Madhurajni - 8 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 8

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૮

સહજ રીતે મેધ, એક પછી એક પગથિયાં ચડતો હતો. આવેગ ચડતો જતો હતો, નશો છવાતો જતો હતો એ બહન્ને પર. મેધ અંતિમ ચરણમાં માનસીના તન પર ઝળુંબ્યો હતો. તે તો તેની મસ્તીમાં હતો.

સંવાદો આવેગો બનતા હતા અને આવેગો ક્રિયાન્વીત થતાં હતાં. કશા જ અંતરાયનો અવકાશ નહોતો.

મેધ તેની મસ્તીમાં હતો. તેને માનસીના ભાવો જોવાનો સમય જ ક્યાં હતો ?

છતમાંથી પ્રકાશનો પુંજ વરસી રહ્યો હતો, રેશમી સેજ પર અને માનસીના શ્વેત.....તન પર.

એ સમયે માનસીએ હળવી ચીસ પાડી હતી.

‘નો....નો....નો....પ્લીઝ...’ એવું કશું બોલી પણ હતી તે. તેનો ચહેરો તંગ બની ગયો હતો. આંખો છળી છઠેલી મૃગલી જેવી થઈ ગઈ હતી. બંને પગ સંકોચાઈ ગયાં હતાં. હાથો ઊભા થઈ ગયાં હતાં. અને શરીર કંપવા લાગ્યું હતું.

સાવ અચાનક જ આમ બની ગયું હતું. અટકી ગયો મેધ. અળગો થઈ ગયો માનસીથી.

બહારની મેઘગર્જના પણ શમી ગઈ. મેધ માટે તો આ ન સમજાય એવી ઘટના હતી.

આવેગને આંતરવાથી જે થઈ શકે એ થયું તેને. વિસ્મય તો થયું પણ સાથોસાથ રોષ પણ જન્મ્યો. શો અર્થ હતો આ ચીસનો, આ....પ્રતિભાવનો ?

બે ચાર પળ, પછી તે જરા સ્વસ્થ થયો, બરાડી ઉઠ્યો હતો- શો અર્થ આ રમતનો ?

હજી પણ માનસીની આંખોમાં ભીતિ હતી, દર્દ હતું, એક ન સમજી શકાય તેવી અસહાયતા હતી.

મેધના પ્રત્યાઘાતોએ તેને વધુ વ્યગ્ર બનાવી. તેણે આંખો મીંચી અને ખોલી પણ.

લાગતું હતું કે તેને એક પણ સ્થિતિ અનુકૂળ નહોતી. અને મેધનો પ્રશ્ન તો હવામાં ઘૂમરાતો હતો. તે માનસીના ચહેરાને પ્રશ્ન બનીને તાકી રહ્યો હતો.

હવે માનસીને પણ ભાન થયું હતું કે શું થઈ રહ્યું હતું, તેણે શું કર્યું હતું.

અચાનક તે સાવ ઢગલો થઈને પડી ગઈ હતી. ‘માનસી....શું થયું તને ? બોલ ને....માનસી? બોલતો પુરુષ પણ ઢીલો પડી ગયો હતો. તેણે માનસીની ડાબી છાતી પર હાથ મૂક્યો હતો. ધક.....ધક....ધક.....એવો કંપ અનુભવાતો હતો. તેણે......માનસીને પંપાળી હતી, ગાલ પર ટપલી મારી હતી. તે હવે ગંભીર બની ગયો હતો. સવાર થયેલી રસિકતા....હવે ઓગળી ગઈ હતી.

‘કશું થયું હશે....?’ તે ચિંતામાં ડૂબી ગયો હતો. તેને વિચાર આવ્યો હતો કે તે કોઈને બોલાવે, ડોક્ટરને....!

અરધા કલાકમાં ડોક્ટર પણ મળી આવ્યા. એ જ હોટલમાં ઉતર્યા હતા. એકાકી હતા. વરસાદની મોસમમાં અહીં આવતા હતા- દર સાલ.

તેમણે માનસીને તપાસી હતી. ભારોભાર લજ્જા હતી માનસીના ચહેરા પર.પાસે રઘવાટ ભર્યો મેધ ઊભો હતો.

