Revenge 3rd issue: - 3 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ તૃતીય અંક: - 3

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-3

ચાર દિવસ પહેલા, માધવપુર, રાજસ્થાન

ઇલ્યુમિનાટીના એ સદસ્ય દ્વારા જ્યારે રાકા સમક્ષ માધવપુર કિલ્લામાં કામ અર્થે મોજુદ સમીરની સાથે આવેલા તમામ લોકોનો ખાત્મો કરીને સમીરને કિડનેપ કરવાનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે રાકાએ પહેલા તો ઘણી આનાકાની કરી. આટલા મોટા હત્યાકાંડ બાદ પોતાને માથે જોખમ વધી જવાની શક્યતાઓ પ્રબળ હોવાથી રાકાએ પહેલા તો ઇલ્યુમિનાટીના એક રહસ્યમય વ્યક્તિ દ્વારા પોતાને આપવામાં આવેલી ઓફરનો અસ્વીકાર કરી દીધો.

પણ જ્યારે એને કહેવામાં આવ્યું કે એને આ કામનાં પચ્ચીસ લાખ એડવાન્સ અને પચ્ચીસ લાખ પાછળથી આપવામાં આવશે ત્યારે આટલી મોટી રકમની લાલચમાં રાકા આ નરસંહાર કરવા તૈયાર થઈ ગયો.

રાકા જોડે જે વ્યક્તિ સમીરનું કિડનેપીંગ કરવાની ઓફર લઈને આવ્યો હતો એનું નામ હતું ક્રિસ્ટોફર, ક્રિસ્ટોફર બીજું કોઈ નહિ પણ શંકરનાથ પંડિતને હાથ મૃત્યુ પામેલા હેલીથનનો દીકરો હતો. પોતાના પિતાની માફક ક્રિસ્ટોફર પણ ઘણી સારી એવી શૈતાનીક શક્તિઓનો માલિક હતો. એ ઇલ્યુમિનાટી દ્વારા બહાર પાડવામાં આવેલા એક ખાસ વર્લ્ડ ઓર્ડરને પૂરો કરવા રોમાનિયાથી રાજસ્થાન આવ્યો હતો. (આ વર્લ્ડ ઓર્ડર આખરે શું હતો એ અંગે વિગતે આગળ ચર્ચા કરીશું.)

 

પોતાના ઉપરીઓની સલાહનું માન રાખી ક્રિસ્ટોફરે જયપુરના રાકા નામનાં એક સ્થાનિક મવાલીનો સંપર્ક સાધ્યો. રાકાને જોડે લેવાથી વર્લ્ડ ઓર્ડર પૂરો કરવામાં સરળતા રહેશે એવું તાર્કિક અનુમાન કરતા ક્રિસ્ટોફર મોટી રકમની લાલચ આપી રાકાને પોતાની યોજનામાં ભેળવવામાં સફળ થયો હતો.

 

ક્રિસ્ટોફરની ઈચ્છા મુજબનું કામ કરવામાં રાકા સફળ રહ્યો. રાકા અને એના માણસોએ ખૂબ જ ભયંકર કત્લેઆમ કરીને સમીરની જોડે આવેલા કર્મચારીઓ તથા તમામ મજૂરોની કરપીણ હત્યા કરી નાંખી. આ દરમિયાન બશીરખાનના ખિસ્સામાંથી એક સોનામહોર ત્યાં પડી ગઈ હતી, જે એને રાજમહેલની તપાસ વખતે મળી આવી હતી. આ જ સોનામહોર સમીરને શોધવા આવનારી ટોળકીમાંથી યુસુફને મળી હતી.

 

રાકા સમીરને પકડવામાં તો સફળ થયો પણ આ દરમિયાન એના શરીર પર બે-ચાર નાના મોટા ઘા પડી ગયાં.

