Revenge Third Issue: - 11 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ તૃતીય અંક: - 11

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-11

બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન

કુબાને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભાનુનાથ રાજમહેલમાં આવેલ પદ્માના કક્ષ તરફ અગ્રેસર થયાં, પદ્મા બાળકને જન્મ આપે એ સાથે જ એની હત્યા કરવાનો નીર્ધાર ભાનુનાથ કરી તો ચૂક્યાં હતાં પણ એમને એ અંદાજો નહોતો કે કાલરાત્રી બાળ સ્વરૂપે પણ એમના સમકક્ષ શક્તિઓનો સ્વામી હતો.

રાજવૈદ્ય અને એમની સહાયક નંદિતા પદ્માની પ્રસુતીની તૈયારીમાં હતા એ સમયે પદ્માએ એક મરણતોલ ચીસ પાડીને એની આસપાસ હાજર સૌને અંદર સુધી ધ્રૂજાવી મૂક્યા. આ ચીસની સમાંતર પદ્માના ઉદરનો ભાગ અંદરની તરફથી કોઈક ચીરતું હોય એવું દ્રશ્ય ગૌરીદેવી, રાજવૈદ્ય અને નંદિતાએ નિહાળ્યું. પદ્માની મરણતોલ ચીસો વચ્ચે એનું ઉદર આપમેળે ચિરાઈ ગયું અને એમાંથી પહેલા લોહીભીનો એક હાથ બહાર આવ્યો.

ગૌરીદેવી, નંદિતા અને રાજવૈદ્ય આ આંચકમાંથી બહાર આવે એ પહેલા તો એક નવજાત શિશુ પદ્માના ઉદરને ચીરતું બહાર આવી પહોંચ્યું. બહાર આવતાની સાથે જ એ શિશુએ પોતાની ગર્ભનાળને ઝટકા સાથે તોડી નાંખી અને કક્ષમાં મોજુદ દરેકની સામે ધારીધારીને જોવા લાગ્યું.

એ નવજાત શિશુ બીજું કોઈ નહિ પણ શૈતાનોનો રાજા કાલરાત્રી હતો, જે મનુષ્ય રૂપે અવતરી ચૂક્યો હતો. શૈતાની શક્તિઓના લીધે કાલરાત્રી જન્મતા જ બોલવાની અને ચાલવાની શક્તિઓ ધરાવતો હતો. આ ઉપરાંત એના માથે બે શીંગડા હતા અને હોઠની કિનારે બે અણીદાર દાંત દ્રશ્યમાન થતા હતાં.

પોતે આવા શૈતાનની જન્મદાત્રી બની છે એ નજરે નિહાળ્યા બાદ અસહ્ય પીડા સામે ઝઝૂમતી પદ્માની આંખો સદાયને માટે મીંચાઈ ગઈ. પદ્માના મૃત શરીર પરથી ઠેકડો મારીને કાલરાત્રી કક્ષની છત પર એ રીતે ચીપકી ગયો જાણે એ કોઈ ગરોળી હોય.!

આખરે આ બધું શું થઈ રહ્યું છે? એ પ્રશ્ન સાથે રાજવૈદ્ય, નંદિતા અને ગૌરીદેવી એકબીજાનું મુખ તકવા લાગ્યા.

"સૈનિકો, અંદર આવો.!" પદ્માના કક્ષની બહાર મોજુદ સૈનિકોને આદેશ આપતા ગૌરીદેવી બોલ્યા.

બહાર ઊભેલા સૈનિકોએ પદ્માની મરણતોલ ચીસો સાંભળી હતી પણ એને પ્રસૂતિ પીડાનું કારણ માની એ લોકો કક્ષની બહાર જ રહ્યા..પણ, જેવો રાજમાતાનો આદેશ મળ્યો એ સાથે એ ચારેય રાજપૂત સૈનિકો તલવાર સાથે કક્ષમાં ધસી આવ્યા.

"શું થયું રાજમાતા?" અંદર આવેલા સૈનિકોમાંથી એક સૈનિક દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગૌરીદેવીએ છત પર રહેલા કાલરાત્રી તરફ આંગળી કરી.

