Adhura premni anokhi dastaan - 10 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 10

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૦



રાજુની કાર સવારે સાત વાગ્યે રાજકોટ ભક્તિનગરમાં એક આલિશાન બંગલો સામે ઉભી રહી. કાર ઉભી રહેતાં જ રાજુ અંદરથી ઉતરી, દોડીને બંગલોની અંદર ગયો. અંદર જતાં જ તેની સામે અરવિંદભાઈને જોઈને, રાજુ તેમને ભેટી પડ્યો. આઠ વર્ષ પછી અરવિંદભાઈ રાજુને પોતાની નજર સમક્ષ જોઈને ખૂબ જ ખુશ થયાં.

રાજુને અરવિંદભાઈને મળીને ખુશી તો બહું થઈ. પરંતું, તેનાં મનમાં ઘણાં સવાલ હતાં. જેનાં જવાબ માત્ર અરવિંદભાઈ પાસે હતાં. તો રાજુને એ સવાલોનાં જવાબો જાણવાની તાલાવેલી હતી. રાજુને એ રીતે વિચારતો જોઈ, અરવિંદભાઈએ કહ્યું, "મને ખબર છે. તારાં મનમાં ઘણાં સવાલો છે. પણ બેટા તું પહેલાં થોડો આરામ કરી લે. પછી હું તને તારાં બધાં સવાલોનાં જવાબ આપીશ.

રાતનું સફર હોવાથી રાજુ પણ થાકી ગયો હતો. આથી તેને પણ અત્યારે આરામ કરવાની વાત જ ઠીક લાગી. અરવિંદભાઈના કહ્યાં અનુસાર રાજુ ઉપર એક રૂમમાં આરામ કરવા માટે ગયો.

અંદર બધી વસ્તુઓનું નિરીક્ષણ કરીને, શાવર લઈને, રાજુ સૂઈ ગયો.

*****

કિશનભાઈ આરાધ્યાની ઘરે પહોંચી ગયાં. ગાડી ઉભી રાખી, એક જ ઝાટકે દરવાજો ખોલી બહાર નીકળ્યાં. કિશનભાઈના બહાર નીકળ્યાં પછી આદિત્ય પણ બહાર નીકળ્યો.

કિશનભાઈ સીધાં જ આરાધ્યાના ઘરની અંદર ગયાં. આદિત્ય પણ તેમની પાછળ છૂપી રીતે અંદર ગયો. કિશનભાઈ અંદર જઈને સીધાં આરાધ્યાના રૂમમાં ગયાં. અંદરનું દ્રશ્ય જોઈને કિશનભાઈ ચોંકી ગયાં. તેમની પાછળ ઉભેલો આદિત્ય પણ આરાધ્યાને એ રીતે જોઈને ચોંકી ગયો.

આરાધ્યા દુલ્હનની જેમ તૈયાર થઈને બેઠી હતી. બાજુમાં જીવરાજભાઈ પણ ઉભાં હતાં. આરાધ્યા દુલ્હનનાં કપડાં અને શણગારમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. લાલ સાડી, હાથમાં લાલ બંગડી, કપાળે મોટી લાલ બિંદી, ગળામાં મોટો નેકલેસ, કાનમાં મોટાં ઝુમખા અને આંખમાં ઘેરાં કાળાં કાજળ સાથે તે વધુ મનમોહક લાગી રહી હતી. આ બધું જોઈ કિશનભાઈએ પૂછ્યું, "આરાધ્યા આ બધું શું છે?"

"અરે, તને નથી ખબર? આ બધું શું છે? મેં આરાધ્યાના લગ્ન તારી સાથે કરાવવાનો નિર્ણય કર્યો છે. "કિશનભાઈના સવાલનો જવાબ જીવરાજભાઈએ આપ્યો.

"આ તમે કેવી પાગલ જેવી વાત કરો છો? તમને ખબર છે, કે મારાં લગ્ન કેટલાંય વર્ષો પહેલાં આશા સાથે થઈ ચૂક્યાં છે. મારે એક છોકરો અને એક છોકરી પણ છે. તો તમે આવી વાત કંઈ રીતે કરી શકો?" કિશનભાઈએ કહ્યું.

"તું આરાધ્યાને પ્રેમ કરે છે. તો લગ્ન કરવામાં શું તકલીફ છે? હું આશા, આદિત્ય અને આસ્થાને બધી વાત સમજાવી દઈશ. તેઓ મારી વાત માની પણ લેશે. તો હવે મારાં વિચાર મુજબ તને કોઈ તકલીફ નાં હોવી જોઈએ." જીવરાજભાઈએ કિશનભાઈની બધી મુશ્કેલીનું નિવારણ આપતાં કહ્યું.