‘જસ્ટ...લો બી. પી. ઊંચાઈ પર આવું થઈ શકે. થાક પણ હશેને મુસાફરીનો ?’ તેમણે હસીને કહ્યું હતું.

‘હનીમુન પેર આવ્યા છો ને?આરામ પણ કરો, મજ પણ કરો. નથીંગ સીરીયસ. જસ્ટ કેઝુઅલ. ડોન્ટ વરી માય....’ બહાર નીકળીને તેમણે મેધને સલાહ આપી, હસતા હસતાં.’ માય સન, કોમળ કામ કોમાંલતા થી જ...કરવું જોઈએ...’

મેધ પણ શરમ નો ભાવ અનુભવવા લાગ્યો. એ ક્ષણથી જ. તેને મનમાં વસી ગયું કે નક્કી તેણે ક્યાંક ભૂલ કરી હતી.

ભીતર ગયો ને તરત માનસી બોલી હતી _’ સોરી,મેધ.....મેં તમારી પ્રસન્નતા લુંટી લીધી.’

અને એ પુરુષ ગદગદ થઈ ગયો.એનું સ્થાન અપરાધભાવે લીધું હતું.

‘તું આરામ કર, માનસી’ તે અત્યંત મૃદુતાથી બોલ્યો.

માનસી આવીને મેધ પાસે લપાઈને, સોફા પર બેસી ગઈ હતી.બરાબર સામે પલંગ હતો અને ચોળાયેલી સેજ દેખાતી હતી તે હજી પણ કંપતી હતી.

મેધે તેને શરીરસરસી કરી હતી. માનસીને દયા આવી હતી એ પુરુષની. કેવો ઉન્માદભર્યો આવ્યો હતો તેની પાસે ? અને તે પણ તત્પર હતી, એને ઝીલવા.

શું થઈ ગયું એ બે ચાર પળમાં ? દસ વર્ષ જૂનો અતીત એકાએક આળસ મરડીને બેઠો થયો હતો. અરે, ફેણ ચડાવીને ઊભો થયો હતો એમ જ કહેવું જોઈએ.

તે તો એ દુર્ઘટનાને ભીતરમાં ભંડારીને બેઠી હતી. ક્યારેક ક્યારેક એ ઘટના યાદ આવી જતી હતી ત્યારે આખું શરીર સંકોચાઈને તેની નાનકડી મુઠ્ઠીમાં બંધ થઈ જતું હતું. તેને ચીસ પડવાનું મન થઈ જતું હતું પણ તે બેય હોઠોને ભીંસી દેતી હતી. પરસેવાથી રેબઝેબ બની જતી હતી.

એ સમયે તો તે માંડ તેર વર્ષની હતી.કિશોરી જ. સાવ અણસમજું, ના, એટલી અબૂઝ પણ નહીં, થોડી થોડી સમજ પાડવા લાગી હતી દુનિયાદારીની તેની અંગત અંગત. સમજ વિસ્તરતી હતી એનો આનંદ હતો, અને મૂંઝવણો પણ હતી. મમ્મીને પણ કેટલીક વાતો ક્યાં પૂછી શકતી હતી? કેટલાંક વિસ્મયો સખીઓ પાસે ખુલ્લાં કરી શકતી હતી

‘લે, નથી ખાબેર તને આની પણ ?’ એવું લજ્જા સાથે સાંભળતી પણ ખરી.

અને, અચાનક, તેના પર આ દુર્ઘટના ગુજરી હતી. સાવ અકલ્પી વાત. ફૂલમાંથી સુગંધ જ મળે એટલી તેને જાણ હતી. અને એમાંથી કંટકના દર્શન થયા હતા. એ કંટક તેને છેદવા માટે તત્પર હતું એ પળ આવી પણ ગઈ હતી.

એ ચીસ પછી તો ઘણુંઘણું બની ગયું હતુ ઘટનાઓ પછી ઘટનાઓ...! મન બહેરું બની ગયું હતું

એક બે વાક્યો...સતત કાનમાં અથડાતાં હતાં...હજી પણ અથડાતાં હતાં. માનસીને બરાબર યાદ હતા એ વાક્યો. એ સમય તેને એકજ અર્થ સમજાયો હતો – ભયનો. તેણે આ વાત કોઈને પણ કહેવાની નહોતી. મનમાં ઢબુરીને રાખવાની હતી. એક શબ્દ...લટકતો હતો, તેના અસ્તિત્વ પર.

