Premdiwani - 13 books and stories free download online pdf in Gujarati

પ્રેમદિવાની - ૧૩

જાણે મારી માંગેલ દુવા આજે કબુલ થઈ હતી,
દોસ્ત! હૈયું ઝંખતું હતું જે ક્ષણ એ પ્રત્યક્ષ હતી.

પ્રથમ અમનની સંગાથે સાંજની આરતીના ૧૦ મિનિટ પહેલા ગાયત્રી મંદિર પહોંચી ગયો હતો. પ્રથમ મનમાં વિચારતો હતો કે, મેં કઈ ખોટું તો નહીં કર્યું ને અમન અને મીરાંને અહીં બોલાવીને? મેં એક મિત્રતા નિભાવી... મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરજો માઁ!

અમન માતાજીની સામે નજર રાખી પ્રાર્થના કરી રહ્યો હતો કે, 'મારી મનમાં જન્મેલી લાગણીમાં શું ખોટ છે જે મને મીરાંથી દૂર રાખો છો? મારા મનમાં જે પ્રેમ તમે જન્માવ્યો એ મારા નસીબમાં જ નહોતો તો કેમ આવી લાગણી તમે મારા મનમાં ઉતપન્ન કરી? અમન ભાવવિભોર બની માઁ ને પોતાના મનમાં ઉદભવતી તકલીફ જણાવી રહ્યો હતો. આજ જાણે અમનને પણ માતાજી પાસેથી જવાબ જોતો હોય એજ રીતેએ મનમાં એકની એક વાત માતાજીને જણાવી પૂછી રહ્યો હતો કે, માઁ હું મીરાં વગરનું જીવન કલ્પી શકું એમ નથી. આથી જયારે મૌતને મેળવવા કૂદયો તો ત્યારે પણ તમે મારો જીવ કેમ બચાવ્યો? જો મીરાં મારા નસીબમાં જ નહોતી તો તમે શું કામ ફરી મને જીવન આપ્યું? અમનના મનોમંથન દરમિયાન એની આંખમાંથી આજ પહેલી વખત માતાજીને પ્રાર્થના કરતા આંસુ સરી પડ્યા હતા. આંખનું મટકું માર્યા વગર જ એ પોતાની વેદના માતાજીને વર્ણવી રહ્યો હતો. પોતાની આંખમાં આવેલ આંસુના કારણે માઁની સુંદર મૂર્તિ પણ એને ધૂંધળી દેખાય રહી હતી. અમન જાણે ક્ષણિક ભાન જ ભૂલી ગયો હતો. સંધ્યા આરતી શરૂ થવાની જ હતી આથી શંખનાદની ગુંજે અમન એકદમ સજાગ થયો અને પોતાની આંખના આંસુની આછી ઝાખપ માંથી દેખાતા માઁ ના મુખને મંદ મંદ મલકાતાં જોવે છે ત્યાં અમનની નજર માતાજી ના આગળના ભાગમાં અર્ધ ખુલ્લા રહેલા કાચના દરવાજા પર પડી. કાચનો દરવાજો એટલો બધો સુઘડ હતો કે એ દરવાજામાં મંદિરના પગથિયાં ચડીને મંદિરમાં પ્રવેશતી મીરાંને સ્પષ્ટ રૂપે અમને નિહાળી હતી. અમનને ઘડીક પોતાની આંખ પર વિશ્વાસ જ ન આવ્યો, એણે આંખ સાફ કરી ફરી જોયું એ મીરાંને જોઈને ખુશ થઈ ગયો. ૧ વર્ષ પછી એ આજ મીરાંને જોઈ રહ્યો હતો. અમનને થયું કે માતાજીએ મારા દરેક પ્રશ્નનો જવાબ આપી દીધો છે. ગાયત્રીમાતાની આરતી શરૂ થઈ ગઈ હતી. અમનને ખ્યાલ હતો કે મીરાં પણ મંદિરમાં છે પણ હજુ મીરાં એ જાણતી નહોતી કે અમન પણ મંદિરમાં છે. પ્રથમે પણ મીરાંની હાજરીને નોંધી લીધી હતી.

માતાજીની આરતીનો મીરાં આનંદ લઈ રહી હતી. અમન ની અને મીરાં વચ્ચે બીજા પણ અમુક લોકો હતા આથી મીરાંને અમન મંદિરમાં છે એ ખબર જ નહોતી પડી. અમન આરતીની સાથોસાથ મીરાંના કાચમાં ઉપજતા પ્રતીબીંબને જોઈ રહ્યો હતો. આરતી પુરી થઈ ગયા બાદ મીરાં માતાના દર્શન નજીકથી કરવા અને ત્યાં માથું ટેકવવા આગળ વધી રહી હતી. મીરાં જેમ જેમ આગળ આવતી હતી એમ એમ અમનના ધબકાર વધી રહ્યા હતા. તેને મીરાંને બોલાવવાનું મન થતું હતું પણ મીરાંએ આપેલ સોગંદ હજુ અમનને યાદ હતા આથી મીરાંને બોલાવવાનું એને ટાળ્યું હતું. મીરાંનું સંપૂર્ણ ધ્યાન માતાજીના દર્શનમાં જ હતું. માનવમેદની પાર કરી એ માતાજીની સમીપ પહોંચી છતાં એને અમન મંદિરમાં હાજર છે એ હજુ ખબર જ નહોતી. મીરાં માતાજીને મનોમન પ્રાર્થના કરી રહી હતી.