કાલરાત્રીને જોતા જ એ તમામ સૈનિકો પહેલા તો ડઘાઈ ગયા પણ તુરંત એમને સ્વસ્થતા ધારણ કરી અને કાલરાત્રીને નીચે ઉતરવા આહવાન કર્યું.

 

એમના બે-ત્રણ વાર કહેવા છતાં કાલરાત્રી નીચે ના આવ્યો ત્યારે એક સૈનિકે પોતાનાં કમરબંધ પર લટકતી ખંજર નીકાળી અને એને કાલરાત્રી તરફ બળપૂર્વક ફેંકી. ત્યાં હાજર તમામ લોકોના આશ્ચર્ય વચ્ચે એ ખંજર હવામાં જ અટકી ગયું અને જે ગતિએ ગયું હતું એ જ ગતિએ પાછું આવી સૈનિકની ફેંકનાર સૈનિકની જમણી આંખની આરપાર ઉતરી ગયું.

 

પોતાના સાથી સૈનિકની હાલત જોઈને હેબતાઈ ગયેલા સૈનિકો કંઈ પ્રત્યાઘાત આપે એ પહેલા કાલરાત્રી એક સૈનિક પર કૂદી પડ્યો. એની ગરદન પર બચકું ભરી એની ગરદનમાંથી માંસનો લોચો નીકાળી લીધા બાદ કાલરાત્રીએ બાકીનાં બે સૈનિકોને પણ ખૂબ જ ભૂંડી રીતે મોતને ઘાટ ઉતારી દીધા.

ચારેય સૈનિકોની મોત પર અટ્ટહાસ્ય કરતા કાલરાત્રીનું કદ અચાનક વધી ગયું અને એ પાંચેક વર્ષના બાળકના રૂપમાં આવી ગયો. ચાર સૈનિકો બાદ એને નંદિતા અને રાજવૈદ્યનું પણ કાસળ કાઢી નાંખ્યું. એમાં ભાગવાની કોશિશ કરી રહેલ રાજવૈદ્યનું હૃદય નીકાળી જે ક્રૂરતાથી કાલરાત્રીએ એમને મોત આપ્યું એ જોઈને ત્યાં જીવિત ઊભેલા ગૌરીદેવીનું લોહી જામી ગયું.

રાજવૈદ્ય અને નંદિતાની હત્યા બાદ કાલરાત્રીનું શારીરિક કદ પુનઃ થોડું વધી ગયું. ગૌરીદેવી આ પરથી સમજી ગયા કે જેમ-જેમ આ દૈત્ય મનુષ્યોને મોતને ઘાટ ઉતારશે એમ-એમ એ તીવ્રતાથી યુવાન સ્વરૂપમાં આવી જવાનો.

 

રાજવૈદ્યને સ્વધામ પહોંચાડી કાલરાત્રી પશુની માફક ચાર પગ પર ચાલીને ગૌરીદેવી તરફ અગ્રેસર થયો. મોતને નજરો સમક્ષ જોવા છતાં ગૌરીદેવી ત્યાંથી ભાગવાના બદલે પોતાની જગ્યાએ જ ખોડાઈ રહ્યા. અંતિમ સમયે પ્રભુનું સ્મરણ કરી લેવા ગૌરીદેવીએ આંખો મીંચી અને ૐ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યા.

"એ દુષ્ટ કાલરાત્રી, ત્યાં જ અટકી જજે..!" કાલરાત્રી ગૌરીદેવી પર હુમલો કરવા જતો હતો ત્યાં જ ભાનુનાથનો ક્રુદ્ધ સ્વર સાંભળી એ આગળ વધતો અટકી ગયો.

કલરાત્રીએ ગૌરીદેવીનો જીવ લેવાનો વિચાર પડતો મૂકી, પોતાને પડકારનારા વૃદ્ધ ભાનુનાથનો ખાત્મો કરવાની મંછા સાથે ભાનુનાથ તરફ જોઈને કકર્ષ સ્વરે કહ્યું.

"કોણ છે તું.?"

