Madhurajni - 9 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 9

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૯

મિજાજ બદલાઈ ગયો હતો મેધનો. આ શી રમત? તેણે તેની જાતને માનસીથી અળગી કરી નાખી.

‘મેધ.’ માનસી આજીજી કરતી હોય તેમ બોલી હતી પણ તેણે એ પ્રતિ સહેજ પણ ધ્યાન આપ્યું જ નહોતું.

તરત જ પલંગ છોડીને દૂરના સોફા પર બેસી ગયો હતો. મુખ પણ બીજી દિશામાં રાખ્યું હતું જેથી માનસી નજરે ના પડે. હીટરમાંથી ગરમ હવા ફેંકાતી હતી.

આખો ખંડ ગરમ હતો. છત પરથી તેજપુંજ ફેલાતું હતું જે આખા બિસ્તર પર પથરાઈ જતું હતું.

શો અર્થ હતો- આ પ્રકાશનો, આ ગરમ હવાનો, આ રાતનો? અરે, મધુરજનીનો? જિંદગીનો, લગ્નનો, સંબંધનો?

મેધનું મસ્તિષ્ક ગરમ હતું. શરીરમાં રક્ત ચ્વરાથી વહેતું હતું. આ કેવી સ્ત્રી હતી?

નાદાન, ના સમજ તો નહોતી જ. ત્રેવીસ ચોમાસે પલળી હતી એ. આમ મૂરખ જેવી રીતે શા માટે વર્તતી હતી?

સરસ તન હતું. હા, તેણે બરાબર નીરખ્યું હતું- પ્રકાશના પુંજમાં સ્પર્શ પણ થયો હતો. ઝળૂબ્યો પણ હતો એના પર. એમ તો તે પણ...ઝળૂબી જ હતી.

અને એકાએક તે કેમ આ વર્તતી હતી? બપોરની ઘટનાને તો તેણે પોતાની ઉતાવળ ગણીને અવગણી હતી. એનો અપરાધભાવ પણ ડંખ્યો હતો ક્યાંય સુધી.

અને કેટલા ઉત્સાહથી તેણે પુનઃશ્રીગણેશ કર્યા હતા? કલપન ને સુખમાં પલટવા તે કેટલો આતુર હતો? અને સામા પક્ષે પણ એમ જ હોય એવી તેને ખાતરી હતી.

આખરે સુખ સહિયારું જ મળવાનું હતું.

અને આવી દુર્દશા? મેધની નિરાશા રોષમાં પરિવર્તિત થતી હતી. આખરે તે પરણી શા માટે? તે ઇનકાર કરી શકી હોત. એવું નહોતું કે તે મેધને પસંદ કરતી નહોતી. બાકીનો સમય, કેવો રસમય રીતે પસાર થતો હતો? એ જ સ્ત્રી બિસ્તરમાં આમ વર્તન કરે, એનો શો અર્થ સમજવો?

પ્રોફેસર સાહેબે તેને છેતર્યો હશે? આવી વાતમાં તે શું સમજે? આ તો સાવ અતરંગ બાબત ગણાય એમાં સાહેબ...અને આ તો તેની સાથે બનેલી ઘટના ગણાય.

આ કશી રમત નથી રમતીને? પ્રેમ અન્ય સાથે થયો હોય અને લગ્ન તેની સાથે કરવા પડ્યા હોય અને એથી...ના, બધી વાતોના છેદ ઊડતા જતાં હતા.

તેને તેના અધિકારથી વંચિત રાખતી આ નિયતિ કેવી? તે ઊભો થયો. પ્રથમ પેલો તેજપુંજ ઓલવી નાખ્યો. નાઇટલેમ્પ ચાલુ કર્યું અને શું સુજ્યું કે હીટરની ચાંપ પણ બંધ કરી નાખી. શી જરૂર હતી એ ઉપકરણોની જ્યાં કશું ઘટવાનું જ નહોતું?

વસ્ત્રોને શરીર પર લટકાડીને એક ગરમ ધાબળો લઈને સોફા પર આડો પડ્યો.

