SAMBANDHA PAR PURNAVIRAM books and stories free download online pdf in Gujarati

સંબંધ પર પૂર્ણવિરામ

- મનીષ ચુડાસમા

“સ્નેહનું પવિત્ર ઝરણું”

 

        સાંજનાં ચાર વાગ્યા હતાં. રવિવારનો દિવસ હતો. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. મોરલા કળા કરીને નાચી રહ્યા હતાં. ‘હું વાત કરું, હજી પણ તું ના કહી શકતો હોય તો ?’ ગાંધીનગરમાં આવેલાં ઇન્દ્રોડા પાર્કમાં એક ઝાડ નીચેનાં બાંકડા પર બેઠેલા હિરેને જીગ્નેશને કહ્યું.

 

        ‘અરે દોસ્ત, હું જ કહીશ. એકવાર તો મેં મારી લાગણીઓ, મારા પ્રેમનો ઇઝહાર નહીં કરીને ભૂલ કરી છે. હવે બીજીવાર નથી કરવી. એકવાર સુજાતાને રૂબરૂ મળવા તો દે.’ જીગ્નેશે હિરેનને કહ્યું. એને ભૂતકાળમાં કરેલી પોતાની ભૂલ પર ભારોભાર પસ્તાવો થઈ રહ્યો હતો.

 

        જીગ્નેશ અને હિરેન વચ્ચે પાક્કી દોસ્તી. બંને જણાં સગા ભાઈની જેમ જ રહે. બંને એકબીજાનાં સુખદુ:ખનું સરનામું. આજે બંને મિત્રો ઇન્દ્રોડા પાર્કમાં ફરવા આવ્યા હતાં. બંને જણાં ફોટા પાડવામાં મશગુલ હતાં, એવામાં જીગ્નેશ પર સુજાતાનો ફોન આવ્યો. ફોનમાં વાત કરતા કરતા જીગ્નેશનાં ચહેરા પરનાં હાવભાવ બદલાવા લાગ્યા. ફોન મૂકીને જીગ્નેશે હિરેનને કહ્યું, ‘યાર, સુજાતાની લાઈફમાં કેટલી તકલીફ છે. એની જિંદગી દુ:ખનાં સરોવરથી ભરેલી છે. એનાં લગ્ન થયાને આજે સાત વરસ થયા, છતા એ એનાં પતિનો માનસિક અને શારીરિક ત્રાસ સહન કરીને જીવે છે. અમે લોકો ઘણીવાર ફોનમાં વાત કરીએ છીએ, ઘણીવાર રૂબરૂ મળીએ છીએ છતાં સુજાતાએ એની વેદના, એની પીડા વિશે મને કદી ખબર નથી પડવા દીધી.’ બોલતા બોલતા જીગ્નેશનાં આંસુ એનાં ચહેરા પર પડેલા વરસાદનાં ટીપા સાથે એકરસ થઈ ગયાં.

 

        આજથી દસ વર્ષ પહેલાં જીગ્નેશ અને સુજાતાની મુલાકાત અમદાવાદની જાણીતી એક કોલેજનાં બી. એ. નાં ફર્સ્ટ યરમાં થઈ હતી. બંને જણાં અમદાવાદમાં જ રહેતા હતાં. સુજાતા ખૂબ જ સુંદર. પ્રથમ નજરે જ કોઈ એનાં પ્રેમમાં પડી જાય એવી હતી. જીગ્નેશ પણ કંઇ ઓછો સુંદર નહોતો. જીગ્નેશ પણ દેખાવડો. એકદમ ચોકલેટી હીરો જેવો લાગતો હતો. બંને વચ્ચે દોસ્તીની ગાંઠ બંધાઈ ગઈ. બંને વચ્ચે ફેમિલી રિલેશન થઈ ગયાં. ક્લાસરૂમથી લઈને કેન્ટીન અને કોલેજ પૂરી થયા બાદ કોલેજનાં ગેટ સુધી બંને સાથે ને સાથે. ગેટથી બંનેનાં ઘર વિરુદ્ધ દિશામાં હતાં. જીગ્નેશનાં ફેમિલીમાં માતાપિતા અને જીગ્નેશ પોતે, એમ ત્રણ જણાનું નાનું અને સુખી ફેમિલી. જીગ્નેશથી મોટી બેનનાં લગ્ન થઇ ગયા હતાં. જ્યારે સુજાતાનાં ફેમિલીમાં માતાપિતા અને એ ત્રણ બહેનો અને એક ભાઈ. સુજાતા વચેટ હતી. મોટી બહેન પરણી ચૂકી હતી. સુજાતા પછી ભાઈ અને સૌથી નાની એક બેન. સુજાતાનાં પિતા એક કરિયાણાની દુકાનમાં નજીવા પગારથી નોકરી કરતાં હતાં.

