Koobo Sneh no - 51 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 51

🌺 આરતીસોની 🌺

પ્રકરણ : 51

સ્થિતિ પરિસ્થિતિએ ફરિયાદ કે રાજીપો વ્યક્ત કરવાની ઈશ્વરે દરેકેદરેક વ્યક્તિને છૂટ આપી તો છે, પણ એ વ્યક્તિમાં શક્તિ ખૂટી પડે ત્યારે? સઘડી સંઘર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

દિક્ષાની ન ખૂટતી વાતો અમ્માનેય પરેશાન કરી રહી હતી.

"વિરુ આ વખતે નક્કી કર્યુ છે કે, તમને મળીને અંદર ધરબાયેલી ફરિયાદો, વાતો, સપના, આડા હાથે મુકાઈ ગયેલી રાત, બધુંય એક સાથે ફટાફટ વહેંચી તમારી સાથે જબરદસ્ત ઝઘડો કરી લઈશ.."


"દરિયામાં જેમ મોજાંઓની હારમાળા સર્જાય છે, એમ જ જીવનમાં તોફાનોની હારમાળા સર્જાઈ છે વિરુ.. હાશકારો, હેડકી, ઓડકાર, ધરપત ભીની આંખોથી મન મોકળું કરીને ભીતરના ઉભરા ઠાલવી દઈશ.. ઘણી ફરિયાદો છે એ મારા ઉભરા સહેવા પણ વિરુ તમારે ઉઠવું તો પડશે જ.. આ તોફાનો ગમે ત્યારે ડૂબાડી દે અથવા ગમે ત્યારે મને બહાર બહાર ફેંકી દે.."


"અમ્મા, દિક્ષાની નજીક ગયાં અને માથે હાથ ફેરવી બોલ્યાં,


"શ્રદ્ધા રાખવાથી સહુ સારાવાના થશે દિક્ષા વહુ.. ડૂબવા અને બહાર ફેંકાઈ જવા વચ્ચે એક નજીવો તફાવત હવાનો છે.. દરિયો હવાને ડૂબાડી નથી શકતો, પરંતુ શરીરમાં હવા હોય તો દરિયો શરીરને ડૂબાડી દે છે અને ન હોય ત્યારે તરાવી કિનારે છોડી દે છે.. એ જ દરિયો શરીરની બાબતમાં આમ જ જરા વિપરિત વલણ વાપરે છે.. એવી જ રીતે શંકા ઊંડા દરિયામાં ધકેલી ડૂબાડી દે છે, પણ ઈશ્વર પરની શ્રદ્ધા કોઈનેય ડૂબવા નથી દેતી.. વિપરિત અસર કરશે જ.."


"અમ્મા.. તમારે સહારે તો આ ભયંકર તોફાનને ખાળી રહી છું.. ખૂબ જ ઊંચી વાત કહી છે તમે, આસાન શબ્દોમાં ખરો અર્થ તાદૃશ કર્યો અને સમજાવ્યો છે.."


આખો પરિવાર નિરાધાર પરિસ્થિતિએ મૂકાઈ ગયો હતો. દિક્ષા અને અમ્મા એકબીજાને સહારે આમ જીવન વ્યતીત કરી રહ્યાં હતાં. એક અજવાળી સવારે તડકો ખાવા અમ્મા, દરિયાઈ ભીની રેતી પર વિચારોના ભીના પગલાંઓ પાડી પાછલી જિંદગીના વંટોળમાં નાહી રહ્યાં હતાં. ઠંડી ઠંડી લહેરખી વચ્ચે ચોખ્ખી ચળકતી સવારનો તડકો, તાંબા પિત્તળના બેડા પર ચમકે એમ અમ્માના ચહેરા પર લીંપાયો હતો. સોનેરી તડકો એવો લાગે કે જાણે ચળકતી સવાર ઊગી.. અસબાબની જેમ સાચવી રાખેલી વિચારોની શૃંખલાએ દહાડ કરી અને એના પડઘા પકડવા દોટ મૂકી. વાયરા સાથે સ્મરણનો ભડકોય ચોક્કસ એમાં ભળ્યો તો હશે જ !!


"વિરિયા.. ઓયે.. વિરિયા... ચાલને હરિ સદનમાં.. મંજી તારી ચિંતાના ઢગલા તળે દટાઈ ગઈ છે.. તારી સાથે વાત કરવા બેબાકળી થઈ ગઈ છે. એને હસાવવા તું ને હું એક ગીત ગાતા હતા યાદ છે તને?!" એમ કહીને અમ્માએ આડાઅવળા ચાળા કરીને ગીત ગાવા માડ્યું.


