Ek Koshish books and stories free download online pdf in Gujarati

એક કોશિશ

લેખક : - મનીષ ચુડાસમા

“સ્નેહનું પવિત્ર ઝરણું”

‘તું ફ્રી હોય તો ગાર્ડનમાં આવને, થોડી અગત્યની વાત કરવી છે.’ નિલેષે ફોનમાં મને કહ્યું. હું અને નિલેષ બંને જીગરજાન મિત્રો. એકબીજાનાં સુખ દુ:ખનાં સાથી. અમારા બંનેમાંથી કોઈને સગો ભાઈ નહિ એટલે એકબીજાને ભાઈ જ માનીએ અને સગા ભાઈની જેમ જ રહીએ. દિવસમાં એકવાર તો મળવાનું જ, કાં તો એ મારા ઘરે આવે અથવા હું એનાં ઘરે જાવ.

‘શું વાત છે ? ફોનમાં જ બોલને અથવા ઓફિસે આવ.’ મે કહ્યું.

‘ફોનમાં વાત નથી થાય એમ અને ઓફિસે બધા હશે એટલે તું જ ગાર્ડનમાં આવ તો શાંતિથી વાત થાય.’

‘સારું, પંદર મિનિટમાં આવું છું.’

‘ઓકે, હું પણ પહોંચું છું.’ કહીને નિલેષે ફોન મૂકી દીધો.

વીસ મિનિટમાં હું ગાર્ડનમાં અમે દરવખત જે જગ્યાએ બેસતા હતા ત્યાં પહોંચ્યો. નિલેષ હજી આવ્યો નહોતો. હું મોબાઈલ કાઢી નિલેષને ફોન કરવા જ જતો હતો કે, ત્યાં જ સામેથી નિલેષ આવતો દેખાયો. મે મોબાઈલ પાછો મૂકી દીધો.

નિલેષ મારી પાસે આવ્યો. અમે બંને બેઠાં.

‘બોલ ભાઈ શું વાત છે ?’ મે પુછ્યું.

‘મારા કાકાએ એનાં ફઈજીનાં છોકરા હિતેશનું માગું મારી બેન પાયલ માટે નાખ્યું છે અને એ લોકો આ રવિવારે જોવા આવવાનાં છે.’ નિલેષે કહ્યું.

‘સરસ. ?’

‘શું ધૂળ સરસ.’

‘કેમ આમ બોલે છે યાર ? આતો સારી વાત કહેવાય.’

‘વાત તો સારી જ કહેવાય, પણ એક પ્રોબ્લમ છે એનું શું ?’ નિલેષે કહ્યું.

‘શું પ્રોબ્લમ છે ?’ મે પુછ્યું.

‘જ્યારથી હિતેશ સાથે જોવાનું ગોઠવ્યું છે, ત્યારથી પાયલ ઉદાસ રહ્યા કરે છે. એનાં ચહેરાનાં હાવભાવ બદલાઈ ગયા છે. મે એકવાર એને પુછ્યું પણ ખરું કે, શું થયું છે ? હું જોવું છું કે, જ્યારથી હિતેશનું માગું આવ્યું છે અને જોવાનું ગોઠવ્યું છે, ત્યારથી તું ઉદાસ રહે છે. તો કહે કંઈ નથી થયું, પણ મને એનું વલણ સાવ બદલાઈ ગયેલું લાગે છે. મને લાગે છે કે, કદાચ પાયલને હિતેશ પસંદ નથી.’ નિલેષનાં છેલ્લાં વાક્ય પરથી સ્પષ્ટ સાબિત થતું હતું કે, પાયલે હિતેશને જોયેલો હોવો જોઈએ.

‘પાયલે હિતેશને જોયેલો છે ?’ મે પૂછ્યું

‘હા, કાકાનાં ઘરે ઘણીવાર ભેગા થયા છીએ.’