"આરાધ્યા તું તો સમજ, મારાં લગ્ન થઈ ગયાં છે. મારે આદિત્ય અને આસ્થા બે સંતાનો છે. તું એ બધું જાણતી હોવાં છતાંય તું મારી સાથે લગ્ન કરવા માંગે છે?" કિશનભાઈએ આરાધ્યાને પૂછ્યું.

"હાં, હું બધું જાણું છું. તેમ છતાંય તમને પ્રેમ કરું છું. તો આમ કેટલો સમય બધાંથી બધી વાત છુપાવવી?

"એ કરતાં તો બધાંને હકીકત ખબર પડી જાય એજ સારું છે. તેથી જ મેં અત્યારે તમારાં પપ્પાને બોલાવીને બધું જણાવી દીધું." આરાધ્યાએ કિશનભાઈના સવાલનો જવાબ આપતાં કહ્યું.

"તમે બધાં પાગલ થઈ ગયાં છો. તમે શું બોલી રહ્યાં છો? એ તમને સમજમાં જ નથી આવતું. હું તો જાવ છું. તમારે જે કરવું હોય એ કરો." આરાધ્યાનો જવાબ સાંભળી, કિશનભાઈ કાંઈ બોલવાની હાલતમાં નાં રહેતાં. ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી ગયાં.

કિશનભાઈનાં જતાંની સાથે જ બહાર બધું સાંભળી રહેલો આદિત્ય આરાધ્યાના રૂમમાં આવ્યો. આદિત્યના આવ્યાં પછી થોડી જ વારમાં સુજાતા અને જસવંતભાઈ પણ અંદર આવ્યાં. થોડીવાર પહેલાં જે થયું, એ જોયાં પછી સુજાતા અને જસવંતભાઈને અત્યારે ત્યાં જોઈ, આદિત્યની સમજમાં કાંઈ નથી આવતું. આદિત્ય ઉભો રહીને, વારાફરતી બધાં સામે જોવાં લાગ્યો. આદિત્યને એ રીતે જોતાં જોઈ, ત્યાં રહેલાં બધાં જ વ્યક્તિ હસવા લાગ્યાં.

બધાંને હસતાં જોઈ આદિત્યએ પૂછ્યું, "તમે લોકો આમ હસો છો શું? કોઈ મને તો સમજાવો અહીં થયું એ બધું શું હતું?"

"આ બધો અમારો જ પ્લાન હતો. સોરી, અમે તને અગાઉ કાંઈ જાણ નાં કરી શક્યાં." સુજાતાએ કહ્યું.

*****

આજ સવારે આરાધ્યાએ સુજાતાને ફોન કરીને કહ્યું, "મેં દાદાજીને બધી વાત કરી તો તેમણે મને એક રસ્તો બતાવ્યો છે. કિશન મારી સાથે કાંઈ પણ ખરાબ નાં કરી શકે એ માટે તેને રોકવાનો."

"તો શું રસ્તો બતાવ્યો દાદાજીએ?" સુજાતાએ જવાબ સાંભળવાની અધીરાઈ બતાવતાં કહ્યું.

"જ્યારે કિશન મારી ઘરે આવે. ત્યારે દાદાજી પણ મારી સાથે રહેશે. હું અને દાદાજી મળીને કિશનને મારી સાથે લગ્ન કરવાનું જોર કરીશું અને-"

લગ્નની વાત આવતાં સુજાતાએ આરાધ્યાને વચ્ચે જ રોકીને કહ્યું, "તમે પાગલ થઈ ગયાં છો દીદી? તમે બધું જાણો છો. છતાંય કિશનઅંકલ સાથે કેવીરીતે લગ્ન કરી શકો?"

"અરે, પહેલાં પૂરી વાત તો સાંભળ. મને કોઈ શોખ નથી. કિશન સાથે લગ્ન કરવાનો."આરાધ્યાએ કહ્યું.

"ઓકે, તો કહો. તમે શું વિચાર્યું છે?" સુજાતાએ આરાધ્યાને આગળની વાત કહેવા માટે કહ્યું.

"દાદાજીએ મને કહ્યું કે, કિશનને કોઈપણ વ્યક્તિ કોઈપણ કાર્ય જબરદસ્તીથી કરાવે, તો કિશન એ કાર્યને ક્યારેય કરતો નથી.

"આમ કરવું એ તેની જૂની આદત છે. પછી ભલે એ કાર્ય નાં કરવાથી તેને નુકશાન જ કેમ નાં થતું હોય. પણ કિશન કોઈનાં દબાણથી એ કાર્ય કરે જ નહીં. એ તેની બાળપણની આદત છે. આપણે એજ આદતનો ફાયદો ઉઠાવવાનો છે.

