હતા. ‘ના, બેટા... એ વાત તો ન જ બને. મારે તને મેધના હાથમાં સોંપીને એક ફરજ પૂરી કરવી છે. આ બધું તો તારે ખાતર કરતો હતો. અને બેટા, મારું મન હવે આ રમતમાં નથી લાગતું.’

સુમંતભાઈની વાત વસમી લાગી માનસીને. તેને સચ્ચાઈ પણ લાગી એ વાતમાં. તેને પણ લાગતું હતું કે તેના પપ્પા....ની તબિયત બરાબર લાગતી નહોતી. થાક, તાપ....એ બધાં બહાનાંઓ હતાં. તેને લાગ્યું કે તે પ્રતિપ્રહાવમાં દોડી રહી હતી.

‘પપ્પા....તમે સાચું કહો છો ?’ તે દોડતી વળગી પડી હતી સુમંતભાઈને.

આંખો ભીની થઈ હતી સુમંતભાઈની.

‘હા...બેટા....મને મેઘ પર શ્રદ્ધા છે. મારી પુત્રીને એજ સાચવી શકશે. બેટા....તેણે મને વચન આપ્યું છે. બેટા...આ બે દિવસ તેની સાથે ગાળ્યાં છે મેં. હું જ તેના વતનમાં ગયો હતો તેને મળવા. તાર કર્યો હતો પહેલાં. મને લેવા આવ્યો હતો- બસસ્ટોપ પર. ખૂબ વિગતથી વાતો કરી હતી....!

સુમંતભાઈ ઊંડા વિચારમાં ડૂબી ગયા હતા. થોડી ક્ષણો ગાઢા મૌનમાં સરી.

‘પપ્પા....તમને ઉતાવળ છે...મને વિદાય કરવામાં ?’ તે બોલી હતી.

‘વિદાય ? તને ક્યાં વિદાય કરવાની છે ? બેટા...તું અને મેઘ આ ઘરમાં જ રહેશો. મેઘને મારી કૉલેજમાં જ...’ ચક્તિ થઈ ગઈ માનસી. આવું બને ખરું ?

ઓહ ! તેના વ્હાલાં પપ્પાએ કેટલું ગોઠવી નાખ્યું હતું- તેના માટે ? મેઘ આ ઘરમાં રહેશે ! તે વર અને માનસી તેની...! તેને સોનલદે યાદ આવતી હતી. તેણે આ વાત કહી જ હતી ને ?

‘બોલ, બેટા.....મારી વાત યોગ્ય છે કે નહી? તારે મળવું છે ને મેધને? એ હમણાં જ આવે છે.......’

એ આવ્યો પણ હતો. તેણે સામેથી કોફીની માગણી કરી હતી. તે માનસી માટે ફુલગુચ્છ લાવ્યો હતો. તેના ચહેરા પર પ્રસન્નતા હતી, ગામની લકીર પણ હતી.

માનસી ઓગળતી જતી હતી –મેધમાં. પળેપળે એની અનુભૂતિ થતી હતી. થતું હતું—આ પુરુષ તો સૌમ્ય હતો—પ્રેમ ઢોળવા જેટલો લાયક હતો. પપ્પાની પસંદગી કાંઈ ખોટી થોડી હોય/ પરિચિત તો ખરો ને? નવેસરથી ઓળખવાની જરૂર ક્યાં હતી? રોજ સાંજે....લગભગ છ માસ સુધી તેને બારણું ખોલીને સસ્મિત, સત્કાર્યો હતો, કોફી....નો મગ ધર્યો હતો. ક્યારેક કશી વાતો પણ કરી હતી. ભલે, ત્યારે ગમવા, ગમાંડવાનો સવાલ નહોતો પણ મનમાં સંઘરીને તો રાખ્યો જ હતો ને!

બન્ને મળ્યાં ત્યારે તો તે પૂર્ણ સંમતિને આરે હતી.

‘માનસી....મને સાહેબે તો મનગમતી આજ્ઞા કહી. માત્ર એક પ્રશ્ન હતો---તારી ઈચ્છાનો’ મેધે પ્રારંભ કર્યો હતો.

માનસી મલકી હતી. પરિચિત પુરુષને નાવી દ્રષ્ટિથી જોવાનો અવસર હતો. તે જે શબ્દો સાંભળતી હતી એમાં નવતર અનુભૂતિ પડઘાતી હતી. સાવ સામાન્ય શબ્દો અને નાવી જ રમ્ય અનુભૂતિ!