ટહૂકા કરતી કેવા હકથી આવે મારી ઢીંગલી..

સપ્તપર્ણીના ફૂલોસી ફોરમ વેરતી

લાલચમેલી પાણિયારે રમતી'તી ઢીંગલી

બધું જ એક સાથે પાંચિકાં ને ઘર ધોખલાં અચાનક ચાલ્યું !

છાતીનો એક એક ધબકાર દેણ છે રે મારી ઢીંગલી

કરજો રખોપા સૂરજ બની ડારજો

કંઈ કેટલાંયે ઉબડખાબડ રસ્તાઓ છે રે મારી ઢીંગલી

ઢીંગલી એકાએક મોટી સમજદાર થઈ ગઈ.

મખમલી જાજમ બિછાવજો છે રે મારી ઢીંગલી

એના ઘેરે પણ હશેને રે આવી જ ઢીંગલી ?

નથી ઈશ્વર એટલો પણ કઠોર કે એ છે રે મારી ઢીંગલી.. -આરતીસોની©રુહાના


"આપણે રમતાં હતાંને પેલી રમત.! ચાલને.. ફરી આજે એ રમત આપણે બે રમીએ!

તારામાં રમત રમવાનો કોઈ ઉત્સાહ દેખાતો જ નથી. ચલ હું જ શરૂ કરું.. થોડીક તો પ્રતિક્રિયા વ્યક્ત કરજે !! હા તો ચલ હંમેશાની જેમ પહેલો દાવ તો મારો જ રહેશે.. પહેલા હું તને ગલીપચી કરી હસાવું પછી, તું મને ગલીપચી કરીને હસાવ.. તૈયાર છેને..?

ચાલો એક બે અને ત્રણ… ગલીપચી ગલીપચી ગલીપચી…"

અમ્માએ શરૂ તો કર્યુ પણ વિરાજના મોઢા પર કોઈ રિસ્પોન્સ ન મળતાં અને ગલીપચી ન થતા નાસીપાસ થઈ અમ્મા બોલ્યાં,

"અરે તું તો બહુ મજબૂત છે.. ગલીપચી કરવા છતાંયે, હસતો પણ નથી.. હા પેલું શું
નાનપણમાં તું બોલતો હતો ને ? સ્ટ્રોંગ.. હા એજ.. તું જબરો સ્ટ્રોંગ છે હો બાબા, ગલીપચી કરવા છતાંય હસતો નથી.. આજ દેખાઈ રહ્યું છે તું કેટલો સ્ટ્રોંગ છે!! પણ હવે તારો વારો.. હું આંખો બંધ કરું છું, તું કરજે હો ગલીપચી.. એક બે અને ત્રણ.."

ને અમ્મા પોતાની આંખો પર હાથ મૂકી વિરાજ ગલીપચી કરવા એના હાથ હલાવશે એવી રાહ જોતા હોય એમ મોઢું હાથથી ઢાંકી બેસી રહ્યાં હતાં, હાથની આંગળીઓ પહોળી કરી કાણામાંથી જોઈ રહ્યાં હતાં.. રખેને કદાચ વિરાજ ગલીપચી કરવા હાથ હલાવે, પણ અફસોસ વિરાજ આંખોથી એક પણ મટકું માંડે તો અમ્મા રાજી થાયને!


મોઢે હાથ રાખીને બેઠેલા અમ્મા હાથ પાછળ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં અને બોલી ઉઠ્યાં..,

"હે કાળિયા ઠાકર !!! એવાં શું પાપ કર્યા હતા ગયા ભવમાં કે ધણીનું સુખ તો ન પામી શકી અને હવે દીકરાની લીલી વાડીઓય નિહાળી નહિં શકું..?!!"

"કાન્હા.. તારે આજે મને જવાબ આપવો જ પડશે.. હે કાન્હા… તારે બોલવું જ પડશે.." એમ કરી ચોધાર આંસુડે કાન્હાને ફરીયાદ કરીને પાલવથી આંસુ દબાવી રાખ્યાં હતાં.. હાથમાંના પાલવ તળે બંધ પાંપણે આંસુની વણઝાર ચાલી…