 

       સમય વિતતો ચાલ્યો. કહેવાય છે ને કે, દોસ્તી ક્યારે પ્રેમનું રૂપ ધારણ કરીલે એ નક્કી નહિ. જીગ્નેશનાં હૃદયમાં સુજાતાનાં પ્રેમની મુર્તિની સ્થાપના થઈ ગઈ. જીગ્નેશ મનોમન સુજાતાને ચાહવા લાગ્યો. જેમજેમ દિવસો વીતતા ગયા, તેમતેમ જીગ્નેશનો સુજાતા પ્રત્યેનો પ્રેમ પણ વધતો ગયો. જીગ્નેશ સુજાતાનાં જ સપનાઓ અને વિચારોમાં ખોવાયેલો રહેતો.

       

        ઘણીવાર જીગ્નેશે સુજાતા આગળ પોતાનાં પ્રેમનો એકરાર કરવાનું નક્કી કર્યું, પણ જ્યારે જ્યારે સુજાતા સામે આવે, ત્યારે એની બોલતી બંધ થઈ જતી. કહેવું ઘણું હોય પણ, કંઈ કહી શકતો નહોતો.

 

       ‘સુજાતાનાં તમામ દુ:ખો મને આપજો અને મારા તમામ સુખો સુજાતાને.’ જીગ્નેશ સવારે નાહીને મંદિરમાં પુજા કરતી વખતે ભગવાન પાસે હંમેશા બે હાથ જોડીને સુજાતાની ખુશી જ માંગતો. જીગ્નેશ સુજાતાનાં શરીરનો ભૂખ્યો નહોતો. સુજાતાને પામવાની આશા પણ કદી એને રાખી ન હતી. એની જિંદગીનું એક જ લક્ષ્ય હતું, અને એ હતું સુજાતાની ખુશી.

 

        એકદિવસ સુજાતા કોલેજ ન આવી. જીગ્નેશે સુજાતાને ફોન કર્યો. ફોન સુજાતાનાં મમ્મીએ રિસીવ કર્યો, ‘હા બોલ જીગ્નેશ.’

 

        ‘માસી, સુજાતા ક્યાં છે ? એ આજે કોલેજ કેમ નથી આવી ?’ જીગ્નેશે પુછ્યું.

 

        ‘બેટા, સુજાતાને ગઇકાલ રાતનો સખત તાવ આવ્યો છે. દવા લેવા છતાં પણ મોડી રાતે તાવ ન ઉતર્યો, એટલે રાતનાં અઢી વાગ્યે સુજાતાને હોસ્પીટલમાં એડમિટ કરવી પડી. અત્યારે એ સૂતી છે.’ સુજાતાનાં મમ્મીએ કહ્યું. એમની વાત સાંભળી જીગ્નેશનાં ધબકારા વધી ગયાં. એનાં ચહેરા પર ચિંતાએ કબજો કરી લીધો. કેમ કે, સુજાતાને નાનામાં નાની તકલીફ પણ પડે, એ વાત જીગ્નેશને મંજૂર નહોતી.