‘મને સોનલદે એ કહ્યું હતું કે આમ થશે જ.’ તે અચાનક બોલી હતી-

‘સોનલદે ત્રિકાળજ્ઞાની લાગે છે....!

‘ત્રિકાળજ્ઞાનીની ખબર તો નથી પણ....એક કાળ તો તે જાણતી લાગે છે....!

‘મારે મળવું પડશે....’

‘તો તે એમ કહેશે – હસ્તરેખા વાંચ્યા વિના જ- કે તમારી પ્રકૃતિ ચંચળ છે...’ તે આવી બોલકી તો ક્યારેય નહોતી? આજે તેના દેહમાં જાણે નવી માનસી વસવા લાગી! ખૂબ વાતો થઈ. જાણે વરસોના બંધ કમાડ ખૂલી ગયા!

વાહ! આ વ્યક્તિ તો આવી ઓળખી જ નહોતી?

અને એવું વિસ્મય મેધને પણ થયું હતું. અલબત્ત તેના ચિત્તમાં સ્થિતિનું બીજું ચિત્ર પણ હતું. સરે તેને વિગતવાર વાત કહી હતી. તે ખુદ આવ્યાં હતા, તેના વતનના ઘરે. ‘મેધ...તારી પાસે કશુંક માગવા આવ્યો છું’ એમ કહ્યું ત્યારે તે ચિંતામાં પડી ગયો હતો. તેણે પત્રમાં તેના સંજોગોની વાત લખી હતી, આખી અલગ દુનિયાની વાત લખી હતી. કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી. તે હવે તેના પ્રશ્નોમાં ખૂંપી જવાનો હતો. એ પણ લખ્યું હતું. જે જ્ઞાનચર્ચાઓ કરી હતી. એને, બસ... નીર્મજ્ઞ બનીને વીસરી જવાની હતી.

એક પત્ર એક રીતે વિદાયનો પત્ર હતો. અને અહીં સર નવી વાત કહેતા હતા. અલબત તેને અડગ વિશ્વાસ હતો, સરમાં...તેમની વાત નકામી ના હોય.

‘મેઘ...તારો આ સર તારા કરતાં પણ વિશેષ લાચાર બની ગયો છે....સંજોગ બદલાતાં સમય ક્યાં લાગે છે....?’ સુમંતભાઈએ તેને બધી જ વાત કહી હતી. કેન્સરના અંતિમ તબક્કાની, તેમના સાવ નજીક આવી રહેલાં મૃત્યુની.

‘ડોક્ટર ખારોડનું નિદાન ખોટું ન જ હોય, તો પણ બીજી તપાસ પણ કરાવી. ડોક્ટર નાણાવટીએ પણ એ જ વાત દોહરાવી.’ સુમંતભાઈ થાકી ગયા, આટલું કહેતામાં. ‘બેટા...મને મારી માનસીની ચિંતા થાય એ સહજ ગણાય. તું જાણે છે ને માનસીને ? સાવ સરળ ગભરું પારેવા જેવી મારી માનસી !’

મેધે હકારમાં ઉત્તર વાળ્યો હતો. તેને સાહેબની લાચારી સમજાતી હતી. ખુમારીવાળો એ જ્ઞાનપુરુષ સમયના એક પ્રહારે મરણોન્મુખ થઈ ગયો હતો.

આ વય કાંઇ મૃત્યુ વિશે વિચારવાની નહોતી. આખી વ્યક્તિ બદલાઈ ગઈ હતી. તેજ ઊડી ગયું હતું. ચહેરાનો રંગ ઓજપાઈ ગયો હતો. જ્ઞાન, પંડિતાઈ, ઓજશ....હાંસિયામાં સંકોરાઈ ગયાં હતાં.

મેધ હચમચી ગયો. ઘડીભર પોતાના દુઃખો ભૂલી ગયો. અનેક ઉપકારો હતા સરના. પરીક્ષાનું જે પરિણામ આવવાનું હતું એમાં સરનું માર્ગદર્શન યશસ્વી નીવડવાનું હતું.

તેની આંખો ભીની થઈ હતી.

