The turn of destiny - 4 books and stories free download online pdf in Gujarati

નસીબ નો વળાંક - 4

"માલધારી નો આશરો"

આનંદવન જંગલ માં છેક પેલી પાર થી આ પાર સુધી નો લાંબો પંથ કાપી છેક રાત્રે પોતાના નેહડે આવેલી થાકેલી બન્ને બહેનો સુનંદા અને અનુરાધા ને પેલા માલધારી દંપતી પોતાના આશરા ધર્મ નું પાલન કરી રાત વાસો પોતાને ત્યાં જ કરવાનું કહે છે અને માલધારણ (માલધારી ની પત્ની) બન્ને બહેનો ને નેહડા ની અંદર લઈ જાય છે અને ત્રણેય સૂઈ જાય છે.

હવે,વહેલી સવારે કોયલ જાણે કે સુરીલું સ્નેહ ભર્યું પ્રભાતિયું ગાઈ અને સૂતેલા તમામ વન્ય જીવો ને જગાડવાનો પ્રયાસ કરી રહી હોય તેમ પોતાના મધુર કંઠ થી આનંદવન નાં વાતાવરણ માં રમજટ મચાવી દીધી. વાતાવરણ નાં એકદમ મધુર અને સવાર ના તાજા ઠંડા પવન ને સ્પર્શી ધરણી જાણે કે ગાઢ નિંદ્રા માંથી આળસ મરડી પોતે ઓઢેલી લીલાછમ વૃક્ષોરૂપી લીલી ચાદર ને ફરી આળોટવા મથી રહી હોય એમ આ વાતાવરણ માં પણ તાજી હરિયાળી છવાઈ ગઈ હતી. આ બાજુ મોર પણ પોતાની કળા કરી રમણીય વાતાવરણ ને વધુ આકર્ષિત કરી રહ્યા હતા.સોળે કળાએ ખીલેલા પુષ્પો પણ વાતાવરણ ને વધુ નૈસર્ગિક અને સૌંદર્ય સભર બનાવવા પોતાની સુવાસ ચારેકોર ફેલાવી રહ્યા હતા. સવાર ના આવા આનંદવન નાં નૈસર્ગિક માહોલ થી તો સ્વર્ગ ના દેવતા ઓને પણ ઈર્ષા થઈ જાય એવું લાગતું હતું!!.

આવા બેશુમાર વાતાવરણ માં કુદરત ના ખોળામાં રહેતા આ માલધારી દંપતી ખરેખર ખૂબ ભાગ્યશાળી જ હતા. એમાંય સવારે તો એના નેહડા નો માહોલ જ કંઇક અલગ જોવા મળતો. ઘેટાં બકરાં જાણે સવાર ની તાજગી માં એકબીજા ને લપેટી ને ઉભા ઉભા પ્રકૃતિ ની આવી અદભૂત શિલ્પકળા ને માણી રહ્યા હતા.

હવે, પેલી વયસ્ક સ્ત્રી એની રોજની ટેવ મુજબ સવારે વહેલા ઊઠીને તુલસી નાં છોડ ને પાણી આપવા બહાર આવી અને રોજ ની માફક એના ગાઢ નિંદ્રા માં સૂતેલા ધણી ને ટકોર કરતા કહ્યું કે,' એ માલધારી હવે ઉઠો જલ્દી, હમણાં દિ' ઉગી જશે.. પછી વળી તમારે એક તો શિરામણ કરતા કરતા ટાણું નીકળી જાય છે રોજ!! અને વળી આ વાલીડા(ઘેટાં બકરાં)ઓ ને પણ તમારે ચરાવવા લઈ જવાના છે!!! જોવો તો ખરા ક્યારનાય તમારી આજુબાજુ મંડરાય ને ઉભા છે!!!' આમ રાજલ (માલધારણ નું નામ હતું રાજલ) પોતાના ધણી ને તુલસી ને રેડતાં મીઠો ટહુકો કરીને ઉઠાડી રહી હતી.

રાજલ ની આવી સવાર માં મીઠી વાણી થી કરેલી ટકોર થી દેવાયત (માલધારી નું નામ દેવાયત હતું) તો ટેવાયેલો જ હતો. એટલે એ પણ ખાટલા માંથી ઊભો થઈ સુવા ટાણે ખાટલા નીચે મુકેલ ફેટો(પાઘડી) લઈ માથે બાંધી ને હસ્તદર્શન કરી ધરતી માને નમસ્કાર કરીને ઊભો થયો.