 

        ‘માસી, હું હોસ્પિટલ આવું છુ. તમે મને હોસ્પિટલનું એડ્રેસ મેસેજ કરો.’

 

        ‘સારું બેટા.’ કહીને સુજાતાનાં મમ્મીએ ફોન મૂકી દીધો.

 

        ફોન મૂકીને જીગ્નેશ કોલેજનાં પાર્કિંગમાં ગયો. બાઈક લઈ હોસ્પિટલ જવા નીકળ્યો. રસ્તામાં એ.ટી.એમ. પાસે સાઇડમાં બાઈક પાર્ક કર્યું. એ.ટી.એમ. માં જઈને દસ હજાર રૂપિયા ઉપાડ્યા. એ.ટી.એમ. માંથી બહાર આવી પાછી હોસ્પિટલ તરફ બાઇક હંકારી મૂકી. હોસ્પિટલ પહોંચીને બાઈક પાર્ક કરી બીજા માળે પહોંચ્યો, ત્યાં જ સામેથી સુજાતાનાં મમ્મી આવતા દેખાયા. ‘માસી, સુજાતા ક્યાં છે ?’

 

        ‘એ સામે જનરલ વોર્ડમાં ૪ નંબરનાં ખાટલામાં છે. તું જા એની પાસે. હું નીચે મેડિકલમાંથી આ દવા લઈને આવું છું.’ હાથમાં રહેલું ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્સ્ન બતાવતાં સુજાતાનાં મમ્મીએ કહ્યું.

 

        ‘લાવો માસી, દવા હું લઈ આવું છું. તમે સુજાતા પાસે રહો.’ સુજાતાનાં મમ્મી કંઈ બોલવા જતાં હતાં. પણ એ બોલે એ પહેલાં સુજાતાનાં મમ્મીનાં હાથમાંથી ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્સ્ન લઈને જીગ્નેશ દવા લેવા જતો રહ્યો.

 

       પંદર મિનિટમાં દવા લઈને જીગ્નેશ જનરલ વોર્ડમાં સુજાતા પાસે આવ્યો. સુજાતા બેડ પર બેઠી હતી. ‘આવ જીગ્નેશ, બેસ અને આ તકલીફ લેવાની તારે ક્યાં જરૂર હતી. મમ્મી તો હતાં.’ જીગ્નેશનાં હાથમાં રહેલી દવાઓ જોઈને સુજાતાએ કહ્યું.

 

        ‘આવા સમયે હું કામમાં ન આવું તો, આપડી દોસ્તી શું કામની. કેવી છે હવે તારી તબિયત ?’ જીગ્નેશે પોતાની પીડાને દિલમાં છુપાવી, ચહેરા પર હાસ્યનો મુખોટો પહેરતા કહ્યું. એને ઘણું મન થતું હતું. સુજાતાનો હાથ પકડીને એની પાસે બેસવાનું. પ્રેમથી એનાં માથે હાથ ફેરવી, કપાળે વહાલભર્યું ચુંબન કરવાનું.

 

        ‘સારું છે હવે.’ સુજાતાએ કહ્યું.

 

        ‘રિપોર્ટ્સ કરાવ્યા ?’ જીગ્નેશે પુછ્યું.

 

        ‘હા... નોર્મલ જ છે. વાયરલ ઇન્ફેક્સન છે. ચિંતા જેવુ કંઈ નથી. કાલે તો રજા આપી દેશે.’ સુજાતાએ કહ્યું.

 

        હવે જીગ્નેશને મનમાં થોડી શાંતિ થઈ. જીગ્નેશે પોતાનાં પાકિટમાંથી દસ હજાર રૂપિયા કાઢ્યા અને સુજાતાનાં મમ્મીનાં હાથમાં આપતાં કહ્યું, ‘લો માસી, આ દસ હજાર છે. બીજા જરૂર પડે તો કહેજો.’