"તે તેની આદત મુજબ કોઈનાં દબાણમાં આવીને, મારી સાથે લગ્ન નહીં કરે. એમાં એ તેનાં પપ્પાનું કહ્યું તો, ક્યારેય નહીં માને.

"તો આમ કરવાથી એ મારી સાથે લગ્ન કરવાની વાત તો દૂર, પણ મારાંથી પીછો છોડાવવાની કોશિશ કરશે. કેમકે, તેણે મારી સાથે લગ્ન કરવાનું તો સપનાંમાં પણ નહીં વિચાર્યું હોય." આરાધ્યાએ દાદાજી સાથે થયેલી બધી વાત સમજાવતાં કહ્યું.

"પણ તમારો પ્લાન કામ નહીં કરે તો?" સુજાતાએ પૂછ્યું.

"અરે, દાદાજીએ કહ્યું છે. તો એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. અત્યાર સુધી તેમણે જે કહ્યું છે, એવું જ થયું છે. તો આગળ પણ બધું સરખું જ થાશે." આરાધ્યાએ જીવરાજભાઈ પર પોતાનો વિશ્વાસ બતાવતાં કહ્યું.

*****

અત્યારે આરાધ્યાની ઘરે

"તો આમ દાદાજીનાં કહેવાથી અમે આ પ્લાન બનાવ્યો. જેનું પરિણામ તારી નજર સમક્ષ છે. તારાં પપ્પા આરાધ્યાદીદી સાથે લગ્નની વાત સાંભળી, કોઈ ભૂત પાછળ પડ્યું હોય, એવી રીતે ભાગી ગયાં." સુજાતાએ જોરજોરથી હસતાં હસતાં કહ્યું.

સુજાતાની વાત સાંભળી, સુજાતાની સાથે બધાં હસવા લાગ્યા. દાદાજીનો પ્લાન સફળ થતાં, આદિત્યએ કહ્યું, "વાહ દાદાજી, તમે તો બહું સ્માર્ટ છો. જેમ તમે કહ્યું હતું, એમ જ થયું."

"અરે બેટા, હું કોઈ સ્માર્ટ નથી. આખરે ગમે તેમ તો કિશન મારો દિકરો છે ને! મને તેની દરેક બાબતની ખબર હોય.

"તો મને એ પણ ખબર હતી કે, એ આરાધ્યા સાથે લગ્ન કરવાની ક્યારેય હાં નહીં પાડે. બન્યું પણ એવું જ." જીવરાજભાઈએ કિશનભાઈનાં સ્વભાવ વિશે જણાવતાં કહ્યું.

"જે હોય તે, પણ આખરે મારાં પપ્પા હવે આરાધ્યા સાથે કાંઈ ખોટું નહીં કરી શકે. એ બાબતે તો ચિંતા દૂર થઈ ગઈ.

"હવે બસ રાજુ આવે તો આગળ શું કરવું? એ વિશે કાંઈ ખબર પડે." જીવરાજભાઈની વાત પૂરી થતાં આદિત્યએ કહ્યું.

*****

એક તરફ કિશનભાઈનો પ્લાન નિષ્ફળ ગયો. એ બાબતે બધાં ખુશ હતાં. તો બીજી તરફ કિશનભાઈનો મગજ ઠેકાણે નહોતો. અચાનક જ આરાધ્યા અને જીવરાજભાઈના એવાં વર્તને તેમને અંદરથી હચમચાવી નાખ્યાં હતાં. તેમનો ગુસ્સો અત્યારે સાતમાં આસમાને હતો. તેમ છતાંય તે કાંઈ કરી શકે એમ નહોતાં. જે વાત તેમને અંદરથી પરેશાન કરી રહી હતી.

કિશનભાઈને ગુસ્સે જોઈ, કમલાબેનને શાંતિ મળી હતી. કિશનભાઈનો ગુસ્સો એ વાતની સાબિતી હતી કે, તેઓ તેમનું ધાર્યું નથી કરી શક્યાં. કિશનભાઈનું ધાર્યું નાં થયું, તે વાતની કમલાબેનને ખુશી હતી.

આખરે કિશનભાઈનાં હાથે વધુ એક ખરાબ કામ થતાં રહી ગયું. એ વાતથી કમલાબેનને થોડી નિરાંત થઈ. પણ આવું કેટલો સમય ચાલશે? એ કાંઈ કહી શકાય એમ નહોતું.

