sundari chapter 36 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૩૬

છત્રીસ

કિશનરાજે પછી સુંદરીને નમસ્તે કર્યા જેના વળતા જવાબમાં સુંદરીએ પણ પોતાના ચિતપરિચિત સ્મિત સાથે નમસ્તે કર્યા. ત્યારબાદ કિશનરાજે પોતાનો જમણો હાથ લાંબો કરીને તમામને બેસવા જણાવ્યું.

“તમે બધાએ ચ્હા-નાસ્તો કર્યાં?” ચારેય જણે પોતપોતાના સ્થાન ગ્રહણ કર્યા બાદ કિશનરાજે સોનલબા સામે જોઇને પ્રશ્ન કર્યો.

“પપ્પા, અમે લોકો હજી હમણાં જ આવ્યાં. અસ્લમભાઈને મેં કહી દીધું છે.” સોનલબાએ જવાબમાં કહ્યું.

“સરસ. બોલો શું પ્રોબ્લેમ છે? મને આમ અચાનક જ મળવાનું કીધું એટલે આઈ એમ શ્યોર કે પ્રોબ્લેમ કોઈ નાનોમોટો તો નહીં જ હોય.” એક તો અમદાવાદ જેવા મોટા શહેરના કમિશનર અને ઉપરથી અનુભવી એવા કિશનરાજે મુદ્દા પર આવતાં કહ્યું.

કિશનરાજે મુદ્દાની વાત છેડતાં જ સુંદરી, વરુણ અને સોનલબા પહેલા તો એકબીજા સામે જોવા લાગ્યા. પોતે જે ચર્ચા કરવા માટે છેક અમદાવાદના પોલીસ કમિશનરના ઘેર આવ્યા હતા એને કોઈકે તો શરુ કરવી જ પડે એમ હતી. છેવટે સુંદરીએ આંખના ઈશારે સોનલબાને વાત શરુ કરવા કહ્યું.

આ સમગ્ર સમય દરમ્યાન કિશનરાજ વારાફરતી તેમની પુત્રી અને બે મહેમાનો સામે જોતાં રહ્યા અને એમની બોડી લેન્ગવેજનું નિરીક્ષણ કરતા રહ્યાં.

“પપ્પા... છેલ્લા ત્રણ દિવસથી એક વ્યક્તિ સુંદરી મેડમનો પીછો કરે છે. કૉલેજથી છેક એમના ઘર સુધી એમની પાછળ પાછળ આવે છે અને પછી એમના ઘરની ગલી સુધી એમનેમ ઉભો રહેતો હોય છે.” સોનલબાએ વાત શરુ કરી.

“હમમ... એણે કોઈ હાની પહોંચાડી? કશું બોલ્યો તમને? અપશબ્દ, ધમકી વગેરે?” કિશનરાજે સુંદરીની સામે જોઇને પ્રશ્ન કર્યો.

“ના, હજી સુધી તો નહીં સર.” સુંદરીએ ટૂંકમાં જવાબ આપ્યો.

“તમને કોઈ શંકા કે એ વ્યક્તિ તમને ઓળખતો હોય અને કોઈ જૂની દુશ્મની હોય?” કિશનરાજે બીજો પ્રશ્ન કર્યો.

“ના, મારી કે મારા પરિવારની કોઈ સાથે દુશ્મની નથી. આમ તો મેં એને હજી સુધી નજીકથી નથી જોયો પણ મને નથી લાગતું કે હું એ વ્યક્તિને ઓળખતી પણ હોઉં.” સુંદરીએ વ્યવસ્થિત જવાબ આપ્યો.

“તો પછી બેટા, આમને અહીં સુધી ખેંચી લાવવાની શી જરૂર હતી? એમના વિસ્તારના પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી શક્યા હોત તમે? જો યોગ્ય કાર્યવાહી ન થાત અને પછી મને કીધું હોત તો સારું થાત.” કિશનરાજને લાગ્યું કે સુંદરીની અંગત તકલીફને લઈને વરુણ અને સોનલબાએ એમનો સમય બગાડવાની જરૂર ન હતી.

“પપ્પા, એ જ વ્યક્તિએ રવિવારે મારો પણ પીછો કર્યો હતો.” છેવટે સોનલબાએ હકીકત પોતાના પિતાને કહેવી પડી.