 

        ‘ના બેટા, આ મારાથી ન લેવાય.’ રૂપિયા પાછા આપતા સુજાતાનાં મમ્મી બોલ્યા.

 

        ‘ના પાડો તો મારા સમ છે માસી.’ પરાણે પોતાનાં સમ દઈને જીગ્નેશે દસ હજાર રૂપિયા સુજાતાનાં મમ્મીનાં હાથમાં મૂક્યા અને કહ્યું, ‘મારા લાયક કંઈ પણ કામ હોય તો કહેજો.’

 

        ‘થેન્ક યૂ.’ સુજાતાએ કહ્યું.

 

        ‘એમાં આભાર ન હોય. આતો મારી ફરજ છે.’ એ આખો દિવસ જીગ્નેશ સુજાતા પાસે રહ્યો.

 

        હોસ્પિટલમાંથી રજા આપ્યાનાં બે દિવસ પછી સુજાતાએ કોલેજ જવાનું શરૂ કરી દીધું.

 

        એકદિવસની વાત છે. સુજાતાનો મૂડ ઠીક નહોતો. એને જીગ્નેશને કહ્યું, ‘ચલ, આજે બંક મારીને લોંગ ડ્રાઈવ પર જઈએ.’ જીગ્નેશને સુજાતાનો ચહેરો જોતાં જ ખ્યાલ આવી ગયો હતો કે, એનો મૂડ નથી. જીગ્નેશે સુજાતાની વાતને સમર્થન આપ્યું. બંને જણાં કલાકનો રસ્તો કાપી થોલ પક્ષી અભ્યારણ પહોંચ્યા. અંદર જઈને એક ઝાડનાં છાયા નીચે તળાવ દેખાય એ રીતે બંને બેઠા.

 

        ‘સુજાતા, શું વાત છે ? આજે તારો મૂડ નથી લાગતો.’ તળાવ તરફ મીટ માંડીને જોઈ રહેલી સુજાતાને જીગ્નેશે પુછ્યું.

 

        ‘શું કહું યાર. મારી સોસાયટીમાં રહેતો પરેશ મારી પાછળ હાથ ધોઈને પડ્યો છે. મને કે હું તને પ્રેમ કરું છું. ગઈ કાલે તો એને હદ કરી નાખી. એ અને એનાં મમ્મી મારા ઘરે આવ્યા. મારા પપ્પા પાસે મારો હાથ માંગ્યો.’

 

        ‘પછી ?’

 

       'પછી શું. મે પરેશને એક ઝાપટ મારી દીધી અને પપ્પાને કહી દીધું કે, એ મારી પાછળ પડ્યો છે. પછી મારા પપ્પાએ પરેશને ખુલ્લી ધમકી આપી દીધી. એકવાર તો પડોશી છે એટલે જવા દઉં છું. પણ આજ પછી ક્યારેય મારી દીકરી સામે જોયું છે ને, તો તારી ખેર નથી.’ સુજાતાની નજર હજી તળાવ તરફ જ હતી. પણ અહિયાં આવ્યા પછી એને થોડું સારું લાગતું’તું.

 

        ‘મને પરેશનો નંબર આપ. એની તો હું બેન્ડ બજાવી દઇશ.’ જીગ્નેશે સુજાતાને કહ્યું. એનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. અત્યારે કદાચ પરેશ સામે હોત તો નક્કી એ પરેશનું ખૂન કરી નાખત.

 

        ‘ના, ના, એ મેટર હવે પતી ગઈ છે. એટલે હવે કંઇ નથી કરવું. તું શાંત થઈજા.’ કહીને સુજાતાએ પાણીની બોટલ જીગ્નેશને આપી.