'ઓકે, પણ મને એ નથી સમજાતું કે, હજી હિતેશ અને એનાં ઘરનાં લોકો જોવા નથી આવ્યાં કે, નથી હજી હિતેશે પાયલને પસંદ નથી કરી, તો પછી પાયલ કેમ ઉદાસ રહે છે ? અને જોવા આવ્યાં પછી, હિતેશ આ સંબંધ માટે હા પણ કહે, તો પણ પાયલ જ્યાં સુધી આ સંબંધ માટે હા નહિ કહે ત્યાં સુધી તો કાંઈ થવાનું જ નથી. તારા પપ્પા પાયલને પરાણે તો પરણાવી નથી દેવાનાં.'

'ભાઈ, હિતેશને તો પાયલ પસંદ છે. કાકીએ પહેલાં જ હિતેશને પૂછી લીધું છે, હિતેશે અને એનાં મમ્મી પપ્પાએ તો કહ્યું છે કે, પાયલની હા હોય તો અમારી તો હા જ છે, પછી કાકા-કાકીએ મારા ઘરે આવીને પપ્પાને વાત કરી.'

‘મે ફરી સવાલ કર્યો કે, ‘પાયલને પૂછીને જોવાનું ગોઠવ્યું છે ?’

‘હા, જ્યારે કાકા-કાકીએ મમ્મી-પપ્પાને હિતેશ વિશે વાત કરી, ત્યારે પપ્પાએ એવું કહ્યું હતું કે, અમને તો હિતેશ ગમે જ છે, એ સારો અને સંસ્કારી છોકરો છે, એનાં મા-બાપ પણ વ્યવહારિક છે, પણ પહેલાં પાયલને પૂછી જૂઓ, એને હિતેશ ગમતો હોય તો વાત આગળ ચલાવીએ અને પછી કાકીએ પાયલને ઉપરનાં રૂમમાં લઈ જઈને એકલામાં જ પુછ્યું હતું અને જવાબમાં પાયલે હા કહ્યા પછી જ જોવાનું ગોઠવ્યું છે.' નિલેષે કહ્યું.

‘ભાઈ, પાયલે ભલે હા કીધી હોય, પણ પાયલની ઈચ્છા બિલકુલ નથી. તારી વાત મને સો ટકા સાચી લાગે છે. પાયલને હિતેશ પસંદ નહિ જ હોય.’

'જો પાયલને હિતેશ પસંદ નથી, તો પછી પાયલે હા જ ના પાડવી જોઈએ. જ્યારે પુછ્યું ત્યારે જ એને ના કહી દેવી જોઈતી હતી.' નિલેષ થોડા ગુસ્સા સાથે બોલ્યો.

‘ભાઈ, બની શકે કે, પાયલ તારા મમ્મી-પપ્પાને કે, કાકા-કાકીને પોતાનાં મનની વાત ના કરી શક્તી હોય.’ મે કહ્યું.

'તો મે જ્યારે પાયલને પૂછ્યું ત્યારે તો એ મને કહી શક્તી હતી ને ?'

'એવું પણ બની શકે કે, તારા ગુસ્સા વાળા સ્વભાવને લીધે એ તને પણ ના કહી શક્તી હોય અને મે ઘણી એવી છોકરીઓ જોઈ છે, જે પોતાનાં પિતાની ખુશી માટે થઈને એમની પસંદગીનાં છોકરા સાથે પોતાની ઈચ્છા નાં હોવા છતાં પણ લગ્ન કરી લેતી હોય છે અને આખી જિંદગી મન વગર રહેતી હોય છે.’

‘તો હવે શું કરવું ? એ જ સમજાતું નથી મને.’ નિલેષનાં ચહેરા પર મને પાયલની ચિંતા સાફ સાફ વંચાતી હતી.