વાત કહેવાની સાથે જ સોનલબા નીચે જોવા લાગ્યા. એમને ખ્યાલ આવી ગયો હતો કે હવે તેમના પિતા તેમના પર ગુસ્સે થશે જ.

“એ જ વ્યક્તિ? જેણે આમનો પીછો કર્યો એ જ?” કિશનરાજ ચમક્યા.

“હા સર, એક જ વ્યક્તિ. અને અમારા અહીં આવવાનું ખાસ કારણ એ જ છે. એ મારો પીછો કરે છે એ તો હું સમજી કે કોઈ કારણ હોઈ શકે છે, પણ એક જ વ્યક્તિ અમારા બંનેનો પીછો, જો કે સોનલનો પીછો તો એણે એક જ વખત કર્યો છે, પણ એ જ વ્યક્તિ કેમ અમારા બંનેનો પીછો કરે છે? એવું તો કયું કનેક્શન છે અમારા વચ્ચે? અમે તો ફક્ત કૉલેજમાં પહેલીવાર મળ્યા એ પહેલાં તો અમે એકબીજાને ઓળખતા પણ ન હતા.” સુંદરીએ કિશનરાજ સોનલબા પર ગુસ્સે ન થાય એટલે તરતજ મુદ્દો પકડીને વાત કરી.

“તમારે મને રવિવારે જ કહેવું જોઈતું હતું ને બેટા?” કિશનરાજ જરાય ગુસ્સે થયા વગર સોનલબા સામે જોઇને બોલ્યા.

અને સોનલબાની લાગણીઓનો બંધ તૂટી પડ્યો એ રડવા લાગ્યા. એમને એમ હતું કે એમના પિતા વાત છુપાવવાને કારણે તેમના પર ગુસ્સો કરશે પરંતુ તેમણે તો દીકરી પ્રત્યે લાગણી દર્શાવી આથી જે ડર તેમના મનમાં આટલા લાંબા સમયથી હતો એ આંસુ બનીને વહેવા લાગ્યો.

કિશનરાજ પોતાના સોફા પરથી ઉભા થયા અને સોનલબા પાસે ગયા અને એમનો ખભો દબાવ્યો.

“થાય, કદાચ તમને એવું લાગ્યું હશે કે પપ્પા આટલા બીઝી છે તો મારું ટેન્શન ક્યાં એમને આપું? પણ બેટા, પપ્પા તો પપ્પા જ હોય પછી તે અમદાવાદના પોલીસ કમિશનર હોય કે પછી કોઈ પણ સામાન્ય વ્યક્તિ.” કિશનરાજ સોનલબાને સાંત્વના આપતા બોલ્યા.

ત્યાં જ અસ્લમ ચ્હા અને નાસ્તો લઈને આવ્યો. કિશનરાજે અસ્લમે ટેબલ પર મુકેલી ટ્રે અને એમાં રહેલા જગમાંથી પાણીનો ગ્લાસ ભર્યો અને સોનલબા સામે ધર્યો. સોનલબાએ સ્મિત સાથે એ ગ્લાસમાંથી પાણી પીધું.

“તો હવે મને આખી વાત ડીટેઇલમાં કહો.” કિશનરાજે સોનલબાએ ખાલી કરેલો ગ્લાસ ફરીથી ટેબલ પર મુકતા સુંદરી સામે જોઇને કહ્યું.

“સર, રવિવારે અમારી કૉલેજમાં ક્રિકેટની પ્રેક્ટીસ ચાલતી હોય છે. હું અમારી ટીમની કો-ઓર્ડીનેટર છું એટલે મારે આ રવિવારથી પ્રેક્ટીસમાં હાજર રહેવાનું હતું. હું અમારી કૉલેજના ગ્રાઉન્ડમાં પહોંચી ત્યાં સુધી તો બધું બરોબર હતું. પરંતુ જેવી પ્રેક્ટીસ શરુ થઇ કે મારી નજર અમારા કૉલેજના ગ્રાઉન્ડના એક ખૂણે એક ઝાડ છે તેના પર ગઈ અને એની નીચે મેં આ વ્યક્તિને ઉભેલો જોયો. આમ યંગ હતો. એ બાઈક પાર્ક કરીને તેને ટેકો લઈને ઉભો હતો. દાઢી હતી અને ગોગલ્સ પહેર્યા હતા. મને સતત એવું લાગી રહ્યું હતું કે એ મને જ જોઈ રહ્યો છે.