 

અંદરથી આવી રહેલી દર્દનાક ચીસો સાંભળી ક્રિસ્ટોફર સાંકડી ગલી વટાવી ખુલ્લા ભાગમાં આવ્યો અને ત્યાંથી આગળનાં રસ્તે અગ્રેસર થયો. ક્રિસ્ટોફરે જોયું કે મનુષ્ય લાલચમાં આવીને શૈતાનથી પણ ભૂંડું કામ કરી શકે છે એ હકીકત જ છે. રાકા અને એના માણસોએ જે રીતે નરસંહાર કર્યો હતો એ જોઈ ક્રિસ્ટોફર જેવા હેવાનનું મન પ્રફુલ્લિત થઈ ગયું.

 

"આ રહ્યો તમારો શિકાર..!" પગથિયા ઉતરીને ક્રિસ્ટોફર જ્યારે નીચે આવ્યો ત્યારે રાકા અને એના માણસો સમીરને ઘેરીને ઊભા હતા. સમીરની છાતી પર તીક્ષ્ણ હથિયારનો એક ઘસરકો હતો, જેમાંથી લોહીની ટશર ફૂટી નીકળી હતી. પોતાના સાથીઓની હાલત નજરે નિહાળ્યા બાદ સમીર આઘાતથી બેહોશ થઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું.

 

"હવે આનું શું કરવાનું છે?" રાકાએ બેહોશ પડેલા સમીર તરફ જોતા ક્રિસ્ટોફરને ઉદ્દેશીને કહ્યું.

"આને ચાર દિવસ સુધી તમારે કેદ કરીને રાખવાનો છે..ચાર દિવસ પછી હું આને લેવા આવીશ, એ વખતે તને તારા પચ્ચીસ લાખ પણ મળી જશે." ક્રિસ્ટોફરે જવાબ આપતા કહ્યું. "એક બીજું કામ કરે તો દસ લાખ બીજા અત્યારે જ આપી દઉં."

"શું કરવાનું છે એ બોલો.." દસ લાખની રકમ સાંભળતા જ રાકાની દાઢ સળવળી ઊઠી.

"તારા આ સાગરીતોમાં સૌથી નકામો હોય એવો સાગરીત કોણ છે..?" રાકાના સાગરીતો તરફ દ્રષ્ટિ ફેંકતા ક્રિસ્ટોફરે પૂછ્યું.

"હમમ..." થોડું વિચારીને રાકા બોલ્યો. "આમ તો બધા કામના જ છે પણ આ પકીયા હજુ નવો-નવો છે તો જોખમ ઉઠાવતા ડરે છે."

"એને ખતમ કરી દે અને એને સમીરના કપડા પહેરાવી આ લોકેટ એના હાથમાં પકડાવી દે.." ક્રિસ્ટોફર ક્રૂર સ્મિત વેરતા બોલ્યો. "એની ગરદનને પણ અલગ કરી દેજે, જેથી પહેલી નજરે કોઈ એનો મૃતદેહ જોવે તો એવું લાગે કે એ સમીરનો જ મૃતદેહ છે. આમ પણ આ લોકોને શોધવા ત્રણ-ચાર દિવસ તો કોઈ નહીં આવે, એમાં આની પત્ની તો આવવાથી રહી..એના સિવાય બીજું કોઈ આની ઓળખ કરી શકશે નહીં અને ત્યાં સુધીમાં હું મારું કામ આટોપી લઈશ."

 

ક્રિસ્ટોફર પોતાની વાત પૂરી કરે એ પહેલા તો પકીયા જીવ બચાવવા ત્યાંથી ભાગી ચૂક્યો હતો..પકીયાને ભાગતો જોઈ રાકા એની પાછળ દોટ મૂકવા જતો હતો પણ ક્રિસ્ટોફરે એને આમ કરતા રોક્યો.