રોષને ઓગાળવાનો એ જ માર્ગ હતો. માનસીના ડુસકા તેને સંભળાતા હતા. ધીમા ડુસકા! તેણે સાવ અવગણના કરી હતી એ રુદનની.

અત્યારે તે રોષમાં હતો. એટલું સારું હતું કે તેણે હજી સભ્યતાની સરહદ ઓળંગી નહોતી. બાકી મન તો ગમે એ દિશામાં વળી જાય. કોઈ પણ પુરુષ એ કેવી રીતે સહી શકે?

શા માટે આવી ઘટના ઘટી શકે- તેના જ જીવનમાં? શું આવો અનુભવ તેનો એકલાનો જ હશે?

તે ગરમ આવરણ નીચે હતો જ્યારે માનસી તો...તેને આવા વિચારો આવવા જોઈતા હતા પરંતુ રોષના આવેગમાં મેધ એ ના કલ્પી શક્યો.

એક ઘટનાએ, અણકલ્પેલી ઘટનાએ તેને અસ્તવ્યસ્ત કરી મૂક્યો છે. તેને માનસીના ડુસકા સંભળાયા, તેની અનાવરિત અવસ્થા પણ યાદ આવી. પણ તે ન ઊઠ્યો, તેને જોવા- સંભાળવા અને થોડીવારમાં ઊંઘ પણ આવી ગઈ.

માનસી જાગતી જ હતી. તે ઠંડીથી ઠૂઠવાતી હતી એ વાત ખરી પરંતુ એથી પણ વિશેષ મનના અજંપાથી પરેશાન હતી. પથારીમાં ઓશિકાને વળગીને પડી રહી.

નાઇટલેમ્પના આછા પ્રકાશમાં મેધ, ઓછાયો સરખો દેખાતો હતો. તેને થયું કે તે તેને મનાવે.

બીજી પળેટ થયું કે એ વાત તો હવે સાવ અપ્રસ્તુત બની ગઈ હતી. મેધને મનાવવો અને ફરી બિસ્તર પર લાવવો સાવ અશક્ય બાબત હતી. એ છંછેડાયેલો હતો. અને એમ જ બનેને? કયો પુરુષ આ સ્થિતિ સહી શકે?

શું થઈ ગયું હતું તેને? આખી સાંજ મનને મક્કમ કરતી હતી કે તે થયેલ ઘટનાનું પુનરાવર્તન નહીં જ થવા દે. અરે, ખંગવાળી દેશે એ આનંદનો!

મનોમન વિચારી પણ રાખ્યું હતું કે...તે અતીતની છાયા પડવા નહીં દે, તેના આ મિલન-અવસર પર.

અરે, આ તો મેધ! તેના પ્રિયતમ! પછી શા માટે કશું આવે- અંતરાય સરખું? બસ, મેધમય બની જવાનું, આખું અસ્તિત્વ એ પુરુષમાં ઓગાળી નાખવાનું.

થઈ શકશે? કેમ ના થઈ શકે? અતીતને શા માટે વચ્ચે લાવવો? એ અધમ...પાપી પુરુષ તો...

વળી પાછો ઉછાળ આવ્યો હતો તેની છાતીમાં. તેની આંખો સામે એ ચહેરો ખડો થયો હતો. તેણે કેવી મીઠી મીઠી વાતો કરી હતી?

કહ્યું હતું- લાવ, તારો સરસ ફોટો પાડું- રંગીન. અરે, પણ તેં તો સફેદ કપડાં પહેર્યા છે! જા, બદલી કાઢ અત્યારે જ. ક્યા કપડાં પહેરે છે? મને જોવા દે. ખબર પડે કે ફોટો કેવો આવશે. અરે, મારી શરમ રખાય? ના, આ કાઢી નાખ, આ પણ...’ અને પછી તેણે પણ...

તે કાંઈક સમજી હતી. પેલો અર્ધ-નગ્ન દશામાં તેના તરફ ધસ્યો હતો.