પ્રથમે અમનને ઈશારો કરી જણાવ્યું કે, મીરાં આવી છે. અમને પ્રતિઉતરમાં ઈશારામાં ના પાડી હતી. પણ પ્રથમ આજ અમનને પોતાની વાત મનાવવાનો જ હતો.

મીરાં દર્શન કરી ઉંધી ફરી કે એની નજર પ્રથમ અને અમન પર પડી હતી. એ નજર ફેરવી ચાલવા લાગી હતી. કારણ કે, મીરાંની લાગણી અમન સમજી જશે જ એની મીરાંને ખાતરી હતી. મીરાં ખુબ ગભરાહટ અનુભવી રહી હતી. અમન જોડે વાત કરવા મન તલપાપડ થતું હતું પણ મગજ એનાથી દૂર રહેવા જણાવી રહ્યું હતું. આવા વિચારમાં એ આગળ વધી રહી હતી. મીરાંને આગળ જતા પ્રથમે તેના નામનો સાદ પાડીને મીરાંને રોકી હતી. મીરાં એની સામે જોયા વગર એટલું બોલી કે તે અમનના કહેવાથી મને અહીં બોલાવી એ ઠીક નહીં કર્યું. મેં અમનને મારા સોગંદ આપ્યા હતા એ પણ એને તોડ્યા..

મીરાંની અધૂરીવાતે પ્રથમ બોલ્યો, તું અમન ને ખોટો સમજી રહી છે. આજ તારે મારી વાત સાંભળવી જ પડશે. ઉભી રહે મીરાં... ફક્ત ૫ મિનિટ પછી તને હું ક્યારેય કઇ નહીં કહું.

અમને પ્રથમને હાથ પકડી ઇશારાથી જ કીધું કે, એને જવા દે...પણ આજ મંદિરના પટાંગણમાં પ્રેમની જીત થવાની જ હતી.

મીરાંને પણ શું થયું કે એ ચાલતી હતી ને ઉભી રહી ગઈ હતી. અમનને ત્યાં જ બેસાડી પ્રથમ મીરાં પાસે ગયો અને તેને પગથિયાની સાઈડમાં બેસાડી અને તે પણ ત્યાં બેઠો હતો. પ્રથમે આ એક વર્ષમાં જેટલા બદલાવ અમને પોતાના જીવનમાં લાવ્યા એ બધા બદલાવ વિશે મીરાંને જણાવ્યું અને અહીં આવવાનું અમને નહીં પરંતુ ખુદ પોતે બોલાવી છે એ પણ કીધું.

મીરાં પ્રથમની વાત સાંભળી એકદમ પીગળી ગઈ હતી. મીરાંને એમ હતું કે અમન હવે સમયની સાથે જીવતો થઈ ગયો હશે. પણ અમને પોતાની જીવનશૈલી આટલી હદ સુધી બદલી નાખી એ જાણી મીરાંને અમન માટે ખુબ માન વધી ગયું હતું. એની આંખમાં અમનના પ્રેમની ભીનાશ વર્તાવા લાગી હતી. મીરાંના પગલાં અમન તરફ વર્યા હતા. અમન નીચું મોઢું કરી શાંતિથી બેઠો હતો. મીરાં અમનની બાજુમાં જઈને બેઠી, અમનને થયું કે મીરાં બેઠી કે તરત એ ઉભો થઈ ગયો હતો. આજ મીરાંએ અમનનો હાથ પકડીને એને ફરી બેસાડ્યો અને એણે અમનને કીધું, બેસ અમન મારે તારી જોડે વાત કરવી છે. તને આપેલ મારા સોગંદથી તું આજથી મુક્ત છે.

મીરાંનો અવાજ અને એના શબ્દો અમનના હૃદયને સ્પર્શી અમનને ખુબ ખુશ કરી ગયા હતા.

કલ્પના બહારની આજ ખુશી મળી હતી,
દોસ્ત! મુજને જ હું જાણે પ્રત્યક્ષ આજ મળી હતી.

શું હશે અમન અને મીરાંનો સંવાદ?
શું મીરાં દરેકનો વિચાર બાજુ પર મૂકીને અમનના પ્રેમનો સ્વીકાર કરશે?

જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની'...