 

        સમય સડસડાટ વિતતો ચાલ્યો. બંનેનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું. પણ જીગ્નેશ પોતાનાં મનની વાત સુજાતાને ન કહી શક્યો તે ન જ કહી શક્યો. પણ એ બંને વચ્ચે દોસ્તીનો સંબંધ અકબંધ હતો. બંનેને અલગ અલગ પ્રાઈવેટ કંપનીમાં જોબ મળી ગઈ હતી.

 

        એક વર્ષ પછી સુજાતાની સગાઈ અમદાવાદમાં જ સમાજમાં રીતરિવાજ મુજબ થઈ ગઈ. એનું સાસરું ખૂબ જ શ્રીમંત હતું. સુજાતાનો ફિયાન્સ પણ ઊંચા પગાર વાળી નોકરી ધરાવતો હતો. સગાઈ અને લગ્ન વચ્ચેનાં સમયગાળા દરમ્યાન સુજાતા એનાં ફિયાન્સને મોંઘીદાટ ગિફટો આપતી. આ ગિફટોનાં પૈસા એ જીગ્નેશ પાસેથી થોડા દિવસમાં પાછા આપવાનાં વાયદે લેતી. ત્યાં સુધી કે, લગ્નમાં પોતાનાં પતિ માટે ફર્સ્ટ નાઈટની ગિફ્ટ પણ સુજાતાએ જીગ્નેશનાં પૈસાથી ખરીદી હતી અને જીગ્નેશ પાસેથી લીધેલાં ઉછીના રૂપિયા પાછા આપવાનો એકપણ વાયદો સુજાતાએ પાળ્યો ન હતો. જીગ્નેશ પણ સુજાતા પાણી માંગે ત્યાં દૂધ હાજર કરતો હોય એમ સુજાતાને જ્યારે માંગે ત્યારે રૂપિયા આપી દેતો. સમય આવ્યે સુજાતાનાં લગ્ન પણ થઈ ગયાં. લગ્ન પછી પણ સુજાતા અને જીગ્નેશની દોસ્તી પહેલાં જેવી જ અકબંધ હતી.

 

        આજે સુજાતાનાં લગ્નને પૂરા સાત વર્ષ થયાં હતાં. સુજાતાની વેદના સાંભળીને જીગ્નેશનાં પગ નીચેથી ધરતી ખસી ગઈ. ‘યાર, મને આ સાત વર્ષમાં મારા પતી તરફથી એકદિવસ પણ સુખ મળ્યું નથી. દરરોજ રાત્રે દારૂ પીને આવે છે અને મને મારે છે. હું જીવું છું તો માત્ર મારા છોકરા માટે થઈને.’ સુજાતા ચોધાર આંસુએ રડી રહી હતી. સાત વર્ષ સુધી મનમાં ભરી રાખેલી વેદના આજે એને જીગ્નેશ આગળ ઠાલવી દીધી.

 

       ‘તે આજ દિન સુધી મને વાત કેમ ન કરી ? શું હું તારો દોસ્ત નહોતો ?’ જીગ્નેશે સુજાતાને કહ્યું.

 

        ‘તું ક્યાંક મારા પપ્પાને કહીદે તો. એટલે મે તને ન કીધું. અને હા, મને એક પ્રોમિસ આપ કે, તું આ વાત મારા પપ્પાને કદી નહીં કહે.’

 

        ‘નહીં કહું, પણ આનો કંઈક રસ્તો.......’ સુજાતાએ જીગ્નેશને અધવચ્ચેથી બોલતો અટકાવી દીધો.

 

        ‘હવે જે થાય એ, બીજું શું ! સારું ચલ, એમનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. પછી વાત કરીશ.’ કહીને સુજાતાએ ફોન મૂકી દીધો.