 

ક્રિસ્ટોફરે મનોમન કંઈક મંત્ર બોલ્યો અને એ સાથે જ એક કાળો પડછાયો પકીયાની પાછળ વિજળીવેગે અગ્રેસર થયો..પગથિયા ચડીને હજુ પકીયા અડધે રસ્તે પહોંચ્યો હતો ત્યાં એનું બેલેન્સ બગડ્યું અને એ ઉપરથી નીચે પટકાયો, આમ થતાં એ મર્યો નહીં પણ બેહોશ જરૂર થઈ ગયો.

 

રાકાએ પૈસાની લાલચમાં નિર્દયતાથી પોતાના બેહોશ સાગરીતની ગરદન ઘડથી અલગ કરી દીધી.. અને એના મૃત શરીરને સમીરના કપડા પહેરાવી અંધારા ઓરડામાં મૂકી દીધું. ક્રિસ્ટોફરના કહેવાથી મૃતદેહના હાથમાં સમીરનું લોકેટ મૂક્યા બાદ, પકીયાના મસ્તકને હાથમાં લઈ રાકા અને એના માણસો બેહોશ સમીરને ઉઠાવીને ક્રિસ્ટોફરની પાછળ-પાછળ હાલી નીકળ્યા.

 

લાશોને રઝળતી મૂકીને જેવા એ લોકો તળાવ નજીક પહોંચ્યાં એ સાથે જ રાકાએ પકીયાનું કપાયેલું માથું તળાવની અંદર છૂટું ફેંકી દીધું. પોતાના જ સાથીદારની પૈસા માટે હત્યા કરવાની આ ઘટના ક્રિસ્ટોફર માટે ખૂબ જ આનંદની વાત હતી. કેમકે, એ લોકોનો મૂળ મકસદ જ હતો કે કામ, ક્રોધ, મદ, મોહ, લાલચ, વાસના અને અભિમાન જેવા વિકારોની મદદથી મનુષ્યની અંદર રહેલી માનવતાનો અંત કરી જગત પર શૈતાનનું શાસન લાવવું.

 

ક્રિસ્ટોફરે પોતાના વચનનું પાલન કરતા પોતાના કારમાં રાખેલી બેગમાંથી દસ લાખ રૂપિયા નીકાળી રાકાનાં હાથમાં મૂકતાં કહ્યું.

"ગણી લેજે, પૂરા દસ લાખ છે."

"અરે આવું બોલીને તો તમે મને શરમમાં મૂકી રહ્યા છો." પોતાના પીળા દાંત દેખાય એમ હસીને રાકા બોલ્યો.

"હું હવે જાઉં છું..તું આ સમીરને ક્યાંક સાચવીને રાખજે." કારની ડ્રાઇવિંગ સીટ તરફ આગળ વધતા ક્રિસ્ટોફર રાકાને ઉદ્દેશીને બોલ્યો. "ચાર દિવસ પછી હું એને લેવા આવીશ ત્યારે તને તારા બાકીના પૈસા મળી જશે."

"હું તમારું સોંપેલું આ કામ યોગ્ય રીતે કરી દઈશ." પોતાના સાથીદારો દ્વારા કારની અંદર નંખાતા સમીરના બેહોશ શરીર તરફ જોતા રાકાએ કહ્યું. "બસ તમારી કૃપાદ્રષ્ટિ અમારી ઉપર બનાઈ રાખજો."

 

રાકાની વાત સાંભળી-ના સાંભળી ક્રિસ્ટોફર પોતાની કારમાં ગોઠવાઈ ગયો. દસ લાખની લાલચે પોતાના સાથીદારની હત્યા કરવામાં પણ જે વ્યક્તિ ના અચકાયો હોય એ પચ્ચીસ લાખ માટે સમીરને ચાર દિવસ સુધી અવશ્ય સાચવી રાખશે એવા દૃઢ વિશ્વાસ સાથે ક્રિસ્ટોફરે એક્સીલેટર પર પગ મૂક્યો અને કારને જયપુર તરફ ભગાવી મૂકી, જ્યાંથી એને તાત્કાલિક ફ્લાઈટ પકડી ઈજીપ્તના પાટનગર કૈરો પહોંચવાનું હતું.