‘તું ગભરાતી નહીં માનસી...મારે તો...મારે તો...’ એ સમયે પણ તે લવારી કરતો હતો, તેને પરોવતો હતો. આવી દશામાં તેણે ક્યારેય કોઈ પુરુષને જોયો નહોતો.

તેણે કશું ન સુજતા એક ચીસ પાડી હતી પણ એ કોને સંભળાય? ત્યારે તો...ફળીની ટાંકી ભરવાની મોટર ચાલતી હતી. પાણી ભરાતું હતું- એનો ખળખળ અવાજ પણ હતો. ધક ધક, ખળખળ વચ્ચેની એની નાનકડી ચીસ!

અને એ સમયે જ સુમન ઘરમાં આવી હતી.

આખું દૃશ્ય માનસીના ચિત્તમાં ધરબાઈ ગયું હતું. અને એ પછી પણ કેવી ભયાનક ઘટના બની હતી. તે તો તેના વસ્ત્રો લઈને બીજા ખંડમાં ચાલી ગઈ હતી.. ઝટપટ પહેરી લીધા હતા.

અને તેણે સુમનને બોલતાં સાંભળી હતી. એ વાક્ય ત્યારે તો સમજાયું નહોતું.

‘તું મારાથી ના ધરાયો? અને મારી પુત્રી પર નજર બગાડી? હવે તો તને ખુલ્લો કરીશ જ. ભલે મારી આબરું જતી પણ તને તો ખુલ્લો...’

સુમને ત્રાડ પાડી હતી. ત્યારે પણ પાણીના પંપની મોટર ચાલુ જ હતી. એ ધરધરાટી વચ્ચે સુમનનો અવાજ થોડો દબાયો હતો. અને પેલાએ ટીવી પણ ચાલુ કર્યું હતું.

માનસીએ એ વાક્યો બરાબર સાંભળ્યા હતા. તેને થયું હતું કે મમ્મી આવી એ સારું થયું હતું. તેને કશી ઇજા પહોંચી નહોતી. અલબત તેની જાણકારી સાચી દિશામાં હતી. પરંતુ સીમિત હતી. ખબર હતીકે આમ થાય એ સારું ના કહેવાય, સ્ત્રી માટે.

તે સુમનને તારણહાર માનતી હતી. તેણે વસ્ત્રો બરાબર પહેરીને બારણાની આડશમાંથી એ ખંડમાં જોયું હતું. તે ભયથી પથરી ગઈ હતી.

પેલા પુરુષના હાથમાં લોહી ભીની છરી હતી, અને પાસે સુમન પડી હતી, તરફડાટ કરતી. તે ડરી ગઈ હતી. એ તેને પણ છરી મારશે તો? તે પણ મમ્મીની માફક... ભયાનક આતંક વ્યાપ્યો હતો તેના તનમન પર.

પેલાએ તેને કહ્યું હતું- ‘અને જો, આ વાત કોઈને કરી- તો તારા અને તારા પપ્પાના પણ આ જ હાલ થશે, શું સમજી? ગમે ત્યારે પણ હું એમ કરીશ માટે...’

તે ભીતર ભીંત સરસી પડી ગઈ હતી. આંખો મીંચી દીધી હતી. થીજીને બે ભીંતો વચ્ચે લપાઈ ગઈ હતી. તેણે ત્યારે જ નક્કી કરી નાખ્યું હતું કે આ વાત કોઈને કહેશે જ નહીં. તેને પપ્પા કેટલા વહાલાં હતા. તેમની ગોદમાં તેને શાંતિ મળતી. તે બારણે ઊભી ઊભી પપ્પાની પ્રતીક્ષા કર્યા કરતી હતી.

પપ્પા અને મમ્મી વચ્ચે વિસંવાદો, ઝગડાઓ, કે અબોલાંઓ થતાં ત્યારે તેને પપ્પા જ સાચા લાગતા. તેને થતું કે મમ્મીની વાત... સદંતર ખોટી હતી. મમ્મી જુઠી હતી.

‘પપ્પા, કેટલા ભલા, કેટલા લાગણીથી હર્યાભર્યા અને મમ્મી તો? તેનો તો સ્વભાવ જ ઝઘડાખોર.’