‘પાયલની કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય, તો તું એને વાત કર, જેથી પાયલ એનું દિલ ખોલીને એની સાથે વાત કરી શકે અને જો આપડું ધારેલું સાચું નીકળે, તો પછી તારા પપ્પાને આ વાતની જાણ કરીને, હિતેશની વાતને આગળ વધતી અટકાવી શકાય.’ મે કહ્યું.

‘અત્યારે તો કોઈ નથી. પાયલ જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે માનસી કરીને હતી અને અત્યારે એ પણ કોન્ટેક્ટમાં નથી.’ ચિંતા સાથે નિલેષે કહ્યું.

થોડીવાર અમે બંને મૌન રહ્યા. હું શું કરવું શું ના કરવું એ વિચારવા લાગ્યો. નિલેષની બહેન એ મારી બહેન, અને બહેન આમ ઉદાસ રહે એ મને જરા પણ પસંદ નહોતું.

દસેક મિનિટ રહીને મને એક વિચાર આવ્યો.

મે નિલેષને કહ્યું કે, ‘એક કામ કરીએ તો ?’

‘શું ?’

‘હું પાયલ સાથે વાત કરી જોવું તો ? કદાચ એ મને કહી પણ દે, કેમ કે, આવા કિસ્સામાં ઘણીવાર એવું બનતું હોય છે કે, મા-બાપને કે, ઘરની કોઈ વ્યક્તિને પોતાનાં મનની વાત ના કરી શક્તી હોય એ બીજી કોઈ વ્યક્તિને કહી દે. એક કોશિશ હું કરી જોવું, બાકી પરિણામ ઈશ્વર ઉપર છોડી દઉં.’

‘હમ્મ... તારી વાત તો સાચી છે. તે કહ્યું એવું બની શકે.’

‘એક કામ કર, રાત્રે ૯:૦૦ વાગ્યે તું પાયલને લઈને ઓફિસે આવજે. રાત્રે ઓફિસે કોઈ જ નહિ હોય.’ મે ક્હ્યું.

‘સારું...’

રાત્રે મળવાનું નક્કી કરીને અમે ગાર્ડનમાંથી છૂટા પડ્યા.

હું પાછો ઓફિસે આવ્યો. પાણી પીધું ને મારી રોલિંગ ચેર પર બેઠો અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો કે, ‘જે કંઈ પણ હોય પ્રભુ, આમાંથી પાર ઉતારજે.’

સાંજે ૭:૦૦ વાગ્યે હું ઓફિસ બંધ કરીને ઘરે ગયો. ૮:૦૦ વાગ્યે જમીને થોડીવાર ટીવી જોયું, થોડીવાર આમતેમ આંટા માર્યા અને ૮:૩૦ વાગ્યે પાછો ઓફિસે જવા નીકળ્યો.

દસ મિનિટમાં હું ઓફિસે પહોંચ્યો. કોમ્પુટરમાં સોંગ ચાલુ કર્યા ને આંખો બંધ કરીને સોંગ સાંભળવા લાગ્યો. લગભગ ૯:૨૦ વાગ્યે નિલેષનો ફોન આવ્યો.

‘હા બોલ...’ મે કહ્યું

‘આવી ગયો ઓફિસે ? તો આવું.’

‘હા, ઓફિસે જ છું, આવીજા.’

‘ઓકે...!’ કહીને નિલેષે ફોન મૂકી દીધો.

નિલેષનાં ઘરથી મારી ઓફિસ બહુ દૂર નહોતી. લગભગ દસેક મિનિટમાં નિલેષ અને પાયલ બંને ઓફિસે આવી ગયા.

બંને મારી સામેની ચેર પર બેઠા. મે પાયલ તરફ એક નજર કરી. તે નીચી નજરે બેઠી બેઠી પોતાનાં ડ્રેસનાં દુપટ્ટા પર આંગળીઓ ફેરવતી હતી. પાયલનો ચહેરો સાવ કરમાઈ ગયેલા ફૂલ જેવો થઈ ગયો હતો, એનાં ચહેરા પર ઉદાસીનાં વાદળો છવાયેલાં હતાં અને આ ઉદાસીનાં વાદળોને મારે દૂર કરવાની કોશિશ કરવાની હતી.