હું થોડી ગભરાઈ ગઈ પણ મેં પ્રેક્ટીસમાં મન વાળવાનો પ્રયાસ કર્યો. મારા બદનસીબે એ દિવસે ઓછા પ્લેયર્સ આવતા પ્રેક્ટીસ કેન્સલ થઇ ગઈ. હું વધુ ગભરાઈ. મને લાગ્યું કે જો આ વ્યક્તિ મને જ જોઈ રહ્યો છે તો એ પોસીબલ છે કે એ મારી પાછળ મારા ઘર સુધી આવે. મારા પપ્પા મુંબઈ ગયા છે, કાલે આવી જવાના છે, એટલે મને થયું કે હું એકલી હોઈશ તો કેવી રીતે એ વ્યક્તિનો સામનો કરીશ?

એટલે મેં વરુણની મદદ લેવાનું નક્કી કર્યું, પણ એમને હું એમ તો કેવી રીતે કહું કે મને બીક લાગે છે? હું એમને પેલા વ્યક્તિ વિષે કહી દેત તો કદાચ એ એની સાથે ઝઘડો કરી લેત તો પેલો ક્યાંક આમને હાની પહોંચાડી શકત. એટલે મેં ટીમ ડિસ્કશનનું બહાનું બનાવીને મારે ઘરે મારી સાથે આવવાનું કહ્યું. સર, મારી શંકા સાચી પડી એ વ્યક્તિ જેવા અમે અમારા વેહિકલ્સ સ્ટાર્ટ કર્યા કે એણે પોતાની બાઈક સ્ટાર્ટ કરીને અમારો પીછો કરવાનો શરુ કર્યો.

હું વધુ ગભરાઈ પણ અચાનક જ મને એક આઈડિયા આવ્યો. અમારા કેમ્પસની બહાર નીકળતાની સાથેજ મેં આમને અચાનક જ રસ્તો બદલવાનું કહ્યું. અમે લાંબો રસ્તો લઈને મારા ઘરે પહોંચ્યા. એણે અમારો પીછો કરવો છોડી દીધો હતો. મને એમ લાગ્યું કે અમે રસ્તો બદલ્યો એટલે એ ભટકી ગયો હશે. પણ લગભગ એક કલાક પછી જ્યારે વરુણ પોતાને ઘરે ગયા અને હું બારણું બંધ કરવા બહાર આવી ત્યારે મેં પેલાને ફરીથી મારી ગલીના નાકે ઉભેલો જોયો.

સાચું કહું સર મારી ગભરામણ ખૂબ વધી ગઈ. હું વરુણને પાછા આવવાનું પણ કહી શકતી ન હતી. એટલે મેં મારા કલીગ અરુમા એટલે અરુણાબેનને બોલાવ્યા. એ આવે એ પહેલા વરુણ પણ પોતાનો મોબાઈલ મારા ઘરે રહી ગયો હતો એટલે એને લેવા આવ્યા. પછી તો અરુણાબેન પણ આવી ગયા. ત્યાર પછી હું એક રાત અરુણાબેનને ઘરે રોકાઈ. રવિવારે અમે સાથે જ મોલમાં ગયા જ્યાં સોનલ અમને મળ્યા પેલો વ્યક્તિ એમનો પીછો કરી રહ્યો છે એમ એમણે કહ્યું અને મેં જ્યારે પેલાને જોયો ત્યારે કન્ફર્મ થઇ ગયું કે એ એ જ વ્યક્તિ છે જે મારો પણ પીછો કરી રહ્યો હતો.

તે દિવસથી આજનો દિવસ એ રોજ કૉલેજથી મારે ઘેર મારો પીછો કરે છે. પણ પેલું કહેવાય છે ને કે જો તમને વારંવાર ડરાવવામાં આવે તો પછી તમને ડરની આદત પડી જાય છે? હવે મને ડરવાની આદત પડી ગઈ છે સર.”

કિશનરાજને પોતાનો અનુભવ સુંદરીએ વિસ્તારપૂર્વક કહ્યો.

“હમમ... બેટા, તમારો એ વ્યક્તિએ પીછો ક્યારે કર્યો? ખાલી રવિવારે જ કે એના પહેલાં પણ અને એના પછી પણ? જુઓ ડરવાની જરૂર નથી, મારો ગુસ્સે થવાનો કોઈજ પ્લાન નથી.” કિશનરાજે સોનલબા સામે સ્મિત ફરકાવતાં કહ્યું.