‘આટલી સુંદર મમ્મી અંદરથી આટલી અસુંદર?’

મન તો વિચાર્યા જ કરતું, વિચાર્યા જ કરતું, કશો ઉકેલ તો ક્યાંથી મળે? એ માટે તે કેટલી નાની હતી?

તેને થયું કે તે સુમનને સમજાવે કે તે પપ્પા સાથે...સારી રીતે વર્તે, સારી રીતે વાત કરે પણ અણીના સમયે તે કશું જ કરી શકતી નહોતી, અસહાય બની જતી, વિવશ બની જતી.

કેટલી નાની વય ને કેટલી મોટી મૂંઝવણ? અરે, આ વાત કહેવી પણ કોને? ઘરની અગંત વાત કંઈ બહાર કોઈને કહેવાય? તેને એ સમજ હતી.

ક્યારેક તે આવા વાક્યો પણ સાંભળ્યા હતા. યુદ્ધો અને અશાંતિ વચ્ચે શાંતિનો સમય પણ આવી જતો પણ એ અલ્પાયુ રહેતો.

માનસી પ્રાર્થના કર્યા કરતી ઈશ્વરને. શાંતિ માટે. શાંતિ પ્રવર્તતી હોય ત્યારે ઘર કેવું લાગતું હતું- જીવવા જેવું?

સમય જતા માનસીની કાચી સમજ વિકસી હતી. સુમનના મૃત્યુથી તેના જીવનમાં એક અજંપો, એક અભાવ, એક શૂન્યવકાશ સર્જાયો હતો. પરિણામે તે અંતર્મુખી બની હતી.

તે સુમન વિશે પણ વિચારતી હતી. અલબત તેને થતું કે મૃત મમ્મી વિશે આવું ન વિચારાય. સુમન દ્વારા ઉચ્ચારાયેલા છેલ્લા વાક્યનો અર્થ એજ થાય કે તેને પેલાં અધમ પુરુષ સાથે...અભદ્ સંબંધો હતા.. પિતા સાથે કાયમ વિસંવાદી બની જતી મમ્મી...પેલા સાથે આમ કરતી હતી.

માનસીની કપાળની રેખા તંગ બની જતી હતી. આ વાત ભલા અને સરળ પપ્પા જાણે તો? કેટલો આઘાત લાગે? તે તો હજી પણ, સુમનને પ્રેમ કરતા હતા, તેની સ્મૃતિમાં ડૂબી જતા હતા.

ક્યારેય હીણી વાચ ઉચ્ચારી હતી સુમન વિશે? ભલા માણસ તો બધે જ સારું જુએ.

મમ્મીની બીજી બાજુ-માનસી જાણતી હતી.

‘આ ઘટના ઘટી જ ના હોત તો? કેટલું સારું હોત? કેટલીક વાર અજ્ઞાન જ તારે છે આપણને. અને અતિજ્ઞાન ડુબાડે છે.’

માનસી સતત વિચારતી હતી. સુમન, તેની મમ્મી વિશે. અને તીવ્ર આઘાત તેને ભીંસી નાખતો હતો.

શા માટે મમ્મી....એવા પુરુષને વશ થઈ હશે? એ પ્રશ્ન તેને મૂંઝવતો હતો. આ તો અનૈતિકતા કહેવાય. સમાજે રચેલાં સનાતન નિયમોનું ઉલ્લંઘન કહેવાય! અપયશ મળે મમ્મીને. પાપ કહેવાય.

હજી પણ અનેકે લોકો માનસીને જોઈને કહેતા- ‘અસલ સુમન પર જ ગઈ છે.’

આ વાત હવે તેને નહોતી ગમતી.

‘ના, હું એ સુમન જેવી નથી. મારે એવું બનવું પણ નથી, કોણ બને તેના જેવું?

તે મુખ ફેરવી જતી- આવું બોલનારા લોકોથી.

‘પણ શા માટે મમ્મી...’ એનો જવાબ તેને ક્યારેય મળ્યો નહીં.

‘હશે કોઈક લાચારી...કે પછી કોઈ લાલચ....?