આ બાજુ રાજલ હવે નેહડા ની અંદર જઈને પેલી બન્ને બહેનો ને સૂતેલી જોઈ ક્ષણવાર તો થોડીક ભાવુક થઈ જાય છે, પછી વિચારે કે થાકેલી હશે એટલે ભલે સૂતી બન્ને!!! આવું વિચારી પોતે શિરામણ બનાવવા જતી રહી. થોડીવાર પછી શિરામણ થયા બાદ દેવાયત અને રાજલ પેલા બન્ને બહેનો માટે શિરામણ કાઢી પછી પોતે બન્ને એ ખાધું. તે સમયે માણસો માં માનવતા, નૈતિકતા,દયાભાવના, સમજદારી વગેરે જેવા પાસા નું ખૂબ જ મહત્વપૂર્ણ સિંચન થયેલું જોવા મળતું હતું.

શિરામણ કર્યા બાદ ઘરનું જીણા મોટું કામ પતાવી રાજલ નદી એ કપડાં ધોવા જવાનું હતું એટલે પોતે પણ દેવાયત જોડે ઘેટાં બકરાં લઈને નદી સુધી સાથે જવાનું નક્કી કરી નેહડા માં સુતેલી બન્ને બહેનો ની ઊંઘ માં ખલેલ ન પહોંચે એવી રીતે ધીમે થી વાંસ નાં લાકડા માંથી બનાવેલો દરવાજો ઠાસી ને દેવાયત જોડે જતી રહી.

બન્ને માલધારી દંપતી તો પોતાના રોજના નિયમ પ્રમાણે નદી બાજુ જતા રહ્યા હતા. હવે અહી સુનંદા ની ઊંઘ અચાનક ઉડી ગઈ હતી એટલે એણે આળસ મરડી ને પોતાની ગાઢ નિંદ્રા માંથી જાગેલી આંખો ઝીણી કરીને આમતેમ જોવા લાગી. ત્યારબાદ અચાનક એને બધું યાદ આવી જાય છે કે પોતે બન્ને ભાઈ ભાભી નાં ત્રાસ થી જંગલ તરફ ભાગી ને આ બાજુ આવેલી અને આ માલધારી નો આશરો લીધો. આમ થોડી વાર વિચારો નાં વંટોળ માં પરોવાઈ ને પછી અચાનક હકીકત માં આવી અનુરાધા ને જગાડે છે. અનુરાધા પણ હવે ઉઠી ગઇ.

હવે બન્ને બહેનો ઉઠી ગયેલી એટલે બન્ને પહેલા તો બન્ને વિચારે છે કે હવે આપણે આગળ જવું પડશે, વળી કેટલા દિવસ આ લોકો (માલધારી દંપતી) ઉપર બોજ બની ને રહેશું!!! આગળ કુદરત કંઇક રસ્તો બતાવશે. આવું વિચારી બન્ને બહેનો ત્યાંથી ભાગી જવા માટે ઉભી થાય ઠાસેલો દરવાજો ખોલે છે અને આજુબાજુ પેલા માલધારી દંપતી ને શોધે છે પણ બન્ને માંથી કોઈ પણ ત્યાં હતું નહીં એટલે અનુરાધા કહે છે કે,' બેન હવે શું કરવું અહી તો કોઈ દેખાતું નથી!! આપણે ક્યાં જવું??' અનુરાધા ની આ વાત સાંભળી સુનંદા એને સમજાવતા કહે છે કે,' જો અનુ સાંભળ, એ બન્ને જણ એ આપણે અજાણ્યા હોવા છતાં વિના સંકોચે આપણને રાતવાસો પોતાને ત્યાં કરાવ્યો છે એટલે આપણે એટલું પણ સ્વાર્થી નાં બનવું જોઈએ કે આપણે એનો આભાર વ્યકત કર્યા વગર જ અહી થી નાસી જઈએ!!! એ લોકો અહી જ ક્યાંક નજીક ગયા હશે!! એ લોકો આવે ત્યાં સુધી રાહ જોઈ પછી એમની રજા લઈ નીકળી જઈએ."