“ખાલી રવિવારે જ મેં એને મોલમાં જોયો. હું આમ તો મારા ડ્રેસીઝ લેવા ગઈ હતી પણ ઇલેક્ટ્રોનીક્સ સેક્શનમાં મેં મોટું ડિસ્કાઉન્ટ છે એવું બોર્ડ જોયું એટલે મને થયું કે ચાલો હેયરડ્રાયર લઇ લઉં. હું જેવી એ સેક્શન તરફ ચાલવા લાગી કે પેલો વ્યક્તિ પણ મારી પાછળ પાછળ ચાલવા લાગ્યો. અત્યાર સુધી એ મારાથી દૂર ઉભો હતો એનો મને ખ્યાલ હતો, પણ જ્યારે એણે મારી સાથે ચાલવાનું શરુ કર્યું એટલે મને શંકા ગઈ.

પછી જેમ મેડમે કર્યું એમ મારે જવું હતું તો ઇલેક્ટ્રોનીક્સ સેક્શનમાં પણ હું એને છકાવવા અચાનક જ કિડ્સ સેક્શન તરફ વળી ગઈ. તો જોયું તો ત્યાં પણ એ મારી પાછળ જ આવ્યો. પછી મને ગભરામણ થવા લાગી એટલે હું ડ્રેસીઝના સેક્શન તરફ વળી ત્યાં મેં સુંદરી મેડમ અને અરુણા મેડમને જોયા અને મારો જીવ હેઠો બેઠો અને મેં સુંદરી મેડમને પાછળથી જ પકડી લીધાં. ત્યાર પછી મેં એ વ્યક્તિને ક્યારેય નથી જોયો.” સોનલબાએ પોતાની વાત કરી.

“મારો પીછો કરવામાંથી નવરો પડે તો તમારી પાછળ પડેને?” સુંદરીએ હસતાં હસતાં કહ્યું.

સુંદરીની વાત સાંભળીને તમામના ચહેરા પર સ્મિત આવી ગયું.

“જુઓ, તમારો તો કોઈ દુશ્મન નથી, તમે પણ કન્ફર્મ કર્યું. પણ આટલા બધા વર્ષ પોલીસની નોકરી કરતાં કરતાં મારા ઘણા દુશ્મનો ઉભા થયા છે જે સ્વાભાવિક છે. એમાંથી કયો દુશ્મન મારી દીકરીનો પીછો કરીને એને અને એના દ્વારા મને હાની પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છે એવું હું ચોક્કસપણે ન કહી શકું. પણ હા, સુંદરીએ આપેલા વર્ણનથી એક વ્યક્તિ પર મને શંકા જાય છે.” આટલું કહીને કિશનરાજે પોતાના ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો.

મોબાઈલ અનલોક કરીને કિશનરાજે તેમાંથી ગેલેરીનું ફોલ્ડર ખોલ્યું અને એમાં રહેલા અસંખ્ય ફોટાઓમાંથી એક પર એમણે ટેપ કર્યું અને પોતાના સોફા પરથી એ ઉભા થયા.

“જુઓતો દીકરા, આ એ જ છે?” કિશનરાજે સોનલબાને પહેલા એ ફોટો દેખાડ્યો.

“હા, પપ્પા આ એ જ છે. ફોટો કદાચ જુનો છે પણ આ એજ છે હું ગેરંટી સાથે કહી શકું છું.” સોનલબા આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા હતા.

“હમમ... મને હતુંજ. જરા તમે કન્ફર્મ કરો તો? શું આ એ જ છે?” આટલું કહીને કિશનરાજ સોનલબાથી થોડે દૂર બેસેલી સુંદરી તરફ વળ્યા.

કિશનરાજે જેવો પોતાનો મોબાઈલ સુંદરી તરફ કર્યો અને સુંદરીની નજર તેના પર પડી કે એ આઘાતમાં આવી ગઈ. એની સુંદર મજાની આંખો પહોળી થઇ ગઈ, એનું તીણું નાક પહોળું થવા લાગ્યું. એના દૂધથી પણ સફેદ ગાલ લાલી પકડવા લાગ્યા.

==:: પ્રકરણ ૩૬ સમાપ્ત ::==

Share

NEW REALESED