 

બેહોશ સમીરને પોતાની કારમાં નાંખી રાકા પણ પોતાની કારમાં બેસી પોતાના અડ્ડા તરફ ચાલી નીકળ્યો..રાકાના બાકીનાં સાથીઓ પણ એમની જોડે લાવેલી જીપમાં સવાર થયા એ સાથે જ રાકાના જમણા હાથ સમાન કાલુએ જીપને રાકાની કારની પાછળ દોડાવી મૂકી.

 

રાકાનો મુખ્ય અડ્ડો આમ તો જયપુર જ હતો પણ એને સમીરને કેદ રાખવા માટે પોતાના એક મિત્રના જેસલમેર સ્થિત ફાર્મહાઉસ તરફ રવાના થયો, કારણકે..માધવપુર અને જયપુર વચ્ચેનું અંતર માધવપુર અને જેસલમેર વચ્ચેના અંતર કરતા બમણાથી વધુ હતું.

 

સમીરને જ્યારે ભાન આવ્યું ત્યારે એને પોતાની જાતને બંધાયેલી હાલતમાં અનુભવી. મગજ પર જોર આપતા સમીરની આંખો સમક્ષ પોતાના સાથીદારો અને મજૂરોની હત્યાનું ભયાવહ દ્રશ્ય ખડું થઈ ગયું. પોતાને કોને અને શું માટે કેદ કર્યો હશે એ સમજવામાં સમીર અસમર્થ હતો પણ એ વાત સમીર સારી રીતે સમજી ગયો હતો કે એને જીવતો પકડવા માટે જ આ નરસંહાર કરવામાં આવ્યો છે.

 

પણ આખરે પોતાને કેદ કરીને આ લોકો શું ઈચ્છતા હતા એ જાણવાની તાલાવેલી સાથે સમીર જોરજોરથી ચિલ્લાવા ગયો પણ મોંમાં રહેલા કપડાનાં ડૂચાને લીધે એના મોંઢામાંથી એક શબ્દ પણ નીકળી ના શક્યો.

 

દિવસમાં પાંચ-છ વાર કાલુ સમીરને પાણી પીવડાવવા અને બે વાર જમાડવા માટે આવતો. સમીર કાલુને પોતાને અહીં કેદ કરવાનું કારણ પૂછતો ત્યારે કાલુ એને જવાબ આપવાના બદલે ગાલ પર બે-ચાર તમાચા રસીદ કરી દેતો.

 

આમ ને આમ ત્રણ દિવસ વીતી ગયા, ભૂખ્યા રહેવાની જીદ કરવા છતાં સમીરને જ્યારે એને અહીં કેદ કેમ કરવામાં આવ્યો છે એનું સાચું કારણ જાણવા ના મળ્યું ત્યારે એને થાકીહારીને ચોથા દિવસે કાલુ દ્વારા પોતાને આપવામાં આવેલું ભોજન આરોગી લેવામાં જ શાણપણ સમજ્યું.

 

જ્યારે સમીરને જમાડ્યા બાદ કાલુ એના હાથ બાંધીને અંધારિયા ઓરડામાંથી બહાર નીકળી ગયો ત્યારે સમીરને અહેસાસ થયો કે કાલુ આ વખતે એના હાથ પર બાંધેલી રસ્સીની ગાંઠને વ્યવસ્થિત રીતે બાંધવામાં અસફળ રહ્યો છે ત્યારે એને એક સુખદ આંચકો અનુભવ્યો અને ત્યાંથી ભાગી જવાની વેતરણમાં લાગી ગયો.

સમીર જીવિત છે એ આધ્યા જાણી શકશે કે નહીં? શું સમીર જાણતો હતો કે પોતે માધવપુરનો રાજકુમાર છે? શું એ રાકાની કેદમાંથી જીવિત બચી શકશે? આ બધા સવાલોનાં જવાબ છુપાયા છે કાળની ગર્તામાં..!

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)