આવું વિચારી બન્ને એ એક મન કરી માલધારી દંપતી નાં આવવાની રાહ જોવા નું નક્કી કર્યું. રાહ જોતા અનુરાધા ની નજર નેહડા ની જમણી બાજુ પડી તો ત્યાં એક ઘેટાં નું બચ્ચું આમતેમ આળોટી રહ્યું હતું. એ ઘેટાં નું બચ્ચું ખૂબ જ સુંદર હતું.તે હજુ નાનું હોવાથી એને ત્યાં જ મૂકી ને જતા રહ્યા હશે એવું અનુમાન લગાવી અનુરાધા એની નજીક જઈ એને રમાડવા લાગી. આ જોઈ સુનંદા ને સેતુ ની યાદ આવી ગયેલી. પણ પોતાની મન ની વાત મન માં જ રાખી એ નેહડા ની અંદર જઈ પાણી નું માટલું શોધી રહી હતી ત્યાં તેને એક પાન ઢાંકેલું વાસણ દેખાયું એણે જોયું તો એમાં શિરામણ હતું. જોતા ની સાથે જ એને અંદાજો તો આવી જ ગયેલો કે પેલી સ્ત્રી (રાજલ) પોતે બન્ને બહેનો માટે જ આ રાખી ને ગયા હશે. આવું વિચારી એણે અનુરાધા ને બોલાવી શિરામણ કર્યું અને ફરી બન્ને ઘેટાં નાં બચ્ચાં ને રમાડવા લાગી.

બચ્ચાં ને રમાડતા સુનંદા થી સેતુ.. મારો વહાલો કરું!! આવું બોલાય ગયું. આ સાંભળી અનુરાધા તરત જ હસી અને સુનંદા ની મશ્કેરી કરતા કહેવા લાગી કે,' અરે બેન આ તારા વીરુ નો સેતુ નઈ!! આનું નામ તો હજુ રાખ્યું પણ નઈ હોય!! અને તને બહુ યાદ આવે નઈ સેતુ ની??? સાચેસાચું કે સેતુ જ યાદ આવે છે કે પછી...!! આમ સુનંદા ની મશ્કેરી કરતા કરતા અનુરાધા હસવા લાગી. સુનંદા,' ચાલ હવે ચૂપ થા!!બહુ ડાહી થવાની જરૂર નથી હો!! આવું કહી પોતે ઝાંખું સ્મિત કરી સુનંદા અંદર જતી રહી.

અનુરાધા ને તો જાણે પેલા ઘેટાં નાં બચ્ચાં જોડે વર્ષો જૂની મિત્રતા હોય એમ હજુ એને રમાડી રહી હતી. થોડી વાર પછી રાજલ કપડાં ધોઈ ને નેહડે પોહચી ત્યાં અનુરાધા ને પેલા ઘેટાં નાં બચ્ચાં ને રમાડતા જોવે છે ત્યાં જ જાણે પોતે કંઇક જૂનું યાદ કરી રહી હોય તેમ વિચારો માં મગ્ન થઈ ગઈ અને નેહડા ની બહાર જ ઊભી રહી. આ બધું સુનંદા નેહડા ની અંદર બેઠી બેઠી જોઈ રહી હતી. આથી એ નેહડા ની બહાર આવી અને કપડાં નું પોટલું લઈને ડેલી એ ઉભેલી રાજલ ને કહેવા લાગી,' માડી!! લાવો હું આ કપડાં સૂકવી દવ ... આમ કહી સુનંદા એ રાજલ નાં હાથ માંથી ધોયેલા કપડા નું પોટલું લઈને તેને સૂકવવા જઈ રહી હતી ત્યાં જ એનું ધ્યાન રાજલ ની આંખો માં ઉભરાઈ આવેલા આસુ ઉપર પડ્યું.

સુનંદા તરત પોટલું નીચે મૂકી રાજલ પાસે જઈ કહેવા લાગી,' માડી!!તમે આમ કેમ રડો છો?? કેમ અંદર નઈ આવતા?? શું થયુ તમને??

રાજલ ને તો જાણે સુનંદા નો અવાજ સંભળાયો જ નાં હોય એમ એકી નજરે અનુરાધા સામુ જોઈ ને આંખો માંથી ગંગા જમના વહેડાવવા લાગી.

હવે એવું તે શું થયું હશે રાજલ ને કે આમ અચાનક અનુરાધા ને જોઈ રડવા લાગી??? પેલા માણસે પણ જ્યારે બન્ને બહેનો ને પહેલી વાર જોયેલી ત્યારે લાકડી ઉગાવેલી પણ પછી કંઇક વિચારો માં ખોવાઈ ગયેલો... તો એવું તો શું થયું હશે ભૂતકાળ માં આ માલધારી દંપતી જોડે??? શું આ રહસ્ય લાવશે વળી કંઇક નવો વળાંક??

જોઈએ આવતાં ભાગ-૪ ...."ખુલાસો".... માં