‘મેધ, દિકરીની સોંપણી કાંઇ નાનીસૂની ઘટના નથી. એ માતા વિનાની, લાગણી માટે ઝૂરતી રહી છે. તેને તો હું જ ઓળખું. અને તે મને ઓળખે. તેની એકલતાને હું સમજી શકું છું. પણ ઓગાળી શકતો નથી. અને મેધ, સહી શકતો પણ નથી. મારાં પ્રયાસો....રહ્યાં કે તે અતીતમાંથી બહાર આવે. અને મેધ, તે બહાર આવી પણ છે. મેં તેનું નવું બદલાતું રૂપ અનુભવ્યું છે. આમ બન્યું એમાં તારો ફાળો પણ હોય, તેની નસીબ પણ હોય કે પછી વયનો પ્રભાવ પણ હોય, પણ કશુંક બનતું હતું. અને એ સમયે જ...તારો સર કેન્શરમાં ફસાયો. અલબત આ કાંઈ રાતોરાત તો નહીં જ થયું હોય. એ તો ક્યારનુંય મને કોતરી રહ્યું હશે, જિંદગી કાપી રહ્યું હશે...! બસ, હવે તો અંતિમ ખેલ જ બાકી છે. પરદો પડુ પડું થઈ રહ્યો છે.’

‘સર....મને તો કશું સમજાતું નથી. આમ એકાએક....તમે કેવી રીતે જઈ શકો ? આપમી ચર્ચાઓ હજી ક્યાં પૂરી થઈ છે ? હજી તો....’

ખરેખર, મેધ જ થકી ગયો, આટલું બોલતાં બોલતાં.

‘સાહેબ....ચાલો આપણે મુંબઈ જઈએ.’ તે ઉતાવળે બોલ્યો. ‘મેધ...એ બધાં હવાતિયાં ગણાશે. મારે સમય નથી વેડફવો. જે આયુષ્ય છે એ સારી રીતે જીવવું છે, મારી રીતે. તારે મારી એક ઈચ્છા પૂરી કરવી પડશે, મેધ.’ તુમંતભાઈ અટક્યા, ઊંડો શ્વાસ લીધો. અને પૂછી નાખ્યું, સાવ ધીમેથી. ‘બેટા, તું માનસીની સ્વીકારી શકીશ, તરી જીવન – સંગિનીના રૂપમાં ?

સ્તબ્ધ થઈ ગયો મેધ. આ વાત તેણે ક્યાંથી વિચારી હોય ? ‘બેટા...’ સુમંતભાઈ ગદગદ થઈ ગયા હતા.

‘બેટા...આને સોદો ના ગણતો. માનસીને સોંપવા માટે તારાથી યોગ્ય પાત્ર હોય ના શકે, એની મને પ્રતીતિ થઈ. મને તારાં પ્રશ્નોનો ખ્યાલ છે. એ બધાંને હું ઉકેલી શકીશ, પળવારમાં’

‘સર...મને કશાની લાલચ નથી. હું માનસી સાથે લગ્ન કરવા તૈયાર છું. તમે નચિંત થઈ જાવ. મારાથી આપનો તરફડાટ જોવાતો નથી. વ્યથાનો ગુણાકાર નથી કરવો મારે. મેં આવો જ તરફડાટ મારાં પપ્પાના ચહેરા પર જોયો છે, મમ્મીની આંખોમાં જોયો છે.’ મેધ ભાવુક બની ગયો. અને ભીની આંખો લૂછતાં સુમંતભાઈએ મેધને બાથમાં લીધો. સુમંતભાઈએ મનોમન કેટલાક નિર્ણયો લઈ લીધાં હતાં, એ તેમણે મેધને જણાવ્યાં. ‘બેટા....તેં મને ભારરહિત કર્યો. હું પણ એવો પ્રયાસ કરીશ. મને રોકતો નહીં. અને બેટા, મારા આ રોગની વાત માસની સુધી ના પહોંચવી જોઈએ.

હું પોતે જ....નર્મદાકાંઠાના કોઈ આશ્રમમાં ચાલી જઈશ. બસ...તમારા લગ્ન આરોપીને, તને બશું જ સોંપીને – ઘર, અને બધું જ. અને પ્રાધ્યાપકની જગ્યા પર ગોઠવીને. આ બધું....મેં વિચાર્યું છે. એમાં કશો ઉપકાર નથી. મારાં કાળજાનો કટકો તાને સોપું છું. બેટા....તેને જાળવજે...!