‘જો પાયલ, સાંજે નિલેષ મારી પાસે આવીને રડવા લાગ્યો અને રડતાં રડતાં બધી જ વાત કરી કે, જ્યારથી હિતેશનું માગું તારા માટે આવ્યું છે અને જોવાનું નક્કી કર્યું છે, ત્યારથી તું ઉદાસ રહ્યા કરે છે, એને તને એકવાર પુછ્યું તો પણ તે સરખો જવાબ ના આપ્યો. તને ખબર છે તારા ભાઈને તારી કેટલી ચિંતા છે ?’ મનમાં ઈશ્વરનું નામ લઈને મે વાતની શરૂઆત કરી.

નિલેષ ભલે મારી પાસે રડ્યો નહોતો, તો પણ મારે પાયલ પાસે ખોટું બોલવું પડ્યું કે, નિલેષ મારી પાસે આવી રડવા લાગ્યો’તો, એનું એક જ કારણ હતું કે, નિલેષનાં રડવાની અને દુ:ખી થવાની વાત પાયલને કરું તો, કદાચ પાયલ પોતાનાં મનમાં દબાઈને રાખેલી વાત કહી દે.

મારા શબ્દોનું તીર સાચી દિશામાં વાગ્યું. પાયલની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તે ચોધાર આંસુએ રડતી હતી. પાયલને શાંત રાખવા નિલેષ પોતાનાં હાથને પાયલનાં ખભા તરફ લંબાવવા જતો હતો કે, ત્યાં જ મે એને ઈશારાથી રોક્યો. નિલેષ પણ હું શું કહેવા માંગુ છુ એ બરાબર સમજી ગયો. થોડીવાર અમે પાયલને રડવા દીધી, જેથી એનું મન હલકું થઈ જાય.

પાંચેક મિનિટ પછી મે નિલેષને પાયલને પાણી આપવા ઈશારો કર્યો. નિલેષે પાયલને પાણીનો ગ્લાસ ભરીને આપ્યો. થોડું પાણી પીને પાયલે ગ્લાસ ટેબલ પર મૂકી દીધો.

મે સીધા જ મુદ્દા પર આવીને પાયલને પુછ્યું ‘સાચું બોલ બેન, તે ખરેખર તારી મરજીથી જ હા પાડી છે ?’

‘ના...’ બોલતાં જ ફરી એનાં ગળે એક ડૂમો ભરાઈ આવ્યો.

‘જો બેન, રડ્યા વગર જે કંઈ મનમાં હોય એ શાંતિથી અને બેફિકર અમને કહે. જો, મનમાં જે છે એ કહીશ, તો એનો રસ્તો થશે, બાકી કંઈ કહીશ જ નહિ, તો કંઈ જ નહિ થાય.’ મે કહ્યું.

‘મારા પપ્પાએ અને નિલેષે મને હથેળીમાં સાચવી છે. મને ક્યારેય કોઈ ચીજની કમી નથી આવવા દીધી. મને ખૂબ જ પ્રેમ આપ્યો છે.’ પાયલ રડતાં રડતાં બોલી રહી હતી. ‘હિતેશ પપ્પાને અને ઘરનાં બધાને ગમે છે એટલે મે હા પાડી દીધી. હું ના નો કહી શકી.’

મે જે ધાર્યું હતું એ સાચું પડ્યું.

‘અરે ગાંડી, તે પહેલા જ આ વાત કરી હોત તો ? કંઈ વાંધો નહિ, જે થઈ ગયું એ થઈ ગયું. નિલેષ આજે જ તારા પપ્પાને આ વાત કરશે અને હિતેશ સાથેની વાત અહીંયા જ અટકાવી દેશે.’ મે કહ્યું.

‘ના ભાઈ, ના નથી કહેવી.’ પાયલે કહ્યું.