કિશનભાઈને એક પછી એક બધાં કાર્યોમાં નિષ્ફળતા મળતી હતી. જે હવે વધું સમય તેમનાંથી સહન થાય એમ નહોતું. એમાં આ વખતે જે થયું, એ પછી તો તેઓ વધું ગુસ્સે હતાં. ગુસ્સો કોઈપણ વ્યક્તિને કાંઈ પણ કરવાં સમર્થ બનાવે છે.

એમાં કિશનભાઈને તો તેની હવસ અને લાલચનાં સંતોષાવાનો ગુસ્સો હતો. જે તેમને શાંતિથી બેસવા દે એમ નહોતો.

બધી વાતોને ધ્યાનમાં રાખીને, કમલાબેને આદિત્યને ફોન કર્યો. ફોન ઉપર 'મમ્મી' ફ્લેશ થતાં જ આદિત્યએ તરત જ ફોન ઉપાડ્યો. ફોન ઉપડતાં જ કમલાબેને પૂછ્યું, "બેટા, આરાધ્યાની ઘરે શું થયું હતું?"

"કેમ મમ્મી, પપ્પાએ ત્યાં આવીને કાંઈ કર્યું?" આદિત્યએ ગંભીર અવાજે પૂછ્યું.

"નાં, હજું તો કાંઈ કર્યું નથી. પરંતુ તેઓ વધું સમય શાંત રહે, એવું મને નથી લાગતું. તો તમે સાવચેત રહેજો." આશાબેને આદિત્યને ચેતવતા કહ્યું.

"હાં, મમ્મી. તું ચિંતા નાં કર." આદિત્યએ આશાબેનને ખોટી સાંત્વના આપીને, ફોન કાપી નાંખ્યો. જ્યારે આદિત્યને ખુદને નહોતી ખબર કે, હવે આગળ શું કરવાનું છે?

આદિત્યએ ફોન મૂક્યો કે, તરત સુજાતા અને આરાધ્યાએ એકીસાથે પૂછ્યું," તારાં મમ્મી શું કહેતાં હતાં?"

"કાંઈ નહીં, આપણે હવે સાવચેત રહેવું જોઈએ. એમ કહેતાં હતાં." આદિત્યએ કહ્યું.

"હાં, આંટીની વાત તો સાચી છે. આજે જે થયું, એ પછી આપણે વધુ ધ્યાન રાખવું પડશે." સુજાતાએ આદિત્યના મમ્મીની વાતમાં હામી ભરતાં કહ્યું.

"હું રાજુને ફોન કરીને અહીં જે થયું, એ વિશે જણાવી દવ." આદિત્યએ ઉતાવળા અવાજે કહ્યું.

"નાં, આદિત્ય. તું અરવિંદભાઈને ફોન કર. તેઓ જ હવે શું કરવું? એ બાબતે કોઈ નિર્ણય આપી શકશે." જીવરાજભાઈએ આદિત્યને અરવિંદભાઈને ફોન કરવાની સલાહ આપતાં કહ્યું.

જીવરાજભાઈની વાતનો સ્વીકાર કરતાં આદિત્યએ અરવિંદભાઈને ફોન કર્યો. અરવિંદભાઈએ જાણે સુરતથી ફોન આવશે જ એમ જાણતાં હોય, એવી રીતે સીધો જ ફોન ઉપાડ્યો અને કહ્યું, "બોલ આદિત્ય, શું થયું અત્યારે ત્યાં?"

અરવિંદભાઈના પૂછવાથી, આદિત્યએ ત્યાં જે બન્યું, એ બધું વિગતવાર જણાવ્યું.

બધું સાંભળીને અરવિંદભાઈએ કહ્યું, "હવે કિશન પાસે આરાધ્યા સાથે સમય બરબાદ કરવાનો સમય વધ્યો નથી.

"તે હવે સીધો અમદાવાદ જાશે. જ્યાં તેણે માધવને કેદ રાખ્યો છે. ત્યાં જઈને તે તેને મારશે અને પછી મને શોધવાનું કામ આગળ વધારશે.

"તો હવે તું અને સુજાતા અમદાવાદ જવાની તૈયારી કરો. કિશન મારાં સુધી તો એટલી જલ્દી નહીં પહોંચી શકે. તો હવે પહેલાં તમારે માધવને બચાવવાનો છે."

"ઓકે, અંકલ. જેવાં મારાં પપ્પા અમદાવાદ જવા નીકળશે. એવાં જ હું અને સુજાતા પણ અમદાવાદ જવા નીકળી જાશું." આદિત્યએ અરવિંદભાઈની વાતમાં હામી ભરતાં કહ્યું.

(ક્રમશઃ)