 

        ફોન મૂકીને જીગ્નેશે થોડીવાર વિચાર કર્યો. એને હિરેનને કહ્યું, ‘યાર, સુજાતાને હું હજી અપનાવવા તૈયાર છું. એ એનાં પતિને ડાયવોર્સ આપીદે, તો હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું. એને એનાં દીકરા સાથે એને અપનાવી લઇશ. દુનિયાની તમામ ખુશી હું સુજાતાને આપીશ.’

 

        અને એટલે જ હિરેને જીગ્નેશને કહ્યું કે, ‘હું વાત કરું, હજી પણ તું ના કહી શકતો હોય તો ?’ પણ જીગ્નેશે હવે મક્કમ નિર્ણય લઈ લીધો હતો. બસ, સુજાતાને રૂબરૂ મળીને દિલની ન કહેવાયેલી, વર્ષોથી અક્બંધ રાખેલી લાગણી સુજાતાને કહી દઈશ અને એટલે જ જીગ્નેશે હિરેનને કહ્યું, ‘અરે દોસ્ત, હું જ કહીશ. એકવાર તો મેં મારી લાગણીઓ, મારા પ્રેમનો ઇઝહાર નહીં કરીને જિંદગીની બહુ મોટી ભૂલ કરી છે. હવે બીજીવાર ભૂલ નથી કરવી. બસ, આવતા રવિવારે સુજાતાને રૂબરૂ મળવા દે.’

 

        ‘સારું, મારી જ્યાં પણ, જ્યારે પણ જરૂર પડે ત્યારે કહેજે.’ હિરેને કહ્યું અને થોડીવાર આમતેમ આંટા માર્યા પછી બંને મિત્રો ઘરે જવા નીકળ્યા. તે દિવસની રાત્રે પૂરી રાત જીગ્નેશ ચેનથી સૂઈ ન શક્યો. આખી રાત બેડ પર આમતેમ પડખા ફેરવવામાં જ પૂરી થઈ ગઈ.

 

        બીજે દિવસે સવારે રૂટિન કાર્ય પતાવી સાડાનવે જીગ્નેશ ઓફિસે ગયો. ઓફિસમાં પણ એનું મન કામમાં નહોતું લાગતું. તે પોતાની ચેર પરથી ઊભો થઈ ઓફિસની બહાર આવેલી બાલ્કનીમાં જઈ આંટા મારવા લાગ્યો. થોડીવાર પછી મનમાં નક્કી કરી લીધું, ‘કાલે જ સુજાતાને મળીને મારા દિલની વાત કહી દઉં. સાંજે સુજાતાને ફોન કરીને કાલે મળવા માટે નક્કી કરી લઉં.’ અને પાછો પોતાની ચેર પર આવીને બેઠો. લગભગ એક વાગ્યો હશે. જીગ્નેશનાં ફોનની રિંગ વાગી. જીગ્નેશે ફોન હાથમાં લઈ ડિસ્પ્લે પર જોયું. ખુશાલી નામ હતું. જીગ્નેશની ફ્રેન્ડ અને સુજાતાની પાકકી સખી હતી. સુજાતા અને ખુશાલીનું ઘર નજીક નજીક જ હતું. એકવાર સંકટ સમયમાં સુજાતનાં કહેવાથી જીગ્નેશે ખુશાલીની મદદ કરી હતી ત્યારથી ખુશાલી પણ જીગ્નેશની ફ્રેન્ડ બની ગઈ હતી. ક્યારેક ક્યારેક બંને વચ્ચે ફોનમાં વાત થતી.

 

        ‘હાય ખુશાલી.’ જીગ્નેશે કહ્યું.

 

        ‘શું કરે છે ?’

 

        ‘બસ, જો જમીને ઊભો થયો. તું બોલ, શું ચાલે છે ?’

 

        ‘એકદમ જલસા છે. હમણાંથી વાત નહોતી થઈ એટલે થયું કે, લાવ તને ફોન કરું.’