"તારો કાળ છું હું કાલરાત્રી..!"

પોતાનું નામ જાણતો આ વૃદ્ધ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એ સમજાઈ જતા કાલરાત્રીએ ધ્યાનથી ભાનુનાથના તેજસ્વી મુખ તરફ જોયું. ભાનુનાથના મુખ પરનું તેજ અને આંખોમાં રહેલી નિર્ભયતા જોઈને કાલરાત્રીને આવો સબળ શિકાર કરવા માટેની ચાનક ચડી અને એને ભાનુનાથને લલકાર આપતા કહ્યું.

"તો પછી થઈ જાય મુકાબલો, કોણ કોનો કાળ છે એ જલ્દી સમજાઈ જશે."

આ સાથે જ એક એવા દ્વંદ્વનો આરંભ થયો જેના પર સમગ્ર સૃષ્ટિનું ભાવિ નિર્ભર હતું. સચ્ચાઈ અને બુરાઈની આ જંગમાં કોણ વિજેતા બનશે એની ઉપર માનવજાતિનું અસ્તિત્વ જોડાયેલું હતું.

**********

રાજમહેલમાં શું બની રહ્યું છે એ વાતથી બેખબર વિરસેન માટે તો અર્જુનસિંહ માધવપુરનો સૌથી મોટો દુશ્મન હતો. પોતાના સૈન્યની હાર થઈ હોવા છતાં અર્જુનસિંહને મારીને હિસાબ ચૂકતે કરવાની ભારે ખેવના સાથે વિરસેન હાથમાં તલવાર લઈને ખૂબ જ સાવચેતી સાથે ધોડા પર બેસલા અર્જુનસિંહ તરફ આગળ વધ્યો. અર્જુનસિંહ નક્કી રાજમહેલ તરફ જશે એવું અનુમાન કરી વિરસેન રાજમહેલ તરફ જતા રસ્તે એક વૃક્ષની ઓથ લઈને સંતાઈ ગયો.

કાલરાત્રીના જન્મની સાથે જ કાળી શક્તિઓ માધવપુરના આકાશમાં એકત્રિત થઈ રહી હતી. જેના ફળ સ્વરૂપ કાળા ડિબાંગ વાદળો સમગ્ર માધવપુર પર છવાઈ ગયા હતાં. જેની અંદરથી હવે અગનગોળા વરસીને માધવપુરની તારાજી કરી રહ્યા હતાં.

 

આ બધું કેમ થઈ રહ્યું છે એ સમજવામાં અસમર્થ અર્જુનસિંહ રાજપરિવારનો ખાત્મો કરવા રાજમહેલ તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં જ છુપાઈને ઊભેલા વિરસેને એનો ઘોડાની લગામ પકડેલો હાથ તલવારના એક ઝાટકે રહેંસી નાંખ્યો. આમ થતા અર્જુનસિંહની ઘોડા પરની પકડ છૂટી ગઈ અને એ બહુ ખરાબ રીતે જમીન પર પછડાયો.

પોતાના રાજા પર થયેલા આ ઓચિંતા હુમલાની કળ અર્જુનસિંહના સૈનિકોને વળે ત્યાં સુધી તો વિરસેન તલવાર લઈને ઘાયલ અર્જુનસિંહની નજીક આવી પહોંચ્યો હતો.

વિરસેન અર્જુનસિંહ પર હુમલો કરવા જતો જ હતો ત્યાં એક તીર સામેની દિશા તરફથી આવ્યું અને વિરસેનની છાતીમાં ઉતરી ગયું. એક પીડાદાયક ચીસ નાંખીને વિરસેન આ સાથે જ ઘૂંટણભેર બેસી ગયાં. બાડમેરના એક કુશાગ્ર ક્ષમતા ધરાવતા તીરંદાજે અંત સમયે તીર ચલાવી પોતાના રાજાનો જીવ બચાવી લીધો હતો. વિરસેનને આ હાલતમાં જોઈ પોતે મોતના મુખમાંથી આબાદ ઉગરી ગયો છે એ ધ્યાનમાં આવતા જ અર્જુનસિંહે પોતાના જમણા હાથમાં નીચે પડેલી તલવાર ઉઠાવી અને ઘાયલ વિરસેન તરફ ડગ માંડ્યા.