‘કેમ ?’ મે પુછ્યું.

‘ના પાડીશ તો પપ્પાને મનમાં કેવું થશે ?’

‘જો પાયલ, લગ્ન એ કોઈ કઠપૂતળીની રમત નથી અને બીજી એક વાત કહી દઉં કે, તું હિતેશ સાથે લગ્ન કરીને પણ ખુશ નહિ રહી શકે, કેમ કે, તને હિતેશ પસંદ જ નથી. એક વાત યાદ રાખજે, મન વગર કદી માળવે ના જવાય. મે એવા ઘણા લોકોને જોયા છે, જે મન વગર લગ્ન કરીને પોતાનાં લગ્ન જીવનનાં ગાડાને ધક્કા મારી મારીને ચલાવતાં હોય છે અને દુખી થાય છે અને તું દુખી થઈશ તો તારા મા-બાપ અને નિલેષ પણ દુખી જ થશે. તને તારા મમ્મી-પપ્પાએ કે, નિલેષે પરાણે તો નથી કીધું કે, તું હિતેશ સાથે જ લગ્ન કર અને હજી તો ખાલી માગું આવ્યું છે, જો તને ના ગમતું હોય તો તારે પહેલા જ ના કહેવી જોઈએ. ક્યારેય પણ, કોઈ પણ વાત મનમાં નહિ રાખવાની, જે પણ મનમાં હોય એ કહી દેવું જોઈએ, જેથી એનો રસ્તો થાય અને હજી પણ તું જ તારા મોઢે આ વાત તારા મમ્મી-પપ્પાને કહી દે. તારા મમ્મી-પપ્પા અને નિલેષ પણ તારી ખુશીમાં જ ખુશ હોય, તને દુખી જોઈને એ પણ દુખી થશે. શું તું એવું ઈચ્છે છે કે, તારા મા-બાપ અને નિલેષ દુખી થાય ? મારું કામ છે તને સાચો રસ્તો બતાવવાનું, પછી એ રસ્તા પર ચાલવું કે ના ચાલવું એ તારે વિચારવાનું.’ મારાથી બનતી તમામ કોશિશ સાથે મે પાયલને સમજાવી.

થોડીવાર પાયલ મૌન રહી.

‘ભાઈ, તારી વાત સો ટકા સાચી છે. કોઈ પણ વાત મનમાં ના રાખવી જોઈએ. હું અત્યારે જ ઘરે જઈને મમ્મી-પપ્પાને ના કહી દઉં છું અને હિતેશની વાત આગળ વધતી અટકાવી દઉં.’ દસ મિનિટ પછી પાયલે ચહેરા પર સ્માઈલ સાથે મને કહ્યું.

‘ગુડ પાયલ.’ મે કહ્યું.

રાતનાં દસ વાગી ગયા હતાં. મે કહ્યું ‘સારું હવે ઘરે જઈશું ?’

‘હા...!’ નિલેષ બોલ્યો.

નિલેષ અને પાયલ એનાં ઘરે જવા નીકળ્યા અને હું મારા ઘરે.

ઘરે પહોંચીને હું બુક બંચતો હતો. ૧૧:૩૦ વાગ્યે મારા મોબાઈલની રિંગ વાગી. મે જોયું નિલેષનો ફોન હતો.

‘બોલ ભાઈ.’ મે ફોન રિસીવ કરી કહ્યું.

‘દોસ્ત, અમે ઘરે પહોંચ્યા પછી પાયલે મમ્મી-પપ્પાને બધી વાત કરી દીધી અને પપ્પાએ કાકાને પણ ફોન કરીને બધી વાત જણાવી અને હિતેશની વાત કેન્સલ થઈ ગઈ.

મે કહ્યું, ‘સરસ... મને ખૂબ આનંદ થયો ભાઈ.’ કહીને મે ફોન મૂકી ઈશ્વરનો આભાર માન્યો.