 

        થોડીવાર બંનેએ ફોનમાં ગપ્પાં માર્યા પછી ખુશાલીએ પુછ્યું, ‘શું કરે છે સુજાતા ? ફોન આવે છે કે નહી તારી પર ? મારે તો હમણાંથી એની સાથે વાત જ નથી થઈ.’

 

        “હા, કાલે જ ફોન આવ્યો હતો.” જીગ્નેશને મનમાં થયું કે, ‘ખુશાલીને સુજાતાની મેરેજ લાઈફ વિશે અને પોતાનાં પ્લાન વિશે વાત કરું.’ પણ બીજી જ ક્ષણે એને વિચાર માંડી વાળ્યો.

 

        “મેરેજ પછી સાવ બદલાઈ ગઈ છે. ફોન પણ કરતી નથી. નવીનવાઈનાં એણે એકલાએ જ મેરેજ કર્યા હોય એમ. છોડ એ બધુ. તું કે તારે ક્યારે મેરેજ કરવા છે ?” ખુશાલીએ પુછ્યું.

 

        “સારું પાત્ર મળે એટલે તરત.” પોતે લીધેલા નિર્ણયને છુપો રાખીને જીગ્નેશે કહ્યું.

 

        “સારું પાત્ર મળે તો કરી જ લેજે. હાથમાંથી જવા ન દેતો સુજાતાની જેમ.” જીગ્નેશને ખુશાલીની વાત સાંભળી આંચકો લાગ્યો. ખુશાલી શું કહેવા માંગે છે એ કંઈ સમજી ન શક્યો.

 

        “એટલે તું કહેવા શું માંગે છે ? હું કંઈ સમજ્યો નહીં.”

 

        “લે, તને કંઈ જ ખબર નથી ?” ખુશાલીએ આશ્ચર્ય સાથે પુછ્યું.

 

        “શેની ખબર ?”

 

        “એ જ કે, પરેશ અને સુજાતાનું હતું ?”

 

        “એ જ પરેશ, જે સુજાતાની સોસાયટીમાં રહે છે.” જીગ્નેશે પુછ્યું.

 

        “હા, એ જ પરેશ. પણ તને ખરેખર કંઈ જ ખબર નથી ?”

 

        “ના, ખરેખર સુજાતા અને પરેશ વિશે મને કંઈ જ ખબર નથી. પણ હા, એકવાર મને સુજાતાએ કહ્યું હતું કે, મારી સોસાયટીમાં રહેતો પરેશ મારી પાછળ પડ્યો છે. એ મારી સાથે મેરેજ કરવા માંગે છે. એકવાર પરેશ અને એનાં મમ્મીએ મારા ઘરે આવીને મારા પપ્પા પાસે મારો હાથ માંગ્યો હતો. અને મે એને ઝાપટ મારી દીધી. કેમ કે, મને પરેશ જરાય પસંદ નહોતો. હું તો ખાલી ફ્રેન્ડની રીતે જ એની સાથે બોલતી. આવું મને ખુદ સુજાતાએ કહ્યું છે.”

 

        “સુજાતાએ તને જે કંઈ કહ્યું એ બધુ ખોટું છે. હકીકત તો એ છે કે, પરેશ સુજાતાને દિલથી પ્રેમ કરતો’તો. એ આઠમાં ધોરણથી અમારી સાથે ભણતો’તો. અમે લોકો જ્યારે પ્રવાસમાં ગયાં ત્યારે ત્યાં પણ બંનેએ સાથે ફોટા પડાવ્યા હતા. ઘણીવાર એ બંને સ્કૂલ બંક કરીને કાંકરીયા સાથે ફરવા જતા’તા. પણ.......!” ખુશાલી આટલું કહીને અટકી ગઈ.

 

        “પણ શું ?” જીગ્નેશે ખુશાલીને પુછ્યું.