બધું સ્વપ્નવત બની ગયું હતું. ગણતરીના દિવસોમાં તે બંનેના ઘડિયાં લગ્ન આટોપાઈ ગયા હતા. અગ્નિની સાક્ષીએ થોડાં સ્વજનોના સથવારે, મેધ અને માનસી પતિ-પત્ની બન્યાં હતાં. સોનલદે ખુશ થઈ હતી

માનસી સાથે વિગતવાર ક્યાં મળી શકાયું હતું? આ સંબધની શક્યતા જોનારી તે સર્વ પ્રથમ હતી. મેધે તેને કહ્યું હતું-’ હવે કોનાલગ્ન ભાખવાના છે? તમે તો આ ક્ષેત્રે નામ કાઢી શકો તેમ...છો’

‘જુઓ...તમને શું નુકશાન થયું આમાં? સરસ મજાની છોકરી મળીને!’ તે મલકી હતી. ‘અલી, તેં તો મને પરણાવી જ દીધી. કેવી હતી હૂં હજી થોડા દિવસો પહેલાં?’ માનસીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ‘સાવ મૂરખી. બીજું શું? મેધને ખાલી કોફી પીવરાવ્યા કરત’ સોનલદે ટહુકી હતી. અને તરત જ તે બંને તૈયાર થઈગયા મધુરજની માટે. માનસીને પરિચય થયો, મેધના મમ્મી- પપ્પાનો, નાની બહેનનો. ‘મમ્મી...’ બોલતાં માનસીનો અવાજ ભીનો થયો હતો. તે ભાવવિભોર થઈ, મેધની મમ્મી લાત્તાબેનને ભેટીપડી હતી. ‘બેટા...ફરી આવો. પછી નિરાંતે મળીએ એકબીજાને. પ્રોફેસર સાહેબે ખૂબકૃપા કરી મારા મેધ પર.’ તેમને પોતાની લાગણી નિખાલસતાથી વ્યક્ત કરી હતી.

નરેન્દ્રભાઈ તો બહુ સરળ સ્વભાવના હતા. બોલતાં પણ ખપ પૂરતું જ. ‘બેટા...અમે રહેશું તો વતનના ઘરમાંજ. અમને ત્યાંની માયા. તમે બંને આવતા- જતાં રહેજો.’ તે માંડ આટલું બોલ્યા હતા.

સુમંતભાઈની તબિયત બગડી હતી, આ અવસર દરમ્યાન. માત્ર મેધ જ જાણતો હતો. ‘આ તો હરખ. બેટા.....મને કેટલી શાંતિ થઈ? હવે મારે શું કરવાનું છે? નીકળી જઈશ. તમે લોકો સુખે...! તેમણે માનસીને સમજાવી હતી.

માનસીને થયું કે તેના પિતા જે જિંદગી જીવી રહ્યા હતા એ કાંઈ તેમની ઈચ્છા મુજબની નહોતી જ. આ તો વ્હાલી પુત્રી ખાતર. દરેક વ્યક્તિને પોતાની અલગ દુનિયા હોય જેમાં તે યથેચ્છ રહી શકે. ચાલો, સારું થયું. તેમને અવસર મળશે તેમની મુજબ જીવવાનો. ‘પણ પપ્પા, પછી તમે અમને મળશો તો ખરા ને? હું તમને આમ છોડી શકું તેમ નથી.’ માનસી બોલી અને સુમંતભાઈ ઢીલા પડી ગયા હતા.

મેધની આંખો ભીની થઈ હતી. સાચી વાત હતી. માનસી આવું કઠોર સત્ય ક્યાંથી સ્વીકારી શકે? આ સંબંધ જ એવો હતો કે તે એ સહી ના શકે. સુમંતભાઈએ મેધ સામે જોયું હતું. મેધે તરત જ તેની નવ્ય જીવન-સંગીનીને સંભાળી હતી. અને સોનલદે, રેલવેસ્ટેશનની એક થાંભલીને અડીને તેના વિષાદને ખાળતી હતી.

‘આને તો મેધ મળી ગયો, પણ મારાં ભાગ્યમાં વાંછટમાં ભીંજાવાનું ય લખ્યું હશે કે નહીં?

ટ્રેન ત્વરાથી સરકી હતી. એને પછી થોડા પડછાયાઓ પોતપોતાની દિશામાં સરકી ગયા હતા. હરખ અને આંસુ સાથેસાથે વહેતા હતા.