"આટલું બધું ચૂપ કેમ રહેવાનું.. કંઈક તો હાવભાવ, મનોભાવ, અભાવ, લાગણી વ્યક્ત કર.. સાંભળ.. તું બોલીશ પછી તો તારા ધીમા હોંકારા પરથી જ હું સમજી જઈશ કે તારે શું કરવું છે..
મને ખબર છે જ્યારે જ્યારે મને ગુસ્સો આવે તું ચૂપચાપ થઈ જાય અને પુસ્તક લઈને બેસી જાય અને વાંચવાનો ડોળ કરે.. ને પછી પુસ્તકમાંથી મોંઢુ કાઢી સ્મિત આપે. ખુલ્લા પુસ્તક તરફ ધ્યાન આપવાને બદલે મારી તરફ વધારે ધ્યાન આપે, મને ખબર છે..
પછી હું ચૂપ થઈ જાઉં. આમ પણ મને તો ક્યારેક જ ગુસ્સો થાય છે. એમાં જે વાતથી ગુસ્સો થયો હોય, એ વાત બાજુ રહી જાય અને આપણી ગલીપચીની રમત શરૂ થઈ જાય.
ખબર છેને તને..? તમે રે ચંપોને અમે કેળ.. સપ્તપર્ણી, બારમાસી, બોગનવેલ, લાલચમેલી બધાયે ખડખડાટ તારી સાથે હસી હસીને બેવડા થઈ જતાં. પછી તો સુગંધો વેરાતી. સાંજ એ ફૂલોમાં વધારે ઘાટ્ટી દેખાતી. તું હસીને હથેળી મારી તરફ લાવતો અને શરૂ થતી રમત.. હાસ્યનો ફુવારો વછુટતો. એ ભીની ક્ષણોને ચાલ વિરુ આજે ફરીથી ચોરી લઈએ.. પણ તું બસ, બોલ ! આમ ચૂપ ન રહે..

હું ભીતરથી ઘૂંટાઈ ઘૂંટાઈને બહારનું ઐક્ય સાંધવામાં હિંમત રાખી શાંત સ્થિર થઈ ગયેલી સ્થિતિ સામે ફીણ ફીણ થઈ જાઉં છું. તારા મૌન સંવાદો સાથે અથડાઉં છું.

તારી જેમ મૌન રહેવાનું મને પણ હવે ફાવી ગયું છે.. આખો દિવસ શું ચપડ ચપડ ચપડ કરવાનું.!
મને ખબર છે તું સાંભળી રહ્યો છે.. મારું બોલ બોલ કરવું તને ગમે છે, ભલે તારી પાસે વાતો ન હોય પણ મારી વાતો રસપૂર્વક સાંભળવી તને ગમે છે.

જોયું ? સાચું કહ્યુંને? પકડાઈ ગયોને? સ્મરણોની નાગરવેલ તો કાયમ લીલી જ રહે છે.. "

અમ્મા વિરાજને એકીટસ તાકી રહ્યાં.. એમની આંખોમાંથી આંસુની ધાર નીચે ઉતરી છેક મોંઢામાં ઉતરી પડી. દરિયા જેવા ખારા ખારા આંસુ ખુદ રડી પડ્યા. એ વિચારવા લાગ્યાં, 'કાશ વિરુના જેમ મારું મન પણ મૌન થઈ જતું હોત તો સતત દોડતા વિચારો શાંત થઈ સ્થિર થઈ પડ્યા રહેતા હોત.'

અમ્માએ આંસુ લૂછી ધાર હાથમાં જોઈ રહ્યાં. 'આ એજ આંસુ છે જે વિરુને જોઈને રાજીપો વ્યક્ત કરી વહી પડતા હતા, એ આંસુ આજે એને જોઈને વલોપાત કરી વહી રહ્યા છે. દરિયામાં ન સમાય એ ખારા પાણી આંખોમાં સમાય. કાશ આ ઈશ્વરે આંસુ જ ન આપ્યા હોત તો કેવું સારું હતું.. પણ ઓ મારા બાપલા જોજો કોઈને ગેરસમજ ન થાય કે, આ દયાની મુર્તિ અમ્માની જીવન પ્રત્યેની અતૂટ સમર્પણની ભાવના ભાંગી પડી છે કે આ અમ્માનો સહનશીલતાનો બંધ તુટી ગયો છે. એવું તો ક્યારેય નહીં થાય.. જો જો ના બાપલા ના.. આ આંસુની પણ કોઈ મર્યાદાઓ હોવી જોઈએ કે નહિં ? ગમે ત્યાં, ગમે ત્યારે નીકળી પડવાનું.? અને આ મર્યાદા તૂટે છે ત્યારે ભીતર, બહાર ભારે ઉત્પાતો ફાટી નીકળે છે..©


ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 52 માં અમ્માનો વલોપાત શું ઈશ્વર સુધી પહોંચશે કે એ પણ મૌનધારી બાબા બનીને બસ નીહાળ્યા કરશે.?

-આરતીસોની©