 

        થોડીવાર મૌન રહ્યા બાદ ખુશાલી બોલી, “સુજાતાએ પરેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે. એણે માત્ર પરેશ સાથે ટાઇમપાસ જ કર્યો છે. સુજાતાએ પરેશનું ખૂબ દિલ દુભાવ્યું છે. પરેશને જીવતેજીવ મારી નાખ્યો છે. પરેશે શું શું નથી કર્યું સુજાતા માટે. જે દિવસે સુજાતાનાં મેરેજ હતા એ દિવસે પરેશ ખૂજ જ રડ્યો’તો. એકલા પરેશ સાથે જ નહીં. એની સોસાયટીમાં રહેતા ભરત સાથે પણ એને પ્રેમનું નાટક કર્યું હતું. ભરત વાળો મામલો તો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો’તો. સુજાતાએ બહુ ખોટું કર્યું છે.” વાત કરતાં કરતાં ખુશાલીની આંખો પણ ભીની થઈ ગઈ.

 

        'હમ્મ...’ખુશાલીએ જે કંઈ વાત કરી એ પછી જીગ્નેશ કંઈ બોલી શકવાની સ્થિતિમાં ન હતો. એ પૂતળું બની ગયો હતો. એની આંખો આંસુઓનો દરિયો બની ગઈ હતી.

 

        'મને એમ કે, તમે બંને ક્લોઝ ફ્રેન્ડ છો એટલે તને કદાચ બધી ખબર હશે.' ખુશાલીએ કહ્યું.

 

        'સારું, લંચ ટાઈમ પૂરો થઈ ગયો. હું રાત્રે વાત કરું.' માંડ માંડ બોલીને, બાય કહીને જીગ્નેશ ફોન મૂકીને ખુબ રડ્યો. થોડીવાર પછી વોશરૂમમાં જઈ મોઢું ધોઈ ફ્રેશ થઈને એક મક્કમ નિર્ણય સાથે વોશરૂમમાંથી બહાર આવ્યો. બહાર આવી તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવી ઓફિસમાંથી રજા લઇને નીકળી ગયો.

 

        ઓફિસેથી નીકળ્યા પછી સીધો જ હિરેન પાસે ગયો. હિરેનને મળીને ખુશાલી સાથે થયેલી બધી વાત કરી.

 

        'હવે તારો શું વિચાર છે ? મતલબ કે, હવે શું કરવું છે ?' જીગ્નેશની વાત સાંભળ્યા પછી હિરેને પુછ્યું.

 

        'કરવાનું શું હોય દોસ્ત, આજથી જ આ સંબંધ પર પૂર્ણ વિરામ. જેને પ્રેમની કદર નથી. જેને દોસ્તીની કદર નથી. એની જોડે સંબંધ રાખીને શું કરવાનું. જે વ્યક્તિએ સુજાતાને દિલથી ચાહી, એની સાથે જ સુજાતાએ વિશ્વાસ્ઘાત કર્યો. મારી સાથે પણ દોસ્તીનું એને નાટક કર્યુ. મને મનસ્વપને પણ ખ્યાલ નહોતો કે, સુજાતા આવી નિકળશે. સુજાતાએ દરેકનો માત્ર ટિસ્યુ પેપરની જેમ ઉપયોગ જ કર્યો છે. આતો સારું થયું કે, ખુશાલીએ મને સામેથી જ સુજાતા વિશે કહ્યું. કુદરતનો આભાર માનું છું કે, સચ્ચાઈ સામે આવી ગઈ. આવી જુઠી, સ્વાર્થી વ્યક્તિનો ક્યારેય ભરોસો ના કરાય કે, ના આવી વ્યક્તિ સાથે કદીય સંબંધ રખાય. હવે એનાં કરમ એ જાણે.”' અને ખરેખર જીગ્નેશે સુજાતા સાથેનાં સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. સુજાતાનાં ફોન પણ જીગ્નેશે રિસીવ કરવાનાં બંધ કરી દિધાં.

 

(સત્ય ઘટના પર આધારિત‌)

*********