નહીં તો....

તે બરાબર સમજી ગઈ હતી. તેને કશું જ થયું નહોતું. તેનું તન સલામત હતું પણ જે થયું હતું એ ભયાનક હતું. નીત્રળતું રક્ત જોઈને તેના શરીર માંથી રક્ત ઊડી ગયું હતું જાણે !

આવું શામાટે બને? તેની જીવનમાં? અને એ પણ આ રીતે? તે મૂઢ બની ગઈ હતી. અને એ ઘટના આટલા વર્ષે સજીવન થઈ હતી. તેની સામે તો તેનો જીવનસાથી મેધ હતો તો પણ માનસીને તો એ પુરુષ જ દેખાયો હતો.

તે થથરી ગઈ હતી. તેના પંડમાં તેર વર્ષની કિશોરી જીવતી થઈ હતી.

અને તે ન કરવાનું કરી બેઠી હતી. આવા અવસરે આમ કરાય ?

‘ચાલ...પેટપુજા કરીએ..’ મેધે હસીને કહ્યું હતું. તે ખરેખર તો નારાજ પ્રિયાને રીઝાવી રહ્યો હતો, મલમપટ્ટી કરી રહ્યો હતો.

માનસીને પણ અપરાધભાવ પીડતો હતો.

‘ચાલ....જઈએ..’ તે હસીને ઊભી થઈ

અરીસા સામે જઈને ચહેરો ઠીકઠાક કર્યો, વસ્ત્રો સમા કાર્ય. સ્મિત ઓઢી લીધું ચહેરા પર.

મેધનો હાથ પકડી લીધો. જાણે થોડી મિનિટો પહેલાંની માનસી જ નહોતી !

થોડું ઘૂમ્યા, સરસ રેસ્ટોરેન્ટ શોધીને જમ્યા. વરસાદ થંભી ગયો હતો. મેધે તેણે કરેજા ફોનની વાતો કરી.

‘પપ્પા તો કદાચ, ચાલ્યાં ગયા હશે...’ માનસીએ સામેથી કહ્યું હતું. મેધને આશ્ચર્ય અને રાહત – બંને થયા હતા.

‘પપ્પા...મારા વિના રહી જ ના શકે, એ હું જાણું છું. મમ્મીના મૃત્યુ પછી હું જ તેમના માટે સર્વસ્વ હતી.’ તે જરા ભાવવશ બની ગઈ એ પળે. અટકી ગઈ, ડૂમો આવી ગયો હોય તેમ.

‘પણ મેધ, તેમને એક વાતનો સંતોષ હતો કે તેમણે મને લાયક વ્યક્તિને સોંપી હતી. હવે તે કદાચ...પાછા નહિ આવે. કોઈ આશ્રમમાં જ રહેશે.

તે સાવ સહજ રીતે આમ બોલી ગઈ.

‘અને મેધ, આપણે બન્ને તેમને મળી આવશું. કેટલા ખુશ થશે આપણને જોઈને ?

માનસીએ આખી વાત સરળતાથી સ્વીકારી લીધી હતી, એથી મેધ ચકિત થઈ ગયો હતો.

ફરી વરસાદ શરૂ થતો હતો. કાચની બારીમાંથી વરસાદના દૃશ્યો દેખાતા હતા. ધૂંધળા રસ્તાઓ, મકાનો, અને પહાડીઓ. થોડીવાર પછી તો બધું જ એકાકાર થઈ ગયું હતું.

બંને કોરીડોરમાં આવ્યાં.

મેધને ચીન્તાથાતી હતી –માનસીની, આને કશું થાશે તો નહિ ને આ મોસમમાં ? હજી હમણાં જ ડોક્ટરને બોલાવવા પડ્યા હતા..

અને માનસી તો બારીમાં રહી રહી વરસાદ માણી રહી હતી. થોડી ભીંજાઈ પણ હતી પણ તેને એની લેશમાત્ર પરવા નહોતી.