પોતાનો દુશ્મન હોવા છતાં લોહીથી ખરડાયેલા દેહ સાથે અંતિમ શ્વાસો ગણી રહેલા વિરસેનને જોઈ અર્જુનસિંહને આ રાજપૂત સેનાપતિ માટે ગર્વ થયું. આ શૂરવીરને સ્વધામ પહોંચાડવાનું સૌભાગ્ય પોતાને મળવાનું છે એ વિચારી અર્જુનસિંહ વિરસેનની નજીક પહોંચી ગયો.

વિરસેનની ગરદનને ઘડ પરથી અલગ કરીને એને મોતને હવાલે કરવા અર્જુનસિંહે પોતાના હાથમાં રહેલી તલવારને ઊંચી કરી અને તીવ્રતાથી એને વિરસેનની ગરદન પર ચલાવવા નીચે કરી. આ જ સમયે વિરસેને પણ પોતાની તમામ ઉર્જાને કામે લગાડી પોતાના હાથમાં રહેલી તલવારને અર્જુનસિંહના હૃદયનું આબાદ નિશાન લઈને અર્જુનસિંહના શરીરમાં ઉતારી દીધી. અર્જુનસિંહની તલવાર પણ એ જ સમયે વિરસેનની ગરદનને ધડથી અલગ કરી ચૂકી હતી.

વિરસેનનું મસ્તક વગરનું ધડ થોડો સમય તરફડીને શાંત થઈ ગયું પણ અર્જુનસિંહનો જીવ કેમેય નીકળતો નહોતો. પોતાના પાપોની સજા પોતાને અંતિમ સમયમાં ભોગવવી પડી રહી છે એવો મનોમન કયાસ લગાડતા અર્જુનસિંહ પોતાની મોતની રાહ જોઈ રહ્યો હતો.

બાડમેરના સૈન્યનો જુસ્સો અર્જુનસિંહની આ દશા જોઈને ઓસરી ગયો. માધવપુર જીતવાની ખુશી ક્ષણમાં ગાયબ થઈ ગઈ. અર્જુનસિંહને લઈને પાછા બાડમેર જવાની ગણતરી સાથે અર્જુનસિંહના ખાસ વફાદાર સૈનિકો એની તરફ આગળ વધી રહ્યા હતાં ત્યાં જ આકાશમાંથી એક મોટો આગનો ગોળો અર્જુનસિંહ પર પડ્યો, થોડી જ ક્ષણોમાં અર્જુનસિંહના શરીરની જગ્યાએ રાખનો ઢગલો થઈ ગયો.

રાજા વિના આગળ શું કરવું? આ પ્રશ્ન અંગે બાડમેરનું રાજા વિનાનું નોંધારું સૈન્ય અંદરોઅંદર ચર્ચા કરી રહ્યું હતું ત્યાં જ આકાશમાંથી થતી અગનવર્ષાનું પ્રમાણ તીવ્ર થઈ ગયું. આકાશમાંથી આવતા આગનાં ગોળા મોત બની ત્રાટકવા લાગ્યા. પોતાનો જીવ બચાવવા બાડમેરના સૈન્યની સાથે માધવપુરની પ્રજા અહીંતહીં નાસવા લાગી.

જીવ બચાવવા ભાગી રહેલા લોકોને અંદાજો નહોતો કે શૈતાનના આગમનને વધાવવા થઈ રહેલી અગનવર્ષા માધવપુરનો વિનાશ કર્યાં સિવાય અટકવાની નથી. અમુક સમયમાં માધવપુરનું અસ્તિત્વ વિસરાય જવાનું છે એ વાતથી અજાણ લોકો મોતને હાથતાળી આપવાનાં પ્રયાસમાં જોતરાઈ તો ગયા હતા પણ મોતથી ક્યારેય કોઈ બચ્યું છે ખરા?

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

 

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

 

Share

NEW REALESED