મેધ વિચારી રહ્યો હતો કે જગતની દરેક સ્ત્રી માનસી જેવી જ હશે? આવી જ ચંચ, આવી જ ગહન અને આવીજ રહસ્યમય? અને છતાં પણ ગમ્યા કરે એવી જ રસિક..?

તે હજી સુધી, એ સ્ત્રીને પામ્યો જ ક્યાં હતો –સાવ નીકટ હોવા છતાં પણ.તેનો પ્રયાસ, હજી શરૂ થાય એ પહેલાં જ વિફલ ગયો હતો. શું આને આ રીતે જ પામી શકાય ? હા, આ રીત તો ખરી જ. એ રીતે જ અન્યોન્યને....

મેધ જાતજાતના વિચારોથી ઘેરાઈ ગયો હતો. તે બંને કઈ એકલાં નહોતા કોરીડોરમાં. કેટલાય સ્ત્રી-પુરુષ હતા. દરેકના ચહેરાઓ પર પહાડી હવાનો ઉન્માદ છવાયેલો હતો.

સહુની દૃષ્ટિ પોતપોતાનાં પ્રિયપત્રોમાં ખોડાઈ રહી હતી. એક માનસી જ હતી જે તેનું સમગ્ર અસ્તિત્વ વરસાદમાં રોપીને ઊભી હતી.

‘મેધ, આ તો સાવ નવતર વરસાદ છે. આમાં ભીંજાવું ગમે ખરું પણ એ કાંઈ સહેલું નથી. તીક્ષ્ણ નહોર છે એના. ઉઝરડાઈ જ જઈએ ‘તે અચાનક બોલી હતી.

એ સમયે તેના ચહેરા પર નર્યું વિસ્મય હતું. મોહક લાગતી હતી માનસી. કમસે કમ, મેધ ને તો લાગી જ હતી.

તે તેની નીકટ સર્યો.

મનની ગલીઓ કેવી અટપટી હોય ? તે વિચારી રહ્યો. ઘડી પહેલાનું માનસીનું રૂપ ક્યાં ગયું? સાચે જ થાક હશે – કારણમાં? ડોક્ટર અંકલે તેને શી સલાહ આપી હતી ? કોમળ કામ કોમળતાથી જ….

તો તે શું આ અણઘડ રીતે પેશ થતો હતો? તેને ક્યાંક વાંચ્યું હતું કે સ્ત્રીને મુલાયમ પુરુષો નથી ગમતાં. થોડો પ્રેમ, થોડી રુક્ષતા અને થોડી કીડા....!

પણ શું આ નિયમ સંસારના બધાં જ પાત્રોને લાગુ પડે? માનસી અપવાદ હશે? કેટલી ભલામણ કરી હતી નરેન્દ્રભાઈએ, લત્તાબેને? સુમંતભાઈ પણ આ જ અભિવ્યક્તિ કરતા હતા ને?

માનસીને સંભાળજે, મેધ. તને મારી અમાનત સોંપી છે.

તેણે અનેક વ્યક્તિઓની હાજરીની પરવા કર્યા વિના મેધનો હાથ પકડી લીધો હતો, લગભગ વળગી જ પડી હતી તેના પ્રિયતમને.

સરસ મજાની સાંજ પસાર થઈ. હરતા ફરતાં વાદળાઓની વચ્ચે સૂરજ ડોકિયાં કરતો હતો. વરસાદ થંભી ગયો હતો. તેજ છાયા જાણે સંતાકુકડી રમતાં હતાં.

હોટલના ટેરેસમાં બંને બેઠાં- કુદરતના સાનિધ્યમાં પ્રિયપાત્રની સાથે. ગોષ્ઠી પણ ચાલતી હતી. મેધે વર્ડઝવર્થની કવિતાઓ સ્મરી હતી. મેધ વિચારતો હતો કે આ માર્ગ હશે કોઈ સ્ત્રીમાં પ્રવેશનો, સ્ત્રીને પામવાનો, આહલાદની અનુભૂતિનો.

પહાડીપ્રદેશમાં દિવસ ઢળતો હતો. ઝબૂકવા લાગ્યું આખું નગર-આગિયા સરખા દીવાઓથી.

રાત આવી. અને એની એ જ ઘટના ઘટી. અલબત્ માનસીએ ચીસ નહોતી પાડી, બે હોઠો ભીંસી દીધાં હતાં.